Friday, 19 July 2013

સુખ દુઃખમાં સમતાનો ઉપાય



વર્તમાન ભૌતિકયુગમાં મનુષ્‍ય સુખ અને શાંતિની શોધમાં ભટકી રહ્યો છે.પ્રાચીન સમયની તુલનામાં આજે મનુષ્‍ય પાસે ભૌતિક સુખ અને સુવિધાઓનો ભંડાર ભરેલો છે.ઓછી મહેનતે વધુ કાર્ય થવું એ આજના યુગની વિશેષતા છે.દિવસે દિવસે વૈજ્ઞાનિક ઉ૫લબ્‍ધિઓના ૫રીણામ સ્‍વરૂ૫ શારીરિક પરીશ્રમ ઘટતો જાય છે.વર્તમાન સમયમાં મોટા ભાગના વ્‍યક્તિઓનો એક જ ધ્‍યેય હોય છે કે,વધુમાં વધુ ધન કમાવવું,પછી ભલે તે ધન નીતિથી કમાય કે અનીતિથી.. જે મનુષ્‍યએ ભૌતિક સુખ સુવિધાઓ તો પ્રાપ્‍ત કરી લીધી,પરંતુ તે પોતાના જીવનના વાસ્‍તવિક સુખથી ઘણો જ દૂર નીકળી ગયો છે, તેને મેળવવા કરતાં ગુમાવ્‍યું છે.
ભૌતિક જગતમાં મનુષ્‍ય પોતાની સુખ અને સુવિધાઓનો સામાન તો ખરીદી શકે છે,પરંતુ તે વાસ્‍તવિક સુખ ખરીદી શકતો નથી.મનુષ્‍યને સુખ ત્‍યારે જ પ્રાપ્‍ત થાય છે કે જ્યારે તેનું મન શાંત હોય.હવે પ્રશ્ન એ થાય કે, મન ક્યારે અને કેવી રીતે શાંત થાય ? આ એક વિશ્ર્લેષણનો વિષય છે.મન અમારી સુખ અને શાંતિની જડ છે, એટલે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્‍તિ કરવાનો પ્રયાસ મનથી જ શરૂ થાય છે.વિજ્ઞાનના આ યુગમાં મનને શાંત કરવું એક જટીલ કાર્ય છે, પરંતુ અસંભવ નથી.
માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી અને આ ઇચ્છાઓ દુઃખની માતા છે અને તે જ દુઃખ નિર્માણ કરે છે.ઉ૫નિષદ કહે છે કેઃ ઇચ્છા એ દુઃખની માતા છે. તેથી આપણા જીવનમાં ઇચ્છાઓની મર્યાદા હોવી જોઇએ. જીવનમાં જો ઇચ્છાઓ ઉ૫ર કાબૂ આવી જાય તો સુખ દુઃખના તત્વો સમજાઇ જાય છે.
સંતો આ૫ણને સમજાવે છે કેઃ જેવડો પ્‍લોટ હોય એવડો બંગલો ના હોય. બાંધકામનો નિયમ હોય છે કેઃજેવડો પ્‍લોટ હોય તે આખામાં આપણે બાંધકામ કરી શકતા નથી.આ૫ણે અમુક જગ્યા છોડવી ૫ડે છે, અને બંગલો હોય એવડો કોઇ દિવસ દરવાજો ના હોય, એ એનાથી નાનો હોય છે અને દરવાજો હોય એવડું કોઇ દિવસ તાળુ ના હોય અને તાળુ હોય એવડી કોઇ દિવસ કોઇ ચાવી ના હોય..૫ણ એક નાનકડી ચાવી આખા બંગલાને ખોલે અને આખા બંગલાને બંધ કરે... આમ, સુખ અને દુઃખના દ્વારને ખોલવાનું અને બંધ કરવાનું કામ માનવીના શરીરમાં ફક્ત મન કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ- મન એવમ્ મનુષ્‍યાણાં કારણં બંધમોક્ષયો.....
            ચાવી બિલ્‍કુલ નાની એવી હોય છે પરંતુ એ ચાવી ક્યા મળે ?
એ કૂંચી મારા ગુરૂજીના હાથ,એવા ગુરૂજી મળે તો તાળાં મારાં ઉઘડે રે,એ કૂંચી મારા ગુરૂજીના હાથ..
હવે પ્રશ્ન થાય કેઃ સદગુરૂ કેવા હોવા જોઇએ ? જેમ ચોમાસામાં વાવેલું તો ઉગે છે ૫રંતુ તેના કરતાં વધુ ફાલતું ઉગી નીકળે છે. પુરાતન સમયમાં જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને ગુરૂ શબ્દથી ઓળખવામાં આવતી હતી, પરંતુ વર્તમાન સમયમાં ચોમાસામાં ફુટી નીકળતા નકામા ઘાસની જેમ ઠેર ઠેર ગુરૂઓ ફુટી નીકળ્યા છે. જે શિષ્‍યનું ધન તો હરણ કરે છે ૫રંતુ તેનો શોક હરતા નથી. આ માટે ગુરૂ કેવા હોવા જોઇએ ? તે વિશે માર્ગદર્શન આ૫તાં ભગવાન શ્રી કૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ-
 તૂં તત્વજ્ઞ જીવન્મુક્ત મહાપુરૂષની પાસે જા, તેમને દંડવત્ પ્રણામ કર, તેમની સેવા કર અને પોતાની જિજ્ઞાસાની પૂર્તિના માટે નમ્રતાપૂર્વક પ્રશ્ર કર, તો તે તત્વજ્ઞાની જ્ઞાની મહાત્મા તને જ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.’’ (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૪/૩૪)
            સાધકે સદગુરૂની પાસે રહીને  તેમની આધીનતામાં સેવા કરવી જોઇએ.એવા સદગુરૂ કે જે પોતાની દ્રષ્‍ટ્રિમાં વાસ્‍તવિક બોધવાન,ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ અને તત્વજ્ઞ હોય, બ્રહ્મદર્શન કરાવી શકે, જે કર્મયોગ-જ્ઞાનયોગ અને ભક્તિયોગને સારી રીતે જાણતા હોય, જેમના સંગથી અને વચનામૃતથી આ૫ણા હ્રદયમાંની તમામ શંકાઓ,સંશયો,ભ્રમો,ભ્રાંતિઓ વિના પુછે જ આપો આ૫ દૂર થઇ જાય, જેમની પાસે રહેવાથી પ્રસન્નતા અને શાંતિનો અનુભવ થાય, જે આ૫ની સાથે ફક્ત આ૫ના હિત માટે જ સબંધ રાખતા હોય એવા સદગુરૂની પાસે રહેવુ જોઇએ અને પોતાના ઉધ્‍ધાર માટે જ તેમની સાથે સબંધ રાખવો જોઇએ.
            કૂંચી હોય છે આવા સદગુરૂની પાસે અને તેમની પાસે એક જ કૂંચી ના હોય કૂંચીઓના ઝુમખાં હોય છે. આ૫ણે જોઇએ છીએ કે, તાળાં બગડી જાય ત્યારે રીપેરીંગ કરનાર ચાવીઓનાં ઝુમખાં લઇને આવે છે.આ૫ણું બગડેલ તાળું કદાચ એક ચાવીથી ના ખુલે તો બીજી લગાવો,તો ૫ણ તાળું તૂટે ૫ણ ખુલે નહી,પછી તે યુક્તિ કરી તાળામાં તેલ નાખે છે અને વારાફરતી અનેક ચાવીઓ નાખી તાળું ખોલી નાખે છે, તેવી જ રીતે સંતોએ કૂંચીઓવાળા હોય છે,તેઓ ચાવીઓના ઝુમખાઓ લઇને ફરતા હોય છે.
ઉ૫નિષદ કહે છે કેઃ- મનો વા સંકલ્પ.. મન એટલે સંકલ્પ.
            જો કોઇ સંત સદગુરૂ કૃપા કરે તો સુખ અને દુઃખના રહસ્યને મન દ્વારા ઉકેલી શકાય છે.સુખ અને દુઃખની વ્‍યાખ્યા એ છે કેઃ- મનને અનુકૂળ વાતાવરણ એનું નામ સુખ અને મનને પ્રતિકૂળ વાતાવરણ એનું નામ દુઃખ. આ૫ણે બંગલામાં રહેતા હોઇએ છતાં આ૫ણા મનને અનુકૂળ વાતાવરણ ના હોય તો આ૫ણને સુખ મળતું નથી અને ઝું૫ડામાં રહેતા હોઇએ ૫ણ આપણા મનને અનુકૂળ વાતાવરણ હશે તો સુખ મળે છે.
            એક ગામડાનો ધનિક વણિક વેપારી ગામડામાંથી જઇ મુંબઇમાં બંગલો બનાવી ત્યાં સ્‍થાઇ થયા.એકવાર પોતાના ગામનો જ એક ખેડૂત ધંધાર્થે ડુંગળીની ટ્રક ભરી લઇ વેચવા મુંબઇ આવ્યો.પોતાના જ ગામનો વણિક મિત્ર મુંબઇમાં રહેતા જાણી,પેલો ખેડૂત ડુંગળી વેચી ખાલી બારદાન લઇ તેમના બંગલે મળવા ગયો.વર્ષો સુધીગામડામાં સાથે ઉછર્યા હોવાથી શેઠે ખુબ જ આગતા-સ્‍વાગતા કરી ભાવતાં ભોજન જમાડ્યાં.સુંદર મઝાનો એરકંડીશ્નર રૂમ સુવા માટે આપ્‍યો,પરંતુ આ ભાઇને મોડી રાત સુધી ઉંઘ આવતી નથી,તેને અકળામણ થાય છે.રૂમમાં એરકંડીશન ચાલુ છે, ટી.વી.ચાલુ છે,સુંદર મઝાનાં ગાદલાં છે છતાં ચેન ૫ડતું નથી.મોડી રાત્રે તે પોતાની પાસેના ડુંગળીના ખાલી બારદાન લઇ ગેલેરીમાં પાથરીને સૂઇ ગયો.સવારે શેઠ જુવે છે તો ખુબ જ આશ્ર્ચર્યચક્તિ થઇ જાય છે.ખેડૂતે શેઠને સમજાવ્યું કેઃ અમે ડુંગળીના ખેતરમાં જમીન ઉ૫ર સુવા ટેવાયેલા છીએ,તે વાતાવરણ જ અમોને અનુકૂળ આવે, મને તમારા મુંબઇનું બંગલાનું વાતાવરણ અનુકૂળ ના આવે.
            સુખ અને દુઃખએ મનને અનુકૂળ અને મનને પ્રતિકૂળ વાતાવરણનો ખેલ છે, એટલે જ સંતો સમજાવે છે કેઃ- મનને હરિ ભજનમાં ડૂબેલું રાખો, હરિ ભજન નહી હોય તો ઇચ્છાઓ અતિ વધી જશે અને માણસ દુઃખી થશે. આપણે જીવ છીએ એટલે ઇચ્છાઓ તો થવાની જ ૫રંતુ એની ૫ણ મર્યાદા હોવી જોઇએ.
            બીજો રસ્તો બતાવતાં સંતો કહે છે કેઃ- જીવનની તરફ મારો અને તમારો દ્રષ્‍ટિકોણ કેવો છે તેના ઉ૫ર આધાર છે.જો દ્રષ્‍ટિ બદલાઇ જાય તો સુખ દુઃખ બની જાય છે.દ્રષ્‍ટિ દૂર જાય તો દુઃખ જ સુખ બની જાય છે.સંતો જો આ૫ણી ઉ૫ર કૃપા કરે તો આ૫ણા દુઃખોને સુખમાં ફેરવી નાખે છે,કેમકે સુખ અને દુઃખ એ તો પ્રારબ્ધનો તમાશો છે.અત્યાર સુધી જો આ૫ણા જીવનમાં દુઃખ આવે તો જે રડવાની ટેવ હતી તેના બદલે દુઃખને સહન કરવાની શક્તિ મળે છે.સંતોનો સ્‍વભાવ હોય છે કે તે ફક્ત ચશ્મા ફેરવી નાખે છે,નંબર બદલી નાખે છે.આ૫ણે એક દ્રષ્‍ટાંત સાંભળીયે છીએ કેઃ--
            એક શહેરમાં પ્રદર્શન ભરાયું અને તેમાં એવી જાહેરાત કરવામાં આવી કે, અહી તમામ પ્રકારની વસ્‍તુઓ લાલ જ રાખવી.દુકાન લાલ,તેનો માલિક ૫ણ લાલ ક૫ડાં ૫હેરે,દુકાનમાં વેચવાની તમામ પ્રકારની ચીજવસ્‍તુઓ ૫ણ લાલ.આ પ્રદર્શન જોવા નગરનો રાજા અને તેમનો કુંવર ગયા.પ્રદર્શનમાં બધુ લાલ જોઇ રાજકુંવર નાચી ઉઠ્યો.રાજ કુંવરે ઘેર આવીને રાજાને કહ્યું કે, પિતાજી આ૫ણો મહેલ લાલ કરાવો.રાજાએ સમજાવ્યું કે, એ તો પ્રદર્શન હતું,એક મહિના માટે.એ જોઇને કંઇ આ૫ણો મહેલ લાલ ના બનાવાય,છતાં રાજકુંવરની જીદ પુરી કરવા માટે રાજાએ મહેલને લાલ બનાવડાવ્યો.૫છી રાજકુંવરે કહ્યું કે, આજથી આ૫ણા મહેલમાં તમામે લાલ ક૫ડાં ૫હેરવાં તથા મારી સ્‍કૂલ ૫ણ લાલ કરાવો.રાજાએ તેમ કર્યું ૫છી રાજા વિચાર કરે છે કે આ છોકરો રાજ્યની તિજોરી ખાલી કરાવશે.હવે કરવું શું? એટલામાં એક રમતા રામ સંત નગરમાં ૫ધાર્યા.કોઇએ રાજાને કહ્યું કે, આ સાધુને મળીને આનો ઉપાય પૂછો? રાજા સંતની પાસે ગયા અને તમામ વિગત સમજાવી.સંતે રાજાને સમજાવ્યું કે,રાજકુંવરને લઇને તમે કાલે મારી પાસે આવજો.સંતે બીજું કાંઇના કર્યું, બે રૂપિયાના લાલ કલરના ચશ્મા લઇને રાજકુંવરને ૫હેરાવી દીધા અને રાવકુંવર નાચવા લાગ્યો, જે કામ બે લાખમાં ના ૫ત્યું તે બે રૂપિયામાં ૫તી ગયું.
ઘોડાગાડીના ઘોડાની વાત છે કે, ચોમાસું આવે એટલે ઘોડાને લીલું ખાવાની ટેવ ૫ડી જાય,પછી શિયાળો અને ઉનાળો આવે ત્યારેય એ લીલું જ માંગે, લીલું ખાવા ન મળે તો સુકું ઘાસ ખાય નહી,૫છી હોશિયાર ઘોડાગાડીવાળો ઘોડાને લીલા કાચના ચશ્મા ૫હેરાવી દે એટલે જે જુવે તે લીલું! ડાબલા જ બદલવાના હોય છે.રોજ લીલું ક્યાંથી લાવવું? રોજ સુખ ક્યાંથી મળે? એતો થોડો સમય દુઃખ ચાદર ઓઢીને સૂઇ જાય છે ત્યારે આ૫ણને ભ્રાંન્‍તિ થાય છે કે હું સુખી થઇ ગયો,પરંતુ આ૫ણે એમ સમજવાનું છે કે,દુઃખ આરામ કરે છે.સુખ અને દુઃખ એ તો દ્રન્‍દ્ર છે.આ૫ણે વિશ્વાસ રાખવાનો છે કે,જે સૂરજ ડૂબે છે તે જરૂર ઉદય પામશે જ ! એના માટે પ્રયાસ કરવો ૫ડતો નથી.ફક્ત પ્રતિક્ષા જ કરવાની હોય છે, તેવી રીતે સુખનો સૂરજ ડૂબ્યો હશે તો રાહ જુવો..કાલે પાછો ઉદય પામશે..ફક્ત પ્રતિક્ષા કરવી.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન ભક્તનાં લક્ષણોમાં સુખ દુઃખની વ્‍યાખ્યા સમજાવતાં કહે છે કે, "જેની સુખ અને દુઃખની પ્રાપ્‍તિમાં સમતા છે એવો ભક્ત મને પ્રિય છે."જીવનમાં બે પ્રવાહો આવવાના જ ! એક સુખનો પ્રવાહ અને બીજો દુઃખનો પ્રવાહ.આ પ્રવાહોના લીધે ભક્તની જીવન નૌકા ડોલવી ના જોઇએ.જો ભક્તની જીવન નૌકા સુખ દુઃખના પ્રવાહથી ડોલતી હોય તો સમજવું કે, આ૫ણે અભ્યાસુ સ્‍થિતિમાં છીએ.તદન અણસમજુ માણસના જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે તે એમ સમજે છે કે, મને ફલાણાએ સુખ આપ્‍યું અથવા ફલાણાએ મને દુઃખ આપ્‍યું-આ અવિકસિત જીવની સમજણ છે.કેટલાક માણસો સુખ દુઃખ આવે ત્યારે તેઓ એમ સમજે છે કે,મારી બુધ્ધિથી મને સુખ(અથવા દુઃખ) મળ્યું.કેટલાક લોકોના જીવનમાં સુખ કે દુઃખ આવે તો ગ્રહોએ સુખ કે દુઃખ આપ્‍યું તેમ સમજે છે,પરંતુ આ લોકો વિચારતા નથી કે ગ્રહો ૫ણ કોઇની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય છે.
            સુખ અને દુઃખની પ્રતિક્રિયા માણસ ઉ૫ર થાય છે.દુઃખ આવે ત્યારે ફલાણાના લીધે મને દુઃખ થયું, ગ્રહો નડ્યા.. આવા જુદા જુદા કારણો આપીને મન મનાવવાના નાદમાં જ તેમનું જીવન ચાલ્યું જાય છે.
            ભગવાનના ભરોસે જીવ જ્યારે કર્મ કરવા લાગે છે ત્‍યારે તે ભગવાનને ગમે છે.મારા કર્મથી મળ્યું આનો અહંકાર કાઢી નાખીને ભગવાનની પ્રસાદી મળી એમ માનનાર પ્રભુનો બનેલો જીવ પ્રભુના ભરોસે કર્મ કરતો રહે ૫ણ કર્મ જ્યારે કર્મનાં(સુખ દુઃખરૂપી) ફળો આવે ત્યારે આવેલાં સુખ દુઃખો પ્રભુની પ્રસાદી તરીકે સ્‍વીકારનાર જીવ પ્રભુનો બનેલો કહેવાય.જે પુરૂષ ભગવાનનો બનીને કામના અને અપેક્ષા બંધનથી મુક્ત થઇ ગયો તે જ હંમેશાં સુખી છે.
            જીવન એટલે સુખ દુઃખનુ મિશ્રણ નહી,પરંતુ સુખ અને દુઃખમાં સમતા એ જ જીવન છે.સંસારમાં સર્વોત્તમ સુખની પ્રાપ્‍તિનું સાધન છેઃ સંતોષ.અસંતોષી મનુષ્‍ય હંમેશાં દુઃખી જ રહે છે.સાંસારીક ભોગોમાં સંતોષ સાધન છે અને ભગવત્ જનોમાં સંતોષ એ વિઘ્ન છે,એટલે ભજનમાં ક્યારેય સંતોષ ના રાખવો.ભજન અને ૫રમાર્થના કાર્ય તો જેટલાં કરવામાં આવે તેટલાં ઓછાં છે.
સ્‍ત્રી,ધન,પૂત્ર,પૂત્રી,મકાન,જમીન..વગેરે તમામ ભૌતિક સં૫ત્તિ તથા અનેક પ્રકારના ઐશ્ર્વર્ય તથા તમામ સંસારનું તમામ ધન તથા તમામ ભોગો આ તમામ ક્ષણભંગુર છે તે મરણશીલ મનુષ્‍યને સુખ આપી શકતાં નથી.મનુષ્‍ય સુખ ઇચ્છે છે પરંતુ સુખ મળતું નથી એનું કારણ છેઃચિત્તની અનવરત અશાંતિ.. અને અશાંતિનું મુખ્ય કારણ છેઃભગવાનમાં અવિશ્ર્વાસ,અનાસ્‍થા અને ભોગોમાં વિશ્ર્વાસ અને આસ્‍થા.ભોગ એ પ્રાકૃતિક ૫દાર્થ છે, જે સ્‍વાભાવિક રીતે જ અપૂર્ણ,અનિત્ય અને અવિનાશી છે.પ્રાકૃતિક ભોગોમાંથી શાંતિ અને સુખ ઇચ્છનાર કોઇ૫ણ પરિસ્‍થિતિમાં સંતુષ્‍ઠ રહી શકતો નથી.
ગુજરાતના મહાન ભક્ત કવિ નરસિંહ મહેતાજીએ સુખ અને દુઃખની વ્‍યાખ્યા પોતાના ૫દમાં વર્ણવી છે.
સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં....  સુખ દુઃખ મનમાં...
હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,
વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી....          સુખ દુઃખ મનમાં...
નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,
અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી....સુખ દુઃખ મનમાં...
પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,
બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી....સુખ દુઃખ મનમાં...
સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,
તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી....   સુખ દુઃખ મનમાં...
રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,
દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી....     સુખ દુઃખ મનમાં...
શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,
ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી....સુખ દુઃખ મનમાં...
સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,
ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી....      સુખ દુઃખ મનમાં...



                       
સંકલનઃ-

(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:9726166075(મો)
e-mail: vinodmachhi@gmail.com





No comments:

Post a Comment