Friday, 16 August 2024

શિવમહિમ્ન સ્ત્રોતના રચિયતા-પુષ્પદંત

 

શિવમહિમ્ન સ્ત્રોતના રચિયતા-પુષ્પદંત

પુષ્પદંત નામનો એક ગંધર્વ હતો.તેના દાંત કંદપુષ્પની કળીઓ જેવા ધોળા અને સુંદર હતા તેથી તે પુષ્પદંત તરીકે પ્રસિદ્ધ થયા.ગંધર્વો પણ દેવતુલ્ય શક્તિથી સંપન્ન હોય છે.તે ઉડી શકે છે,અદ્રશ્ય પણ થઇ શકે છે.પુષ્પદંત ભગવાન શિવનો પરમ ભક્ત તથા વિદ્વાન કવિ પણ હતો.તેના ગાયન કૌશલના કારણે દેવરાજ ઇન્દ્રના દરબારમાં દિવ્ય ગાયકના રૂપમાં તેની નિયુક્તિ કરવામાં આવી હતી.ભગવાન શિવનો ભક્ત હોવાથી તેને અલગ અલગ ફુલોથી ભગવાન શિવની પૂજા કરતો હતો.

એકવાર પુષ્પદંત ફરતો ફરતો રાજા ચિત્રાર્થના રાજ્યમાં આવે છે.રાજ્યની સુંદરતાને જોઇને પુષ્પદૈત આશ્ચર્યચક્તિ થઇ જાય છે.સમગ્ર રાજ્ય સુંદર બગીચા અને ફુલોથી ઘેરાયેલ જોઇને તે પોતાને રોકી ના શક્યો અને ઘણા બધા ફુલોની ચોરી કરીને લઇ જાય છે.

રાજા ચિત્રાર્થ પણ ભગવાન શિવના ભક્ત હતા.તેમને બગીચો એટલા માટે બનાવ્યો હતો કે જેમાંથી તે ફુલો તોડી ભગવાન શિવની પૂજા કરી શકે.તે દિવસે તે ભગવાનની પૂજા કરવા માટે બગીચામાં જાય છે તો ઉદાસ થઇ જાય છે કારણ કે બગીચાનાં મોટાભાગનાં ફુલો તોડી લેવામાં આવ્યાં હતા.રાજા ચિત્રાર્થે પોતાના સૈનિકોને બોલાવીને ફુલો કોન તોડી જાય છે તેની તપાસ કરવા કરવા તથા બગીચાની સુરક્ષા કડક બનાવવામાં આવે છે.

બીજા દિવસે કડક સુરક્ષા હોવા છતાં ફુલો ગાયબ થઇ ગયાં હતાં જેથી રાજા ચિત્રાર્થે બિલિપત્રના પાન તોડીને બગીચાના પ્રવેશદ્વારા અને બગીચામાં પાથરી દેવા સૂચના આપી.બીજા દિવસે સવારે પુષ્પદંત અદ્રશ્ય થઇને બગીચાની અંદર આવે છે અને અજાણમાં બગીચામાં પાથરેલ બિલિપત્રના પાન ઉપર પગ મુકે છે જેનાથી ભગવાન શિવની સાધનામાં વિઘ્ન પડે છે કેમકે બિલિપત્રનો ઉપયોગ ભગવાન શિવની પૂજા માટે કરવામાં આવે છે.ભગવાન શિવને ગુસ્સો આવે છે અને આંખો બંધ કરીને તપાસ કરી તો ખબર પડે છે કે બિલિપત્ર ઉપર પુષ્પદંતે પગ મુક્યા હતા.

ભગવાન શિવ વિચાર કરે છે કે જો કોઇ સામાન્ય મનુષ્યએ ભૂલ કરી હોત તો ક્ષમા કરી દેતો પરંતુ એક ગંધર્વ કે જે સ્વર્ગના પ્રાણી છે તેને તો ખબર હોવી જોઇએ કે બીજાના બગીચાના ફુલોની ચોરી ના કરવી જોઇએ અને શિવ નિર્માલ્ય બિલિપત્ર ઉપર પગ ના મુકવા જોઇએ.તેનામાં અદ્રશ્ય થવાની શક્તિના લીધે આમ કર્યું છે એટલે ભગવાન શિવે તેની અદ્રશ્ય થવાની શક્તિ તથા ઉડવાની શક્તિ પરત લઇ લે છે.

આ તરફ પૃથ્વી ઉપર પુષ્પદંત બગીચામાં ફુલો ચોરવા આવે છે તે સમયે રાજાના સૈનિકો આક્રમણ કરીને પુષ્પદંતને પકડી લે છે અને રાજા ચિત્રાર્થ પુષ્પદંતને કારાગારમાં પુરી દે છે.

પુષ્પદંત બંદીગૃહમાં વિચારે છે કે બિલિપત્રો ઉપર પગ મુકવાના કારણે ભગવાન શિવ મારા ઉપર ક્રોધિત થયા છે તેથી પોતાની શક્તિઓ પાછી મેળવવા માટે પુષ્પદંતે ભગવાન શિવની પ્રશંસા કરવા એક સ્ત્રોત લખ્યું જે ઘણું જ સુંદર હતું.પુષ્પદંતે જ્યારે આ સ્ત્રોત ગાયું તો ભગવાન શિવે પ્રસન્ન થઇને ગંધર્વને માફ કરી દીધું અને તેની અદ્રશ્ય થવાની શક્તિ તથા ઉડવાની શક્તિ પ્રદાન કરી.તે રાજા ચિત્રાર્થને મળે છે અને તેમની માફી માંગી અને ભવિષ્યમાં ક્યારેય ચોરી ન કરવાનું પ્રણ લે છે.રાજા પણ તેને માફ કરી દે છે.

પુષ્પદંતે બનાવેલ આ સ્ત્રોત શિવમહિમ્ન સ્ત્રોત કહેવામાં આવે છે જેમાં ભગવાન શિવના ગુણાનુવાદ છે.આ શ્લોકો સુંદર ગુણાનુવાદથી પરીપૂર્ણ અને અર્થ સભર છે.શિવમહિમ્ન સ્ત્રોતના છેલ્લા શ્લોકમાં લખ્યું છે કે..પુષ્પદંતના મુખથી નીકળેલ આ સ્ત્રોત તમામ દુઃખો દૂર કરનાર તથા ભગવાન શિવને પ્રિય છે.જે તેને વાંચશે,સાંભળશે અને ધારણ કરશે તેના જન્મજન્માંતરના પાપોથી ભગવાન શિવ મુક્ત કરી દેશે.

શિવમહિમ્ન સ્ત્રોતમાં કહ્યું છે કે હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરૂષો જાણતા નથી કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મન-વાણીથી પર છે તેમજ આપને પુરૂષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી.બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી.બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી.પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે.

દેવો-દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે.અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.

ભગવાન મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી.શિવમહિમ્ન સ્તોત્ર જેવી બીજી કોઈ સ્તુતિ નથી, તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.રાજાના બગીચામાંથી પુષ્પદંત અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ.ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી.આથી શિવજીને પ્રસન્ન કરવા પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

પુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે તે શિવલોકમાં જાય છે.

જે મનુષ્ય દિવસમાં એક-બે કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે બધાં પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.જે કોઈ શ્રી પુષ્પદંતના મુખારવિંદથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારૂં શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા ભગવાન મહેશ પ્રસન્ન થાય છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

શિવપુરાણની કથા શ્રવણથી ચંચુલાનો પાપના ભય અને સંસારથી વૈરાગ્ય થયો.

 

શિવપુરાણની કથા શ્રવણથી ચંચુલાનો પાપના ભય અને સંસારથી વૈરાગ્ય થયો.

 

અમૃત પીવાવાળાને મુક્તિ મળતી નથી પરંતુ ભગવાન શિવની કથામૃતનું પાન પ્રત્યક્ષ મુક્તિ આપનાર છે.સદાશિવની કથા સાંભળવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે.શિવકથા ઉત્તમ જ્ઞાનયજ્ઞ છે.જે સાંસારીક ભોગ અને મોક્ષ આપનાર છે.આ વિશે શિવપુરાણ માહાત્મયમાં એક પ્રાચિન કથા આવે છે.

 

સમુદ્રના નજીકના પ્રદેશમાં એક બાષ્કલ નામનું ગામ હતું જેમાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી દ્વિજ રહેતા હતા.તે તમામ ઘણા જ દુષ્ટ અને કુટીલવૃત્તિવાળા હતા.તેમનું મન દૂષિત વિષયભોગોમાં લાગેલું રહેતું હતું.તેઓ દેવતાઓ કે ભાગ્ય ઉપર વિશ્વાસ કરતા નહોતા.તેઓ ખેતીવાડી કરતા હતા અને સાથે સાથે ઘાતક શસ્ત્રો પણ રાખતા હતા.તેઓ પરસ્ત્રીગમન કરનારા હતા.જ્ઞાન-વૈરાગ્ય અને સદધર્મને બિલ્કુલ જાણતા નહોતા.તે તમામ પશુબુદ્ધિના હતા અને હંમેશાં દૂષિત વાતો કરવામાં જ મગ્ન રહેતા હતા.

 

ગામના દ્વિજો જ આવા હોય તો અન્ય વર્ણોના લોકોનું તો કહેવું જ શું? અન્ય વર્ણોના લોકો પણ કુત્સિત વિચારોવાળા અને કુકર્મોમાં લાગેલા રહેતા હતા અને વિષયભોગોમાં ડૂબેલા રહેતા હતા.ત્યાંની તમામ સ્ત્રીઓ પણ કુટીલ સ્વભાવની,સ્વેચ્છાચારિણી અને વ્યભિચારીણી હતી.આ બાષ્કલ ગામમાં એક બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો જે ઘણો જ અધમ હતો.તે દુરાત્મા અને મહાપાપી હતો. જો કે તેની સ્ત્રી ઘણી જ સુંદર હતી તેમ છતાં તે કુમાર્ગ ઉપર ચાલતો હતો અને કામવાસનાથી વેશ્યાગામી બન્યો હતો.

 

તેની પત્નીનું નામ ચંચુલા હતું જે હંમેશાં ઉત્તમ ધર્મનું પાલન કરતી હતી તેમછતાં તેને છોડીને તેનો પતિ વેશ્યાઓ પાસે જતો હતો.આમ કુકર્મમાં લાગેલો બિંદુગના ઘણા વર્ષો પસાર થયા.તેની પત્ની ચંચુલા કામના આવેશથી પિડીત હોવા છતાં થોડા વર્ષો સુધી ધર્મભ્રષ્ટ ના થઇ પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઇને કામપીડિત થતાં દુરાચારિણી બની ગઇ.ભષ્ટ ચરીત્રવાળી તે પતિથી છુપાઇને અન્ય પુરૂષ સાથે રમણ કરવા લાગી.

 

એકવાર બિંદુલ બ્રાહ્મણે પોતાની દુરાચારિણી પત્ની ચંચુલાને કામાસક્ત બની પારકા પુરૂષ સાથે ભોગ ભોગવતાં રંગે હાથે પકડી લીધી અને વાળ પકડીને મારવા લાગ્યો ત્યારે ચંચુલા કહે છે કે મારા જેવી પતિપરાયણ યુવાન પત્નીને છોડીને આપ કુબુદ્ધિવશ દરરોજ વેશ્યા સાથે ગમન કરો છો.તમે જ કહો કે રૂપવતી તથા કામાસક્ત ચિત્તવાળી યુવાન પત્નીને પતિસંસર્ગ ના મળે તો શું ગતિ થાય? હું સુંદર અને નવયૌવનથી ઉન્મત્ત છું.આપના સંસર્ગ વિના વ્યથિત ચિત્તવાળી હું કામજન્ય દુઃખને કેવી રીતે સહન કરી શકું?

 

ચંચુલાની વાત સાંભળીને મૂઢબુદ્ધિ મૂરખ બિંદુલ કહે છે કે તારી વાત સાચી છે.તૂં ડર રાખ્યા વિના નિર્ભય બનીને હવે દરરોજ પારકા પુરૂષો સાથે ભોગ ભોગવ અને તેમને સંતુષ્ટ કરીને તેઓની પાસેથી ધન ખેંચી લાવ અને મને તે ધન આપ જેનાથી આપણા બંન્નેનો સ્વાર્થ સિદ્ધ થાય.પતિનાં આવાં વચન સાંભળીને ચંચુલા પ્રસન્ન થઇ પતિની વાત માની બંન્ને નિર્ભય ચિત્તથી કુકર્મમાં લાગી ગયાં.આમને આમ ઘણા વર્ષો પસાર થઇ ગયાં.

 

ત્યારબાદ શૂદ્રજાતીય વેશ્યાનો પતિ બનેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બ્રાહ્મણ બિંદુલ સમય આવતાં મૃત્યુ પામે છે અને ઘણા દિવસો સુધી નરકની યાતના ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપી વિન્ધ્યપર્વત ઉપર ભયંકર પિશાચ બને છે.બિંદુલના મૃત્યુ પછી તેની પત્ની થોડો સમય પોતાના પૂત્રો સાથે પોતાના ઘરમાં રહે છે અને છેલ્લે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે.

 

એક દિવસ દૈવયોગથી કોઇ પુણ્ય પર્વ નિમિત્તે ચંચુલા પોતાના ભાઇ-બંધુઓ સાથે ગોકર્ણ તીર્થમાં જાય છે.તીર્થયાત્રીઓની સાથે સાથે તેને પણ તીર્થના જળમાં સ્નાન કર્યું અને મેળો જોવાના ભાવથી અહી તહીં ફરે છે.ફરતાં ફરતાં એક દેવમંદિરમાં તેને એક દૈવજ્ઞ બ્રાહ્મણના મુખેથી ભગવાન શિવની પરમ પવિત્ર તથા મંગલમય ઉત્તમ પૌરાણિક કથા સાંભળી.

 

કથાકાર કહી રહ્યા હતા કે  જે સ્ત્રીઓ પારકા પુરૂષ સાથે વ્યભિચાર કરે છે તે મર્યા પછી યમલોકમાં જાય છે અને ત્યાં યમદૂતો તેની યોનિમાં લોખંડનો તપાવેલ ભારે સળિયો નાખે છે.કથાકારના મુખે આવી વૈરાગ્ય વધારનારી કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ બનીને કાંપવા લાગે છે.જ્યારે કથા પુરી થાય છે અને તમામ શ્રોતાઓ જતા રહે છે ત્યારે તે ભયભીત નારી એકાંતમાં શિવપુરાણની કથા કહેનાર બ્રાહ્મણને કહે છે કે બ્રહ્મન ! હું મારા ધર્મને નથી જાણતી જેથી મારા દ્વારા દુરાચાર થયેલ છે તો મારા ઉદ્ધારનો રસ્તો બતાવો.મેં મૂઢબુદ્ધિના કારણે ઘોર પાપ કર્યું છે.કામાંધ બનીને મારી યુવાની વ્યભિચારમાં પસાર કરી છે.

 

આજે તમારા વૈરાગ્ય-રસથી ઓતપ્રોત પ્રવચન સાંભળીને મને ડર લાગે છે અને મને આ સંસારથી વૈરાગ્ય આવ્યો છે.હું મૂઢ બુદ્ધિવાળી પાપિનીને ધિક્કાર છે.હું નિંદાને યોગ્ય છું કેમકે હું મારા ધર્મથી વિમુખ બની ગઇ હતી.ક્ષણિક સુખ માટે પોતાના હિતનો નાશ કરનાર તથા ભયંકાર કષ્ટ આપનાર ઘોર પાપ મેં કર્યા છે.મૃત્યુ પછી ભયંકર યમદૂતો મને બળપૂર્વક બાંધીને લઇ જશે.નરકમાં મારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે આ દુઃખ હું કેવી રીતે સહન કરીશ? હે બ્રહ્મન ! આપ જ મારા ગુરૂ છો,આપ જ મારા માતા-પિતા છો.હું તમારા શરણમાં આવી છું મારો ઉદ્ધાર કરો.આમ દુઃખી અને વૈરાગ્ય યુક્ત થયેલ ચંચુલા બ્રાહ્મણના ચરણોમાં પડી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન શિવની કૃપાથી શિવપુરાણની વૈરાગ્યયુક્ત શ્રેષ્ઠ કથા સાંભળીને સમયસર તૂં ચેતી ગઇ છે.તમે ડરો નહી અને ભગવાન શિવની શરણમાં જાઓ.શિવકૃપાથી તમામ પાપ નષ્ટ થઇ જાય છે.

 

સત્પુરૂષોએ તમામ પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતનો ઉપદેશ આપ્યો છે એટલે વિષયોને મનથી હટાવીને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથા સાંભળો જેનાથી ચિત્ત શુદ્ધ થઇ મોક્ષની પ્રાપ્તિ થશે.શિવભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા બ્રાહ્મણદેવતાએ ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવી. ત્યારબાદ સમય થતાં ભક્તિ-જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ચંચુલાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને શિવના પાર્ષદો તેને વિમાનમાં બેસાડી શિવલોક લઇ ગયા, ત્યાં તેને ભગવાન શિવ કે જેમની ગણેશ ભૃંગી નંદીશ વીરભદ્રેશ્વર વગેરે ઉપાસના કરી રહ્યા હતા તેમનાં દર્શન કર્યા.તે સમયે ભગવાન શિવ અને ભગવતી માતા પાર્વતીજીએ તેને પોતાની પાસે બોલાવી અને પાર્વતીજીએ તેને પોતાની સખી બનાવી.

 

હવે સદગતિ પ્રાપ્ત થયા પછી ચંચુલાએ શું કર્યું? અને તેના પતિનું શું થયું તે કથા સાંભળો.

એક દિવસ પરમાનંદમાં નિમગ્ન ચંચુલાએ ઉમાદેવીની પાસે જઇ પ્રણામ કરી સ્તુતિ કરી જેનાથી પ્રસન્ન થઇ વર માંગવાનું કહેતાં ચંચુલાએ કહ્યું કે મારા પતિ બિંદુગ અત્યારે ક્યાં છે અને તેમની શું ગતિ થઇ છે? ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે તારો પતિ ઘણો પાપી હતો.તેનું અંતઃકરણ દૂષિત હતું.વેશ્યાનો ઉપભોગ કરવાથી તે મૃત્યુ બાદ નરકમાં પડ્યો છે.નરકનાં અનેક દુઃખ ભોગવીને એ પાપાત્મા બાકી રહેલાં પાપ ભોગવવા વિન્ધ્યપર્વત ઉપર પિશાચ થયો છે.ચંચુલાએ મનને સ્થિર કરીને પ્રાર્થના કરી કે હે ર્માં ! મારી ઉપર કૃપા કરો અને મારા દુષ્ટ પતિનો ઉદ્ધાર કરો.

 

માતા પાર્વતીજીએ કહ્યું કે જો તારો પતિ શિવપુરાણની પુણ્યમય ઉત્તમકથા શ્રવણ કરે તો ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે.ચંચુલાની વારંવારની પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરીદેવીને દયા આવી અને ભગવાન શિવની ઉત્તમ કીર્તિના ગુણગાન કરનાર ગંધર્વરાજ તુમ્બુરૂને બોલાવીને કહ્યું કે તમે મારી સખી ચંચુલાને લઇને વિન્ધ્યપર્વત ઉપર જાઓ કે જ્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે જે ગયા જન્મમાં ચંચુલાનો પતિ હતો.તમારે તેની આગળ શિવપુરાણની કથા કરવાની છે કે જે તમામ પાપોનો નાશ કરનાર છે.શિવપુરાણની કથા શ્રવણથી તે તમામ પાપોથી શુદ્ધ થતાં તેને મારી આજ્ઞાથી વિમાનમાં બેસાડીને ભગવાન શિવ સમીપ લઇ આવવાનો છે.

 

મહેશ્વરી ઉમાના આદેશથી આ પિશાચની પત્ની ચંચુલાને વિમાનમાં બેસાડી નારદના પરમ મિત્ર તુમ્બુરૂ વિન્ધ્યપર્વત ઉપર જાય છે.ત્યાં જઇને મહાબલી તુમ્બુરૂએ અત્યંત ભયંકર પિશાચને બળપૂર્વક પાશોથી બાંધી લીધો અને શિવકથાની શરૂઆત કરી.તમામ લોકોમાં આ વાત વાયુવેગે પહોંચી કે દેવી પાર્વતીની આજ્ઞાની એક પિશાચનો ઉદ્ધાર કરવા તુમ્બુરૂ વિન્ધ્યપર્વત ઉપર શિવકથાનું ગાન કરી રહ્યા છે જેથી અનેક ઋષિઓ અને દેવતાઓ ત્યાં પહોંચે છે.

 

ત્યારબાદ તુમ્બુરૂએ પિશાચને પાશોથી બાંધીને આસન ઉપર બેસાડ્યો અને હાથમાં વીણા લઇને શિવપુરાણની કથા શરૂ કરી.માહાત્મયસહિત પ્રથમ સંહિતાથી શરૂ કરીને સાતમી સંહિતા સુધી શિવપુરાણનું વર્ણન કર્યું.પરમ પુણ્યમય શિવકથા સાંભળીને પિશાચનાં તમામ પાપો ધોવાઇ જતાં પિશાચના શરીરનો ત્યાગ કરી દિવ્યરૂપ ધારણ કરી પોતાની પત્ની ચંચુલા સહિત શિવચરીત્રના ગુણગાન કરતાં કરતાં શિવધામમાં જાય છે.જે શિવકથા ભક્તિપૂર્વક સાંભળે છે કે પાઠ કરે છે તે અનેક સાંસારીક સુખોને ભોગવીને અંતે મુક્તિ પામે છે.(શિવમહાપુરાણ)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

શિવપુરાણની કથા શ્રવણ કરવાથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ

 

શિવપુરાણની કથા શ્રવણ કરવાથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ

 

જે મનુષ્ય પાપી દુરાચારી લુચ્ચા તથા કામ-ક્રોધમાં ડૂબેલા,લાલચુ,અસત્ય આચરણ કરનાર,માતા- પિતાનો દ્વેષ કરનાર,પાખંડી તથા હિંસક વૃત્તિના,છળકપટ કરનાર,વ્યભિચારી હોય તેઓ મનને પવિત્ર કરનારી,પાપનાશિની અને ભગવાન શિવને પ્રસન્ન કરનારી અદભૂત શિવપુરાણની કથા શ્રવણ કરે તો તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે.શિવકથા ઉત્તમ જ્ઞાનયજ્ઞ છે.જે સાંસારીક ભોગ અને મોક્ષ આપનાર છે.આ વિશે મુનિગણ એક પ્રાચિન ઉદાહરણ આપે છે.

 

કિરાતનગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જે દરિદ્ર-અજ્ઞાની તથા વૈદિક ધર્મથી વિમુખ હતો.તે સ્નાન-સંન્ધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થયો અને વૈશ્યવૃત્તિમાં તત્પર રહેતો હતો.તે પોતાના ઉપર વિશ્વાસ કરનાર લોકોને ઠગતો હતો.તેને ઘણા લોકોને દગાથી મારી નાખીને તેમનું ધન પ્રાપ્ત કર્યું હતું.તેને અધર્મથી ઘણું બધું ધન ભેગું કર્યું હતું પરંતુ આ પાપીએ એક રૂપીયો પણ ધર્મકાર્યમાં વાપર્યો નહોતો.

 

એકવાર દેવરાજ તળાવ ઉપર સ્નાન કરવા જાય છે ત્યાં શોભાવતી નામની એક વેશ્યાને જોઇને તેના ઉપર મોહિત થાય છે.આ સુંદરી પણ ધનાઢ્ય દેવરાજ પોતાના વશમાં થયો છે તે જાણીને પ્રસન્ન થાય છે.વાતચીતના અંતે દેવરાજે તેને પત્ની તરીકે અને શોભાવતીએ દેવરાજને પતિ તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું.આમ કામવશ બંન્નેએ લાંબા સમય સુધી વિહાર કર્યો. ખાતાં-પીતાં, ઉઠતાં-બેસતાં તથા તમામ ક્રીડાઓમાં બંન્ને પતિ-પત્ની તરીકે વ્યવહાર કરવા લાગ્યાં.દેવરાજની પત્ની તથા તેનાં માતા-પિતાએ ઘણું જ સમજાવ્યા છતાં તે પાપકૃત્યમાં જોડાયેલો રહે છે અને કોઇની વાત માનતો નથી.

 

એક દિવસ રાત્રીના સમયે આ દુષ્ટે ઇર્ષાવશ પોતાની પત્ની તથા માતા-પિતાને મારી નાખી તમામ ધન વેશ્યાને આપી દીધું.આ પાપી અભક્ષ્ય ભોજન તથા દારૂ પીવા લાગ્યો અને આ નીચ વેશ્યા સાથે એક જ પાત્રમાં ભોજન કરવા લાગ્યો.

 

દૈવયોગથી એક દિવસ તે ફરતો ફરતો પ્રતિષ્ઠાનપુર(ઝુંસી-પ્રયાગ) આવી પહોચે છે.ત્યાં એક શિવાલયમાં ઘણા બધા સાધુ મહાત્માઓને જોયા અને તે ત્યાં રોકાઇ જાય છે.તે દિવસે તેને સખત તાવ આવે છે અને દર્દથી તે તડપે છે.આ શિવમંદિરમાં એક બ્રાહ્મણ શિવકથા સંભળાવી રહ્યા હતા.તાવમાં તડપતો દેવરાજ આખી શિવકથા શ્રવણ કરે છે અને એક માસ પછી તે ગંભીર બિમારીમાં મરણને શરણ થતાં યમરાજાના દૂતો આવીને તેને બાંધીને યમપુરીમાં લઇ જાય છે,એટલામાં શિવલોકથી ભગવાન શિવના પાર્ષદ આવે છે અને યમપુરીના દૂતો સાથે મારામારી કરીને દેવરાજને તેમની જાળમાંથી છોડાવીને અત્યંત અદભૂત વિમાનમાં બેસાડીને શિવલોકમાં લઇ જાય છે તે સમયે યમપુરીમાં ઘણો કોલાહલ થાય છે.

 

આ કોલાહલ સાંભળીને ધર્મરાજા પોતાના ભવનમાંથી બહાર આવે છે અને સાક્ષાત રૂદ્ર સમાન ચાર દૂતોને જોઇને તેમનું વિધિપૂર્વક પૂજન કરે છે.યમરાજાએ દિવ્યદ્રષ્ટિથી સમગ્ર હકીકત જાણી લીધી.શિવદૂતો કૈલાશ ચાલ્યા ગયા અને તેમને આ બ્રાહ્મણને દયાસાગર સામ્બ શિવને આપી દીધા.

 

શિવપુરાણની આ પરમ પવિત્ર કથા સાંભળવાથી પાપી લોકો પણ મુક્તિને યોગ્ય બને છે.ભગવાન સદાશિવના પરમધામને વેદજ્ઞ તમામ લોકો સર્વશ્રેષ્ઠ કહે છે.જે પાપીએ ધનના લોભથી અનેક લોકોની હત્યા કરી હતી તથા પોતાના માતા-પિતા અને પત્નીની હત્યા કરી હતી,વેશ્યાગામી અને શરાબી હતો તેમ છતાં શિવમહાપુરાણની કથાના પ્રભાવથી ભગવાન શિવના પરમધામને પ્રાપ્ત કરી મુક્ત થઇ ગયો હતો. (શિવપુરાણ)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

મહામૃત્યુંજય મંત્રમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે.

 

મહામૃત્યુંજય મંત્રમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે.

 

ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્

ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય માઙમૃતાત્..

 

હે ઇશ્વર ! જેને ત્રણ નેત્ર છે,જેમને પ્રેમ-આદર અને શ્રદ્ધાથી પૂજવામાં આવે છે,જેની પાસે સંસારની તમામ સુગંધ છે,જેનો સ્વભાવ મધુર છે,જે પૂર્ણ છે,જેના લીધે સ્વસ્થ જીવન છે,જે વિનાશ કરતા રોગો-લાલસા અને ખરાબીઓ દૂર કરે છે,જેનાથી અમારૂં જીવન સમૃદ્ધ થાય છે તે અમર ભગવાન શિવને પ્રાર્થના છે કે અમારી તમામ બેડીઓ કાપીને અમોને મોક્ષનો માર્ગ બતાવો..

 

આ મહામંત્રના રચયિતા માર્કન્ડેય છે.સિદ્ધ મંત્ર દ્વાત્રિંશાક્ષરી બત્રીસ અક્ષરનો મંત્ર છે પરંતુ આ મંત્રમાં ઉમેરી દેવામાં આવે તો તેત્રીસ અક્ષર બની જાય છે.આ મંત્રના તેત્રીસ શબ્દોમાં તેત્રીસ દેવતા સમાહિત છે એટલે કે આ મંત્રમાં આઠ વસુઓ,અગિયાર રૂદ્ર,બાર આદિત્ય એક પ્રજાપતિ અને એક વષટ માનવામાં આવે છે.આ મંત્રમાં આવેલ પ્રત્યેક શબ્દનું ઉચ્ચારણ સ્પષ્ટ કરવું અત્યંત આવશ્યક છે.

 

મહામૃત્યુંજય મંત્રને મૃતસંજીવની મંત્ર પણ કહે છે જેનો જપ કરવાથી રોગ અને ભયથી મુક્તિ મળે છે,આયુષ્ય વધે છે અને આ મંત્રનો જાપ કરવાથી જે દિવ્ય ઉર્જા ઉત્પન્ન થતાં વાઇબ્રેશન બને છે તેનાથી આપણને આસુરી શક્તિઓથી સુરક્ષા મળે છે,આપણો બચાવ થાય છે.અવિદ્યારૂપી બંધન જ મૂળભૂત બંધન છે અને તે જ મૃત્યુ છે.આ અવિદ્યા જ આપણને સાચા અમૃતથી વંચિત રાખે છે તેથી તેને જ અહીં મૃત્યુ કહેલ છે.અમારે એ જ પ્રાર્થના કરવાની કે અમને અવિદ્યારૂપી મૃત્યુના બંધનથી મુક્ત કરો.

 

ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા.શિવજીના લલાટમાં ત્રીજું નેત્ર છે તે જ્ઞાનચક્ષુ છે.ત્રીજુ આંખ વિવેક અને અંર્તજ્ઞાનની છે.’’એક આંખ પ્રેમની છે.બીજી આંખ જ્ઞાનની છે અને ત્રીજી આંખ ન્યાયની છે.સંસ્કૃતિના કાર્ય કરનાર પાસે પણ ત્રણ આંખ હોવી જોઇએ. એક આંખ દયાની-બીજી કરૂણાની અને ત્રીજી આંખ કર્તવ્યદક્ષતાની હોવી જોઇએ.’’

યજામહે એટલે અમે તમારૂં પૂજન કરીએ છીએ.પૂજા સમયે ભગવાન શિવ પ્રત્યે અમારો જેટલો પવિત્ર ભાવ હોય છે તેટલો સારો પ્રભાવ અમારા જીવનમાં પડે છે.

સુગન્ધિં..ભગવાન શિવ સુગંધના ભંડારરૂપ અને મંગલકારી છે.જ્યારે અમારામાં કામ ક્રોધ લોભ મોહ અહંકાર અભિમાન અને ઇર્ષા જેવા દુર્ગુણો આવે છે ત્યારે અમારા વ્યક્તિત્વમાંથી દુર્ગંધ આવે છે.ભગવાન શિવની ભક્તિ અને મંત્ર જાપ કરવાથી આપણામાં દિવ્ય સુગંધ આવે છે.

પુષ્ટિવર્ધનમ્ એટલે આધ્યાત્મિક જીવનનો વિકાસ.વાણી ઉપર સંયમ રાખવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે.અમોને વિષય અને વિકારોના કાદવમાં પણ કમળની જેમ નિર્લેપ રાખો.

ઉર્વારૂકમિવ બન્ધનાન..સંસારના બંધનો,વિષય-વિકારોમાંથી પોતાને છોડાવવા ભગવાન શિવને પ્રાર્થના કરે છે.

મૃત્યોર્મુક્ષીય માઙમૃતાત્..આધ્યાત્મિકતા જીવનનું અંગ બન્યા પછી મરણના ભયથી મુક્તિ મળતી હોય છે.તન મન ધન સર્વ કંઇ પ્રભુના ચરણે સમર્પણ કર્યા પછી કરણ-કરાવનહાર તૂં સબકુછ તેરે પાસ આવી ભાવના આવવાથી મૃત્યુનો ભય રહેતો નથી.એક કવિએ પોતાની રચના(ભજન)માં મૃત્યુ વિશે સુંદર વર્ણન કરતાં લખ્યું છે કે જીવન જીવવું સહેલુ નથી મારે મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવુ નથી..

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

ભગવાન શિવની પ્રતિમા સામે નંદીની મૂર્તિ કેમ હોય છે?

 

ભગવાન શિવની પ્રતિમા સામે નંદીની મૂર્તિ કેમ હોય છે?

 

પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે.નંદીએ મહાદેવનું વાહન છે તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્ટિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને શરીરનું લક્ષ્ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ.

 

શિવનો અર્થ છે કલ્યાણ.તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો, તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે. શરીર નંદીની જેમ આત્માભિમુખ બને, શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ.સ્થિર તથા દ્રઢ રહીએ એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.

 

જ્યારે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ત્યારે નંદીની પૂજા પણ કરવી જોઈએ.નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી જ માનવામાં આવે છે.નંદી શિવજીના પ્રિય અને પરમ ભક્ત છે અને પોતાના ભક્ત નંદીની પૂજા કરનાર ભક્તો ઉપર ભગવાન શિવ ખાસ કૃપા કરે છે.

 

નંદીના નેત્ર હંમેશાં પોતાના ઇષ્ટના સ્મરણનું પ્રતિક છે કેમકે નેત્રોથી જ ઇષ્ટદેવની છબી મનમાં વસતી હોય છે અને આ જ ભક્તિની શરૂઆત છે.નંદીના નેત્ર એ વાત શિખવે છે કે જો ભક્તિની સાથે સાથે મનુષ્યમાં કામ ક્રોધ અહમ્ વગેરે દુર્ગુણોને પરાજીત કરવાનું સામર્થ્ય ના હોય તો ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી.નંદીના દર્શન પછી તેમના શિંગનો સ્પર્શ કરવાથી મનુષ્યમાં સદબુદ્ધિ આવે છે,વિવેક જાગ્રત થાય છે. નંદી પવિત્રતા-વિવેક બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક છે.તેમની દરેક ક્ષણ શિવને સમર્પિત હોય છે જે મનુષ્યને એ શિક્ષા આપે છે કે આપણે પોતાના જીવનની દરેક પલ પરમાત્માને અર્પણ કરીશું તો ભગવાન અમારૂં ધ્યાન રાખશે.

 

આવો આપણે એ જાણીએ કે નંદી ભગવાન શિવની પ્રતિમાની સામે કેમ બિરાજમાન હોય છે? નંદી કેમ અને કેવી રીતે ભગવાન શિવના વાહન બન્યા? પૌરાણિક કથા અનુસાર શિલાદ નામના એક મુનિ હતાં જે બ્રહ્મચારી હતાં.તેઓ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરશે અને મૃત્યુ આવે ત્યાં સુધી બ્રહ્મચારી રહી જીવન પસાર કરશે પરંતુ શિલાદમુનિના આ નિર્ણયથી મૃત્યુ પામેલ તેમના પિત્તૃઓનું જ્યાં સુધી શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ ભટકતા રહે છે,શ્રાદ્ધકર્મ કર્યા પછી જ તેઓની મુક્તિ મળે તેથી પિતૃઓ ઘણા જ દુઃખી થાય છે કારણ કે જો શિલાદ ઋષિ બ્રહ્મચારી રહે તો તેમને કોઈ સંતાન નહિ થાય અને સંતાન ન થાય તો પિત્તૃઓનું શ્રાદ્ધ ન થાય તેથી તેમને મુક્તિ ના મળે આથી પિતૃઓએ શિલાદમુનિને સ્વપ્નમાં આવીને પોતાનું દુઃખ જણાવ્યું.પિતૃઓની પ્રાર્થના ધ્યાને લઇને શિલાદ મુનિએ પુત્ર પ્રાપ્તિની કામના સાથે ઇન્દ્રદેવની આરાધના કરી.ઇન્દ્રદેવે પ્રસન્ન થઇને કહ્યું કે હે મુનિ ! તમે જે વરદાનની આશા રાખો છો તે હું પૂર્ણ કરી શકું તેમ નથી માટે આપ ભગવાન શિવની આરાધના કરો.

 

શિલાદમુનિએ ભગવાન શિવનું અતિ કઠિન તપ કર્યું.તેમના તપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે ત્યારે શિલાદમુનિ ભગવાન શિવ જેવા જ તેજસ્વી પુત્રની માંગણી કરે છે.ભગવાન શિવે આશીર્વાદ આપતાં કહ્યું કે હે શિલાદ મુનિ ! જે પૃથ્વીના ટૂકડાને તમે માતૃત્વ આપવાની ઇચ્છાથી યજ્ઞ તરીકે પસંદ કર્યો છે ત્યાં જ પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો. શિલાદમુનિ યજ્ઞની આહૂતિ માટે ખેતર ખેડે છે ત્યાં જ તેમને જમીનમાં દાણાઓની વચ્ચેથી એક પુત્રની પ્રાપ્તિ થાય છે.આ પુત્ર મળતાં તેઓને ઘણી જ ખુશ અને અત્યંત આનંદિત થઇ બોલી ઉઠે છે કે 'નંદી'.. નંદીનો અર્થ પ્રસન્નતા અને આનંદ થાય છે.

 

શિલાદમુનિને જમીન ખેડવા માટે બળદોની મદદ લીધી હતી.શિલાદમુનિને શિવભેટ તરીકે મળેલા પુત્રને પણ એક બળદની મુખાકૃતિ મળી.શિલાદમુનિને જે પૂત્રરત્ન પ્રાપ્ત થયું તે ફક્ત પિત્તૃઓના ઉદ્ધાર માટે મેળવ્યો હતો પરંતુ પૂત્ર જેમ જેમ થોડો મોટો થયો તેમ-તેમ તેમને પુત્રમોહ થવા માંડ્યો.એકદિવસ મિત્ર અને વરૂણદેવ તેમના આશ્રમમાં આવે છે.શિલાદમુનિએ પૂત્ર સહિત તેમની સેવા કરી.ખુશ થયેલા મિત્ર અને વરૂણદેવે શિલાદમુનિને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા પરંતુ નંદીને કોઈ આશીર્વાદ ના આપ્યા તેથી શિલાદમુનિને દુઃખ થાય છે.તેઓએ તેનું કારણ પૂછ્યું તો દેવતાઓએ કહ્યું કે મુનિવર ! નંદી અલ્પઆયુ છે, સોળ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થઇ જશે.દેવનું કથન સાંભળી શિલાદમુનિ દુઃખી થાય છે પરંતુ ભગવાન શિવના આર્શિવાદથી જન્મેલ નંદી કહે છે કે મારો જન્મ ભગવાન શિવના આર્શિવાદથી થયેલ છે એટલે મને જીવન પણ તેઓ જ પ્રદાન કરશે.નંદી મહાદેવની આરાધના કરે છે.તેમની આરાધનાથી પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઇ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાના ગણાધ્યક્ષ પણ બનાવી લીધા અને આમ નંદી નંદીશ્વર બની ગયા.ત્યારબાદ મરૂતોની પૂત્રી સુયશા સાથે નંદીના વિવાહ થયા.ભગવાને નંદીને વરદાન આપ્યું કે જ્યાં પણ નંદીનો નિવાસ હશે ત્યાં મારો નિવાસ હશે ત્યારથી દરેક શિવ મંદિરમાં શિવજીની સામે નંદીની સ્થાપના કરવામાં આવે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

ભગવાન શિવના લિંગની પૂજા કેમ કરવામાં આવે છે?

 

ભગવાન શિવના લિંગની પૂજા કેમ કરવામાં આવે છે?

 

શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત મહાન સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.

 

તમામ દેવતાઓની પૂજા મૂર્તિના રૂપમાં થાય છે પરંતુ ભગવાન શિવના લિંગની પૂજા કેમ કરવામાં આવે છે? એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મસ્વરૂપ હોવાના કારણે નિષ્કલ નિરાકાર કહેવામાં આવ્યા છે આ તમામ વેદોનો મત છે.શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે.તમામ અંગ આકાર સહિત સાકાર અને અંગ આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ શબ્દથી ઓળખાતા પરમાત્મા છે એટલે તમામ ભક્તો લિંગ(નિરાકાર) અને મૂર્તિ (સાકાર) બંન્નેમાં ભગવાન શિવની પૂજા કરે છે.શિવથી અલગ જેટલા પણ દેવી-દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી.જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણે સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ના હોય તેમને ભગવાન શિવના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઇ શકે છે.

 

શિવપુરાણમાં કહ્યું છે કે મારા બે રૂપ છે સકલ અને નિષ્કલ.પહેલાં હું જ્યોતિઃસ્તંભ (જ્યોતિર્મય લિંગ) રૂપે પ્રગટ થયો. હું જ પરબ્રહ્મ પરમાત્મા છું.કલાયુક્ત અને અકલ મારા જ સ્વરૂપ છે. જીવો ઉપર અનુગ્રહ કરવું એ મારૂં કાર્ય છે.સર્વત્ર સમરૂપથી સ્થિત અને વ્યાપક હોવાથી હું તમામનો આત્મા છું.સમગ્ર જગત ભગવાન શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે. જો લિંગરૂપનુ પૂજન થાય છે તો તેમાં સમસ્ત બ્રહ્માંડનું પૂજન થઇ જાય છે તેથી શિવ જ એક એવા ભગવાન છે કે જેમને પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે.

 

 

સૃષ્ટિ,પાલન,સંહાર,તિરોભાવ અને અનુગ્રહ-આ પાંચ મારાં જગત સબંધી કાર્યો છે.સંસારની રચનાના આરંભને સર્ગ કે સૃષ્ટિ કહે છે.મારા દ્વારા પાલિત સૃષ્ટિ સુસ્થિરરૂપે રહે છે તેને સ્થિતિ કહે છે.તેના વિનાશને સંહાર કહે છે.પ્રાણોના ઉત્ક્રમણને તિરોભાવ કહે છે અને આ બધાથી છુટકારો મેળવવો એ જ મારો અનુગ્રહ છે.સૃષ્ટિ પાલન સંહાર અને તિરોભાવ વગેરે ચાર કૃત્ય સંસારનો વિસ્તાર કરનાર છે.પાંચમુ કૃત્ય અનુગ્રહ મોક્ષનો હેતુ છે.મારા ભક્તો આ પાંચેય કૃત્યોને પાંચ ભૂતોમાં જુવે છે.સૃષ્ટિ ભૂતલમાં, સ્થિતિ જળમાં, સંહાર અગ્નિમાં, તિરોભાવ વાયુમાં અને અનુગ્રહ આકાશમાં સ્થિત છે.

 

ભગવાન શિવની પૂજા શિવલિંગના રૂપમાં જ કેમ કરવામાં આવે છે.શિવલિંગ કેવી રીતે બન્યું? કેવી રીતે તેની ઉત્પત્તિ થઇ.આવા ઘણા બધા પ્રશ્ન શિવભક્તોના દિમાગમાં ઉભા થાય છે.અજ્ઞાની અને મૂરખ લોકોએ અમારા હિન્દુ ધર્મને મજાક બનાવવા માટે શિવલિંગને શિવના જનનાંગ સાથે જોડી દીધેલ છે. શિવનો અર્થ છે કલ્યાણ કરનાર અને લિંગનો અર્થ છે બનાવનાર,એટલે શિવલિંગપૂજામાં અમે સંપૂર્ણ જગતના નિર્માતા સર્વશક્તિમાન શિવની પૂજા કરીએ છીએ.શિવલિંગ ભગવાન શિવના નિરાકાર રૂપની મહિમા બતાવે છે.શિવ જ જગતના આદિ-અનાદિ અને અંત છે.તમામ જગતના આધાર શિવ છે.સંપૂર્ણ બ્રહ્માંડ લિંગરૂપમાં છે અને જલધારી પૃથ્વી છે.

 

લિંગનો અર્થ છે પ્રતિક,ચિન્હ,નિશાની,ગુણ,સુક્ષ્મ વગેરે છે.શિવની પૂજા શિવલિંગના રૂપમાં સદિયોથી ચાલી આવી છે.રામાયણ અને મહાભારતના સમયમાં પણ શિવલિંગની પૂજા વિશે વર્ણન છે.શિવલિંગમાં ત્રિદેવની શક્તિ સમાયેલ છે.મૂળમાં બ્રહ્મા,મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર.જલધારીના રૂપમાં શક્તિ.આમ શિવલિંગની પૂજાથી અમે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ.

 

લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ વપરાય છે.સૂક્ષ્મ શરીરના મૂળમાં ઓગણીસ તત્વ છે.પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ કાન નાક જીભ અને ત્વચા) પાંચ કર્મેદ્રિયાં(હાથ પગ મુખ ગુદા અને ઉ૫સ્થ) પાંચ પ્રાણ (પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન) મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર.આ બધાના દાતા શિવ છે.પ્રલયકાળમાં આ ઓગણીસ તત્વો શિવમાં સમાય જાય છે.શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે.શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી તેથી લિંગરૂપમાં પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.(શિવપુરાણ)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગની મહિમા

 

ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગની મહિમા

 

 

દ્વાદશ જ્યોર્તિલિંગ સ્ત્રોત..

સૌરાષ્ટે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુન

ઉજ્જયિન્યાં મહાકાલમોઙ્કારમમલેશ્વરમ્

પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્

સેતુબંધે તૂં રામેશં નાગેશં દારૂકાવને

વારાણસ્યાં તૂં વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે

હિમાલયે તૂં કેદારં ઘૃષ્ણેશં ચ શિવાલયે

એતાનિ જ્યોર્તિલિંઙ્ગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ

સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ..

 

આ સ્ત્રોતના જપ કરવા માત્રથી વ્યક્તિને ભગવાન શિવજીની સાથે સાથે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.સમગ્ર ભારતવર્ષના અલગ અલગ પ્રદેશોમાં સ્થિત આ બાર જ્યોર્તિલિંગોના દર્શન પૂજન આરાધનાથી ભક્તોના જન્મ-જન્માંતરના તમામ પાપો ધોવાઇ જાય છે.

 

(૧) સોમનાથ..

સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે.ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પૃથ્વી ઉપરનું પ્રથમ જ્યોતિર્લિગ માનવામાં આવે છે.શિવપુરાણ અનુસાર જ્યારે ચંદ્રમાને દક્ષ પ્રજાપતિએ ક્ષયરોગ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ચંદ્રમાએ આ સ્થાન ઉપર તપ કરી શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી.સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા હતા અને ચંદ્રે જેમની સ્થાપના કરી તે સોમનાથ.વિદેશી આક્રમણોના કારણે તેને સત્તરવાર તોડવામાં આવ્યું હતું.

 

(૨) મલ્લિકાર્જુન..

શ્રી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ આંધ્ર પ્રદેશના કુર્નુલ જીલ્લાના કુદરતી વાતાવરણમાં કૃષ્ણ નદીના કિનારે શૈલ પર્વત આવેલ છે ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું બીજું જીવંત જ્યોર્તિલીંગ આવેલું છે,તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે.આ જ્યોર્તિલિંગ પાછળ એક કરતાં વધુ કથાઓ સંકળાયેલી છે.આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે.અહીં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ.આમ એક જ જ્યોતિર્લિંગમાં અર્ધનારી-નટેશ્વર બનીને જેમાં ભગવાન શિવજીની પણ જ્યોત છે અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે.આપણે અહી ભાવથી જવાનું છે અને જ્ઞાન મેળવવાનું છે.

 

મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગની પ્રથમ કથા શિવ-પાર્વતી પૂત્ર કુમાર કાર્તિકેય સાથે જોડાયેલી છે.જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેયના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો.ભગવાન શિવે એવો રસ્તો કાઢ્યો કે બંન્નેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે.એક તરફ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન મોર ઉપર વિરાજમાન થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા પરંતુ તીવ્ર બુદ્ધિ ગણેશજી થોડી વાર ત્યાં જ ઉભા રહ્યા અને વિચારવા લાગ્યા કે મારૂ વાહન મૂષક આટલી તેજ ગતિથી પ્રદક્ષિણા તો નહિ કરી શકે એટલે તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે પોતાના માતા પિતાને એક આસન પર વિરાજમાન થવા માટે કહ્યું અને તેમની કુલ સાત વખત પ્રદક્ષિણા કરી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન હતી.ગણેશજીએ માતા-પિતાની જ પ્રદક્ષિણા કરી રિદ્ધિ-સિદ્ધિ સાથે વિવાહ કર્યા.આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય દક્ષિણ દિશામાં ક્રૌંચ પર્વત પર આવીને વસ્યા આ ક્રૌંચ પર્વત એટલે જ શ્રીશૈલમ.શિવપુરાણની કથા અનુસાર કાર્તિકેયને મનાવવા ગૌરી-શંકર સ્વયં શ્રીશૈલમ પર પધાર્યા.તેમના આવવાના સમાચાર મળતા જ કુમાર કાર્તિકેય ત્યાંથી બાર કોસ દૂર ચાલ્યા ગયા.ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને પાર્વતી બંન્ને મલ્લિકાર્જુન સ્વરૂપે અહીં વિદ્યમાન થયા.જ્યાં માતા સતીના શરીરના અવશેષ મળ્યા હતા આથી અહીં શક્તિપીઠ પણ સ્થાપિત છે.

 

(૩) મહાકાલેશ્વર..

મધ્ય પ્રદેશની ઉજ્જૈન નગરી એ આકાશ અને ધરતી બંન્નેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે.આવી આ પુણ્યશાળી અવંતિનગરીમાં ભગવાન શ્રીમહાકાલેશ્વર જ્યોર્તિલિંગની સ્થાપના છે.સ્વયંભૂ-ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે અહી બિરાજમાન દેવાધિદેવ દક્ષિણામૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે.આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે.શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે આકાશે તારકં લિંગમ્ પાતાલે હાટકેશ્વરમ્ ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે..એટલે કે આકાશ-પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે.ઉજ્જૈનની ભૂમિ પર તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે.

 

(૪) કારેશ્વર..

નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે ત્યાં કારમમલેશ્વરમ્ ભગવાનનું જ્યોર્તિલિંગ છે.આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે.આ ટાપુનો આકર જેવો છે.અહીં બે મંદિરો આવેલા છેઃઓમકારેશ્વર અને અમરેશ્વર.ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ પાંચ માળનું બિલ્ડિંગ છે જેના પહેલા માળમાં ભગવાન મહાકાળેશ્વરનું મંદિર છે, ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ અને ચોથા માળમાં ગુપ્તેશ્વર મહાદેવ અને પાંચમા માળે રાજેશ્વર મહાદેવનું મંદિર છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગમાં અનેક મંદિર નર્મદાના બંને તટે સ્થિત છે.સંપૂર્ણ પરિક્રમા માર્ગ મંદિર અને આશ્રમો દ્વારા ઘેરાયેલ છે.ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ વિંઘ્ય પર્વત વિષેની અને બીજી કથા રાજા માંધાતાને સંબંધિત છે.

 

(૫) વૈદ્યનાથ..

વૈદ્યનાથ જ્યોર્તિલિંગ અંગે પુરાણોમાં એક કરતાં વધુ કથાઓનું વર્ણન છે.પહેલું પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગ મરાઠવાડામાં આવેલું છે.પરલી મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું પુરાણું નગર છે તે કાંતિપુર કે વૈજયંતિ તરીકે પણ ઓળખાય છે,તે મેરૂ કે નાગનારાયણ પર્વતના ઢોળાવ ઉપર બ્રહ્મા,વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે.આ મંદિર પત્થરનું બનેલું છે.આગળ મોટો દીપ સ્થંભ છે. ગર્ભગૃહ ઉંડું છે.પૂજા કરતી વખતે મનમાં ખાસ સ્પંદનો અનુભવાય છે,તેમને અહીં આધ્યાત્મિક શક્તિ મળે છે.મંદિર ઘણું જ સરસ અને શાંત છે.ભીડ હોય ત્યારે પણ ભીડ જેવું લાગતું નથી.બીજું મંદિર ઝારખંડ અને પૂર્વ બિહારના સંથાલ પરગનામાં દુમકા નામના જનપદમાં આવેલ છે.ત્રીજું મંદિર હિમાચલના કાંગડા પાસે બિનવા નદીના કિનારે આવેલ છે.

 

(૬) ભીમાશંકર..

ભીમાશંકર જ્યોર્તિલીંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.આ સ્થળ ભીમા નામની નદીનું ઉદગમ સ્થાન પણ છે.આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે.અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકર મંદિર અને ભીમારથી નદીનો ઉલ્લેખ જોવા મળે છે.અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે,આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ આપ્યો હતો.ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે.કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી.બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્યા હતા.દાનવો સામેનાં યુદ્ધમાં શાકીની અને ડાકીની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી,તેમને પણ અહીં પુજવામાં આવે છે.ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે,આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે.આ સાથે અહીં સર્વતીર્થ,કુશારણ્ય તીર્થ અને જયકુંડ આવેલા છે.કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદી પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે.

 

(૭) રામેશ્વરમ્..

આ જ્યોર્તિલિંગ તમિલનાડુ રાજ્યના રામનાથ નામના સ્થાને આવેલ છે.આ જ્યોર્તિલીંગ હિંદુઓના ચાર ધામોમાંનું એક છે.આની સ્થાપના ભગવાન શ્રીરામે પોતે કરી હતી.

 

(૮) નાગેશ્વર..

નાગેશ્વર જ્યોર્તિલિંગ કે નાગનાથ મંદિર દ્વારકાથી સત્તર કિમી દૂર આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.રૂદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

 

(૯) કાશી વિશ્વનાથ..

આ જ્યોર્તિલિંગ ઉત્તર પ્રદેશના કાશી નગરમાં આવેલું છે.કાશીનું તમામ ધર્મસ્થળો કરતાં વધુ મહત્વ છે. પ્રલય આવવા છતાં પણ આ સ્થાન સલામત રહે છે.તેની રક્ષા કરવા માટે ભગવાન શિવ આ નગરીને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી લે છે અને પ્રલય ટળી ગયા પછી તેને મૂળ જગ્યાએ સ્થાપિત કરી દે છે.

 

(૧૦) ત્ર્યંમ્બકેશ્વર..

ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા.ત્રંબકેશ્વર  મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે.ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે.ત્રંબકેશ્વર શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે.ગોદાવરી નદી દક્ષિણમાં આવેલી સૌથી લાંબી નદી છે.હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે.ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે.આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી.ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે.જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે,એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે,તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે.અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.

 

(૧૧) કેદારનાથ..

    બાબા કેદારનાથનું મંદિર ઉત્તરાખંડમાં બદ્રીનાથના માર્ગમાં સ્થિત છે.કેદારનાથ જ્યોર્તિલિંગનું વર્ણન સ્કંદપુરાણ અને શિવપુરાણમાં કરવામાં આવેલ છે.આ તીર્થ ભગવાન શિવને અત્યંત પ્રિય છે.તેનું મહત્વ કૈલાશ જેટલું છે.જ્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા ત્યારે સાથે સાથે ભાઈઓની હત્યાનું પાપ પણ પાંડવો પર આવ્યુ.યુધિષ્ઠિરે આ પાપથી છૂટકારો મેળવવા ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યુ પરંતુ ભગવાન શિવ બધા પાંડવો પર ગુસ્સે થયા.ભગવાન શિવે નક્કી કર્યું કે તે પાંડવોને આશીર્વાદ નહિ આપે.પાંડવો કેદારનાથ જવા રવાના થયા.પાંડવો ભગવાન શિવની શોધમાં કેદારનાથ આવ્યા તેથી ભગવાન શિવે બળદનું રૂપ લીધું અને બીજા બળદો સાથે ભળી ગયા.ભીમે એક યોજના બનાવી અને વિશાળરૂપ ધારણ કર્યુ અને બંને પહાડ સુધી પગ ફેલાવ્યા.બધા બળદ તેમાંથી પસાર થઈ ગયા પરંતુ ભગવાન શિવ જે બળદના રૂપમાં હતા તે ભીમના બે પગ વચ્ચેથી નીકળવા સહમત ન થયા અને અંતર્ધ્યાન થવા લાગ્યા પણ તે પહેલાં જ ભીમ શિવરૂપી બળદના આશીર્વાદ લેવા દોડી ગયો.આ ભક્તિ અને તપસ્યાને જોઈને ભગવાન શિવનું ક્રોધિત હૃદય પિગળી ગયું અને તરત જ પાંડવોને દર્શન આપી તેમને ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્ત કર્યા ત્યારથી અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પુજવામાં આવે છે.

 

(૧૨) ઘુશ્મેશ્વર..

ઘુશ્મેશ્વર ભગવાન શિવના જ્યોતિર્લિંગમાંનું બારમું જ્યોતિર્લિંગ છે.આ મંદિર મહારાષ્ટના ઔરંગાબાદ નજીક આવેલા દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે.આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.અહીયાં શ્રી એકનાથજી તથા શ્રી જનાર્દન સ્વામીની સમાધિઓ આવેલી છે.

 

જ્યોર્તિલિંગના દર્શને ભાવથી જવાનું છે અને જ્ઞાન મેળવવાનું છે.આપણે યાત્રા કરીએ છીએ ૫ણ સાથે સાથે યાત્રા કરવા પાછળનો ભાવ હ્રદયમાં હોવો જોઇએ.ભાવનો અભાવ હોય તો યાત્રાની કોઇ કિંમત નથી.

 

સંકલનઃ

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

sumi7875@gmail.com