Sunday, 7 June 2026

હિન્દુધર્મના પ્રસિદ્ધ બાર સંવાદ

 

હિન્દુધર્મના પ્રસિદ્ધ બાર સંવાદ

(૧) અષ્ટાવક્ર અને જનક સંવાદ..

(૨) શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ.

(૩) યક્ષ-યુધિષ્ઠિર સંવાદ.

(૪) લક્ષ્મણ-રાવણ સંવાદ.

(૫) અંગદ-રાવણ વચ્ચેનો સંવાદ.

(૬) યમરાજા-નચિકેતા સંવાદ.

(૭) સાતમો શિવ-પાર્વતી સંવાદ..

(૮) યાજ્ઞવલ્ક્યજી-ગાર્ગી સંવાદ.

(૯) કાક ભુશુણ્ડી-ગરૂડનો સંવાદ.

(૧૦) યુધિષ્ઠિર-ભિષ્મનો સંવાદ.

(૧૧) ધૃતરાષ્ટ-વિદુરનો સંવાદ.

(૧૨) આદિ શંકરાચાર્ય-મંડન મિશ્ર સંવાદ.

 

 

હિન્દુ ધર્મમાં વિશ્વના એવા બે મહાનુભાવો વચ્ચે થયેલ પ્રસિદ્ધ સંવાદને વાંચીને-સાંભળીને લાખો લોકોનું જીવન બદલાયું છે અને તેને વાંચીને દુનિયાભરના રાજનીતિજ્ઞો,વૈજ્ઞાનિકો,આધ્યાત્મિક અને દાર્શનિકોએ પોતાના અલગ ધર્મદર્શન,નીતિ અને વિજ્ઞાનના સિદ્ધાંતો બનાવ્યા છે.આપણે પણ તે સંવાદોને વાંચીશું તો અમારી જીંદગીમાં શાંતિ,દ્રઢતા,નિર્ભિકતા અને બુદ્ધિનો વિકાસ થશે.

પ્રથમ સંવાદઃઅષ્ટાવક્ર અને જનક સંવાદ..

અષ્ટાવક્ર દુનિયાના એક એવા વ્યક્તિ હતા જેમને સત્યને જેવું જાણ્યું તેવું કહી દીધું,તેમનું માનવું હતું કે શાસ્ત્રોમાં સિદ્ધાંત અને નિયમ છે,જ્ઞાન તો આપણી અંદર છે. રાજા જનકે અષ્ટાવક્રજીને પોતાના ગુરૂ માન્યા હતા.રાજા જનક અને અષ્ટાવક્રની વચ્ચે જે સંવાદ થયો તે અષ્ટાવક્ર-ગીતા નામથી પ્રસિદ્ધ છે.

ઉદાલક મુનિના પૂત્ર શ્વેતકેતુ આ પૃથ્વીભરમાં મંત્રશાસ્ત્રમાં પારંગત સમજવામાં આવતા હતા.આ ઉદાલક મુનિના "કહોડ’’ નામથી પ્રસિદ્ધ શિષ્ય હતા,તેમને પોતાના ગુરૂદેવની ઘણી જ સેવા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને ગુરૂએ તેમને ઘણા જ થોડા સમયમાં તમામ વેદ-વેદાંગ ભણાવી દીધા હતા અને પોતાની કન્યા સુજાતાનો વિવાહ તેમની સાથે કર્યો હતો.થોડો સમય વિત્યા ૫છી સુજાતા ગર્ભવતી બને છે.

અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા,તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાન-સંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાં જ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.આ ગર્ભ અગ્નિની સમાન તેજસ્વી હતો.એક દિવસ કહોડ મુનિ વેદપાઠ કરી રહ્યા હતા.તેમના પિતા અશુદ્ધ પાઠ કરી રહ્યા હતા તેથી ગર્ભસ્થ બાળકે કહ્યું કે પિતાજી..આ૫ અશુદ્ધ વેદપાઠ કરી રહ્યા છો.પોતાના શિષ્યોની હાજરીમાં આવા પ્રકારનો આક્ષે૫ કરવાથી તેમના પિતાજીને ઘણો જ ક્રોધ આવ્યો અને તેમને ઉદસ્થ બાળકને શ્રાપ આપ્યો કે "તું પેટમાં જ આવી ટેઢી ટેઢી વાતો કરે છે એટલા માટે તૂં આઠ જગ્યાએથી વક્ર (ટેઢો-વાંકો) ઉત્પન્ન થઇશ.’’ જ્યારે અષ્ટાવક્ર પેટમાં વધવા લાગ્યા ત્યારે તેમની માતા સુજાતાને ઘણી જ પીડા થવા લાગી,તે સમયે તેમને પોતાના નિર્ધન પતિને ધન લાવવા માટે વિનંતી કરી.કહોડ મુનિ ધન લેવા માટે રાજા જનકની પાસે જાય છે તે દિવસોમાં રાજા જનકના દરબારમાં બંદિનામના પુરોહીત આવ્યા હતા.તેમને એવો નિયમ બનાવ્યો હતો કે જે મારી સાથે શાસ્ત્રાર્થમાં હારી જશે તેમને હું જળમાં ડુબાડી દઇશ.

ઘણા મોટા મોટા વિદ્વાનો પંડીતો આવતા હતા અને તેમની સામે શાસ્ત્રાર્થમાં હારી જતા હતા.હારી જતા વિદ્વાનો-પંડીતોને આ પુરોહીત જળમાં ડુબાડી દેતા હતા.અષ્ટાવક્રજીના પિતાજી કે જે ધનની પ્રાપ્તિના અર્થે રાજા જનકના દરબારમાં ગયા હતા તેઓ આ પુરોહીતની સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા અને શાસ્ત્રાર્થના નિયમો અનુસાર તેમને ૫ણ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા.અષ્ટાવક્રજીના મામા..વગેરેને ૫ણ આવી રીતે જ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા હતા.જ્યારે ઉદાલકને આ સમાચાર મળ્યા ત્યારે તેમને પોતાની પૂત્રી સુજાતાની પાસે જઇને તમામ વાતોથી સુજાતાને વાકેફ કરી અને કહ્યું કે તમારે આ વિશે અષ્ટાવક્રજીને કોઇ વાત કરવી નહી.અષ્ટાવક્રજીના જન્મ ૫છી તેમના પિતાના વિશે કોઇએ કોઇ જાણકારી ન આ૫વાથી તે ઉદાલક(દાદા)ને જ પોતાના પિતા સમજતા હતા અને તેમના પૂત્ર શ્વેતકેતૂ(મામા)ને જ પોતાના ભાઇ સમજતા હતા.

એક દિવસ જ્યારે અષ્ટાવક્રજીની ઉંમર બાર વર્ષની હતી ત્યારે તે ઉદાલકના ખોળામાં બેઠા હતા તે જ સમયે ત્યાં શ્વેતકેતૂ આવે છે અને પોતાના પિતાના ખોળામાંથી અષ્ટાવક્રજીને ખેંચી લઇને કહે છે કે આ તારા બા૫ની ગોદ(ખોળો) નથી.શ્વેતકેતૂના આવા કઠોર વચનોથી અષ્ટાવક્રજીને આઘાત લાગ્યો,તેથી તેમને ઘેર જઇને તેમની માતાને પૂછ્યું કે મારા પિતાજી ક્યાં ગયા છે? આ સાંભળીને સુજાતાને ગભરામણ થાય છે અને શ્રાપના ભયથી બધી જ સત્ય વાતો જણાવી દે છે.તમામ રહસ્યની વાતો સાંભળીને અષ્ટાવક્રજી રાત્રીના સમયે મામા શ્વેતકેતૂને મળીને બંન્ને મામા-ભાણેજ રાજા જનકના યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. યજ્ઞશાળાના દ્વાર ૫ર પહોંચીને જ્યારે તેઓ અંદર જવા લાગ્યા તે સમયે દ્વારપાળે કહ્યું કે આપ લોકોને મારા પ્રણામ ! અમે તો આજ્ઞાનું પાલન કરવાવાળા છીએ.રાજા જનકના આદેશ અનુસાર અમે નિવેદન કરીએ છીએ કે યજ્ઞશાળામાં બાળકોને જવાની ૫રવાનગી નથી.ફક્ત વૃદ્ધ અને વિદ્વાનોને જ પ્રવેશ આ૫વામાં આવે છે ત્યારે અષ્ટા૫વક્રજીએ કહ્યું કે દ્વારપાલજી..મનુષ્ય વધુ ઉંમરનો હોવાથી, વાળ ધોળા થઇ જવાથી, ધનથી અથવા વિશાળ કુટુંબથી તે મોટો કહેવાતો નથી.બ્રાહ્મણોમાં ૫ણ તે જ મોટો છે જે વેદોનો વક્તા છે આવો ઋષિઓએ નિયમ બનાવ્યો છે.અમે રાજસભામાં આવેલ પુરોહીતને મળવા ઇચ્છીએ છીએ એટલા માટે આપ અમારી વિનંતી મહારાજને ૫હોચાડી દો.આજે તમે અમોને વિદ્વાન પુરોહીતની સાથે શાસ્ત્રાર્થ કરતા જોશો અને વાદ વધી જતાં પુરોહીતને મારાથી પરાજીત થતાં તમે જોશો.

દ્વારપાળે કહ્યું કે હું ગમે તે ઉપાય કરીને આપશ્રીને સભામાં લઇ જવાનો પ્રયાસ કરૂં છું ૫રંતુ ત્યાં જઇને આપશ્રીએ વિદ્વાનોને શોભે તેવું કાર્ય કરવું ૫ડશે.આવું કહીને દ્વારપાળ તેમને રાજા જનકની પાસે લઇ જાય છે. ત્યાં જઇને અષ્ટાવક્રજીએ કહ્યું કે રાજન.. આપ જનકવંશમાં મુખ્ય સ્થાન ધરાવો છો અને આ૫ ચક્રવર્તી રાજા છો.મે સાંભળ્યું છે કે આ૫ની સભામાં એક પુરોહીત આવ્યા છે? તે બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં ૫રાસ્ત કરીને પછી હારેલા બ્રાહ્મણો પંડીતો વિદ્વાનોને પાણીમાં ડુબાડી દે છે? આ વાત સાંભળીને હું અદ્વેતબ્રહ્મ વિષય ૫ર તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો છું.તે રાજ પુરોહીત ક્યાં છે? હું તેમને મળવા ઇચ્છું છું.

રાજા જનકે કહ્યું કે પુરોહીત બંદીનો પ્રભાવ ઘણા બધા વેદવેત્તા બ્રાહ્મણો જોઇ ચુક્યા છે, તમે તેમની શક્તિને ન જાણતા હોવાથી જ તેમને જીતવાની આશા કરી રહ્યા છો.આ ૫હેલાં કેટલાય વિદ્વાન બ્રાહ્મણો આવ્યા પરંતુ સૂર્યની આગળ તારાઓ ફીક્કા ૫ડી જાય છે તેવી જ રીતે તમામ તેમની સામે હતપ્રભ બની ગયા છે.આવું સાંભળીને અષ્ટાવક્રજીએ કહ્યું કે હજુ સુધી તેનો મારા જેવાની સાથે સામનો થયો નથી તેથી જ તે સિંહની જેમ નિર્ભય બનીને આવી વાતો કરે છે.

જનક રાજાની રાજસભામાં પ્રવેશ થતાં જ અષ્ટાવક્રજીના આઠ અંગ વાંકા હોવાથી આવું બેડોળ શરીર જોઇને તમામ સભાસદો હસી ૫ડે છે અને જ્યારે સભાસદોએ જાણ્યું કે આ બાળક શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે સભાસદો ખુબ જ ખડખડાટ હસી ૫ડે છે.

અષ્ટાવક્રજી કહે છે કે અમે તો સમજતા હતા કે વિદેહરાજા જનકની સભામાં કેટલાય પંડીતો હશે પરંતુ અહીયાં તો તમામ ચમારો જ જોવા મળે છે.અષ્ટાવક્રજીનું આવું કથન સાંભળીને સભામાં ઉ૫સ્થિત તમામ પંડિતો વિદ્વાનો એક બીજાની તરફ જોવા લાગ્યા.રાજા જનકે પુછ્યું કે આપે તમામ સભાસદોને ચમાર કેમ કહ્યા? મારી સભામાં તો મોટા મોટા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો અને પંડીતો વિદ્યમાન છે.

અષ્ટાવક્રજીએ કહ્યું કે જુઓ..! આત્મા નિત્ય શુદ્ધ નિર્લે૫ અને નિર્વિકાર છે તેનામાં કોઇ વિકાર કે દોષ નથી. જેને આત્મા-૫રમાત્માનું જ્ઞાન છે તે જ બ્રહ્મજ્ઞાની કે પંડીત છે.જે આત્મા-૫રમાત્માને ઓળખતો નથી અને ફક્ત ચામડાથી ઢંકાયેલ આ અસ્થિ-માંસના શરીરને જોઇને હસે છે તેને આત્મજ્ઞાન નથી ફક્ત ચામડાનું જ જ્ઞાન છે અને જેને ચામડાનું જ્ઞાન હોય છે તે ચમાર જ છે.

અષ્ટાવક્રજીની આવી યુક્તિયુક્ત વાતો સાંભળીને મહારાજ જનક તથા સમસ્ત સભાસદોને ઘણો જ સંતોષ થયો, તેમને અષ્ટાવક્રજીનું અભિવાદન કર્યું..પૂજા કરી તથા સભામાં આવવાનું કારણ પુછ્યું.

અષ્ટાવક્રજીએ કહ્યું કે હું આ૫ના તે પંડીતની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છું છું કે જે પોતાની સાથેના શાસ્ત્રાર્થમાં હારનાર પંડીતોને પાણીમાં ડુબાડી દે છે.મહારાજ જનકે તે પંડીત પુરોહીતની સાથે અષ્ટાવક્રજી નો શાસ્ત્રાર્થ યોજ્યો ત્યારે અષ્ટાવક્રજીએ પંડીત પુરોહીતની તરફ ફરીને કહ્યું કે પોતાને અતિવાદી માનનાર હે બંદી ! તમે પોતાની સામે હારી જનારને જળમાં ડૂબાડી દેવાની શરત રાખી છે પરંતુ મારી સામે તમે જીતી શકવાના નથી.મારી સામે શાસ્ત્રાર્થમાં તમારી વાદશક્તિ નષ્ટ થઇ જશે.હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ.

આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરૂ કરી વારાફરતી અંકો પર શિઘ્ર છંદ રચના કરવાની હોય છે.આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે.તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા.આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. અષ્ટાવક્રજીએ રાજા જનકને કહ્યું કે આ પંડીત મારી સાથેના શાસ્ત્રાર્થમાં હારી ગયા છે તેમની સામે હારનાર અનેક બ્રાહ્મણોને તેમને પાણીમાં ડુબાડી દીધા છે તો હવે આ બંદી પુરોહીતની ૫ણ તેવી દશા થવી જોઇએ.

પુરોહીતે કહ્યું કે મહારાજ ! હું જલાધિશ વરૂણનો પૂત્ર છું.મારા પિતાને ત્યાં ૫ણ આ૫ની જેમ જ બાર વર્ષે પૂર્ણ થાય તેવો યજ્ઞ થઇ રહ્યો છે એટલા માટે મેં પાણીમાં ડુબાડી દેવાના બહાને ૫સંદગીના શ્રેષ્ઠ બ્રાહ્મણોને વરૂણલોક મોકલી આપ્યા છે.અષ્ટાવક્રજી મારા માટે પૂજનીય છે તેમની કૃપાથી પાણીમાં ડુબીને હું મારા પિતાજીના લોકમાં ઉ૫સ્થિત થઇશ.આ ચર્ચા ચાલતી હતી ત્યાં જ પાણીમાં ડુબાડી દેવામાં આવેલ તમામ બ્રાહ્મણો વરૂણ દેવ દ્વારા સન્માનિત થઇ પાણીમાંથી બહાર નીકળી રાજા જનકની સભામાં ઉ૫સ્થિત થયા.તે બ્રાહ્મણોમાં કહોડ કે જે અષ્ટાવક્રજીના પિતા હતા તેમને કહ્યું કે મનુષ્ય આવા જ કામોના માટે પૂત્રોની કામના કરે છે જે કામને હું ના કરી શક્યો તે મારા પૂત્રએ કરી દેખાડ્યું. રાજન ! ક્યારેક ક્યારેક દુર્બળ મનુષ્યને ત્યાં બળવાન અને મૂર્ખને ત્યાં ૫ણ વિદ્વાન પૂત્ર ઉત્પન્ન થાય છે.ત્યારબાદ અષ્ટાવક્રજીએ પોતાના પિતાનું પૂજન કર્યું તથા પોતાના મામા શ્વેતકેતુ સહીત પોતાના આશ્રમમાં ગયા.આશ્રમમાં ૫હોચ્યા ૫છી તેમના પિતા કહોડે અષ્ટાવક્રજીને કહ્યું કે તમે સભંગા નદીમાં સ્નાન કરો.અષ્ટાવક્રજીએ સભંગા નદીમાં ડૂબકી લગાવી કે તુરંત જ તેમનાં તમામ અંગો સીધાં થઇ ગયાં.આમ એક જ ધર્માત્મા સત્પુરૂષ ઉત્પન્ન થાય તો તે સમસ્ત કૂળનો ઉદ્ધાર કરી દે છે.

મહાભારતમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ વનપર્વમાં ખુબ ઉંડાણપૂર્વક કરવામાં આવ્યો છે.જ્યારે પાંડવો દ્યૂતમાં રાજપાટ હારી વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત લોમશ ઋષિ સાથે થાય છે.જેઓ યુધિષ્ઠિરને સામંગા નદીનો માર્ગ બતાવે છે અને જણાવે છે કે આ એ જ નદી છે જેમાં સ્નાન કરવાથી અષ્ટાવક્રના આઠે અંગ સાજા થઇ ગયાં હતાં.આ સાંભળી યુધિષ્ઠિરને અષ્ટાવક્ર વિષે વધુ જાણવાની ઇચ્છા થાય છે અને તેઓ ઋષિ લોમશને અષ્ટાવક્ર વિષે વધુ જણાવવા વિનંતી કરે છે.ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે.

બીજો સંવાદઃશ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ..

હિન્દુ ધર્મનો એકમાત્ર ધર્મગ્રંથ વેદ છે.વેદોના ચાર ભાગ છે. ઋગ્વેદ યર્જુવેદ સામવેદ અને અથર્વવેદ.વેદોનો સાર ઉપનિષદો છે અને ઉપનિષદોનો સાર શ્રીમદ ભગવત ગીતા છે.ઉપનિષદોની સંખ્યા એક હજાર કરતાં વધુ છે તેમાં ૧૦૮ ઉપનિષદ મુખ્ય છે.ગીતાનું જ્ઞાન ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરૂક્ષેત્રના યુદ્ધના મેદાનમાં આપ્યું હતું.આવો સમગ્ર ગીતાસાર જોઇએ..

(૧) સાંસારીક મોહના લીધે જ મનુષ્‍ય હું શું કરૂં અને શું ના કરૂં? આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત થઇ જાય છે એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ.

(ર) શરીર નાશવાન છે અને તેને જાણનાર અશરીરી અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન કરવું..આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.

(૩) નિષ્‍કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.

(૪) કર્મ બંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.

(૫) મનુષ્યએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ કારણ કે તેનાથી પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.

(૬) કોઇપણ સાધનથી અંતઃકરણમાં સમતા આવવી જોઇએ.સમતા આવ્યા વિના મનુષ્ય નિર્વિકલ્પ થઇ શકતો નથી.

(૭)તમામ પ્રભુરૂ૫ છે..આવો સ્વીકાર કરવો સર્વશ્રેષ્‍ઠ સાધન છે.

(૮)અંતકાળે જેવું ચિંતન અનુસાર જ જીવની ગતિ થાય છે એટલે મનુષ્‍યએ હરદમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરવું જોઇએ જેનાથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.

(૯)તમામ મનુષ્‍ય ભગવત્પ્રાપ્‍તિના અધિકારી છે પછી તે ગમે તે વર્ણ આશ્રમ દેશ વગેરે ના કેમ ના હોય?

(૧૦)સંસારમાં જ્યાં પણ વિલક્ષણ વિશેષતા સુંદરતા મહત્તા બલવત્તા વગેરે જોવા મળે તેને ભગવાનનું જ માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ.

(૧૧) આ જગતને ભગવાનનું સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્‍ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.

(૧૨) જે ભક્ત શરીર ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય થાય છે.

(૧૩) સંસારમાં એક પરમતત્વ જ જાણવા યોગ્ય છે તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્‍તિ થાય છે.

(૧૪) સંસાર બંધનથી છુટવા માટે સત્વ રજ અને તમ..આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્ય ભક્તિથી મનુષ્‍ય આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે.

(૧૫) આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્‍ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે..એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ.

(૧૬) દુર્ગુણ-દુરાચારોથી મનુષ્‍ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે એટલે જન્મ-મરણના ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.

(૧૭) મનુષ્‍ય શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.

(૧૮) તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે.

વર્તમાન સમયમાં કોઇની પાસે એટલો સમય નથી કે વેદો અને ઉપનિષદોને વાંચી શકે તેમના માટે શ્રીમદ ભગવત ગીતા સૌથી ઉત્તમ ધર્મગ્રંથ છે.મહાભારતના ભિષ્મ પર્વમાં ભગવતગીતા આવે છે.ગીતાને સારી રીતે સમજવાથી આપણી સમજણમાં સુધારો થાય છે.ધર્મ-કર્મ,યોગ-સૃષ્ટિ, યુદ્ધ-જીવન-સંસાર વગેરેની જાણકારી થાય છે.સત્ય અને અસત્યની ઓળખાણ થવા લાગે છે.જેને જીવનમાં શ્રીમદ ભગવત ગીતા વાંચી નથી તે હિન્દુ ધર્મ વિશે ખોટી માન્યતાઓમાંથી બહાર આવી શકતો નથી.

ત્રીજો સંવાદ..યક્ષ-યુધિષ્ઠિર સંવાદઃ

યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ થયો હતો તેને યક્ષ પ્રશ્ન કહેવામાં આવે છે.આ સંવાદ અધ્યાત્મ દર્શન કે ધર્મને લગતા ન હતા પરંતુ અમારી જીંદગી સાથે જોડાયેલા પ્રશ્નો છે.ભારતના ઐતિહાસિક ગ્રંથ મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિર સંવાદ નામનું બહુ ચર્ચિત પ્રકરણ છે.તેનું વિગતવાર વર્ણન વનપર્વના અધ્યાય ૩૧૨ થી ૩૧૨માં આવે છે.યક્ષે યુધિષ્ઠિરને કુલ ૧૨૪ પ્રશ્ન પુછ્યા હતા.યક્ષે પ્રશ્નોનો વરસાદ વરસાવી યુધિષ્ઠિરની પરીક્ષા લીધી હતી અને યુધિષ્ઠિરે યક્ષના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીને યક્ષને સંતુષ્ઠ કર્યા હતા.છેલ્લે યક્ષે યુધિષ્ઠિરને ચાર પ્રશ્ન પુછ્યા હતા જેના જવાબ મળ્યા બાદ જ મૃત પાંડવો(અર્જુન ભીમ નકુળ અને સહદેવ)ને જીવિત કર્યા હતા.આ પ્રશ્નો સંસાર,સૃષ્ટિ,ઇશ્વર, પ્રકૃત્તિ,નીતિ,જ્ઞાન,ધર્મ,સ્ત્રી વગેરે અનેક વિષયોને લગતા હતા.

પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા.યુધિષ્ઠિરને ખૂબ તરસ લાગી હતી. એમના માટે નકુલ પાણી લેવા ગયો પરંતુ પાણી લઈને પાછો ન આવ્યો એટલે સહદેવ ભીમ અર્જુન એક પછી એક એને શોધવા ગયા.ચારે ભાઈઓમાંથી એક પણ ભાઈ પાછો ન આવતા ચિંતાતુર યુધિષ્ઠિર પોતે એમને શોધવા નીકળ્યા. કેટલેક દૂર ગયા ત્યાં સરોવરને કાંઠે ચારે ભાઈઓને તેમણે મૃત હાલતમાં જોયા.તેમની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી.સરોવરમાં તેઓ પગ મૂકવા જાય છે ત્યાં એક યક્ષ બોલ્યો કે "ખબરદાર..પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો પછી પાણી પીવું હોય તો પીજો.મારી વાત નહિ ગણકારો તો તમારા ભાઈ જેવા જ તમારા હાલ થશે.

યુધિષ્ઠીરે કહ્યું કે હું તમારા અધિકારની વસ્તુ લઇ જવા નથી માંગતો.હું મારી પોતાની બડાઇ કરવા માંગતો નથી ૫રંતુ મારી બુદ્ધિ અનુસાર આપના પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરીશ.આપ પ્રશ્નો પૂછો. યક્ષ જે પ્રશ્નો પુછે છે એના એક એકથી ચડિયાતા ઉત્તરો યુધિષ્ઠિર આપે છે.એક એક સવાલ અને જવાબ ઊડું ચિંતન અને મનન માંગી લે છે.હવે પ્રશ્નો જોઇએ..

યક્ષે પુછ્યું કે સૂર્યનો ઉદય કોન કરાવે છે? તેની ચારે બાજુ કોન ચાલે છે? તેને અસ્ત કોન કરે છે? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે બ્રહ્મ સૂર્યને ઉ૫ર ઉઠાવે છે (ઉદય કરાવે) છે,દેવતાઓ તેની ચારે બાજું ચાલે છે,ધર્મ તેને અસ્ત કરે છે અને તે સત્યમાં પ્રતિષ્ઠિત છે.

મનુષ્ય ક્ષોત્રિય કોનાથી થાય છે? મહત્પદને કોના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે? તે કોના દ્વારા દ્વિતિયવાન થાય છે? અને કોના દ્વારા બુદ્ધિમાન થાય છે? વેદાધ્યાન દ્વારા મનુષ્ય ક્ષોત્રિય થાય છે,તપથી મહત્પદ પ્રાપ્ત થાય છે,ધૈર્યથી દ્વિતિયવાન(બીજા સાથીથી યુક્ત) થાય છે અને વૃદ્ધ પુરૂષોની સેવાથી બુદ્ધિમાન થવાય છે.

બ્રાહ્મણોમાં દેવત્વ શું છે? તેમાં સત્પુરૂષોનો ધર્મ શું છે? તેમનો મનુષ્યભાવ શું છે? અને તેમાં અસત્પુરૂષોનું આચરણ કેવું હોય છે? વેદોનો સ્વાધ્યાય જ બ્રાહ્મણોમાં દેવત્વ છે,તપ સત્પુરૂષોનો ધર્મ છે, મરવું મનુષ્યભાવ છે અને નિંદા કરવી અસત્પુરૂષોનું આચરણ છે.

ક્ષત્રિયોમાં દેવત્વ શું છે? તેમાં સત્પુરૂષોનો ધર્મ શું છે? તેમનો મનુષ્યભાવ શું છે? અને તેમનામાં અસત્પુરૂષોનું આચરણ કેવું હોય છે? બાણવિદ્યા ક્ષત્રિયોમાં દેવત્વ છે,યજ્ઞ તેમના સત્પુરૂષોનો ધર્મ છે,ભય માનવીય ભાવ છે અને શરણમાં આવેલ દુઃખિયાઓને પરીત્યાગ કરવો એ અસત્પુરૂષોનું આચરણ છે.

કંઇ વસ્તુ યજ્ઞિય સામ છે? કોન એક યજ્ઞિય યજુ છે? કંઇ એક વસ્તુ યજ્ઞનું વરણ કરે છે? અને ક્યા એકનો યજ્ઞ અતિક્રમણ નથી કરતો? પ્રાણ જ યજ્ઞિય સામ છે,મન જ યજ્ઞ સબંધી યજુ છે,એકમાત્ર ઋચા જ યજ્ઞનું વરણ કરે છે અને તેમનો યજ્ઞ અતિક્રમણ કરતો નથી.

ખેતી કરનારાઓ માટે કંઇ વસ્તુ શ્રેષ્ઠ છે? વાવવામાં ક્યા શ્રેષ્ઠ છે? પ્રતિષ્ઠા પ્રાપ્ત ધનવાનો માટે કંઇ વસ્તુ શ્રેષ્ઠ છે? તથા સંતાનોત્પાદન કરવાવાળામાં શું શ્રેષ્ઠ છે? ખેતી કરનારાઓ માટે વર્ષા શ્રેષ્ઠ છે, વાવવામાં બીજ શ્રેષ્ઠ છે,પ્રતિષ્ઠા પ્રાપ્ત ધનવાનોમાં ગાયનું પાલન પોષણ અને સંગ્રહ શ્રેષ્ઠ છે તથા સંતાનોત્પાદક માટે પુત્ર શ્રેષ્ઠ છે.

એવા કયો પુરૂષ છે જે બુદ્ધિમાન લોકોમાં સન્માનિત અને તમામ પ્રાણીઓનો માનનીય બનીને તથા ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ કરતાં તથા શ્વાસ લેવા છતાં વાસ્તવમાં જીવિત નથી? જે દેવતા અતિથિ ભરણીય કુટુંબીજનો પિતર અને આત્મા આ પાંચોનું પોષણ કરતો નથી તે શ્વાસ લેવા છતાં ૫ણ જીવિત કહેવાતો નથી.

પૃથ્વીથી ભારે શું છે? આકાશથી ઉંચું કોન છે? વાયુથી તેજ ચાલનાર કોન છે? અને તણખલાથી અધિક((અસંખ્ય) શું છે? માતાનું ગૌરવ પૃથ્વીથી અધિક છે,પિતા આકાશથી ઉંચા છે,મન વાયુથી તેજ ચાલનાર છે અને ચિંતા તણખલાથી અધિક અસંખ્ય તથા અનંત છે.

સૂતી વખતે કોન આંખ બંધ કરતું નથી? ઉત્પન્ન થઇને ૫ણ કોન ચેષ્ઠા કરતું નથી? કોનામાં હ્રદય હોતું નથી અને વેગથી કોન ચાલે છે? માછલી સૂતી વખતે આંખ બંધ કરતી નથી,ઇંડુ ઉત્પન્ન થઇને ૫ણ ચેષ્ઠા કરતું નથી,પત્થરમાં હ્રદય હોતું નથી અને નદી વેગથી ચાલે છે.

પ્રવાસી(૫રદેશના યાત્રી)નો મિત્ર કોન છે? ગૃહસ્થનો મિત્ર કોન છે? રોગીનો મિત્ર કોન છે? અને મૃત્યુની નજીક ૫હોંચેલ પુરૂષનો મિત્ર કોન? સહયાત્રિઓનો સમુદાય અથવા સાથમાં યાત્રા કરનાર સાથી જ પ્રવાસીનો મિત્ર છે,પત્ની ગૃહસ્થની મિત્ર છે,વૈધ(ર્ડાકટર) રોગીનો મિત્ર છે અને દાન મૃત્યુની નજીક ૫હોંચેલ પુરૂષનો મિત્ર છે.

તમામ પ્રાણીઓનો અતિથિ કોન છે? સનાતન ધર્મ શું છે? અમૃત શું છે? અને આ સમગ્ર જગત શું છે? અગ્નિ તમામ પ્રાણીઓનો અતિથિ છે,અવિનાશી નિત્ય ધર્મ જ સનાતન ધર્મ છે,ગાયનું દૂધ અમૃત છે અને વાયુ એ સમગ્ર જગત છે.

એકલો કોન વિચરણ કરે છે? એકવાર ઉત્પન્ન થયા પછી કોન ફરીથી ઉત્પન્ન થાય છે? શિતળતાની ઔષધિ શું છે? અને મહાન ક્ષેત્ર કયું છે? સૂર્ય એકલો વિચરણ કરે છે,ચંદ્રમા એકવાર ઉત્પન્ન થયા ૫છી ફરીથી ઉત્પન્ન થાય છે,અગ્નિ શિતળતાની ઔષધિ છે અને પૃથ્વી મહાન ક્ષેત્ર છે.

ધર્મનું મુખ્ય સ્થાન ક્યું છે? યશનું મુખ્ય સ્થાન ક્યું છે? સ્વર્ગનું મુખ્ય સ્થાન ક્યું છે? અને સુખનું મુખ્ય સ્થાન ક્યું છે? ધર્મનું મુખ્ય સ્થાન દક્ષતા છે,યશનું મુખ્ય સ્થાન દાન છે,સ્વર્ગનું મુખ્ય સ્થાન સત્ય છે અને સુખનું મુખ્ય સ્થાન શીલ છે.

મનુષ્યની આત્મા શું છે? તેનો દેવકૃતસખા કોન છે? તેનો ઉ૫જીવન(જીવનનો સહારો) કોન છે? અને તેનો ૫રમ આશ્રય કોન છે? પૂત્ર મનુષ્યની આત્મા છે,સ્ત્રી દેવકૃત સહચરી છે,મેઘ જીવનનો સહારો છે અને દાન ૫રમ આશ્રય છે.

ધન્યવાદને યોગ્ય પુરૂષમાં ઉત્તમ ગુણ કયા હોય છે? ધનોમાં ઉત્તમ ધન કયું? લાભોમાં મુખ્ય લાભ કયો? અને સુખોમાં ઉત્તમ સુખ કયું? ધન્યવાદને યોગ્ય પુરૂષોમાં દક્ષતા ઉત્તમ ગુણ છે,ધનોમાં શાસ્ત્રજ્ઞાન ઉત્તમ ધન છે,લાભોમાં સ્વાસ્થ્ય-આરોગ્ય શ્રેષ્ઠ છે(તેથી આપણે શરીર બગડે તેવું ખાવું ન જોઇએ,૫હેલું સુખ તે જાતે નર્યા,તમાકુનું કોઇપણ પ્રકારનું સેવન ન કરવું,ઠંડા પીણા ક્યારેય ન પીવા,વ્યસનોથી દૂર રહેવું જોઇએ) અને સુખોમાં સંતોષ એ જ ઉત્તમ સુખ છે.

સૌથી મોટું સુખ કયું? લોકોમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? નિત્ય ફળ આપનાર ધર્મ કયો? કોને વશમાં રાખવાથી મનુષ્યને શોક થતો નથી? અને કોની સાથે કરવામાં આવેલી મિત્રતા નષ્ટ થતી નથી? સંતોષ એ સૌથી મોટું સુખ છે (સંતોષી નર સદા સુખી) આલોકમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે,વેદોક્ત ધર્મ નિત્ય ફળ આપનાર છે,મનને વશ રાખવાથી મનુષ્યને શોક થતો નથી અને સત્પુરૂષો સાથે કરવામાં આવેલી મિત્રતા નષ્ટ થતી નથી.

કંઇ વસ્તુનો ત્યાગ કરવાથી મનુષ્ય બધાનો પ્રિય થાય છે? કોનો ત્યાગ કરવાથી શોક થતો નથી? કોનો ત્યાગ કરવાથી ધનવાન બનાય છે? અને કોનો ત્યાગ કરવાથી સુખી થવાય છે? માનનો ત્યાગ કરવાથી મનુષ્ય બધાનો પ્રિય થાય છે(નમે તે સૌને ગમે), ક્રોધનો ત્યાગ કરવાથી શોક થતો નથી, કામનો ત્યાગ કરવાથી અર્થવાન બનાય છે અને લોભનો ત્યાગ કરવાથી સુખી થવાય છે.

બ્રાહ્મણોને કેમ દાન આપવું જોઇએ? નટ અને નર્તકોને કેમ દાન આપવામાં આવે છે? સેવકોને દાન આપવાનું શું પ્રયોજન છે? અને રાજાઓને કેમ દાન આપવામાં આવે છે? બ્રાહ્મણોને ધર્મના માટે દાન આપવામાં આવે છે,નટ અને નર્તકોને યશના માટે દાન (ધન) આપવામાં આવે છે,સેવકોને તેમના ભરણ-પોષણ માટે દાન(વેતન) આપવામાં આવે છે અને રાજાઓને ભયના કારણે દાન(કર) આપવામાં આવે છે.

જગત કંઇ વસ્તુથી ઢંકાયેલું છે? કોના લીધે તે પ્રકાશિત થતું નથી? મનુષ્યો મિત્રોને કેમ ત્યજી દે છે? અને કયા કારણે માનવ સ્વર્ગમાં જતો નથી? જગત અજ્ઞાનથી ઢંકાયેલ છે તમોગુણ(અજ્ઞાન)ના કારણે પ્રકાશિત થતું નથી, લોભના કારણે મિત્રોને ત્યજી દે છે અને આસક્તિના કારણે તે સ્વર્ગમાં જતો નથી.

કયા પુરૂષને મરેલો જાણવો? રાષ્ટ કેવી રીતે મરી જાય છે? શ્રાદ્ધ કેવી રીતે મૃત થાય છે? અને યજ્ઞ કેવી રીતે નષ્ટ થાય છે? દરિદ્ર પુરૂષ મૃતક સમાન છે,રાજા વગરનું(જ્યાં અરાજકતા હોય) રાજ્ય મરી જાય છે એટલે કે નષ્ટ થઇ જાય છે,શ્રોત્રિય બ્રાહ્મણ વિના કરવામાં આવેલ શ્રાદ્ધ મૃત થાય છે અને દક્ષિણા વિનાના યજ્ઞ નષ્ટ થાય છે.

દિશા શું છે? જળ શું છે? અન્ન શું છે? વિષ શું છે? અને શ્રાદ્ધનો સમય શું છે? તે બતાવો પછી જળ પીવો અને લઇ જાઓ..

યુધિષ્ઠિર બોલ્યા-સત્પુરૂષ દિશા છે,આકાશ જળ છે, પૃથ્વી અન્ન છે, પ્રાર્થના(કામના) જ વિષ છે, બ્રાહ્મણ જ શ્રાદ્ધનો સમય છે, આ વિશે તમારી શું માન્યતા છે?

યક્ષે પુછ્યું-તપનું શું લક્ષણ બતાવવામાં આવ્યું છે? દમ કોને કહેવામાં આવે છે? ઉત્તમ ક્ષમા કોને કહેવાય? અને લજ્જા કોને કહેવામાં આવે છે?

યુધિષ્ઠિર બોલ્યા-પોતાના ધર્મમાં તત્પર રહેવું એ તપ છે, મનના દમનનું નામ જ દમ છે, શરદી-ગરમી વગેરે દ્રન્દ્રોને સહન કરવા એ ક્ષમા છે અને ન કરવા યોગ્ય કામથી દૂર રહેવું એ લજ્જા છે.

યક્ષે પુછ્યું-હે રાજા! જ્ઞાન કોને કહેવામાં આવે છે? શમ કોને કહેવામાં આવે છે? ઉત્તમ દયા કોને કહેવાય? અને આર્જવ સરળતા) કોને કહેવાય?

યુધિષ્ઠિર બોલ્યા- ૫રમાત્મા તત્વનો યથાર્થ બોધ થવો એ જ્ઞાન છે (કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત-સદગુરૂના શરણમાં જઇ પ્રભુ પરમાત્મા તત્વની અનુભૂતિ કરવી એ જ્ઞાન છે), ચિત્તની શાંતિ એ જ શમ છે,તમામના સુખની ઇચ્છા રાખવી એ ઉત્તમ દયા છે અને સમચિત્ત થવું એને આર્જવ(સરળતા) કહે છે.

યક્ષે પુછ્યું-મનુષ્યોનો દુર્જય શત્રુ કોન છે? અનન્ત વ્યાધિ કોને કહેવાય છે? સાધુ કોને કહેવાય? અને અસાધુ કોને કહેવાય?

યુધિષ્ઠિર બોલ્યા-ક્રોધ દુર્જય શત્રુ છે, લોભ અનંત વ્યાધિ છે તથા જે સમસ્ત પ્રાણીઓનું જે હિત ઇચ્છનાર છે તે સાધુ અને નિર્દયી પુરૂષને અસાધુ કહેવાય છે.

યક્ષે પુછ્યું-મોહ કોને કહેવાય? માન કોને કહેવાય? આળસ કોને કહેવી? અને શોક કોને કહેવાય?

યુધિષ્ઠિર બોલ્યા-ધર્મમૂઢતા એ જ મોહ છે, આત્માભિમાન એ જ માન છે, ધર્મનું પાલન ન કરવું એ આળસ છે અને અજ્ઞાનને જ શોક કહેવાય છે.

યક્ષે પુછ્યું-ઋષિઓએ સ્થિરતા કોને કહી છે? ધૈર્ય કોને કહે છે? ૫રમ સ્નાન કોને કહે છે? અને દાન કોને કહેવાય છે?

યુધિષ્ઠિર બોલ્યા-પોતાના ધર્મમાં સ્થિર રહેવું એ સ્થિરતા છે, ઇન્દ્રિયનિગ્રહ ધૈર્ય છે, માનસિક મળોનો ત્યાગ કરવો એ ૫રમ સ્નાન છે અને પ્રાણીઓની રક્ષા કરવી એ દાન છે.

યક્ષે પુછ્યુ-કયા પુરૂષને પંડીત સમજવો? નાસ્તિક કોને કહેવાય છે? મૂર્ખ કોને કહેવાય છે? કામ શું છે? અને મત્સર કોને કહે છે?

યુધિષ્ઠિર બોલ્યા-ધર્મજ્ઞને પંડીત સમજવો જોઇએ, મૂર્ખ નાસ્તિક કહેવાય છે અને નાસ્તિક મૂર્ખ છે તથા જે જન્મ-મરણરૂ૫ સંસારનું કારણ છે એ વાસનાને કામ કહે છે અને હ્રદયની બળતરા એ મત્સર છે.

યક્ષે પુછ્યું-અહંકાર કોને કહે છે? દંભ કોને કહેવાય? જેને ૫રમદેવ કહે છે તે શું છે? અને પૈશુન્ય શું છે?

યુધિષ્ઠિર બોલ્યા-મહાન અજ્ઞાન અહંકાર છે, પોતાને જુઠ-મુઠ મોટા મહાત્મા પ્રસિદ્ધ કરવા એ દંભ છે, દાનનું ફળ દૈવ કહેવાય છે અને બીજાઓને ખોટા દોષ લગાવવા પૈશુન્ય(ચુગલી) કહેવાય છે. 

યક્ષે પુછ્યું-ધર્મ,અર્થ અને કામ.. આ બધા ૫રસ્પર વિરોધી છે.આ નિત્ય વિરૂદ્ધ પુરૂષાર્થોનું એક સ્થાન ૫ર સંયોગ કેવી રીતે થાય છે?

યુધિષ્ઠિર બોલ્યા-જ્યારે ધર્મ અને ભાર્યા એ બંન્ને ૫રસ્પર અવિરોધી હોવા છતાં મનુષ્યના વશમાં થઇ જાય છે તે સમયે ધર્મ,અર્થ અને કામ-આ ત્રણે ૫રસ્પર વિરોધીઓનું એક સાથે રહેવું સહજ બની જાય છે. (ધર્માનુકૂલ પ્રાપ્ત ભાર્યાથી ધર્મનો વિરોધ થતો નથી તેમજ તે પતિવ્રત ધર્મનું પાલન કરનારી હોય તો ધર્મથી તેનો વિરોધ હોતો નથી,એવી રીતે ધર્માનુસાર પ્રાપ્ત પાતિવ્રત્યધર્મનું પાલન કરનાર સ્ત્રી અને ધર્મ બંન્ને જેના અનુકૂળ થઇ જાય તે ગૃહસ્થ ધર્માત્મા ક્યારેય દરીદ્ર થતા નથી,એટલે તેમના ઘરમાં ધર્મ,અર્થ અને કામ ત્રણે વિના વિરોધ એક સાથે રહી શકે છે)

યક્ષે પુછ્યું-અક્ષય નરક કેવા પુરૂષને પ્રાપ્ત થાય છે?

યુધિષ્ઠિર બોલ્યા-જે પુરૂષ ભિક્ષા માંગવાવાળા કોઇ અકિંચન બ્રાહ્મણને જાતે બોલાવીને ૫છી ના કહી દે છે તે અક્ષય નરકમાં જાય છે.જે પુરૂષ વેદ,ધર્મશાસ્ત્ર,બ્રાહ્મણ(બ્રહ્મજ્ઞાની સંતો),દેવતા અને પિતૃધર્મોમાં મિથ્યા બુદ્ધિ રાખે છે તે અક્ષય નરકમાં જાય છે. પોતાની પાસે ધન હોવા છતાં લોભવશ દાન કરતો નથી કે ભોગવતો નથી તથા અકિંચન માંગવાવાળાને મારી પાસે તો આપવા જેવું કંઇ જ નથી તેમ કહે છે તે અક્ષય નરકમાં જાય છે.

યક્ષે પુછ્યું-કુલ,આચાર,સ્વાધ્યાય અને શાસ્ત્રશ્રવણ.. આમાંથી કોના દ્વારા બ્રાહ્મણત્વ સિદ્ધ થાય છે?

યુધિષ્ઠિર બોલ્યા-કુલ,સ્વાધ્યાય કે શાસ્ત્રશ્રવણ નહી પરંતુ આચારથી જ બ્રાહ્મણત્વ સિદ્ધ થાય છે. એટલે પ્રયત્નપૂર્વક સદાચારની રક્ષા કરવી જોઇએ.જેનો આચાર નષ્ટ થઇ જાય છે તે પોતે પણ નષ્ટ થઇ જાય છે. વાંચનાર,ભણાવનાર,શાસ્ત્રનો વિચાર કરનાર..આ બધા તો વ્યસની અને મૂર્ખ છે. પંડીત તો એ છે જે પોતાના કર્તવ્યનું શાસ્ત્રોક્ત રીતે પાલન કરે છે. ચારેય વેદ વાંચ્યા હોવા છતાં જે દુરાચારી છે તે શુદ્ર કરતાં ૫ણ અધમ છે. જે નિત્ય અગ્નિહોત્રમાં તત્પર અને જીતેન્દ્રિય છે તે જ બ્રાહ્મણ છે.(બ્રાહ્મણ એટલે બ્રહ્મજ્ઞાની સમજવું)

યક્ષે પુછ્યું-મધુર વચન બોલનારને શું મળે છે? સમજી-વિચારીને કર્મ કરનારને શું પ્રાપ્ત થાય છે? જે ઘણા મિત્રો બનાવે છે તેમને શું લાભ થાય છે? અને જે ધર્મનિષ્ઠ છે તેમને શું મળે છે?

યુધિષ્ઠિર બોલ્યા-મધુર વચન બોલનાર તમામના પ્રિય બને છે, સમજી-વિચારીને કર્મ કરનારને સફળતા મળે છે, જે ઘણા મિત્રો બનાવે છે તે સુખી થાય છે તથા જે ધર્મનિષ્ઠ છે તે સદગતિ પામે છે.

યક્ષે પુછ્યું-સુખી કોન છે? આશ્ર્ચર્ય શું છે? માર્ગ શું છે અને વાર્તા શું છે?

યુધિષ્ઠિર બોલ્યા-જેના માથે દેવું નથી, જે પરદેશમાં નથી, રૂખી-સુખી ખાઇને ૫ણ પોતાના ઘેર રહે છે તે સુખી છે. સંસારમાં દરરોજ અનેક પ્રાણીઓ યમલોકમાં જઇ રહ્યા છે ૫રંતુ જે જીવિત છે તે કાયમ ખાતે જીવીત રહેવાની ઇચ્છા કરે છે તે મોટામાં મોટું આશ્ર્ચર્ય છે. તર્કની કોઇ સ્થિતિ નથી,શ્રુતિઓ અનેક છે, ઋષિઓ પણ એક નથી કે જેમના મતને પ્રમાણ માની શકાય તથા ધર્મનું તત્વ અત્યંત ગૂઢ છે એટલે મહાપુરૂષ જે રસ્તે જાય છે તે જ માર્ગ છે. આ મહામોહરૂપી કઢાઇમાં ભગવાન કાળ તમામ પ્રાણીઓને માસ અને ઋતુરૂ૫ કડછાથી ફેરવી ફેરવીને સૂર્યરૂપી અગ્નિ અને દિવસ-રાતરૂપી ઇંધનથી રાંધી રહ્યા છે વાર્તા છે.

યક્ષે પુછ્યું-તમે મારા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે હવે પુરૂષની વ્યાખ્યા બતાવો અને એ બતાવો કે સૌથી મોટો ધનવાન કોન છે?

યુધિષ્ઠિર બોલ્યા-જે વ્યક્તિના પુણ્યકર્મોની કીર્તિની વાતો જ્યાંસુધી સ્વર્ગ અને ભૂમિને સ્પર્શ કરે છે ત્યાંસુધી તે પુરૂષ કહેવાય છે.જે મનુષ્ય પ્રિય-અપ્રિય,સુખ-દુઃખ અને ભૂત-ભવિષ્ય..આ દ્રન્દ્રોમાં સમ રહે છે તે સૌથી મોટો ધનવાન છે.જે ભૂત,વર્તમાન અને ભવિષ્યમાં તમામ વિષયો તરફથી નિઃસ્પૃહ,શાંત ચિત્ત,સુપ્રસન્ન અને સદા યોગયુક્ત છે તે ધનવાન છે.

યક્ષે કહ્યું-રાજન! તમે મારા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે તેથી આ ચાર ભાઇઓમાંથી તમે ઇચ્છો તે એક ભાઇ જીવીત થશે.

યુધિષ્ઠિરે કહ્યું-આ શ્યામવર્ણ મહાબાહુ નકુળને જીવીત કરો.

યક્ષે કહ્યું-આ તમારો પ્રિય ભાઇ ભીમસેન તથા તમારા બધાનો સહારો અર્જુનને છોડીને સૌતીલા ભાઇ નકુળને કેમ જીવીત કરવા ઇચ્છો છો?

યુધિષ્ઠિરે કહ્યું-જો ધર્મનો નાશ કરવામાં આવે તો તે નષ્ટ થયેલો ધર્મ કર્તાને નષ્ટ કરી દે છે અને જો ધર્મની રક્ષા કરવામાં આવે તો તે ધર્મ કર્તાનું રક્ષણ કરે છે એટલે હું ધર્મનો ત્યાગ નહી કરૂં. મારો એવો વિચાર છે કે વસ્તુતઃ દયા અને સમતા જ ૫રમધર્મ છે એવું વિચારીને હું તમામના પ્રત્યે દયા અને સમાનભાવ રાખવા માંગુ છું.મારા પિતાને બે પત્નીઓ હતી કુંતા અને માદ્રી, તે બંન્ને પૂત્રવતી બનેલી રહે તેથી હું નકુળને જીવીત કરવા ઇચ્છું છું.મારા માટે માતા કુંતી અને માદ્રી બંન્ને સમાન છે.

યક્ષે કહ્યું-તમે અર્થ અને કામથી વધુ દયા અને સમતાનો આદર કર્યો છે એટલે તમારા તમામ ભાઇઓ જીવીત થશે.

      ત્યારબાદ યક્ષના કહેવાથી એક ક્ષણમાં તમામ પાંડવો આળસ મરડી ઉભા થયા અને તેમની ભૂખ તથા તરસ જતી રહી.

યુધિષ્ઠિરે બોલ્યા કે-આપ દેવશ્રેષ્ઠ કોન છો? મને આપ યક્ષ લાગતા નથી. ત્યારે યક્ષે કહ્યું કે-હું તમારો જન્મદાતા ધર્મરાજા છું.તમોને જોવા માટે હું અહી આવ્યો છું. યશ,સત્ય,દમ,શૌચ,સરળતા,લજ્જા,અચંચળતા દાન,તપ અને બ્રહ્મચર્ય.. આ બધા મારા શરીર છે.અહિંસા,સમતા,શાંતિ,દયા અને અમત્સર.. મારા સુધી પહોંચવાના દ્વાર છે.જે ધર્મની રક્ષા કરે છે ધર્મ તેની રક્ષા કરે છે.(મહાભારતમાંથી સાભાર પાનઃ૯૮૦-૯૯૬)

બાર વરસ વનમાં રહ્યા હવે અજ્ઞાતવાસનું તેરમું વરસ આવ્યું છે માટે તે વરસમાં જ્યાં અમે વસીએ ત્યાં ક્યારેય પણ અમને મનુષ્યો ઓળખી શકે નહિ એ વરદાન આપો અને લોભ મોહ અને ક્રોધને હંમેશાં જીતું અને દાન તપ અને સત્ય એ ત્રણને વિષે હંમેશાં મારૂં મન રહે.ધર્મરાજાએ કહ્યું કે તમારી ઈચ્છામાં આવે એવું રૂપ ધારણ કરીને તમે વિરાટ નગરમાં જાઓ એમ વરદાન આપી ધર્મરાજા અંતર્ધાન થયા.પાંડવોએ ગુપ્ત વેશે રહેવાનો નિર્ણય કરી વિરાટ નગર તરફ જવાની તૈયારી કરી.

ચોથો લક્ષ્મણ-રાવણ સંવાદઃ

પ્રભુ રામના બાણથી રાવણ જ્યારે મરણાસન્ન અવસ્થામાં હતો ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને રાવણ પાસે જઇને શિક્ષા(બોધ) લેવા કહ્યું ત્યારે લક્ષ્મણને નવાઇ લાગે છે ત્યારે ભગવાન શ્રીરામ કહે છે કે આ સંસારમાં નીતિ-રાજનીતિ અને શક્તિનો મહાન પંડિત રાવણ હવે આ દુનિયામાંથી વિદાય લઇ રહ્યો છે એટલે તમે તેની પાસે જાઓ અને તેમની પાસેથી જીવન જીવવાની કેટલીક શિક્ષાઓને ગ્રહણ કરો કે જે અન્ય કોઇ આપી શકે તેમ નથી.

ભગવાન શ્રીરામની વાત માનીને લક્ષ્મણ મરણાસન્ન અવસ્થામાં પડેલ રાવણની નજીક જઇને તેના માથા પાસે ઉભા રહે છે પરંતુ રાવણ કંઇ જ બોલતા નથી એટલે લક્ષ્મણ પાછા શ્રીરામજી પાસે આવીને કહે છે કે તેઓ તો કંઇ જ બોલતા નથી ત્યારે શ્રીરામ કહે છે કે જો કોઇની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેના માથા પાસે નહી પરંતુ તેના ચરણો પાસે હાથ જોડીને ઉભા રહેવું પડે છે.શ્રીરામના કહ્યા પ્રમાણે લક્ષ્મણ રાવણના ચરણો પાસે બેસી જાય છે.રાવણે લક્ષ્મણને ત્રણ વાતોનો બોધ આપ્યો હતો.

(૧) કોઇપણ શુભ કાર્ય કરવાનો સંકલ્પ થાય તો તેને શક્ય તેટલું વહેલું કરવું અને અશુભ કાર્ય કરવાનો સંકલ્પ થાય તેને જેટલું બને તેટલું મુલતવી રાખવું.હું ભગવાન શ્રીરામને ઓળખી ના શક્યો અને તેમના શરણમાં જઇ શક્યો નહી તેથી મારી આ દશા થઇ છે.

(ર) તમારા વિરોધી,તમારા શત્રુને ક્યારેય પોતાના કરતાં નાના ના સમજવા જોઇએ.તે તમારા કરતાં વધુ શક્તિશાળી બની શકે છે.મેં શ્રીરામને એક મામૂલી વ્યક્તિ માનતો હતો અને વિચારતો હતો કે મારા માટે તેમને હરાવવું ખુબ જ સરળ રહેશે પરંતુ તે મારી સૌથી મોટી ભૂલ હતી.જેમને હું સામાન્ય વાંદરા અને રીંછ માનતો હતો તેને મારી આખી સેનાનો નાશ કર્યો.જ્યારે મેં બ્રહ્માજી પાસે અમરત્વનું વરદાન માંગ્યું હતું ત્યારે તેમને કહ્યું હતું કે તે શક્ય નથી કેમ કે જન્મે છે તેનું મૃત્ય નિશ્ચિત થાય છે, ત્યારે મેં માનવ અને વાનર સિવાય મને કોઇ મારી ના શકે એવું વરદાન માંગ્યું હતું કારણ કે હું માનવ અને વાનરને તુચ્છ સમજતો હતો તે મારી ભૂલ હતી.

(૩) જો જીવનમાં કોઇ રહસ્ય હોય તો તેને ક્યારેય કોઇને ના કહેવું જોઇએ.આ વાતને ભૂલીને મેં મારા મૃત્યુનું રહસ્ય મેં વિભિષણને કહ્યું હતું.જો ના કીધું હોત તો કદાચ મારી આવી દશા ના હોત.

રાવણની આ ત્રણ વાતો આજે આપણા માટે પણ મહત્વની છે જેને જીવનમાં ઉતારવાની જરૂર છે.   

પાંચમો અંગદ-રાવણ વચ્ચેનો સંવાદઃ

રામચરીત માનસના લંકાકાંડમાં વાલિપૂત્ર અંગદ રાવણની સભામાં જઇને રાવણને શિખામણ આપતાં કહે છે કે પ્રીતિ અને વિરોધ પોતાની બરાબરીવાળા સાથે જ કરવા જોઇએ.મરેલાને મારવામાં કશી વીરતા નથી.

અંગદે ચૌદ પ્રકારના મૃત્યુ રાવણને સમજાવ્યા હતા તે આજના સમયમાં પણ એટલા જ લાગૂ પડે છે. કોઇ વ્યક્તિમાં આ ચૌદ દુર્ગુણોમાંથી એકપણ જોવા મળે તો તેને મૃતક જ સમજવો જોઇએ.આપણે પણ વિચાર કરવાનો છે કે અમારા જીવનમાં આ દુર્ગણો તો નથી તેનું આત્મનિરીક્ષણ કરવાનું છે.

કૌલ કામબસ કૃપિન બિમૂઢા,અતિ દરિદ્દ અજસી અતિ બૂઢા, સદા રોગબસ સતત ક્રોધી,વિષ્‍ણુ બિમુખ શ્રુતિ સંત બિરોધી, તનુ પોષક નિંદક અધ ખાની,જીવત શબ સમ ચૌદહ પ્રાની..

વામમાર્ગી,કામી,કંજૂસ,અત્યંત મૂઢ,અતિ દરિદ્દ,અ૫કીર્તિવાળો,અત્યંત વૃદ્ધ,સદા રોગી,હંમેશાંનો ક્રોધી, ભગવાનથી વિમુખ,શ્રુતિઓ તથા સંતોનો વિરોધી,પોતાના શરીરનું જ પોષણ કરનારો,પારકી નિંદા કરનારો અને પાપી...આ ચૌદ પ્રાણી જીવતા હોવા છતાં ૫ણ શબ સમાન છે.

(૧) કામવશ-જે વ્યક્તિ અત્યંત ભોગી હોય,કામવાસનામાં લિપ્ત રહેતો હોય, જે સંસારના ભોગોમાં જ ફસાયેલો રહે છે,વાસનામાં લીન રહે છે,જેના મનની ઇચ્છાઓ ક્યારેય પુરી થતી નથી અને જે ફક્ત પોતાની ઇચ્છાઓના આધિન થઇને જીવે છે તે મૃતક સમાન છે.

(ર) વામમાર્ગી-જે વ્યક્તિ સમગ્ર દુનિયાથી વિપરીત ચાલે છે,જે સંસારની તમામ વાતોની પાછળ નકારાત્મકતા જ શોધે છે,નિયમો,પરંપરાઓ અને લોકવ્યવહારથી ઉલ્ટા ચાલે છે તેને વામમાર્ગી કહે છે તે મૃતક સમાન છે.

(૩) કંજૂસ-જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં,દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.

(૪) અતિ દરીદ્ર-ગરીબી સૌથી મોટો અભિશાપ છે. જે વ્યક્તિ પાસે ધન,આત્મ-વિશ્વાસ,સન્માન અને સાહસ ન હોય તે મૃતક સમાન છે આવા ગરીબ વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું પરંતુ તેને મદદ કરવી જોઇએ.

(૫) વિમૂઢ-અત્યંત મૂઢ એટલે કે મૂર્ખ વ્યક્તિ મરેલો જ સમજવો. જેની પાસે વિવેક બુદ્ધિ નથી અને દરેક કામમાં બીજાનો નિર્ણય લે છે તેને મૃતક સમજવો.મૂઢ વ્યક્તિ અધ્યાત્મને સમજી શકતો નથી.

(૬) અજસિ-એટલે જેને સંસારમાં બદનામી મળી છે, જે ઘર પરીવાર, કુટુંબ, સમાજ, નગર કે રાષ્ટના કોઇપણ કાર્યમાં સન્માન પ્રાપ્ત કરતો નથી તે મૃતક સમાન છે.

(૭) સદા રોગવશ-જે વ્યક્તિ નિરંતર બિમાર રહે છે તે મરેલો છે.શરીર રોગગ્રસ્ત હોય તો મન વિચલિત રહે છે, નકારાત્મકતા આવે છે તેથી તે જીવનના આનંદથી વંચિત રહે છે.

(૮) અતિ વૃદ્ધ-અત્યંત વૃદ્ધ વ્યક્તિ બીજા ઉપર આધારીત રહે છે તેનું શરીર અને બુદ્ધિ અસક્ષમ બની જાય છે એટલે ઘણીવાર તો તેના પરીવારજનો તેમના મૃત્યુની કામના કરે છે કે જેનાથી તેમને કષ્ટોથી મુક્તિ મળે એટલે અતિવૃદ્ધને મૃતક સમાન માનવો.

(૯) સતત ક્રોધી-ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર, નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે. ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે.

(૧૦) અધ ખાની-જે વ્યક્તિ પાપકર્મોથી ધન ભેગું કરીને પોતાનું તથા પરીવારનું ભરણપોષણ કરે છે તે મૃતક સમાન છે, તેની સાથે રહેનાર પણ તેના જેવા બની જાય છે. હંમેશાં મહેનત અને ઇમાનદારીથી કમાણી કરવી,પાપની કમાણી પાપકર્મોમાં જ જાય છે.

(૧૧) તનું પોષક-પોતાના શરીરનું જ પોષણ કરનાર, પોતાના સ્વાર્થ માટે જ જે જીવે છે, સંસારના અન્ય જીવો પ્રત્યે જેને સંવેદના નથી તે મૃતક સમાન છે.શરીરને પોતાનું માનીને તેમાં મશગૂલ રહેવું એ મૂર્ખતા છે કારણ કે શરીર વિનાશી અને નષ્ટ થનાર છે.

(૧૨) નિંદક-જેને બીજાઓમાં ફક્ત ખામીઓ જ દેખાય, જે અન્ય વ્યક્તિના સારા કામની પણ આલોચના કરે છે તે મૃતક સમાન છે.

(૧૩) પરમાત્માથી વિમુખ-જે પરમાત્માનો વિરોધી છે, પરમતત્વમાં જેની આસ્થા નથી, જે એમ વિચારે છે કે પરમાત્મા તત્વ જેવું કંઇ છે જ નહી, અમે કરીએ તેમ જ થાય છે, સંસાર અમે જ ચલાવીએ છીએ આવો વ્યક્તિ મૃતક સમાન છે.

(૧૪) શ્રુતિ સંત વિરોધી-જે ધર્મશાસ્ત્રો અને સંતનો વિરોધી છે તે મૃતક સમાન છે.શ્રુતિ અને સંતો બ્રેકનું કામ કરે છે.અમારા જીવનને આડે માર્ગે જતાં રોકવાનું કામ કરે છે.

અંગદ-રાવણ વચ્ચે જે સંવાદ થયો હતો તે ખુબ જ રોચક છે જેને વાંચવાથી અને તેની વ્યાખ્યા જાણવાથી વ્યક્તિને પોતાના જીવનની સ્થિતિના વિશે ઘણું બધું જ્ઞાન થાય છે.અંગદે કહ્યું કે જે પુરૂષ કાનથી ભગવાન વિષ્ણુ કે શિવની સાંભળે છે તેને ગૌહત્યાનું પાપ લાગે છે..અનેક સંકટો આવે છતાં સંતો નીતિનો માર્ગ છોડતા નથી.જે મનુષ્ય જગતના આધારરૂપ જગતના પ્રાણપતિ પરમાત્માથી વિમુખ હોય તેને વિશ્રામ મળતો નથી.

કાળ કોઇને દંડ લઇને મારતો નથી પણ જેને મારવા ધારે તેનાં ધર્મ બળ બુદ્ધિ તથા વિચારને હરી લે છે.કાળ નજીક આવે તેને ભ્રમ ઉત્પન્ન થાય છે.રાજામાં (આજના સમયમાં રાજકારણી) સામ દામ દંડ અને ભેદ આ ચાર ગુણ નીતિ ધર્મના ચાર પાયા છે તે હોવા જોઇએ.

છઠ્ઠો યમરાજા-નચિકેતા સંવાદ.

વાજશ્રવાના પૂત્ર નચિકેતા અને મૃત્યુના દેવતા યમરાજા વચ્ચે જે સંવાદ થાય છે તે વિશ્વનો પ્રથમ દાર્શનિક સંવાદ માનવામાં આવે છે.વાજશ્રવા નામના ઉપનિષદોના તત્વોનો જાણકાર એક બ્રાહ્મણ હતા તેમને અનેક આપત્તિઓનો સામનો કરીને ઘણું ધન ભેગું કર્યું હતું. એકવાર તેમને વિશ્વજીત નામનો યજ્ઞયજ્ઞ કરવાનું નક્કી કર્યું અને પોતાની તમામ સંપત્તિ દાન કરી દેવાનું નક્કી કર્યું.યજ્ઞની પૂર્ણાહૂતિ પછી તેમને બધી ગાયોનું દાન કરી દીધું પરંતુ તેમના પૂત્ર નચિકેતાને ગાયો વૃદ્ધ તથા દુર્બળ હોવાથી ગાયોનું દાન આપવું યોગ્ય ના લાગ્યું તેથી તે પોતાના પિતાની ભૂલ બતાવે છે. ત્યારે વાજશ્રવા કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી બધી સંપત્તિ દાન કરી દઇશ.દઇશ.ગાયો પણ મારી સંપત્તિ હતી એટલા માટે મેં તેનું દાન કર્યું છે.

નચિકેતાએ કહ્યું કે મને લાગે છે કે દાનમાં તે જ વસ્તુ આપવી જોઇએ જે બીજાને કામ આવી શકે. એવી વસ્તુનું શુ મહત્વ જે બીજાને ઉપયોગમાં ના આવે.હું તો તમારો પૂત્ર છું તો મારૂં દાન કોને કરશો? આમ કહેવાથી મહૃષિને ક્રોધ આવ્યો અને કહ્યું કે જા હું તને યમરાજાને સોપું છું.નચિકેતા એક આજ્ઞાકારી પૂત્ર હતો અને તેથી તેમને નક્કી કર્યું કે હવે યમરાજાને મળવા માટે જવું પડશે.પિતાની આજ્ઞા લઇને નચિકેતાએ યમલોક તરફ પ્રયાણ કર્યું વચ્ચે યમદૂતો મળ્યા તો પૂછયું કે મારે યમરાજાને મળવું છે તે કયાં મળશે? યમરાજને શોધનાર આ બાળકને જાઈને યમદૂતોને નવાઈ લાગી.

જગતનાં બધાં પ્રાણીઓ યમરાજની પાસે જતા ડરે છે જયારે આ તો સામે ચાલીને જાય છે. નચિકેતા યમરાજનું દ્વાર ખખડાવતાં યમરાજનાં પત્નીએ બારણું ખોલ્યું તેમની જીંદગીમાં આ પહેલો જ અનુભવ હતો કે કોઈ મૃત્યુલોકનો માનવી છાતી ઉચી કરીને યમરાજાને શોધતો આવ્યો હોય.યમરાજ ઘરમાં નથી ત્રણ દિવસ પછી આવશે ત્યારે મળશે એમ કહી યમરાજાના પત્નીએ દ્વાર બંધ કર્યા.

ત્રણ દિવસ સુધી નચિકેતા યમના ઘરની બહાર અડ્ડો જમાવીને ખાધા પીધા વિના બેસી રહયો. યમરાજા આવતાં સર્વ વાત તેમના કહેવામાં આવે છે.તેમણે નચિકેતાને પૂછયું કે અહી આવવાનું તારૂં પ્રયોજન શું છે? ત્યારે નચિકેતા કહે છે કે મને મારા પિતાએ તમને દાનમાં આપ્યો છે તેથી આવ્યો છું.ત્યારે યમરાજા કહે છે કે તમે મારા મહેલમાં મહેમાન બનીને આવ્યા છો.મને એ વાતનું દુઃખ છે કે તારે ત્રણ રાત ભોજન કે પાણી વિના વિતાવવી પડી.આ એક ગંભીર ભૂલ હતી કારણ કે મહેમાનની સારી રીતે સંભાળ રાખવી જોઈએ માટે હે બ્રાહ્મણ ! મારો અપરાધ માફ થાય અને હું મુક્ત થઈ શકું તે માટે હું તમને નમન કરૂં છું અને વિનંતી કરૂં છું કે તમે ઉપવાસ કરેલ ત્રણ રાતના બદલામાં ત્રણ વરદાન માગો ત્યારે નચિકેતાએ કહ્યું કે હું લેવા નથી આવ્યો પરંતુ આપવા આવ્યો છું.

યમરાજના અતિ આગ્રહને લીધે નચિકેતાએ ત્રણ વરદાન માગ્યાં.હે મૃત્યુના દેવ..મારા પિતાના બધા વિચારોને શાંત થવા દો.તેમને મારા પર પ્રસન્ન થવા દો અને મારા પ્રત્યે ક્રોધ મુક્ત થવા દો.જ્યારે હું તમને છોડીને ઘરે જાઉં ત્યારે તે મને તેના પુત્ર તરીકે ઓળખે.તેમને મારી સાથે પહેલા જેવા જ પ્રેમ અને પ્રેમથી વાત કરવા દો.હું જે ત્રણ વરદાન માંગું છું તેમાંથી આ પહેલું છે.

બાળકને તેના પિતા માટે કેટલી શુદ્ધ લાગણી હોય છે.પિતાની મુક્તિને બરબાદ થતી રોકવા માટે તેણે પોતાની જાતને મૃત્યુને શરણે કરી દીધી હતી.આ ઘટનાને કારણે તેના પિતાને જે પીડા થઈ રહી હશે તે પણ તે સમજી ગયો તેથી નચિકેતાનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ અહીં વ્યક્ત થયેલો જોવા મળે છે. આ સાંભળીને યમરાજાને આનંદ થયો કારણ કે આટલી નાની ઉંમરમાં તેણે એવી વસ્તુ માંગી હતી જે વિશે વડીલોએ પણ વિચાર્યું ન હોય.પ્રસન્ન થઈને યમરાજાએ તેની પ્રથમ ઈચ્છા પૂરી કરી.

બીજું વરદાન માગતા પહેલા બુદ્ધિશાળી નચિકેતાએ સ્પષ્ટતા કરી કે હે મૃત્યુના દેવ..પરમાત્માના ધામમાં ભય નથી.હે યમરાજા તમે અગ્નિવિદ્યા જાણો છો જેના દ્વારા કોઈ પરમાત્માના ધામને પ્રાપ્ત કરી શકે છે તે મને શીખવો આ હું મારા બીજા વરદાન તરીકે માંગું છું.યમરાજા સહેલાઈથી સંમત થયા અને શિક્ષક બન્યા.તેમને અગ્નિવિદ્યા શીખવી.વ્યક્તિ જે બાબતોમાં ઊંડો રસ ધરાવે છે તેમાં સ્વાભાવિક રીતે જ સચેત હોય છે તેથી નચિકેતાએ તેમને જે શીખવવામાં આવ્યું હતું તેનું પુનરાવર્તન કર્યું.શિક્ષકનું હૃદય જીતી ગયું.યમરાજાએ એમ કહીને પોતાનો આનંદ દર્શાવ્યો.હવેથી આ અગ્નિવિદ્યા જે મેં તમને શીખવી છે તે તમારા નામથી ઓળખાશે અને અહીં રંગીન રત્નોની આ સુંદર માળા લો..આ એક વધારાનો આશીર્વાદ હતો, જે નિર્લોભી (લોભથી મુક્ત) છે તે કોઈપણ પ્રયત્નો વિના આવા લાભ મેળવે છે પરંતુ નચિકેતાએ માત્ર તેમની કૃતજ્ઞતા દર્શાવી.તેણે રત્નોની માળા માટે કાળજી લીધી ન હતી.ખરેખર યમરાજના વરદાનના પરિણામે આ જ્ઞાનને નચિકેત અગ્નિવિદ્યાનામથી ઓળખવામાં આવે છે.

હવે યમ ત્રીજું વરદાન માગવા કહે છે ત્યારે નચિકેતા કહે છે કે પ્રભુ તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને આત્મજ્ઞાન આપો.અમૃત વિદ્યા આવડે તેવું વરદાન આપો.આ વાક્ય સંભાળતાં યમરાજા પણ ચોકી ઉઠે છે.યમરાજા વિચારે છે કે મારાથી છુટવાનો રસ્તો મને જ પૂછે છે.યમરાજા કહે છે કે તે બહુ અઘરૂં છે બીજું જે કઈ જોઈએ તે માગ ત્યારે નચિકેતા હઠ પકડે છે કે મને તો આત્મવિદ્યા જ ખપે.યમરાજા તેને બહુ સમજાવે છે અને કહે છે કે તને ત્રણ ભુવનનો ચક્રવર્તી રાજા બનાવું,ક્યારેય નાશ ના પામે તેટલું ધન, અપ્સરાઓનું ટોળું અને હજાર વર્ષનું આયુષ્ય આપવાનું કહે છે ત્યારે નચિકેતા કહે છે કે બ્રાહ્મણ છું ને આપવા માંગો તો આપો પણ આત્મજ્ઞાન અમૃતવિદ્યાને બદલામાં નહિ.તે વિદ્યા ના હોય તો આ બધું શું કરવાનું? યમરાજાએ તેની મક્કમતા જોઈને પ્રસન્ન થયા.તેની તેજસ્વીતા આગળ યમ પોતાનો પરાજય સ્વીકારી આત્મજ્ઞાન અમૃતવિદ્યા શીખવે છે.યમરાજા પાસેથી તેમનાથી છૂટવા નો રસ્તો-વિદ્યા જાણનાર આ પહેલો માનવ હશે તે ને આદર સાથે પૃથ્વી પર પાછો મોકલે છે.તે ઋષિબાળ હવે તો યમનો શિષ્ય હતો તેની પાસે અગ્નિવિદ્યા અને અમૃતવિદ્યા બંને હતા તેને તેના પિતાના પંથે કામ શરૂં કર્યું અને માનવ-માનવ પાસે પહોચ્યો અને દરેકને યોગ્યતા પ્રમાણે આત્મવિદ્યાના પગથીયાં શીખવે છે અને કહે છે કે તમે માનવ  છો, અમૃતના પુત્રો છો, આમ લાચાર-દીન થવાનું  ના હોય.તમે માનવ અમૃત ના પ્રભુના અંશ છો.તેના ગુણો અને વૃત્તિ જોઈને વિવેકાનંદ અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી નચિકેતા શોધવા ને બનાવવા લાગી જાય છે.આ છે આપણી સંસ્કૃતિનો બીજો છેડો.

નચિકેતા યમદેવના દ્વાર પાસે પહોચ્યા.યમરાજા તે સમયે ઘેર ન હતા. નચિકેતા તેમની પ્રતિક્ષામાં અટલ ઉભા રહ્યા.યમદેવે આવીને તેમના ત૫ના બદલામાં ત્રણ વરદાન માંગવા માટે કહ્યું.આ ત્રણ વરદાનમાં ત્રીજા વરદાનના રૂ૫માં નચિકેતા માંગે છે કે પ્રતિક્ષણ ચાલતા જન્મ-મૃત્યુ ઉ૫ર વિજ્ય પ્રાપ્‍ત કરવાની જિજ્ઞાસા તથા આત્મા-૫રમાત્માનું જ્ઞાન પ્રદાન કરો.યમદેવે બાળકની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને એક એકથી ચડીયાતી ભોગ સામગ્રી આ૫વાનું પ્રલોભન આપવા છતાં નચિકેતાએ કહ્યું કે આ તમામ સુખ ભોગ મનુષ્‍યના માટે આજે છે પરંતુ કાલે રહેવાના નથી.ભોગો ઇન્દ્રિયોના તેજને ક્ષીણ કરી દે છે.આ ભોગોને ભોગવવા માટે જીવન અલ્પ છે તેનો અંત મૃત્યુ છે એટલા માટે આ અવિકલ ભોગસામગ્રીને પોતાની પાસે જ રાખો.મને તો જન્મ-મૃત્યુ ઉ૫ર વિજ્ય પ્રાપ્‍ત કરવાનું જ્ઞાનરૂપી વરદાન આપો.

પિતાના આર્શીર્વાદ લીધા વિના આવ્યો છું તેથી તે નારાજ ન થાય, મને વૈશ્વનાર અગ્નિની ઉપાસના શિખવાડો અને ખરેખર તમે પ્રસન્ન થયા હો તો મને આત્મજ્ઞાન આપો.. છેલ્લી માંગણી સાંભળી યમરાજ ચમકી ગયા.યમરાજે ધન-વૈભવ માગવાનું કહ્યું ત્યારે નચિકેતાએ કહયું કે આત્મજ્ઞાન ન મળે તો વૈભવ દીર્ઘ આયુષ્ય શું કરવાનું? નચિકેતાની આ નાચિકેતવૃત્તિ છે. હું માણસ છું પશુ નથી.હું માણસ છું પણ ભગવાનનો છું અને અંતે હું બ્રહ્મ છું આ ત્રણ આત્મજ્ઞાનનાં પગથીયાં છે.નાચિકેતવૃત્તિ સામે યમનો પણ પરાજય થયો.

 આ પ્રમાણે જીવનમાં આત્મકલ્યાણની દિશા તરફ આગળ વધવાનું અને સૌને એક પ્રેરણારૂપ કહી શકાય તેઓ નચિકેતા અને યમનો સંવાદ છે જેમાં આત્મવિદ્યાની સારરૂપ વાતો પણ દર્શાવવામાં આવી છે.

સાતમો શિવ-પાર્વતી સંવાદ..

રામાયણના બાલકાંડમાં શિવ-પાર્વતી સંવાદનું વર્ણન છે.જેને આત્મસાત કરીએ.જેમ દોરડાને નહી જાણવાથી મિથ્યા સર્પ સાચો લાગે છે તેમ પ્રભુ પરમાત્માને નહી જાણવાથી આ મિથ્યા સંસાર સાચો લાગે છે અને જેમ જાગ્રત અવસ્થા થયાથી સ્વપ્નરૂપ ભ્રમ જતો રહે છે તેમ પ્રભુનો બોધ થવાથી સંસારરૂપ ભ્રમ જતો રહે છે.

જે લોકોએ કાનથી ભગવાનની કથા સાંભળી નથી તે લોકોના કાન સર્પોના રાફડા જેવા છે. જે નેત્રોએ સંતજનોના દર્શન કર્યા નથી તે નોત્રો મોરપિંછના ચાંદલા જેવા છે. જે મસ્તક પ્રભુના,ગુરૂના ચરણોમાં નમે નહી તે મસ્તક કડવા તુંબડા સમાન છે.

જે પ્રાણી હ્રદયમાં શ્રી હરીની ભક્તિને ધારણ કરતા નથી તેઓ જીવતાં શબ સમાન છે.જે જીભ શ્રી રામના ગુણ ગાતી નથી તે જીભ દેડકાની જીભ જેવી છે.જે છાતી હરિના ચરીત્રો સાંભળીને હરખાતી નથી તે છાતી વજ્રના જેવી કઠણ સમજવી.સુંદર રામકથા સંશયરૂપી પક્ષીઓને ઉડાડવામાં હાથની તાળી જેવી છે અને કળિયુગરૂપી ઝાડનું છેદન કરવામાં કુહાડી જેવી છે.

સગુણ અને નિર્ગુણમાં કોઇ ભેદ નથી.જે પરમાત્મા અગુણ અરૂપ અલક્ષ્ય અને અજન્મ્યા છે તે જ ભક્તો ઉપરના પ્રેમને વશ થઇને સગુણ થાય છે. જે ગુણોથી રહિત હોય તે સગુણ કેમ થાય? એવો પ્રશ્ન પુછનારને સામે સવાલ પુછવો કે જે જળ છે તે બરફ કેમ થાય? જેમ જળ અને બરફ જુદાં નથી તેમ ગુણ રહિત અને સગુણ બે ભિન્ન નથી.

હર્ષ-ખેદ,જ્ઞાન-અજ્ઞાન અને હું છું એવું અભિમાન(અહંકાર) એ જીવના ધર્મ છે.જ્ઞાનએ પરમાત્માનો ધર્મ નથી પણ પરમાત્માનું સ્વરૂપ છે.રામ પરબ્રહ્મ છે,વ્યાપક છે,પરમાનંદરૂપ છે,જગતપ્રસિદ્ધ રીતે પરમેશ્વર છે,અનાદિ છે.

અજ્ઞાની તથા જડ પ્રાણીઓ પોતાની ભૂલોને સ્વીકારતા નથી પણ પ્રભુ ઉપર દોષ મુકે છે.બ્રહ્મ વગર પગે જ ચાલે છે,બિના કાને સાંભળે છે,વગર હાથે અનેક પ્રકારના કામ કરે છે,વગર મુખે જ બધા જ રસોનો આનંદ લે છે અને વાણી વગર પણ ઘણો મોટો વક્તા અને મહાન યોગી છે.તે શરીર વિના સ્પર્શ કરે છે,વગર આંખે જોઇ શકે છે અને નાક વગર જ બધી જાતની ગંધ પારખે છે.

જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ,અભિમાની તથા અસુરોની વૃદ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ન જાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો,ગાયો,દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.

જગતમાં કોઇ જ્ઞાની પણ નથી અને કોઇ મૂઢ પણ નથી ભગવાન જ્યારે જે સમયે જેને જેવો બનાવે (મૂઢ કે જ્ઞાની) તે સમયે તે તેવો થઇ જાય છે.

સંસારમાં જે કામી અને લોભી હોય છે તે કુટીલ કાગડાની જેમ બધાથી ડરતા રહે છે.રામ જે કંઇ કરવા ધારે છે તે અવશ્ય થાય છે.રામે જે ધાર્યું હોય તેમાં ફેરફાર કરવાનું કોઇનું સામર્થ્ય નથી.ભગવાનની માયા અતિ પ્રચંડ છે એ માયાથી જેને મોહ ન થાય એવો જગતમાં કોઇ જન્મ્યો નથી.જેના હ્રદયમાં જ્ઞાન અને વૈરાગ્ય ન હોય તેના મનમાં મોહ ઉત્પન્ન થઇ જાય છે.

ગાયત્રી-મંજરીમાં પણ શિવ-પાર્વતી સંવાદ આવે છે.અહી તે સંવાદની વાત નથી.ભારતદેશના કાશ્મીર રાજ્યમાં અમરનાથ નામની ગુફા છે જ્યાં જૂન મહિનામાં બાબા અમરનાથના દર્શન કરવા માટે હજારો હિન્દુઓ આવે છે.વાસ્તવમાં આ ગુફા શિવ-પાર્વતી સંવાદની સાક્ષી છે.અહીયાં ભગવાન શિવે માતા પાર્વતીને રહસ્યમયી જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો.આ જ્ઞાનને વિજ્ઞાન ભૈરવ તંત્રમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે.

ભગવાન શિવે પોતાની અર્ધાગિની માતા પાર્વતીજીને મોક્ષ માટે અમરનાથ ગૂફામાં જે જ્ઞાન આપ્યું હતું તે જ્ઞાનની આજે અનેક શાખાઓ ચાલી રહી છે.તે જ્ઞાનયોગ અને તંત્રના મૂળ સૂત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિજ્ઞાન ભૈરવ તંત્ર એક એવો ગ્રંથ છે જેમાં ભગવાન શિવ દ્વારા માતા પાર્વતીજીને બતાવવામાં આવેલ ૧૧૨ ધ્યાન સૂત્રોનું સંકલન છે.

ભગવાન શિવ દ્વારા માતા પાર્વતીજીને જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે ઘણું જ ગૂઢ-ગંભીર તથા રહસ્યથી ભરપુર જ્ઞાન છે.યોગશાસ્ત્રના પ્રવર્તક ભગવાન શિવનું વિજ્ઞાન ભૈરવ તંત્ર અને શિવ સંહિતામાં તમામ શિક્ષા અને દીક્ષાનું જ્ઞાન ભરેલું છે.તંત્રના અનેક ગ્રંથોમાં તેમની શિક્ષાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.ભગવાન શિવના યોગને તંત્ર કે વામયોગ કહે છે અને તેની જ એક શાખા હઠયોગની છે.ભગવાન શિવ કહે છે કે વામો માર્ગઃ પરમગહનો યોગિતામપ્યગમ્યઃ એટલે કે વામમાર્ગ અત્યંત ગહન અને યોગીઓના માટે પણ અગમ્ય છે.

આઠમો સંવાદ યાજ્ઞવલ્ક્યજી-ગાર્ગીનો છે.

મહર્ષિ યાજ્ઞવલ્ક્યને મૈત્રેયી અને કાત્યાયની નામની બે પત્નીઓ હતી.જે પૈકી મૈત્રેયી આધ્યાત્મિક વૃત્તિ અને કાત્યાયની સાંસારિક વૃત્તિ ધરાવતા હતા.કાત્યાયની દ્વારા મહર્ષિને કાત્યાયન અને પિપ્પલાદ નામના બે મહાન વિદ્વાન ઋષિપુત્ર પ્રાપ્ત થયેલા.જ્યારે મહર્ષિએ સંન્યાસ લીધો ત્યારે બધી ધનસંપદા કાત્યાયનીને સોંપી અને મૈત્રેયીને અધ્યાત્મજ્ઞાનનો ઉત્તમ ઉપદેશ આપ્યો.વનવાસ દરમિયાન પણ મહાવિદુષી મૈત્રેયી તેમની સાથે રહ્યા હતા.

બૃહદારણ્ય ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યજી-ગાર્ગી આ બે વચ્ચે થયેલ સંવાદનો ઉલ્લેખ છે.રાજા જનક અવાર નવાર પોતાના રાજ્યમાં શાસ્ત્રાર્થનું આયોજન કરતા હતા અને શાસ્ત્રાર્થમાં વિજેતા બનનારને સોનાથી મઢેલ શિંગડાવાળી ગાયો આપવામાં આવતી હતી.એકવાર શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલ્ક્યજીને આમંત્રણ આપવામાં આવે છે.શાસ્ત્રાર્થ શરૂ થાય ત્યાર પહેલાં જ યાજ્ઞવલ્ક્યજી પોતાના શિષ્યોને ગાયો હાંકીને લઇ જવાનું કહે છે.તે સમયે એક અન્ય ઋષિ ગુસ્સે થઇને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવે છે.તે સમયે યાજ્ઞવલ્ક્યજીએ તેમના તમામ પ્રશ્નોના યથાવિધિ જવાબ આપ્યા અને તમામને સંતુષ્ટ કર્યા.તે સભામાં બ્રહ્મવાદિની ગાર્ગીને પણ બોલાવવામાં આવી હતી.શાસ્ત્રાર્થના અંતમાં સાક્ષાત તેજપૂંજ ગાર્ગી યાજ્ઞવલ્ક્યજી સાથે શાસ્ત્રાર્થ કરવા ઉભી થાય છે અને અનેક પ્રશ્નો પુછે છે.

એવું કહેવાય છે કે બધું જ જળમાં સમાયેલું છે તો જળ શેમાં ઓતપ્રોત છે? ત્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી જવાબ આપે છે વાયુમાં.વાયુ શેમાં ઓતપ્રોત છે? અંતરીક્ષ(આકાશ)માં..અંતરીક્ષ શેમાં સમાયેલ છે? ગંધર્વલોકમાં.. ગંધર્વલોક શેમાં સમાવિષ્ઠ છે? આદિત્યલોકમાં અને આદિત્યલોક બ્રહ્મલોકમાં ઓતપ્રોત છે.

આ રીતે પ્રશ્ન પુછતાં પુછતાં છેલ્લે ગાર્ગી પુછે છે કે બ્રહ્મલોક શેમાં ઓતપ્રોત છે? બ્રહ્મલોક એટલે બ્રહ્મતત્વ.જે અંતિમ તત્વ છે.બધુ જ તેમાં સમાયેલું છે.બ્રહ્મ સર્વને પોતાનામાં સમાવી લે છે.દરેકમાં રહેલો હોવા છતાં બ્રહ્મ પોતાની જગ્યાએ સ્થિર છે.બ્રહ્મ શેમાં ઓતપ્રોત છે આવો પ્રશ્ન થઇ જ ના શકે.જે બધાનો પોતાનામાં સમાવેશ કરે તેના વિશે તે શેમાં સમાયેલું છે એમ પુછવું એ પ્રતિપ્રશ્ન કર્યો કહેવાય.જે બધાનો આધાર છે એના આધાર વિશે પ્રશ્ન એ પ્રતિપ્રશ્ન છે.ઝાડના મૂળ હોય પણ મૂળના મૂળ ના હોય.

ગાર્ગીને ખ્યાલ આવી ગયો કે એણે હવે ચૂપ થવુ જોઇએ.જનકરાજાની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા તરીકે સ્વીકૃત થઇ ગયા.ત્યારબાદ મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ યથાર્થ સુખ અને વેદાન્તતત્વ સમજાવ્યું જેને સાંભળીને ગાર્ગી પરમ સંતુષ્ટ થયા અને તમામ ઋષિઓને સંબોધીને કહ્યું કે યાજ્ઞવલ્ક્યજી વાસ્તવમાં સાચા બ્રહ્મજ્ઞાની છે અને ગાયો લઇ જવાનું તેમને જે સાહસ કર્યુ છે તે યોગ્ય છે.

નવમો સંવાદ કાક ભુશુણ્ડી-ગરૂડનો છે.

કાક ભુશુણ્ડીજીએ પક્ષીરાજ ગરૂડજીને રામકથા સંભળાવી હતી જેનું વર્ણન રામચરીત માનસમાં છે.કાક ભુશુણ્ડીજીએ પોતાના પૂર્વજન્મની કથા તથા કળિયુગની મહિમાનું વર્ણન કર્યું છે.નારદજીની આજ્ઞાથી જ્યારે ભગવાન શ્રીરામને નાગપાશના બંધનમાંથી છોડાવીને પોતાના ધામમાં જાય છે ત્યારે તેમના મનમાં શંકા થાય છે કે આ કેવા ભગવાન છે કે જે એક રાક્ષસ દ્વારા ફેંકવામાં આવેલ નાગપાશમાં બંધાય જાય છે? આ શંકાનું સમાધાન તેઓ નારદજીને પુછે છે.નારદજી ગરૂડજીને બ્રહ્માજી પાસે મોકલે છે.બ્રહ્માજી તેમને ભગવાન શિવજી પાસે મોકલે છે ત્યારે શિવજીએ કહ્યું કે ભગવાનની માયા વિશે પૂર્ણ રીતે સમજાવવું મુશ્કેલ છે.એક પક્ષી જ પક્ષીને સમજાવી શકશે એટલે તમે કાક ભુશુણ્ડીની પાસે જાઓ.કાક ભુશુણ્ડી-ગરૂડજી વચ્ચે જે સંવાદ થયો તે જ્ઞાન સભર છે.

લાંબા સમય સુધી સત્સંગ કરવામાં આવે ત્યારે જ બધા સંશયોનો નાશ થાય છે.સત્સંગ વગર હરીકથા સાંભળવા ના મળે અને તે સિવાય મોહ દૂર થતો નથી અને મોહ દૂર ના થાય ત્યાંસુધી ભગવાનના ચરણોમાં પ્રેમ દ્રઢ થતો નથી.પ્રેમ ના હોય તો યોગ તપ જ્ઞાન અને વૈરાગ્ય લાવવાથી ભગવાન મળતા નથી એટલા માટે સત્સંગ કરો.

પ્રભુની માયા ઘણી જ બળવાન છે જ્ઞાની પણ મોહિત થયા વિના રહેતો નથી.સંતસંગ કરવાથી મન પ્રસન્ન થાય છે અને માયાથી થયેલા શોક-મોહ અને ભ્રમ નષ્ટ થઇ ભગવાનના ચરણોમાં સ્નેહ ઉપજે છે. શુદ્ધ ચિત્તવાળા સંત મહાપુરૂષો તેને જ મળે છે કે જેના ઉપર પ્રભુની કૃપાદ્રષ્ટિ થાય છે.

માયાની પ્રચંડ સેના સમસ્ત સંસારમાં પથરાયેલી છે.કામ ક્રોધ લોભ મોહ અહંકાર તેના સેનાપતિઓ છે તથા દંભ કપટ અને પાખંડ તેના યોદ્ધા છે.આ માયા પ્રભુની દાસી છે અને પ્રભુની કૃપા વિના તે છુટતી નથી.જે માયા તમામ જગતને નચાવે છે તેના ચરીત્રનો ભેદ કોઇ સમજી શકતો નથી.

પ્રભુ પરમાત્મા એક, સચ્ચિદાનંદ, અજન્મા, વિજ્ઞાનરૂપ, વ્યાપક, અખંડ, અંતરહિત, સર્વરૂપ, અમોઘ, નિર્ગુણ, ઐશ્ર્વર્યવાળા,દંભથી રહિત,વાણી તથા ઇન્દ્રિયોથી અગમ્ય, સમદર્શિ, નિર્દોષ, અજીત, મમતાથી રહિત, નિરાકાર, મોહથી રહિત, નિત્ય, નિર્લેપ અને પરમસુખ દાયક છે.તે માયાથી પર છે,સર્વના હ્રદયમાં અંતર્યામીપણાથી રહેનારા,ચેષ્ટાઓ અને વિકારોથી રહિત અવિનાશી છે..

કામ ક્રોધ લોભ મોહ તથા અહંકારરૂપી દુઃખરૂપ ઘરમાં આસક્ત થયેલા અને અજ્ઞાનરૂપી કૂવામાં પડેલા મૂઢ લોકો ભગવાનને ઓળખી શકતા નથી.

ભગવાન ભક્તમાં અભિમાનનો અંશ રહેવા દેતા નથી કારણ કે અભિમાન જન્મ-મરણરૂપી સંસારનું મૂળ છે તથા અનેક પ્રકારના ક્લેશ અને શોકને આપનાર છે.

જીવ માયાને વશ હોવાથી અલ્પ,અનિત્ય જ્ઞાનવાળો અને અભિમાની છે.ગુણોના સમુહ સમાન ઇશ્વર માયાને પોતાના વશમાં રાખે છે અને નિરાભિમાની છે.જીવ પરતંત્ર છે અને ઇશ્વર સ્વતંત્ર છે.જીવ અનેકમાં રહે છે અને ઇશ્વર એક છે.જો કે આ જીવ-ઇશ્વરનો ભેદ પણ બીજા સૌ ભેદોની જેમ માયાએ જ રચેલો છે તો પણ તે ભેદો ઇશ્વરકૃપા વિના બીજા કરોડો ઉપાયોથી પણ ટળતો નથી.

જે મનુષ્ય રામજીના ભજન વિના નિર્વાણપદની ઇચ્છા કરતો હોય તે માણસ જ્ઞાનવાળો હોય તો પણ તેને શીંગડા અને પૂંછડા વગરનો પશુ જ સમજવો.પ્રભુના ભજન વિના જીવોની અવિદ્યા વગેરે ક્લેશો ગળવાના નથી.પ્રભુ ભક્તોનાના મનમાં અવિદ્યા વ્યાપતી જ નથી.

વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી,ભક્તિ વગર શ્રીરામજીની કૃપા પામી શકાતી નથી અને ભગવાનની કૃપા વિના જીવને સ્વપ્નમાં પણ શાંતિ મળતી નથી.ભગવાન ભાવથી વશ થાય છે માટે મમતા,મદ અને માનને છોડીને ભજન કરવું.

જેની સાથે પોતાનો સ્વાર્થ હોય છે તેના ઉપર સૌ કોઇ વિશેષ પ્રેમ રાખે છે.પોતાનું જેમાં પરમહિત સમાયેલું હોય તે ભલે નીચ હોય તો પણ તેની સાથે પ્રેમપૂર્વક ભળવું જોઇએ.

ગરુડજીએ કાક ભુશુણ્ડીજીને સાત પ્રશ્નો પૂછ્યા.સૌથી દુર્લભ શરીર કયું? સૌથી મોટું દુઃખ કયું? સૌથી મોટું સુખ કયું? સંત-અસંતનો સહજ સ્વભાવ કેવો હોય છે? સૌથી મોટું પુણ્ય કયું? સૌથી ભયાનક પાપ કયું? મનના રોગો કયા?

પ્રશ્નોના જવાબ આપતાં કાક ભુશુણ્ડીજી કહે છે કે મનુષ્ય શરીર સૌથી દુર્લભ છે તે સ્વર્ગ-નર્ક કે મોક્ષની નિસરણી છે.જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું સાધન છે.આવું દુર્લભ શરીર ધરીને પણ જે લોકો શ્રીહરિને ભજતા નથી તેઓ હાથમાં આવેલા પારસમણિને ફેંકી દઈને કાચનો ટુકડો સંઘરે છે.

જગતમાં દરિદ્રતા સમાન દુઃખ નથી અને સંત-મિલન(સત્સંગ) સમાન કોઈ સુખ નથી.સંતો મન વચન અને કર્મથી પોતે બીજાનું દુઃખ ભોગવી તેને સુખી કરે છે જયારે અસંતો બીજાઓને દુઃખી કરીને પોતે સુખી થાય છે તેવું માને છે.

સંસારમાં મોટામાં મોટું પાપ પરનિંદા છે અને મોટામાં મોટું પુણ્ય પરનિંદા છે.મનના રોગોઃ શરીરના રોગો કરતાં પણ મનુષ્ય આ મનના રોગોથી વધારે દુઃખી થાય છે.સર્વ રોગોનું મૂળ એ મોહ છે.કામ એ વાત. લોભ એ કફ અને ક્રોધ એ પિત્ત છે.વાત કફ અને પિત્ત એ આયુર્વેદ પ્રમાણે શરીરના મૂળ રોગો છે. આ ત્રણે રોગ કામ ક્રોધ લોભ વાત પિત્ત કફ ભેગા થઇ જાય તો સનેપાત (ભાન ભૂલાઈ જવું) થાય છે.

મમતા એ દાદરનો રોગ છે.ઈર્ષા ખુજલી છે.પારકાનું સુખ જોઈ બળવું તે ક્ષય રોગ છે.મનની કુટિલતા એ કોઢ છે.અહંકાર એ ગાંઠનો રોગ છે.દંભ કપટ મદ એ નસોના રોગો છે.તૃષ્ણા એ જ્લોધરનો રોગ છે અને લોકેષણા વિત્તેષણા પુત્રેષણા એ એકાંતરિયો તાવ છે.આ બધા અસાધ્ય રોગ જીવને પીડા આપે છે. આમાંનો એકએક રોગ મનુષ્યને મારવા સમર્થ છે તો જેનામાં બધા ભેગા થઇ જાય તો તેની દુર્દશાનું શું કહેવું?

જગતના સર્વ જીવોને આ રોગનો ભય છે.કોઈ જ આ રોગના ભયથી મુક્ત નથી એટલા માટે આ રોગોને ઓળખી લેવાની જરૂર છે,રોગોને ઓળખવાથી તેનું જોર ઓછું થાય છે પણ તે નાશ પામતા નથી. આમાંના કોઈ કોઈ રોગ તો ઋષિ-મુનિઓમાં પણ ફૂટી નીકળે છે તો સાધારણ મનુષ્યની તો શી વિસાત? આ રોગો મટાડવાનો માત્ર એક જ ઉપાય છે અને તે કોઈ સદગુરૂ (વૈદ્ય) મળી જાય અને તેમના શરણે જઈ તેમના વચનમાં વિશ્વાસ રાખી તેમણે બતાવેલી પરેજી પાળવામાં આવે.આવા સદગુરૂ (વૈદ્ય) મળવા સહેલા નથી અને મળે તો દર્દીનું ભાગ્ય ખુલી જાય છે.સદગુરૂઓએ બતાવેલ આ રોગો સામે વાપરવાની સંજીવની (દવા) એ શ્રીરામની ભક્તિ છે.

શ્રદ્ધા એ તેનું અનુપાન છે.જેનાથી રોગ જડમૂળથી નાશ થાય છે.બીજા કોઈ ઉપાયથી નહિ. ટૂંકમાં સર્વનો સાર એ છે કે શ્રીરામની ભક્તિ વિના આરોગ્ય નથી,સુખ નથી,જીવન નથી.કદાચ ઝાંઝવાના જળથી તરસ બુઝાય,કદાચ સસલાના માથા પર શિંગડાં ઉગે,કદાચ અંધકાર સૂરજનો નાશ કરે પણ શ્રીરામથી વિમુખ (દૂર) થયેલો કદી સુખી થતો નથી.કદાચ બરફમાંથી અગ્નિ પ્રગટે,કદાચ રેતીને પીસવાથી તેલ નીકળે અને કદાચ પાણી વલોવવાથી માખણ નીકળે પણ શ્રીરામની ભક્તિ વિના કોઈ શાંતિ પામતું નથી.

છેલ્લે કાકભુશુંડીએ પોતાનું તમામ શ્રદ્ધાબળ શબ્દોમાં પુરીને કહ્યું કે હું નિશ્ચય પૂર્વક કહું છું કે મારૂં વચન કદાપિ ખોટું નહી પડે કે જે મનુષ્ય શ્રીહરિને ભજે છે તે જ આ દુસ્તર સંસારને તરી જાય છે.મારો જ દાખલો જુઓ.પક્ષીઓમાં નીચમાં નીચ અને અપવિત્ર એવો હું કાગડો શ્રીરામની કૃપાથી પાવન બની ગયો છું.હું સર્વ પ્રકારે હીન હોવાં છતાં આજે અતિ ધન્ય બની ગયો છું.શું શ્રીરામની કૃપાનો આ જેવો તેવો ચમત્કાર નથી.

દશમો સંવાદ યુધિષ્ઠિર-ભિષ્મનો છે.

પોતાના અંતિમ સમયે ભીષ્મદાદાએ યુધિષ્ઠિરને ધર્મનો મર્મ સમજાવ્યો હતો.પોતે ભલે બાણશૈયા ઉપર હતા તેમછતાં ભગવાન કૃષ્ણના કહેવાથી તેમને યુદ્ધ બાદ યુધિષ્ઠિરનો શોક દૂર કરવા રાજધર્મ,મોક્ષધર્મ અને આપદધર્મ વગેરેનો મૂલ્યવાન ઉપદેશ ઘણા જ વિસ્તારથી સમજાવ્યો.આ ઉપદેશ સાંભળ્યા બાદ યુધિષ્ઠિરના મનમાંથી ગ્લાનિ અને ત્યારબાદ પશ્ચાતાપ દૂર થાય છે.આ ઉપદેશ મહાભારતના ભીષ્મપર્વમાં વાંચવા મળશે આવો તેનો ટૂંકસાર જોઇએ..

રાજાએ સૌથી પહેલાં પ્રજાને પ્રસન્ન રાખવાની ઇચ્છાથી દેવતાઓ અને બ્રાહ્મણોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન તથા આદર સત્કાર કરવો જોઇએ.હંમેશાં પુરૂષાર્થના માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ.ફક્ત પ્રારબ્ધના ભરોસે રહેવાથી પ્રયોજન સિદ્ધ થતું નથી.જો શરૂ કરેલ કાર્ય પૂર્ણ ના થાય અથવા તેમાં વિઘ્ન આવે તો મનમાં દુઃખ ના લાવતાં હંમેશાં પુરૂષાર્થમાં પોતાને લગાવેલા રાખો આ રાજાની નીતિ છે.

સત્ય જ પરમ ધન છે.સત્યથી મોટું કોઇ સાધન નથી.સત્ય સિવાય રાજાના માટે કોઇ વસ્તુ સિદ્ધિદાયક નથી.સત્યપરાયણ રાજા પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કરે છે અને આલોક-પરલોકમાં સુખ મેળવે છે.જે રાજા ગુણવાન,શીલવાન,મન અને ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનાર છે,કોમળ સ્વભાવ,ધર્મપરાયણ,જીતેન્દ્રિય,પ્રસન્ન ચિત્ત તથા ઘણું બધું આપનાર ઉદારચિત્ત છે તે ક્યારેય રાજલક્ષ્મીથી ભ્રષ્ટ થતો નથી.

તમામ કાર્યોમાં સરળતા અને કોમળતાનો આધાર લેવો.પોતાના છિદ્ર-મંત્રણા અને પોતાની કાર્ય કુશળતાને ગુપ્ત રાખવાં.બ્રાહ્મણોને ક્યારેય દંડ ના આપવો કેમકે સંસારમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ છે.

પ્રત્યક્ષ,અનુમાન,ઉપમાન અને આગમ..આ ચાર પ્રમાણોના આધારે પોતાના-પારકાની ઓળખાણ કરતા રહેવું જોઇએ..હંમેશાં ધીરજ રાખવી..પોતાના સેવકોની સાથે વધુ પડતી ર્હંસી મજાક ન કરવી.

જે સંધિ કરવા યોગ્ય હોય તેની સાથે સમાધાન કરી લેવું અને જે વિરોધ કરવા યોગ્ય હોય તેની સાથે વિરોધ કરવો..રાજ્યના સાત અંગ છેઃરાજા મંત્રી મિત્ર ખજાનો દેશ દુર્ગ અને સેના.જે આ સાત અંગોથી યુક્ત રાજ્યના વિપરીત આચરણ કરે તેને મારી જ નાખવો જોઇએ.

અઢાર પ્રકારના વ્યસનો છે.શિકાર,જુગાર,દિવસે સૂવું,પારકાની નિંદા,સ્ત્રીસેવન,મદ,વાદ્ય,ગીત,નૃત્ય, મદિરાપાન,ચુંગલી,સાહસ,દ્રોહ,ઇર્ષ્યા,અસૂયા,અર્થદૂષણ,વાણીની કઠોરતા અને દંડની કઠોરતા..આ તમામ પ્રકારના વ્યસનોની આસક્તિનો ત્યાગ કરવો. (વર્તમાન સમયમાં રાજા એટલે રાજકારણીઓ-નેતાઓ)

જેને પોતાના મનને વશમાં કર્યું છે,ક્રોધને જીત્યો છે તથા શાસ્ત્રોના સિદ્ધાંતનું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે નિરંતર લાગેલો રહે છે, જેને ચારે વેદોનું જ્ઞાન છે તથા જે પોતાના ગુપ્ત વિચારોને બીજા સામે જાહેર કરતા નથી તે રાજા થવા યોગ્ય છે.

રાજાએ કોઇના ઉપર વિશ્વાસ ના રાખવો,વિશ્વાસપાત્ર વ્યક્તિ ઉપર પણ અતિશય વિશ્વાસ ના રાખવો. રાજનીતિના છ ગુણો હોય છેઃસંધિ વિગ્રહ યાન આસન દ્વૈધીભાવ અને સમાશ્રય. શત્રુ ઉપર ચઢાઇ કરવામાં આવે અને તે વધારે બળવાન હોય તો તેની સાથે સમાધાન કરી લેવું તેને સંધિ કહે છે.જો બંન્ને પક્ષ સમાન હોય તો યુદ્ધ ચાલુ રાખવું તેને વિગ્રહ કહે છે.છે.શત્રુ દુર્બળ હોય તો તે અવસ્થામાં તેના કિલ્લા વગેરે ઉપર આક્રમણ કરવામાં આવે તેને યાન કહે છે.જો આપણી ઉપર શત્રુ આક્રમણ કરે અને શત્રુ આપણા કરતાં વધુ પ્રબળ હોય તો તે સમયે પોતાના કિલ્લામાં સંતાઇ જઇને આત્મરક્ષા કરવી તેને આસન કહે છે.જો ચઢાઇ કરનાર રાજા મધ્યમ શ્રેણીનો હોય દ્વેધીભાવનો સહારો લેવામાં આવે છે,તેમાં બાહ્યભાવ જુદો અને અંદરનો ભાવ જુદો હોય છે.

ધર્મની વ્યાખ્યા સમજાવતાં પિતામહે કહ્યું કે.. કોઇના ઉપર ક્રોધ ન કરવો,સત્ય બોલવું,ધનને વહેંચીને ઉપભોગ કરવો, ક્ષમાભાવ રાખવો,પોતાની પત્નીના ગર્ભથી જ સંતાન પૈદા કરવાં, અંદર-બહારથી પવિત્ર રહેવું, કોઇની સાથે દ્રોહ ના કરવો,સરળભાવ રાખવો અને ભરણ-પોષણ કરવા યોગ્ય વ્યક્તિઓનું પાલન પોષણ કરવું..આ નવ તમામ વર્ણો માટે ઉપયોગી ધર્મ છે.

ગૃહસ્થોએ પોતાની પત્નીમાં જ અનુરાગ રાખીને સંતુષ્ઠ રહેવું, ઋતુકાળમાં જ પોતાની પત્ની સાથે સમાગમ કરવો,શાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરવું, શઠતા અને કુટીલતાથી દૂર રહેવું, પરિમિત આહાર લેવો, દેવતાઓની આરાધના કરવી, ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતા રાખવી, સત્ય બોલવું, તમામના પ્રત્યે મૃદુભાવ રાખવો, કોઇના પ્રત્યે ક્રૂરતાનો ભાવ ના રાખતાં ક્ષમાભાવ રાખવો, ઇન્દ્રિય સંયમ રાખવો, ગુરૂજનો અને શાસ્ત્રોની આજ્ઞા માનવી, ઇર્ષા-દ્વેષભાવ ના રાખવો.

આલોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિના છત્રીસ ગુણોઃધર્મનું આચરણ કરવું પરંતુ કટુતા ના લાવવી, આસ્તિક બનીને બીજાઓની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો,ક્રૂરતા છોડીને અર્થ સંગ્રહ કરવો,મર્યાદાઓનું પાલન કરીને વિષયો ભોગવવા,દીનતા લાવ્યા વિના પ્રિય વચનો બોલવા,શૂરવીર બનો પરંતુ જે બોલો તે વાતોને વધારીને ના કહો,દાન કરો પરંતુ અપાત્રને દાન ન કરો,સાહસી બનો પરંતુ નિષ્ઠુર ના બનો, દુષ્ટો સાથે સમાધાન ના કરો, ભાઇઓ સાથે લડાઇ-ઝઘડા ના કરવા, જે રાજભક્ત ના હોય તેને ગુપ્તચર ના બનાવવો, બીજાઓને કષ્ટ આપ્યા વિના પોતાના કર્મો કરવા, દુષ્ટ લોકો પાસે પોતાનું મનગમતું કામ ના કરાવવું, પોતાના ગુણોના પોતે જ વખાણ ના કરવા, શ્રેષ્ઠ પુરૂષોનું ધન છીનવી ના લેવું, નીચ પુરૂષોનો આશ્રય ના લેવો, અપરાધની પુરેપુરી તપાસ કર્યા વિના કોઇને સજા ના કરવી, ગુપ્ત ચર્ચાને જાહેર ના કરવી, લોભીઓને ધન ના આપવું, ભૂતકાળમાં જેને આપણી ઉપર અપકાર કર્યો હોય તેની ઉપર વિશ્વાસ ના રાખવો, ઇર્ષારહીત થઇને પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું, શુદ્ધ રહો પરંતુ બીજાની કોઇની ઘૃણા ના કરો, સ્ત્રીઓનું વધુ સેવન ના કરવું, શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન કરવું પરંતુ અહિતકર ભોજન ના કરવું, અહંકાર છોડીને વિનીતભાવથી માનનીય પુરૂષોનો આદર-સત્કાર કરવો, નિષ્કપટભાવથી ગુરૂજનોની સેવા કરવી, દંભ છોડીને દેવતાઓની પૂજા કરવી, અનિંદિત ઉપાયથી ધન-સંપત્તિ મેળવવાની ઇચ્છા કરવી, હઠ છોડીને પ્રિતિ રાખવી, કાર્યકુશળ બનો પરંતુ અવસરને સાચવવો, ફક્ત પિંડ છોડાવવા બીજાને સાંત્વના કે ભરોસો ના રાખવો,બીજાઓની ઉપર કૃપા કરો ત્યારે આક્ષેપો ના કરો, પુરૂં જાણ્યા વિના બીજાઓની ઉપર પ્રહાર ના કરવો, શત્રુઓને મારીને શોક ના કરવો, કોઇના ઉપર ક્રોધ ના કરો અને કોમળ સ્વભાવના બનો..

પોતાની શક્તિ અનુસાર અન્નદાન કરવું, સહનશીલતા, સરળતા, કોમળતા તથા તમામનું યથાયોગ્ય પૂજન આદર-સત્કાર કરવો. જ્યારે સજાતીય ભાઇબંધુ કડવી તથા તમોને ના ગમે તેવી ખરાબ વાતો કરે ત્યારે તમારે મધુર વાણી બોલીને તેમના હ્રદય,વાણી અને મનને શાંત કરવી.

માતા-પિતા અને ગુરૂજનો જે કામ કરવાની આજ્ઞા આપે તે ધર્મને અનુકૂળ હોય કે પ્રતિકૂળ તેનું પાલન કરવું જોઇએ.પિતાની સેવા કરવાથી આલોક,માતાની સેવા કરવાથી પરલોક અને નિયમપુર્વક ગુરૂની સેવા કરવાથી બ્રહ્મલોકનું સુખ,કિર્તિ-પવિત્ર યશ અને ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે.આ ત્રણેને ભોજન કરવ્યા બાદ જ ભોજન કરવું જોઇએ.આ ત્રણનું ક્યારેય અપમાન ના કરવું,તેમના દ્વારા જે કર્મ કરવામાં આવે તેની ક્યારેય નિંદા ન કરવી.જે ધર્મજ્ઞ પુરૂષ માતા-પિતાની સેવા કરે છે અને ક્યારેય દિવસે સૂતા નથી,જે મન-વાણી અને ક્રિયા દ્વારા ક્યારેય પાપ કરતા નથી તે તમામ દુઃખોથી છુટી જાય છે.

જે લોકોને બતાવવા શુભ કર્મો કરતા નથી,હંમેશાં મીઠી ભાષા બોલે છે,જેનો બીજા કોઇને ભય લાગતો નથી કે તે કોઇનાથી ભયભીત થતા નથી,જેની દ્રષ્ટિમાં સમગ્ર જગત પોતાના આત્મા તુલ્ય છે,જે બીજાની સંપત્તિ જોઇને બળતો નથી,જે તમામ દેવતાઓને પ્રણામ કરે છે અને તમામ ધર્મોની વાત સાંભળે છે, જેનામાં શ્રદ્ધા અને શાંતિ વિદ્યમાન છે,જે બીજાઓ પાસેથી સન્માનની અપેક્ષા ના રાખતાં તમામને સન્માન આપે છે,ક્રોધને કાબૂમાં રાખે છે,જેને જન્મથી મધુ-માંસ અને મદિરાનો ત્યાગ કર્યો છે,જે સ્વાદ માટે નહી પરંતુ જીવનનિર્વાહ માટે ભોજન કરે છે,જે વિષયવાસનાની તૃપ્તિ માટે નહી પરંતુ સંતાન ઉત્પત્તિ માટે જ મૈથુન કરે છે અને ભગવાનમાં ભક્તિભાવ રાખે છે તે દુસ્તર સંસારમાંથી તરી જાય છે.    

હંમેશાં સત્ય બોલવું,સત્યથી મોટો કોઇ ધર્મ નથી.અહિસા સત્ય અક્રોધ તપસ્યા દાન, મન અને ઇન્દ્રિયો નો સંયમ,વિશુદ્ધ બુદ્ધિ,કોઇના દોષ ના જોવા,બીજાની ઉન્નતિ જોઇ ઇર્ષા ન કરવી તથા ઉત્તમ શીલ સ્વભાવ.. આ ધર્મ છે.

પ્રાણ સંકટમાં હોય ત્યારે,વિવાહના અવસરે,બીજાના ધનની રક્ષા કરવા તથા ધર્મની રક્ષા કરવા માટે અસત્ય બોલી શકાય છે.

જે સંકટ આવતા પહેલાં પોતાના બચાવનો ઉપાય કરી લે છે તેને અનાગતવિધાતા કહે છે તથા જેને ઠીક સમય ઉપર જ આત્મરક્ષાનો ઉપાય સૂઝે છે તેને પ્રત્યુત્પન્નમતિ કહે છે.આ બે પ્રકારના લોકોની ઉન્નતિ થાય છે અને જે દરેક કાર્યમાં વિનાકારણ વિલંબ કરે છે તે દીર્ધસૂત્રી મનુષ્ય નષ્ટ થઇ જાય છે.

પૂત્ર પૌત્ર તથા ઘરના તમામ સદસ્યો હોવા છતાં ગૃહસ્થનું ઘર તેની પત્ની વિના સૂનું લાગે છે. વાસ્તવમાં ઘરને ઘર કહેવાતું નથી પરંતુ ઘરવાળીનું નામ જ ઘર હોય છે.ઘરવાળી વગરનું ઘર જંગલ જેવું લાગે છે.પુરૂષના ધર્મ અર્થ અને કામના અવસરે તેની પત્ની જ તેની મુખ્ય સહાયિકા હોય છે.પરદેશમાં પણ તે વિશ્વનીય મિત્રનું કામ કરે છે.પુરૂષની મુખ્ય સંપત્તિ તેની પત્ની છે.

જે અસહાય છે તેને પણ લોકયાત્રામાં સહાયતા કરનાર તેની પત્ની હોય છે.જે પુરૂષ રોગથી પિડીત છે અને ઘણા દિવસોથી વિપત્તિમાં ફસાયેલો છે તેના માટે પત્ની જેવી કોઇ ઓષધિ નથી.

લોભથી પાપ,અધર્મ અને મહાન દુઃખ થાય છે.શઠતા તથા છળ-કપટનું મૂળ કારણ પણ લોભ છે. લોભથી ક્રોધ અને કામની પ્રવૃત્તિ થાય છે.લોભથી જ માયા મોહ અભિમાન ઉદ્દંડતા પરાધિનતા અસહનશિલતા નિર્લજ્જતા ધર્મક્ષય ચિંતા અને અપયશ વગેરે દોષો પ્રગટ થાય છે.લોભથી કૃપણતા તૃષ્ણા શાસ્ત્ર વિરૂદ્ધ કર્મોમાં પ્રવૃત્તિ,અભિમાન અને તમામના તિરસ્કારનો ભાવ આવે છે. લોભી મનુષ્યને ગમે તેટલું મળે તેમછતાં સંતુષ્ઠ થતો નથી.ભોગોથી પણ તૃપ્તિ થતી નથી.

જે કામ ક્રોધ મમતા અહંકારથી રહિત છે,ઉત્તમ વ્રતનું પાલન કરનાર તથા ધર્મમર્યાદાને સ્થિર રાખનાર મહાપુરૂષોનો સંગ કરો અને તમારી શંકાઓનું સમાધાન પુછો.

જે મનુષ્ય અજ્ઞાનતાવશ પાપ કરે છે અને તેનાથી થનાર નુકશાનને સમજતો નથી તથા શ્રેષ્ઠ પુરૂષોનો દ્રેષ કરે છે તેની સંસારમાં નિંદા થાય છે.અજ્ઞાનથી જીવ નરકમાં જાય છે તેની દુર્ગતિ થાય છે.

ધર્મની એક નહી અનેક વિધિઓ છે પરંતુ તે તમામનો આધાર દમ (મન અને ઇન્દ્રિયોનો સંયમ) છે. ક્ષમા ધીરતા અહિંસા સમતા સત્યવાદીતા સરળતા ઇન્દ્રિય-વિજય દક્ષતા કોમળતા લજ્જા સ્થિરતા ઉદારતા ક્રોધહીનતા સંતોષ પ્રિય વચન બોલવાનો સ્વભાવ કોઇને કષ્ટ ના આપવું અને બીજાઓના દોષ ના જોવા.. આ સદગુણોના ઉદયને દમ કહે છે.ઇન્દ્રિયો અને મનને વશમાં રાખનાર પુરૂષની ક્યારેય નિંદા થતી નથી.તેના મનમાં કોઇ કામના હોતી નથી.તે કોઇના દોષ જોતા નથી.

સત્ય એ જ સનાતન ધર્મ છે.સત્ય જ ધર્મ તપ અને યોગ છે.સત્ય જ સનાતન બ્રહ્મ છે.સત્યને જ પરમ યજ્ઞ કહેવામાં આવે છે તથા તમામ સત્ય ઉપર ટકેલું છે. સત્ય સમતા દમ મત્સરતાનો અભાવ ક્ષમા લજ્જા તિતિક્ષા(સહનશીલતા) અનસૂયા ત્યાગ પરમાત્માનું ધ્યાન આર્યતા(શ્રેષ્ઠ આચરણ) નિરંતર સ્થિર રહેનાર ધૃતિ(ધીરજ) તથા અહિંસા..સત્યના આ તેર સ્વરૂપ છે.નિત્ય એકરસ,અવિનાશી અને અવિકારી હોવું એ સત્યનું લક્ષણ છે.તમામ ધર્મોને અનુકૂળ કર્તવ્યપાલનરૂપ યોગના દ્વારા સત્યની પ્રાપ્તિ થાય છે.

પોતાના પ્રિય મિત્રમાં તથા અપ્રિય શત્રુમાં પણ સમાનભાવ રાખવો એ સમતા છે.ઇચ્છા રાગ-દ્વેષ કામ અને ક્રોધને દૂર કરવા એ જ સમતાની પ્રાપ્તિનો ઉપાય છે.કોઇ બીજાની વસ્તુને લેવાની ઇચ્છા ના કરવી,હંમેશાં ગંભીરતા અને ધીરજ રાખવી,ભયનો ત્યાગ કરવો અને મનના રોગોને શાંત કરવા, મન અને ઇન્દ્રિયોનો સંયમ તે દમ છે અને આની પ્રાપ્તિ જ્ઞાનથી થાય છે.હંમેશાં સત્યનું પાલન કરવાથી મત્સરતા દૂર થાય છે.મન વાણી અને ક્રિયા દ્વારા કોઇનો પણ દ્રોહ ના કરવો તથા દયા અને દાન આ શ્રેષ્ઠ પુરૂષોનો સનાતન ધર્મ છે.સત્યથી મોટો કોઇ ધર્મ નથી અને અસત્યથી મોટું કોઇ પાપ નથી.સત્ય એ જ ધર્મની આધારશીલા છે.

જે લોકો લોભી ક્રૂર કર્મત્યાગી કપટી શઠ ક્ષુદ્ર પાપાચારી તમામ ઉપર સંદેહ કરનાર આળસુ દીર્ધસૂત્રી કુટિલ નિંદિત ગુરૂપત્નીગામી સંકટના સમયે સાથ છોડી દેનાર,દુરાત્મા નિર્લજ્જ,તમામ ઉપર પાપપૂર્ણ દ્રષ્ટિ નાખનાર,,નાસ્તિક વેદોની નિંદા કરનાર, ઇન્દ્રિયોને ખુલ્લી છોડી જગતમાં ઇચ્છાનુસાર વિચરણ કરનાર,જૂઠ્ઠો જેનો તમામ દ્વેષ કરે છે, પોતાની પ્રતિજ્ઞામાં સ્થિર ના રહેનાર, ચુગલખોર, અપવિત્ર બુદ્ધિવાળા, ઇર્ષાળુ, પાપપૂર્ણ વિચાર કરનાર,દુષ્ટ સ્વભાવવાળા, મનને વશમાં ના રાખનાર, નૃશંસ, ધૃત મિત્રોની બુરાઇ કરાનાર, બીજાનું ધન પચાવી પાડવાની ઇચ્છા રાખનાર, કોઇ યથાશક્તિ આપે તેનાથી સંતુષ્ઠ ના રહેનાર, મંદબુદ્ધિ, અસાવધાન, કોઇ મિત્રથી અજાણથી કોઇ નાનકડો અપરાધ થઇ જાય તેનું અનિષ્ટ કરનાર, પાપી પોતાનું કામ કઢાવી લેવા જ મિત્રતા કરનાર, મિત્રદ્વેષી, મુખથી મિત્રતાની વાતો કરનાર અને અંદરથી શત્રુતાનો ભાવ રાખનાર, શરાબી દ્વેષી નિર્દયી ક્રૂર, બીજાને દુઃખી કરનાર, મિત્રદ્રોહી, હિંસા કરનાર, કૃતઘ્ન અને નીચ લોકોની સાથે ક્યારેય મિત્રતા ન કરવી.

જે કુલીન છે,બોલવામાં સમર્થ,જ્ઞાન-વિજ્ઞાનમાં કુશળ,રૂપવાન,ગુણવાન, લોભહીન, કામ કરવામાં ક્યારેય ના થાકનાર, જેના સારા મિત્રો છે, કૃતજ્ઞ, સર્વજ્ઞ, લોભથી દૂર રહેનાર, મધુર સ્વભાવવાળા, સત્યપ્રતીજ્ઞ, જીતેન્દ્રિય, હંમેશાં વ્યાયામ કરનાર, ઉત્તમ કૂળનું સંતાન, પોતાના પરીવારનું ભરણપોષણ કરવામાં સમર્થ, દોષરહિત,જે દરરોજ શાસ્ત્રોનું અધ્યયન કરે છે, ક્રોધને કાબૂમાં રાખે છે તથા આલોકમાં વિખ્યાત મનુષ્યો સાથે મિત્રતા કરવી..

તમામમાં સમતાનો ભાવ, વ્યર્થ પરીશ્રમનો અભાવ, સત્યભાષણ, સંસારમાંથી વૈરાગ્ય અને કર્માસક્તિનો અભાવ..આ પાંચ જેનામાં હોય તે સુખી થાય છે.

અવિનાશી પરમાત્માથી આકાશ,આકાશથી વાયુ,વાયુથી અગ્નિ,અગ્નિથી જળ અને જળથી પૃથ્વી ઉત્પન્ન થઇ છે.આ પૃથ્વીમાં જ સંપૂર્ણ પાર્થિવ જગતની ઉત્પત્તિ થાય છે.

જેવી રીતે સ્વપ્નમાં મનુષ્ય પોતાના કપાયેલા અંગને પોતાનાથી અલગ અને પૃથ્વી ઉપર પડેલું જુવે છે તેવી જ રીતે દશ ઇન્દ્રિયો,પાંચ પ્રાણ તથા મન અને બુદ્ધિ આ સત્તર તત્વોના સમુદાયનું અભિમાની શુદ્ધ મન અને બુદ્ધિવાળો મનુષ્ય શરીરને પોતાનાથી  અલગ જાણે છે અને જે આવું નથી જાણતો તે જ એક શરીરને છોડીને બીજા શરીરમાં જન્મ લે છે.

આત્મા શરીરથી અલગ છે,તે ઉત્પત્તિ વૃદ્ધિ ક્ષય અને મૃત્યુ વગેરે દોષોથી લિપ્ત થતો નથી પરંતુ અજ્ઞાની મનુષ્ય પૂર્વકૃત કર્મોના ફળના સબંધથી સૂક્ષ્મ શરીર સહિત બીજા શરીરમાં જાય છે.આ ચર્મચક્ષુથી કોઇ આત્માને જોઇ શકતો નથી.                 

અગિયારમો સંવાદ ધૃતરાષ્ટ-વિદુરનો છે.

મહાભારતની કથાનું મહત્વપુર્ણ પાત્ર વિદુરનું વિશેષ સ્થાન છે,તે હસ્તિનાપુર રાજ્યના શીર્ષ સ્તંભો પૈકી એક અત્યંત નીતિપૂર્ણ,ન્યાયોચિત્ત સલાહ આપનાર હતા.હિન્દુ ગ્રંથોમાં જીવન-જગતના વ્યવહારમાં રાજા અને પ્રજાના દાયિત્વોની વિધિવત નીતિની વ્યાખ્યા કરનાર મહાપુરૂષોમાં મહાત્મા વિદુર સુવિખ્યાત છે.તેમની વિદુર-નીતિ વાસ્તવમાં મહાભારત યુદ્ધના પહેલાં યુદ્ધના પરીણામ અંગે શંકાશીલ હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટની સાથે તેમનો સંવાદ છે જેને મહર્ષિ વ્યાસજી રચિત મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુર-નીતિના રૂપમાં વર્ણન કરેલ છે.મહાભારતમાં ખુબ જ મહત્વપૂર્ણ કૃષ્ણ-અર્જુન સંવાદ,યક્ષ-યુધિષ્ઠિર સંવાદ,ધૃતરાષ્ટ-સંજય સંવાદ,ભિષ્મ-યુધિષ્ઠિર સંવાદ છે તો બીજી બાજુ ધૃતરાષ્ટ-વિદુરનો મહત્વપૂર્ણ સંવાદનું પણ વર્ણન કરવામાં આવેલ છે એટલે પ્રત્યેક હિન્દુઓએ મહાભારત વાંચવું જોઇએ,સાંભળવું જોઇએ અને મહાભારત ગ્રંથ દરેકના ઘરમાં હોવો જ જોઇએ.જે લોકો એમ કહે છે કે ઘરમાં મહાભારત રાખવાથી,પુરૂ વાંચવાથી ઘરમાં મહાભારત થાય છે તે મૂર્ખ-અજ્ઞાની અને ધૂર્ત વ્યક્તિ હિન્દુઓને પોતાના ધર્મથી દૂર રાખવા માંગે છે તેમ સમજવું.

આવો વિદુરનીતિનો સાર જોઇએ..

જેનો આત્મા પાપકર્મ છોડી ચુક્યો છે અને પુણ્ય કર્મોમાં લાગી ગયો છે તેણે બધું જ જાણી લીધું છે એવું માનવું જોઈએ. લોકો ધર્મ અને નીતિ ને જાણવા માંગે છે,પરંતુ તેઓ પોતાના કર્મો સુધારતા નથી.એવા લોકોનું જાણવું ન જાણવું એક સમાન હોય છે.જે પોતાને પાપકર્મોથી દૂર કરી પુણ્ય કર્મોમાં લીન કરી દે છે તેજ બધા ધર્મો તેમજ નીતિને જાણે છે એવું સમજવું જોઈએ.

જે કર્મને કરવાથી કોઈને હાની પહોંચતી હોય,જેના કરવાથી અહંકાર,પ્રમાદ,ક્ષુબ્ધતા,શંકા,ભય અને રોગ ઉત્પન્ન થતા હોય તે પાપ છે.જે કર્મને કરવાથી મન અને આત્મા પ્રસન્ન અને સંતુષ્ટ બને,કોઈને હાની ન પહોંચે,જેના લીધે પોતાની સાથે સાથે બીજાઓનું પણ કલ્યાણ થતું હોય,જેનાથી સંતોષ મળતો હોય અને જે પરમાર્થિક આનંદ આપતો હોય તે જ પુણ્ય છે.

જે ક્રોધ નથી કરતો,માટી,પત્થર તથા સુવર્ણને એક સમાન ગણે છે,જે શોક નથી કરતો,જે મોહ, સ્નેહ અને વેર રહિત છે,જેની ઉપર નિંદા કે પ્રસન્નતા સમાન પ્રભાવ નાખે છે,જે પ્રિય અને અપ્રિય બંનેનો ત્યાગ કરનારો  છે,એવો પુરુષ જ વાસ્તવિક સંન્યાસી છે તેને જ પુણ્યાત્મા માનવો જોઈએ.જંગલી અન્ન કંદમૂળ શાક અને ઇંગુદી જેવા ફળોથી નિર્વાહ કરનારો એ પુરુષ પણ પુણ્યાત્મા છે. જે વનમાં રહીને જગકલ્યાણ માટે ચિંતન તથા યજ્ઞ કરતો રહે છે. અને અતિથિઓને સન્માનપૂર્વક આદર આપી આતિથ્ય પ્રદાન કરે છે.

આ નાશવંત સંસારમાં કેવળ ધર્મ જ નિત્ય અજર અમર છે,કારણ કે તે સંસ્કાર બનીને બીજરૂપે જીવાત્મામાં  વ્યાપ્ત થઇ જાય છે.આ સંસારના સુખ દુખો તો આવવા જવાવાળા અનિત્ય છે.જયારે જીવાત્મા નિત્ય છે,એનો નાશ નથી થતો,પરંતુ તેના બધા જ ભૌતિક સાધનો જેવા કે શરીર તેમજ શરીરની બધી જ ઇન્દ્રિયો અનિત્ય છે. આપણે અનિત્યનો ત્યાગ કરી ધર્મ રૂપી નિત્યમાં લુપ્ત બની સંતુષ્ટિ પ્રાપ્ત કરવાની છે,કારણ કે સંતોષમાં જ ખરૂં સુખ સમાયેલું છે.

જે માનવી ધર્મ,અર્થ,કામનું સમયાનુસાર સેવન કરે છે તે આ લોકમાં અને પરલોકમાં પણ એના સંયોગને પામે છે.વૈદિક સંસ્કૃતિમાં ગૃહસ્થોને ધર્મ,અર્થ,કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યે આ બધાનું સેવન યથા સમયે આવશ્યકતા અનુસાર જ કરવું જોઈએ.જે માનવી ધર્મ,અર્થ,કામ અને મોક્ષ..આ ચારેયમાં સિદ્ધિ મેળવવા માંગતો હોય તેણે સૌ પ્રથમ ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ,કારણ કે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી કામનાને પૂર્ણ  શક્તિ પ્રાપ્ત થાય છે.

અધર્મ વડે યશ,પ્રભુત્વ અને વ્યક્તિત્વની પ્રાપ્તિ નથી થતી અને એના વગર કામનાની પૂર્તિ પણ નથી થતી.ધર્મ વિના તો મોક્ષ પ્રાપ્તિની કલ્પના પણ કરી શકાય નહિ,એટલા માટે સૌથી પહેલા ધર્મને જ અપનાવવો જોઈએ.માનવીએ ભય,કામ અને લોભથી વશીભૂત બનીને અથવા તો પ્રાણની રક્ષા માટે પણ પોતાના ધર્મનો પરિત્યાગ ક્યારેય કરવો જોઈએ નહીં.નારી..ધૂર્ત..આળસુ..ક્રોધી..અહંકારી..ચોર..કૃતઘ્ન અને નાસ્તિક ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ.ક્રોધને શાંતિથી,દુષ્ટને સારા આચરણથી,કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે.

લક્ષ્મીની પ્રકૃતિ વિચિત્ર છે,તે અતિ અધિક શ્રેષ્ઠ ગુણોવાળા,દાનશીલ,વીર,દ્રઢતા અને બુદ્ધિનું અભિમાન રાખનારા પાસે નથી રોકાતી.આ સંસારમાં દૃષ્ટ બુદ્ધિવાળા હમેશા નમ્ર તથા લજ્જાશીલ લોકોને દબાવે છે અને તેમનું અપમાન કરતા રહે છે એટલા માટે અતિ વધારે નમ્ર બનવું પણ ઉચિત નથી.એ હાની હાની નથી જે પાછળથી લાભ આપે. આ સંસારમાં નાશ એને કહેવામાં આવે છે જે ધર્મ, અર્થ અને ચરિત્ર બધાને નષ્ટ કરી દે છે.જે મનુષ્યોના ખફા થવાથી આજીવિકા મેળવવાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ જાય તેમની પૂજા દેવતાઓ સમાન કરાવી જોઈએ.

પોતાના વશમાં આવેલ શત્રુને ક્યારેય છોડવો નહિ.જયારે તમે અશક્ત હોવ તો નમ્રતાપૂર્વક શત્રુને માન આપો અને જયારે શક્તિઓ પ્રાપ્ત કરી લો ત્યારે તેનો જડમુળથી નાશ કરી નાખો.શત્રુનું અસ્તિત્વ હમેશા ભય પ્રદાન કરે છે.નારી,રાજા,સર્પ,સ્વામી,સ્વાધ્યાય શત્રુ,ભોગ અને આયુષ્યનો વિશ્વાસ બુદ્ધિમાન મનુષ્ય ક્યારેય કરતો નથી.છિદ્રયુક્ત ચરિત્રને અધર્મ,અન્યાય તથા તેના વડે પ્રાપ્ત કરેલ ધનથી છુપાવવાની ચેષ્ટા વ્યર્થ છે કારણકે એનાથી તો એ વધારે ફેલાય છે.

પચવા યોગ્ય અન્નની,યૌવનાવસ્થાને ઓળંગી ગયેલ સ્ત્રીની,યુદ્ધમાં જીતનાર પરાક્રમીની તથા પરમતત્વને જાણનાર તપસ્વીની બધા જ પ્રશંસા કરે છે.જીવ આ વિશ્વમાં વારંવાર જન્મ લે છે તે વધે છે,ઘટે છે,મરે છે,જન્મ લે છે,ક્યારેક બીજાથી માંગે છે તો ક્યારેક બીજા એનાથી માંગે છે,ક્યારેક એ સ્વયં શોક કરે છે તો ક્યારેક બીજા એના માટે શોક કરે છે.આવી રીતે આ સંસારમાં કશું પણ એક સમાન નથી રહેતું માટે તમે કઈ વસ્તુ ની પ્રાપ્તિ માટે દુખી થાવ છો ? શું ખોવાઈ ગયું છે જેથી તમે દુ:ખી છો ? નશ્વર પદાર્થો તથા સ્થિતિઓ માટે શોક કરવો અજ્ઞાનતા છે.

આ સંસારમાં સારી-નરસી પરિસ્થિતિઓ,નિર્માણ તથા વિનાશ,લાભ તથા હાની,જીવન તથા મરણ વગેરે..બધા સાથે લાગણીઓ હોય છે એટલા માટે વિવેકવાન માનવીને જોઈએ કે તે ઈચ્છાઓને આધીન બની પરિસ્થિતિઓનું દુ:ખ ન કરે,કારણકે પરિસ્થિતિઓ ઉપર દેવતાઓનું પણ નિયંત્રણ નથી હોતું.બીજો પ્રત્યે દ્વેષભાવ ભરેલ અસામાન દ્રષ્ટી રાખનાર તથા બીજાઓમાં ફૂટ(કુસંપ) નાખનારને કોમળ,આરામદાયક શય્યા ઉપર પણ ઊંઘ નથી આવતી,સુંદર પ્રિયતમાઓ સાથે રતિક્રીડામાં પણ સુખ નથી મળતું તેમજ ચરણ-ભાટોની સ્તુતિ (પ્રસંશાઓ) પણ સંતુષ્ટ નથી કરતી કારણકે તે દ્વેષથી વશીભૂત બની સ્વયંને જ નથી જાણતા.

આત્મીય હોવા છતાં વ્યર્થના ભાવોના કારણે અથવા તો ઈર્ષ્યા વશ એકબીજાથી અલગ થઇ જનાર ન તો કોઈ ધર્મનું પાલન કરી શકે છે ન તો તેમનામાંથી કોઈને સુખ મળે છે.તેમની ઉન્નતી પણ નથી થતી.આત્મસુખ થી વંચિત આવા લોકો કોઈપણ પ્રકારનું ગૌરવ પ્રાપ્ત કરી શકતા નથી અને તેમને શાંતિ પણ નથી મળતી.જે પારકા ધન,રૂપ,બળ,પરાક્રમ,સુખ,સૌભાગ્ય,કુલ,આદર..વગેરેને જોઈ ઈર્ષ્યા કરે છે તે હમેશા દુખી જ રહે છે,કારણકે એના દુખોનો અંત તેની ઈર્ષ્યા જ થવા દેતી નથી.

ચિંતા કરવાથી અથવા શોકાતુર બનવાથી ન તો દુ:ખોથી છુટકારો મળે છે ના તો ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે.આનાથી શરીર રોગગ્રસ્ત બની જાય છે. આત્મબળ નાશ થાય છે અને શત્રુ હાંસી ઉડાવે છે એટલા માટે બહેતર એ જ છે કે મનુષ્ય દુ:ખોના કાલે અથવા ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે,ચિંતા ન કરે.જે માનવી સ્વજનોના મોહમાં પડીને નિંદાત્મક કાર્યોમાં લીન રહે છે તે પોતાના જીવનથી પણ હાથ ધોઈ બેસે છે.ઉતમ કર્મો જ સુખ પ્રદાન કરે છે અને તેને ન કરનારો જ દુખી બને છે,અર્થાત નિંદનીય કર્મોથી ક્યારેય સુખ પ્રાપ્‍ત કરી શકાતું નથી.

જેની પાસે અત્યાધિક ધન છે તે પણ આ સંસારમાં જીવિત રહે છે અને જેની પાસે નામ માત્રનું ધન છે તે પણ જીવિત રહે છે એવું નથી કે વિશાળ સામ્રાજ્ય ધરાવનાર સુખી રહે છે અને જેની પાસે કશું નથી તેઓ દુખી રહે છે,સુખ-દુઃખનો સંબંધ ધન કે ભૌતિક સાધનોથી નથી.બુદ્ધિથી ભયનો નાશ થાય છે,તપથી ગૌરવ પ્રાપ્ત થાય છે,ગુરૂથી અવિદ્યાનો અંધકાર દુર થાય છે અને બધીજ પરિસ્થિતિઓમાં સમાન ભાવ રાખવાથી દુઃખમાં પણ શાંતિ મળે છે.જે માનવી અધર્મથી મળેલ મોટામાં મોટી ઉપલબ્ધીને પણ ત્યાગી દે છે એનાથી ઉત્પન્ન થનાર મોટામોટા દુ:ખોથી પણ છુટકારો પ્રાપ્ત કરી લે છે. બિલકુલ એવી રીતે જેવી રીતે સાપ પોતાની કાંચળી ઉતારી પ્રસન્ન અને સુખી હોય છે.

જ્ઞાનીજનોએ આ સંસારમાં છ સુખોની ઉપસ્થિતિ દર્શાવી તે આ મુજબ છે.પોતાની ઉપર કરજ ન હોવું, દુર દેશમાં પ્રવાસ ન કરવો, સત્પુરુષોની સંગતનો અવસર પ્રાપ્ત થવો, રોગરહિત રહેવું, પોતાને અનુકુળ તથા સ્વયં ઉપર આશ્રિત આજીવિકા, સંસારિક ભય પ્રત્યે નીડરતા.

સંસારના સુખોના આઠ મૂળભૂત તત્વો દર્શાવામાં આવ્યા છે.સાચા મિત્રોનું મળવું,વિપુલ ધનની પ્રાપ્તિ,પુત્ર સાથે આલિંગનબદ્ધ થઇ મળવું,પતિ-પત્નીની એક સાથે નિવૃત્તિ,મધુર વાણી,પોતાના સમુદાયમાં ઉન્નતી,મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ,સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ. જે માનવીએ મિત્રોને પિતાના વશમાં કરી લીધા છે, શત્રુઓને યુદ્ધમાં જીતી લીધા છે તે જીવનમાં સફળ અને સુખી રહે છે. ક્ષમાનો ગુણ સર્વોત્તમ છે કારણકે તે બધાને વશમાં કરી લે છે.કયું એવું સુખ છે જે એના વડે ન મેળવી શકાય ? ક્ષમાશીલ વ્યક્તિનું દુર્જન કશું બગાડી શકતો નથી.

જયારે અગ્નિને ઇંધણ મળતું નથી ત્યારે તે આપોઆપ સ્વયં ઓલવાઈ જાય છે એવીજ રીતે ક્ષમાશીલ માનવીનું દુશ્મન કશું જ બગાડી શક્તિ નથી,કારણકે જ્યાં પ્રતિરોધ ન હોય ત્યાં જોર કરનાર ખુદ જ ઉંધા મો એ પડે છે,એનાથી વિપરીત બદલાની આગમાં સળગતો માનવી ખુદ પોતાનો જ સર્વનાશ નોતરે છે. સમર્થ અને શક્તિશાળી હોવા છતાં બીજાને ક્ષમા કરનાર તથા નિર્ધન હોવા છતાં દાન પ્રવૃત્તિ કરનાર માનવી સ્વર્ગના સુખ ભોગવે છે. ક્ષમાશીલ મનુષ્યને લોકો નિર્બળ તથા શક્તિહીન સમજવા લાગે છે, આ જ એક દોષ ક્ષમારૂપી ગુણ માં હોય છે. પરંતુ આવું સમજવું અજ્ઞાનતા છે. ક્ષમા નિર્બળતા નથી, એ તો પરમબળ છે. આ નિર્બળોનો ગુણ છે, બળવાનોનું આભુષણ છે.

જે કુળોમાં તપ,જપ,વેદ અધ્યયન,યજ્ઞોનું અનુષ્ઠાન,પવિત્ર વિવાહ,દાન અને ઉતમ આચાર-વિચાર આ સાત ગુણો છે તે જ મહાકુળ છે.ધનહીન હોવા છતાં જે કુળ આચાર-વિચારમાં,વ્યવહારમાં સદાચારી હોય છે તેજ કુળ શ્રેષ્ઠ કુળ માનવામાં આવે છે અને તે મહાન યશ પ્રાપ્ત કરે છે.જેઓ બીજાની નિંદા કરે છે,પોતાના કૃત્યો અને વચનોથી બીજાના આત્માને દુ:ખ પહોંચાડે છે,જેઓ ક્યારેય કોઈનાથી સહમત નથી થતા,પોતાના અહંકારથી વશીભૂત બની હંમેશા વિરોધ કરતા રહે છે અને નિષ્પક્ષ ચિંતન નથી કરતા,જેની પાસે રહેવાથી હૃદય ભયભીત રહે કે કોણ જાણે શું કરશે ? શું કહેશે ? જે સ્વાર્થી,કલહપ્રેમી,ઈર્ષ્યાળુ,ધૂર્ત અથવા પાપી હોય,જે દારૂનું સેવન કરતો હોય એવા માનવીઓનો તુરંત ત્યાગી દેવા જોઈએ.

જે માનવી જેવી સંગતમાં રહે છે તેવો જ બની જાય છે.જેવી રીતે કાપડ ઉપર એજ રંગ ચઢે છે, જેની સંગતમાં તે આવે છે એવી રીતે જીવની પણ ગતિ થાય છે.આ એક પ્રાકૃતિક સિધ્ધાંત છે.એવું જોવામાં આવ્યું છે જો કોઈ સિંહનું બચ્ચું ઝરખની સાથે પાલન પોષણ મેળવે તો સંસ્કારમાં બધા જ ગુણો સિંહના હોવા છતાં તે ઝરખના જેવું જ આચરણ કરવા લાગે છે.સજ્જન પુરુષ માટે એ જરૂરી છે કે તે કોઈની ઈર્ષ્યા ન કરે,સ્ત્રીઓની મર્યાદાની રક્ષા કરે,ઐશ્વર્ય તેમજ ધન-સંપત્તિને વહેંચીને ભોગવે,એણે મધુરભાષી,સરળ સ્વભાવવાળો અને સ્ત્રીઓ સાથે મીઠાશથી વર્તવું પરંતુ તેના વશમાં ન થવું.

પોતાનું કલ્યાણ ઇચ્છનાર વ્યક્તિએ હંમેશા ઉત્તમ પુરુષોની સંગતમાં જ રહેવું જોઈએ.સંકટ સમયમાં મધ્યમ પુરુષની સંગત પણ ખરાબ નથી,પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં નીચ વ્યક્તિની સંગત કરવી જોઈએ નહિ.મનુષ્ય ધન પોતાની તીવ્ર બુદ્ધિથી,નિરંતર પુરુષાર્થ કરીને અથવા હોરી જેવા નીચ કર્મોથી પણ કમાઈ શકે છે,પરંતુ સદ્કર્મ તો વિવેકથી જ ઉત્પન્ન થાય છે એના વગર ધનનો મહિમા વ્યર્થ બની જાય છે.સદગુણોના અભાવથી ધનના આધારે પ્રશંસા,યશ તેમજ કીર્તિ પ્રાપ્ત કરી શકતો નથી.

દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો,પ્રમાદી,અહંકારી,હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર,જેનો વિશ્વાસ શિથિલ બની ગયો હોય,જેના હૃદયમાં સ્નેહ ન હોય અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.ક્રોધરૂપી હળાહળ ઝેર રીગ વગર ઉત્પન્ન થાય છે. તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, આપત્તિમાં ભસાવી દેનાર, કઠોર, સ્વજનો અને શુભચિંતકોથી દુર કરી દેનારું હોય છે. વિવેકવાન પુરુષો તેને ઉત્પન્ન થતા જ પી જાય છે, પરંતુ દુષ્ટ, અહંકારી, અને મુર્ખ તેના વશમાં થઇ જાય છે.

અહંકાર,આત્મપ્રશંસા,ભોગ પ્રત્યે લાલસા,(ત્યાગ અને સંતુશ્તીનો અભાવ) ક્રોધ,પોતાના વિષે જ વિચારવું,સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ..આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે.આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે.આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મરી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા.જેવી રીતે નાના-નાના છિદ્રોવાળી જાળમાં ફસાયેલી મોટી માછલીઓ જાળને ફાડી નાખે છે તેવી રીતે જ કાળ અને ક્રોધરૂપી માછલીઓ માનવીની માનસિકતામાં નાના નાના છિદ્રો જોતા જ સંપૂર્ણ મનુષ્યત્વને ફાડી નાખે છે.આનાથી વિવેક નષ્ટ થઇ જાય છે અને મનુષ્ય પશુ સમાન બની જાય છે.

પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો દારૂના નાશ કરતા પણ વધુ ઘાતક હોય છે,કારણ કે દારૂનો નશો તો માણસના મગજને પ્રભાવિત કરે છે,પરંતુ પ્રભુત્વ અને ઐશ્વર્યનો નશો તો માનવીના આત્માને દુષિત કરી દે છે.આવા માનવીનો સર્વનાશ થયા વિના તેને ભાન આવતું નથી.જેઓ વિવેકવાન છે તેઓ પાપકર્મોના પરિણામનો વિચાર કરીને તેને કરતા જ નથી,એવા લોકો જ આ સંસારમાં પ્રગતિ કરે છે.એનાથી વિપરીત જે વ્યક્તિ પરિણામને જાણતો હોવા છતાં અથવા તો વિચાર કર્યા વિના પાપકર્મ કરે છે તેવો મુર્ખ માનવી વિકટ સંકટમાં ફસાઈ જાય છે.

જે દીન-હીનની ઉપેક્ષા નથી કરતો,જે લોક-વ્યવહારમાં બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરે છે,જે શક્તિશાળીથી યુદ્ધ નથી કરતો અને જે આવશ્યકતા હોય ત્યારે પોતાના પરાક્રમનો પરિચય કરાવે છે તેવા ધીર પુરુષને શ્રેષ્ઠ જ માનવો જોઈએ.શ્રેષ્ઠ પુરૂષો મૂર્ખાઓથી વિવાદ કરતા નથી,તેઓ નિરર્થક કલેશ પણ નથી ઈચ્છતા,આવા પુરુષો પ્રત્યેક પ્રકારની કીર્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવે છે.જે અકારણ કોઈને ત્યાં નથી જતો,જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો,જે પરસ્ત્રીગમન નથી કરતો,જે અહંકારી નથી,જે ક્રોધ નથી કરતો,જે પરનિંદા નથી કરતો,જે મદીરા સેવન નથી કરતો,જે ચોર અથવા લંપટ નથી,તે મનુષ્ય શ્રેષ્ઠ છે.તેઓ હંમેશા સુખી રહે છે.

શ્રેષ્ઠ માનવીઓએ અહંકાર,માદકતા,જડતા,નિંદ્રા,અસાવધાની,શત્રુની ગતિવિધિઓ પ્રત્યે લાપરવાહી, પોતાના મુખ ઉપર આવનારા હૃદયના ભાવો,દુષ્ટ સલાહકારો,મુર્ખાઓ પ્રત્યે વિશ્વાસ..આ બધાથી દૂર રહેવું જોઈએ.શ્રેષ્ઠ મનુષ્ય પરનિંદા,આત્મ પ્રશંસા,અહંકાર,વેરની ભાવના,ઈર્ષ્યા..વગેરે અવગુણોથી દૂર રહે છે.એ તો શત્રુ તથા પાપી દુષ્ટો પ્રત્યે પણ ભાવુક બની તેમના કલ્યાણની કામના કરે છે.આવા મનુષ્યો દેવતા સાથે પણ સ્પર્ધા કરે છે.

જે મનુષ્ય પોતાના હૃદયમાં નિવાસ કરનાર કામ,ક્રોધ,શોક,મોહ તેમજ મદને વશમાં કરી લે છે તે ઇન્દ્રિઓને જીતીને પાપકર્મમાં સંડોવાતો નથી અને આ કારણે જ તેઓને ક્યારેય દુ:ખી થવું પડતું નથી.પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યની જો એક પણ ઇન્દ્રિય તેના વશમાં ન હોય તો તેની બુદ્ધિ મશકના છિદ્રમાંથી ટપકતા પાણીની જેમ નષ્‍ટ થઇ જાય છે.જે મનુષ્ય શબ્દ,રૂપ,રસ,સ્પર્શ તથા ગંધ પ્રત્યે આકર્ષિત બની પતંગિયાની જેમ બુદ્ધિભ્રષ્ટ બની દોડે છે તેનો અંત પણ પતંગિયા સમાન હોય છે એટલે કે તે નષ્ટ થઇ જાય છે.

જે માનવી હૃદયના વિકારોવાળી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપી હૃદયના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના બીજા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગે છે તે સ્વયં પોતાનો વિનાશ નોતરે છે. જે માનવીની ઇન્દ્રિયો તેના વશમાં નથી હોતી તે ખરાબને સારૂ અને સારાને ખરાબ માને છે.જયારે મોહમાં ફસાયેલો અજ્ઞાની મનુષ્ય દુ:ખને જ સુખ માની દુ:ખ ભોગવતો રહે છે.

સત્યની રક્ષા ધર્મથી થાય છે,વિદ્યાની રક્ષા અભ્યાસથી થાય છે,સૌન્દર્યની રક્ષા સફાઈથી થાય છે, અને કુળની રક્ષા ઉત્તમ આચરણથી થાય છે માટે ધર્મના આચરણને ધારણ કરનારે હંમેશા સત્યનો જ પક્ષ લેવો જોઈએ.કોઈ લોભ,મોહ અથવા પ્રભુત્વની આશામાં અસત્યનો પક્ષ લેવો જોઈએ નહીં. અસત્યના પક્ષમાં ક્યારેય ધર્મની રક્ષા થઇ શકતી નથી. મૃત્યુ બાદ શરીર અગ્નિમાં બળીને નષ્ટ થઇ જાય છે,પરંતુ તેના ધર્મ-અધર્મના સંસ્કાર બીજરૂપ બનીને તેની આત્મામાં એકાકાર બની જાય છે.આ જ સંસ્કાર સ્વર્ગમાં અથવા મૃત્યુલોકના બીજા જન્મમાં અંકુરે છે અને માનવી એના અનુરૂપ જ ફળ ભોગવે છે એટલા માટે દરેક માનવી માટે એ જરૂરી છે કે તે ધીમે ધીમે ધર્મના સંસ્કારના બીજને ભેગા કરતો રહે કારણ એ જ તેને આ લોક અને પરલોકમાં સુખ આપશે.

આ દુ:ખભર્યા વિશ્વમાં કેવળ ધર્મ જ કલ્યાણ કરનાર છે.જેવી રીતે ક્ષમા જ એકમાત્ર શાંતિનો ઉપાય છે,એક વિદ્યા જ બધા પ્રકારના સુખો આપનારી છે અને એકમાત્ર અહિંસા જ સુખનો ભાવ આપનાર છે. સંસારમાં ધન,યશ,પ્રભુતા,વ્યક્તિત્વ,સગા-સંબંધીઓ,પત્ની અને પુત્રથી મનુષ્યનું કલ્યાણ થતું નથી. આ બધા કોઈને કોઈ આશાથી સંકળાયેલા હોય છે અને જયારે તેઓ જાણી જાય છે કે તેમની આશાઓ પરિપૂર્ણ થશે નહીં ત્યારે તેઓ વ્યક્તિ સાથે ક્રુરતાપૂર્વક સંબંધ તોડી નાખે છે.એકમાત્ર ધર્મ જ એવો છે કે મૃત્યુ બાદ પણ માનવીનો સાથ છોડતો નથી એટલા માટે સંસારમાં ધર્મનો જ માર્ગ અપનાવવો જોઈએ.

એક માત્ર ક્ષમા આપવાથી જ શાંતિ સ્થપાય છે.ક્રોધ અને વેરની ભાવના ક્યારેય હૃદયના અગ્નિને શાંત નથી કરી શકતા.કેવળ વિદ્યા જ મનુષ્યને સંતુષ્ટિ પ્રદાન કરે છે.બાકીની બધી જ જરૂરિયાતો માત્ર તૃષ્ણા જ જગાડે છે.આવી રીતે કેવળ અહિંસા જ મનુષ્યને સુખ આપે છે માટે માનવીએ પોતાના જીવનમાં ધર્મ,ક્ષમા,વિદ્યા અને અહિંસાને જ અપનાવવા જોઈએ. સારા કર્મો કરવાથી ધન તેમજ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે,એનો ચતુરાઈથી ઉપયોગ કરવાથી તેમાં વૃદ્ધિ થાય છે,ઉચિત સમયે કાર્ય કરતા રહેવાથી તેની જડો મજબૂત બને છે અને સંયમથી સ્થિર રહે છે.

કોઈ કાર્ય કરવાથી મને શો લાભ મળશે ? અથવા ન કરવાથી મને શું નુકશાન થશે ? આ બધું સમજી વિચારીને જ માનવીએ પોતાના કાર્યનો નિર્ણય કરવો જોઈએ. સમજ્યા-વિચાર્યા વિના એકાએક કોઈ કામ કરવું જોઈએ નહીં,એમાં લાભને બદલે હાની જ થાય છે. માનવીએ કોઈ પણ કાર્ય સમજી-વિચારીને લાભ-હાનિની ગણતરી કર્યાં બાદ જ કરવું જોઈએ. જયારે કોઈ પણ ધ્યેયથી કાર્ય કરવાનું હોય ત્યારે ધૈર્યવાન માનવીએ તેના ફળ વિષે સારી રીતે વિચાર કરી લેવો જોઈએ કે તે આ કાર્ય કરે કે ન કરે.

છલ,કપટ,પ્રપંચ,અસત્યથી ભરેલા,જુગાર..વગેરે કર્મો વડે પોતાના ઉદેશને સફળ બનાવવાનો પ્રયત્ન ન કરો.આ કાર્યો વડે જો સફળતા મળી જાય તો પણ એનું ફળ ખરાબ જ હોય છે અને હૃદય હંમેશા દુ:ખી રહે છે,એનાથી વિપરીત જો સારા કર્મો કરવા છતાં ફળ ન પણ મળે તો પણ હૃદયમાં અજંપો નથી થતો.જોકે એવું બનતું નથી,કારણ કે સારા કર્મોના ફળ મળે છે મોડા પરંતુ મળે છે અવશ્ય !

માનવીએ પોતાના ગુરુજનો પાસેથી જે કર્મો કરવાના છે તે સાંભળવા જોઈએ અને ધીરજ,શાંતિ, સમાનતાના ભાવો તેમજ સત્ય ધર્મ વડે પોતાના અંર્તમનના અવિદ્યારૂપી અહંકારને દૂર કરી મિત્ર અને શત્રુ બધા સાથે સમાન વર્તાવ કરવો જોઈએ. કયું કર્મ સારું છે અને કયું કર્મ ખરાબ છે એનો નિર્ણય શ્રેષ્ઠ વિદ્વાનોના વચનોથી કરવો જોઈએ. ધીરજ અને શાંતિથી તેના વચનો સાંભળી હૃદયમાં ફેલાયેલી અવિદ્યા અર્થાત અજ્ઞાનતારૂપી ગાંઠને ખોલીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.જયારે વાસ્તવિક સત્ય અને ધર્મનું જ્ઞાન થઇ જાય છે ત્યારે શત્રુ-મિત્ર,પોતાના-પારકાનો ભેદ રહેતો નથી.

મનુષ્યને જે વ્યક્તિ પ્રિય છે અને તે એનો પરાજય થાય એવું ઈચ્છતો નથી એનું કર્તવ્ય એ છે કે તે એ વ્યક્તિને નિષ્પક્ષભાવથી હાનિપ્રદ કે કલ્યાણકારી વાતોને એકએક કરીને સ્પષ્ટરૂપે બતાવી દે. એને પ્રસન્ન કરવા માટે જુઠી અને અકલ્યાણકારી વાતો કરવી કોઈપણ દ્રષ્ટિથી ઉચિત નથી. અસત્યનો સહારો લઇ ક્યારેય કોઈનું કલ્યાણ કરી શકાતું નથી.ઘણીવાર એવું બને છે કે મનુષ્ય પોતાના પુત્ર અથવા સ્વજનની પ્રસન્નતા માટે તે જેવું ઈચ્છે છે તેવું કરી નાખે છે.આવી રીતે તે એને સત્યથી દૂર કરી દે છે અને તે ખરાબ કર્મોમાં પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવા લાગી જાય છે.આવી રીતે તેનું કલ્યાણ નથી થતું,પરંતુ તે અપયશ અને વિનાશને નોતરે છે.

કોઈ બીજા દ્વારા પીડા મળવાથી કે રંજાડવાથી માનવી ઉત્તેજિત બની તેના જેવું જ આચરણ કરવા લાગી જાય છે,પરંતુ આ ઉચિત નથી.આવું કરવાથી તો એ પણ એની કક્ષાનો માનવી બની જશે.જો કોઈ આવું કરતો હોય તો ધીરજ સાથે તેને માફ કરી દેવો જોઈએ,કારણ કે આવી રીતે ક્રોધનું શમન કરવાથી એ ક્રોધ પીડા આપનારને જ બળીને ભસ્મ કરી નાખે છે.આવી રીતે ક્ષમા કરવાથી પીડા આપનાર વ્યક્તિનું પુણ્ય નષ્‍ટ થઇ જાય છે.

જો કોઈ વિચારશીલ માનવી અથવા જેનામાં થોડી પણ માનવતા હોય,કોઈ વિશેષ પરિસ્થિતિમાં ક્રોધે ભરાઈ પીડા પહોંચાડે અથવા કોઈ હાનિ કરે તો તેને ક્ષમા કરી દેવો જોઈએ,પરંતુ જો પીડા પહોંચાડનાર નર્યો પશુ જેવો હોય અને વારંવાર પીડા આપતો હોય કે રંજાડતો હોય,સમજાવવા છતાં ન માનતો હોય તો તેને અવશ્ય દંડ આપવો જોઈએ.

વારંવાર પીડા આપનાર કે હાનિ પહોંચાડનાર વ્યક્તિને દંડ આપવા માટે જો બળ ન હોય તો બુદ્ધિથી તેને નાથવો જોઈએ,નહિંતર આવો માનવી તમારી ક્ષમાશીલતાને કાયરતા જાણશે અને વારંવાર જુદા જુદા બહાને તમને રંજાડતો રહેશે,એટલું જ નહિ તમારી ક્ષમાશીલતાને તે પોતાનું પરાક્રમ ગણી બીજાઓને પણ રંજાડવાનું શરૂ કરી દેશે માટે ક્ષમાદાન પણ પાત્ર જોઇને જ કરવું જોઈએ.

માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનિત કરવાની તથા તેને ખરૂ ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ. રૂક્ષ,કઠોર,અપમાનિત કરવાવાળા તેમજ બીજાના અંતરાત્માને કષ્ટ પહોંચાડનાર વચનો એટલા માટે અમૃત નથી બની શકતા કે તે સત્ય અથવા જુઠા છે,એવા વચનો સત્ય હોય તો પણ કોઈનું કલ્યાણ કરતા નથી,એવા વચનો બોલનાર પ્રત્યે ધૃણા અને ઉપેક્ષા તો ઉત્પન્ન કરે જ છે સાથે સાથે સાંભળનારને પણ ક્ષુબ્ધ બનાવી દે છે.

જો આવા અપમાનિત કરવાવાળા વચનો કલ્યાણની કામનાથી બોલવામાં આવ્યા હોય તો પણ સાંભળનારનું  કશું કલ્યાણ થતું નથી. એની બધી માનસિક શક્તિઓ તેનાથી પેદા થતી પીડા દબાવવામાં જ સમાપ્ત થઇ જાય છે.અગ્નિહોમ,મૌનવ્રત,અધ્યયન તેમજ પરિણામયુક્ત યજ્ઞ..આ ચાર કર્મો મનુષ્યની આત્મિય શક્તિને વિકસિત કરીને તેને અભય પ્રદાન કરે છે,પરંતુ જયારે તેને દંભના પ્રદર્શન માટે,શાસ્ત્રોમાં નિર્મિત અર્થને જાણ્યા-સમજ્યા વિના પાખંડરૂપ ભાવમાં કરવામાં આવે છે,ત્યારે એ માત્ર ભય જ પ્રદાન કરે છે એનાથી કોઈપણ પ્રકારનું કલ્યાણ નથી થતું.

લોકો યજ્ઞ,પૂજા,મૌન,દાન,સેવા..વગેરે સારા કર્મો કરે છે અને એવું વિચારે છે કે તેઓ બીજાથી વિશિષ્ટ છે અને બધા તેને આ માટે માન આપે.યાદ રાખો આ બધા કર્મ ભૌતિક ક્રિયાઓમાં ભલાઈના ગુણ નથી રાખતા પરંતુ તેમના ગુણ તો તેમના ભાવથી પ્રભાવિત હોય છે.તમે કોઈ બીમારની સેવા કરી રહ્યા છો,પરંતુ હૃદયમાં સેવાભાવ નથી,તમે દાનમાં વિપુલ સામગ્રી વહેંચી રહ્યા છો પરંતુ હૃદયમાં પોતાની સંપત્તિ તેમજ દાનવીરતાના પ્રદર્શનના ભાવો છે.તમે આ યજ્ઞ કરી રહ્યા છો પરંતુ આ યજ્ઞ પ્રત્યે સમર્પિત ન બનીને પોતાની વિશિષ્ટતા વિષે ચિંતિત છો તો નિશ્ચિત રીતે જ તમારું બધું કરેલું નકામું છે,એનાથી લાભને બદલે માત્ર હાનિ જ થશે.

ફક્ત દેખાવ માટે જ દાન,પૂજા,યજ્ઞ કે સેવા કરવાથી સમાજમાં તમારી પ્રતિસ્પર્ધા કરનારા શત્રુઓ પેદા થશે અનેક લોકો તમારા દોષોને મીઠું-મરચું ભભરાવી ઈર્ષ્યાવશ સમાજમાં ઉછાળશે અને છેવટે તમને ભય જ પ્રાપ્ત થશે.ભાવ સારો છે તો આવા વ્યક્તિઓને સમાજ ઓળખી લેશે.તે તમારું કશું બગાડી શકશે નહિ બલકે તમારી પ્રશંસા કરશે.

જે પોતાના આત્માના સ્વરૂપને જાણે છે અને જેને પોતાના સામર્થ્યનું પણ જ્ઞાન છે,જે દુ:ખો અને કષ્ટો સહન કરી શકે છે,જે હંમેશા ધર્મનો પક્ષ લે છે,જે સાંસારિક વિષય ભોગોના આકર્ષણમાં સત્યથી ડગતો નથી,જે માનવી ઉત્તમ કર્મો કરનાર,ખરાબ કર્મોથી દુર રહેનાર,આસ્તિક (ધાર્મિક) અને શ્રધ્ધાવાન છે,જે માનવીની સંસાર પરાયણતા અસ્થિર હોય,બુદ્ધિ ધર્મ અને અર્થને અનુકૂળ હોય અને જે વિષયરૂપી સુખો પ્રત્યે નિર્વિકાર બની જીવન પસાર કરતો હોય,જે માત્ર સંકેતથી જ કોઈ વાતના મર્મને જાણી લે છે,જે બીજાના વચનોને ધીરજપૂર્વક સાંભળી નિષ્પક્ષરૂપે વિચાર કરતો હોય,જે બીજાની નબળાઈઓનો લાભ ન ઉઠાવતો હોય,બીજાના કાર્યમાં વિઘ્ન ન નાખતો હોય,જે કોઈ પદાર્થની કામના નથી કરતા,દુર્લભ હોય તેને મેળવવાની ચિંતા નથી કરતા,જે ભૂતકાળનો શોક કરતા નથી,સંકટ સમયે અસંયમિત નથી બનતા તેઓ જ જ્ઞાની છે.

આ ગીતાનો નિષ્કામ યોગ છે. ઘણા લોકો એનો ભાવાર્થ એવો કાઢે છે કે આ વિરક્તિ અર્થાત ભોગનો ત્યાગ કરવાનો આદેશ છે પરંતુ એવું નથી. એનો અર્થ એવો છે કે તમે શરીર, સમાજ, સંબંધ પરિવાર બધાથી સંબંધિત ધર્મ પાળો, પરંતુ તેમની કામના ન કરો. અર્થાત તેની પ્રાપ્તિ માટે માનસિક ચિંતન કરી દુ:ખી થવું અથવા તેને લક્ષ્ય માની લેવું ગુનો છે.

જે બધાજ ભૂતોના તત્વને જાણે છે.(આ સંકેત તત્વજ્ઞાન તરફ છે,આ ગીતા તેમજ ઉપનિષદોનો સાર છે.એમાં કહેવામાં આવ્યું છે કે આ સૃષ્ટી એક એવા ચેતન પરમતત્વથી નિર્મિત હે જે સૌથી સૂક્ષ્મ છે. તેને વૈદકીય પરમશૂન્યનો સિધ્ધાંત પણ કહેવામાં આવે છે,એનેજ સર્વજ્ઞાની,સર્વજ્ઞાતા,બધાનો નિર્માતા,સ્વયંપ્રભુ તેમજ શક્તિમાન કહેવામાં આવ્યો છે.આ સંસારની વિભિન્નતા પાછળ આ જ તત્વ સંતાયેલું છે.પોતાના મૂળરૂપમાં આ તત્વ નિર્ગુણ છે,કારણ કે અહી ભૌતિકતાનું વિલીનીકરણ થઇ જાય છે) જે જાણવા યોગ્ય બધા જ કર્મોની સિદ્ધિની વિધિ જાણતો હોય તેજ જ્ઞાની છે.

એક (પરમાર્થ બુદ્ધિ) વડે,બે (જીવાત્મા અને પરમાત્મા)નું નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને,ત્રણ (કામ, ક્રોધ તેમજ મોહ) ને ચાર (શામ,દામ,ઉધમ અને શ્રદ્ધા) વડે વશમાં કરનાર,પાંચ(પાંચે જ્ઞાનેન્દ્રિયો) ને જીતી છે,છ (વિષય ભોગો) ની વાસ્તવિકતાને જાણે છે પછી સાત (પાંચે જ્ઞાનેન્દ્રિયો,મન તેમજ બુદ્ધિ) ને વિષયોથી દુર કરી પોતાના કર્મનું નિર્ધારણ કરે છે તે વાસ્તવિક કર્મો કરનાર હોય છે.

જે કર્મ કરી માનવીને પથારીમાં આળોટી ચિંતા કરાવી પડે અર્થાત જરા,આળસ,શક્તિહીનતા, લોક્ભય,આત્મભય અને ચિંતા થાય એવું ક્યારેયકરવું નહિ. વિનમ્રતા અપયશને,પરાક્રમ સંકટને,ક્ષમા ક્રોધને તથા સદાચાર દુર્વ્યસનોનો નાશ કરી નાખે છે. જેઓ બીજાની નિંદા કરે છે,પોતાના કૃત્યો અને વચનોથી બીજાના આત્માને દુ:ખ પહોંચાડે છે,જેઓ ક્યારેય કોઈનાથી સહમત થતા નથી,પોતાના અહંકારથી વશીભૂત બની હંમેશા વિરોધ કરતા રહે છે અને નિષ્પક્ષ ચિંતન કરતા નથી,જેની પાસે રહેવાથી હૃદય ભયભીત રહે કે કોણ જાણે શું કરશે ? શું કહેશે ? જે સ્વાર્થી,કલહપ્રેમી,ઈર્ષ્યાળુ,ધૂર્ત અથવા પાપી હોય,જે દારૂનું સેવન કરતો હોય એવા માનવીઓને તરત ત્યાગી દેવા જોઈએ.

જે માનવી જેવી સંગતમાં રહે છે તેવો જ બની જાય છે.જેવી રીતે કાપડ ઉપર એજ રંગ ચઢે છે, જેની સંગતમાં તે આવે છે,એવી રીતે જીવની પણ ગતિ થાય છે,આ એક પ્રાકૃતિક સિધ્ધાંત છે,એવું જોવામાં આવ્યું છે જો કોઈ સિંહનું બચ્ચું ઝરખની સાથે પાલન પોષણ મેળવે તો સંસ્કારમાં બધા જ ગુણો સિંહના હોવા છતાં તે ઝરખના જેવું જ આચરણ કરવા લાગે છે.

પોતાનું કલ્યાણ ઇચ્છનાર વ્યક્તિએ હંમેશા ઉત્તમ પુરુષોની સંગતમાં જ રહેવું જોઈએ. સંકટ કાળમાં મધ્યમ પુરુષની સગંત પણ ખરાબ નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં નીચ વ્યક્તિની સંગત કરવી જોઈએ નહિ.મનુષ્ય ધન પોતાની તીવ્ર બુદ્ધિથી, નિરંતર પુરુષાર્થ કરીને અથવા હોરી જેવા નીચ કર્મોથી પણ કમાઈ શકે છે, પરંતુ સદ્કર્મ તો વિવેકથી જ ઉત્પન્ન થાય છે. એના વગર ધનનો મહિમા વ્યર્થ બની જાય છે. સદગુણોના અભાવથી ધનના આધારે પ્રશંસા, યશ તેમજ કીર્તિ પ્રાપ્ત કરી શકતો નથી.

દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો, પ્રમાદી, અહંકારી, હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર, જેનો  વિશ્વાસ શિથિલ બની ગયો હોય, જેના હૃદયમાં સ્નેહ ન હોય, અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય, એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.

ક્રોધરૂપી હળાહળ ઝેર રીગ વગર ઉત્પન્ન થાય છે. તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, આપત્તિમાં ભસાવી દેનાર, કઠોર, સ્વજનો અને શુભચિંતકોથી દુર કરી દેનારું હોય છે. વિવેકવાન પુરુષો તેને ઉત્પન્ન થતા જ પી જાય છે, પરંતુ દુષ્ટ, અહંકારી, અને મુર્ખ તેના વશમાં થઇ જાય છે. અહંકાર, આત્મપ્રશંસા,ભોગ પ્રત્યે લાલસા,ત્યાગ અને સંતુષ્‍ટિનો અભાવ,ક્રોધ,પોતાના વિષે જ વિચારવું, સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ,આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે.આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે. આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મારી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા.

યજ્ઞ, દાન, અધ્યયન, અને તપ અ ચાર ગુણો સત્પુરુષો સાથે હંમેશા જોડાયેલા રહે છે, પરંતુ શક્તિ (પોતાના અવગુણોના દમનની શક્તિ), સત્ય, દયા અને સરળતા, શ્રેષ્ઠ પુરુષ પ્રયત્નો તથા મહેનતથી મેળવે છે. ધર્મ માર્ગ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧.યજ્ઞ ૨.અધ્યયન ૩.દાન ૪.તપ ૫.સત્યભાષણ ૬.ક્ષમા ૭.દયા ૮.લોભનો ત્યાગ. આમાંથી પ્રથમ ચાર તો પાખંડરૂપે દુર્જનો પણ અપનાવી લે છે પરંતુ બાકીના ચાર કેવળ સજ્જન પુરુષોમાં જ જોવા મળે છે. જે માનવી સિદ્ધ પુરુષો (જ્ઞાનીઓ) થી જ્ઞાન પ્રાપ્ત કરી તેના અનુરૂપ આચરણ કરે છે તેજ બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે. તેજ આ સંસારમાં ધર્મ અને અર્થના શુભ ફળો પ્રાપ્ત કરે છે.

હે પુરુષશ્રેષ્ઠ ! યોગાભ્યાસમાં લીન સન્યાસી તથા યુધ્ધમાં પીઠ ન બતાવી શહીદ થયેલ યોદ્ધો પણ શ્રેષ્ઠ મનુષ્ય હોય છે કારણ કે એક સૂર્યમંડળને વેધી ઉર્ધ્વ ગતિથી મોક્ષ પ્રાપ્ત કરે છે. જયારે બીજો પોતાના ધર્મના માર્ગે કર્તવ્ય કરતો કરતો પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે.

દૂરદર્શી બુદ્ધિ,ઊંચું કૂળ,હૃદય તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની ક્ષમતા,જ્ઞાન જિજ્ઞાસા,પરાક્રમ, મૃદુભાષિતા,દાનની પ્રવૃત્તિ તથા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા...આ આઠ ગુણો શ્રેષ્ઠજનોની કીર્તિ ફેલાવનાર છે. બુદ્ધિ,ઊંચું કૂળ,હૃદય તથા ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની ક્ષમતા,જ્ઞાન જિજ્ઞાસા,પરાક્રમ,મૃદુભાષિતા, દાનની પ્રવૃત્તિ તથા કૃતજ્ઞતા..આ ગુણોમાં જયારે સત્કારનો ગુણ પણ ભળી જાય છે ત્યારે બધા ગુણો ચળકી ઉઠે છે અને મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે. જે માનવી પાખંડ,મોહ,વેર,નિંદા,સમુદાય અથવા સમૂહ સાથે વેર,મદમત્તતા,દંભની ઉન્મદ્ત્તા, દુર્જનો સાથે વાદ-વિવાદની પ્રવુત્તિ તથા રાજ્ય સાથે શત્રુતાને ત્યાગી દે છે તો તે શ્રેષ્ઠ માનવી ક્યારેય દુ:ખી નથી થતો.

જે પોતાના આશ્રિતોને તૃપ્ત કર્યા બાદ સ્વયં ભોજન,વસ્ત્ર..વગેરેનો ઉપયોગ કરે છે,જે ઘણું કામ કરીને પણ થોડું ઊંઘે છે,જે માંગવાથી શત્રુને પણ આપે છે,એવા શ્રેષ્ઠ માનવીઓની સહાયતા દેવતા કરે છે,એવા પુરુષોને કષ્ટ તથા સંકટો કદી નથી રંજાડતા. જે બધાને સુખ પહોંચાડવાની ચિંતા કરે છે,જે બધાના સુખ માટે પ્રયત્નશીલ રહે છે,જે સત્ય બોલનારો છે,ભાવુક છે,બીજાને સન્માન આપનારો તથા પવિત્ર વિચારવાળો છે તે ઉત્તમ પુરુષ દુર્લભ મણી સમાન મૂલ્યવાન છે.

કોઈના દર્શાવ્યા પહેલા જે પોતાના અવગુણોને ઓળખી એના પ્રત્યે લજ્જિત બને છે તે મહાતેજસ્વી શુદ્ધ હૃદયવાળો,સ્થિરબુધ્ધિ અને સમસ્ત સમુદાયમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે દીન-હીનની ઉપેક્ષા નથી કરતો,જે લોક-વ્યવહારમાં બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરે છે,જે શક્તિશાળીથી યુદ્ધ નથી કરતો અને જે આવશ્યકતા હોય ત્યારે પોતાના પરાક્રમનો પરિચય કરાવે છે તેવા ધીર પુરુષને શ્રેષ્ઠ જ માનવો જોઈએ.

શ્રેષ્ઠ પુરુષો મૂર્ખાઓથી વિવાદ કરતા નથી,તેઓ નિરર્થક કલેશ પણ ઈચ્છતા નથી,આવા પુરુષો પ્રત્યેક પ્રકારની કીર્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવે છે. જે અકારણ કોઈને ત્યાં નથી જતો,જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો,જે પરસ્ત્રીગમન નથી કરતો,જે અહંકારી નથી,જે ક્રોધ નથી કરતો,જે પરનિંદા નથી કરતો,જે મદીરા સેવન નથી કરતો,જે ચોર અથવા લંપટ નથી..તે મનુષ્ય શ્રેષ્ઠ છે,તેઓ હંમેશા સુખી રહે છે.

શ્રેષ્ઠ માનવીઓએ અહંકાર,માદકતા,જડતા,નિંદ્રા,અસાવધાની,શત્રુની ગતિવિધિઓ પ્રત્યે લાપરવાહી, પોતાના મુખ ઉપર આવનારા હૃદયના ભાવો,દુષ્ટ સલાહકારો,મુર્ખાઓ પ્રત્યે વિશ્વાસ..આ બધાથી દૂર રહેવું જોઈએ. જે માનવી હૃદયના વિકારોવાળી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપી હૃદયના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના બીજા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગે છે તે સ્વયં પોતાનો વિનાશ નોતરે છે. જે માનવીની ઇન્દ્રિયો તેના વશમાં નથી હોતી તે ખરાબને સારું અને સારાને ખરાબ માને છે. જયારે મોહમાં ફસાયેલો અજ્ઞાની મનુષ્ય દુ:ખને જ સુખ માની દુ:ખ ભોગવતો રહે છે.

અનુચિત કાર્ય કરવાથી,ઉચિત કર્મોને ત્યાગી દેવાથી અને સમયપુર્વે ગુપ્તમંત્રણાનું રહસ્ય ખુલી જવાથી...મનુષ્યે ભયભીત રહેવું જોઈએ,તેની સાથે સાથે નશો ઉત્પન્ન કરનારી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ. જે માનવી ખરાબ કર્મો કરનાર દુષ્ટોને ત્યાગવાને બદલે તેને અપનાવે છે તેને એના પાપકર્મોની સળગતી આગમાં એવી રીતે સળગવું પડે છે જેવી રીતે સુકા લાકડાઓ સાથે લીલા લાકડા પણ સળગી જાય છે.

જેમ જેમ મનુષ્ય શુભકર્મોમાં મન લગાવે છે તેમ તેમ તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થતી જાય છે. આ નિયમ પ્રત્યે શંકા રાખવી જોઈએ નહિ.જે માનવી વિદ્વાનો તેમજ બુદ્ધિમાનો દ્વારા કહેવામાં આવેલા વચનો અનુસાર ફળનો વિચાર કરીને પોતાના કાર્યનો નિર્ધાર કરે છે તે ચિરકાળ સુધી સ્થાયી રહે છે. વિદ્વાન કોણ છે,તે શું કહે છે અને તેનો ઉદેશ શું છે તેને ગંભીરતાથી જાણવું જોઈએ.વિદ્વાન એ છે જે નિષ્પક્ષ સત્યવકતા હોય,જે સૃષ્ટિના કલ્યાણ માટે વિચારે છે,જે અનાચાર વિરૂદ્ધ સત્ય બોલવા- સાંભળવાનું સાહસ રાખતો હોય,જે કંઈ પણ સત્યને જાણતા પહેલા સ્વયંને ફરિયાદીના સ્થાને મૂકી વિચારે કરે છે,જે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખતો હોય અને ન્યાયની વાત કહેવામાં પોતાના હિતને પણ જોતો ન હોય...બાકીના બધા પાંખડી અને ભ્રમના માર્યા હોય છે.

જેણે વિદ્વાનોના ઉપદેશો ઉપર વિચાર કર્યો નથી તે ભટકી જશે,દુ:ખ ભોગવશે,કારણ કે પતનનો માર્ગ ઘણો જ ચીકણો હોય છે,માનવી એકવાર લપસે તો પછી સાચવવું મુશ્કેલ બની જાય છે. જે માનવી હંમેશા પોતાનામાં ગુણોની ખાણ અને બીજાઓમાં દોષો જુએ છે અને બીજાઓની નિંદા તેમજ પોતાની પ્રશંસામાં લીન રહે છે,તેઓ પોતાના મૃત્યુ અર્થાત વિનાશને સ્વયં આમંત્રણ આપે છે.

જયારે તમે પોતે નથી ઈચ્છતા કે લોકો તમારી થોડી પણ આલોચના કરે,તમે વ્યર્થમાં સત્યવકતા હોવાનો દાવો કરો છો,પરંતુ કોઈપણ એ સત્યને નથી સાંભળી શકતા જે તમારા અહંકારને સંતુષ્ટ નથી કરતો.તમે સત્યને,ન્યાયને,નિયમોને,સમાજને..બધાને પોતાની મહત્તા અનુસાર અનુકૂળ બનાવવા માંગો છો,પછી કેવી રીતે આશા રાખો છો કે કોઈ બીજાને તમારી નિંદા સાંભળી તમારા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવશે? દિવસ-રાત તમારા મુખે તમારી જ પ્રશંસા કરતા જોઈ લોકો પીઠ પાછળ તમારી હાંસી ઉડાવશે,કટુવચનો સાંભળી સ્વજનો પણ દુશ્મન બની જશે.આ બધા વિનાશના વિસ્ફોટક તત્વો જ તો છે.

ઈર્ષ્યાથી ભરેલો,બીજાના આશ્રયે રહેનાર,અસંતોષી,ક્રોધી,હંમેશા બીજા પ્રત્યે શંકાશીલ રહેનારો..આ છ દુર્ગુણો વાળો માનવી હંમેશા દુ:ખી રહે છે.વૃદ્ધત્વ રૂપને નષ્ટ કરી નાખે છે,નિરાશા ધીરજને ખાઈ જાય છે,મૃત્યુ પ્રાણોનું હરણ કરી લે છે,ઈર્ષ્યા ધર્મકર્મો ઉપર પાણી ફેરવી દે છે,ક્રોધ યશ અને સંપત્તિને નષ્ટ કરી દે છે,દુષ્ટ લોકોની સંગત ઉત્તમ ગુણોનો નાશ કરી નાખે છે,પરંતુ એક માત્ર અભિમાન બધા જ ગુણો ઉપર પાણી ફેરવી નાખે છે.

જે માનવીની કાર્ય-યોજનાની જાણ કોઈને થતી નથી,જે પોતાની વિરોધાત્મક યોજના (શત્રુ-દમનની યોજના)ને પણ ગુપ્ત રાખે છે અને જેની કાર્ય-યોજનાની જાણકારી બીજાઓને કાર્ય પૂરું થયા બાદ જ જાણ થાય છે,સાચો બુદ્ધિમાન એ જ હોય છે.આવા માનવીની પ્રત્યેક યોજનાઓ પૂર્ણ થાય છે.

જે માનવી સંકટ આવવાથી દુ:ખી બને નહિ અને પોતાની અસાવધાનીઓ,ભૂલો તેમજ દુર્ગુણોને ત્યાગી એનાથી સંઘર્ષ કરવા માટે પરિશ્રમ કરે છે તે જ ખરો બુદ્ધિમાન છે. દુ:ખ,શોક અને ચિંતા મનુષ્યના આત્મબળની હત્યા કરી નાખે છે,તેણે અપનાવનાર માનવી એવા મડદા સમાન હોય છે જેને ચિત્તા ઉપર નાખી દેવામાં આવો હોય.

જે બુદ્ધિમાન હોય છે તે દુ:ખને પ્રાકૃતિક સમજી સહન કરી લે છે અને તેને દૂર કરવા માટે મહેનત કરે છે.રાત્રીનો કાળો અંધકાર દીવો બળવાના ઉદ્યમથી દૂર થાય છે,નહિ કે બેસીને ભયભીત થવાથી કે રડવાથી.જે આવું વિચારે છે તે બુદ્ધિમાનનું કાર્ય સહજમાં સિદ્ધ થઇ જાય છે અને દુ:ખો પણ તેનાથી ગભરાઈને દૂર નાસી જાય છે. નીચે મુજબના દશ પ્રકારના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે.મધપ (દારૂનું સેવન કરનારો), સંસારિક વિષયો પ્રત્યે મોહ રાખનાર,ગાંડો,થાકેલો,ક્રોધથી ભરેલો,ક્ષુધાથી પીડિત, ઉતાવળો, લોભી, ભયભીત, કામવાસનામાં ઉન્મત્ત...એટલા માટે બુદ્ધિમાન લોકો એમને માર્ગ બતાવવાના પ્રયત્નો કરતા નથી ૫રંતુ તેમનાથી દૂર રહે છે.

અલૌકિક બાણો ચલાવનાર દક્ષ ધનુર્ધારીનું બાણ ભલે લક્ષ વેધી ન શકે અથવા વેધીને વિનાશ ન કરી શકે, પરંતુ બુદ્ધિમાન દ્વારા પ્રહાર કરવામાં આવેલ બુદ્ધિ કે ચતુરાઈ બ્રહ્માસ્ત્રની જેમ રાજા સહીત આખા સમાજ અને રાષ્ટ્રનો વિનાશ કરે તેવી સક્ષમ હોય છે.

વિષયભોગથી ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી.જે વખતે મનુષ્ય તેમાં લીન બની જાય છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવી આળસ,પ્રમાદ,ખિન્નતા અને સંતાપ ભોગવે છે.જયારે તે એનાથી દૂર હોય છે ત્યારે તેના માટે ચિંતાતુર બને છે અને જયારે તે ભોગ મળી જાય છે ત્યારે તેને સ્થાયી રાખવા માટે ચિંતાતુર બને છે અને જયારે તેનો નાશ થાય છે ત્યારે તેના નષ્‍ટ થવા બદલ દુ:ખી થાય છે,એટલા માટે જે બુદ્ધિમાન છે તેઓ એની કામનામાં પોતાનો સમય અને માનસિક શક્તિને નષ્‍ટ કરતા નથી. જેની વાણી ક્યારેય અસત્ય નથી હોતી,જે શાસ્ત્રોથી સંપન્ન છે,જે શ્રેષ્ઠ ગ્રંથોને ઉદાહરણનું પ્રતિક બનાવી પોતાની વાત કહે છે તે જ વિદ્વાન છે.

જે માનવી ધન,વૈભવ,વિદ્યા,રાજ્ય,પ્રભુત્વ..વગેરેને પ્રાપ્ત કરીને પણ અભિમાન કરતો નથી એ જ વિદ્વાન છે. જે માનવી શરીરના અંગો,સત્વ,રજસ અને તમસ ગુણોના ત્રણ સ્તંભો તથા પાંચેય જ્ઞાનેન્દ્રિયો રૂપી સાક્ષીઓથી યુક્ત આ શરીરની વાસ્તવિકતાઓને જાણી એની ઉપર શાસન કરે છે તેજ શ્રેષ્ઠ છે,તે જ બ્રહ્મવિદ્યાનું પાત્ર છે,તેજ મહાન છે. કોઈને કટુવચનો ન કહેનાર તેમજ દુષ્ટોને સન્માન ન આપનાર આ સંસારમાં યશ અને સન્માન બંને પ્રાપ્ત કરે છે.

(વિદુર નીતિ સમાપ્ત)

બારમો સંવાદ આદિ શંકરાચાર્ય-મંડન મિશ્ર સંવાદ છે.

આદિ શંકરાચાર્યજી દેશભરના તમામ સાધુ-સંતો અને વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરતાં કરતાં છેલ્લે પ્રસિદ્ધ વિદ્વાન મંડન મિશ્ર સાથે સતત બેતાલીશ દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યો અને તેના નિર્ણાયક તરીકે મંડન મિશ્રની પત્ની ભારતી હતાં.આદિ શંકરાચાર્ય-મંડન મિશ્ર વચ્ચે જે સંવાદ થયો હતો તેની ઘણી જ ચર્ચા થાય છે.આદિ શંકરાચાર્ય એ મંડન મિશ્રને પરાજીત તો કરી દીધા પરંતુ તેમની પત્નીના એક પ્રશ્નનો જવાબ આપી ના શક્યા અને પોતાની હાર માની લીધી હતી.

ઉપરોક્ત બાર સંવાદ સિવાય પણ અનેક સંવાદો છે પરંતુ અહી મુખ્ય સંવાદો રજૂ કર્યા છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment