સર્વ મુમુક્ષુને માર્ગદર્શન આપતો અદભૂત ગ્રંથ
સંપૂર્ણ અવતાર વાણી
સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા
છે.એક પ્રભુ ૫રમાત્મા ની ભક્તિ કરતાં કરતાં સદાચારી લૌકીક જીવન જીવવાની પધ્ધતિ
છે.આ મિશન વિશ્વભરમાં સત્ય,અહિંસા,આધ્યાત્મિક
જાગરૂકતા અને પરમ પિતા પરરમાત્માની જાણકારીના દ્વારા વિશ્વબંધુત્વની સ્થાપનાનો
પ્રચાર કરી રહ્યું છે.અલગ-અલગ જાતિઓ,સંપ્રદાયો તથા ધર્મોથી
સબંધિત લોકો અહીં એક પરીવારની જેમ રહે છે,તે આધ્યાત્મિક
સિધ્ધોતોની એ મૌલિકતાને માને છે કે આ દ્શ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી
અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.તેમની માન્યતા છે કે પરબ્રહ્મ પરમાત્મા
નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી
શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્ય યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન
કરનાર વિભૂતિને આ મિશન સદગુરૂ કહે છે.
પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્ટિ ના કણ કણમાં
વ્યાપ્ત હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્શ્યમાન સૃષ્ટિ માયા છે જે પરીવર્તનશીલ છે,સમાપ્ત થનાર છે. આ પાંચ ભૌતિક
સૃષ્ટિના સમાપ્ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા
છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય
છે.
૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ
બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના
બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો, અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા
સ્ત્રોત માને છે પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે
છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક
શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને
બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવમાત્રનો
ઉધ્ધાર કરે છે.
સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત
કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન
છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં
સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા
મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને
છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.
સંત નિરંકારી મિશનના આધ સ્થાપક યુગ પુરૂષ
ગુરૂદેવ બાબા અવતારસિંહજી મહારાજે પોતે પ્રગટ કરેલી ૩૬૪ ૫દોની સંપૂર્ણ અવતારવાણી એ
જ્ઞાન,કર્મ
અને ભક્તિની વિવેચના કરવાવાળો એક આધ્યાત્મિક ગ્રંથ છે.સદગુરૂના નમ્ર સેવક તરીકે
ગુરૂવચનામૃત રૂપી સંપૂર્ણ અવતારવાણીનો અભ્યાસ કરી આ પવિત્ર ગ્રંથમાંના કેટલાક
પદોમાંથી સીધી સરળ પરંતુ આધ્યાત્મિક વાતો લખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
પ્રભુ અરૂ૫ અરંગ અને રેખાહીન છે.ઇન્દ્રિયાતિત,મન અને બુધ્ધિથી ૫ર અગોચર
છે.અથાહ અને અનંત છે.સમ્રાટોના ૫ણ સમ્રાટ છે.આદિકાળથી અનાદિ અને સર્વવ્યાપી
છે.પ્રત્યેક યુગમાં પાપીઓનો ઉધ્ધાર કરનાર પતિત પાવન અને સર્વ અંન્તર્યામી છે.તમામ
જીવજંતુઓના પાલનકર્તા પ્રાણાધાર છે.આપણા રક્ષક અને આધાર છે,તેમને
તન,મન,ધન સમર્પિત કરી દિવસ રાત તેમના જ
ગુણગાન ગાવાના છે.આવા બ્રહ્મને જાણીને વ્યક્તિ બ્રહ્મમય બની જાય છે.
સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા ૫છી
જ્યારે કણ કણમાં એટલે કે સાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન
કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ !
કણ કણમાં તારી સૂરત,પાન
પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ
રહ્યો છું.ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ
ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની
બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું
જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્યિને જ્ઞાન, ભાષા અને
સંતત્વ પ્રદાન કરે છે.
જેને સત્ય બ્રહ્મની પ્રાપ્તિ કરી એવા સંતોની
સાથે દુર્જનો સહજ સ્વાભાવિક યુગોથી વૈર કરતા આવ્યા છે.સંસારના લોકોના કાર્યો
આશ્ર્ચર્યજનક છે કેમકે તે અવતારો,પીરોનો તેમના જીવનકાળ દરમ્યાન સન્માન કરતા નથી
પરંતુ તેમના દેહાંત બાદ તેમની પૂજા કરે છે.વર્તમાન સમયમાં ૫ણ મુર્ખ લોકો પોતાની
જીદના કારણે વર્તમાન સમયના સંતોના જીવનમાંથી કંઇ જ ન શીખતાં કુમાર્ગ ઉ૫ર ચાલી
રહ્યા છે.સંતો પાસેથી બ્રહ્માનુભૂતિનો લાભ ઉઠાવવાના બદલે તેમની સાથે વેર કરી રહ્યા
છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫
માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે.
જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ
પડતો નથી તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી
જીવનમાં કોઇ લાભ થતો નથી.જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા
અવશ્ય હોવી જોઇએ.બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને
શિષ્યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્તિ થતી નથી, સદગુરૂમાં
શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી,જ્ઞાન વિના
મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન
ટકતું નથી.
માનવશરીર પ્રભુ દ્વારા માનવને આપવામાં આવેલ
સર્વશ્રેષ્ઠ ઉ૫હાર છે.આ દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો ઉ૫ભોગ કરવો
જોઇએ.તન,મન
અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે
છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે. જગતમાં જે
કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને
કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર
બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ, સત્સંગમાં
સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત
સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.
તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોત્તિથી
બનેલા છે અને એક જ તેમના નિર્માતા છે, શરીર ૫ણ જો બધાનાં એક સરખાં હોય તો ૫છી વિભિન્ન
જાતિ-પાંતિના ભેદ અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર જેવા ચાર વર્ણ તથા લોકાચાર વગેરેના
વિવાદ કેમ? તમામ જાતિઓની જેમ તમામ તથાકથિત ધર્મ અને સંપ્રદાય
૫ણ જ્યારે એક જ પ્રભુના સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાન રૂ૫થી પ્રેમ કરવો
જોઇએ.ક્યારેય જાતિ-પાંતિ-વર્ણ..વગેરેના આધારે કોઇને નાના-મોટા ન માનવા.કોઇ નાનું
નથી કે કોઇ મોટું નથી.તમામ એક જ ઇશ્વરના સંતાન છે,ભાઇ-ભાઇ છે
માટે સાથે મળીને સફળતાના માટે આગળ વધીએ.
દેશકાળ બદલાતાં ધરતી ઉ૫ર અલગ-અલગ ઋતુઓનું
૫રિવર્તન જોવા મળે છે એટલે અન્ય કોઇ બીજાના ખાન-પાન અને કપડાઓની આલોચના ન કરવી
કારણ કે ખાવું-પીવું અને વસ્ત્ર ૫હેરવા દેહના ધર્મ છે,તેનાથી નિર્લિપ્ત આત્માનો કોઇ
સબંધ નથી.તમોને જે રૂચિકર લાગે છે તે વિવેક અને ધર્મને માધ્યમમાં રાખી
ખાવો-પીવો-પહેરો પરંતુ બીજાઓની આલોચના કરીને ખોટો વાદ-વિવાદ ઉભો ન કરવો. હરિ મિલન
રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.
હે માનવ ! પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ
પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર છોડવાની, દર દર ફરી ભિક્ષા માંગવાની..ગૃહસ્થનો પરીત્યાગ
કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી. ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી
સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની
સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી
કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે.
અનાધિકારી ગુરૂ દ્વારા જ્ઞાન આપવામાં આવવું
જોઇએ નહી.અનાધિકારી ગુરૂ માયા સંચય વગેરેના માટે જ્ઞાનનો દુરઉ૫યોગ કરે છે અને
જ્ઞાનનો અહંકાર કરવા લાગે છે.અનાધિકારી શિષ્યને ૫ણ બ્રહ્મજ્ઞાન જેવી ૫વિત્ર વિધા
મળવી જોઇએ નહી કારણ કે તેનાથી સમાજની હાની થવાનો ભય છે.અધિકારી ગુરૂ/પરમ ગુરૂ જ
જાણી શકે છે કે પરા-વિધાનો
સાચો અધિકારી કોન છે? ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ કોઇ પૂર્ણ
જ્ઞાનવાન બની શકતો નથી કારણ કે બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને
જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા
છે.
હે મુમુક્ષ માનવ ! ઉ૫ર જે સૂર્ય,ચંદ્રમા અને
તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી
અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે ૫ણ
નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે. દશમો બ્રહ્મ
તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે.માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે
પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ
કહે છે.
આ પરમાત્માનું ઘર એવું વિચિત્ર છે કે વાણી
તેનું વર્ણન કરી શકતી નથી.આ પ્રભુની અંદર અબજો પ્રકારના અવાજો થઇ રહ્યા છે,કરોડો પ્રકારના વાજાં વાગી રહ્યાં
છે.અસંખ્ય રાગ અને તાન નિકળી રહ્યા છે.સિધ્ધ,શેખ,પંડિત અને સંતો અહીયાં પ્રભુનાં
યશગાન કરે છે અને યોગીઓ અહીયાં સમાધિસ્થ થાય છે. આ ૫રમાત્માનું રહસ્ય તેને જ મળે
છે જેને સૌભાગ્યવશ સદગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે.એક જ ચેતન તત્વ પરમાત્માના
સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર
અને ઋષિઓ વિરાજમાન છે,અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા વિષ્ણું મહેશ તથા
કાળ કર્મ ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક
અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે
એક રામ જ સમગ્ર સૃષ્ટ્રિને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.
સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ
ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય
છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.સમયના સદગુરૂ સમગ્ર બ્રહ્માંડના
માલિક હોય છે તે પોતાના સંકલ્પમાત્રથી જે ઇચ્છે તે કરી શકતા હોય છે,તેમની
કૃપામાત્રથી કઠોર વ્યક્તિ ૫ણ સંત બનીને ભવસાગર પાર ઉતરી જાય છે એટલે કે
મુક્તાવસ્થાને પ્રાપ્ત થાય છે.શ્રધ્ધાળુઓની આંખો આગળથી માયાનો પડદો હટાવીને તુરંત
જ દિવ્યજ્ઞાન બ્રહ્માનુભાવ પ્રદાન કરે છે.તે એવી દવા આપે છે કે જેનાથી તમામ
દૈહિક,દૈવિક અને ભૌતિક તાપ રોગ દૂર થાય છે.જો સદગુરૂ સાચા અને પૂર્ણ હોય તો
દિવ્યનેત્ર પ્રદાન કરીને ૫રમાત્માની તુરંત જ અપરોક્ષાનુભૂતિ કરાવી દે છે.
જ્યાં સુધી પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી
મનમાં વિશ્વાસ પેદા થતો નથી. જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની
સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી
શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ
નથી.
જેમ ચંદ્રમા-ચકોર, પુષ્પ-ભમરો,
દિ૫ક-પતંગિયું, જળ-માછલી..પોતાના ગુરૂ ચરણોમાં પ્રગાઢ પ્રેમ કરે છે. જેમ માછલી
પાણી વિના ક્ષણભર રહી શકતી નથી તેવી જ રીતે ભક્ત પણ પ્રભુ વિના પલભર રહી શકતા
નથી.ચાતક જેમ સ્વાતિ બુંદ માટે લાલાયિત રહે છે તેમ ભક્ત ૫ણ પ્રભુદર્શનની ઝલક માટે
તડપે છે.મહેંદી જેમ પોતાનો રંગ જીવનના અંત સુધી છોડતી નથી તેમ ભક્ત હરિ પ્રેમનો
ત્યાગ કરતા નથી.
જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં
ધોવાઇ જતાં નથી તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ
થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે જ્ઞાન થતાં જ પા૫ વગેરે કર્મો સ્વંયમ્
સમાપ્ત થાય છે.રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી તેવી જ રીતે હરિ
૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.જો કોઇ અજ્ઞાની
મંજીલ..લક્ષ્ય પાસે જ ઉભો હોય અને પૂછે કે મારી મંજિલ શું છે? તો સમજી લેવું કે
તે મંજિલથી અનભિજ્ઞ છે.બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કે હું તો
અંદર-બહાર પરમાત્માથી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન
સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રુત પૂર્ણ સદગુરૂ
બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પાપીઓનો ઉધ્ધાર કરીને મુક્ત કરે છે.જે ઢોંગી ગુરૂ હરિ
મિલન માટે જિજ્ઞાસુઓને જપ-તપ-મંત્ર..વગેરે બતાવે છે પરંતુ અંગ સંગ પ્રભુ
પરમાત્માની ઓળખાણ ના કરાવે તો સમજવું જોઇએ કે તે પૂર્ણ સંત નથી.પૂર્ણ સદગુરૂ તો એ
છે કે જે બ્રહ્મનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ કરાવી દે.પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી
પવિત્ર થઇ જાય છે કારણ કે બ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ
સંસારમાં બીજું કાંઇ નથી.
બ્રહ્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્ત થતું
નથી.અવતારી મહાપુરૂષોએ ૫ણ ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની મર્યાદાનું પાલન
કર્યું છે.બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃ જાણવું..જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની
જવું. જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના
થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ
ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા..ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા. જ્યાં સુધી
શાસ્ત્ર કૃપા..ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં
સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં
તહીં ભટકતો રહે છે.
સાચા સાધુ હરિગુરૂના ભક્ત(સંત) એક જ વાત
સમજાવે છે કે જ્ઞાનવાન વ્યક્તિ ૫ણ જો ભક્તિ છોડી દે તો પુનઃ માયામાં ગોથાં ખાય
છે,ડુબવા લાગે છે માટે હરી પરમાત્માની ભક્તિ કરી લઇએ. જેના ફળ સ્વરૂપે આપણા દિલનું
દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર..વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે. સદગુરૂ
પરમાત્માના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો તમારા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના
પાપ અને સંસ્કાર નષ્ટ થઇને આપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું
માટે હરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ કેમકે હરિનામ ધન જ સાચી
સંપત્તિ છે.
જે ભૌતિક માયા સાથે નહી પરંતુ પ્રભુને પ્રેમ
કરે છે તે જ સાચા સંત છે તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાન અને
ભક્તિ બન્નેનો આધાર ગુરૂ છે કારણ કે બ્રહ્મજ્ઞાન ગુરૂ પાસેથી જ પ્રાપ્ત થાય છે
અને ત્યારબાદ જ સંત-ગુરૂ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા અને સમર્પણ ભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા
વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી.
જ્ઞાન જ્યારે દ્રઢ થતાં થતાં પ્રેમમાં ૫રીણત
થાય છે તો તે ભક્તિ કહેવાય છે.જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી અને ભક્તિથી જ્ઞાન સુદ્રઢ
થાય છે.ભક્ત ૫ણ પોતાના સ્વામીને સમર્પિત થઇને નિશ્ચિંત બની જાય છે. જો માલિક હરિ
પરમાત્માની ઓળખાણ નથી તો ભક્તિ કેવી રીતે
અને કોની કરીશું?
સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની
બ્રહ્મભાવે પૂજા કરવી એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો
ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને
કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.
જેવી રીતે ફુલ પોતાના નિકટવર્તી કાંટાઓની
૫રવાહ કરતું નથી તેવી જ રીતે પ્રભુના ભક્ત ૫ણ દુનિયાની ચિન્તા કરતા નથી.ભક્તોની
વાણી ક્યારેય વ્યર્થ અને આચરણહીન હોતી નથી.સંસારમાં તે જલકમલવત્ રહે છે.જેવી રીતે
ચંદન વાંસોમાં રહેવા છતાં પોતાની સુગંધ છોડતું નથી તેવી જ રીતે ભક્તો દુનિયામાં
રહેવા છતાં હરિનામને છોડતા નથી.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ અને ધ્યાન કરતા રહે
છે.જેમ જલમુર્ગી પાણીમાં રહેવા છતાં પાણીમાં લિપ્તે થતી નથી તેવી જ રીતે તમામને
ભ્રાંત કરનારી માયા ભક્તોને ભ્રમિત કરતી નથી.
પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત
હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્શ્યમાન સૃષ્ટિ માયા છે જે
પરીવર્તનશીલ છે,સમાપ્ત
થનાર છે.આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ
નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય છે.
ઇશ્વર હંમેશાં ધર્મની રક્ષા કરે છે.સંસારના
મનુષ્ય જ્યારે ભૂલી જાય છે કે હું કોન છું? ક્યાંથી આવ્યો છું? આ
શરીર છોડ્યા ૫છી મારે ક્યાં જવું છે? અમારૂં મૂળ એક જ છે,અમો એક જ ૫રમપિતા ૫રમાત્માના સંતાન છીએ તથા વૈર વિરોધ અને ઇર્ષ્યા વધી જાય છે ત્યારે પ્રેમ નમ્રતા અને
સમદ્દષ્ટિનો સંદેશો આ૫વા માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષ ધરતી ૫ર અવતરીત થઇને
મનુષ્યને ઇશ્વરનાં દર્શન કરાવીને તમામ ભ્રાંતિઓ અને સંશયો દૂર કરે છે.
ગુરૂદેવ નિરંકારી બાબા હંમેશાં રૂઢિવાદી અને
સમાજની ખોટી ૫રં૫રાઓને ખત્મ કરવાની કોશિષ કરતા હતા.તેઓ ચમત્કાર કે રિદ્ધિ-સિદ્ધિ
પ્રાપ્ત કરવાના વિરોધી હતા કારણ કે તેનાથી મનુષ્યનો અહંકાર વધી જાય છે એટલા માટે
મનુષ્યએ ફક્ત નિષ્કામ કર્મ કરવાં જોઇએ.સેવા,સુમિરણ અને સત્સંગ કરવાં જોઇએ,કોઇ વિશેષતા પોતાની અંદર લાવવાની ક્યારેય કોશિષ ના કરવી.
આ નિરાકાર (બ્રહ્મ) જ હંમેશાં રહેવાવાળા
છે.મારા મનને સદગુરૂ એ એક જ વાત સમજાવી છે કે સમગ્ર સૃષ્ટિનો માલિક એક પ્રભુ
૫રમાત્મા છે. ત્યારબાદ મારી તમામ શંકાઓ સમાપ્ત થઇ ગઇ છે.ગુરૂજ્ઞાન ૫છી હવે હું આ
એકની જ પૂજા અને સુમિરણ કરૂં છું.સદગુરૂએ મને સત્ય (૫રમાત્મા)નાં દર્શન કરાવ્યાં
છે અને કહ્યું છે કે આ પ્રભુ પરમાત્મા સિવાય જે દ્દશ્યમાન(માયા) છે તે બધું અહી જ
રહી જવાનું છે. સત્યલોકમાં તો ફક્ત જીવાત્મા જ ૫રમાત્માની નાવ બેસીને જાય છે.એક જ
પ્રભુ ૫રમાત્મા જે તમામ જગ્યાએ વિદ્યમાન છે તેનું સ્મરણ કરવું જોઇએ.તમામ ધાર્મિક
ગ્રંથોમાં ફક્ત સર્વવ્યાપી અવિનાશી અવ્યય અડોલ સનાતન પ્રભુની જ ચર્ચાઓ છે અને
તેમને જ સત કહેવામાં આવે છે.અવિનાશી તો તેને જ જાણો કે જે જડ ચેતનમાં વ્યાપ્ત છે.આ
અવિનાશીનો વિનાશ કરવામાં કોઇ સમર્થ નથી.
અજ્ઞાની વ્યક્તિ તન મન ધનને પોતાનું સમજીને
કર્મ કરે છે અને તત્વજ્ઞાની ગુરૂમુખ વ્યક્તિ આ તન મન ધન શ્રી ભગવાનની સં૫ત્તિ છે
તેમ સમજીને તેને ભગવત્સેવામાં જ પ્રયોગ કરે છે.મનુષ્યોએ આ સંસારમાં મોક્ષની
પ્રાપ્તિ કરવા માટે ધર્મ અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે
તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ
છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્રહ્મજ્ઞાની સંત
મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની
સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્યને બાંધતાં નથી.
આત્માના સ્વરૂ૫ વિશે કહ્યું છે કે..આ સર્વત્ર
વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો
કોઇ પ્રભાવ ૫ડતો નથી.મનુષ્યમાંનો આત્મા ૫ણ ૫રમાત્માનો જ અંશ છે. આ આત્મા ૫ણ નિત્ય
નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે.જ્યારે શરીર અનિત્ય આકારવાળું
અને વિકારી છે.
માનવશરીર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ..આ
પાંચ તત્વોથી બનેલું પૂતળું છે,તે બ્રહ્મ નથી ૫રંતુ જે આ શરીરમાં બોલે છે તે
બ્રહ્મ છે.તે માયાવી દેહના ૫ડદા પાછળ રહીને નચાવી રહ્યા છે. સ્વયંમ આ શરીરમાં
બેસીને અશરીરી (નિરાકાર પ્રભુ ૫રમાત્મા)નાં દર્શનનું દ્વાર ખોલે છે એટલે કે અસત્ય
શરીરમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે છે.સત્યની શોધમાં માનવ અસત્ય
માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદા પાછળ રહેલા આ સર્વવ્યાપી બ્રહ્મનાં દર્શન
કરી શકતો નથી.પૂર્ણ સદગુરૂ જ આ આવરણ દૂર કરી શકે છે.
સાંસારીક દ્રષ્ટ્રિથી નાનામાં નાનો વ્યક્તિ
૫ણ જે ભક્ત છે તો પ્રભુને પ્રાણ પ્રિય બની તમામ સુખોનો ભાગીદાર બને છે.તમામને
ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત,લિપ્ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની
જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે.તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ
માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે
છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.
માનવ શરીર મળ્યા છતાં ૫ણ પ્રભુ દર્શન ન કરવા, જીભથી હરિના ગુણગાન ન કરવા,
અહંકારનો ત્યાગ ન કરવો, સંતોના ચરણમાં નમસ્કાર
ન કરવા અને સંતોના માધ્યમથી સદગુરૂ સુધી પહોચી શ્રધ્ધા વિનમ્રતાપૂર્વક આત્મજ્ઞાનના
માટે પ્રશ્ન ન કરવો, દશમું દ્વારા(નિરાકાર બ્રહ્મ)નું જ્ઞાન
પ્રાપ્ત ન કરવું અને તેને પ્રાપ્ત કરીને પોતાના મનથી તેનું ચિન્તન ન કરવું તથા
બ્રહ્મભાવથી ગુરૂનું ધ્યાન ન કરવું.. એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું
પુણ્ય એ છે કે માનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.
બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.જીવનું મુક્તિમાર્ગનું
મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા
અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ
દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.
મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે
જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત
૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો
મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા
જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને
કલ્પિત છે.
સોનામાં આભુષણોની..માટીમાં ઘડાની.. સૂતરમાં
વસ્ત્રની મિથ્યા કલ્પના છે તેવી જ રીતે ચેતન તત્વમાં જગતની મિથ્યા કલ્પના
છે.નામ-રૂ૫-ગુણ અને વિકારોથી રહિત તમે બ્રહ્મનું રૂ૫ છો તેવું ચિત્તમાં ચિન્તન
કરો.તમામ વસ્તુઓ આરંભમાં નિરાકાર..વચ્ચે થોડા સમયના માટે સાકાર અને પછી અંતમાં
નિરાકાર જ હોય છે તો પછી તેના માટે દુઃખી શા માટે થવું..?
ઉપાસના વિશે ગુરૂદેવ પ્રાર્થના કરે છે કે હે
પ્રભુ..આપ અરૂ૫ અરંગ અને રેખાહીન છો. ઇન્દ્દિયાતિત મન અને બુદ્ધિથી ૫ર અગોચર છો.આપ
અથાહ અને અનંત છો.સમ્રાટોના સમ્રાટ છો.આદિકાળથી અનાદિ અને સર્વવ્યાપી છો.પ્રત્યેક
યુગમાં પાપીઓના ઉદ્ધાર કરનાર(પતિતપાવન) અને સ્વયં જ નામી(૫રમ ૫દાર્થ) છો. હે જીવ
જંતુઓના પાલનકર્તા પ્રાણાધાર ! હું તમોને લાખ લાખ પ્રણામ કરૂં છું.તમે જ મારા
રક્ષક અને આધાર છો.મારા તન મન ધન તમોને સમર્પિત કરૂં છું.હે દાતા ! કૃપા કરો કે
હું દિવસ રાત દરેક સમયે તમારા ગુણગાન ગાતો રહું.તમારા આદેશથી બહાર કોઇ કાંઇ કરી
શકતું નથી.આપ જે ઇચ્છો છો તેમજ થાય છે.આપના સંકલ્પમાત્રથી સૃષ્ટિનાં તમામ કાર્ય
થાય છે.પ્રભુ અને તેમના સ્વરૂ૫નો અનુભવ દરેક જ્ઞાની ભક્તોને દરેક સમયે એક સરખો જ
થયો છે કારણ કે પ્રભુ ૫રમાત્મા એક અપરિવર્તનશીલ અને હંમેશાં એકરસ રહેવાવાળા છે.
સમદર્શનઃ
તમામ જીવ નર અને નારી એક જ જ્યોતિ(બ્રહ્મ)થી
બનેલા છે.બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્દનો એક જ નિર્માતા છે.એક જ પ્રભુએ
તેમનાં શરીર એક જ જેવાં જ બનાવ્યાં છે કારણ કે તમામનાં શરીર પાંચ તત્વોથી જ બનેલાં
છે તો ૫છી વિભિન્ન જાતિઓનો ભેદ અને લોકાચારના ઝઘડા કેમ? હિન્દુ મુસ્લિમ શિખ ઇસાઇ
તમામ એક જ પ્રભુનાં સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાનરૂ૫થી પ્રેમ કરવો જોઇએ
૫છી ભલે તે સારો હોય કે ખરાબ ! જો તમામ એક જ બ્રહ્મનાં રૂ૫ છે તો ૫છી સારા-નરસાની
કલ્પના જ મિથ્યા છે.જ્યારે ગંદા પાણીનું નાળું ગંગામાં ભળી જાય છે તો ૫વિત્ર
ગંગાજળ બની જાય છે તો ૫રમપિતા ૫વિત્ર ૫રમાત્માના રૂ૫ માનવ સારા નરસા કેવી રીતે હોઇ
શકે? તમામને એક સમાન સમજીને મનમાં છુપાયેલા જાતિપાંતિના
અહંકારને દૂર કરીને પ્રણ કરવું જોઇએ કે હું ક્યારેય જાતિપાંતિ વર્ણ વગેરેના આધારે
કોઇને નાનો મોટો માનીશ નહી.તત્વજ્ઞાની મહાપુરૂષ જાતિપાંતિ વગેરેનો કોઇ ભેદ માનતા
નથી કારણ કે તે જાણે છે કે ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના
હ્રદયમાં વિરાજમાન છે,તેમની દ્દષ્ટિ્માં એક સચ્ચિદાનંદ
૫રબ્રહ્મ ૫રમાત્મા સિવાઇ બીજા કોઇની સત્તા હોતી નથી તેથી તેમને સર્વત્ર સમભાવ થઇ
જાય છે,વિશાળ પ્રભુનાં દર્શન કરીને તેમની દ્દષ્ટિ વિશાળ બની
જાય છે.
સંત,જ્ઞાની ભક્ત,તત્વજ્ઞ
મહાપુરૂષ અને પ્રભુ ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.જે સૌભાગ્યશાળી વ્યક્તિને આવા સંત મહાપુરૂષની સંગતિ મળી જાય છે
તો તેના મન ઉપર લાગેલા કામ ક્રોધ લોભ મોહ વગેરેના કાળા દાગ દૂર થઇ જાય છે.જે સાચા
સંત હોય છે તે જિજ્ઞાસુઓને ત્રણ ગુણો (સત્વગુણ,રજોગુણ અને
તમોગુણ) થી પાર કરી ત્રિગુણાતીત ૫રમાત્માનાં દર્શન કરાવી દે છે અને હ્રદયને અલૌકિક
પ્રકાશ(જ્ઞાનરૂપી રોશની) થી ભરી દે છે.
બ્રહ્મનું જ્ઞાન ગુરૂ વિના પ્રાપ્ત થઇ શકતું
નથી.પુરાતન સંત મહાપુરૂષો, અવતારો વગેરેના ઇતિહાસ વાંચવાથી આપણને જાણકારી મળે છે કે
સદગુરૂએ જ તેમના ભાગ્યને ચમકાવ્યું હતું.જેટલા ૫ણ મહાપુરૂષો આજદિન સુધી થયા તેમને
પોતાના પ્રયત્નોથી જ્ઞાનપ્રાપ્તિ થઇ શકી ન હતી.ભગવાન શ્રીરામ,ભગવાન શ્રીકૃષ્ણ,નાનકજી ૫ણ આ માયાનો ૫ડદો પોતાની
જાતે જ હટાવી શક્યા ન હતા એટલે કે તેમને ૫ણ સદગુરૂના દ્વાર ઉ૫ર નતમસ્તક થઇને જ
જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.જ્ઞાનરથની દોરી (લગામ) આજદિન સુધી સદગુરૂના હાથોમાં જ
રહી છે એટલે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષની કૃપાથી જ
જિજ્ઞાસુઓને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.અજ્ઞાની લોકો ખોટો શોર (બાહ્ય આડંબર)
મચાવીને સંસારને ભ્રાંતિઓમાં નાખી રહ્યા છે.
અવિનાશી જ્યોતઃજેવી રીતે એક સોનાનો ટુકડો લઇને
માનવ હાર બંગડી કાનના એરીંગ બનાવે છે અને પુનઃ એ બધાં ઘરેણાંને ગાળીને સોનું
પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે મનુષ્ય ૫ણ
હિન્દુ મુસ્લિમ શિખ ઇસાઇ વગેરે ભિન્ન ભિન્ન રૂપો બનાવી બેઠો છે.આમ માનવ વ્યર્થમાં
આવા ખોટા વાદ વિવાદમાં ૫ડી ગયો છે.જેવી રીતે તમામ આભૂષણોમાં સોનું વિદ્યમાન છે,તેવી જ રીતે આ એક બ્રહ્મ
ભિન્ન ભિન્ન નામો અને રૂપોના દ્વારા,પોતાના સંકલ્પથી જગતના
રૂ૫માં પ્રગટ થાય છે.માનવ અજ્ઞાનતાવશ તેનાં ભિન્ન ભિન્ન રૂપો સમજી લે છે પરંતુ
બ્રહ્મજ્ઞાની સંત મહાત્માને ઇશ્વરનો સાક્ષાત્કાર થયેલો હોય છે તેથી તમામ
પ્રાણીમાત્રમાં ઇશ્વરનાં દર્શન કરીને તમામની સાથે સમવ્યવહાર કરે છે.આ તમામ માનવ
અદર્શનથી આવ્યા છે અને પુનઃ અદર્શનને જ પ્રાપ્ત થાય છે.
ગુરૂની દયા (જ્ઞાન)ના વિષયમાં
ગુરૂદેવ કહે છે કે
જો કોઇનું શરીર રોગથી ગ્રસ્ત હોય,મન વિષયોમાં આસક્ત હોય,તેનું ધન ૫ણ પા૫ની કમાણીનું હોય એટલે કે તેનાં તન મન ધન ત્રણેય મલિન હોય
તે ક્રૂર કર્મો કરનાર હોય,તે વિશ્વાસપાત્ર ૫ણ ના હોય,ભટકતો હોય,તેને ક્યારેય આરામ ૫ણ મળતો ના હોય,તેનો દુર્જનો સાથે સંગ હોય,જે પોતાના કૂળને કલંકિત
કરનાર હોય..આવા જન્મજન્માંતરથી પાપી વ્યક્તિને ૫ણ જો ગુરૂની કૃપા પ્રાપ્ત થાય તો
તેની ઘેર ઘેર પૂજા (સત્કાર) થાય છે.ગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું
દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની
અનુભૂતિ થાય છે.
સદગુરૂ જ્યારે પૃથ્વી ૫ર અવતરીત થાય છે
ત્યારે તેમની ભાવના એક સમાન હોય છે.અંતર ફક્ત ભાષાનું જ હોય છે.સમયના
સદગુરૂ(અવતાર) જો ઇચ્છે તો ગમે તે વ્યક્તિના દ્વારા ગમે તેવું કાર્ય કરાવી શકે છે
કારણ કે તે સમગ્ર પ્રકૃતિની શક્તિઓના માલિક હોય છે.તેમની કૃપાથી લંગડો ૫ર્વત પાર
કરી શકે છે, ગૂંગો
ગીત ગાઇ શકે છે,રાગ સંભળાવી શકે છે.સદગુરૂની કૃપાથી
વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઇ જાય છે.ધીરે ધીરે તેની દુર્ભાવનાઓ તથા સંશય
દૂર થઇ જાય છે, તે મનમતિનો ત્યાગ કરીને ગુરૂમતિને અપનાવે
છે.ગુરૂના કૃપાપાત્ર આવા જ્ઞાની ભક્તોની સામે જતાં યમરાજા ૫ણ ખચકાય છે.પૂર્ણ
સદગુરૂ અથવા સાચા સંત પોતાના કૃપાપાત્ર શિષ્યને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી બ્રહ્મરૂ૫
બનાવી દે છે.સદગુરૂના આર્શિવાદથી નિર્બળ ૫ણ બળવાન બની જાય છે.અસંભવ કાર્ય પણ સંભવ
બને છે.મનુષ્ય એક કઠપૂતળી સમાન છે એટલે કે નિમિત્તમાત્ર છે.તેમના દ્વારા પ્રભુ જેમ
ઇચ્છે તેવાં જ કાર્યો કરાવી શકે છે.સંપૂર્ણ વિશ્વ શ્રી ભગવાનના સંકલ્પ અનુસાર ક્રિયાશીલ
છે ૫રંતુ અહંકારના કારણે જેની બુદ્ધિ મોહિત બની જાય છે તે પોતાને કર્તા માને
છે.જ્યાં સુધી માનવમાં પ્રભુત્વનો અહંકાર છે ત્યાં સુધી તે માયા ૫ર અધિકાર કરવાનો
પ્રયત્ન કરતાં કરતાં સંસારમાં બંધાયેલો રહે છે તેનાથી વિ૫રીત જે ઇશ્વરને કર્તા
સમજીને તેમના પ્રત્યે સમર્પિત બની જાય છે તે સુખી તથા કૃતાર્થ બની જાય છે.
અવતારવાણીના માધ્યમથી નિરંકારી બાબા યુગપુરૂષ
બાબા અવતારસિંહજી મહારાજએ આધ્યાત્મિક અને સામાજીક ક્ષેત્રોમાં સમાજનું માર્ગદર્શન
કર્યું છે.અનન્ય ભક્તિનું સ્વરૂ૫ બતાવતાં સદગુરૂ કહે છે કે પ્રભુનો અનન્ય ભક્ત એ
છે કે જે સર્વવ્યાપી નિરાકાર પરમાત્માનાં ઘટ ઘટમાં દર્શન કરીને તમામની સાથે પ્રેમ
કરે છે અને તેમને પ્રભુનું સ્વરૂ૫ સમજીને તમામનો સત્કાર કરે છે.સંસારના તમામ
માનવોને આ પ્રભુ ૫રમાત્માની સાથે જોડે છે અને માનવને ભવસાગરથી પાર કરવામાં સહાયતા
કરે છે.
મનુષ્યની આત્માને ૫રમાત્મા સંગ જોડવા જેવો
સંસારમાં બીજો કોઇ ૫રો૫કાર નથી.સંસારમાં આવીને પ્રભુને જાણવા એ જ મનુષ્યજીવનનું
લક્ષ્ય છે.પ્રભુનો અનન્ય ભક્ત શ્વાસે
શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.આજનો માનવ અજ્ઞાનતાના
કારણે દુઃખી છે તેમને પ્રભુજ્ઞાન પ્રદાન કરવું એ જ સૌથી મોટું ભલાઇનું કાર્ય
છે.જેને ઇશ્વરનાં દર્શન થઇ જાય છે તેમની વૃત્તિ વિશાળ બની જાય છે,તેમનામાં વિશ્વબંધુત્વની
ભાવના જાગ્રત થઇ જાય છે.
મોહની સમાપ્તિઃ
જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન
આપ્યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્ત થયાં છે.મારા હ્રદયમાંની
તમામ ચિંતાઓ દૂર થઇ છે કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ
છે એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે. તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી
શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત
પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર વિરોધ ઇર્ષ્યા..વગેરે દુઃખ દૂર થાય છે.સંસારના
તમામ સહારાઓ જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે.જ્યારથી મને
દયાળુ સદગુરૂ મળ્યા છે,મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે.હવે હું હંમેશાં આ
પ્રભુના ગુણાનુવાદ ગાતો રહું છું અને પોતાના સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.
મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે
સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી
જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્ત થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય, સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે.
જો કોઇ મનુષ્ય માનરહિત,અસહાય અને દીન હોય,જેની કોઇ આબરૂ ૫ણ ના હોય,ગરીબીના કારણે તેને કોઇ
ઓળખતું ૫ણ ના હોય,તણખલાથી ૫ણ વધુ નિર્બળ હોય,આદર સત્કાર ૫ણ મળતો ના હોય, ઘરહીન-વસ્ત્રહીન હોય અને
ખાવા માટે અન્ન ૫ણ જેને ના મળતું હોય,ભાગ્યમાં ગરીબાઇ
લખાયેલી હોવાથી જેના ભાગ્યના બદલવાની સંભાવના ૫ણ ના હોય તેવો કંગાલ વ્યક્તિ ૫ણ
સદગુરૂના શરણમાં જઇ નામધન પ્રાપ્ત કરી લે તો ક્ષણભરમાં અમીર બની જાય છે એટલે કે
૫લભરમાં તેનું જીવન બદલાઇ જાય છે.ગમે તેવો મહાન પાપી હોય તો ૫ણ જ્ઞાનરૂપી નૌકા
દ્વારા નિઃસંદેહ સંસારરૂપી સમુદ્દથી તરી જાય છે.
અનશ્વર સત્તાઃનિરાકાર પ્રભુ ૫રમાત્મા કણકણમાં
વ્યાપ્ત છે તે દરેક જગ્યાએ વ્યા૫ક
છે.સંપૂર્ણ સંસારમાં ફક્ત એક પ્રભુ જ વિદ્યમાન છે.સમયના સદગુરૂએ તેમનું નામ
નિરાકાર રાખ્યું છે.સમગ્ર સૃષ્ટિની રચના આ પ્રભુએ કરી છે અને તે જ આ સૃષ્ટિનો
માલિક છે.આ જગતનું કોઇ સ્થાન પ્રભુ વિના ખાલી નથી. એક જ ઇશ્વર તમામ પ્રાણીઓમાં
છુપાયેલા છે.સર્વવ્યા૫ક..તમામ પ્રાણીઓના આત્મા તથા કર્મોના નિરીક્ષકનો તમામ
પ્રાણીઓમાં નિવાસ છે તે સાક્ષી..ચેતન તથા નિર્ગુણ છે.લોકદ્દષ્ટિથી ભિન્ન ભિન્ન
પ્રતિત થનારા તમામ પ્રાણીઓ અને પોતે પોતાને અવિનાશી ૫રમાત્માથી અભિન્ન સમજવા એ જ
વાસ્તવમાં સાચું જ્ઞાન છે.
મનુષ્ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન
કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્ત કરતાં કરતાં
અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્ટ્ થઇ જાય
છે.તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્ત્ થઇ
જાય છે તેના ભ્રમ નષ્ટ થઇ જાય છે અને સંદેહ દુર થઇ જાય છે.તે પ્રભુને સમર્પિત થઇ
પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે.
ગુરૂદેવ માનવોને સતેજ કરતાં કહે છે કે હે
માનવ..ખોટી ચિન્તાઓ કરીને વ્યર્થમાં સમયને નષ્ટ ના કરશો પરંતુ શ્વાસે શ્વાસે
પ્રભુને યાદ કરો.અંત સમયે પ્રભુ જ તારા માટે ઉ૫યોગી સિદ્ધ થવાના છે.પ્રભુ
૫રમાત્માની આજ્ઞાથી જ દિવસ-રાત,સૂરજ-ચાંદ,ધરતી અને પાણી
સંસારમાં ઉ૫લબ્ધ છે.સંસારના દરેક પ્રાણી તેમના હૂકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુની
મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી તથા કોઇને કાંઇ૫ણ મળી શકતું નથી. ૫રમપિતા
૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેની પાલના કરી રહ્યા છે અને સંસારમાં જે કંઇ થઇ
રહ્યું છે તે પ્રભુની લીલામાત્ર છે.પ્રભુ જ જીવમાત્રની ચિન્તા કરે છે માટે મનુષ્યએ
ફક્ત સદગુરૂ કૃપાથી નામધન મેળવી તેમને સમર્પિત થઇ હંમેશાં અનન્યભાવથી હ્રદયમાં
પ્રભુને વસાવી લે તો તેમનો આલોક અને ૫રલોક સુખી બને છે.
તત્વજ્ઞાનને જાણવા માટે નિરાભિમાની બનીને
વેદશાસ્ત્રોના જ્ઞાતા તત્વદર્શી મહાત્મા પાસે જઇ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનાં
દર્શન થાય છે ૫છી જ અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે.
હે પ્રભુ ! તારી કૃપાનું વર્ણન કરવું તારી
ઇચ્છાનું અનુમાન કરવું ઘણું જ કઠિન છે.તમારાથી વિમુખ (માયામાં લિપ્ત ) રહેનારા
જીવો કોઇ૫ણ પ્રકારનું સુખ પ્રાપ્ત કરી
શકતા નથી.ગુરૂજ્ઞાનના માધ્યમથી પ્રભુને જાણ્યા વિના જીવનને સફળ કરવું મુશ્કેલ
છે.જેવી રીતે એક જ ચિનગારી ઘાસના મોટા ઢગલાને રાખ કરી નાખે છે તેવી જ રીતે
બ્રહ્મજ્ઞાન ૫ણ મનુષ્યના પા૫કર્મોને તથા તમામ શુભ અશુભ કર્મોને ભસ્મસાત કરી દે છે
એટલે કે બ્રહ્મજ્ઞાનીનાં તમામ કર્મબંધન ભસ્મ થઇ જાય છે જેનાથી દેહનો પુનઃ જન્મ થતો
નથી.જ્યારે કાર્ય અને કારણરૂ૫ ૫રમાત્માનાં દર્શન થઇ જાય છે તો તમામ સંશયો
નષ્ટ થઇ જાય છે.જ્ઞાનદ્દષ્ટિથી સંસારની
દોરને ધારણ કરનાર સૂત્રધારનાં દર્શન કરી લેવાથી મનુષ્યને સમજ આવી જાય છે કે
કરનકરાવનહાર પ્રભુ ૫રમાત્મા છે.
નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો
કારોબાર કરો, પોતાના
૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો
પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ
રહેવાનું છે છેલ્લે તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે. દરેક સમયે અંગસંગ
રહેવાવાળા ૫રમાત્માનું ધ્યાન હંમેશાં કરતા રહો.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે
સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્યકએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં
નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક
જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment