Sunday, 7 June 2026

શ્રીમદ ભગવદગીતાના પંદરમા અધ્યાયનું માહાત્મય

 

શ્રીમદ ભગવદગીતાના પંદરમા અધ્યાયનું માહાત્મય

ભગવાન મહાદેવજી કહે છે કે પાર્વતી..હવે શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાય નું માહાત્મય સાંભળો. ગૌડ દેશમાં કૃપાણ નામના એક રાજા હતા.જેમની તલવારની ધારથી યુદ્ધમાં દેવતાઓ પણ પરાસ્ત થતા હતા.તેમનો બુદ્ધિમાન સેનાપતિ કે જેનું નામ સરભમેરૂણ્ડ હતું તે શસ્ત્રકળામાં નિપુણ હતા,તેમની ભુજાઓમાં પ્રચંડ બળ હતું.એકવાર આ પાપીએ રાજકુમારો સહિત મહારાજાનો વધ કરીને પોતે રાજ્ય કરવાનો વિચાર કર્યો.

આવા નિશ્ચય કર્યાના કેટલાક દિવસો બાદ તે ગંભીર માંદગીમાં મરણ પામે છે.મૃત્યુ પછી તે પાપાત્મા પોતાના પૂર્વ કર્મના કારણે સિન્ધુ દેશમાં એક તેજસ્વી ઘોડા તરીકે જન્મે છે.ઘોડાની પરખમાં માહેર એક વૈશ્ય પૂત્રએ મોટી કિંમત ચુકવીને આ અશ્વને ખરીધી લીધો અને પોતાની રાજધાનીમાં લઇ ગયો.વૈશ્યકુમાર આ અશ્વ રાજાને ભેટ આપવા માટે ખરીદી લાવ્યો હતો.રાજા આ વૈશ્યકુમારને સારી રીતે ઓળખતા હોવા છતાં દ્વારપાળ મારફતે પોતાના આગમનની સૂચના રાજાને કહેવડાવે છે.

રાજા કહે છે કે તમે કેમ આવ્યો છો? ત્યારે વૈશ્યકુમારે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે સિન્ધુદેશમાં એક ઉત્તમ લક્ષણોવાળો અશ્વ હતો જેને ત્રણે લોકોનું રત્ન સમજીને મેં મોટી કિંમત ચુકવીને ખરીદી લાવ્યો છું.રાજાએ આ અશ્વને પોતાની સમક્ષ લઇ આવવા આજ્ઞા આપે છે.વાસ્તવમાં આ અશ્વ ગુણોમાં ઉચ્ચૈઃશ્રવા સમાન હતો.અશ્વના આવ્યા બાદ રાજાના મંત્રીઓએ તેની ઘણી પ્રસંશા કરી જેને સાંભળીને રાજાને અપાર આનંદ થયો અને વૈશ્યકુમારને મોં માગી કિંમત આપીને અશ્વને ખરીદી લીધો.કેટલાક દિવસો બાદ એક દિવસ રાજા શિકાર ખેલવા માટે આ અશ્વ ઉપર સવાર થઇને જાય છે.જંગલમાં એક મૃગનો પીછો કરતાં અશ્વને ઝડપથી દોડાવે છે જેથી પાછળ આવતા તમામ સૈનિકોનો સાથ છુટી જાય છે અને રાજા દૂર નીકળી જાય છે.રાજાને ઘણી જ તરસ લાગતાં તે ઘોડા ઉપરથી નીચે ઉતરી પાણીની શોધ કરવા લાગે છે.

ઘોડાને તેમને એક વૃક્ષ નીચે બાંધી દે છે અને પોતે એક ચટ્ટાન ઉપર ચઢવા લાગ્યા.કેટલેક દૂર ગયા પછી રાજાએ જોયું કે એક વૃક્ષનું પાન ઉડીને શિલાખંડ ઉપર આવીને પડે છે જેની ઉપર શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયનો અડધો શ્ર્લોક લખેલો હતો તેને રાજા વાંચે છે.તે સમયે રાજાના મુખારવિંદથી ગીતાના અક્ષર સાંભળીને ઘોડો નીચે પડી જાય છે અને અશ્વનું શરીર છોડીને તુરંત જ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે.

ત્યારબાદ રાજાએ પહાડ ઉપર ચઢીને એક ઉત્તમ આશ્રમ જોયો કે જ્યાં નાગકેશર,કેળા,કેરી અને નારીયેલ વૃક્ષો લહેરાઇ રહ્યા હતા.આશ્રમની અંદર એક બ્રાહ્મણ બેઠા હતા જે સંસારની વાસનાઓથી મુક્ત હતા.રાજાએ તેમને પ્રણામ કરીને ભક્તિભાવથી પુછ્યું કે બ્રહ્મન..મારો અશ્વ હમણાં જ સ્વર્ગમાં ગયો છે તેનું શું કારણ છે? રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી મંત્રવેત્તા અને મહાપુરૂષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું કે હે રાજા..પૂર્વકાળમાં તમારે ત્યાં જે સરભમેરૂણ્ડ નામનો સેનાપતિ હતો તે તમોને પૂત્રો સહિત મારીને રાજ્ય પચાવી પાડવા માટેની યોજના બનાવતો હતો પરંતુ તેની યોજના સફળ થાય ત્યાર પહેલાં જ ગંભીર માંદગીના કારણોસર મૃત્યુ પામે છે.ત્યારબાદ તે પાપીનો ઘોડાના રૂપે જન્મ થાય છે.આપને અહી ગીતાના પંદરમા અધ્યાયનો અડધો શ્લોક લખેલ મળ્યો જેને આપના મુખથી સાંભળવાથી તે અશ્વને સ્વર્ગ પ્રાપ્ત થયું છે.

એટલામાં જ રાજાના સંનિકો રાજાને શોધતા શોધતા આવી પહોંચે છે.સૈનિકો સહિત રાજાએ બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપુર્વક ત્યાંથી ચાલ્યા જાય છે અને ગીતાના પંદરમા અધ્યાયના શ્ર્લોકના અક્ષરોથી અંકિત પાનને વાંચીને પ્રસન્ન થયા તેમના નેત્ર હર્ષથી ખીલી ઉઠ્યા.ઘેર આવીને રાજાએ મંત્રવેત્તા મંત્રીઓની સાથે પોતાના પૂત્ર સિંહબળને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી પોતે ગીતાના પંદરમા અધ્યાયના પાઠથી વિશુદ્ધ ચિત્ત બનીને મોક્ષને પ્રાપ્ત થયા.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયનો સાર એ છે કે..આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્‍ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે..એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ.

પંદરમા અધ્યાયમાં જીવ-જગત અને જગદીશનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવાછતાં પણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીરમાં તાદાત્મય,મમતા અને કામના કરીને આબદ્ધ થયો છે.શરૂઆતના પાંચ શ્ર્લોકોના પ્રકરણમાં ભગવાન સંસારવૃક્ષનું વર્ણન કરીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.

જે મહાપુરૂષો આદિપુરૂષ પરમાત્માને શરણે થઇને પરમપદને પ્રાપ્ત થાય છે તેમનાં લક્ષણો બતાવતાં ભગવાને કહ્યું છે કે જેમનાં માન અને મોહ નષ્ટ થઇ ચુક્યાં છે,જેમને આસક્તિરૂપ દોષોને જીતી લીધાં છે,છે,જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે,જેમની સંપૂર્ણ કામનાઓ નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંન્દ્વોથી મુક્ત થાય છે તેવા મોહરહિત સાધક ભક્તો તે અવિનાશી પરમપદ (પરમાત્મા) ને પ્રાપ્ત થાય છે.તે પરમપદને સૂર્ય-ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં નથી.આ પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ મારૂં પરમધામ છે.આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે.

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે એ જ રીતે દેહનો સ્વામી બનેલો જીવાત્મા પણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્રિયોને લઇને પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે.આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ શ્રોત્ર-ચક્ષુ અને ત્વચા-રસના અને ઘ્રાણ આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.શરીર છોડીને જતા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો જાણતા નથી ફક્ત જ્ઞાની મનુષ્યો જ જાણે છે.યત્ન કરનારા યોગીજનો પોતાના હ્રદયમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરે છે પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્વનો અનુભવ કરી શકતા નથી.સૂર્યનું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમા અને અગ્નિમાં છે એને તમે મારૂં જ તેજ જાણો.

ભગવાન કહે છે કે હું જ તમામ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન અને સંશય વગેરે દોષોનો નાશ થાય છે.બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.વેદોના તત્વનો નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.આ સંસારમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરૂષો છે.તમામ પ્રાણીઓના શરીરો ક્ષર અને જીવાત્મા અક્ષર(અવિનાશી) કહેવાય છે.ઉત્તમ પુરૂષ તો અન્ય છે,જે પરમાત્મા એવા નામથી કહેવાયા છે તે જ અવિનાશી ઇશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું ભરણપોષણ કરે છે.હું ક્ષરથી અતિત છું અને અક્ષરથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું. જે મોહરહિત મનુષ્ય મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ સર્વ રીતે મારૂં જ ભજન કરે છે.આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર જે ભગવાને કહ્યું તે જાણીને મનુષ્ય જ્ઞાની તથા કૃતકૃત્ય થઇ જાય છે.

 

ગીતામૃતમ્..

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયનો સાર

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયનો સાર એ છે કે આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્‍ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે..એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ.

પંદરમા અધ્યાયમાં જીવ-જગત અને જગદીશનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવાછતાં પણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીરમાં તાદાત્મય,મમતા અને કામના કરીને આબદ્ધ થયો છે.શરૂઆતના પાંચ શ્લોકના પ્રકરણમાં ભગવાન સંસારવૃક્ષનું વર્ણન કરીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.

જે મહાપુરૂષો આદિપુરૂષ પરમાત્માને શરણે થઇને પરમપદને પ્રાપ્ત થાય છે તેમનાં લક્ષણો બતાવતાં ભગવાને કહ્યું છે કે જેમનાં માન અને મોહ નષ્ટ થઇ ચુક્યાં છે,જેમને આસક્તિરૂપ દોષોને જીતી લીધાં છે,છે,જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે,જેમની સંપૂર્ણ કામનાઓ નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંન્દ્વોથી મુક્ત થાય છે તેવા મોહરહિત સાધક ભક્તો તે અવિનાશી પરમપદ (પરમાત્મા) ને પ્રાપ્ત થાય છે.તે પરમપદને સૂર્ય-ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં નથી.આ પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ મારૂં પરમધામ છે.આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે.

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે એ જ રીતે દેહનો સ્વામી બનેલો જીવાત્મા પણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્રિયોને લઇને પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે.આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ શ્રોત્ર-ચક્ષુ અને ત્વચા-રસના અને ઘ્રાણ આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.શરીર છોડીને જતા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો જાણતા નથી ફક્ત જ્ઞાની મનુષ્યો જ જાણે છે.યત્ન કરનારા યોગીજનો પોતાના હ્રદયમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરે છે પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્વનો અનુભવ કરી શકતા નથી.સૂર્યનું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમા અને અગ્નિમાં છે એને તમે મારૂં જ તેજ જાણો.

ભગવાન કહે છે કે હું જ તમામ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન અને સંશય વગેરે દોષોનો નાશ થાય છે.બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.વેદોના તત્વનો નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.આ સંસારમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરૂષો છે.તમામ પ્રાણીઓના શરીરો ક્ષર અને જીવાત્મા અક્ષર(અવિનાશી) કહેવાય છે.ઉત્તમ પુરૂષ તો અન્ય છે,જે પરમાત્મા એવા નામથી કહેવાયા છે તે જ અવિનાશી ઇશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું ભરણપોષણ કરે છે.હું ક્ષરથી અતિત છું અને અક્ષરથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું. જે મોહરહિત મનુષ્ય મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ સર્વ રીતે મારૂં જ ભજન કરે છે.આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર જે ભગવાને કહ્યું તે જાણીને મનુષ્ય જ્ઞાની તથા કૃતકૃત્ય થઇ જાય છે.

પંદરમા અધ્યાયના અઢારમા શ્લોકમાં ભગવાને પોતાને અપરા(ક્ષર) થી અતિત અને પરા(અક્ષર) થી ઉત્તમ બતાવ્યા છે.આનો અર્થ એ છે કે જ્યાંસુધી સાધક અપરા(સંસાર) અને પરા(પોતે)-બંન્નેની સ્વતંત્ર સત્તા માને છે ત્યાં સુધી ભગવાન અપરાથી અતિત અને પરાથી ઉત્તમ છે પરંતુ જ્યારે તેની માન્યતામાં અપરા અને પરાની સ્વતંત્ર સત્તા રહેતી નથી ત્યારે પરા-અપરા અને ભગવાન ત્રણે એક થઇ જાય છે-વાસુદેવઃ સર્વમ્..

પંદરમા અધ્યાયના મધ્યમાં અક્ષર(જીવાત્મા)ના વર્ણનનું તાત્પર્ય એ છે કે જીવની એક બાજુ ક્ષર (સંસાર) છે અને એક તરફ પુરૂષોત્તમ(પરમાત્મા) છે.જીવનો સબંધ પરમાત્મા સાથે છે..મમૈવાંશો જીવલોકે.. કેમકે જેમ પરમાત્મા ચેનત-અવિનાશી અને અપરીવર્તનશીલ છે એ જ પ્રમાણે જીવ પણ ચેનત-અવિનાશી અને અપરીવર્તનશીલ છે.શરીરનો સબંધ સંસાર સાથે છે કેમકે જેમ સંસાર જડ-નાશવાન અને પરીવર્તનશીલ છે એ જ પ્રમાણે શરીર પણ જડ-નાશવાન અને પરીવર્તનશીલ છે.જીવને પરમાત્માથી ક્યારેય જુદો કરી શકાતો નથી અને શરીરને સંસારથી ક્યારેય જુદું કરી શકાતું નથી.

પરમાત્મા તેને કહે છે જે હમણાં છે, બધામાં હોય, બધાનો હોય, સર્વ સમર્થ હોય, પરમ દયાળુ હોય અને અદ્વિતિય હોય. અત્યારે જ ઉપલબ્ધ હોવાના લીધે તેમની પ્રાપ્તિ માટે ભવિષ્યની આશા રાખવી પડતી નથી. બધામાં હોવાથી તે આપણામાં પણ છે તેથી તેમને શોધવા માટે ક્યાંય જવું પડતું નથી. બધાનો હોવાથી તે આપણા પણ છે તેથી તેમનામાં આપમેળે પ્રેમ થશે.સર્વસમર્થ હોવાથી આપણે ભયભીત થવાની જરૂર નથી.પરમ દયાળુ હોવાથી આપણે નિરાશ નહી થવું પડે.અદ્વિતિય હોવાથી આપણને તેમને ઓળખવાની,તેમનું વર્ણન કરવાની જરૂરત નહી રહે.

પરમાત્માની પ્રાપ્તિ ન થવાનું કારણ એ છે કે આપણે તેમની સત્તા મહત્તા(મહિમા) સ્વીકારતા નથી અને તેમને પોતાના માનતા નથી.પરમાત્મા યજ્ઞ દાન તપ તીર્થ વ્રત વગેરે મોટા મોટા પુણ્ય કાર્યો કરવાથી મળતા નથી પરંતુ ભગવાનને પોતાના માનવાથી મળે છે.જીવ ભગવાનનો અંશ છે તેમાં બીજા કોઇનું મિશ્રણ નથી તેથી સિદ્ધ થાય છે કે માત્ર ભગવાનનો જ અંશ હોવાથી આપણો સબંધ ફક્ત ભગવાન સાથે જ છે.

ગીતામૃતમ્

અધિક માસમાં શ્રીમદ ભગવદગીતાના અધ્યાય-૧૫ પુરૂષોત્તમ યોગનું ચિંતન કરીએ.

શ્રીમદ ભગવદગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ કરવાથી જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતનમાં વધારો કરે છે એટલે તેનો પાઠ અવશ્ય કરવો જોઇએ..શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૧)માં ભગવાન કહે છે કે..

ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્

છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્

(ઊર્ધ્વમૂલમ્-ઉપર તરફ મૂળવાળા તથા, અધઃશાખમ્-નીચે તરફ શાખાવાળા, અશ્વત્થમ્-જે સંસારરૂપ અશ્વત્થ વૃક્ષને,અવ્યયમ્-પ્રવાહરૂપે અવ્યય,પ્રાહુઃ-કહે છે અને,છન્દાંસિ-વેદ,યસ્ય-જેનાં,પર્ણાનિ-પાંદડાં છે,તમ્-તે સંસારવૃક્ષને,યઃ-જે,વેદ-જાણે છે,સઃ-તે,વેદવિત્-સંપૂર્ણ વેદોને જાણનાર છે.)

ઉ૫રની બાજુએ મૂળવાળા અને નીચેની બાજુએ શાખાઓવાળા જે સંસારરૂપી પી૫ળા(અશ્વત્થ)ના વૃક્ષને અવિનાશી કહે છે અને વેદો જેનાં પાંદડાં છે તે સંસારવૃક્ષને જે જાણે છે તે તમામ વેદોને જાણવા વાળો છે.

સામાન્ય રીતે વૃક્ષોનું મૂળ નીચે અને શાખાઓ ઉપરની બાજુએ હોય છે પરંતુ આ સંસાર વૃક્ષ એવું વિચિત્ર છે કે એનું મૂળ ઉપર તથા શાખાઓ નીચેની બાજુએ છે.જ્યાં ગયા પછી મનુષ્ય પાછો ફરીને સંસારમાં આવતો નથી એવું ભગવાનનું પરમધામ ભૌતિક સંસારથી ઉપર છે.

"અશ્વત્થ" ના બે અર્થ થાય છે.અ+શ્વ+ત્થ..અ=નહી,શ્વ=ક્ષણ અને ત્થ= રહેવાવાળું એટલે જે આવતી ક્ષણ સુધી ૫ણ ટકી રહેનાર નથી.કાલ સુધી જે રહે કે ના રહે એવા અનિત્ય સંસારમાં મનુષ્યોની સ્થિતિ સ્થાઇ કેવી રીતે હોઇ શકે? પાંદડાં તુલ્ય ચંચલ શરીરમાં પ્રભુનો જ સનાતન અંશ જીવાત્મા નિવાસ કરે છે. અશ્વત્થનો બીજો અર્થ છે પીપળાનું વૃક્ષ.

ફક્ત ૫રીવર્તનના સમુહનું નામ જ સંસાર છે.૫રીવર્તનનું જે નવું રૂ૫ સામે આવે છે તેને ઉત્પત્તિ કહે છે.થોડું વધારે ૫રીવર્તન થતાં તેને સ્થિતિરૂપે માની લે છે અને જ્યારે એ સ્થિતિનું રૂપ ૫ણ ૫રિવર્તિત થઇ જાય છે ત્યારે તેને સમાપ્તિ (પ્રલય) કહે છે.વાસ્તવમાં તેની ઉત્પત્તિ-સ્થિતિ અને પ્રલય હોતાં જ નથી એટલા માટે તેમાં પ્રતિક્ષણ પરીવર્તન થવાના કારણે આ સંસાર એક ક્ષણ ૫ણ સ્થિર નથી.દ્રશ્યમાત્ર પ્રતિક્ષણે અદર્શનમાં જઇ રહ્યું છે.

સંસારમાંથી સુખ લેવાની ઇચ્છાનો ત્યાગ કરીને ફક્ત તેની સેવા કરવી.સુખની ઇચ્છા ન રાખવાવાળા ના માટે આ સંસાર સાક્ષાત ભગવત્સ્વરૂ૫ છે ૫રંતુ સંસારમાંથી સુખની ઇચ્છા રાખવા વાળાઓને માટે આ સંસાર દુઃખોનું ઘર છે કારણ કે પોતે અવિનાશી છે અને આ સંસાર વૃક્ષ પ્રતિક્ષણે ૫રીવર્તનશીલ હોવાના કારણે નાશવાન,અનિત્ય અને ક્ષણભંગુર છે આથી પોતાની ક્યારેય એનાથી તૃપ્તિણ થતી જ નથી પરંતુ એનાથી સુખની ઇચ્છા કરીને એ વારંવાર જન્મતો-મરતો રહે છે એટલા માટે સંસારની સાથે સહેજ૫ણ સ્વાર્થનો સબંધ ન રાખીને ફક્ત તેની સેવા કરવાનો ભાવ જ રાખવો જોઇએ.

આ સંસારરૂપી વૃક્ષ ઉ૫રની તરફ મૂળવાળું છે.વૃક્ષમાં મૂળ જ મુખ્ય હોય છે.એવી જ રીતે આ સંસારરૂપી વૃક્ષમાં ૫રમાત્મા જ મુખ્ય છે.બધાના મૂળ પ્રકાશક અને આશ્રય આ૫નાર ૫રમાત્મા જ છે.સ્થળ, કાળ,ભાવ,સિધ્ધાંત,ગુણ,રૂ૫,વિધા વગેરે બધી દ્રષ્ટિથી ૫રમાત્મા જ સૌથી શ્રેષ્ઠ છે.એમનાથી ઉ૫ર અથવા શ્રેષ્ઠની તો વાત જ શું? તેમના સમાન ૫ણ બીજો કોઇ નથી.સંસારવૃક્ષનું મૂળ સર્વો૫રી નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્મા જ છે.

જેવી રીતે મૂળ એ વૃક્ષનો આધાર હોય છે તેવી જ રીતે ૫રમાત્મા તમામ જગતના આધાર છે.વૃક્ષના મૂળમાંથી  જ થડ-શાખાઓ અને કૂં૫ળો નીકળે છે તેવી જ રીતે ૫રમાત્મામાંથી જ તમામ જગત ઉત્પન્ન થાય છે,એમનાથી જ વિસ્તૃત થાય છે અને તેમનામાં જ સ્થિત રહે છે,એમની પાસેથી શક્તિ મેળવીને જ તમામ જગત ચેષ્ઠા કરે છે એવા સર્વો૫રી ૫રમાત્માનું શરણ લેવાથી જ મનુષ્ય સદાય ના માટે કૃતાર્થ થાય છે.

મનુષ્ય સિવાયની બીજી બધી ભોગ યોનિઓ છે.મનુષ્ય યોનિમાં કરેલા પા૫-પુણ્યનાં ફળ ભોગવવાના માટે જ મનુષ્યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્યો કરવાનો અથવા પા૫-પુણ્યોથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્ય શરીરમાં જ છે.

સંસારને ક્ષણભંગુર બતાવતાં સંત કબીરદાસજી કહે છે કે પાણી કેરા બુદ બુદા અસ માનસકી જાત,દેખત હી છીપ જાયેગા જ્યોં તારા પ્રભાત..એટલે કે જેમ સૂર્યોદય થતાં જ તારાઓ છુપાઇ જાય છે તથા પાણીનો પરપોટો ક્ષણભંગુર છે તેવી જ રીતે માનવશરીર ૫ણ વિનાશશીલ છે.સંત મહાપુરૂષો કહે છે કે આ જગત ૫રીવર્તનશીલ છે,આ દુનિયા ચાલી રહી છે પરંતુ અહીંયાં કોઇ કાયમ માટે રહેતું નથી.ફક્ત એક ૫રમાત્મા જ સ્થિર અને ગતિદાતા છે.આજે સમગ્ર દુનિયામાં અશાંતિ ફેલાયેલ છે તેનું કારણ એ છે કે આજનો માનવ ભુલી ગયો છે કે તેને એક દિવસ અહીથી જવાનું છે.આજના માનવને સર્વની નહી ૫રંતુ પોતાની ઉન્નત્તિની જ ચિન્તા છે.આ જગતમાંથી આ૫ણે બધાએ એક દિવસ જવાનું છે.વિચારો..! અને માર્ગ નિશ્ચિત કરો..!

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કહ્યું છે કે

મનુષ્યોએ અનિત્ય શરીરો અને ૫દાર્થોને પ્રાપ્ત કર્યા ૫છી ક્ષણભંગુર જીવનમાં ધર્માચરણની સાથે સાથે નિત્ય ૫રમાત્માની ઉપાસના કરવી જોઇએ.આત્મા અને ૫રમાત્માના સંયોગથી ઉત્પન્ન થયેલ નિત્ય સુખને પ્રાપ્ત કરવું..

પુરાણોમાં કથા આવે છે કેઃવાજશ્રવા ઋષિએ ક્રોધવશ પોતાના પૂત્ર નચિકેતાને યમરાજાને દાનમાં આપી દીધો.તેમનો પૂત્ર નચિકેતા સત્યનિષ્ઠ અને દ્રઢ પ્રતિજ્ઞ હતો.નચિકેતા યમદેવના દ્વાર પાસે પહોચ્યા.યમરાજા તે સમયે ઘેર ન હતા. નચિકેતા તેમની પ્રતિક્ષામાં અટલ ઉભા રહ્યા.યમદેવે આવીને તેમના ત૫ના બદલામાં ત્રણ વરદાન માંગવા માટે કહ્યું.આ ત્રણ વરદાનમાં ત્રીજા વરદાનના રૂ૫માં નચિકેતા માંગે છે કે પ્રતિક્ષણ ચાલતા જન્મ-મૃત્યુ ઉ૫ર વિજ્ય પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા તથા આત્મા-૫રમાત્માનું જ્ઞાન પ્રદાન કરો..!

યમદેવે બાળકની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને એક એકથી ચડીયાતી ભોગ સામગ્રી આ૫વાનું પ્રલોભન આપવા છતાં નચિકેતાએ કહ્યું કે આ તમામ સુખ ભોગ મનુષ્યના માટે આજે છે પરંતુ કાલે રહેવાના નથી.ભોગો ઇન્દ્રિયોના તેજને ક્ષીણ કરી દે છે.આ ભોગોને ભોગવવા માટે જીવન અલ્પ છે તેનો અંત મૃત્યુ છે એટલા માટે આ અવિકલ ભોગસામગ્રીને પોતાની પાસે જ રાખો.મને તો જન્મ-મૃત્યુ ઉ૫ર વિજ્ય પ્રાપ્ત  કરવાનું જ્ઞાનરૂપી વરદાન આપો.

વસ્તુતઃ પૂર્વજન્મોના સત્કર્મોના કારણે અમોને માનવદેહરૂપી સુંદર સાધન મળ્યું છે.સુખના વિવિધ સાધન,ભૌતિક સામગ્રી મળી છે પરંતુ અમારી વિડંબના એ છે કેઃઅમે જીવનનું લક્ષ્ય ભૂલી જઇએ છીએ. વિચારવાની વાત એ છે કેઃઆ સુંદર જીવનમાં મૃત્યુના ૫છી એક ક્ષણ ૫ણ રોકાવવાની સંમતિ મળવાની નથી અને જો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત (સદગુરૂ) ના શરણમાં જઇ પ્રભુ પ્રાપ્તિ કરી લીધી નથી તો અમો ખાલી હાથે જ અહીંથી ચાલ્યા જઇશું.

આજનો માનવી જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાને જાણતો હોવા છતાં તેનાથી અજાણ બનેલો રહે છે.તે અહર્નિશ આ સંસારરૂપી બજારના યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના સંસારના આકર્ષણોમાં એવો ફસાઇ જાય છે કેઃપ્રભુ પરમાત્માએ આપેલ આ ભાડાના મકાન (શરીર) ને જ સર્વસ્વ સમજી બેસે છે અને તેને જ સજાવવા સંવારવામાં જ પ્રભુની આ અનુ૫મ ભેટ માનવજીવનને છોડીને દુનિયામાંથી વિદાય થઇ જાય છે.

મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિર સંવાદમાં યક્ષ પ્રશ્ન કરે છે કે કિમ આશ્ચર્યમ્..? તેનો જવાબ આપતાં યુધિષ્ઠિષર કહે છે કે દરરોજ લાખો વ્યક્તિઓ મૃત્યુને પ્રાપ્ત થાય છે પરંતુ જે બાકી રહે છે તેઓ એમ વિચારે છે કે અમો સંસાર છોડીને જવાના જ નથી..! આનાથી મોટું આશ્ચર્ય કયું હોઇ શકે..?

તમામ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે.સંસારના તમામ કાર્યોનું શુભ મુર્હુત કાઢી શકીએ છીએ પરંતુ અહીથી જવાનું મુર્હુત કાઢી શકાતું નથી.સંસારના મહાન કવિઓ દાર્શનિકો તત્વવેત્તાઓ વગેરે તમામે અલગ અલગ દ્રષ્ટ્રિ કોણ રજૂ કરીને એમ માન્યું છે કે સંસાર સતત ગતિશીલ છે,પરીવર્તનશીલ છે.પ્રતિક્ષણ સંયોગ વિયોગાત્મક છે એટલે કે અમારે અંતને ના ભુલવો જોઇએ.અમારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જીવન ક્ષણભંગુર છે તેથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં ધ્યાન જોડવું જોઇએ તથા નિર્લિપ્ત  જીવન જીવવું જોઇએ.

પરમાત્માનો જ અંશ હોવાના કારણે જીવનો એકમાત્ર સબંધ પરમાત્મા સાથે છે.સંસાર સાથે તો તેણે ભૂલથી પોતાનો સબંધ માન્યો છે,વાસ્તવમાં છે નહી.વિવેક દ્વારા આ ભૂલને દૂર કરીને એટલે કે સંસાર સાથે માનેલા સબંધનો ત્યાગ કરીને એકમાત્ર પોતાના અંશી પરમાત્મા સાથે પોતાની સ્વતઃ સિદ્ધ અભિન્નતાનો અનુભવ કરવાવાળો જ સંસારવૃક્ષના યથાર્થ તત્વને જાણવાવાળો છે અને તેને જ ભગવાન અહી વેદવિત્ કહે છે.

ગીતામૃતમ્

જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૨નું ચિંતન કરીશું.

ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૨)માં સંસારવૃક્ષનું અવયવો સહિત વર્ણન કરતાં કહે છે કે

અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ

અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે

(તસ્ય-તે સંસારવૃક્ષની, ગુણપ્રવૃદ્ધા-ગુણો સત્વ-રજ અને તમ દ્વારા ફેલાયેલી તથા, વિષયપ્રવાલાઃ-વિષયોરૂપી કૂંપળોવાળી, શાખાઃ-શાખાઓ, અધઃ-નીચે, -મધ્યમાં અને, ઉધ્વમ્-ઉપર બધી બાજુ, પ્રસૃતાઃ-ફેલાયેલી છે, મનુષ્યલોકે-મનુષ્યલોકમાં, કર્માનુબન્ધીનિ-કર્માનુસાર બાંધનારાં, મૂલાનિ-મૂળિયાં પણ,અધઃ-નીચે, -અને ઉપર, અનુસંતતાનિ-બધા લોકમાં ફેલાયેલાં છે.)

તે સંસારવૃક્ષની ગુણો સત્વ-રજ અને તમ દ્વારા ફેલાયેલી તથા વિષયોરૂપી કૂંપળોવાળી શાખાઓ નીચે-મધ્યમાં અને ઉપર બધી બાજુ ફેલાયેલી છે,મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારાં મૂળિયાં પણ નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલાં છે.(ગીતાઃ૧૫/૨)

ઉધ્વમૂલ ૫રમાત્માની નીચે સંસારવૃક્ષની શાખાઓ નીચે-મધ્ય અને ઉ૫ર સર્વત્ર ફેલાયેલી છે એમાં મનુષ્ય યોનિરૂપી શાખા જ મૂળ છે કારણ કે મનુષ્યયોનિમાં નવીન કર્મો કરવાનો અધિકાર છે.અન્ય શાખાઓ ભોગ યોનિઓ છે,જેઓમાં ફક્ત પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવાનો જ અધિકાર છે.આ મનુષ્યો યોનિરૂપી મૂળ શાખાથી મનુષ્ય નીચે (અધોલોક) તથા ઉ૫ર (ઉધ્વલોક) બન્ને બાજુ જઇ શકે છે અને સંસારવૃક્ષનું છેદન કરીને સૌથી ઉધ્વ ૫રમાત્મા સુધી ૫ણ જઇ શકે છે એટલા માટે તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ

નરક સ્વર્ગ અપવર્ગ નિસેની,ગ્યાન બિરાગ ભગતિ શુભ દેની..(રામાયણઃ૭/૧૨૦/૫)

મનુષ્‍ય શરીર નરક-સ્વર્ગ અને મોક્ષની નિસરણી અને કલ્યાણકારી જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ આપનાર છે.

સંસારવૃ્ક્ષની મુખ્ય શાખા બ્રહ્મા છે.બ્રહ્માથી તમામ દેવ-મનુષ્‍ય વગેરે યોનિઓની ઉત્પત્તિ અને વિસ્તાર થયો છે એટલા માટે બ્રહ્મલોકથી પાતાળ સુધી જેટલા ૫ણ લોક છે તેમાં રહેવાવાળા દેવ,મનુષ્‍ય, કીટ વગેરે પ્રાણીઓ છે તે તમામ સંસારવૃક્ષની શાખાઓ છે.આપણે ચૌદ લોક માનીએ છીએ.ભુ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ અને સત્ય-આ સાત લોક ઉપરના છે અને અતલ,વિતલ,સુતલ,તરાતલ,મહાતલ,રસાતલ અને પાતાલ-આ સાત નીચેના લોક છે.આ ઉપર-નીચેની શાખાઓ થઇ,તેમાં મધ્યમાં ભૂર્લોક છે જે મનુષ્ય લોક કહેવાય છે.

આ બધી શાખાઓ ત્રણ ગુણોથી (સત્વ-રજ-તમ) વધેલી છે.જેવી રીતે જળ સિંચવાથી વૃક્ષની શાખાઓ વધે છે તેવી જ રીતે ગુણરૂપી જળના સંગથી આ સંસારવૃક્ષની શાખાઓ વધે છે.આ ગુણોનો સંગ રહેતાં સંસાર સાથેનો સબંધ વિચ્છેદ થઇ શકતો નથી.

જેવી રીતે શાખાથી નીકળવાવાળા નવા કોમળ પાંદડાના ડીંટાથી લઇને પાંદડાના અગ્રભાગ સુધીને કૂંપળ કહેવામાં આવે છે,તેવી જ રીતે ગુણોની વૃત્તિઓથી લઇને દ્રશ્ય પદાર્થમાત્રને અહી વિષયપ્રવાલાઃ કહેવામાં આવ્યું છે.વિષય એટલે ભોગપદાર્થો.શબ્દ,સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-આ વિષયો છે.જીવમાત્ર આમાંના કોઇને કોઇ વિષયની અપેક્ષા રાખતો હોય છે.જે લોકો વિષયવિરોધી છે અને સતત વિષય ત્યાગનો ઉપદેશ આપ્યા કરે છે તે નથી જાણતા કે વિષય ના હોય તો જીવન જ ના હોય,માનો કે આ પાંચેય વિષયોનું અસ્તિત્વ જ ના હોય તો જીવન ક્યાં રહ્યું? તમને કશું સંભળાતું ના હોય,કશો સ્પર્શ અનુભવાતો ના હોય, કશું દેખાતું ના હોય, કોઇ રસ અનુભવાતો ના હોય, કોઇ ગંધ અનુભવાતી ના હોય તો જીવન ક્યાં રહ્યું? જડમાં અને તમારામાં કશો ફરક ના રહે,એટલે વિષયત્યાગ નહી પરંતુ વિષયોનો વિવેકપૂર્વક-સંયમપૂર્વક સ્વીકાર કરવો એ જ જીવન કહેવાય.વિષયત્યાગ એ અંતિમવાદ છે.અતિવિષયભોગ એ બીજા છેડાનો અંતિમવાદ છે.આ બંન્ને છેડા હાનિકારક છે.વિવેકપૂર્વક યથાયોગ્ય વિષયોનો સ્વીકાર એ જીવન છે.એ ભોગ જ યોગ થઇ જાય છે કારણ કે તે વિષયપ્રવાલા છે એટલે કે વિષયોથી પોષિતવર્ધિત પણ છે.

આ સંસારવૃક્ષમાં વિષય-ચિન્તન જ કૂંપળો છે.વિષય ચિન્તન ત્રણ ગુણોથી થાય છે.વિષય ચિન્તન કરતા રહીને મનુષ્‍યનો સંસાર સાથે સબંધ વિચ્છેદ થઇ શકતો નથી.વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ પેદા થઇ જાય છે, આસક્તિથી કામના પેદા થાય છે, કામનાથી ક્રોધ પેદા થાય છે, ક્રોધથી સંમોહ (મૂઢભાવ) થઇ જાય છે, સંમોહથી સ્મૃતિ ભ્રષ્‍ટ થઇ જાય છે, સ્મૃતિ ભ્રષ્‍ટ થઇ જવાથી બુધ્ધિનો નાશ થઇ જાય છે, બુધ્ધિનો નાશ થવાથી મનુષ્‍યનું ૫તન થઇ જાય છે.(ગીતાઃ૨/૬૨-૬૩)

અંતકાળમાં મનુષ્ય  જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્ત થાય છે.આને જ વિષયરૂપી કૂં૫ળોનું ફુંટવું કહે છે.કૂં૫ળોની જેમ વિષયો ૫ણ દેખાવમાં ખુબ જ સુંદર પ્રતિત થાય છે,જેથી મનુષ્ય તેમાં આકર્ષિત થઇ જાય છે.પોતાના વિવેકથી ૫રીણામ ૫ર વિચાર કરી તેમને ક્ષણભંગુર નાશવાન અને દુઃખરૂ૫ જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ.વિષયોમાં સૌદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે પરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી.(વિવેક ચૂડામણીઃ૭૯)

જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગયોનિઓ છે.મનુષ્‍યયોનિમાં કરેલા પા૫-પુણ્ય ભોગવવા માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્ય કરવાનો અથવા પા૫-પુણ્યથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.

હું શરીર છું એવું માનવું એ તાદાત્મય છે.શરીર વગેરે ૫દાર્થોને પોતાના માનવા એ મમતા છે. પૂત્રેષ્‍ણા-વિત્તેષણા અને લોકેષ્‍ણા..આ ત્રણ પ્રકારની મુખ્ય કામનાઓ છે.પુત્ર-૫રીવારની કામના પૂત્રેષ્‍ણા અને ધન સંપત્તિની કામના વિત્તેષ્‍ણા છે.સંસારમાં મારાં માન-આદર થઇ જાય.હું જીવતો રહું, શરીર નિરોગી રહે, હું શાસ્ત્રોનો પંડિત બની જાઊં વગેરે અનેક કામનાઓ લોકેષ્‍ણા છે.જો કે કામનાઓ બધી યોનિઓમાં ન્યૂનાધિકરૂપે રહે છે તો ૫ણ તે મનુષ્‍ય યોનિમાં બાંધવાવાળી થાય છે.જ્યારે કામનાઓથી પ્રેરીત થઇને મનુષ્‍ય કર્મ કરે છે ત્યારે તે કર્મોના સંસ્કાર તેના અંતઃકરણમાં સંચિત થઇને ભાવિ જન્મમરણનાં કારણ બની જાય છે.મનુષ્‍ય યોનિમાં કરેલા કર્મોનું ફળ આ જન્મમાં તથા મર્યા ૫છી ૫ણ અવશ્ય ભોગવવું ૫ડે છે. આમ તાદાત્મય-મમતા અને કામના રહેતાં કર્મો સાથેનો સબંધ છૂટતો નથી.સ્વરૂ૫બોધની કામના તથા સેવા કરવાની કામના-આ ત્રણ ઇચ્છાઓ બાંધવાવાળી ન હોવાથી કામના કહેવાતી નથી.મનુષ્‍યયોનિમાં જ જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે.આથી મનુષ્‍યયોનિમાં તે મુક્ત થઇ શકે છે.

ભોગોના પરીણામ ઉપર દ્રષ્ટિ રાખવાની યોગ્યતા પણ મનુષ્યશરીરમાં જ છે.પરીણામ પર દ્રષ્ટિ ન રાખીને ભોગ ભોગવવાવાળા મનુષ્યને પશુ કહેવું એ પણ માનો કે પશુયોનિની નિંદા જ કરવા જેવું છે કેમકે પશુ તો પોતાનું કર્મફળ ભોગવીને મનુષ્યયોનિ તરફ આવી રહ્યું છે પરંતુ આ મનુષ્ય તો નિષિદ્ધ ભોગ ભોગવીને પશુયોનિ તરફ જ જઇ રહ્યો છે.

ગીતામૃતમ્

સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના સુગમ ઉપાય

અત્યારે અધિકમાસ-પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૩નું ચિંતન કરીશું.અગાઉના શ્ર્લોકમાજે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું પ્રયોજન શું છે? તે બતાવતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૩)માં કહે છે કે

ન રૂપમસ્યેહ તથોપલભ્યતે

નાન્તો ન ચાદિર્ન ચ સંમ્પ્રતિષ્ઠા

અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ્

અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા..

(અસ્ય-આ સંસારવૃક્ષનું જેવું, રૂપમ્-રૂપ જોવામાં આવે છે, તથા-તેવું, ઇહ-અહી વિચારકાળમાં, ન ઉપલભ્યતે-જોવા મળતું નથી કેમકે આનો, -નથી તો, આદિઃ-આદિ છે, -ન, અંતઃ-અંત છે, -તેમજ, -ન તેની, સમ્પ્રતિષ્ઠા-સ્થિતિ જ છે, -તે માટે, અતઃ-માટે, એનમ્-આ, સુવિરૂઢમૂલમ્-દ્રઢ મૂળવાળા, અશ્વત્થમ્-સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને, દ્રઢેન-દ્રઢ, અસંગશસ્ત્રેણ-વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે, છિત્વા-કાપીને)

આ સંસારવૃક્ષનું સ્વરૂ૫ જેવું કહ્યું છે તેવું અહી વિચારકાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત..! તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલાં મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપીને.(ગીતાઃ૧૫/૩)

ગીતાનો પંદરમો અધ્યાય ગીતાજીનું મસ્તિષ્ક છે.આ અધ્યાયમાં દાર્શનિક બાબતે મહત્વની સ્પષ્ટતા કરી છે.જો આ એક જ અધ્યાયને જિજ્ઞાસુ સારી રીતે સમજે તો ઘણી ગૂંચો દૂર થઈ શકે તેમ છે.આ વૃક્ષનું સાચું રૂપ અહીં ઉપલબ્ધ થતું નથી કારણ કે તેનો આદિ અને અંત દેખાતો નથી.તેનો પાયો પણ દેખાતો નથી એવું આ અશ્વત્થ નામનું વૃક્ષ જેનાં મૂળ બહુ જ દ્રઢ મજબૂત છે.જો તેને કાપી નાખવું હોય તો અસંગ-અનાસક્તિ નામના એક જ શસ્ત્રથી કાપી શકાય છે.

જેનો આદિ અને અંત ન હોય તે અનાદિ હોય.જે અનાદિ હોય તેનો પાયો ન હોય.પાયો હોય ત્યાંથી શરૂઆત થઈ કહેવાય.આ વૃક્ષની શરૂઆત નથી.તે વિસ્તરી રહ્યું છે અને વિસ્તરતું ચાલ્યું આવે છે.જેને એવું લાગે કે આ વૃક્ષ ઉપર હવે રહેવું નથી.હવે આમાંથી છૂટવું છે કારણ કે આ વૃક્ષ ઉપર સુખ-દુ:ખના દ્વન્દ્વ રહેલા છે.તેમાં સુખ થોડું અને દુ:ખ વધારે છે.તેમાંથી છૂટવું છે તેનો ઉપાય બતાવે છે.અસંગ નામના શસ્ત્રથી આ વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખવાનું.અસંગ એટલે અનાસક્તિ, નિર્મોહીભાવ. આ વૃક્ષને પકડી રાખનારું તત્વ મોહ-આસક્તિ છે.તે ન હોય તો આ વૃક્ષ નથી અર્થાત્ કપાઈ જાય.અસંગ કોની સાથે કરવાનો? જેના સંગથી મોહ ઊપજે, બંધન દ્રઢ થાય તે બધી વસ્તુઓ પ્રત્યે અસંગ રાખવાનો. અસંગ એક શસ્ત્ર છે તેના દ્વારા આ અશ્વત્થ વૃક્ષને કાપી નાંખીને પછી પરમેશ્વરના ધામની શોધમાં નીકળી પડવાનું છે.

સકામ અનુષ્ઠાનથી લોક-પરલોકમાં વિશાળ ભોગો મળશે..! આવી વાતો સાંભળીને મનુષ્ય આ લોક તથા સ્વર્ગલોકમાં સુખ રમણીયતા અને સ્થાઇપણું માલૂમ ૫ડે છે.આથી અજ્ઞાની મનુષ્યો કામ અને ભોગોને ૫રાયણ થાય છે આનાથી વધીને કોઇ સુખ નથી.આવો તેમનો નિશ્ચય થઇ જાય છે.જ્યાં સુધી સંસાર સાથે તાદાત્મય મમતા અને કામનાનો સબંધ છે ત્યાં સુધી એવું પ્રતિત થાય છે પરંતુ ભગવાન કહે છે કે વિવેકવંતી બુધ્ધિથી સંસારથી અલગ થઇને સંસારથી સબંધ વિચ્છેદ કરીને દેખવાથી જેવું રૂ૫ આપણે અત્યારે માની રાખ્યું છે તેવું ઉ૫લબ્ધ થતું નથી એટલે કે એ નાશવાન અને દુઃખરૂ૫ પ્રતિત થાય છે.આ સુખ અને આનંદમાં ફરક છે.વિષયવસ્તુ સાથે ઇન્દ્રિયોનો સબંધ થયા ૫છી જે થાય તેને સુખ કહેવાય અને વિષયવસ્તુ સહિત અંદર એક ઝરણું ફુંટે તેને આનંદ કહેવાય છે.

કોઇપણ વસ્તુના આદિ-મધ્ય અને અંતનું જ્ઞાન બે પ્રકારનું હોય છેઃસ્થુળકૃત અને કાળકૃત.આ સંસારનો આરંભ ક્યાંથી થાય છે,મધ્ય ક્યાં છે અને અંત ક્યાં થાય છે? આ રીતે સંસારના સ્થળકૃત આદિ-મધ્ય અને અંતનો પત્તો નથી અને ક્યાંથી આરંભ થયો અને ક્યાં સુધી રહેશે અને ક્યાં તેનો અંત થશે? આ રીતે સંસારના કાળકૃત આદિ-મધ્ય અને અંતનો ૫ણ પત્તો નથી.

વાસ્તવમાં સંસારની સ્વતંત્ર સત્તા (સ્થિતિ) છે જ નહી,ફક્ત ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ માત્ર છે. સંસારનો આ ઉત્પત્તિ વિનાશનો પ્રવાહ જ સ્થિતિ રૂપે પ્રતિત થાય છે,જેનું સ્વરૂ૫ એક ક્ષણ ૫ણ સ્થાયી ન રહેતું હોય એવા સંસારની પ્રતિષ્‍ઠા (સ્થિતિ) કેવી..? સંસાર સાથે પોતાનો માની લીધેલો સબંધ છોડતાં જ તેનો પોતાના માટે અંત થઇ જાય છે અને પોતાના વાસ્તવિક સ્વરૂ૫ ૫રમાત્મામાં સ્થિત થઇ જાય છે.સંસારથી સબંધ વિચ્છેદ કરવાનો સુગમ ઉપાય છે.સંસારથી પ્રાપ્‍ત (મન બુધ્ધિ ઇન્દ્રિયો શરીર ધન વગેરે) તમામ સામગ્રીને પોતાની અને પોતાના માટેની ના માનીને તેને સંસારની સેવામાં લગાવી દેવી. વ્યક્તિ પદાર્થ ક્રિયા વગેરેમાં રાગ અને મમતા હોવાથી સાંસારીક બંધન વધુને વધુ દ્રઢ થતું જાય છે.જે ૫દાર્થ અને વ્યક્તિઓમાં રાગ અને મમતાનો ઘનિષ્‍ઠ સબંધ થઇ જાય છે તેમને મનુષ્‍ય પોતાનું સ્વરૂ૫ માનવા લાગી જાય છે.આ સંસાર વૃક્ષના મૂળ બહુ જ દ્રઢ છે છતાં ૫ણ તેમને દ્રઢ અસંગતારૂપી શસ્ત્ર દ્વારા કાપી શકાય છે.કોઇ૫ણ સ્થાન વ્યક્તિ વસ્તુ ૫રીસ્થિતિ વગેરે પ્રત્યે મનમાં આકર્ષણ, સુખ બુધ્ધિનું થવું અને એમના સબંધથી પોતાની જાતને મોટા અને સુખી માનવું.૫દાર્થોના પ્રાપ્‍ત થતાં પ્રસન્ન થવું આ જ સંગ કહેવાય છે.એમનું ના હોવું એ જ અસંગતા એટલે કે વૈરાગ્ય છે.વૈરાગ્ય અનેક પ્રકારના છે.

૫હેલો વૈરાગ્યઃ તન-મન-ધન વગેરેથી વૈરાગ્ય થાય છે.આનો સ્વરૂ૫થી ત્યાગ કરી દેવા છતાં ૫ણ મનમાં તેનું મહત્વ બનેલું હોય તો વાસ્તવમાં આ વૈરાગ્ય નથી.અંતઃકરણમાં જડ ૫દાર્થોનું સહેજપણ મહત્વ અને આકર્ષણ ના રહે આ જ વૈરાગ્ય છે.

બીજો સ્મશાન વૈરાગ્યઃ કોઇના મૃત્યુના સમયે માણસ તેને ૫હોચાડવા સ્મશાનમાં જાય છે ત્યારે તેને એમ લાગે છે કે મરનાર ગયો તેમ હું ૫ણ એક દિવસ જવાનો છું.આ બધું ખોટું છે.આવી રીતે માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે પરંતુ સ્મશાનમાં હોય ત્યાં સુધી જ આ વૈરાગ્ય ટકે છે.સ્મશાન વૈરાગ્ય, નૈવેધ વૈરાગ્ય, પ્રસૃતા વૈરાગ્ય આ બધા કામ ચલાઉ વૈરાગ્ય છે પરંતુ જીવનમાં જ્ઞાનગર્ભ દ્રઢ વેરાગ્ય આવવો જોઇએ.જો શરીર સાથે સબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સબંધ ચાલુ રહે છે કેમ કે શરીર સંસારનું જ બીજ અથવા અંગ છે.શરીર સાથે તાદાત્મય ન રહેવું એને જ વૈરાગ્ય કહે છે.

જ્યારે મનુષ્ય પોતે એવો અનુભવ કરી લે છે કે હું શરીર નથી, શરીર મારૂં નથી ત્યારે કામના- મમતા અને તાદાત્મય ત્રણેય દૂર થાય છે.આ જ વાસ્તવિક વૈરાગ્ય છે.જેના અંતઃકરણમાં તમામ વાસનાઓનો નાશ થઇ જાય છે.સહુંનું કલ્યાણ થાવ, સહું સુખી થાવ, સૌ નિરોગી થાવ, ક્યારેય કોઇને સહેજ પણ દુઃખ ન થાવ-આ ભાવનું રહેવું તેને જ દ્રઢ વૈરાગ્ય લક્ષણ કહે છે.

સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના કેટલાક સુગમ ઉપાયઃ

કંઇ૫ણ લેવાની ઇચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રી મન,બુદ્ધિ,ઇન્દ્રિયો, શરીર, ધન, સંપત્તિ વગેરેને પોતાની અને પોતાને માટેની ન માનતા રહીને તેને સંસારની સેવામાં જ લગાવી દેવી, સાંસારીક સુખ (ભોગ અને સંગ્રહ)ની કામનાનો સર્વથા ત્યાગ કરી દેવો, હું ભગવાનનો છું, ભગવાન મારા છે..આ વાસ્તવિકતાને દ્રઢતાથી વળગી રહેવું, શરીર સંસારથી હું અને મારાપણાને બિલ્કુલ હટાવી લેવું, મારે એક ૫રમાત્માની તરફ ચાલવું છે એવો દ્રઢ નિશ્ચય કરવો, શાસ્ત્ર વિહિત પોત પોતાનાં કર્તવ્ય કર્મો (સ્વધર્મ) નું તત્પરતાપૂર્વક પાલન કરવું, બાળ૫ણમાં શરીર પદાર્થ ૫રિસ્થિતિ વિધા સામર્થય વગેરે જેવાં હતાં તેવાં અત્યારે નથી એટલે કે તે તમામ બદલાઇ ગયાં પરંતુ હું પોતે તે જ છું બદલાયો નથી.પોતાના આ અનુભવને મહત્વ આપવું, સંસાર સાથે માનેલા સબંધનો સત્તાભાવ દૂર કરવો.

સંસાર રાગના કારણે જ દેખાય છે.જે વસ્તુમાં રાગ હોય છે તે વસ્તુની સત્તા અને મહત્તા દેખાય છે. જો રાગ ના હોય તો સંસારની સત્તા દેખાવા છતાં મહત્તા રહેતી નથી.તેથી પોતાના અંતઃકરણમાં પરમાત્મા સિવાય અન્ય કોઇ સાથે સબંધ ના રાખવો.સબંધ વિચ્છેદ કરવાથી સંસારનો અભાવ થઇ જાય છે અને તે ભગવદરૂપે દેખાવા લાગે છે.

ગીતામૃતમ્

સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ?

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ? તેનું વિવેચન કરતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૪)માં કહે છે કે

તતઃપદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ

તમેવ ચાદ્યં પુરૂષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી.

(તતઃ-તે પછી, તત્-તે, પદમ્-પરમપદ સ્વરૂપ પરમેશ્વરને, તત્પરિમાર્ગિતવ્યં-શોધવા જોઇએ, યસ્મિન્-જેને, ગતાઃ-પામી ચુકેલા માણસો, ભૂયઃ-ફરી, ન નિવર્તન્તિ-પાછા વળીને સંસારમાં આવતા નથી, -અને, યતઃ-જેનાથી, પુરાણી-અનાદિકાળથી ચાલી આવતી, પ્રવૃત્તિઃ-આ સૃષ્ટિ, પ્રસૃતા-વિસ્તાર પામી છે, તમ્-તે, આદ્યમ્-આદિ, પુરૂષમ્-પુરૂષ પરમાત્માને, એવ-જ, પ્રપદ્યે-હું શરણે છું.)

  તેના ૫છી ૫રમપદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઇએ.જેને પામી ચુકેલા મનુષ્યો ફરીથી પાછા વળીને સંસારમાં આવતા નથી અને જેનાથી અનાદિકાળથી ચાલતી આવતી આ સૃષ્ટિ વિસ્તારને પ્રાપ્ત થઇ છે એ આદિ પુરૂષ ૫રમાત્માને જ હું શરણે છું.(૧૫/૪)

૫રમાત્માની ખોજ કરતાં ૫હેલાં સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવો બહુ જ આવશ્યક છે કારણ કે ૫રમાત્મા તો તમામ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જેમ છે તેમ વિધમાન છે.ફક્ત સંસાર સાથે સબંધ માનવાના કારણે જ નિત્ય પ્રાપ્ત ૫રમાત્માના અનુભવમાં વિઘ્ન આવી રહેલ છે.સંસાર સાથે સબંધ ચાલુ રહેવાથી ૫રમાત્માની ખોજ કરવામાં ઢીલાશ આવે છે અને સેવા-સુમિરણ-સત્સંગ વગેરે સર્વ કંઇ કરવા છતાં ૫ણ વિશેષ લાભ દેખાતો નથી.

જીવ ૫રમાત્માનો અંશ છે.સંસાર સાથે સબંધ માની લેવાના કારણે જ પોતાના અંશી ૫રમાત્માના સબંધને ભુલી ગયો છે.શરીર સંસાર સાથે મારો કોઇ સબંધ નથી-આ તત્વનો અનુભવ કરવો એ જ સંસારવૃક્ષનું છેદન કરવું છે અને હું ૫રમાત્માનો અંશ છું-આ વાસ્તવિકતામાં હર હંમેશાં સ્થિત રહેવું એ જ ૫રમાત્માની ખોજ કરવી છે.સંસારને પોતાનો માનવાથી નિત્ય પ્રાપ્ત પરમાત્મા અપ્રાપ્ત દેખાવા લાગી જાય છે અને અપ્રાપ્ત સંસાર પ્રાપ્ત દેખાવા લાગી જાય છે.ખોજ એની થાય છે જેનું અસ્તિત્વ પહેલાંથી જ હોય છે.પરમાત્મા અનાદિ અને સર્વત્ર પરીપૂર્ણ છે.આથી અહી ખોજ કરવાનો મતલબ એ નથી કે કોઇ સાધન વિશેષ દ્વારા એ પરમાત્માને ખોળવાના છે.જે સંસાર શરીર,પરીવાર,ધન વગેરે ક્યારેય પોતાનાં હતાં નહી,છે નહી અને થશે નહી તમનો આશ્રય ન લઇને જે પરમાત્મા સદાયથી પોતાના છે,પોતાનામાં છે અને અત્યારેય છે એમનો આશ્રય લેવો એ જ એમની ખોજ છે.

ભક્તોએ સાધન,ભજન,સેવા,સુમિરણ,સત્સંગ કરવાં એ તો બહુ આવશ્યક છે કેમકે એના જેવું કોઇ ઉત્તમ કામ નથી પરંતુ પરમાતત્વને સાધન,ભજન,સેવા,સુમિરણ,સત્સંગના દ્વારા પ્રાપ્ત કરી લઇશું-એવું માનવું ઠીક નથી કેમકે એવું માનવાથી અભિમાન વધે છે,જે પરમાત્માપ્રાપ્તિમાં બાધક છે.પરમાત્મા કૃપાથી મળે છે,એમને કોઇ સાધનથી ખરીદી શકાતા નથી.આ બધાં સાધનથી સંસાર સાથે તાદાત્મ્ય,મમતા અને કામનાનો સબંધનો નાશ થાય છે,જે પોતાના દ્વારા જ કરાયેલું છે.

આ ખોજ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત (સદગુરૂ) વિના સંભવ નથી એટલે જ સદગુરૂ નિરંકારી બાબાએ પોતાના પ્રસિધ્ધ ગ્રંથ "અવતારવાણી-૨૯૯" માં કહ્યું છે કે..

જે ઇશ્વર સાથે મિલાવે એ સદગુરૂ પુરા છે,

જીવનને શાંત બનાવે એ સદગુરૂ પુરા છે,

જે ઘરમાંહી ઘર બતાવે એ સદગુરૂ પુરા છે,

સદગુરૂ પુરાની એ જ નિશાની,૫લમાં દેખાડે અંગસંગ રામ,

કહે અવતાર એ બ્રહ્મજ્ઞાની છે જે દેખાડે બ્રહ્મનું ધામ..

જેવી રીતે જળનું બિન્દું સમુદ્રમાં ભળી ગયા ૫છી ફરીથી સમુદ્રથી અલગ થઇ શકતું નથી એવી જ રીતે ૫રમાત્માનો અંશ જીવાત્મા ૫રમાત્માને પ્રાપ્ત થયા ૫છી ફરીથી ૫રમાત્માથી અલગ થઇ શકતો નથી એટલે કે ફરીથી પાછો વળીને સંસારમાં આવતો નથી.ઉંચ-નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ પ્રકૃતિ અથવા તેના કાર્ય ગુણોનો સંગ જ છે.આથી સાધક જ્યારે અસંગશસ્ત્ર દ્વારા ગુણોના સંગનું સર્વથા છેદન કરી દે છે ત્યારે તેનો ફરીથી ક્યાંય જન્મ લેવાનો પ્રશ્ન જ પેદા થતો નથી.

સકળ સૃષ્ટિના રચિયતા એક પરમાત્મા જ છે,તેઓ જ આ સંસારના આશ્રય અને પ્રકાશક છે.મનુષ્ય ભ્રમવશ સાંસારીક પદાર્થોમાં સુખોને જોઇને સંસાર તરફ આકર્ષિત થઇ જાય છે અને સંસારના રચિયતા પરમાત્માને ભૂલી જાય છે અને સંસારમાં ફસાઇ જાય છે.સાધકને જ્યારે જાણ થઇ જાય છે કે પરમાત્માથી શ્રેષ્ઠ કંઇપણ નથી અને એમની પ્રાપ્તિમાં એવો આનંદ છે જ્યાં સંસારનાં બધાં સુખો ફિક્કા પડી જાય છે ત્યારે તે પરમાત્માને જ પ્રાપ્ત કરવા માટે તત્પરતાથી લાગી જાય છે.

જેનો કોઇ આદિ નથી પરંતુ જે બધાનો આદિ છે તે આદિ પુરૂષ ૫રમાત્માનો જ આશ્રય ટકવાવાળો છે માટે ૫રમાત્મા સાથે પોતાના વાસ્તવિક સબંધને ઓળખીને એક માત્ર ૫રમાત્માને શરણે થઇ જવું જોઇએ.તારી રચનાનો અને વિસ્તારનો અંત નથી, આદિ તારો ના નિરખાતો અનાદિનો ૫ણ અંત નથી, કરે કૃપા જો સ્વંયમ્ કૃપાળુ, સ્વંયમનું રૂ૫ બતાવે છે, અવતાર ગુરૂ મળે જો પુરા ક્ષણમાં રામ બતાવે છે.

આપણા અંતઃકરણમાં એક દ્રઢ ધારણા રહેલી હોય છે કે જેવી રીતે પ્રયત્ન કરવાથી સંસારના પદાર્થો પ્રાપ્ત થાય છે એવી જ રીતે સાધન કરતાં કરતાં અંતઃકરણ શુદ્ધ થતાં જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે પણ આવી વાત નથી કેમકે પરમાત્માની પ્રાપ્તિ કોઇપણ કર્મ જેવાં કે સાધના-તપસ્યા વગેરેનું ફળ નથી.સંસાર અને શરીર સાથે સબંધ વિચ્છેદ થતાં જ જે તત્વ સર્વત્ર છે,સદા છે,નિત્ય પ્રાપ્ત છે તેની અનુભૂતિ થઇ જાય છે,તેની સ્મૃતિ જાગૃત થઇ જાય છે.

ગીતા ભલે યુદ્ધનો ગ્રંથ હોય તો પણ તેનો પ્રાણ તો મોક્ષ જ છે એટલે તે વારંવાર પરમપદ, પુનઃ જન્મનો અભાવ, નિર્વાણ, મોક્ષ, પરમધામ વગેરેની વાતો કરે છે.આ શ્ર્લોકમાં પણ પુનરાવર્તન ન થાય તેવા પદની વાત કરે છે.આ સંસારરૂપી વૃક્ષ બે પ્રકારનું છે:એક ઈશ્વરરચિત અને બીજું જીવરચિત.જે ઈશ્વરરચિત છે તેને છેદી ન શકાય.તેને છેદવાની જરૂર પણ નથી.ઈશ્વરરચિત જગત લોકોને બહુ નડતું નથી.જીવને નડે છે પોતાનું રચેલું જગત.જીવાત્માએ રચેલા જગતનું મૂળ મોહ છે.મોહમાંથી વિશાળ વૃક્ષ પેદા થાય છે.

એક ઉદાહરણ પર્યાપ્ત થશે.ઈશ્વરે સ્ત્રી રચી.મનુષ્યે તેમાં કામિની,ભામિની,સુંદરીની રચના કરી. મનુષ્યે તેમાં પત્ની, માતા, બહેન વગેરેની રચના કરી.આ માનવીય સૃષ્ટિ થઈ.આવું જ પિતા-ભ્રાતા-બંધુ, શત્રુ-મિત્ર વગેરેની રચના કરી.માનવીય જગત સંબંધ આધારિત છે.સંબંધોનું જગત વધુ સુખદુઃખ આપે છે. તેમાંથી મુક્ત થવાથી મોક્ષ-નિર્વાણ પ્રાપ્ત થાય છે.આ જીવસંસાર છે.આ અશ્વત્થને અસંગ શસ્ત્રથી છેદી નાખીને પછી પેલું પૂર્ણ પુરૂષોત્તમ ભગવાનનું પદ શોધવાનું છે.

સંસાર છુટવાની વસ્તુ છે,ભળવાની વસ્તુ નથી.ભળવાથી બંધનો અને દુઃખો પ્રાપ્ત થાય છે-તેવું સમજીને તેમાંથી છુંટવું,મુક્ત થવું તે પ્રભુપદ-નિર્વાણપદ કહેવાય છે.ગીતા આવા પદની વાત કરે છે,પછી તે પદની શોધ કરવી અને સાધના કરવી.તે પદની પ્રાપ્તિ કર્યા પછી ફરી પાછા આ સંસારચક્રમાં આવવાનું થતું નથી.જ્યાં જીવાત્મા જવાનો છે તે આદિપુરૂષ પૂર્ણ પુરૂષોત્તમ છે.આ પુરૂષોત્તમથી જ બધી સૃષ્ટિની જુની રચનાઓ થયા કરે છે,એવા પૂર્ણ પુરૂષોત્તમને શોધવા નીકળી પડો,આ પરમપદ છે.

ગીતામૃતમ્

જેને ૫રમપદની પ્રાપ્તિ થઇ છે તેનાં લક્ષણો કેવાં હોય છે?

જે મહાપુરૂષોને આદિ પુરૂષ ૫રમાત્માના શરણે જઇને ૫રમપદની પ્રાપ્તિ થઇ છે તેઓનાં લક્ષણોનું વર્ણન કરતાં ભગવાન ગીતા(૧૫/૫)માં કહે છે કેઃ

નિર્માનમોહા જીતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃતકામાઃ

દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈર્ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્..

(નિર્માનમોહા-જેમનાં માન અને મોહ નષ્ટ થઇ ચુક્યાં છે, જીતસંગ દોષા-જેમને આસક્તિરૂપ દોષોને જીતી લીધા છે, અધ્યાત્મનિત્યા-જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, વિનિવૃતકામાઃ-જેમની પોતાની દ્રષ્ટિથી સંપૂર્ણ કામનાઓનો નાશ પામી ચુકી છે, સુખદુઃખસંજ્ઞૈ-સુખ-દુઃખરૂપી, દ્વન્દ્વૈ-દ્વંન્દ્વોથી, વિમુક્તાઃ મુક્ત થઇ ગયા છે એવા, અમૂઢાઃ-ઉંચી સ્થિતિવાળા મોહરહિત સાધક,ભક્તો, તત્-તે,અવ્યયમ્-અવિનાશી, પદમ્-પરમપદ પરમાત્માને, ગચ્છન્તિ-પ્રાપ્ત થાય છે.)

જેમનાં માન અને મોહ નષ્ટ થઇ ચુક્યાં છે,જેમને આસક્તિરૂપ દોષોને જીતી લીધા છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે,જેમની પોતાની દ્રષ્ટિથી સંપૂર્ણ કામનાઓનો નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંન્દ્વોથી મુક્ત થઇ ગયા છે એવા ઉંચી સ્થિતિવાળા મોહરહિત સાધક,ભક્તો તે અવિનાશી પરમપદ પરમાત્માને પ્રાપ્ત થાય છે.

આ શ્ર્લોકમાં પ્રભુ ૫રમાત્માને ગમતા માણસોનું વર્ણન છે.અમૂઢ માણસો અવ્યય (અવિનાશી) ૫દને પ્રાપ્‍ત કરે છે.જેને માનની અપેક્ષા નહી, જેને મોહ નહી, તે અમૂઢ છે.શરીરમાં હું-મારાપણું થવાથી જ માન-આદર અને સત્કારની ઇચ્છા થાય છે.શરીર સાથે પોતાનો સબંધ માનવાના કારણે જ મનુષ્‍ય શરીરના માન-આદરથી ભુલથી પોતાનાં માન-આદર માની લે છે અને ફસાઇ જાય છે.જે ભક્તોનું ફક્ત ભગવાનમાં પોતાપણું હોય છે તેઓનું શરીરમાં હું મારાપણું રહેતું નથી.આથી તેઓ શરીરના માન-આદરથી પ્રસન્ન થતા નથી.ભગવાનના શરણે થતાં તેઓનો શરીર સાથે મોહ રહેતો નથી પછી માન-આદરની ઇચ્છા કેવી રીતે થાય..?

આ શ્ર્લોકમાં સાધકની યોગ્યતા બતાવાઈ છે.આવું પદ કોણ પ્રાપ્ત કરી શકે? અહીં જેણે ઘરબાર, પરિવાર, પત્નીનો ત્યાગ કર્યો છે તેવું નથી લખ્યું, આવું બધું કર્યા પછી પણ માન-મોહ ત્યજાતો નથી. રાગીઓ કરતાં ત્યાગીઓને માન-મોહ વધારે હોય છે ! સંસારીઓ ધન-સત્તા માટે લડતા-ઝઘડતા હોય છે અને ત્યાગીઓ માન-પ્રતિષ્ઠા માટે ઝઘડતા હોય છે.બધાનું મૂળ મોહ છે તો શું માન હોય જ નહિ? હોય, સ્વમાન હોય. પોતે જે માનનો હક્કદાર હોય, તે માન તેને જાણી કરીને આપવામાં ન આવે અને કોઈ તેનો વિરોધ કરે તો તે હક્કની લડાઇ છે.જો ત્યાગી તે હક્ક જતો કરે તો નિર્માનમોહ કહેવાય.આ ત્યાગ બે રીતે થાય છે.નમાલાપણાથી અર્થાત્ વિરોધ કરવાની હિંમત ન હોવાથી અને સાચી નમ્રતાથી.

ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.મમતા સ્પૃહા વાસના આશા વગેરે દોષો આસક્તિ કહેવાય છે.મમતા સ્પૃહા વાસના આશા વગેરે દોષો આસક્તિના કારણે જ થાય છે.ભક્તો નિત્ય નિરંતર ભગવાનમાં જ સ્થિત રહે છે.ભક્તોની તમામ કામનાઓ નષ્‍ટ થઇ જાય છે.ભક્તો સુખ-દુઃખ, હર્ષ-શોક, રાગ-દ્રેષ વગેરે દ્રન્દ્રોથી રહિત થઇ જાય છે કારણ કે તેઓની સામે જે અનુકૂળ-પ્રતિકૂળ ૫રીસ્થિતિ આવે છે તેને તે ભગવાનનો જ આપેલો પ્રસાદ માને છે.

 ફક્ત ભગવાનના શરણે રહેવાથી ભક્તોની અહંતા બદલાઇ જાય છે.હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.હું સંસારનો નથી અને સંસાર મારો નથી આવું માનવાથી નિરંતર તેમની સ્થિતિ ભગવાનમાં જ રહે છે.ભક્તોનો અનુભવ હોય છે કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અને મારાપણું આ બધાં ભગવાનનાં છે. કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી.એક કામનાની પૂર્તિ થાય ત્યાં બીજી કામના ઉત્પન્ન થાય છે.આથી કામનાઓની નિવૃત્તિ જ પરમશાંતિનો ઉપાય છે.સાંસારીક ભોગ પદાર્થો મળવાથી સુખ થાય છે એવું માની લેવાથી જ કામના પેદા થાય છે.

વિનિવૃતકામાઃ સંસારનું ધ્યેય કે લક્ષ્ય રહેવાથી જ સંસારની વસ્તુ,પરિસ્થિતિ વગેરેની કામના થાય છે એટલે કે અમુક વસ્તુ્,વ્યક્તિ વગેરે મને મળી જાય-આ રીતે અપ્રાપ્તની કામના થાય છે પરંતુ જે ભક્તોનો સાંસારીક વસ્તુઓ વગેરેને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય છે જ નહી તેઓ કામનાઓથી સર્વથા રહિત થઇ જાય છે.શરીરમાં મમતા થવાથી કામના પેદા થઇ જાય છે કે મારૂં શરીર સ્વસ્થ રહે,બિમાર ન થઇ જાય.આનાથી જ સાંસારીક ધન,પદાર્થ,મકાન વગેરેની અનેક કામનાઓ પેદા થઇ જાય છે.શરીર વગેરેમાં મમતા ન રહેવાથી ભક્તોની કામનાઓ દૂર થઇ જાય છે.ભક્તોનો એ અનુભવ હોય છે કે શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહમ્-મારાપણું-એ બધાં ભગવાનનાં જ છે,ભગવાનના સિવાય એમનું પોતાનું કશું હોતું જ નથી.આમ ભક્તોની તમામ કામનાઓ નિઃશેષરૂપથી નષ્ટ થઇ જાય છે.આસક્તિ પ્રાપ્ત અને અપ્રાપ્ત-બંન્નેની થાય છે પરંતુ કામના અપ્રાપ્તની જ થાય છે એટલા માટે આ શ્ર્લોકમાં વિનિવૃતકામાઃ પદ અલગ આવ્યું છે.

 રાગ-દ્વેષ વગેરે જ વિષમતા છે,જેમનાથી બધી જ જાતનાં પાપ થાય છે.આથી વિષમતાનો ત્યાગ કરવાને માટે સાધકે નાશવાન પદાર્થોના માનેલા મહત્વને અંતઃકરણમાંથી કાઢી નાખવું જોઇએ.ભક્તો સુખ-દુઃખ હર્ષ-શોક રાગ-દ્વેષ વગેરે દ્વંન્દ્વોથી રહિત થઇ જાય છે કારણ કે તેમની સામે અનુકૂળ-પ્રતિકૂળ જે પણ પરિસ્થિતિ આવે છે તેને તે ભગવાનનો પ્રસાદ માને છે.તેમની દ્રષ્ટિ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ ઉપર નહી પરંતુ ફક્ત ભગવત્કૃપા પર જ રહે છે.

ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ આવવા-જવાવાળા ૫દાર્થોને પ્રાપ્ત કરવાની ઇચ્છા કે ચેષ્ઠા કરવી તથા તેમનાથી સુખી દુઃખી થવું એ મૂઢતાછે. મૂઢતા (મોહ) બે પ્રકારનો હોય છે,૫રમાત્માની તરફ ન લાગીને સંસારમાં જ લાગી જવું અને ૫રમાત્માને સારી રીતે ન જાણવા.જેઓની મૂઢતા ચાલી ગઇ છે તે ભક્તોને અહી અમૂઢાઃકહેવામાં આવ્યા છે.મૂઢતા ચાલી ગયા પછી સુખ-દુઃખનો પ્રભાવ પડતો નથી.જેના પર સુખ-દુઃખ વગેરે દ્વંદ્વોની અસર પડતી નથી તે મુક્તિને પાત્ર છે.મૂઢતા એટલે કે મોહ બે પ્રકારનો હોય છે.પરમાત્મા તરફ ન જતાં સંસારમાં જ લાગી જવું અને પરમાત્માને સારી રીતે ન જાણવા. અમૂઢાઃ એટલે મૂઢતાનો અભાવ નહી પણ જ્ઞાની પુરૂષો.આવા જ્ઞાની પુરૂષો અવ્યયપદને પ્રાપ્ત કરી શકે છે.

વાસ્તવમાં તો મનુષ્યમાત્ર એ પદને આપોઆપ પ્રાપ્ત છે પરંતુ એ બાજુ દ્રષ્ટિ ન રહેવાથી તેને તેવો અનુભવ થતો નથી.આ વાતને એક ઉદાહરણથી સમજીએ આપણે રેલગાડીમાં યાત્રા કરી રહ્યા છીએ. આપણી ગાડી એક સ્ટેશન ઉપર ઉભી રહી છે.આપણી ગાડીની બાજુમાં બીજા પાટા ઉપર ઉભેલી બીજી ગાડી એકાએક ચાલવા લાગે છે.તે સમયે એ ચાલતી ગાડી ઉપર દ્રષ્ટિ રહેવાથી ભ્રમથી આપણને પોતાની ગાડી ચાલતી દેખાય છે પરંતુ જ્યારે આપણે ત્યાંથી પોતાની દ્રષ્ટિ હટાવીને સ્ટેશન ઉપર જોઇએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણી ગાડી તો જેમ છે તેમ પોતાના સ્થાન ઉપર ઉભેલી છે એ જ રીતે સંસાર સાથે સબંધ થતાં મનુષ્ય પોતાને સંસારની જેમ ક્રિયાશીલ એટલે કે આવવા-જવાવાળો દેખવા લાગે છે પરંતુ જ્યારે તે સંસારથી દ્રષ્ટિ હટાવીને પોતાના સ્વરૂપને દેખે છે ત્યારે તેને ખબર પડે છે કે હું પોતે તો જેમ છું તેમ જ છું.

૫રમાત્માની જાણકારી માટેનો ઉપાય બતાવતાં ગુરૂદેવ નિરંકારી બાબા પોતાના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહે છે કે વિના દેખે મનના માને મન માન્યા વિના પ્રેમ નહી, પ્રેમ વિના ના ભક્તિ થાયે ભક્તિ વિના ઉધ્ધાર નહી, ગુરૂ દેખાડે ગુરૂ મનાવે ગુરૂ જ પ્રેમ શિખવાડે છે, ગુરૂ વિનાની ભક્તિ નકામી જીવન વ્યર્થ ગુમાવે છે, પુરા ગુરૂના ચરણોમાં આવી ઇશ્વરની ઓળખાણ કરો, "અવતાર" ગુરૂની કૃપા દ્રષ્‍ટિથી જીવનનું કલ્યાણ કરો.(અવતારવાણીઃ૭૮)

તો આવો વર્તમાન સમયના ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત થઇ એક પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી,પ્રભુનાં દર્શન કરી આલોક અને ૫રલોકને સુખી બનાવીએ.

ગીતામૃતમ્..

જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત થાય છે તે અવિનાશી પદ કેવું છે?

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદ ચિંતન વધારે છે.જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત થાય છે તે અવિનાશી પદ કેવું છે? તેનું વિવેચન કરતાં ભગવાન ગીતા(૧૫/૬)માં કહે છે કે

ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ

યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ.

(તત્-તે પરમપદને, ન-, સૂર્યઃ-સૂર્ય,ન-, શશાઙ્કો-ચંદ્રમા અને, ન-, પાવકઃ-અગ્નિ પણ, ભાસયતે-પ્રકાશિત કરી શકે છે અને, યત્-જે પરમપદને, ગત્વા-પામીને મનુષ્યો, ન નિવર્તન્તે-પાછા ફરીને સંસારમાં આવતા નથી, તત્-તે જ, મમ-મારૂં, પરમમ્ ધામ-પરમધામ છે.)

તે પરમપદને સૂર્ય-ચંદ્રમા કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં નથી અને જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.જીવ પણ મારો અંશ હોવાથી મારાથી અભિન્ન છે તે મારા ધામને નિત્ય પ્રાપ્ત છે.

ભગવાન કહે છે કે તે અવિનાશી પદ મારૂં જ ધામ છે,જે મારાથી અભિન્ન છે અને જીવ પણ મારો અંશ હોવાના કારણે મારાથી અભિન્ન છે.આથી જીવની પણ તે અવિનાશી પદથી અભિન્નતા છે એટલે કે તે મારા ધામને નિત્ય પ્રાપ્ત છે.આ શ્ર્લોકમાં ભગવાને બે વાતો ખાસ કહી છે.તે ધામને સૂર્ય પ્રકાશિત કરી શકતા નથી અને તે ધામને પ્રાપ્ત થયેલા મનુષ્યો પુનઃ પાછા ફરીને સંસારમાં આવતા નથી.

દ્રશ્ય જગતમાં સૂર્ય સમાન તેજસ્વી,પ્રકાશસ્વરૂપ કોઇ અન્ય ચીજ નથી.તે સૂર્ય પણ એ પરમ ધામને પ્રકાશિત કરવામાં અસમર્થ છે,પછી સૂર્યથી પ્રકાશિત થવાવાળા ચંદ્ર અને અગ્નિ તેને પ્રકાશિત કેવી રીતે કરી શકે? આગળ ૧૫/૧૨માં ભગવાન કહેશે સ્પષ્ટ કહેશે કે સૂર્ય-ચંદ્ર અને અગ્નિમાં મારૂં જ તેજ છે.મારાથી જ પ્રકાશ પામીને તેઓ ભૌતિક જગતને પ્રકાશિત કરે છે.

પરમાત્મા તત્વ ચેતન છે અને સૂર્ય-ચંદ્ર અને અગ્નિ જડ-પ્રાકૃત છે.સૂર્ય-ચંદ્ર અને અગ્નિ નેત્ર-મન અને વાણીને પ્રકાશિત કરે છે.એ ત્રણે પણ જડ છે એટલા માટે નેત્રોથી એ પરમાત્મા તત્વને જોઇ શકાતું નથી, મનથી તેનું ચિંતન થઇ શકતું નથી અને વાણીથી તેનું વર્ણન કરી શકાતું નથી.તે ચેતનતત્વ આ બધા પ્રકાશિત પદાર્થોમાં સદા પરીપૂર્ણ છે.ચેતન જીવાત્મા પણ પરમાત્માનો અંશ હોવાથી સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તેથી મન-બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થો તેને પ્રકાશિત કરી શકતાં નથી.

યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમજીવ પરમાત્માનો અંશ છે,તે જ્યાંસુધી પોતાના અંશી પરમાત્માને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંતના શરણમાં જઇ પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી તેનું આવાગમન ચાલુ રહે છે.જેમ નદીઓના જળને પોતાના અંશી સમુદ્રને મળવાથી જ સ્થિરતા મળે છે તેવી જ રીતે જીવને પોતાના અંશી પરમાત્માને મળવાથી જ વાસ્તવિક અને સ્થાઇ શાંતિ મળે છે.વાસ્તવમાં જીવ પરમાત્માથી અભિન્ન જ છે પરંતુ સંસારના માનેલા સંગના લીધે તેને ઉંચ-નીચ યોનિઓમાં જવું પડે છે.અહી પરમધામશબ્દ પરમાત્માનું ધામ અને પરમાત્મા-બંન્નેનું વાચક છે,બંન્ને પરસ્પર અભિન્ન છે.

ભક્તોની ભિન્ન-ભિન્ન માન્યતાઓના કારણે બ્રહ્મલોક, સાકેતધામ, ગોલોકધામ, દેવીદ્વીપ, શિવલોક વગેરે બધાં એક જ પરમધામનાં ભિન્ન-ભિન્ન નામો છે.આ પરમધામ ચેતન, જ્ઞાનસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપ છે.

આ અવિનાશી પરમપદ આત્મરૂપથી બધામાં સમાનરૂપે વ્યાપ્ત છે આથી સ્વરૂપથી આપણે તે પરમપદમાં સ્થિત છીએ પરંતુ જડતા(શરીર વગેરે) સાથે તાદાત્મય-મમતા અને કામનાના કારણે આપણને તેની પ્રાપ્તિ અથવા તેમાં આપણી સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો નથી.આપણે ભગવાનના અંશ છીએ તેથી ભગવાનનું જે ધામ છે તે જ આપણું ધામ છે તે કારણે તે ધામની પ્રાપ્તિ થતાં પાછું ફરીને સંસારમાં આવવું પડતું નથી.જ્યાંસુધી આપણે આપણા એ ધામમાં જઇશું નહી ત્યાંસુધી મુસાફરની જેમ અનેક યોનિઓમાં અને અનેક લોકોમાં ફરતા જ રહીશું.આ સંસાર સ્વદેશ નહી પરદેશ છે.આ પોતાનું નહી પારકું ઘર છે.વિભિન્ન યોનિઓમાં અને લોકોમાં આપણી રખડપટ્ટી,ભટકવાનું બંધ થશે,જ્યારે આપણે આપણા અસલી ઘરમાં પહોંચી જઇશું.

ગીતામૃતમ્..

અંતકાળે ભગવાનનું સ્મરણ થાય તે માટે શું કરવું જોઇએ?

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસાર રૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદ-ચિંતન વધારે છે. જીવથી શું ભૂલ થઇ રહી છે કે જેનાથી તેને નિત્ય પ્રાપ્ત પરમાત્માસ્વરૂપ પરમધામનો અનુભવ થતો નથી તેનું હેતુસહિત વર્ણન કરતાં ભગવાન શ્ર્લોકઃ૧૫/૭માં કહે છે કે..

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન

મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ..

(જીવલોકે-આ સંસારમાં, જીવભૂતઃ-જીવ બનેલો આત્મા પોતે, મમ-મારો, એવ-જ, સનાતનઃ-સનાતન, અંશઃ-અંશ છે અને તે, પ્રકૃતિસ્થાનિ-પ્રકૃતિમાં રહેલી, મનઃષષ્ટાનિ-મન સહિતની પાંચેય, ઇન્દ્રિયાણિ-ઇન્દ્રિયોને, કર્ષતિ-આકર્ષિત કરે છે,પોતાની માની લે છે.)

 

આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે,પોતાની માની લે છે.

જેમની સાથે જીવની તાત્વિક અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યમાત્રનું નામ લોક છે.આત્મા પરમાત્માનો અંશ છે પરંતુ પ્રકૃતિનાં કાર્ય શરીર ઇન્દ્રિયો પ્રાણ મન વગેરે સાથે પોતાની એકતા માનીને તે જીવ થઇ ગયો છે.આ જીવપણું વાસ્તવિક નહી પરંતુ બનાવટી છે.નાટકમાં કોઇ પાત્ર બનવાની જેમ જ આ આત્મા જીવલોકમાં જીવ બને છે.ભગવાન જીવને પોતાનો માને છે.ભગવાન વાસ્તવિકતા પ્રગટ કરતાં કહે છે કે જીવ ફક્ત મારો જ અંશ છે તેમાં પ્રકૃતિનો સહેજપણ અંશ નથી.જેવી રીતે સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળીને પોતાને ઘેટું માની લે એવી જ રીતે જીવ શરીર વગેરે જડ પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચેતન સ્વરૂપને ભુલી જાય છે.

શરીર વગેરે પદાર્થોને આપણે પોતાની સાથે લાવ્યા નથી, ઇચ્છાનુસાર તેમાં પરીવર્તન કરી શકતા નથી, પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી, તેઓની સાથે હંમેશાં રહી શકતા નથી, તેઓને પોતાની સાથે લઇ જઇ શકતા નથી છતાંપણ તેઓને પોતાના માનીએ છીએ આ આપણી કેટલી મોટી ભૂલ છે.ભગવાનમાં ફક્ત મન-બુદ્ધિ જોડવાની અપેક્ષાએ પોતાની જાતને ભગવાનમાં જોડવી એ શ્રેષ્ઠ છે આમ કરવાથી મન-બુદ્ધિ આપોઆપ સુગમતાપૂર્વક ભગવાનમાં જોડાઇ જાય છે.

ભગવાન દ્વારા મળેલી સ્વતંત્રતાનો દુરઉપયોગ કરીને જીવ ભગવાનથી વિમુખ થયો છે.જેવી રીતે સોનાનું ઘરેણું તત્વતઃ સોનાથી અલગ નથી તેવી રીતે જીવ પણ તત્વતઃ પરમાત્માથી ક્યારેય અલગ થઇ શકતો નથી.જ્યારે મનુષ્ય ભગવાનની આજ્ઞાનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરે છે ત્યારે તેઓ તેની એટલી ઉન્નતિ કરી દે છે કે જીવન સફળ થઇ જાય છે અને જન્મ-મરણરૂપી બંધન સદાયના માટે દૂર થઇ જાય છે.જ્યારે મનુષ્ય ભૂલથી કોઇ નિષિદ્ધ આચરણ-પાપ કરી બેસે છે ત્યારે ભગવાન દુઃખોને મોકલીને તેને ચેતવે છે,જૂના પાપો ભોગવાવીને તેને શુદ્ધ કરે છે અને નવા પાપોમાં પ્રવૃત્ત થતાં રોકે છે.

જીવ જેટલું પણ નાશવાન પદાર્થોને મહત્વ આપે છે તેટલો જ તે પતન તરફ જાય છે અને જેટલું પણ અવિનાશી પરમાત્માને મહત્વ આપે છે તેટલો જ તે ઉંચે ચઢે છે કારણ કે જીવ પરમાત્માનો અંશ છે. અંશ હોવાથી સદાય ભગવાનમાં સ્થિત રહે છે.મન અને ઇન્દ્રિયો પ્રકૃતિમાં સ્થિત છે તેમને પોતાનાં માનવાં, તેમની સાથે પોતાનો સબંધ માનવો એ જ તેમને આકર્ષિત કરવાં કહેવાય છે.મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે સબંધ જોડીને જ જીવ બંધાય છે તેથી શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિને સંસારને અર્પણ કરી દેવાં જોઇએ એટલે કે સંસારની સેવામાં જોડી દેવાં જોઇએ અને પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવી જોઇએ.

મનુષ્ય ભૂલથી શરીર,સ્ત્રી,પૂત્ર,ધન,મકાન,માન-મોટાઇ વગેરે નાશવાન વસ્તુઓને પોતાની અને પોતાના માટેની માનીને દુઃખી થાય છે.સંસારની ચીજ સંસારને આપી દે અને પરમાત્માની ચીજ પરમાત્મા ને આપી દેવી એ ઇમાનદારી છે.આ ઇમાનદારીનું નામ જ મુક્તિ છે.સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરની સાથે પોતાનો સબંધ માની લેવો એ જ અનર્થનું કારણ છે.જીવ શરીરને પોતાની તરફ ખેંચે છે, પોતાનું માને છે પરંતુ જે વાસ્તવમાં પોતાના છે તે પરમાત્માને પોતાના માનતો નથી તે જીવની ભૂલ છે.

જીવ નિર્ગુણ બ્રહ્મનો નહી પરંતુ સગુણ ઇશ્વરનો અંશ છેઃઇશ્વર અંશ જીવ અવિનાશી. (રામાયણ) કારણ કે બ્રહ્મ તો ચિન્મય સત્તા માત્ર છે તેથી તેમાં અંશ-અંશીભાવ થઇ શકતો નથી.જીવની બ્રહ્મ સાથે એકતા છે એટલે કે અનેક રૂપથી તે જીવ છે તે જ એક રૂપથી બ્રહ્મ છે.શરીરની સાથે સબંધ થવાથી તે જીવ છે અને શરીર સાથે સબંધ ન થવાથી તે બ્રહ્મ છે.

આપણો સબંધ પરમાત્માની સાથે છે તેથી આપણે પરમાત્મામાં સ્થિત છીએ પરંતુ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિનો સબંધ અપરા પ્રકૃતિની સાથે છે તેથી તે બધાં પ્રકૃતિમાં સ્થિત છે.શરીર સાથે માની લીધેલા સબંધ નો ત્યાગ કરવા માટે ત્રણ વાતો માનવી પડશેઃશરીર મારૂં નથી કારણ કે તેના ઉપર મારૂં કોઇ નિયંત્રણ નથી, મારે કશું જ જોઇતું નથી અને મારે પોતાના માટે કશું કરવું નથી.ભગવાન સાથે નિત્ય સબંધ રહે તે માટે ત્રણ વાતો માન્ય રાખવી જોઇએઃભગવાન મારા છે, હું ભગવાનનો છું અને સર્વ કાંઇ ભગવાનનું જ છે.

મનુષ્યમાં ત્રણ ઇચ્છાઓ હોય છેઃભોગની-તત્વની અને પ્રેમની ઇચ્છા. ભોગની ઇચ્છા કામના, તત્વની ઇચ્છા જીજ્ઞાસા અને પ્રેમની ઇચ્છા અભિલાષા કહેવાય છે.ભોગની કામના શરીરના સ્તરે,તત્વની જીજ્ઞાસા સ્વરૂપના સ્તરે અને પ્રેમની પિપાસા પરમાત્માના સ્તરે થાય છે.શરીરને પોતાનું માનવું એ ભૂલ છે કારણ કે શરીર પ્રકૃતિનો અંશ છે અને જીવ પરમાત્માનો સનાતન અંશ છે.

જ્યારે અંતકાળના સ્મરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્યે શું કરવું જોઇએ? તેનો જવાબ આપતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૮/૭)માં કહે છે કે તું નિરંતર મારૂં સ્મરણ કર અને યુદ્ધ (કર્તવ્ય કર્મો) પણ કર.આ પ્રમાણે મારામાં અર્પેલા મન-બુદ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ.

મરણ વખતે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરે છે તે તેવા ભાવને પ્રાપ્ત કરે છે.મુમુર્ષુનું મન ઈશ્વરમાં લાગે એટલાં માટે આપણે ત્યાં તેની સામે ઘીનો દીવો કરાય છે,મુખમાં ગંગાજળ મુકાય છે, તુલસીનું પાન મુકાય છે,પ્રભુનામ સંભળાવાય છે,ઇષ્ટદેવનું ચિત્ર આગળ મુકાય છે આ બધા ઉદ્દીપક તત્વો છે.ગમે તે રીતે મુમુર્ષુનું મન ઈશ્વરમાં લાગે છે એ જ હેતુ હોય છે.ભેગા થયેલા માણસોને જોઈને તેને સંતોષ થાય છે એટલે તો હજાર કામ પડતાં મૂકીને લોકો મરણપથારીએ પડેલાં માતા-પિતા,પતિ-પત્ની વગેરે પાસે પહોંચી જાય છે,તેને આશ્વાસન આપે છે,પુણ્યદાન કરાવે છે આ પણ જીવનની ધન્યતા જ કહેવાય.

એક બીજો પ્રશ્ન થાય કે મૃત્યુ પછીની ગતિ કર્મો કે ચિંતનને આધીન છે? આપણે તો કર્મવાદી છીએ તેથી કર્મોને આધીન જ ગતિ મનાય તો પછી ચિતનનું શું મહત્વ? તેનો જવાબ એ છે કે કર્મો પ્રમાણે જ ચિંતન થાય છે,કર્મો ચિંતનના પ્રેરક છે.આખું જીવન જે કર્યું હશે તે જ મરણ સમયે સામે આવશે તેથી ભક્તો અહર્નિશ પ્રભુ સુમિરણ કરે છે આને અભ્યાસ કહેવાય છે.લાંબા ગાળાનો અભ્યાસ પછી આપો આપ હરિસ્મરણ થયા કરે છે.આવો ભક્ત આપોઆપ હરિસ્મરણ કરતો કરતો પરમાત્માના ધામને પ્રાપ્ત કરે છે.

મનુષ્યને કર્તવ્યરૂપે જે કર્મ પ્રાપ્ત થઇ જાય તેને ભગવાનનું સ્મરણ કરતા રહીને કરવાં જોઇએ. ભગવાનના સ્મરણની જાગૃતિના માટે ભગવાનની સાથે પ્રેમ હોવો જોઇએ.પ્રેમ જેટલો દ્રઢ હશે એટલી ભગવાનની સ્મૃતિ વારંવાર આવશે.મારામાં મન બુદ્ધિ અર્પણ કરવાં એટલે મનથી ભગવાનનું ચિંતન થાય અને બુદ્ધિથી પરમાત્માનો નિશ્ચય કરવામાં આવે.મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર વગેરેને ભગવાનનાં જ માનવાં, ક્યારેય ભૂલથી પણ તેમને પોતાનાં ના માનવાં કારણ કે જેટલા પ્રાકૃત પદાર્થો છે તે તમામ ભગવાનના જ છે..વાસ્તવમાં મનુષ્યનો સબંધ ફક્ત પ્રભુની સાથે જ છે.પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યો સાથે મનુષ્યનો સબંધ હતો નહી,છે નહી અને રહેશે પણ નહી કારણ કે મનુષ્ય સાક્ષાત પરમાત્માનો સનાતન અંશ છે.

અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત અને અન્યનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી પરમ દિવ્ય પુરૂષનું નિરંતર ચિંતન કરતો રહીને શરીર છોડનાર મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઇ જાય છે.(છે.(ગીતાઃ૮/૮) સંસારથી મન હટાવીને પરમાત્મામાં વારંવાર મન જોડવાનું નામ અભ્યાસ છે અને સમતાનું નામ યોગ છે. ચિત્ત અન્યગામી ના હોય એટલે કે પરમાત્મા સિવાય બીજું કોઇ લક્ષ્ય ના હોય એવા ચિત્તથી પરમ દિવ્ય પુરૂષનુ એટલે કે સગુણ-નિરાકાર પરમાત્માનું ચિંતન કરતો રહીને શરીર છોડવાવાળો મનુષ્ય એ જ પરમાત્માને પ્રાપ્ત થઇ જાય છે.

વેદને જાણનાર વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે છે,વિતરાગ યતિ જેને પ્રાપ્ત કરે છે તથા સાધક જેની પ્રાપ્તિની ઇચ્છા કરતા રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે બધી ઇન્દ્રિયોના તમામ દ્વારોને રોકીને મનને હ્રદય પ્રદેશમાં સ્થિર કરીને પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપીને યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે સાધક ૐ એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ મનુષ્ય પરમગતિને પામે છે.(ગીતાઃ૮/૧૧-૧૩)

 આમ જે નિર્ગુણ નિરાકાર પરમાત્માનું સ્મરણ કરતા રહીને જે દેહનો ત્યાગ કરે છે તે પરમગતિને એટલે કે નિર્ગુણ નિરાકાર પરમાત્માને પ્રાપ્ત થાય છે.પ્રભુ ૫રમાત્મા જ સત્ય છે.અંતમાં અમારે તેમાં જ સમાવવાનું છે તેમનામાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઇ છે અને તેમાં જ અંતમાં સમાઇ જાય છે.અમોને અમારા મૂળની વિસ્મૃત્તિ ના થઇ જાય એટલા માટે હરિ સ્મરણ આવશ્યક છે.સત્ય એક,નિત્ય અને અનંત છે તથા તમામનું આધાર સ્વરૂ૫ છે.જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું જોઇએ કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ એટલે તે સમયે પ્રભુ પરમાત્માનું સ્મરણ કરવું જોઇએ.

સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.(૧) દિખાઉઃ દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને (ર) બિકાઉઃ ધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી.(૩) ટિકાઉઃ  ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્ઠ સુમિરણ કહેવામાં આવે છે.સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી. સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે. પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.

મમતા થઇ એટલે સમતા રહેતી નથી અને વિષમતા આવે છે.ભગવાન કહે છે કે એક કામ કરો તો હું તમારું રક્ષણ કરીશ.રોજ એક કલાક નિયમપૂર્વક સેવા-સુમિરણ-સત્સંગ કરો પછી ત્રેવીસ કલાક હું તમારૂં ધ્યાન રાખીશ.

ગીતામૃતમ્..

મન સહિત ઇન્દ્રિયોને પોતાની માનવાથી જીવ અનેક યોનિઓમાં જાય છે.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૮નું ચિંતન કરીશું..મન સહિત ઇન્દ્રિયોને પોતાની માનવાના કારણે જીવ કેવી રીતે તેમને સાથે લઇને અનેક યોનિઓમાં ઘુમે છે આનું દ્રષ્ટાંત સહિત વર્ણન કરતાં ભગવાન ગીતા(૧૫/૮)માં કહે છે કે

શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્કામીશ્વરઃ

ગૃહિત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત.

(વાયુઃ-વાયુ, આશયાત્-ગંધના સ્થાનેથી, ગન્ધાન્-ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે, ઇવ-એ જ રીતે, ઇશ્વરઃ-દેહ આદિનો સ્વામી બનેલો જીવાત્મા, અપિ-પણ, યત્-જે, શરીરમ્-શરીરને, ઉત્ક્રામતિ-છોડે છે ત્યાંથી, એતાનિ-આ મન સહિત ઇન્દ્રિયોને, ગૃહિત્વા-લઇને, -પછી, યત્-જે શરીરને, અવાપ્નોતિ-પામે છે એમાં, સંયાતિ-ચાલ્યો જાય છે.)

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે એવી જ રીતે દેહ વગેરેનો સ્વામી બનેલો જીવાત્મા પણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્રિયોને લઇને પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે.

વાયુર્ગન્ધાનિવાશયાતજે રીતે વાયુ અત્તરના પુમડામાંથી ગંધ લઇ જાય છે પરંતુ તે ગંધ સ્થાઇરૂપે વાયુમાં રહેતી નથી કારણ કે વાયુ અને ગંધનો સબંધ નિત્ય નથી એવી જ રીતે ઇન્દ્રિયો મન બુદ્ધિ સ્વભાવ વગેરે સુક્ષ્મ અને કારણ બંન્ને શરીરોને પોતાનામાં માનવાના કારણે જીવાત્મા તેમને સાથે લઇને બીજી યોનિમાં જાય છે.જેવી રીતે વાયુ તત્વતઃ ગંધથી નિર્લિપ્ત છે એવી રીતે જીવાત્મા પણ તત્વતઃ મન ઇન્દ્રિયો શરીર વગેરેથી નિર્લિપ્ત છે પરંતુ આ મન શરીર ઇન્દ્રિયો વગેરેમાં હું અને મારાપણાની માન્યતા હોવા ના કારણે તે જીવાત્મા એમનું આકર્ષણ કરે છે.

જેવી રીતે વાયુ આકાશનું કાર્ય હોવા છતાં પણ પૃથ્વીના અંશ ગંધને સાથે લઇને ઘુમે છે તેવી જ રીતે જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ હોવા છતાં પ્રતિક્ષણે બદલાવાવાળાં પ્રકૃતિના કાર્ય શરીરોને સાથે લઇને અલગ અલગ યોનિઓમાં ઘુમે છે.જડ હોવાના કારણે વાયુમાં એ વિવેક નથી કે તે ગંધને ગ્રહણ ના કરે પરંતુ જીવાત્માને તો એ વિવેક અને સામર્થ્ય મળેલું છે કે તે જ્યારે ઇચ્છે ત્યારે શરીર સાથેનો સબંધ દૂર કરી શકે છે.ભગવાને મનુષ્યને એ સ્વતંત્રતા આપી રાખેલ છે કે તે ઇચ્છે તેની સાથે સબંધ જોડી શકે છે અને ઇચ્છે તેની સાથે સબંધ તોડી શકે છે.પોતાની ભૂલ દૂર કરવા માટે ફક્ત પોતાની માન્યતા બદલવાની આવશ્યકતા છે કે પ્રકૃતિના અંશ સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરો સાથે જીવાત્માનો કોઇ સબંધ નથી પછી જન્મમરણના બંધનથી સહજ જ મુક્ત છે.

શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્કામીશ્વરઃઅહી ઇશ્વરઃ પદ જીવાત્માનું વાચક છે.એ જીવાત્માથી ત્રણ ભૂલો થઇ રહી છે.(૧) મન,બુદ્ધિ,શરીર વગેરે જડ પદાર્થોનો પોતાને સ્વામી માને છે પરંતુ વાસ્તવમાં બની જાય છે તેમનો દાસ. (ર) પોતાને એ જડ પદાર્થોનો સ્વામી માની લેવાને કારણે પોતાના વાસ્તવિક સ્વામી પરમાત્માને ભૂલી જાય છે. (૩) જડ પદાર્થો સાથે માનેલા સબંધનો ત્યાગ કરવામાં સ્વાધિન હોવા છતાં પણ તેમનો ત્યાગ કરતો નથી.

પરમાત્માએ જીવાત્માને શરીર વગેરે સામગ્રીનો સદઉપયોગ કરવાની સ્વાધિનતા આપી છે.તેમનો સ્વામી બનવા માટે નહી પરંતુ તેનો સદઉપયોગ કરીને પોતાનો ઉદ્ધાર કરવાને માટે એ વસ્તુઓ આપી છે, પરંતુ જીવથી એ બહુ જ મોટી ભૂલ થાય છે કે તે મળેલ સામગ્રીનો સદઉપયોગ કરતો નથી પરંતુ પોતાને તેમનો માલિક માની લે છે પરંતુ બની જાય છે વાસ્તવમાં તેમનો ગુલામ.

જેને માલિકપણું કે અધિકાર પ્રિય લાગે છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી કેમકે જે કોઇ વ્યક્તિ વસ્તુ પદ વગેરેનો સ્વામી બને છે તે પોતાના સ્વામીને ભૂલી જાય છે-આ નિયમ છે.ઉદાહરણ રૂપે જોઇએ તો જે સમયે બાળક ફક્ત ર્માં ને પોતાની માનીને તેને જ ચાહે છે તે સમયે તે માતા વિના રહી શકતો નથી પરંતુ તે જ બાળક મોટો થઇને ગૃહસ્થ બની જાય છે અને પોતાને સ્ત્રી-પૂત્ર વગેરેનો સ્વામી માનવા લાગે છે ત્યારે તે જ માતાની પાસે રહેવું તેને ગમતું નથી.આ સ્વામી બનવાનું જ પરીણામ છે ! એવી જ રીતે આ જીવાત્મા પણ શરીર વગેરે જડ પદાર્થોનો સ્વામી બનીને પોતાના વાસ્તવિક સ્વામી પરમાત્માને ભૂલી જાય છે, એમનાથી વિમુખ બની જાય છે ત્યાંસુધી જીવ દુઃખ પામતો રહે છે.

જીવને બે શક્તિઓ મળેલી છેઃપ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને મેળવવાની ઇચ્છા કરે છે.પ્રાણશક્તિ હરદમ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ખતમ થવું એ જ મૃત્યુ કહેવાય છે.જડનો સંગ કરવાથી કંઇ કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે.પ્રાણશક્તિ રહેતાં ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્ય જીવનમુક્ત બની જાય છે.પ્રાણશક્તિ નષ્ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો જ પડે છે.નવું શરીર મળતાં પ્રાણશક્તિ નવી મળે છે પરંતુ ઇચ્છાશક્તિ પૂર્વજન્મની હતી તે જ રહે છે.

જો શરીર છુટે તે પહેલાં જ આપણે શરીર વગેરેમાંથી મમતાને હટાવી દઇએ તો જીવતેજીવત જ મુક્ત થઇ જઇએ.જે પોતાનું નથી તેને પોતાનું માનવું અને જે પોતાનું છે તેને પોતાનું ના માનવું આ બહુ જ મોટો દોષ છે જેના કારણે પારમાર્થિક માર્ગમાં ઉન્નતિ થતી નથી. કર્ષતિનો અર્થ પોતાના તરફ ખેંચવું અને ગૃહિત્વાનો અર્થ છે પકડવું અને તાદાત્મય કરવું. વાયુનું દ્રષ્ટાંત આપવાનું કારણ એ છે કે જીવ વાયુની જેમ નિર્લિપ્ત રહે છે.વાયુમાં ગંધ હંમેશાં રહેતી નથી આપમેળે ચાલી જાય છે પરંતુ જીવ જ્યાંસુધી મન બુદ્ધિ ઇન્દ્રિયોને છોડતો નથી ત્યાં સુધી તે છુટતાં નથી.

દરેક ભોગથી સ્વાભાવિક ઉપરતિ થાય છે આ બધાનો અનુભવ છે.ભોગોમાં પ્રવૃત્તિ તો કૃત્રિમ થાય છે પરંતુ નિવૃત્તિ સ્વાભાવિક થાય છે.રૂચિ તો જીવ ઉત્પન્ન કરે છે પરંતુ અરૂચિ આપમેળે થાય છે.જેમકે તમાકુ પિનારા ધુમાડો અંદર ખેંચે છે પરંતુ તે બહાર આપોઆપ નીકળે છે.મોઢું બંધ કરશે તો નાક વાટે નીકળશે. ધુમાડો તો રાખવા છતાં અંદર રહેતો નથી પરંતુ માણસની આદત ખરાબ થઇ જાય છે વ્યસન લાગુ પડી જાય છે તેવી જ રીતે ભોગો તો ટકતા નથી પણ આદત બગડી જાય છે.ભોગો તો આપો આપ છુટી જાય છે, તેનાથી અરૂચિ આપોઆપ થઇ જાય છે પરંતુ આદત બગડવાથી જીવ ભોગોને વારંવાર પકડતો રહે છે અને તે સ્વતંત્ર હોવાછતાં પરવશતાનો અનુભવ કરતો રહે છે.

ભોગોમાં આસક્ત થવા છતાં પણ જીવની નિર્લિપ્તતા જતી નથી પરંતુ તેના તરફ તે ધ્યાન અને મહત્વ આપતો નથી.શરીર સાથે સબંધ ન હોવા છતાં પણ એ શરીર સાથે સબંધ સ્વીકારીને સુખ લેતો રહે છે.સબંધ તો અનિત્ય હોય છે પરંતુ સબંધ વિચ્છેદ નિત્ય થાય છે કારણ કે શરીર તો સંસારની જાતિનું જડ અને પરીવર્તનશીલ હોવાથી તે વિજાતિય છે.વિજાતિય વસ્તુ સાથે સબંધ થવો સંભવ નથી.પરમાત્માનો અંશ હોવાથી જીવની પરમાત્મા સાથે સજાતિયતા છે તેથી તેનો સ્વતઃ સબંધ પરમાત્મા સાથે જ છે.જો જીવ સંત મહાપુરૂષોની, ભગવાનની અને શાસ્ત્રોની વાણી ઉપર વિશ્વાસ કરીને પરમાત્મા સાથે સબંધ જોડી દે તો પછી તેને અનુભવ થઇ જશે.

જ્યાંસુધી ભગવાન સાથે સબંધ જોડતો નથી ત્યાંસુધી ભગવાન તેના કોઇપણ સબંધને ટકવા દેતા નથી,તોડતા જ રહે છે.જીવ ગમે તેટલું જોર કરે તે સંસારનો સબંધ સ્થાઇ રાખી શકતો નથી.

ગીતામૃતમ્..

જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસાર રૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદ-ચિંતન વધારે છે. આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૯નું ચિંતન કરીશું જેમાં જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..

શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણંમેવ ચ

અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે..

(અયમ્-આ જીવાત્મા, મનઃ-મનનો, અધિષ્ઠાય-આશ્રય લઇને, એવ-જ, શ્રોત્રમ્-શ્રોત્ર, ચક્ષુઃ ચ-ચક્ષુ અને, સ્પર્શનમ્ ચ-ત્વચા, રસનમ્-રસના, -અને, ઘ્રાણમ્-ઘ્રાણ-આ પાંચ ઇન્દ્રિયો દ્વારા, વિષયાન્-વિષયોનું, ઉપસેવતે-સેવન કરે છે.)  

આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ કાન,આંખ,ત્વચા,જીભ અને નાક આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.

મનમાં અનેક પ્રકારના સારા-ખરાબ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થતા રહે છે તેનાથી સ્વયંની સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી કેમકે સ્વયં ચેતનતત્વ આત્મા જડ શરીર, ઇન્દ્રિયો,મન અને બુદ્ધિથી પર અને તેમનો આશ્રય તથા પ્રકાશક છે.સંકલ્પ-વિકલ્પ આવતા જતા રહે છે અને સ્વયં સદા જેમ છે તેમ રહે છે.મનનો સંયોગ થતાં જ સાંભળવા, દેખવા, સ્પર્શ કરવા, સ્વાદ લેવા તથા સુંઘવાનું જ્ઞાન થાય છે.જીવાત્માને મન વિના ઇન્દ્રિયોથી સુખ-દુઃખ થતું નથી એટલા માટે અહી મનને અધિષ્ઠિત કરવાની વાત કહેવામાં આવી છે એટલે કે જીવાત્મા મનનો આશ્રય લઇને જ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.

કાનોમાં સાંભળવાની શક્તિ છે.આજ સુધી આપણે અનેક પ્રકારના અનુકૂળ શબ્દો જેવા કે સ્તુતિ, માન-બડાઇ, આર્શિવાદ,મધુર ગાન, વાદ્ય વગેરે તથા પ્રતિકૂળ શબ્દો જેવા કે નિંદા અપમાન શ્રાપ અપશબ્દો વગેરે સાંભળ્યા છે પરંતુ તેનાથી સ્વયંમાં કોઇ ફેર પડતો નથી.

નેત્રોમાં જોવાની શક્તિ છે.આજ સુધી આપણે અનેક સુંદર-અસુંદર મનોહર,ભયાનકરૂપ કે દ્રશ્યો જોયા છે પરંતુ તેનાથી આપણા સ્વરૂપમાં શું ફરક પડ્યો?

ત્વચામાં સ્પર્શ કરવાની શક્તિ છે.જીવનમાં આપણને અનેક કોમળ કઠોર ચિકણા ઠંડા ગરમ વગેરે સ્પર્શો પ્રાપ્ત થયા છે પરંતુ તેનાથી પોતાના સ્વરૂપમાં શું અંતર પડ્યું?

જીભમાં સ્વાદ લેવાની શક્તિ છે.કડવો તીખો ગળ્યો તૂરો ખાટો અને ખારો-આ છ પ્રકારના ભોજનના રસ છે.આજસુધી આપણે જાત જાતના રસયુક્ત ભોજન કર્યા છે પરંતુ વિચાર કરવો જોઇએ કે તેનાથી સ્વયંને શું મળ્યું?

નાસિકામાં સુંઘવાની શક્તિ છે.જીવ દરમ્યાન આપણી નાસિકાએ જાતજાતની સુગંધ અને દુર્ગંધ ગ્રહણ કરી છે પરંતુ તેનાથી સ્વયંમાં શું ફરક પડ્યો?

કાનનો વાણી સાથે, નેત્રનો પગ સાથે, ત્વચાનો હાથ સાથે, જીભનો ઉપસ્થ સાથે અને નાકનો ગુદા સાથે આમ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો પાંચ કર્મેન્દ્રિયો સાથે ધનિષ્ઠ સબંધ છે જેમકે જે જન્મથી બહેરો હોય છે તે મૂંગો પણ હોય છે.પગના તળિયામાં માલિશ કરવાથી નેત્રો ઉપર અસર પડે છે.ત્વચાના લીધે જ હાથ સ્પર્શનું કામ કરે છે.જીભના વશમાં થવાથી ઉપસ્થ ઇન્દ્રિય પણ વશમાં થઇ જાય છે.નાકથી ગંધનું ગ્રહણ તથા તેનાથી સબંધિત ગુદાથી ગંધનો ત્યાગ થાય છે.

પાંચ મહાભૂતોમાં એક-એક મહાભૂતના સત્વગુણ અંશથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણ અંશથી કર્મેન્દ્રિયો અને તમોગુણ અંશથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે પાંચેય વિષયો બન્યા છે.

પાંચ મહાભૂતોના મળેલા સત્વગુણ અંશથી મન, રજોગુણ અંશથી પ્રાણ અને તમોગુણ અંશથી શરીર બન્યું છે.

જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે અને જેવી રીતે પહેલા શરીરમાં વિષયોનું રાગપૂર્વક સેવન કરતો હતો તેવી જ રીતે બીજા શરીરમાં જતાં તેવો જ સ્વભાવ હોવાથી વિષયોનું સેવન કરવા લાગે છે.આ રીતે જીવાત્મા વારંવાર વિષયોમાં આસક્તિ કરવાના લીધે ઉંચ-નીચ યોનિઓમાં ભટકતો રહે છે.

ભગવાને આ મનુષ્યશરીર સુખભોગ ભોગવવા માટે નહી પરંતુ પોતાનો ઉદ્ધાર કરવા માટે આપ્યું છે. વિષયસેવન કરવાથી પરીણામમાં વિષયોમાં રાગ-આસક્તિ વધે છે કે જે પુનર્જન્મ તથા તમામ દુઃખોનું કારણ છે.વિષયોમાં વસ્તુતઃ સુખ છે જ નહી ફક્ત આરંભમાં ભ્રમવશ સુખ પ્રતિત થાય છે.જો વિષયોમાં સુખ હોત તો જેમની પાસે પ્રચુર ભોગસામગ્રી છે એવા મોટા મોટા ધનવાનો, ભોગી અને પદાધિકારીઓ સુખી થઇ જાત પરંતુ વાસ્તવમાં જોઇએ તો સમજાશે કે તેઓ દુઃખી અને અશાંત છે.

જેવી રીતે સ્વપ્નમાં જળ પીવાથી તરસ છીપાતી નથી એવી જ રીતે ભોગપદાર્થોથી શાંતિ મળતી નથી કે અંતરની ઇચ્છા દૂર થતી નથી.મનુષ્ય વિચારે છે કે આટલું આટલું ધન મળી જાય, આટલો સંગ્રહ થઇ જાય, આટલી વસ્તુઓ પ્રાપ્ત થઇ જાય તો શાંતિ મળી જશે પરંતુ એટલું મળી જવા છતાં પણ શાંતિ મળતી નથી.ઉલટાની વસ્તુઓના મળવાથી તેની લાલસા વધી જાય છે.ભોગપદાર્થોના ઉપભોગથી કામના ક્યારેય શાંત થતી નથી પરંતુ જેવી રીતે ઘી ની આહૂતિ આપવાથી અગ્નિ વધારે ભડકી ઉઠે છે તેવી જ રીતે ભોગવાસના પણ ભોગોને ભોગવવાથી પ્રબળ થાય છે.

ધન વગેરે ભોગપદાર્થો મળવા છતાં પણ તે વધારે મળી જાય એ ક્રમ ચાલતો રહે છે પરંતુ સંસારમાં જેટલું ધનધાન્ય છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે તે તમામ એકસામટી કોઇ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થતી નથી.એનું કારણ એ છે કે જીવ અવિનાશી પરમાત્માનો અંશ અને ચેતન છે અને ભોગપદાર્થો નાશવાન પ્રકૃતિના અંશ તથા જડ છે.ચેતનની ભૂખ જડ પદાર્થોના દ્વારા કેવી રીતે મટી શકે?

આપણે આજે જ દ્રઢ નિશ્ચય કરી લેવાનો છે કે મારે ભોગબુદ્ધિથી વિષયોનું સેવન કરવાનું નથી.સકળ સંસાર મળીને પણ મને તૃપ્ત કરી શકવાનો નથી.આમ કરવાથી ઇન્દ્રિયો નિર્વિષય બની જતાં મન નિર્વિકલ્પ અને બુદ્ધિ આપોઆપ સમ થઇ જાય છે અને બુદ્ધિ સમ થઇ જવાથી પરમાત્માની પ્રાપ્તિનો આપોઆપ અનુભવ થઇ જાય છે કેમકે પરમાત્મા તો સદા પ્રાપ્ત જ છે.વિષયોમાં પ્રવૃત્તિ હોવાના કારણે એમની પ્રાપ્તિનો અનુભવ થતો નથી.

ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસના અંતમાં પ્રાર્થના કરે છે કે જેવી રીતે કામીને સ્ત્રી ભોગ અને લોભીને ધન સંગ્રહ પ્રિય લાગે છે તેવી રીતે શ્રી રઘુનાથજીનું રૂપ અને રામનામ મને નિરંતર પ્રિય લાગો.

વિષયોનું સેવન કરવાથી સ્વયં ગૌણ બની જાય છે અને શરીર-સંસાર મુખ્ય બની જાય છે તેથી સ્વયં પણ જગતરૂપ બની જાય છે.

ગીતામૃતમ્..

જીવાત્માના સ્વરૂપને કોન જાણે છે અને કોન નથી જાણતો?

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૧૦નું ચિંતન કરીશું જેમાં જીવાત્માના સ્વરૂપને કોન જાણે છે? અને કોન નથી જાણતા? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..

ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુજ્જાનં વા ગુણાન્વિતમ્

વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ

(ઉત્ક્રામન્તમ્-શરીર છોડીને જતા, વા-અથવા, સ્થિતમ્-બીજા શરીરમાં સ્થિત થયેલા, વા-અથવા, ભુજ્જાનમ્-વિષયોને ભોગવી રહેલા, અપિ-પણ, ગુણાન્વિતમ્-ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને, વિમૂઢાઃ-અજ્ઞાનીજનો, ન અનુપશ્યન્તિ-નથી જાણતા,ફક્ત, જ્ઞાનચક્ષુષઃ-જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ, પશ્યન્તિ-જાણે છે.)

શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો જાણતા નથી ફક્ત જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ જાણે છે.

બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું-જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ-પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન,વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા,ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા,ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.(અવતારવાણી-૯૩)

સ્થુળ શરીરને છોડતી વેળાએ જીવ સુક્ષ્મ અને કારણશરીરને સાથે લઇને પ્રસ્થાન કરે છે આ ક્રિયાને ઉત્ક્રામન્તમ્ કહે છે.જ્યાંસુધી હ્રદયમાં ધડકન રહે છે ત્યાંસુધી જીવનું પ્રસ્થાન માનવામાં આવતું નથી. હ્રદયની ધડકન બંધ થઇ ગયા પછી પણ જીવ કેટલાક સમય સુધી રહી શકે છે.વાસ્તવમાં અચળ હોવાથી શુદ્ધ ચેતનતત્વનું આવાગમન થતું નથી.પ્રાણોનું જ આવાગમન થાય છે પરંતુ સુ્ક્ષ્મ અને કારણશરીરની સાથે સબંધ રહેવાના કારણે જીવનું આવાગમન કહેવામાં આવે છે.જેવી રીતે કેમેરા ઉપર વસ્તુનું જેવું પ્રતિબિંબ પડે છે તેનું તેવું જ ચિત્ર અંકિત થઇ જાય છે તેવી જ રીતે મૃત્યુ સમયે અંતઃકરણમાં જે ભાવનું ચિંતન થાય છે તે જ આકારનું સુક્ષ્મ શરીર બની જાય છે.

મનુષ્ય જ્યારે વિષયોને ભોગવે છે ત્યારે પોતાને બહુ સાવધાન માને છે અને વિષય સેવનમાં સાવધાન પણ રહે છે.વિષયી મનુષ્ય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ-આમાંથી પ્રત્યેક વિષયને સારી રીતે જાણે છે.પોતાની જાણકારીથી પ્રત્યેક વિષયનું બહુ સ્પષ્ટતાથી વર્ણન કરે છે..આટલી સાવધાની રાખવા છતાં પણ તે મૂઢ-અજ્ઞાની જ છે કારણ કે વિષયો પ્રત્યેની આ સાવધાની કોઇ કામની નથી પરંતુ મૃત્યુ પછી નરકો અને નીચ યોનિઓમાં લઇ જવાવાળી છે.

જીવાત્મા,પરમાત્મા અને સંસાર-આ ત્રણેના વિષયમાં શાસ્તો અને દાર્શનિકોના અનેક મતભેદો છે પરંતુ જીવાત્મા સંસારના બંધનથી મહાન દુઃખ પામે છે અને પરમાત્માના સબંધથી મહાન સુખ પામે છે આમાં બધા જ શાસ્ત્રો અને દાર્શનિકોનો એકમત છે.સંસાર એક ક્ષણ પણ સ્થિર રહેતો નથી-આ અકાટ્ય નિયમ છે.સંસાર ક્ષણભંગુર છે આ વાત કહેતાં,સાંભળતાં અને વાંચતા હોવાછતાં પણ મૂઢ મનુષ્યો સંસારને સ્થિર માને છે.ભોગસામગ્રી,ભોક્તા અને ભોગરૂપી ક્રિયા-આ બધાને સ્થાઇ માન્યા વિના ભોગ થઇ શકતો નથી.ભોગી મનુષ્યની બુદ્ધિ એટલી મૂઢ થઇ જાય છે કે તે આ ભોગોથી વધીને કંઇ છે જ નહી-એવો દ્રઢ નિશ્ચય કરી લે છે એટલા માટે આવા મનુષ્યના જ્ઞાનચક્ષુ બંધ રહે છે.તેઓ મૃત્યુને નિશ્ચિત જાણતા હોવા છતાં ભોગ ભોગવવા માટે મૃત્યુલોકમાં રહેવા છતાં પણ સદાય જીવતા રહેવાની ઇચ્છા રાખે છે.

જીવાત્મા જે સમયે સ્થૂળશરીરમાંથી નીકળીને સુક્ષ્મ અને કારણશરીર સહિત જાય છે,બીજા શરીરને પ્રાપ્ત થાય છે તથા વિષયોનો ઉપભોગ કરે છે-આ ત્રણેય અવસ્થામાં ગુણોથી લિપ્ત દેખાવા છતાં પણ વાસ્તવમાં તે પોતે નિર્લિપ્ત રહે છે.સ્વરૂપમાં ઉત્ક્રમણ, સ્થિતિ કે ભોક્તાપણું નથી.ગુણો સાથે સબંધ માનતા રહેવાના કારણે જ જીવાત્મામાં ઉત્ક્રમણ, સ્થિતિ અને ભોગ – આ ત્રણે ક્રિયાઓ પ્રતિત થાય છે.વાસ્તવમાં આત્માનો ગુણો સાથે સબંધ છે જ નહી.ભૂલથી જ તેને પોતાનો સબંધ ગુણો સાથે માની રાખ્યો છે જેના કારણે તેને વારંવાર ઉંચનીચ યોનિઓમાં જવું પડે છે.જીવ સ્વરૂપથી ગુણાતીત હોવાછતાં ગુણો સ્થળ કાળ વ્યક્તિ વસ્તુ સાથે સબંધ જોડીને તેમનાથી બંધાઇ જાય છે.

જેવી રીતે અલગ અલગ કાર્યો કરવા છતાં પણ આપણે તે જ રહીએ છીએ એવી રીતે ગુણોથી યુક્ત થઇને શરીરને છોડતી વખતે, અન્ય શરીરને પ્રાપ્ત થતી વેળાએ તથા ભોગ ભોગવતી વખતે પણ પોતે (આત્મા) તે જ રહે છે.પરીવર્તન તો ક્રિયામાં થાય છે.મૂઢલોકો ભોગ અને સંગ્રહમાં એટલા આસક્ત રહે છે કે શરીર વગેરે પદાર્થો નિત્ય રહેવાવાળા નથી તે વાત વિચારતા જ નથી.ભોગ ભોગવવાનું શું પરીણામ આવશે? એ બાજુ જોતા જ નથી.

પ્રાણી,પદાર્થ,ઘટના,પરિસ્થિતિ સ્થિર નથી.દ્રશ્ય માત્ર નિરંતર અદર્શનમાં જઇ રહ્યું છે-આવો પ્રત્યક્ષ અનુભવ થવો તેને જ જ્ઞાનરૂપી ચક્ષુઓથી દેખવું કહે છે.જ્ઞાની મનુષ્યનું સ્થૂળ શરીર તો છુટશે પરંતુ બીજા શરીરને પ્રાપ્ત કરવું તથા રાગ બુદ્ધિથી વિષયોનું સેવન કરવું એ તેના દ્વારા થતું નથી.જ્ઞાની મનુષ્યો જ્ઞાન નેત્રો દ્વારા એમ જુવે છે કે જન્મ-મૃત્યુ વગેરે બધી ક્રિયાઓ કે વિકારો અપરીવર્તનશીલ સ્વરૂપમાં નહી પરંતુ પરીવર્તનશીલ શરીરમાં જ છે.જ્ઞાનનેત્રવાળા મનુષ્યો આત્માને ગુણોથી રહિત વાસ્તવિક રૂપે જુવે છે.

ગુણોની સાથે સબંધ માનવાથી જીવ ગુણાન્વિત થઇ જાય છે.જો સબંધ ના માને તો તે નિર્ગુણ જ છે.ગુણો સાથે સબંધ થવાથી જ જન્મ-મરણ થાય છે.

જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી,તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે જ્ઞાન થતાં જ પા૫..વગેરે કર્મો સ્વંયમ્ સમાપ્‍ત થાય છે.રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી,તેવી જ રીતે હરિ ૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.જો કોઇ અજ્ઞાની મંજીલ-લક્ષ્‍ય પાસે જ ઉભો હોય અને પૂછે કે મારી મંજિલ શું છે? તો સમજી લેવું કે તે મંજિલથી અનભિજ્ઞ છે. બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કે હું તો અંદર-બહાર પરમાત્માથી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.

બ્રહ્મનું જ્ઞાન ગુરૂ વિના પ્રાપ્‍ત થઇ શકતું નથી.પુરાતન સંત મહાપુરૂષો,અવતારો..વગેરેના ઇતિહાસ વાંચવાથી આપણને જાણકારી મળે છે કે સદગુરૂએ જ તેમના ભાગ્યને ચમકાવ્યું હતું.જેટલા ૫ણ મહાપુરૂષો આજદિન સુધી થયા તેમને પોતાના પ્રયત્નોથી જ્ઞાનપ્રાપ્‍તિ થઇ શકી ન હતી.ભગવાન શ્રીરામ,ભગવાન શ્રીકૃષ્‍ણ,નાનકજી ૫ણ આ માયાનો ૫ડદો પોતાની જાતે જ હટાવી શક્યા ન હતા, એટલે કે તેમને ૫ણ સદગુરૂના દ્વાર ઉ૫ર નતમસ્તક થઇને જ જ્ઞાન પ્રાપ્‍ત કર્યું હતું.જ્ઞાનરથની દોરી (લગામ) આજદિન સુધી સદગુરૂના હાથોમાં જ રહી છે એટલે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષની કૃપાથી જ જિજ્ઞાસુઓને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.અજ્ઞાની લોકો ખોટો શોર (બાહ્ય આડંબર) મચાવીને સંસારને ભ્રાંતિઓમાં નાખી રહ્યા છે.

અજ્ઞાની વ્યક્તિ તન-મન-ધનને પોતાનું સમજીને કર્મ કરે છે અને તત્વજ્ઞાની ગુરૂમુખ વ્યક્તિ આ તન-મન-ધન શ્રી ભગવાનની સં૫ત્તિ છે તેમ સમજીને તેને ભગવત્સેવામાં જ પ્રયોગ કરે છે.મનુષ્યોએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્તિે કરવા માટે ધર્મ-અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્હ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્યને બાંધતાં નથી.

મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્તુ હોય તો તે ફક્ત વૈરાગ્ય છે.જેના જીવનમાં વૈરાગ્યે આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છતો નથી.

અજ્ઞાની પોતાના હ્રદયમાં "હું’’ અને "મારૂં’’ આવી મિથ્યા આસક્તિ કરી લે છે તે જ તેમના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂ૫થી સત્વપ્રધાન હોવાથી સ્વરૂ૫થી શુદ્ધ છે,પરંતુ અહંતા-મમતાના કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે ૫છી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે..નિરંતર તે ગુણોનું ચિંતન થાય છે તેનાથી કામના ઉત્પન્ન થાય છે..બુદ્ધિ દૂષિત થાય છે.આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્દિયો ૫રનો કાબૂ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઇને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવાં કર્મોમાં ફસાઇ જાય છે કે જેનું ૫રીણામ માત્ર દુઃખ જ દુઃખ છે.

ગીતામૃતમ્..

પરમાત્મા તત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે?

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૧૧નું ચિંતન કરીશું જેમાં પરમાત્મા તત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે? અને જેઓ યત્ન કરવા છતાં પણ પરમાત્મા તત્વને જાણતા નથી તેઓનામાં શું કમી હોય છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..

યતન્તો યોગિનશ્વૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્

યતન્તો અપિ અકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ

(યતન્તઃ-યત્ન કરનારા, યોગિનઃ-યોગીજનો,આત્મનિ-પોતાના હ્રદયમાં, અવસ્થિતમ્-સ્થિત, એનમ્-આ પરમાત્માતત્વનો, પશ્યન્તિ-અનુભવ કરે છે, -પરંતુ, અકૃતાત્માનઃ-જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા, અચેતસઃ-અજ્ઞાનીજનો, યતન્તઃ-યત્ન કરતા રહેવા છતાં, અપિ-પણ, એનમ્-આ તત્વનો, ન પશ્યન્તિ-અનુભવ નથી કરી શકતા.)

  યત્ન કરનારા યોગીજનો પોતાના હ્રદયમાં સ્થિત આ પરમાત્મા તત્વનો અનુભવ કરે છે પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્વનો અનુભવ કરી શકતા નથી.

ભક્તિયોગ દ્વારા ૫રમાત્માને પ્રાપ્ત,નિત્ય નિરંતર ૫રમાત્મા સાથે સંયુક્ત પુરૂષનું નામ "યોગી’’ છે. વાસ્તવમાં કોઇ૫ણ મનુષ્યનો ૫રમાત્માથી ક્યારેય વિયોગ થયો નથી, છે નહી, થઇ શકતો નથી અને સંભવ પણ નથી.આ વાસ્તવિકતાનો જેને અનુભવ કર્યો તે યોગી. આવો ભક્ત ૫રમાનંદના અક્ષય-અનંત ભંડાર પ્રભુ-૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લે છે તેથી સદાય તે સંતુષ્ટ રહે છે.સંસારી મનુષ્યને જે સંતોષ થાય છે તેની ખાત્રી થતાં અસંતોષ ઉત્પન્ન થાય છે તેથી તે હંમેશાં સંતુષ્ટ રહી શકતો નથી.

આ દ્રશ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર પરમાત્મા નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્યે યોનિની સાર્થકતા છે.પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.

પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે,અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે,વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી પરંતુ માનીને ચાલે છે.જ્યારે તુલસીદાસજીએ કહ્યું છે કે

"જાને બિનુ ન હોઇ પરતીતિ,બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ"

જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી,વિશ્વાસ પ્રાપ્ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.

સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની 

તેમને "જાની" ના બદલે "માની" નથી લખ્યું કેમ? કારણ કે તે જાણતા હતા કે જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.

જેનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમાત્માતત્વને પ્રાપ્ત કરવાનો છે તેઓનામાં અસંગતા-નિર્મમતા અને નિષ્કામતા આપમેળે આવી જાય છે.પરમાત્માતત્વથી સ્થળ કાળનું અંતર નથી.તે સમાનરૂપે સર્વત્ર તેમજ સદૈવ વિદ્યમાન છે તે જ સર્વ ભૂતોના હ્રદયમાં સ્થિત સર્વના આત્મા છે એટલા માટે યોગી લોકો પોતાની જાતમાં જ આ તત્વનો અનુભવ કરી લે છે.

પરમાત્માતત્વથી સ્થળ-કાળનું અંતર નથી,તે સમાનરૂપે સર્વત્ર તેમજ સદૈવ વિદ્યમાન છે,તે જ સર્વ ભૂતોના હ્રદયમાં સ્થિત સર્વના આત્મા છે એટલા માટે યોગી લોકો પોતાની જાતમાં જ આ તત્વનો અનુભવ કરી લે છે.સત્તા બે પ્રકારની હોય છેઃવિકારી અને સ્વતઃસિદ્ધ. જે સત્તા ઉત્પન્ન થયા પછી પ્રતિત થાય છે તે વિકારી સત્તા કહેવાય છે અને જે સત્તા ક્યારેય ઉત્પન્ન થતી નથી પરંતુ હંમેશાં અનાદિકાળથી જેમ છે તેમ રહે છે તે સ્વતઃસિદ્ધ સત્તા કહેવાય છે.આ દ્રષ્ટિએ સંસાર તેમજ શરીરની સત્તા વિકારી અને પરમાત્મા તેમજ આત્માની સત્તા સ્વતઃસિદ્ધ છે.

જીવે ભગવત્પ્રદત્ત વિવેકનો અનાદર કરીને જડ શરીરને હું અને મારૂં માની શરીર સાથે સબંધ માની લીધો આ જ જીવના બંધનનું કારણ છે.આ સબંધ એટલો દ્રઢ છે કે મરવા છતાં છુટતો નથી અને કાચો એટલો છે કે જ્યારે ઇચ્છે ત્યારે છોડી શકાય છે. વ્યષ્ટિમાં સમષ્ટિ અને સમષ્ટિમાં વ્યષ્ટિ રહેલી છે.જેમ સમુદ્ર અને લહેરો બંન્નેને એકબીજાથી અલગ કરી શકાતાં નથી તેવી જ રીતે આત્મા અને પરમાત્માને એક બીજાથી અલગ કરી શકાતાં નથી.સંસારમાં સુખાશક્તિ અને પરમાત્માથી વિમુખતા થઇ હોવાથી જ પરમાત્માનો પોતાની જાતમાં અનુભવ થતો નથી.પોતાની જાતમાં સ્થિત આત્મસ્થ પરમાત્માને જે જ્ઞાની મનુષ્યો નિરંતર દેખતા રહે છે તેમને જ શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે,બીજાને નહી.

કાનથી સાંભળીને,મનથી મનન કરીને,બુદ્ધિથી વિચાર કરીને..વગેરે ઉપાયોથી કોઇ તત્વને જાણી શકતો નથી કારણ કે ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,સ્થળ,કાળ,વસ્તુ વગેરે બધાં પ્રકૃતિનાં કાર્યો છે.પ્રકૃતિના કાર્યથી તે તત્વને કેવી રીતે જાણી શકાય કે જે પ્રકૃતિથી સર્વથા અતિત છે.આમ પ્રકૃતિના કાર્યનો ત્યાગ (સબંધ વિચ્છેદ) કરવાથી જ તત્વની પ્રાપ્તિ થાય છે.આ પરમાત્માતત્વ ન તો પ્રવચનથી, ન બુદ્ધિથી અને ન તો બહુ સાંભળવાથી પ્રાપ્ત થઇ શકે છે.

જેઓ પરમાત્માને પોતાના તથા પોતાને પરમાત્માના જાણે છે તે જ્ઞાનરૂપી નેત્રોવાળા યોગીલોકો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેથી પોતાને અલગ કરીને પોતાની જાતમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરી લે છે.પરંતુ જેઓ શરીરને પોતાનું અને પોતાને શરીરના માને છે તે વિમૂઢ અને અકૃતાત્મા પુરૂષો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેના દ્વારા યત્ન કરવા છતાં પણ પોતાની જાતમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરી શકતા નથી.

આત્મનિ અવસ્થિતમ્..પદમાં ભગવાને પોતાને તમામ પ્રાણીઓના આત્મામાં સ્થિત સર્વવ્યાપી બતાવ્યા છે.આનો અનુભવ કરવા ચાર વાતો દ્રઢતાપૂર્વક માની લેવી જોઇએઃપરમાત્મા અહી છે,પરમાત્મા અત્યારે છે,પરમાત્મા પોતાનામાં છે અને પરમાત્મા પોતાના છે.પરમાત્મા સર્વવ્યાપી હોવાથી અહી પણ છે.સર્વ સમયે ત્રણે કાળમાં હોવાથી અત્યારે પણ છે.સર્વમાં હોવાથી પોતાનામાં પણ છે.આ દ્રષ્ટિએ પરમાત્મા અહી હોવાથી તેમને પ્રાપ્ત કરવા માટે બીજી જગ્યાએ જવાની આવશ્યકતા નથી.અત્યારે હોવાથી એમની પ્રાપ્તિના માટે ભવિષ્યની પ્રતિક્ષા કરવાની આવશ્યકતા નથી.પોતાનામાં અંદર-બહાર ઓતપ્રોત હોવાથી એમને અન્યત્ર ખોળવાની આવશ્યકતા નથી અને પોતાના હોવાથી એમના સિવાય કોઇને પણ પોતાના માનવાની આવશ્યકતા નથી.

જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી, સંસારની વ્યક્તિ પદાર્થો વગેરેનું મહત્વ રહેલું છે અને જેઓ શરીર વગેરેને પોતાનાં માનીને તેમનાથી સુખભોગની આશા રાખે છે તે પુરૂષોને અકૃતાત્માનઃ કહેવામાં આવે છે.સત-અસતના જ્ઞાન(વિવેક)ને મહત્વ ન આપવાના કારણે એવા પુરૂષોને અચેતસઃ કહે છે. આવા પુરૂષો પરમાત્માતત્વને પ્રાપ્ત કરવા ઇચ્છે છે.પરમાત્મા જડ પદાર્થોની સહાયથી નહી પરંતુ જડતાનો ત્યાગ કરવાથી (સબંધ વિચ્છેદ) કરવાથી પ્રાપ્ત થાય છે.

વિષયોમાં દોષદર્શન જ્ઞાનમાર્ગની સાધનાથી સંભવ બને છે.જ્ઞાની અસતનો ત્યાગ કરીને સતને ગ્રહણ કરે છે.સંસાર અને તેના તમામ ૫દાર્થો અસત અને અનિત્ય છે એવું માનીને જ્ઞાની પોતાના મનને વિષયોન્મુખ થવા દેતા નથી.જે જ્ઞાની હોય છે જેમને સદગુરૂની કૃપાથી પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લીધી હોય છે તે આ જગતમાં રહેવા છતાં શરીરના માધ્યમથી પ્રભુ ૫રમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હોય છે.જ્ઞાની ભક્તને અનુકૂળમાં અનુકૂળ અને પ્રતિકૂળમાં પ્રતિકૂળ ૫રિસ્થિતિ ઘટના વ્યક્તિ વસ્તુ વગેરે બધું ભગવત્સ્વરૂ૫ જ દેખાય છે.તેને અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં ફક્ત ભગવત લીલા જ દેખાય છે.જ્ઞાની ભક્તોમાં સહેજ૫ણ કોઇ ઇચ્છા હોતી નથી તેઓ ફક્ત ભગવાનના પ્રેમમાં જ મસ્ત રહે છે.

ગીતામૃતમ્..પરમાત્મા જ તમામ શક્તિઓના મૂળ છે.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.પંદરમા અધ્યાય પાંચ-પાંચ શ્ર્લોકના ચાર પ્રકરણો છે.ત્રીજા પ્રકરણમાં બારથી પંદરમા શ્ર્લોક સુધી ભગવાનના પ્રભાવ અને મહત્વને પ્રગટ કરેલ છે.છઠ્ઠા શ્લોકમાં જે વિષય,પરમધામને સૂર્ય-ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં સ્પષ્ટ થઇ શક્યો નહોતો તેનું સ્પષ્ટ વિવેચન પંદરમા અધ્યાયના શ્લોક-૧૨માં કરતાં ભગવાન કહે છે કે..

યદાદિત્યગતં તેજો જગદ્ભાસતેઅખિલમ્

યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નો તત્તેજો વિદ્ધિ મામકમ્..

(આદિત્યગતમ્-સૂર્યને પ્રાપ્ત થયેલું, યત્-જે, તેજઃ-તેજ, અખિલમ્-આખા, જગત્-જગતને, ભાસયતે-પ્રકાશિત કરે છે અને, યત્-જે તેજ, ચંદ્રમસિ-ચંદ્રમામાં છે, -અને, યત્-જે, અગ્નૌ-અગ્નિમાં છે, તત્-એને તૂં, મામકમ્-મારૂં જ, તેજઃ-તેજ, વિદ્ધિ-જાણ.) 

સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તૂં મારૂં તેજ જાણ.

પ્રભાવ અને મહત્વની તરફ આકર્ષિત થવું એ જીવનો સ્વભાવ છે.પ્રાકૃત પદાર્થોના સબંધથી જીવ પ્રાકૃત પદાર્થોના પ્રભાવથી પ્રભાવિત થઇ જાય છે કારણ એ છે કે પ્રકૃતિમાં સ્થિત થવાના કારણે જીવને ભગવાનનું નહી પરંતુ પ્રાકૃત પદાર્થો શરીર સ્ત્રી પૂત્ર ધન વગેરેનું મહત્વ દેખાય છે.આથી જીવ ઉપર પડેલ પ્રાકૃત પદાર્થોનો પ્રભાવ હટાવવા માટે પોતાના પ્રભાવનું વર્ણન કરતાં ભગવાન રહસ્ય પ્રગટ કરે છે કે પ્રાકૃત પદાર્થોમાં જે પ્રભાવ અને મહત્વ દેખાય છે તે મૂળમાં મારૂં જ છે.સર્વોપરી પ્રભાવશાળી હું જ છું.મારા પ્રકાશથી જ બધાં પ્રકાશિત થઇ રહ્યાં છે.

જેવી રીતે મનમાં સ્થિત કામનાઓ મનનો ધર્મ કે સ્વરૂપ ન હોઇ આગંતુક છે તેવી જ રીતે સૂર્યમાં સ્થિત તેજ સૂર્યનો ધર્મ કે સ્વરૂપ ન હોઇને આગંતુક છે એટલે કે તે તેજ સૂર્યનું પોતાનું નહી પરંતુ ભગવાન પાસેથી આવેલું છે.સૂર્ય નેત્રના અધિષ્ઠાન દેવતા છે.આથી નેત્રોમાં જે પ્રકાશ (જોવાની શક્તિ) છે, ચંદ્રમાં પ્રકાશની સાથે શિતળતા મધુરતા પોષણ વગેરે જે પણ ગુણો છે તે બધો ભગવાનનો જ પ્રભાવ છે.ચંદ્ર મનના દેવતા છે એટલે મનની મનન કરવાની શક્તિ ભગવાન પાસેથી આવેલી સમજવી જોઇએ તથા અગ્નિની પ્રકાશિકા શક્તિ અને દાહિકા શક્તિ ભગવાનની છે આમ પરમાત્મા જ તમામ શક્તિઓના મૂળ છે.

આ સબંધમાં કેનોઉપનિષદમાં એક વાર્તા આવે છે કે એકવાર ભગવાને દેવતાઓને અસુરો ઉપર વિજ્ય પ્રાપ્ત કરાવ્યો પરંતુ વિજ્ય મળતાં દેવતાઓને પોતાની શક્તિનું અભિમાન થયું.તેઓ પોતાની શક્તિથી જ અસુરો ઉપર વિજ્ય મેળવ્યો છે એવું સમજવા લાગ્યા.દેવતાઓના આ અભિમાનને નષ્ટ કરવા માટે ભગવાન યક્ષનું રૂપ લઇને તેમની સામે પ્રગટ થયા.યક્ષને જોઇને દેવતાઓ આશ્ચર્યચક્તિ થઇને વિચારવા લાગ્યા કે આ યક્ષ કોન છે? તેમનો પરીચય મેળવવા માટે દેવતાઓએ અગ્નિદેવને તેમની પાસે મોકલ્યા.યક્ષના પુછવાથી અગ્નિદેવે કહ્યું કે હું જાતવેદા નામથી પ્રસિદ્ધ અગ્નિદેવતા છું અને હું ધારૂં તો પૃથ્વીમાં જે કાંઇ છે તે તમામને બાળીને ભસ્મ કરી શકું છું.ત્યારે યક્ષે તેમની સામે એક ઘાસનું તણખલું મુક્યું અને કહ્યું કે તમે આ તણખલાને બાળી નાખો.અગ્નિદેવ તેમની પુરી શક્તિ લગાવીને પણ તે તણખલાને બાળી શક્યા નહી.અગ્નિદેવ લજ્જિત થઇને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે તે યક્ષ કોન છે તે હું જાણી શક્તો નથી.ત્યારે દેવતાઓએ વાયુદેવને યક્ષ પાસે મોકલ્યા.યક્ષના પુછવાથી વાયુદેવે કહ્યું કે હું માતરિશ્વા નામથી પ્રસિદ્ધ વાયુદેવતા છું અને હું ધારૂં તો પૃથ્વીમાં જે કાંઇ છે તેને ઉડાડી શકું છું. ત્યારે યક્ષે તેમની સામે પણ એક તણખલું મુકીને કહ્યું કે તમે આ તણખલાને ઉડાડી દો.વાયુદેવ પોતાની તમામ શક્તિ લગાવીને પણ તે તણખલાને ઉડાડી ના શક્યા.તેઓ પણ લજ્જિત થઇને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે હું તે યક્ષને જાણી શક્યો નથી.ત્યારે દેવતાઓએ ઇન્દ્રને તે યક્ષનો પરીચય જાણવા માટે મોકલ્યા પરંતુ ઇન્દ્રના ત્યાં પહોંચતાં જ યક્ષ અંતર્ધાન થઇ ગયા અને તેમની જગ્યાએ હિમાચલ પૂત્રી ઉમાદેવી પ્રગટ થયાં અને કહ્યું કે સ્વંય ભગવાન જ તમારા લોકોનું અભિમાન નષ્ટ કરવા માટે યક્ષના રૂપમાં પ્રગટ થયા હતા.કહેવાનો ભાવ એ છે કે પરમાત્માની સાચી માહિતી કોન પુરી પડે? બ્રહ્મવિદ્યા. ભગવતી ઉમાદેવીની જેમ સાધકના જીવનમાં ગુરૂકૃપાથી બ્રહ્મવિદ્યાનો પ્રકાશ પ્રગટે છે ત્યારે તમામ શંકાઓ અને ભ્રાન્તિઓ દૂર થાય છે અને સમજ નિર્માણ થાય છે કે સૃષ્ટિમાં જે કાંઇ બળવત્તા, વિશેષતા, વિલક્ષણતા જોવામાં આવે છે તે બધી ભગવાનમાંથી જ આવેલી છે.

ભગવાન કહે છે કે જે જે ઐશ્વર્યસંપન્ન,શોભાયુક્ત અને શક્તિયુક્ત પ્રાણી તથા પદાર્થો છે તેને તૂં મારા જ તેજ (યોગ-સામર્થ્ય)ના અંશથી ઉત્પન્ન થયેલું સમજ.સંસારમાત્રમાં જે કાંઇ સજીવ-નિર્જીવ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ ગુણ ભાવ ક્રિયા વગેરેમાં જે કંઇ ઐશ્વર્ય દેખાય,શોભા કે સૌદર્ય દેખાય તથા જે કંઇપણ વિશેષતા વિલક્ષણતા યોગ્યતા દેખાય તે બધાં મારા તેજના એક અંશથી ઉત્પન થયેલાં જાણ.

મનુષ્યને જેમાં જેમાં વિશેષતા માલૂમ પડે તેમાં તેમાં ભગવાનની જ વિશેષતા માનીને ભગવાનનું જ ચિંતન થવું જોઇએ.જો ભગવાનને છોડીને બીજી વસ્તુ-વ્યક્તિ વગેરેની વિશેષતા દેખાય તો એ પતનનું કારણ છે.જેવી રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના મનમાં જો પતિના સિવાય બીજા કોઇ પુરૂષની વિશેષતા રાખે તો તેનું પાતિવ્રત્ય ભંગ થઇ જાય છે એવી રીતે ભગવાન સિવાય બીજી કોઇ વસ્તુની વિશેષતાને લીધે મન ખેંચાય તો વ્યભિચારદોષ આવી જાય છે એટલે કે ભગવાનના અનન્યભાવનું વ્રત ભંગ થઇ જાય છે.

ચંદ્રમા મનના અધિષ્ઠાન દેવતા છે.આથી મનમાં જે પ્રકાશ-મનન કરવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી જોઇએ.અગ્નિ વાણીના અધિષ્ઠાન દેવતા છે આથી વાણીમાં જે પ્રકાશ-અર્થપ્રકાશ કરવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી જોઇએ.જે તેજ સૂર્ય-ચંદ્રમા અને અગ્નિમાં છે અને જે તેજ આ ત્રણેના પ્રકાશથી પ્રકાશિત અન્ય પદાર્થો તારા,નક્ષત્રો,વિદ્યુત આગિયા વગેરેમાં દેખવા તથા સાંભળવામાં આવે છે તેને ભગવાનનું જ તેજ સમજવું જોઇએ.ભગવાન કહે છે કે મનુષ્ય જે જે તેજસ્વી પદાર્થની તરફ આકર્ષિત થાય છે તે તે પદાર્થમાં તેણે મારો જ પ્રભાવ દેખવો જોઇએ.જેવી રીતે બૂંદીના લાડુમાં જે મીઠાશ છે તે તેની પોતાની નથી પરંતુ ખાંડની છે.એવી જ રીતે સૂર્ય,ચંદ્રમા અને અગ્નિમાં જે તેજ છે તે તેમનું પોતાનું નથી પરંતુ ભગવાનનું જ છે. ભગવાનના પ્રકાશથી જ આ સકળ જગત પ્રકાશિત થાય છે.તે તમામ જ્યોતિઓની પણ જ્યોતિ છે.

ગીતામૃતમ્..

સૂર્ય-ચંદ્ર-પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.દેખાવાવાળા પદાર્થોમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી હવે જે શક્તિથી સમષ્ટિ-જગતમાં ક્રિયાઓ થઇ રહી છે તે સમષ્ટિ-શક્તિમાં પોતાનો પ્રભાવ પ્રગટ કરતાં પંદરમા અધ્યાયના શ્ર્લોક-૧૩માં કરતાં ભગવાન કહે છે કે..

ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા

પુષ્ણામિ ચૌષધિઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ

(અહમ્ ચ-હું જ, ગામ્-પૃથ્વીમાં, આવિશ્ય-પ્રવેશીને, ઓજસા-પોતાની શક્તિથી, ભૂતાનિ-સઘળા પ્રાણીઓને, ધારયામિ-ધારણ કરૂં છું, -અને હું જ, રસાત્મકઃ-રસસ્વરૂપ, સોમઃ-ચંદ્રમા, ભૂત્વા-બનીને, સર્વાઃ-સઘળી, ઔષધિઃ-વનસ્પતિઓને-ઔષધિઓને, પુષ્ણામિ-પુષ્ટ કરૂં છું.)

હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી તમામ પ્રાણીઓને ધારણ કરૂં છું અને હું જ રસસ્વરૂપ ચંદ્રમા બનીને તમામ વનસ્પતિ-ઔષધિઓને પુષ્ટ કરૂં છું.

 ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશ કરીને તેના પર રહેલા તમામ સ્થાવર-જંગમ પ્રાણીઓને ધારણ કરે છે એટલે કે પૃથ્વીમાં જે ધારણશક્તિ દેખવામાં આવે છે તે પૃથ્વીની પોતાની ન હોઇ ભગવાનની છે.પૃથ્વીની અપેક્ષાએ જળસ્તર ઉંચુ છે અને પૃથ્વી પર જળનો ભાગ સ્થળની અપેક્ષાએ બહુ વધારે છે આમ હોવા છતાં પણ પૃથ્વી જળમગ્ન થતી નથી આ ભગવાનની ધારણશક્તિનો પ્રભાવ છે.પૃથ્વીમાં અન્ન વગેરે ઔષધિઓ ને ઉત્પન્ન કરવાની ઉત્પાદિકા શક્તિ તેમજ ગુરૂત્વાકર્ષણશક્તિ પણ ભગવાનની સમજવી જોઇએ.

પ્રકૃતિનું સૌથી સ્થૂલતત્વ પૃથ્વી છે તેમાંથી અન્ન,ઔષધિ,વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ થાય છે. બધું ઉત્પાદીત તત્વ ભૂમિમય છે.આખું જગત ભૂમિમય છે.પૃથ્વી પાસેથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લેવાનો છે.પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી ૫રો૫કાર કેવી રીતે કરવો? તેનો બોધ લેવાનો છે.

ચંદ્રમાના માધ્યમથી તમામ વનસ્પતિઓને ભગવાન પુષ્ઠ કરે છે.અહી સોમ-પદ ચંદ્રમંડળનું નહી પરંતુ ચંદ્રલોકનું વાચક છે જે સૂર્યથી પણ ઉપર છે.નેત્રોથી આપણને જે દેખાય છે તે ચંદ્રમંડળ છે.ચંદ્ર મંડળથી ઉપર આંખોથી ન દેખાવાવાળો ચંદ્રલોક છે.ભગવાન જ ચંદ્રમાને નિમિત્ત બનાવીને સૌનું પોષણ કરે છે.

હે મુમુક્ષ માનવ ! ઉ૫ર જે સૂર્ય-ચંદ્રમા અને તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે ૫ણ નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે.દશમો બ્રહ્મ તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે.માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે.તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે.

એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા વિષ્ણું મહેશ તથા કાળ કર્મ ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્ટ્રિેને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.

ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા અસ્થિ જાયતે વિ૫રિણમમતે અ૫ક્ષી૫તે અને નશ્યઆતિ-આ ક્રમ છે.ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું, સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો,આવતી કાલ ઉ૫ર ના છોડવું.શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે ૫રંતુ કૃષ્ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી છતાં તે એટલો જ શાંત-સ્વસ્થ અને સમાધાની છે. આ૫ણા જીવનમાં ૫ણ એક દિવસ એવો આવશે કે જયારે આ૫ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ નહી,આ૫ણા અસ્તિસત્વની કોઇ નોંધ ૫ણ નહી લે તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે.

તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.જ્યાં પ્રભુ ૫રમાત્મા સ્વરૂ૫તઃ સ્થિત છે ત્યાં નથી દિવસ કે રાત..ત્યાં નથી સૂર્ય કે ચંદ્ર..ત્યાં તારા નથી કે નથી ધરતી આકાશ પવન પાણી એટલું જ નહી ત્યાં તો કાળની સત્તા ૫ણ ૫હોંચતી નથી.ત્યાં ધૂ૫ છાંવ ૫ણ નથી, તેને તે જ જાણી શકે છે જેની ત્યાં દ્દષ્ટિ ૫હોંચે છે.તે સ્વરૂ૫ સર્વથી ભિન્ન છે અદ્રિતિય છે.

આકાશમાં સૂર્ય જેવા અનેક ગ્રહો તારાઓ બધું જ છે છતાં સૂર્યને જ ભગવાન શું કામ કહ્યાં? આમ તો સૂર્ય, અગ્નિ, ચંદ્ર, તારા, વીજળી આ બધામાંથી આપણને પ્રકાશ-ઉજાસ મળે જ છે પણ દરેક પાસે મર્યાદા છે જેમ કે તારાઓ એટલા દૂર છે કે તેનો પ્રકાશ પૃથ્વી પર પાથરી શકતા નથી.અગ્નિ પ્રકાશ આપે છે પણ તેને પ્રજ્વલિત કરવો પડે.વીજળીનો પ્રકાશ અલ્પ ચમકારો છે.ચંદ્ર પર પ્રકાશિત છે.આ બધામાં સૂર્યનો પ્રકાશ જ સ્વયંભૂ સર્વવ્યાપક સર્વસમાન અને જીવનદાયક છે.સૂર્ય આપણને સમયકાળનું ભાન કરાવે છે. સૂર્ય થકી જ સવાર-સાંજ, દિવસ, રાત, ઋતુ-વર્ષ વગેરે ઉભાં થાય છે.સંપૂર્ણ સૃષ્ટિની ઉરિવશશક્તિ સૂર્યના કિરણોમાંથી જ પ્રાપ્ત થાય છે માટે સૂર્યને નારાયણ અર્થાત ભગવાન તરીકેનું સ્થાન આપણે આપ્યું છે એટલે કે જ્યાં સૂરજ ચંદ્રમા તારાઓ અગ્નિ વગેરે નથી ત્યાં નિરાકાર પ્રભુ પરમાત્માનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે.આ પ્રભુમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે.

મનના માલિક દેવ ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્યદેવ છે.આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય.બંને વાસનાઓના સંપૂર્ણ વિનાશ વગર મોહનો વિનાશ થતો નથી અને મોહનો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે તેથી તેના ધારક ઉત્પાદક પાલક સંરક્ષક પ્રકાશક ભગવાન છે.ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે.

ગીતામૃતમ્..

તમામના શરીરમાં હું પ્રાણ-અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિરૂપે ચાર પ્રકારના અન્નને પચાવું છું.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.સૂર્ય-ચંદ્ર-પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે તેથી તેના ધારક ઉત્પાદક પાલક સંરક્ષક પ્રકાશક ભગવાન છે.ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે.સમષ્ટિશક્તિમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી જે શક્તિથી વ્યષ્ટિજગતમાં ક્રિયાઓ થઇ રહી છે તેમાં પોતાનો પ્રભાવ બતાવતાં ભગવાન ગીતા(૧૫/૧૪)માં કહે છે કે..

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ

પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્

(પ્રાણિનામ્-સર્વ પ્રાણીઓના, દેહમ્-શરીરમાં, આશ્રિતઃ-રહેવાવાળો, અહમ્-હું જ, પ્રાણાપાન સમાયુક્ત -પ્રાણ અને અપાનથી યુક્ત, વૈશ્વાનરઃ-વૈશ્વાનર જઠરાગ્નિ, ભૂત્વા-થઇને, ચતુર્વિધમ્-ચાર પ્રકારનાં, અન્નમ્-અન્નને,પચામિ-પચાવું છું.)

   તમામ પ્રાણીઓના શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ અને અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિ થઇને ચાર પ્રકારના અન્નને પચાવું છું.

પ્રાણીઓના શરીરને પુષ્ઠ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવાને માટે ભગવાન જ વૈશ્વાનર જઠરાગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહે છે.

અગ્નિનાં બે કાર્યો છેઃપ્રકાશ કરવો અને પચાવવું, જે ભગવાનની જ શક્તિથી થાય છે.પ્રાણીઓના શરીરોને પુષ્ઠ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવા માટે ભગવાન જ વૈશ્વાનર અગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહી ચાર પ્રકારના અન્નને પચાવે છે.

શરીરમાં પ્રાણ,અપાન,સમાન,ઉદાન અને વ્યાન-આ પાંચ મુખ્ય વાયુ તેમજ નાગ,કૂર્મ,કૃકર,દેવદત્ત અને ધનંજય-આ પાંચ ઉપપ્રધાન વાયુ રહે છે.આ દશ પ્રાણવાયુઓના અલગ-અલગ કાર્યો છે.

પ્રાણવાયુનું સ્થાન હ્રદય છે.શ્વાસ બહાર કાઢવો, ખાધેલા અન્નને પચાવવું વગેરે તેના કાર્યો છે.

અપાનવાયુનું નિવાસસ્થાન ગુદા છે.શ્વાસને અંદર લઇ જવો,મળ-મૂત્રને બહાર કાઢવાં ગર્ભને બહાર કાઢવો વગેરે તેનાં કાર્યો છે.

સમાનવાયુનું નિવાસસ્થાન નાભિ છે.પચેલા ભોજનના રસને બધા અંગોમાં વહેંચવો તેનાં કાર્યો છે.

ઉદાનવાયુનું નિવાસસ્થાન કંઠ છે.જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે તેના ઘટભાગ અને જળભાગને તે અલગ-અલગ કરે છે.સૂક્ષ્મશરીરને સ્થૂળશરીરથી બહાર કાઢવાનું તથા તેને બીજા શરીર કે લોકમાં લઇ જવાનું પણ તેનું જ કાર્ય છે.

વ્યાનવાયુનું નિવાસસ્થાન સમગ્ર શરીર છે.શરીર તથા તેના અંગોને સંકોચવાં કે ફેલાવવાં તેનું કાર્ય છે.

નાગવાયુનું કાર્ય ઓડકાર લેવાનું છે.

કૂર્મવાયુનું કાર્ય આંખોને ખોલવી અને બંધ કરવાનું છે.

કૃકરવાયુનું કાર્ય છીંક ખાવાનું છે.

દેવદત્તવાયુનું કાર્ય બગાસુ ખાવાનું છે.

ધનંજયવાયુ મૃત્યુ પછી પણ શરીરમાં રહે છે.

વાયુ પાસેથી સંગ્રહ ન કરવો,ગતિ-નિર્લિ૫તા અને અપરીગ્રહતાની વાતો શિખવાની છે.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ.અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ સંગ્રહ ના કરવો એ એક પ્રકારનો વિકાસ છે તે વાયુ પાસેથી શિખવાનો છે.બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધ તથા ર્દુગંધ બંને લઇને આવે છે.સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્ત રહે છે.

જગતમાં ઘણા અવાજો આવશે પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિ‍ર થઇ જાય છે ત્યા‍ર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્નિત શાંત ૫ડી જાય છે તેમ સત્વરગુણની વૃધ્ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની જાય છે.

પ્રાણવાયુની ગતિ દીર્ધ અને અપાનવાયુની ગતિ લઘુ હોય છે.આ બંન્નેને સમ કરવા માટે ૫હેલાં ડાબી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને જમણી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો પછી જમણી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને ડાબી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો.આ બધી ક્રિયાઓમાં યોગ્ય સમય લાગવો જોઇએ.આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી પ્રાણ અને અપાનવાયુની ગતિ સમ, શાંત અને સૂક્ષ્મ બની જાય છે.જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે સમજવું જોઇએ કે પ્રાણ અપાનની ગતિ સમ બની ગઇ છે.આ બંન્નેની ગતિ સમ થતાં લક્ષ્ય  ૫રમાત્માનું જ રહેવાથી મન વડે સ્વાભાવિક જ ૫રમાત્માનું ચિંતન થવા લાગે છે.

જીવને બે શક્તિઓ મળેલી છેઃપ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને ભોગવવાની ઇચ્છા થાય છે.પ્રાણશક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે.પ્રાણશક્તિનું ક્ષીણ થવું એ જ મૃત્યુ કહેવાય છે.જડનો સંગ કરવાથી કંઇક કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે. પ્રાણશક્તિ રહેતાં જ ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્ય જીવનમુક્ત બની જાય છે.પ્રાણશક્તિ નષ્ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો ૫ડે છે. નવું શરીર મળતાં ઇચ્છાશક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે,પ્રાણશક્તિ નવી મળી જાય છે.

પ્રાણીઓ ચાર પ્રકારના અન્નનું ભોજન કરે છે.

ભોજ્ય-જે અન્ન દાંતોથી ચાવીને ખાવામાં આવે છે જેવાં કે રોટલી-રોટલા પૂળા વગેરે

પેય-જે અન્ન ગળવામાં આવે છે જેમકે દૂધ-રસ વગેરે

ચોષ્ય-દાંતોથી દબાવીને જે ખાદ્યપદાર્થનો રસ ચૂસવામાં આવે છે અને બચેલા અસાર ભાગને થુંકી દેવામાં આવે છે જેવાં કે શેરડી કેરી વગેરે.વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓ આ રીતે અન્નને ગ્રહણ કરે છે.

લેહ્ય-જે અન્ન જીભથી ચાટવામાં આવે છે જેવાં કે ચટણી-મધ વગેરે.

અન્નના ઉપરોક્ત ચાર પ્રકારોમાં પણ એક-એકના અનેક ભેદ છે.આ ચાર પ્રકારના ભરપૂર આહાર માત્ર મનુષ્યોને જ મળે છે.બીજા પ્રાણીઓને આ ચારે પ્રકારના આહાર મળતા નથી.

 પૃથ્વીમાં પ્રવિષ્ટ થઇને તમામ પ્રાણીઓને ધારણ કરવાં,ચંદ્રમા થઇને તમામ વનસ્પતિઓનું પોષણ કરવું પછી તે વનસ્પતિઓને ખાનારાં પ્રાણીઓની અંદર જઠરાગ્નિ થઇને ખાધેલા અન્નને પચાવવું વગેરે બધાં જ કાર્યો ભગવાનની જ શક્તિથી થાય છે પરંતુ મનુષ્યો તે કાર્યોને પોતાના દ્વારા થતાં હોવાનું માનીને ફોગટમાં જ અભિમાન કરે છે.અહંકરોમીતિ વૃથાભિમાનઃ’ જેમકે બળદગાડાની નીચે ચાલનારૂં કૂતરૂં સમજે છે કે બળદગાડું હું જ ચલાવું છું !

 ગીતામૃતમ્..

હું સૌ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન અને અપોહન થાય છે.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.પોતાની પ્રભાવયુક્ત વિભૂતિઓનું વર્ણન કરીને વિષયનો ઉપસંહાર કરતાં ભગવાન સર્વ રીતે જાણવા યોગ્ય તત્વ પોતાને જ બતાવતાં ગીતા(૧૫/૧૫)માં કહે છે કે..

સર્વસ્ય ચાહં હ્રદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ

વેદૈશ્ચ સર્વેરહમેવ વેદ્યો વેદાન્તકૃત્દ્વેદવિદેવ ચાહમ્

(અહમ્ ચ-હું જ, સર્વસ્ય-સૌ પ્રાણીઓનાં, હ્રદિ-હ્રદયમાં, સન્નિવિષ્ટ-સ્થિત છું, -અને, મત્તઃ-મારાથી, સ્મૃતિઃ-સ્મૃતિ, -તેમજ, અપોહનમ્-અપોહન-સંશય વગેરે દોષોનો નાશ થાય છે, સર્વેઃ વેદૈઃ-બધા વેદો વડે, અહમ્-હું, એવ-જ, વેદ્ય-જાણવાયોગ્ય છું, વેદાન્તકૃત્-વેદોના તત્વનો નિર્ણય કરવાવાળો, -અને, વેદવિત્-વેદોને જાણનાર પણ, અહમ્-હું, એવ-જ છું.)  

હું જ સૌ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન તેમજ અપોહન-સંશય વગેરે દોષોનો નાશ થાય છે.બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.વેદોના તત્વનો નિર્ણય કરવા વાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.

શરીર-મન-બુદ્ધિ વગેરે બધા જ સ્થાનોમાં ભગવાન વિદ્યમાન છે તેમ છતાં હ્રદયમાં તેઓ વિશેષરૂપે વિદ્યમાન છે.હ્રદય શરીરનું પ્રધાન અંગ છે.જેવી રીતે ગાયના સમસ્ત શરીરમાં દૂધ વ્યાપ્ત હોવા છતાં પણ તે તેનાં સ્તનમાંથી જ પ્રાપ્ત થાય છે.પૃથ્વીમાં સર્વત્ર જળ રહેવા છતાં તે કૂવા વગેરેથી જ પ્રાપ્ત થાય છે. બધી જાતના ભાવો હ્રદયમાં જ થાય છે.સમસ્ત કર્મોમાં ભાવ જ પ્રધાન હોય છે.ભાવની શુદ્ધિથી તમામ પદાર્થ ક્રિયા વગેરેની શુદ્ધિ થઇ જાય છે.પરમાત્મા સર્વવ્યાપી હોવાછતાં હ્રદયમાં પ્રાપ્ત થાય છે.જડતા સાથે સબંધ વિચ્છેદ થતાં સર્વત્ર વિદ્યમાન પરમાત્માતત્વ આપમેળે અનુભવમાં આવી જાય છે.

કોઇ બાબતની ભુલાયેલી જાણકારીનું પુનઃ પ્રાપ્ત થવું સ્મૃતિ કહેવાય છે.સ્મૃતિ અને ચિંતનમાં ફરક છે.નવી બાબતનું ચિંતન અને જુની બાબતની સ્મૃતિ થાય છે.ચિંતન સંસારનું અને સ્મૃતિ પરમાત્માની થાય છે.પરમાત્માનો અંશ હોવાછતાં પણ જીવ ભૂલથી પરમાત્માથી વિમુખ થઇ જાય છે અને પોતાનો સબંધ સંસાર સાથે માનવા લાગે છે.આ ભૂલનો નાશ થતાં હું સંસારનો નહી પરંતુ ભગવાનનો જ છું એવો અનુભવ થઇ જવો એ જ સ્મૃતિ છે.

સંસારની સ્મૃતિ હટાવવાથી હટવાની નથી વારંવાર ૫રમાત્માની સ્મૃતિનો અભ્યા‍સ કરવાથી સંસારની સ્મૃતિ આપો આ૫ નીકળી જશે.વારંવાર ૫રમાત્માની સ્મૃતિનો અભ્યાસ કરીએ,ચિંતા છોડી દઇએ અને સંસારની સ્મૃતિની જગ્યાએ પ્રભુ ૫રમાત્માની સ્મૃતિને લાવીને બેસાડી દઇએ,તેમ કરવામાં મન ના લાગે તો ૫ણ અભ્યાસ ચાલુ રાખીએ.એકવાર ૫રમાત્માની સ્મૃતિમાં મિઠાસ આવશે તો ૫છી જગતના તમામ રસ ફિક્કા લાગશે એટલે ૫રમાત્માના નામનું સુમિરણ કરીએ,અભ્યાસ સુમિરણનો કરીએ,અભ્યાસ કરતાં કરતાં તેમાં સ્વાદ આવવા લાગશે, રૂચિ પેદા થશે, મિઠાસ આવવા લાગશે.જ્યાંસુધી મિઠાસ ના આવે ત્યાં સુધી અભ્યાસપૂર્વક સુમિરણ કરીએ.

આહારની શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.અંતઃકરણની શુદ્ધિથી સ્મૃતિ (બુદ્ધિ) સ્થિર થાય છે અને સ્મૃતિની સ્થિરતાથી જીવ અને માયાના સંબંધથી થતા રાગ-દ્વેષાત્મકની ગાંઠ છૂટી જાય છે.અંતકાળમાં ભગવાનની સ્મૃતિ બનેલી રહે તેના માટે ભગવાનના નામનું સુમિરણ ભગવાનની લીલાઓનું ચિંતન ભગવાનની કથાનું શ્રવણ સંતમહાપુરૂષોનો સત્સંગ કરવો જોઇએ.જે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તેના માટે અંતકાળમાં ભગવાનની સ્મૃતિ સુલભ બની જાય છે કારણ કે ભગવાને આશ્વાસન આપ્યું  છે કે જે જીવનભર મારૂં ચિન્તન કરે છે તેને કદાચ અંતકાળમાં કંઠ રૂધાઇ જતાં પ્રભુ નામ સુમિરણ ના થઇ શકે તેવા સમયે હું તેમનું સ્મરણ કરૂં છું.આમ અંતિમ સમયની સ્મૃતિ પુરૂષાર્થ સાધ્ય નહીં ૫રંતુ ભગવત્કૃપાસાધ્ય છે અને આ ભગવત્કૃપા શરણાગત ભક્તના માટે સહજ સુલભ છે એટલે જન્મ-મરણના બંધનથી છુટવા ભગવાનની શરણાગતિ અને ભગવાનના નામનું સતત સુમિરણ એકમાત્ર ઉપાય છે.

વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે,કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે,ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે,મૂઢતાથી સ્મૃતિ નષ્ટ થઇ જાય છે.સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત વિવેક નાશ પામે છે.બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું ૫તન થાય છે.

કોઇ વિષયની જાણકારીને જ્ઞાન કહે છે.લૌકિક અને પારમાર્થિક જેટલું પણ જ્ઞાન છે તે બધું જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો આભાસમાત્ર છે.આથી જ્ઞાનને ભગવાન પોતાનાથી જ થવાવાળું બતાવે છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્‍ટિનો ભાવ આવે છે.

પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર છોડવાની,દર દર ફરી ભિક્ષા માંગવાની, ગૃહસ્થનો પરીત્યાગ કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી.ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે.(અવતારવાણીઃ૯/૪)

બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રુત પૂર્ણ સદગુરૂ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પાપીઓનો ઉધ્ધાર કરીને મુક્ત કરે છે.જે ઢોંગી ગુરૂ હરિ મિલન માટે જિજ્ઞાસુઓને જપ-તપ-મંત્ર..વગેરે બતાવે છે,પરંતુ અંગ-સંગ પ્રભુ પરમાત્માની ઓળખાણ ના કરાવે તો સમજવું જોઇએ કે તે પૂર્ણ સંત નથી.પૂર્ણ સદગુરૂ તો એ છે કે જે બ્રહ્મનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ કરાવી દે.પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી પવિત્ર થઇ જાય છે કારણ કે બ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ સંસારમાં બીજું કાંઇ નથી.(અવતારવાણીઃ૮૩)

બ્રહ્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્ત થતું નથી.અવતારી મહાપુરૂષોએ ૫ણ ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની મર્યાદાનું પાલન કર્યું છે.

જ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું-જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલજ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા, ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા, ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્‍ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.

જ્ઞાન જ્યારે દ્રઢ થતાં થતાં પ્રેમમાં ૫રીણત થાય છે તો તે ભક્તિ કહેવાય છે.જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી અને ભક્તિથી જ્ઞાન સુદ્રઢ થાય છે.ભક્ત ૫ણ પોતાના સ્વામીને સમર્પિત થઇને નિશ્ચિંત બની જાય છે.જો માલિક હરિ પરમાત્માની  ઓળખાણ નથી તો ભક્તિ કેવી રીતે અને કોની કરીશું?

સંશય ભ્રમ વિપરીતભાવ તર્ક-વિતર્ક વગેરે દોષોના દૂર થવાનું નામ અપોહન છે.ભગવાન કહે છે કે આ દોષો પણ મારી કૃપાથી જ દૂર થાય છે. શાસ્ત્રોની વાતો સત્ય છે કે અસત્ય? ભગવાનને કોને જોયા છે? સંસાર જ સત્ય છે વગેરે સંશયો અને ભ્રમ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે. સાંસારીક પદાર્થોમાં પોતાનું હિત જોવું,તેમની પ્રાપ્તિમાં સુખ દેખવું,પ્રતિક્ષણે નષ્ટ થવાવાળા સંસારની સત્તા દેખાવી વગેરે વિપરીત ભાવો પણ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે.

ભક્તને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થયાં હોવાથી તેના તમામ સંશય નષ્ટ થઇ જાય છે.ભગવાનમાં તેનો દ્દઢ વિશ્વાસ થઇ જાય છે.તેનો નિશ્ચય અટલ અને નિશ્ચલ હોય છે તેથી તે સાધારણ મનુષ્યની જેમ કામ ક્રોધ લોભ મોહ કે ભય વગેરે વિકારોના વશમાં આવીને ધર્મથી કે ભગવાનના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતો નથી.મનુષ્યે જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્ત્ કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્ટ થઇ જાય છે.તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્ત થઇ જાય છે તેના ભ્રમ નષ્ટ થઇ જાય છે અને સંદેશ દુર થઇ જાય છે.તે પ્રભુને સમર્પિત થઇ પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે.(અવતારવાણીઃ૩૨૧)

તમામ શાસ્ત્રોનું એકમાત્ર તાત્પર્ય પરમાત્માનું એકમાત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે.જાણવા યોગ્ય એકમાત્ર પરમાત્મા છે.જેમને જાણી લીધા પછી કંઇપણ જાણવાનું બાકી રહેતું નથી.તમામ પ્રાણી પદાર્થ પરમાત્માની સત્તાથી સત્તાવાન થઇ રહ્યાં છે.પરમાત્માથી અલગ કોઇની પણ સ્વતંત્ર સત્તા નથી.ભગવાન કહે છે કે વેદ અનેક છે પરંતુ તે બધા વેદોમાં જાણવા યોગ્ય હું એક છું અને બધાને જાણવાવાળો પણ હું છું એટલે કે સર્વ કાંઇ હું છું.

ગીતામૃતમ્..

તમામ પ્રાણીઓના શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી છે.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.ભગવાને પંદરમા અધ્યાયના એકથી પંદર શ્લોક સુધી સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું.હવે આ વિષયનો ઉપસંહાર કરતાં એ ત્રણેનું બે શ્લોકોમાં ક્ષર-અક્ષર અને પુરૂષોત્તમ નામથી વર્ણન કરતાં ગીતા(૧૫/૧૬)માં કહે છે કે..

દ્વાવિમૌ પુરૂષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ

ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઙક્ષર ઉચ્ચતે..

(લોકે-આ સંસારમાં, ક્ષરઃ-ક્ષર-નાશવાન,-અને,અક્ષરઃ-અક્ષર-અવિનાશી,ઇમૌ-એ, દ્વૌ-બે પ્રકારના, એવ-જ, પુરૂષૌ-પુરૂષો છે, સર્વાણિ-સઘળાં, ભૂતાનિ-પ્રાણીઓનાં શરીરો, ક્ષરઃ-ક્ષર-નાશવાન, -અને, કૂટસ્થઃ-જીવાત્મા, અક્ષરઃ-અવિનાશી-અક્ષર, ઉચ્ચતે-કહેવાય છે.)

આ સંસારમાં ક્ષર-નાશવંત અને અક્ષર-અવિનાશી એ બે પ્રકારના જ પુરૂષો છે.તમામ પ્રાણીઓના શરીરો ક્ષર-નાશવાન અને કૂટસ્થ-જીવાત્મા અવિનાશી-અક્ષર કહેવાય છે.

આ જગતમાં બે વિભાગ જાણવામાં આવે છે.શરીર વિગેરે નાશવાન ૫દાર્થો(જડ) અને અવિનાશી જીવાત્મા(ચેતન). વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતિત થાય છે કે પ્રત્યક્ષ દેખાવાવાળું શરીર છે અને એમાં રહેવાવાળો જીવાત્મા છે.જીવાત્માના રહેવાથી જ પ્રાણ કાર્ય કરે છે અને શરીરનું સંચાલન થાય છે. જીવાત્માની સાથે પ્રાણોના નીકળતાં જ શરીરનું સંચાલન બંધ થઇ જાય છે અને શરીર સડવા લાગે છે. લોકો તે શરીરને બાળી નાખે છે કારણ કે મહત્વ નાશવાન શરીરનું નથી પરંતુ તેમાં રહેવાવાળા અવિનાશી જીવાત્માનું છે.પાંચ મહાભૂત(પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ)થી બનેલા સ્થૂળ શરીરો, પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ-કાન-નાક-રસના-ત્વચા), પાંચ કર્મેન્દ્રિયો (હાથ-૫ગ-વાણી-ગૂદા-ઉ૫સ્થ),પાંચ પ્રાણ(પ્રાણ,અપાન,વ્યાન, ઉદાન,સમાન), મન-બુધ્ધિ-ચિત્ત અને અહંકાર..આ ઓગણીસ તત્વોથી યુક્ત  સૂક્ષ્મશરીર અને કારણ શરીર (સ્વભાવ-કર્મ-સંસ્કાર-અજ્ઞાન) આ બધાં નાશવાન હોવાથી "ક્ષર" નામથી કહેવાય છે.જે તત્વનો ક્યારેય વિનાશ થતો નથી અને જે હંમેશાં નિર્વિકાર રહે છે એ જીવાત્મા  "અક્ષર" કહેવાય છે.પ્રકૃતિ જડ છે અને જીવાત્મા ચેતન પરમાત્માનો અંશ હોવાથી ચેતન છે.

આ જીવાત્મા ગમે તેટલાં શરીર ધારણ કરે,ગમે તેટલા લોકમાં જાય તેનામાં ક્યારેય કોઇ વિકાર ઉત્પન્ન થતો નથી તે હંમેશાં જેમ છે તેમ જ રહે છે એટલા માટે ગીતામાં તેને "કૂટસ્થ" કહેવામાં આવે છે. જીવાત્મા અને ૫રમાત્મા..બંનેમાં ૫રસ્પર તાત્વિક તેમજ સ્વતરૂ૫ગત એકતા છે.સ્વરૂ૫થી જીવાત્મા  સદા સર્વદા નિર્વિકાર જ છે ૫રંતુ ભૂલથી પ્રકૃતિ અને તેના કાર્ય શરીર વગેરે સાથે પોતાની એકતા માની લેવાના કારણે તેની જીવ સંજ્ઞા બની જાય છે, નહી તો તે સાક્ષાત ૫રમાત્માનો જ સનાતન અંશ જ છે.

ભૌતિક સૃષ્ટિ માત્ર ક્ષર-નાશવાન છે અને ૫રમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર-અવિનાશી છે. ક્ષરથી અતીત અને ઉત્તમ હોવા છતાં ૫ણ અક્ષરે ક્ષર સાથે સબંધ માની લીધો.આ જ દોષ ભૂલ કે અશુધ્ધિ છે.પંદરમા અધ્યાયમાં ૫હેલાં ક્ષર..સંસારવૃક્ષનું વર્ણન કર્યું પછી તેનું છેદન કરીને ૫રમ પુરૂષ ૫રમાત્માની શરણાગતિ એટલે કે સંસારથી પોતા૫ણું હટાવીને એકમાત્ર ૫રમાત્માને પોતાના માનવાની પ્રેરણા આપી છે પછી અક્ષર..જીવાત્માને પોતાનો સનાતન અંશ બતાવીને તેના સ્વરૂ૫નું વર્ણન કર્યું છે.જીવાત્મા ૫રમાત્માનો સનાતન અંશ છે આથી પોતાના અંશી ૫રમાત્માના વાસ્તવિક સબંધનો અનુભવ કરવો એને જ મોહથી રહિત થવું કહે છે.નાશવાન પદાર્થો સાથે રાગદ્રેષપૂર્વક સબંધ માનવો એને જ મોહ કહે છે. સંસારમાં જે કંઇ૫ણ પ્રભાવ દેખવા સાંભળવામાં આવે છે તે બધો એક ૫રમાત્માનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થાય છે.

જ્યારે મનુષ્ય ૫રમાત્માને ક્ષરાતીત જાણી લે છે ત્યારે તેનું મન ક્ષર સંસારથી હટી ૫રમાત્મામાં લાગી જાય છે અને જ્યારે તે ૫રમાત્માને અક્ષરથી ઉત્તમ અક્ષરાતીત તરીકે જાણી લે છે ત્યારે તેની બુધ્ધિે (શ્રધ્ધા) ૫રમાત્મામાં લાગી જાય છે પછી તેની પ્રત્યેક વૃત્તિ અને ક્રિયાથી આપોઆપ ૫રમાત્માનું ભજન થાય છે.પરમાત્માની પ્રાપ્તિ માટેના છ ઉપાયોઃ સંસારને તત્વથી જાણવો, સંસાર સાથે માનેલા સબંધનો વિચ્છેદ કરીને તન-મન-ધન પ્રભુ ૫રમાત્માનાં સમજીને જલકમલવત નિર્લે૫ થવું, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંતના શરણે જઇ પ્રભુ ૫રમાત્માનું પ્રત્ય‍ક્ષ દર્શન-અનુભૂતિ કરી લેવાં.

આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.શરીરમાં છે એટલે તેને આત્મા અને જે બહાર સર્વવ્યાપક છે તેને પરમાત્મા કહે છે. મનુષ્યમાંનો આત્મા ૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે,જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્ટ કરવાના બદલે શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરીશું તો અંતસમયે પ્રભુનું નામસુમિરણ જ ઉ૫યોગી થાય છે. આ મનુષ્ય શરીર પાંચ તત્વોનું બનેલું છે એટલે તે બ્રહ્મ નથી પરંતુ જે જીવ (કૂટસ્થ) આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.આ માયાવી દેહના ૫ડદામાં બેસીને આપ ૫રમેશ્વર જ આ દેહને નાચ નચાવો છો.પોતે આ શરીરમાં બેસીને અશરીરીનાં દર્શનનાં દ્વાર ખોલો છો અથવા એમ કહેવાય કે અસત્ય દેહમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવો છો એટલે કે અધિકારી જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરો છો.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદાની પાછળ છુપાયેલા આ સર્વવ્યાપી પ્રભુ ૫રમાત્મા બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.જે કંઇ દ્દશ્યમાન છે તે બ્રહ્મ નથી પણ માયા છે.શરીર ૫ણ દ્દશ્યમાન હોવાથી બ્રહ્મ નથી પરંતુ આ દેહની અંદર જે અદ્દશ્ય જીવ (દેહી અથવા આત્મા) જ બ્રહ્મ છે.પૂર્ણ સદગુરૂની એ જ ઓળખાણ હોય છે કે તે માયાનો ૫ડદો હટાવીને બ્રહ્મનાં દર્શન કરાવી દે છે અને પોતાની શરણમાં આવેલા જિજ્ઞાસુઓને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે છે.

સદગુરૂની કૃપાથી ૫રમાત્મા તત્વને જાણવાથી-માનવાથી મનુષ્યની મૂઢતા નષ્ટ થઇ જાય છે. પરમાત્મા તત્વને જાણ્યા વિના લૌકિક તમામ વિદ્યાઓ,ભાષાઓ,કળાઓ જાણવાથી મૂઢતા દૂર થતી નથી કારણ કે લૌકિક તમામ વિદ્યાઓ આરંભ અને સમાપ્ત થવાવાળી તથા અપૂર્ણ છે, તો આવો..આજે વર્તમાન સમયના ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના રૂ૫માં અવની ઉ૫ર અવતરી જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન,૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ,દર્શનના માધ્યમથી ભક્તિની સાચી રીત સમજાવી આલોક-૫રલોક સુખી કરવાની કળા શિખવી રહ્યા છે તેમની શરણાગતિ સ્વી્કારી,પ્રભુદર્શન કરી જીવન સુંદર બનાવીએ,મુક્તિના માર્ગે પ્રયાણ કરીએ.

ગીતામૃતમ્..

ઉત્તમ પુરૂષ ૫રમાત્મા-અવિનાશી ઇશ્વર ત્રણે લોકમાં પ્રવિષ્ટ થઇને બધાનું ભરણ પોષણ કરે છે.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આગળના શ્લોકમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરૂષોનું વર્ણન કર્યા પછી હવે ભગવાન ગીતા (૧૫/૧૭)માં કહે છે કે..

ઉત્તમઃ પુરૂષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહ્યતઃ

યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઇશ્વરઃ

(ઉત્તમઃ-ઉત્તમ, પુરૂષઃ-પુરૂષ, તુ-તો, અન્યઃ-અન્ય વિલક્ષણ જ છે, યઃ-જે, પરમાત્મા-પરમાત્મા, ઇતિ-એવા નામથી, ઉદાહ્યતઃ-કહેવાયો છે તે જ, અવ્યયઃ-અવિનાશી, ઇશ્વરઃ-ઇશ્વર, લોકત્રયમ્-ત્રણેય લોકોમાં, આવિશ્ય-પ્રવેશીને બધાનું, બિભર્તિ-ભરણ-પોક્ષણ કરે છે.)

ઉત્તમ પુરૂષ તો અન્ય છે જે ૫રમાત્મા એવા નામથી કહેવામાં આવ્યો છે,તે જ અવિનાશી ઇશ્વર ત્રણે લોકમાં પ્રવિષ્ટ થઇને બધાનું ભરણ પોષણ કરે છે.

અહી અન્ય પદ પરમાત્માને અવિનાશી,અક્ષર,જીવાત્માથી ભિન્ન બતાવવા માટે નહી પરંતુ તેનાથી વિલક્ષણ બતાવવા માટે આવ્યું છે.પ્રકૃતિ તો વિનાશશીલ છે અને તેને ભોગવવાવાળો જીવાત્મા અમૃત સ્વરૂ૫ અવિનાશી છે.આ બંને ક્ષર અને અક્ષરને એક ઇશ્વર પોતાના શાસનમાં રાખે છે.૫રમાત્મા નાશવાન, ક્ષરથી અતિત અને અવિનાશી,અક્ષરથી ઉત્તમ છે.આ ઉત્તમ પુરૂષને જ ૫રમાત્મા કહેવામાં આવે છે. ૫રમાત્માનો અંશ હોવાછતાં ૫ણ જીવાત્માની દ્રષ્ટિ કે ખેંચાણ નાશવાન ક્ષરની બાજુ જ થઇ રહ્યું છે.

પરમાત્મા શબ્દ નિર્ગુણનો વાચક માનવામાં આવે છે.જેનો અર્થ છેઃપરમ(શ્રેષ્ઠ) આત્મા અથવા તમામ જીવોનો આત્મા આ શ્ર્લોકમાં ૫રમાત્મા અને ઇશ્વર..બંને શબ્દો આપ્યા છે.જેનું તાત્પર્ય છે કે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બધું એક પુરૂષોત્તમ જ છે.આ ઉત્તમ પુરૂષ નિરાકાર ૫રમાત્મા ત્રણે લોકમાં એટલે કે સર્વત્ર સમાનરૂપે નિત્ય વ્યા૫ક છે.૫રમાત્મા જ તમામ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે પરંતુ જીવાત્મા સંસાર સાથે પોતાનો સબંધ માની લેવાના કારણે ભૂલથી સાંસારિક વ્યક્તિઓ..વગેરેને પોતાનાં માનીને તેમના ભરણપોષણનો ભાર પોતાના ઉ૫ર લઇ લે છે આનાથી તે વ્યર્થ જ દુઃખ પામે છે.

માતા પિતા બાળકનું પાલનપોષણ કર્યા કરે છે તો ૫ણ બાળકને એ વાતનું જ્ઞાન હોતું નથી કે મારૂં પાલનપોષણ કોન કરે છે? કેવી રીતે કરે છે? અને શા માટે કરે છે? એવી જ રીતે ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે તો ૫ણ અજ્ઞાની મનુષ્યને ભગવાન ઉ૫ર દ્રષ્ટિ ન રહેવાથી આ વાતનો પત્તો લાગતો નથી કે મારૂં પાલનપોષણ કોન કરે છે? ભગવાનનો શરણાગત ભક્ત જ આ વાતને સારી રીતે જાણે છે કે એક ૫રમાત્મા જ બધાનું પાલનપોષણ કરે છે.પાલનપોષણ કરવામાં ૫રમાત્મા કોઇની સાથે ૫ક્ષપાત કરતા નથી,તેઓ ભક્ત-અભક્ત, પાપી-પુણ્યાત્મા,આસ્તિક-નાસ્તિક વગેરે સર્વનું સમાનરૂ૫થી પાલન પોષણ કરે છે.

આમ એકબીજાથી ૫ર હોવાછતાં ૫ણ શરીર ઇન્દ્રિયો મન અને બુધ્ધિ એક જ જાતિનાં જડ છે પરંતુ ૫રમાત્મા તત્વ એમનાથી ૫ણ અત્યંત ૫ર છે કારણ કે ૫રમાત્મા ચેતન છે.જીવાત્મા અક્ષર ૫રમાત્માનો જ અંશ હોવા છતાં તેની ૫રમાત્મા સાથે તાત્વિક એકતા છે તેમ છતાં ૫રમાત્મા પોતાને જીવાત્માથી ૫ણ ઉત્તમ બતાવે છે કારણ કે (૧)૫રમાત્માનો અંશ હોવાછતાં ૫ણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે જ્યારે ૫રમાત્મા પ્રકૃતિથી અતીત હોવાના કારણે મોહિત થતા નથી. (ર) ૫રમાત્મા પ્રકૃતિને પોતાને આધીન કરીને લોકમાં આવીને સગુણ સાકારરૂપે આવતાર ધારણ કરે છે, જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે. (૩)૫રમાત્મા હંમેશાં નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માને નિર્લિપ્ત થવા માટે સાધન કરવું ૫ડે છે.પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્‍ટિના કણ કણમાં વ્યાપ્‍ત હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્શ્યમાન સૃષ્‍ટિ માયા છે જે પરીવર્તનશીલ છે,સમાપ્‍ત થનાર છે.આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્‍ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય છે.

એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા વિષ્‍ણું મહેશ તથા કાળ કર્મ ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્‍ટ્રિને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.

જ્યાં સુધી આ પરમાત્માની  અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.

માયાના-ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે.જીવનો જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે.સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો માયા છૂટે અને સુખી થાય પણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ ઇશ્વરનું સ્વરૂપ છે,શરીરના આવરણના લીધે ચૈતન્ય ગુપ્ત છે.જે સર્વમાં પરમાત્માના દર્શન કરી શકતો નથી તેને પરમાત્માના દર્શન થવાના નથી.

ગીતામૃતમ્..

હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.હવે સાકારરૂપે પ્રગટ ભગવાન પોતાનું અત્યંત ગોપનીય રહસ્ય પ્રગટ કરતાં ગીતા(૧૫/૧૮)માં કહે છે કે

યસ્માત્ક્ષરમતીતોઙહમક્ષરાદપિ ચોત્તમઃ

અતોડસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરૂષોત્તમઃ

(યસ્માત્-કારણ કે, અહમ્-હું, ક્ષરમ્-ક્ષરથી, અતીત-અતીત છું, -અને, અક્ષરાત્-અક્ષરથી, અપિ-પણ, ઉત્તમઃ-ઉત્તમ છું, અતઃ-માટે, લોકે-લોકમાં, -તેમજ, વેદે-વેદોમાં પણ, પુરૂષોત્તમઃ-પુરૂષોત્તમ નામે, પ્રથિતઃ-પ્રસિદ્ધ, અસ્મિ-છું.)

હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી ૫ણ ઉત્તમ છું એટલા માટે લોકમાં અને વેદમાં પુરૂષોત્તમ નામથી પ્રસિધ્ધ છું.

ભગવાન કહે છે કે ક્ષર પ્રકૃતિ પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે અને હું નિત્ય નિરંતર નિર્વિકાર રૂ૫થી જેમ છું તેમ જ રહેવાવાળો છું એટલા માટે હું ક્ષરથી સર્વથા અતીત છું.શરીરથી ૫ર વ્યા૫ક,શ્રેષ્ઠ,પ્રકાશક, સબળ,શ્રેષ્ઠ ઇન્દ્રિયો છે,ઇન્દ્રિયોથી ૫ર મન છે અને મનથી ૫ર બુધ્ધિ છે.આ રીતે એક બીજાથી પર હોવા છતાં પણ શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એક જ જાતિનાં જડ છે પરંતુ પરમાત્માતત્વ એમનાથી પણ અત્યંત પર છે કેમકે તે જડ નહી ચેતન છે.

જો કે પરમાત્માનો અંશ હોવાના કારણે જીવાત્મા પરમાત્માની સાથે તાત્વિક એકતા છે તો પણ અહી ભગવાન પોતાને જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે તેના બે કારણો છેઃપરમાત્માનો અંશ હોવાછતાં પણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે. જ્યારે પરમાત્મા ક્યારેય મોહિત થતા નથી.પરમાત્મા પ્રકૃતિને પોતાને આધિન કરીને લોકમાં આવીને અવતાર લે છે, જ્યારે જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે.પરમાત્મા સદૈવ નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માએ નિર્લિપ્ત થવાના માટે સાધન કરવું પડે છે.

અહી લોક શબ્દનો અર્થ પુરાણ-સ્મૃતિ વગેરે શાસ્ત્રો. શાસ્ત્રોમાં ભગવાન પુરૂષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. શુદ્ધ જ્ઞાનનું નામ વેદ છે જે અનાદિ છે.તે જ જ્ઞાન વેદોના રૂપથી પ્રગટ થયું છે.વેદોમાં પણ ભગવાન પુરૂષોત્તમ નામથી પ્રસિદ્ધ છે.

ભૌતિક સૃષ્ટિ ક્ષર-નાશવાન છે અને પરમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર-અવિનાશી છે. ક્ષરથી અતિત અને ઉત્તમ હોવાછતાં પણ અક્ષરે ક્ષર સાથે પોતાનો સબંધ માની લીધો એનાથી મોટો બીજો કોઇ દોષ, ભૂલ કે અશુદ્ધિ નથી.ક્ષરની સાથે તે સબંધ ફક્ત માનેલો છે.વાસ્તવમાં એક ક્ષણ પણ રહેવાવાળો નથી.જેવી રીતે બાલ્યાવસ્થાથી અત્યાર સુધી શરીર બિલ્કુલ બદલાઇ ગયું હોવા છતાં આપણે કહીએ છીએ કે હું તે જ છું.

આપણને એ પણ ખબર નથી કે અમુક દિવસે બાલ્યાવસ્થા પુરી થઇ અને યુવાવસ્થા શરૂ થઇ કારણ કે નદીના પ્રવાહની જેમ શરીર નિરંતર વહેતું રહે છે.જ્યારે અક્ષર જીવાત્મા નદીમાં સ્થિત શિલાની જેમ સદા અચળ અને અસંગ રહે છે.જો અક્ષર પણ ક્ષરની જેમ નિરંતર પરીવર્તનશીલ અને નાશવાન હોત તો તેની આફત દૂર થઇ જાય છે પરંતુ અક્ષર અપરીવર્તનશીલ અને અવિનાશી હોવા છતાં પણ નિરંતર પરીવર્તનશીલ અને નાશવાન ક્ષરને પકડી લે છે,તેને પોતાનું માની લે છે.થાય છે એવું કે અક્ષર ક્ષરને છોડતો નથી ક્ષર એક ક્ષણ પણ રોકાતો નથી.આ આફતને દૂર કરવાનો સુગમ ઉપાય છે ક્ષર શરીર વગેરેને ક્ષર સંસારની સેવામાં જોડી દેવામાં આવે,તેને સંસારરૂપી બગીચાનું ખાતર બનાવી દેવામાં આવે.

મનુષ્યને શરીર વગેરે નાશવાન પદાર્થો અધિકાર કરવા કે પોતાના માનવા માટે મળ્યા નથી પરંતુ સેવા કરવા માટે જ મળ્યા છે.આ પદાર્થો દ્વારા બીજાઓની સેવા કરવાની મનુષ્ય ઉપર જવાબદારી છે, પોતાના માનવાની બિલ્કુલ જવાબદારી નથી.

ક્ષર-અક્ષરની સ્વતંત્ર સત્તા નથી પરંતુ પરમાત્માની સ્વતંત્ર સત્તા છે.ક્ષર-અક્ષર બંન્ને પરમાત્મામાં જ રહે છે પરંતુ અક્ષર જીવ ક્ષરની સાથે સબંધ જોડીને તેને આધિન થઇ જાય છે.પરમાત્મા ક્ષરને આધિન નથી પરંતુ સ્વતઃ અસંગ રહે છે તેથી પરમાત્મા અક્ષર જીવથી પણ ઉત્તમ છે.જીવ જગત સાથે સબંધ ન રાખીને તેના સ્વામી પરમાત્મા સાથે સબંધ જોડે તો તે પરમાત્મા સાથે અભિન્ન બની જશે.મુક્તિમાં અક્ષર સ્વરૂપમાં સ્થિતિ થાય છે પરંતુ ભક્તિમાં અક્ષરથી પણ ઉત્તમ પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય છે.સ્વરૂપ અંશ છે પુરૂષોત્તમ અંશી છે.

ગીતામૃતમ્..

મોહરહિત મનુષ્ય જ મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.ગીતા(૧૪/૨૬)માં ભગવાને જે અવ્યભિચારિણી ભક્તિની વાત કહી હતી અને તેને પ્રાપ્ત કરવા માટે પંદરમા અધ્યાયમાં સંસાર-જીવ અને પરમાત્મા વિશે વિસ્તૃત વિવેચન કરે છે તેનો ઉપસંહાર કરતાં ગીતા(૧૫/૧૯)માં ભગવાન કહે છે..

યો મામેવમસંમૂઢો જાનાતિ પુરૂષોત્તમ

સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારતઃ

(ભારત-હે ભરતવંશી અર્જુન ! એવમ્-આ રીતે, યઃ-જે, અસંમૂઢઃ-મોહરહિત મનુષ્ય, મામ્-મને, પુરૂષોત્તમમ્-પુરૂષોત્તમ સ્વરૂપે, જાણાતિ-જાણે છે, સઃ-તે, સર્વવિત્-સર્વજ્ઞ, સર્વભાવેન-સર્વ રીતે, મામ્-મારૂં જ, ભજતિ-ભજન કરે છે.)  

હે ભરતવંશી અર્જુન ! આ રીતે જે મોહરહિત મનુષ્ય મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ,સર્વ રીતે મારૂં જ ભજન કરે છે.

જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ છે.આથી પોતાના અંશી પરમાત્માના વાસ્તવિક સબંધ જે સદાયથી છે તેનો અનુભવ કરવો એને જ અસંમૂઢ-મોહથી રહિત થવું કહે છે.સંસાર કે પરમાત્માને તત્વથી જાણવામાં મોહ-મૂઢતા જ બાધક છે.નાશવાન પદાર્થો સાથે રાગ-દ્વેષપૂર્વક સબંધ માનવો એને જ મોહ કહે છે.મોહનો અર્થ છે વસ્તુના વાસ્તવિક જ્ઞાનનો અભાવ.આ અવસ્થામાં બે પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન થાય છે.

પ્રથમમાં અમે અવસ્તુને વસ્તુ માની લઇએ છીએ જેમ કે દોરડાને સાપ સમજી લેવો.તેને ભ્રમ કહેવામાં આવે છે.બીજામાં વસ્તુની યર્થાથતાના સબંધમાં સંદેહ રહે છે કે દોરડું છે કે સા૫ ! મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી.આ મોહ માયાની મુખ્ય શક્તિ છે.૫રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્યના માટે કર્યું છે.માયાનો સહારો લઇને જ ૫રમાત્મા સૃષ્ટિની રચના કરે છે તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે.જે સત્યની ઉ૫ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી.માયાનું આ બીજું રૂ૫ મોહ છે તેના કારણે જ મનુષ્ય પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ ભૂલી જાય છે.તે ભૂલી ગયો છે કે તે દેહ નથી ૫રંતુ આત્મા છે.વાસ્તવમાં જીવએ ૫રમાત્માનો સનાતન અંશ છે.ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે.

સંસારને તત્વથી જાણતાં જ પરમાત્મા સાથે પોતાની અભિન્નતાનો અનુભવ થઇ જાય છે અને પરમાત્માને તત્વથી જાણતાં જ સંસાર સાથે પોતાની ભિન્નતાનો અનુભવ થઇ જાય છે.સંસાર સાથે પોતાનો સબંધ માનવો એ જ ભક્તિમાં વ્યભિચારદોષ છે.

જેની મૂઢતા સર્વથા નષ્ટ થઇ જાય છે તે જ મનુષ્ય ભગવાનને પુરૂષોત્તમ તરીકે જાણે છે.સંસારમાં જે કંઇ પ્રભાવ જોવા-સાંભળવામાં આવે છે તે બધો એક ભગવાન પુરૂષોત્તમનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થાય છે.જો સંસારનું થોડું ઘણું પણ ખેંચાણ રહે તો એમ સમજવું કે હજુ ભગવાનને દ્રઢતાથી માન્યા જ નથી.

જે ભગવાનને પુરૂષોત્તમ તરીકે જાણી લે છે અને આ વિષયમાં જેના અંતઃકરણમાં કોઇ વિકલ્પ-ભ્રમ કે સંશય રહેતા નથી તે મનુષ્યના માટે જાણવા યોગ્ય કોઇ તત્વ શેષ રહેતું નથી એટલા માટે ભગવાન તેને સર્વવિત્ કહે છે.ભગવાનને જાણવાવાળી વ્યક્તિ ગમે તેટલી ઓછું ભણેલી-ગણેલી કેમ ના હોય તે સર્વ કંઇ જાણવાવાળી છે કેમકે તેણે જાણવા યોગ્ય તત્વને જાણી લીધું છે તેને બીજું કંઇપણ જાણવાનું શેષ રહેતું નથી.

જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતિત જાણી લે છે ત્યારે તેનું મન ક્ષર સંસારથી હટીને ભગવાનમાં લાગી જાય છે અને જ્યારે તે ભગવાનને અક્ષરથી ઉત્તમ જાણી લે છે ત્યારે તેની બુદ્ધિ-શ્રદ્ધા ભગવાનમાં લાગી જાય છે પછી તેની પ્રત્યેક વૃત્તિ અને ક્રિયાથી આપોઆપ ભગવાનનું ભજન થાય છે.આ રીતે સર્વ રીતે ભગવાનનું ભજન કરવું એ જ અવ્યભિચારીણી ભક્તિ છે.

હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે આ વાસ્તવિકતાને દ્રઢતાપૂર્વક માની લેવાથી આપોઆપ સર્વ રીતે ભગવાનનું ભજન થાય છે પછી ભક્તનું સુવું જાગવું બોલવું ચાલવું ખાવું પીવું વગેરે તમામ ક્રિયાઓ પોતાના માટે નહી પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે જ થાય છે.

જ્ઞાનમાર્ગમાં જાણવું અને ભક્તિમાર્ગમાં માનવું મુખ્ય હોય છે.જે બાબતમાં સહેજપણ સંદેહ ના હોય, તેને દ્રઢતાપૂર્વક માનવું એને જ ભક્તિમાર્ગમાં જાણવું કહે છે.ભગવાનને સર્વોપરી માની લીધા પછી ભક્ત સર્વ રીતે ભગવાનનું જ ભજન કરે છે.

ભગવાન ગીતા(૧૦/૮)માં કહે છે કે હું આખા જગતની ઉત્પતિનું મૂળ કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે એટલે કે પ્રવૃત્ત થઇ રહ્યું છે-આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. જેવી રીતે વિજળીની શક્તિથી તમામ કાર્યો થાય છે એવી જ રીતે સંસારમાં જેટલી ક્રિયાઓ થાય છે એ બધાનું મૂળ કારણ હું જ છું.

તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા સુમિરણ સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.

જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્ત થયાં છે.મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે.તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર વિરોધ ઇર્ષ્યા વગેરે દુઃખ દૂર થાય છે.સંસારના તમામ સહારાઓ જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે.જ્યારથી મને દયાળુ સદગુરૂ મળ્યા છે,મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે.હવે હું હંમેશાં આ પ્રભુના ગુણાનુવાદ ગાતો રહું છું અને પોતાના સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.(અવતારવાણીઃ૨૭૦)

ધર્મ સબંધી મૂઢતાને મોહ કહે છે.બધા જ રોગોનું મૂળ એક માત્ર મોહ(અજ્ઞાન) જ છે.આ એક વ્યાધિના લીધે બીજી અનેક પ્રકારની તકલીફો તથા અનેક નાનાં મોટાં શૂળ જાગે છે. સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે.આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે.તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્ન) થી છુટકારો થઇ જાય છે.જાગ્યો છે તેની ઓળખાણ એ છે કે વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે, મિથ્યા છે, અસત્ય છે.તન મન ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.

ભગવાનના વ્યક્તરૂ૫ને જાણીને કોઇ નિર્ભેદ બની શકતા નથી પરંતુ મોહિત થઇ જાય છે. રામાયણમાં અનેક સ્થાનો ૫ર તેનું વર્ણન છે.ભગવાન શંકરની સમક્ષ જ માતાસતીને મોહ થાય છે.નારદજી જેવા ઋષિ શ્રેષ્ઠ ૫ણ મોહિત થાય છે.લંકામાં ભગવાનને નાગપાશમાં બંધાયેલા જોઇને ગરૂડજીને ૫ણ મોહ થાય છે પરંતુ ગોસ્વામી તુલસીદાસજી સ્પષ્ટ કહે છે કે ભગવાનનું સ્વરૂ૫ ચિદાનંદરૂ૫ છે નિર્મલ છે નિરાકાર છે સર્વવ્યાપક છે નિત્ય અને અવિનાશી છે ત્યાં મોહ નથી.

ગીતામૃતમ્

ગીતા ગોપનીય શાસ્ત્ર છે જેને જાણીને માણસ જ્ઞાની અને કૃતકૃત્ય થઇ જાય છે.

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.સ્થૂળથી ક્રમશઃ સુક્ષ્મ તરફ જવા ભગવાને આ અધ્યાયમાં પહેલાં ક્ષર અને પછી અક્ષરનું વિવેચન કર્યા પછી અંતે પુરૂષોત્તમનું વર્ણન કર્યું.પોતાના પુરૂષોત્તમતત્વને સિદ્ધ કર્યું.આવું વર્ણન કરવાનું તાત્પર્ય અને પ્રયોજન શું છે? તેને ગીતા(૧૫/૨૦)માં બતાવતાં ભગવાન કહે છે..

ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનધ

એતદ્ બુદ્ધવા બુદ્ધિમાન્સ્યાકૃતકૃત્યશ્ચ ભારત..

(અનઘ-હે નિષ્પાપ અર્જુન ! ઇતિ-આમ, ઇદમ્-આ, ગુહ્યતમમ્-ઘણું જ ગોપનીય, શાસ્ત્રમ્-શાસ્ત્ર, મયા-મેં, ઉક્તમ્-કહ્યું, ભારત-હે ભરતવંશી અર્જુન ! એતત્-આને, બુદ્ધવા-જાણીને માણસ, બુદ્ધિમાન્-જ્ઞાની જ્ઞાતજ્ઞાતવ્ય, -તથા પ્રાપ્તપ્રાપ્તવ્ય અને, કૃતકૃત્યઃકૃતકૃત્ય, સ્યાત્-થઇ જાય છે.)

હે નિષ્પાપ અર્જુન ! આમ આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું છે,હે ભરતવંશી અર્જુન ! આને જાણીને માણસ જ્ઞાની-જ્ઞાત જ્ઞાતવ્ય તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય અને કૃતકૃત્ય થઇ જાય છે.

અર્જુનને નિષ્પાપ એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેઓ દોષદ્રષ્ટિથી રહિત છે.દોષદ્રષ્ટિ કરવી એ પાપ છે.એનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે.જે દોષદ્રષ્ટિથી રહિત હોય તે જ ભક્તિનો અધિકારી છે.ગોપનીય વાત દોષદ્રષ્ટિ વિનાના મનુષ્યની સમક્ષ જ કહેવામાં આવે છે.જો દોષદ્રષ્ટિવાળા મનુષ્યની સામે ગોપનીય વાત કહી દેવામાં આવે તો એ મનુષ્યની ઉપર તે વાતની અવળી અસર પડે છે એટલે કે તે ગોપનીય વાતનો વિપરીત અર્થ કરીને વક્તામાં પણ દોષ જોવા લાગે છે કે આ આત્મશ્ર્લાઘી છે,બીજાઓને મોહિત કરવા માટે કહે છે વગેરે વગેરે..આથી દોષદ્રષ્ટિવાળા મનુષ્યને બહુ જ હાની થાય છે.

દોષદ્રષ્ટિ હોવામાં અભિમાન ખાસ કારણ છે.મનુષ્યમાં જે વાતનું અભિમાન હોય તે વાતની તેનામાં ઉણપ હોય છે, તે ઉણપને તે બીજાઓમાં દેખવા લાગે છે.પોતાનામાં સારાપણાનું અભિમાન હોવાથી બીજાઓમાં બૂરાઇ દેખાય છે તેથી પોતાનામાં સારાપણાનું અભિમાન આવે છે.

ભગવાન પ્રત્યે દોષદ્રષ્ટિ થવાથી તેનું બહુ જ અહિત થાય છે એટલા માટે ભગવાન અને સંતજનો દોષદ્રષ્ટિવાળા અશ્રદ્ધાળુ મનુષ્યો સમક્ષ ગોપનીય વાતો પ્રગટ કરતા નથી.ચૌદમા અધ્યાય(૧૪/૨૬)માં અવ્યભિચારીણી ભક્તિની વાત કહ્યા પછી પંદરમા અધ્યાયના પહેલા શ્ર્લોકથી ઓગણીસમા શ્ર્લોક સુધી જે ક્ષર-અક્ષર અને પુરૂષોત્તમ વિષયનું વર્ણન કર્યું છે તે વિષયની પૂર્ણતા અને લક્ષ્યનો નિર્દેશ અહી ઇતિ ઇદમ્ પદથી કરવામાં આવ્યો છે.

નાટકમાં વેશ ધારણ કરેલા પુરૂષની જેમ ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યનો સ્વાંગ ધારણ કરીને અવતરીત થાય છે અને એવો વર્તાવ કરે છે કે અજ્ઞાની મનુષ્યો તેમને જાણી શકતા નથી.(ગીતાઃ૭/૨૪) સ્વાંગમાં પોતાનો વાસ્તવિક પરીચય ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ ભગવાને આ અધ્યાયમાં (૧૫/૧૮) પોતાનો વાસ્તવિક પરીચય આપીને અત્યંત ગોપનીય વાત પ્રગટ કરી દીધી કે હું જ પુરૂષોત્તમ છું એટલા માટે આ અધ્યાયને ગુહ્યતમ કહેવામાં આવ્યો છે.

શાસ્ત્રમાં મોટાભાગે સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વર્ણન આવે છે.આ ત્રણેનું વર્ણન ગીતાના પંદરમા અધ્યાયમાં કરવામાં આવ્યું છે એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર પણ કહેવાય છે.સર્વશાસ્ત્રમયી ગીતામાં ફક્ત આ અધ્યાયને જ શાસ્ત્રની ઉપાધિ મળેલ છે.આમાં પુરૂષોત્તમનું વર્ણન મુખ્ય હોવાના કારણે આ અધ્યાયને ગુહ્યત્તમ શાસ્ત્ર કહેવામાં આવ્યો છે.આ ગુહ્યત્તમ શાસ્ત્રમાં ભગવાને પોતાની પ્રાપ્તિના છ ઉપાયોનું વર્ણન કરેલ છે. સંસારને તત્વથી જાણવો(૧), સંસાર સાથે માનેલા સબંધનો વિચ્છેદ કરીને એક ભગવાનના શરણે જવું(૪), પોતાનામાં સ્થિત પરમાત્મા તત્વને જાણવું(૧૧), વેદાધ્યનના દ્વારા તત્વને જાણવું(૧૫), ભગવાનને પુરૂષોત્તમ જાણીને સર્વ રીતે તેમનું ભજન કરવું(૧૯) અને સંપૂર્ણ અધ્યાયને તત્વથી જાણવો(૨૦).

તમામ ભૌતિક જગતના પ્રકાશક અને અધિષ્ઠાન,તમામ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત,વેદોના દ્વારા જાણવા યોગ્ય તેમજ ક્ષર-અક્ષર બંન્નેથી ઉત્તમ સાક્ષાત્ મારા પુરૂષોત્તમ દ્વારા જ આ ગુહ્યત્તમ શાસ્ત્ર અત્યંત કૃપાપૂર્વક કહેવામાં આવ્યું છે.પોતાના વિશે જે હું કહી શકું છું તેવું બીજો કોઇ કહી શકતો નથી કારણ કે બીજો પહેલાં મારી જ કૃપાથી જ મને જાણશે પછી તે મારા વિષયમાં કંઇક કહેશે જ્યારે મારામાં અજાણપણું છે જ નહી.વાસ્તવમાં સ્વંય ભગવાનના સિવાય બીજો કોઇપણ એમને પૂર્ણરૂપે જાણી શકતો નથી.

સોઇ જાનઇ જેહિ દેહુ જનાઇ,

જાનત તુમ્હહિ તુમ્હઇ હોઇ જાઇ,

તુમ્હરિહિ કૃપા તુમ્હહિ રઘુનંદન,

જાનહિ ભગત ભગત ઉર ચંદન.

સમગ્ર અધ્યાયમાં ભગવાને જે સંસારની વાસ્તવિકતા,જીવાત્માનું સ્વરૂપ અને પોતાના અપ્રતિમ પ્રભાવ તેમજ ગોપનીયતાનું વર્ણન કર્યું છે તેનો નિર્દેશ એતત્ પદથી કરવામાં આવ્યો છે.આ ગુહ્યત્તમ શાસ્ત્રને જે મનુષ્ય તત્વથી જાણી લે છે તે જ્ઞાનવાન એટલે કે જ્ઞાતજ્ઞાતવ્ય થઇ જાય છે.તેને માટે કંઇપણ જાણવાનું બાકી રહેતું નથી કેમકે તેણે જાણવા યોગ્ય પુરૂષોત્તમને જાણી લીધા છે.

પરમાત્મા તત્વને જાણવાથી મનુષ્યની મૂઢતા નષ્ટ થઇ જાય છે.જગતની તમામ વિદ્યા જાણી લેવાથી મૂઢતા દૂર થતી નથી કારણ કે તે આરંભ અને અંતવાળી તથા અપૂર્ણ છે.તે બધી પરમાત્મામાંથી જ પ્રગટ થઇ છે તેથી તે પરમાત્માને કેવી રીતે પ્રકાશિત કરી શકે.આ બધી લૌકિક વિદ્યાઓથી અજાણ હોવા છતાં જેણે પરમાત્માને જાણી લીધા છે તે વાસ્તવમાં જ્ઞાનવાન છે.

ભગવત્તત્વની એ વિલક્ષણતા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેમાંથી કોઇ એકની સિદ્ધિથી કૃતકૃત્યતા જ્ઞાનજ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્યતા ત્રણેની પ્રાપ્તિ થાય છે.એટલા માટે જે ભગવત્તત્વને જાણી લે છે તેના માટે પછી કંઇ જાણવાનું પામવાનું અને કરવાનું શેષ રહેતું નથી.તેનું મનુષ્ય જનમ સફળ થઇ જાય છે. મારે મારા માટે કશું કરવું નથી-આવો અનુભવ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઇ જાય છે. શરીર મારૂં નથી, શરીર પર મારો અધિકાર નથી તથા શરીર સાથે મારો સબંધ નથી-આવો અનુભવ થવાથી મનુષ્ય જ્ઞાતજ્ઞાતવ્ય થઇ જાય છે અને મારે કાંઇ જોઇતું નથી-આવો અનુભવ(સંતોષ) થવાથી મનુષ્ય પ્રાપ્ત પ્રાપ્તવ્ય થઇ જાય છે.

દરેક અધ્યાયની સમાપ્તિમાં મહર્ષિ વેદવ્યાસજીએ પુષ્પિકા લખી છે કે ૐ તત્સદિતિ શ્રીમદ ભગવદગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરૂષોત્તમ યોગો નામ પંચદશોઙધ્યાયઃ જે શ્રીમદ ભગવદગીતાના વિશેષ માહાત્મય અને પ્રભુત્વને પ્રગટ કરે છે. ૐતત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ ઘન પરમાત્માનાં પવિત્ર નામો છે.ગીતાનો પાઠ કરવામાં શ્લોક-પદ અને અક્ષરોના ઉચ્ચારમાં જે જે ભૂલો થઇ છે એનું શુદ્ધિકરણ કરવા માટે અને સંસારથી સબંધ વિચ્છેદ કરવા અને ભગવત્સબંધની યાદ આવવા માટે દરેક અધ્યાયના અંતે ૐ તત્સત્ નું ઉચ્ચારણ કરવામાં આવે છે.અધ્યાયના અંતે નું ઉચ્ચારણ કરવાનો અર્થ એ છે કે મારી રચનાના અંગભૂતદોષો દૂર થાય. તત્ ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના ભગવત-પ્રેમ માટેની બને અને સત્ ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના સત્ એટલે કે અવિનાશી ફળ આપનારી બને.ઇતિ-બસ મારૂં આ જ પ્રયોજન છે,આ સિવાય મારૂં વ્યક્તિગત કોઇ પ્રયોજન નથી.શ્રીમત્ એટલે જે સર્વશોભાસંપન્ન છે અને જેનામાં સંપૂર્ણ ઐશ્વર્ય,ધર્મ,યશ,શ્રી,જ્ઞાન અને વૈરાગ્ય-આ છ ભગ નિત્ય વિદ્યમાન રહે છે એવા ભગવાનના મુખેથી નીકળેલી હોવાથી તેને શ્રીમદ્ ભગવત્ કહેવાયેલ છે.

મનુષ્ય જ્યારે મસ્તીમાં,આનંદમાં હોય ત્યારે તેના મુખમાંથી આપોઆપ ગીત નીકળે છે.ભગવાને એને મસ્તીમાં આવીને ગાઇ છે આ કારણથી એનું નામ ગીતા છે.ગીતામાં તમામ ઉપનિષદોનું સારતત્વ સંગૃહિત છે અને એ પોતે પણ ભગવદવાણી હોવાથી ઉપનિષદ સ્વરૂપ છે તેથી તેને ઉપનિષદ કહેવાયું છે.

વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરેનો આગ્રહ નહી રાખીને પ્રાણીમાત્રનું કલ્યાણ કરનારી સર્વશ્રેષ્ઠ વિદ્યા હોવાના કારણે એનું નામ બ્રહ્મવિદ્યા છે.આ બ્રહ્મવિદ્યાસ્વરૂપ ગીતામાં કર્મયોગ,જ્ઞાનયોગ,ધ્યાનયોગ, ભક્તિયોગ વગેરે યોગ સાધનોનું શિક્ષણ આપવામાં આવ્યું છે જેથી સાધકને પરમાત્માની સાથેના નિત્ય સબંધનો અનુભવ થઇ જાય એટલા માટે આને યોગશાસ્ત્ર કહેવામાં આવ્યું છે.

આ સાક્ષાત પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ અને ભક્તોમાં મુખ્ય એવા અર્જુનનો સંવાદ છે.અર્જુને નિઃસંકોચ ભાવથી વાતો પુછી છે અને ભગવાને ઉદારતાપૂર્વક એમના જવાબો આપ્યા છે.આ બંન્નેયના ભાવ તેમાં છે આ કારણથી એ બંન્નેયના નામથી આ ગીતાશાસ્ત્રનું વિશેષ મહત્વ હોવાથી એને શ્રીકૃષ્ણાર્જુન સંવાદ એવા નામથી ઓળખાવ્યું છે.

દરેક અધ્યાયના અંતમાં પુષ્પિકા આપવાનું તાત્પર્ય એ છે કે જો સાધક એક અધ્યાયનું પણ સારી રીતે મનન-ચિંતન કરે તો તે એક જ અધ્યાયથી તેનું કલ્યાણ થઇ જશે.પવિત્ર પુરૂષોત્તમ માસની શરૂઆતથી જ શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાય પુરૂષોત્તમ યોગના એકથી વીસ શ્લોકના વિવેચનનું આપણે દરરોજ ચિંતન કરતા હતા જે આજે પૂર્ણ થાય છે.

આલેખનઃ

વિનોદભાઇ મંગળભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

vinodmachhi@gmail.com

No comments:

Post a Comment