ભાગવત
કથામૃતમ્..સુદર્શન વિદ્યાધરની કથા
શ્રીમદ ભાગવતના ૩૪મા
અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા આવે છે.એકવાર
નંદબાવા વગેરે ગોપીજનો શિવરાત્રીના દિવસે ભારે ઉત્સુકતા,કુતૂહલ
અને આનંદયુક્ત થઇ બળદગાડા પર સવાર થઇ અંબિકાવન પધાર્યા છે.ત્યાં તે લોકોએ તથા નંદબાબાએ
અંતર્યામી પશુપતિ ભગવાન શંકરનું તથા ભગવતી અંબિકાદેવીનું ભક્તિપૂર્વક અનેક
પ્રકારની સામગ્રીઓ દ્વારા પૂજન કર્યું, બ્રાહ્મણોને પુષ્કળ
દાન કર્યું અને તેમને ભોજન કરાવ્યું.રાત્રિના સમયે બધાએ નદી કિનારે મુકામ કર્યો
છે.તે દિવસે પરમ ભાગ્યશાળી નંદ-સુનંદ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો.શિવરાત્રીના
દિવસે જાગરણ કરવાનું હોય છે પણ નંદબાબા પૂજા કરી ને સૂઈ ગયા છે.
તે
અંબિકાવનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો.તે દિવસે તે બહુ ભૂખ્યો પણ હતો.દૈવવશ તે
ત્યાં આવી ચઢ્યો અને તેણે સૂઇ રહેલા નંદબાવાને પકડી લીધા અને નંદબાબાને ગળવા
લાગ્યો,લોકોએ અજગરને મારવાના ઉપાય કર્યા પણ અજગર મરતો નથી એટલે નંદબાવા
બૂમો પાડવા લાગ્યા.નંદબાવા ની બૂમો સાંભળીને બધા જ ગોપો જાગીને ઉભા થઇ ગયા.ત્યારે
ભક્ત વત્સલ ભગવાન શ્રીકૃષ્ણે ત્યાં પહોંચીને પોતાના ચરણથી તે અજગરનો સ્પર્શ કર્યો.ભગવાનના
ચરણનો સ્પર્શ થતાં અજગરનાં બધાં પાપ બળી ગયાં અને તે અજગરના શરીરનો ત્યાગ કરીને તેમાંથી
એક દેવ-પુરૂષ બહાર નીકળ્યો.પ્રભુ તો જાણતા હતા છતાં તેમને પૂછ્યું કે સર્વાંગસુંદર
અને જોવામાં અદભૂત આપ કોણ છો? તમને આ અત્યંત નિંદનીય અજગરનું
શરીર કંઇ રીતે પ્રાપ્ત થયું? ખરેખર તમારે કોઇ મજબૂરીથી આ
યોનિમાં આવવું પડ્યું હશે !
અજગરના
શરીરમાંથી નીકળેલા પુરૂષે કહ્યું કે હું પહેલાં સુદર્શન
નામનો વિદ્યાધર હતો,મારી પાસે સૌદર્ય તો હતું જ,સંપત્તિ પણ બહુ હતી. હું બહુ સુંદર હતો અને મારા રૂપનું મને અભિમાન હતું,કોઈ કદરૂપા મનુષ્યને જોઈને હું હસતો હતો.એક દિવસ હું વિમાનમાં બેસી જઇ
રહ્યો હતો.ત્યારે મેં અંગિરા ગોત્રના કાળા કુબડા ઋષિઓને જોતાં મારી સુંદરતાના
અભિમાનમાં મને હસવું આવ્યું,હું હસ્યો તેથી તેમણે મને શાપ
આપતાં કહ્યું કે તું મારી આકૃતિને જોઈને હસે છે પણ મેં સત્સંગ કરી મારી કૃતિને
સુધારી છે.મારૂં શરીર કાળું છે પણ મારૂં મન ઉજળું છે,તારૂં
શરીર ઉજળું છે પણ મન કાળું છે માટે જા તું અજગર થઈશ.અંગિરા મુનિના શાપથી હું અજગર
થયો,પ્રભુ ! આ મારા પાપનું જ ફળ છે.તે દયાળુ ઋષિઓએ મારા પર
અનુગ્રહ કરવા માટે જ શ્રાપ આપ્યો હતો કેમકે તેમના શ્રાપનો પ્રભાવ છે કે આજે
ચરાચરના ગુરૂ સ્વયં આપે પોતાના ચરણકમળથી મારો સ્પર્શ કર્યો અને મારા બધા અશુભ નષ્ટ
થઇ ગયાં.
સમસ્ત પાપોનો
નાશ કરનાર પ્રભુ ! જે લોકો જન્મ-મૃત્યુરૂપી સંસારથી ભયભીત થઇને આપના ચરણોનું શરણ
લે છે,તેમને આપ તમામ ભયોથી મુક્ત કરી દો છો.હવે હું આપના
શ્રીચરણોના સ્પર્શથી શાપમુક્ત થઇ ગયો છું અને મારા લોકમાં જવાની આજ્ઞા માગું છું.જે
આપના નામનું કિર્તન કરે છે તે પોતાને તથા બધા શ્રોતાઓને પણ તુરંત પવિત્ર કરી દે
છે.
શરીરની આકૃતિ
એ તો પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વર આપે છે.મારૂં શરીર સુંદર છે-એવી કલ્પનામાંથી કામનો તથા
અભિમાનનો જન્મ થાય છે.શરીરમાં કંઇ સુંદર નથી,શરીરની અંદર તો હાડકાં,માંસ,મળમૂત્ર અને રૂધિર ભરેલાં છે.રસ્તામાં પડેલ
હાડકાંને મનુષ્ય પગથી પણ સ્પર્શ કરતાં સૂગ કરે છે,તેવાં જ
હાડકાં શરીરમાં છે.શરીર સુંદર નથી પણ શરીરમાં રહેલ ચૈતન્ય આત્મા-પરમાત્મા સુંદર છે
અને જયારે પરમાત્મા અંદર વિરાજતા ના હોય એટલે કે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે લોકો
કહેશે કે મડદાને જલ્દી ઘરની બહાર કાઢો,નહિતર વજન વધી
જશે.શરીર જો સુંદર હોય તો મરણ પછી તેને ઘરમાં કેમ રાખતા નથી?
પરમાત્માને
શરીરનું અભિમાન રાખનાર કે શરીરના સૌન્દર્યનું અભિમાન રાખનાર ગમતો નથી.કોઈ પણ જીવને
હલકો ગણે તેની ભગવદભક્તિ સિદ્ધ થતી નથી.જ્યાં નજર જાય ત્યાં ઈશ્વરનું દર્શન થાય તે
દીનતા.પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દીનતા છે અને આ જ વિદ્યાધરની કથાનું રહસ્ય છે.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment