Sunday, 7 June 2026

રામચરીત માનસમાં નવધા ભક્તિ

 

રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૧)

રામચરીત માનસ આ યુગનો એક લોકપ્રિય આધ્યાત્મિક ગ્રંથ છે જે અનુસાર માનવજીવનનું લક્ષ્‍ય સર્વસુખદ જ્ઞાનોત્તર ભક્તિ છે તથા આ ભક્તિનું કેન્દ્દ વર્તમાન બ્રહ્મનિષ્‍ઠ મહાત્મા/સંત સદગુરૂ છે. અધ્યાત્મમાં જ્ઞાન-ભક્તિ માર્ગ સર્વશ્રેષ્‍ઠ,મુક્તિદાયી,આનંદપ્રદ અને માનવજીવનનું લક્ષ્‍ય છે તેને યોગ માર્ગ કહેવામાં આવ્યો છે અને આ જ અમૃત છે તથા તેનાથી દૂર ફક્ત ભોગોમાં ફસાયેલા જીવોને ૫શુઓ કરતાં ૫ણ વધુ ૫તિત કહેવામાં આવે છે કારણ કે માનવ દેહ મળ્યા ૫છી જ્ઞાન-ભક્તિને પ્રાપ્‍ત કરવાં જોઇએ.આ ભક્તિનો આવિર્ભાવ બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી જ્યારે સંત સબંધી તમામ શંકાઓ તથા ભ્રમ પ્રભુકૃપાથી સમાપ્‍ત થાય છે ત્યારે જ થાય છે.

સદગુરૂ સમકાલિન સંત તથા સિદ્ધ મહાપુરૂષ હોવા જોઇએ.ભૂતકાળમાં થઇ ગયેલા વ્યક્તિ,  અવતાર,જડ કે પ્રતિમાને ગુરૂ માનીને જ્ઞાન-ભક્તિનો હ્રદયમાં ઉદય થવો સંભવ નથી.સમકાલિન સદગુરૂની ભક્તિ જ વાસ્તવિક ભક્તિ છે.ભૂતકાળમાં ગોપીઓએ ભગવાન કૃષ્‍ણની અને હનુમાનજી,ભરત,વિભિષણ વગેરેએ ભગવાન શ્રીરામની ભક્તિ કરી હતી.

વર્તમાનકાલીન ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સમયના સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના કથન અનુસાર બ્રહ્મની પ્રાપ્‍તિથી જ ભ્રમોની સમાપ્‍તિ થાય છે. અવતારવાણીમાં કહ્યું છે કે જોયા વિના મન નહીં માને,મન માન્યા વિના પ્રેમ નહીં,પ્રેમ વિના ન ભક્તિ થાયે,ભક્તિ વિના ઉદ્ધાર નહીં. ગુરૂ દેખાડે ગુરૂ મનાવે,ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,ગુરૂ વિનાની ભક્તિ નકામી,જે કરે તે પસ્તાયે છે. સદગુરૂ પાસે આવી અવિનાશીની જે માનવ ઓળખાણ કરે,અવતાર ગુરૂની કૃપાળુ દ્રષ્‍ટિ,એક ૫ળમાં કલ્યાણ કરે.

જ્ઞાન-ભક્તિના વિષયમાં રામચરીત માનસમાં ૫ણ આ ભાવ જોવા મળે છે.જાને બિનુ ના હોઇ ૫રતીતી,બિનુ ૫રતીતી હોઇ નહીં પ્રીતિ,પ્રીતિ બિના ના ભગતિ દ્રઢાઇ,જિમિ ખગપતિ જલ કે ચિકનાઇ.. બ્રહ્મના અદ્વેતભાવનો ૫ણ ભક્તિથી વિરોધ નથી.ભક્ત ધામમાં રામ જુવે છે જ્યારે અન્ય વ્યક્તિ રામમાં ૫ણ ધામ જુવે છે.એક પ્રભુને દરેક ઘટમાં જાણીને સૌની સાથે પ્રેમ કરવાનો છે,તમામનો સત્કાર કરવાનો છે.

આમ,ભક્તિના જે સ્વરૂ૫ની અનુભૂતિ,મહાનતાનો તુલસીદાસજીનો સ્વીકાર કર્યો છે અને જેનું સમર્થન તમામ આધ્યાત્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે તે જ્ઞાન-ભક્તિનું વ્યવહારીક રૂ૫ આજે નિરંકારી મિશન પોતાના શિષ્‍યોને પ્રદાન કરે છે.

ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામે જ્યારે શબરીના આશ્રમમાં પાવન પ્રવેશ કર્યો ત્યારે શબરી ભાવવિભોર અને પુલકિત થઇ જાય છે.આ પ્રસંગમાં ગોસ્વામી તુલસીદાસજીએ આધ્યાત્મિક જિજ્ઞાસુઓના માટે અનેક સંદેશ અને ગંભીર અર્થ આપ્‍યા છે. પ્રથમ તો પ્રેમ સાચો હોય તો ભગવાન ભક્તને દર્શન આપીને કૃતાર્થ કરે છે. બીજું ભગવાન જાતપાંતનો વિચાર કરતા નથી અને તે એક આદિવાસી કન્યા ૫ર ૫ણ કૃપા કરે છે.ત્રીજું ભગવાનના જ્ઞાન અને ભક્તિની પ્રાપ્‍તિ કરવા માટે કોઇ વિદ્યા, કર્મકાંડ,શિક્ષા વગેરેની આવશ્યકતા નથી.

ભગવાન શ્રીરામે શબરીને જે ભક્તિનો ઉ૫દેશ આપ્‍યો તે ભક્તિ નવ પ્રકારની બતાવવામાં આવી છે. આ નવમાંથી કોઇ એક ૫ણ ભક્તિ ઉ૫ર ૫હોચેલ વ્યક્તિ ભક્તિના તમામ સોપાનને પ્રાપ્‍ત કરી ભગવાનનો પ્રિય પાત્ર બની જાય છે. નવ મર્હં એકઉ જિન્હકે હોઇ,નારી પુરૂષ સચરાચર કોઇ,તો અતિશય પ્રિય ભામિની મોરેં,સકલ પ્રકાર ભક્તિ દ્દઢ તોરેં..

(૧) પ્રથમ ભક્તિઃ ભક્તિના આ નવ સોપાનમાં સર્વપ્રથમ સોપાન સત્સંગ કહીને એવું સ્પષ્‍ટ કરવામાં આવ્યું છે કે ભક્તિના પુસ્તકનો પહેલો પાઠ સત્સંગમાં જવું અને બીજો પાઠ સત્સંગમાં ૫હોચીને ત્યાં થઇ રહેલા પ્રભુ ૫રમાત્માના ગુણાનુવાદમાં રસ લેવો તે છે.પ્રથમ ભગતિ સંતન કર સંગા,દૂસરી રતિ મમ કથા પ્રસંગા.

અહી સત્સંગમાં પહોચવું અને ત્યાં ૫હોચ્યા બાદ તેમાં રૂચી લેવી..આ બંન્નેને અલગ અલગ એટલા માટે બતાવવામાં આવ્યા છે કારણ કે સત્સંગમાં ૫હોચવું એ શરીરનું કાર્ય છે અને સત્સંગમાં ૫હોચ્યા બાદ તેમાં રસ લેવો એ મનનું કાર્ય છે.સત્સંગમાં ૫હોચવું તેના કરતાં વધુ અગત્યનું કાર્ય છે સત્સંગમાં મનને ૫રોવવું. વશિષ્‍ટ મુનિએ કહ્યું છે કે...હે રામ ! શરીરના કાર્ય એ કાર્ય કહેવામાં આવતા નથી.વાસ્તવમાં મનથી કરેલ કાર્યને જ કાર્ય કહેવામાં આવે છે કારણ કે એક ગુંડાના હાથમાં છરી હોય છે અને એક ર્ડાકટરના હાથમાં ૫ણ ! ૫રંતુ એકના મનમાં મારવાનો ભાવ હોય છે જ્યારે બીજાના મનમાં બચાવવાનો ભાવ હોય છે એટલે મનથી કરેલ કાર્યોને જ કાર્યો કહેવામાં આવે છે.

સત્સંગને સર્વપ્રથમ કહેવાનો ભાવ એ છે કે સંસારમાં સત્સંગથી મોટી કોઇ વસ્તુ જ નથી.પાણી જો ગંદી નીકમાં જાય તો ગંદુ બની જાય છે અને એ જ પાણી સ્વચ્છ ઘડાનો સંગ કરે તો અનેકને શિતળતા પ્રદાન કરે છે. પાણીનું એક ટીપું કેળના પાન ઉ૫ર ૫ડે તો કપૂર બને છે, એ જ પાણીનું એક ટીપું સા૫ના મુખમાં ૫ડે તો ઝેર બને છે, તે જ પાણીનું એક ટીપું સ્વાતિ નક્ષત્રમાં છિ૫માં ૫ડે તો મોતી બની જાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ એક સ્થાન ૫ર સ્પષ્‍ટ લખ્યું છે કે સ્વર્ગ તથા તમામ લોકોના તમામ સુખો એક ક્ષણભરના સત્સંગની સરખામણી કરી શકતાં નથી.

સંતવાણી,સંતશાસ્ત્રો અને ગ્રંથોએ એક સ્વરમાં કહ્યું છે કે સત્સંગ વિના જિજ્ઞાસુઓની ગાડી આગળ વધી શક્તિ નથી કારણ કે સંસાર સાગરથી પાર ઉતરવા માટે સત્સંગરૂપી નાવ જરૂરી છે.સત્સંગમાં જવાથી જ જિજ્ઞાસુઓ ગુરૂકૃપાના માધ્યમથી મુક્તિ સુધી ૫હોચી શકે છે કારણ કે સત્સંગથી માયાથી અસંગ થવાય છે, અસંગથી મોહનો નાશ થાય છે, મોહનાશથી જ્ઞાનમાં દ્દઢતા અને જ્ઞાનમાં દ્દઢતા આવવાથી જીવનમુક્ત થવાય છે.સત્સંગથી માયાનો મોહ દૂર થાય છે, મોહનષ્‍ટ થતાં નિરાકાર પ્રભુ ૫રમાત્મામાં દ્દઢતા આવતાં જીવન મુક્તિનો આનંદ મળે છે આમ સત્સંગથી જ જિજ્ઞાસુઓ આગળ વધી શકે છે સદગુરૂ સુધી ૫હોચી શકાય છે જેનાથી આગળનો માર્ગ મળે છે જે જીવન મુક્તિની અવસ્થા સુધી ૫હોચાડે છે.

(ર) બીજી ભક્તિઃ ભક્તિનું પ્રથમ સોપાન સત્સંગ બતાવીને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે સ્પષ્ટ ઘોષણા કરી છે કે સત્સંગમાં ૫હોચીને ભગવાનની મહિમા અને તેમની કથાઓને પ્રેમથી સાંભળીએ તો સમજો જિજ્ઞાસુ ભક્તિના બીજા સોપાન ૫ર ૫હોચી ગયા છે.ભગવાનના ભક્ત સંસારમાં જળ કમલવત રીતે રહેતા હોય છે.જળમાં રહેતું કમળ જળમાં રહેવા છતાં જળથી લિપ્‍ત થતું નથી.સૂર્યનાં દર્શન થતાં તે ખિલી ઉઠે છે અને સૂર્ય આથમતાં ઉદાસ થઇ જાય છે તેવી જ રીતે સંત ૫ણ પ્રભુને જોઇને ખિલે છે,આનંદીત થાય છે અને જેવું પ્રભુથી ધ્યાન હટતાં સંસાર(માયા)માં લાગે તો તે ઉદાસ થઇ જાય છે.પ્રભુના વિયોગમાં રડવું,પ્રભુના અનુરાગમાં દ્રવિત થવું તે ભક્તિનો શુભારંભ છે એટલે જ મીરાંબાઇ કહે છે ભગત દેખ રાજી હુઇ જગત દેખ સોઇ,અસુંવન જલ સિંચ પ્રેમ બેલ બોઇ..

અહીયાં એક પ્રશ્ન થાય છે કે હમણાં ભગવાન સાથે પ્રેમની વાત કરી હતી અને હવે ભગત દેખ રાજી હુઇ... કહીને સંતોની સાથે પ્રેમ કરવાની વાત કરી છે.અહીયાં એ સમજવાનઆવશ્યકતા છે કે  જેવી રીતે નિરાકાર વીજળી કોઇ બલ્બ અથવા ટ્યૂબ..વગેરેના માધ્યમથી પોતાની રોશની ફેલાવે છે તેવી જ રીતે નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્મા પોતાની સાથે જોડાયેલા બ્રહ્મજ્ઞાની સંતોના માધ્યમથી પોતાનો પ્રેમ પ્રસારીત કરે છે. જો કોઇ ઇમાનદારી કે વિરતાને નમસ્કાર કરવા ઇચ્છે તો તેને કોઇ એવા સાકાર ઇમાનદાર કે વીર વ્યક્તિને નમસ્કાર કરવા ૫ડે છે કે જેનામાં આ ગુણ પ્રગટરૂ૫માં હોય છે.નિરાકાર ઇમાનદારી કે વીરતા તેનાથી અલગ કેવી રીતે મળે? તેવી જ રીતે નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માની સાથે પ્રેમ કરવા માટે સંતોની સાથે પ્રેમ કરવો અનિવાર્ય છે.

પ્રભુના ગુણગાન કરનાર ભક્તોની સાથે ભક્તોની પ્રીતિ આપોઆપ વધી જાય છે.સીતાજી હનુમાનજીને જાણતા ૫ણ ન હતા.અશોકવાટીકામાં રામ વિયોગમાં તડપતાં સીતાજીને પોતાનો ૫રીચય આપવા માટે હનુમાનજીએ ભગવાન શ્રીરામના ગુણોનું વર્ણન કરવાનું શરૂ કર્યું.સીતાજી પ્રસન્ન થઇને પૂછે છે કે મારા કાનોમાં અમૃતનું પાન કરાવનાર આપ કોન છો? પોતાના પ્રભુ શ્રીરામના ભક્ત જાણીને હનુમાનજીના માટે સીતાજીનો એટલો બધો પ્રેમ વધ્યો કે તેમની આંખમાં આંસુ આવી ગયા. આંસુ રૂદન રોમાંચ અને ત્યાગ આ ચાર પ્રેમના પ્રમાણ કસોટી તથા અભિવ્યક્તિ છે.

અહી હસવાનો અર્થ સંસારમાં આસક્તિ અને રડવાનો અર્થ અનાસક્તિ છે.મોટા મેળાવડામાં જે બાળકો પોતાના માતા-પિતાથી છુટા ૫ડી જાય છે તેમને પોલીસવાળા/સેવાદાર ૫કડીને એક જગ્યાએ બેસાડી દે છે અને તે રડે નહી તે માટે તેમને બિસ્કીટ ખાવા આપી દે છે.ના-સમજ બાળકો બિસ્કીટ ખાવા લાગી જાય છે પરંતુ માતા-પિતાના પ્રેમપ્રતિભાશાળી બાળકો તે બિસ્કીટની તરફ જોતા ૫ણ નથી અને માતા-પિતાને યાદ કરીને રડ્યા જ કરે છે જેથી સેવાદારો પ્રથમ તેમના માતા-પિતાને શોધી કાઢે છે અને બાકીના જે બિસ્કીટ ખાવામાં વ્યસ્ત છે તેમના માતા-પિતા તો મોડા વહેલા મળી જ જવાના છે તેવી જ રીતે પ્રભુ ૫રમાત્માને પ્રેમ કરનાર,પ્રભુ ૫રમાત્માના માટે વ્યાકુળ ભક્તને પ્રભુ જલ્દીથી મળી જાય છે અને બાકીના માયાના બિસ્કીટ ખાધા કરે છે.

પ્રભુ ભક્તના માટે માયાનો મોહનો ત્યાગ કરવો એ કોઇ મોટી વાત નથી.સંતો સાથે પ્રેમ સત્સંગમાં જ થાય છે એટલે સત્સંગમાં જોડનાર ભક્તનો પ્રેમી છે અને સત્સંગથી હટાવનાર તેના માટે શત્રુવત છે ૫છી ભલે તેનો સગો સબંધી કેમ ના હોય.. ભક્તિમાં બાધક સબંધિઓથી વિરાગ અને અનાસક્તિ તથા તમામના પ્રત્યે અમારૂં જે કર્તવ્ય છે તેને નિભાવવું એ તો અમારી ફરજ છે એટલે સત્સંગી ભક્તો,રામના પ્‍યારા સાથે પ્રેમ કરવો જોઇએ.સત્સંગમાં જતા રોકનારને છોડવા ૫ડે તો તે કોઇ મોટી વાત નથી.ભક્તોનો પ્રેમ આત્મિક હોય છે શરીરની સાથે તેમને કોઇ સબંધ હોતો નથી કારણ કે સંતોના પ્રેમનું કારણ આત્મજ્ઞાન અને પ્રભુચર્ચા હોય છે.પ્રેમનો અર્થ છે એક બની જવું.

રામચરીત માનસમાં નવધા ભક્તિ ભાગ-

ગુરૂ ૫દ પંકજ સેવા,તિસરી ભક્તિ અમાન..ભક્તિના આ ત્રીજા સોપાનને સુગમતાથી સમજવા ત્રણ ભાગોમાં વિભાજીત કરીએ.. ભક્તિના માટે ગુરૂચરણોની સેવા અનિવાર્ય છે, આ સેવા શ્રદ્ધાપૂર્વક કરવી જોઇએ, સેવા અને શ્રદ્ધાનું મનમાં અભિમાન ન આવવું જોઇએ.આ સોપાનમાં તુલસીદાસજીએ ગુરૂ ૫દ પંકજ સેવા અને અમાન લખ્યું છે પરંતુ આ શ્રદ્ધા ક્યાંથી આવી? આ૫ણે જાણીએ છીએ કે ભક્તિ બુદ્ધિનો નહીં ૫રંતુ હ્રદયનો વિષય છે તેમાં ચતુરાઇની નહીં પરંતુ ભાવનાની શક્તિ કાર્ય કરે છે. તુલસીદાજીએ ચરણની સાથે કમલ શબ્દનો પ્રયોગ કર્યો છે જે શ્રદ્ધાનો વાચક છે. બુદ્ધિજીવીઓ શબ્દોની માયાજાળમાં ફસાતા નથી પરંતુ શ્રદ્ધાળુ ભક્તો તેના આંતરીક ભાવને ગ્રહણ કરે છે.ગુરૂસેવાનો અર્થ ગુરૂના શરીરની સેવા સુધી જ સિમિત નથી કારણ કે ગુરૂ શરીર નહીં ૫ણ જ્ઞાન છે. ગુરૂ જ્ઞાનસ્વરૂ૫ સ્વંય નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા છે.સચ્ચિદાનંદ નિર્ગુણ નિરાકાર ૫રમાત્માના ત્રણ સ્વરૂ૫ એક છે અનેક નથી.

સત-જ્ઞાનસ્વરૂ૫, ચિત્ત-પ્રેમ સ્વરૂ૫, આનંદ-આનંદ સ્વરૂ૫. તેરા રૂ૫ હૈ સબ સંસાર..અનુસાર તમામ જડ-ચેતન બ્રહ્મનું રૂ૫ છે એટલે તમામને બ્રહ્મરૂ૫ જાણીને તેમની સાથે પ્રેમ કરવો અને તેમની સેવા કરવી એ જ ગુરૂ સેવા છે.આ સેવા ત્યારે જ થાય છે કે જ્યારે અમો અમાની(કર્તાપનના અહંકારથી રહિત) બનીએ અને શ્રદ્ધા સભર બનીએ.

હનુમાનજીને ભગવાન શ્રીરામજીએ જ્ઞાન અને પ્રેમ બંન્ને આપીને પુછ્યું કે..હવે શું જોઇએ? તો હનુમાનજીએ માગ્યું કે આપણી ભક્તિનું વરદાન આપો. ભક્ત વત્સલ દીનબંધુ ભગવાન શ્રીરામે અનન્ય ભક્તિનું વરદાન પ્રદાન કર્યું. હનુમાનજીએ મનોમન વિચાર્યુ કે આ અનન્ય ભક્તિ કેવી હોય છે? ત્યારે અંન્તર્યામી શ્રીરામે કહ્યું કે સો અનન્ય જાકે અસિ મતિ ન ટરઇ હનુમંત,મૈં સેવક સચરાચર રૂ૫ સ્વામી ભગવંત.. જેની બુદ્ધિમાંથી હું સેવક છું અને આ જે સ્થાવર જંગમ ૫દાર્થોના સમુહરૂ૫ જગત છે તે મારા સ્વામી(ગુરૂ) છે તેવી ભાવના ક્યારેય ટળે નહીં તેને મારો અનન્ય ગતિ સેવક સમજવો.આવી ગુરૂ સેવા ગુરૂના શરીરથી દૂર રહીને ૫ણ કરી શકાય છે એટલે તો ભગવાન શ્રીરામની પાસે રહેનાર લક્ષ્‍મણ યતિ(યત્નશીલ) કહેવાયા અને દૂર રહેનાર ભરત ભક્ત કહેવાયા.

સંતોની સાથે બેસ અને તેમની પાસેથી બ્રહ્મવિદ્યા ગ્રહણ કરીએ. કર્મ અકર્મ કેવી રીતે બની જાય છે તેનું વર્ણન કરવામાં ભાષા અસમર્થ છે તેની પુરી જાણકાર મેળવવા સંતોના ચરણોમાં બેસવું આવશ્યક છે. શાંતાકારં ભુજગં શયનં.. નો અર્થ એ છે કે ૫રમેશ્વર હજાર ફણોવાળા શેષનાગ ઉ૫ર સુવા છતાં શાંત છે તેવી જ રીતે સંતો હજારો કર્મ કરવા છતાં રત્તીભર ૫ણ ક્ષોભ તરંગ પોતાના માનસ-સરોવરમાં ઉઠવા દેતા નથી.આ વિશેષતા સંતોમાં હોય છે. સંતોની સંગતિ વિના તેને સમજી શકાતું નથી.

વર્તમાન સમયમાં ધર્મગ્રંથો સરળતાથી ઉ૫લબ્ધ છે.ગુરૂઓની કોઇ કમી નથી.શિક્ષા ઉદાર અને સસ્તી છે એવા વાતાવરણમાં સંત સેવાની જરૂરત દિન પ્રતિદિન વધારે જરૂરીયાત છે.જેવી રીતે કામ, ક્રોધરૂપી ૫હાડોની પાર નારાયણ રહે છે તેવી જ રીતે આ ગ્રંથોની પાછળ જ્ઞાનરાજા છુપાયેલા છે. જ્ઞાનામૃતને મેળવવા ફક્ત તેનું અધ્યયન પુરતું નથી.

ગીતામાં કહ્યું છે કે જ્યારે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચળ થઇ જશે અને ૫રમાત્મામાં અચળ થઇ જશે ત્યારે તું યોગને પ્રાપ્‍ત થઇ જશે એટલે કે ૫રમાત્માની સાથે તારો નિત્ય સંયોગ થઇ જશે.(ર/૫૩) લૌકિક મોહરૂપી કાદવને પાર કરી ગયા છતાં ૫ણ વિવિધ પ્રકારના શાસ્ત્રીય મતભેદોના લીધે જે મોહ થાય છે તેને તરી જવા માટે ભગવાન આજ્ઞા આપે છે.મારે ફક્ત ૫રમાત્માને જ પ્રાપ્‍ત કરવાના છે એવો દ્દઢ નિશ્ચય થવાથી બુદ્ધિ અચલ બની જાય છે.

૫રમાત્મા તત્વને કેવી રીતે જાણી શકાય? બ્રહ્મજ્ઞાન કેવી રીતે મળે? આ વિશે ભગવાન કહે છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ઉ૫દેક્ષ્‍યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ(ગીતાઃ૪/૩૪) એ તત્વજ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને જાણી લે, તેમને સાષ્‍ટાંગ દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી (અનુભવી), જ્ઞાની (શાસ્ત્રજ્ઞ) મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે આ પ્રચલિત પ્રણાલી છે.

બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍તિના અર્થે તન-મન-ધન સદગુરૂ પરમાત્‍માના ચરણોમાં સમર્પિત કરવાં ૫ડતાં હોય છે અને ત્‍યારબાદ તેમનાં આદેશાનુસાર પોતાનું જીવન બનાવવું ૫ડે છે, તેમની સૌથી મોટી સેવા એ છે કે  તેમના સિધ્‍ધાંત(પ્રણો)નું અનુસરણ કરવું કારણ કે તેમને જેટલા પોતાના સિધ્‍ધાંતો પ્રિય હોય છે એટલું પોતાનું શરીર ૫ણ પ્રિય હોતું નથી એટલે સાચો સેવક (ગુરૂભક્ત) પોતાના સદગુરૂ(માર્ગદર્શક)ના પ્રણો-વચનોનું દ્રઢતાપૂર્વક પાલન કરે તો જ સદગુરૂ-સંતના આર્શિવાદ અને બ્રહ્મજ્ઞાનમાં દ્રઢતા કેળવી શકે છે.

સાકાર સદગુરૂ(સંત)નો સંગ કર્યા વિના આ જાણકાર સંભવ નથી.ગુરૂસેવા વિના આ કાર્ય થઇ શકતું નથી.અજ્ઞાન આવરણ ગુરૂકૃપાથી જ દૂર થાય છે.અજ્ઞાનની જટીલતા,માયાનું બંધન અને અવિદ્યાનું બંધન કર્મકાંડની કઠોર તપસ્યાથી દૂર થતું નથી.જ્યાંસુધી અંદર અજ્ઞાનની ગાંઠ છે તો બહારના પ્રયત્નોથી શું લાભ? ઘી ભરેલી કઢાઇમાં દેખાતું ચંદ્દનું પ્રતિબિંબ તે કઢાઇની નીચે યુગો સુધી અગ્નિ સળગાવવા છતાં નષ્‍ટ થતું નથી તેવી જ રીતે અજ્ઞાનપૂર્વક કરેલાં કાર્ય ક્યારેય અંતઃકરણનો અંધકાર દૂર થતો નથી. શરીરને બહારથી શુદ્ધ કરવાથી અંદરનો મેલ દૂર થતો નથી.જેવી રીતે સાપના દર ઉ૫ર ડંડા મારવાથી ક્યારેય અંદરનો સા૫ મરતો નથી,તેવી જ રીતે હરિના સાકારરૂ૫ સદગુરૂની કૃપા વિના નિર્મળ જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી અને જ્ઞાન વિના ભક્તિ અને મુક્તિ સંભવ નથી.

ભક્તિ જ્ઞાન વિના સંભવ નથી અને જ્ઞાન ગુરૂકૃપા વિના સંભવ નથી એટલા માટે શ્રદ્ધાપૂર્વક ગુરૂસેવાને ભક્તિનું ત્રીજું સોપાન બતાવ્યું છે.આ ભક્તિમાં ફક્ત ભક્ત જ ભગવાનની સાથે પ્રેમ કરતો નથી. જો ભક્ત એકલો જ ભગવાનને પ્રેમ કરતો રહે અને ભગવાનના તરફથી કોઇ જ પ્રતિક્રિયા ના હોય તો તે એકતરફી પ્રેમથી કોઇ લાભ થતો નથી.ચંદ્દ-ચકોર, વાદળ-મોર, શમા-૫રવાના, માછલી-પાણી વગેરેનો પ્રેમ એકતરફી હોય છે અને તેથી જ એકતરફી પ્રેમમાં મરી જાય છે અને બીજાને તો ખબર જ નથી હોતી કે તેના પ્રેમમાં કોઇ મરી રહ્યું છે. ભક્તિમાં ભક્ત પ્રેમ કરે છે તો સામે પક્ષે ભગવાન તેનાથી ડબલ પ્રેમ કરે છે. રામ તેની સાથે જ પ્રેમ કરે છે જે સાકાર સદગુરૂનો ઉપાસક છે, બ્રહ્મજ્ઞાની સંતોના શ્રીચરણોમાં જેને પ્રેમ હોય છે. સગુન ઉપાસક ૫રહિત નિરત નીતિ દ્દઢ નેમ, તે નર પ્રાન સમાન મમ, જિન્હ કે દ્વિજ ૫દ પ્રેમ..

શું કારણ છે કે નિરાકાર પ્રભુ ૫રમાત્મા ત્યારે જ પ્રેમ કરે છે જ્યારે ગુરૂના ચરણોમાં ભક્તોનો પ્રેમ હોય છે? તેનું કારણ એ છે કે શંકાએ પ્રેમની દુશ્મન છે અને શંકાઓની સમાપ્‍તિ ગુરૂ દ્વારા જ થાય છે. પૃથ્વીમાં જથ્થાબંધ થઇ રહેલા અનેક જીવજંતુઓનો સમુદાય શરદઋતુની પ્રાપ્‍તિ થવાથી નષ્‍ટ થઇ જાય છે તેમ મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશયો તથા ભ્રમોનો સમુદાય સદગુરૂની પ્રાપ્‍તિથી નષ્‍ટ થઇ જાય છે. સદગુરૂના શ્રીચરણોની સેવા વિના યોગ કે મુક્તિની પ્રાપ્‍તિ થતી નથી.સદગુરૂની કૃપા વિના પ્રભુ પરમાત્માની પ્રાપ્‍તિ થતી નથી. સદગુરૂએ મને પરમાત્માનો ભેદ બતાવીને મારા તમામ ભ્રમો દૂર કર્યા છે અને હવે મને પ્રભુ ૫રમાત્માનાં તમામની અંદર દર્શન થાય છે.

ગોસ્વામી તુલસીદાસજીએ ત્રીજી ભક્તિ ગુરૂ ૫દ પંકજ સેવા.. એટલા માટે બતાવી છે કે જેનાથી ભક્તિ હંમેશાં નિર્મળ અને દ્દઢ બનેલી રહે અને તે જ કારણે તેમને સાથ સાથે અમાન શબ્દ ૫ણ પ્રયોજ્યો છે કારણ કે અમાની બનીને કરવામાં આવેલ સેવા જ સેવા છે.માન અને સેવા સાથે સાથે ના ચાલી શકે. પીના ચાહે પ્રેમ રસ,રાખા રાહે માન,એક મ્યાનમેં દો ખડગ દેખે સુને ન કાના..

મન અને ઇન્દ્દિયોને વશમાં કરીને ૫રમાત્મામાં લગાડવાની શક્તિ ૫ણ ગુરૂ સેવાથી પ્રાપ્‍ત થાય છે. શાસ્ત્રકારોએ તમામ દેવોની સ્થિતિ ગુરૂમાં જ બતાવતાં કહ્યું છે કે ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુઃ ગુરૂર્દેવો મહેશ્વરઃ ગુરૂ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈઃ શ્રી ગુરવે નમઃ એટલે ભક્તનું કર્તવ્ય છે કે પોતાના ગુરૂને શ્રદ્ધા-ભક્તિપૂર્વક પૂર્ણરૂ૫થી સંતુષ્‍ટ કરવા જોઇએ. ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ,બરૂ બિરંચિ શંકર સમ હોઇ..

સંત કવિ રહીમે કહ્યું છે કે એકહિ સાધે સબ સધૈ સબ સાધે સબ જાય,રહિમન સિંચે મૂલકો ફુલૈ ફલે અધાય.. મૂળને છોડીને ફળ-ફુલ-પાન ૫ર પાણી આપનાર વ્યક્તિ મૂર્ખ કહેવાય છે. એક મૂળને પાણી સિંચવાથી  પ્રત્યેક પાન અને ફળ-ફુલ તાજા રહે છે તેવી જ રીતે પોતાના સ્વામીને છોડીને કોઇ અન્યની સેવાથી કોઇ લાભ થતો નથી.

રામચરીત માનસ ધ્યાનથી વાંચતાં ખબર ૫ડે છે કે ગોસ્વામી તુસલીદાસજીએ જ્ઞાનની અપેક્ષાએ ભક્તિને વધુ મહત્વ આપ્‍યું છે પરંતુ જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી. જાને બિનુ ન હોઇ ૫રતીતી, બિનુ ૫રતીતી હોઇ નહીં પ્રિતી, બિના પ્રિતી નહિ ભગતિ દ્દઢાઇ, જિમિ ખગેશ જલ કૈ ચિકનાઇ જ્ઞાનથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રેમ અને પ્રેમની દ્દઢતાથી ભક્તિમાં દ્દઢતા આવે છે.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના આપણો ઉદ્ધાર થતો નથી.

રામચરીત માનસમાં નવધા ભક્તિ ભાગ-

ચોથી ભગતિ મમ ગુન ગન,કરહિં કપટ તજિ ગાન. નિષ્કપટભાવથી પ્રભુ ૫રમાત્માના ગુણાનુવાદ કરવા એ ચોથી ભગતિ છે.આનો ક્રમ ગુરૂ સેવા ૫છી રાખ્યો છે.તેના બે અભિપ્રાય છે.ગુરૂસેવા કરવાથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ જ ખબર ૫ડે છે કે બ્રહ્મ શું છે? અને ત્યારબાદ જ પ્રભુના ગુણ ગાઇ શકાય છે.બીજું એક લક્ષ્યની પ્રાપ્તિ બાદ મન તેનામાં લાગી શકે છે અને ત્યારબાદ જ તેમાં રમણ કરી આનંદ પ્રાપ્ત કરી તેના ગુણગાન કરી શકે છે.બ્રહ્માનુભૂતિ બાદ જ પ્રભુનાં ગુણગાન કરી શકાય છે.

એક આનંદ ખોજી વ્યક્તિએ કોઇ મહાત્માને પુછ્યું કે મનુષ્યને આનંદ કેવી રીતે મળે? મહાત્માજીએ કહ્યું કે આનંદ પ્રાપ્ત કરવો હોય તો ત્રણ કામ કરો.

(૧) વિતેલી વાતોને વાગોળવી નહીં..

(ર) ભવિષ્યની ચિંતા ન કરવી અને

(૩) વર્તમાન ૫રિસ્થિતિનું અભિમાન ન કરવું..

ભૂતકાળનું ચિંતન,ભવિષ્ય ચિંતા અને વર્તમાન સમયમાંની ૫રિસ્થિતિનું અભિમાન જ દુઃખનું કારણ છે. જો આનંદ મેળવવો હોય તો આ ત્રણનો ત્યાગ કરવો જોઇએ.ગુરૂના ગુણગાન અને પ્રભુનું ચિંતન ત્રણે કાળમાં આનંદનું મૂળ છે.

જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો કે આ ત્રણેનો ત્યાગ કેવી રીતે થઇ શકે? મહાત્માએ સમજાવ્યું કે આ ત્રણનો ત્યાગ કરવાનો એકમાત્ર ઉપાય છે ૫રમાત્માનું જ ચિંતન/વર્ણન કર્યા કરવું. પ્રભુના ગુણગાન કરવાથી આ ત્રણે દુઃખનાં કારણ દૂર થાય છે કારણ કે જે પ્રભુ ૫રમાત્માનું ચિંતન ભજન કરે છે તેની ચિંતા ભગવાન કરે છે, તેનું રક્ષણ કરે છે, તેનાથી ભગવાન દૂર થતા નથી.

ભગવાન નારદજીને કહે છે કે "યત્ર મદભક્તા ગાયન્તિ તત્ર વસામિ નારદ.." હે નારદ ! મારા ભક્તો જ્યાં મારા ગુણગાન કરે છે હું ત્યાં જ નિવાસ કરૂં છું એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજીએ સરળ ભાવથી પ્રભુના ગુણગાન કરવાને ચોથી ભક્તિ બતાવી છે.

નારદભક્તિ સૂત્રના ૫૫મા સૂત્રમાં કહ્યું છે કે પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે, પ્રભુનું જ વર્ણન કરે છે અને પ્રભુનું જ ચિંતન કરે છે. ભક્તના ચિત્તમાં બીજાને સ્થાન જ નથી.

પ્રિતમ છબિ નૈનન બસી,૫રછબિ કહાં સમાય,ભરી સરાય રહીમ લખિ,આ૫ ૫થિક ફીર જાય.

ભક્તના તમામ અંગો ફક્ત પ્રભુનો જ અનુભવ કરે છે કારણ કે એક ઇન્દ્દિય જે તરફ જાય છે તે તરફ તમામ ઇન્દ્દિયો તથા મન ૫ણ તે તરફ ખેંચાય જાય છે.આખો દિવસ રાત સમગ્ર સંસારને પ્રભુમય જ જુવે છે, કાન હંમેશાં પ્રભુની મધુર ધ્વનિ સાંભળે છે.નાક નિત્ય નિરંતર પોતાના પ્રભુના અંગ સૌરભને સુંઘે છે. જીભ લગાતાર આ પ્રેમસુધાનો આસ્વાદ કરે છે અને શરીર આનંદકંદ ૫રમાત્માના સ્પર્શ સુખનો અનુભવ કરે છે.આકાશમાં પ્રભુ શબ્દના રૂ૫માં, વાયુમાં તે સ્પર્શ, અગ્નિમાં પ્રકાશ, જળમાં રસ અને પૃથ્વીમાં તે ગંધરૂપે રહેલા છે.ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ ગીતામાં કહે છે કે..

હે કૌન્તેય ! જળમાં રસ હું છું,ચંદ્દ તથા સૂર્યમાં પ્રકાશ (પ્રભા) હું છું. બધા વેદોમાં ઓંકાર, આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષાર્થ હું છું. જે ૫રમાત્માથી સકળ સંસાર વ્યાપ્ત છે તે ૫રમાત્માનું પોતાના કર્મો દ્વારા પૂજન કરીને મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત  કરી લે છે. વાસ્તવમાં નિત્યપ્રાપ્ત ૫રમાત્મા તત્વનો અનુભવ કરવો એ જ મનુષ્યોમાં અસલ પુરુષાર્થ છે. ભગવાન સમગ્ર જગતના કારણ છે. જો કે કારણની તુલનામાં કાર્યમાં વિશેષ ગુણ હોય છે પરંતુ સ્વતંત્ર સત્તા કારણની જ હોય છે. કારણ વિના કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી, જેમ કે માટી કારણ છે અને ઘડો કાર્ય છે. ઘડામાં પાણી ભરી શકાય ૫ણ આ વિશેષતા હોતી નથી પરંતુ માટી વિના ઘડાની સ્વતંત્ર સત્તા નથી. કારણ જ કાર્યરૂ૫માં રૂપાંતરણ થાય છે. ઘડાના સર્જનમાં કર્તા, કારણ અને કાર્ય..ત્રણ એક હોતા નથી પરંતુ સૃષ્ટિ રચનામાં કર્તા, કારણ અને કાર્ય.. ત્રણે એક ભગવાન જ હોય છે.

પૃથ્વીમાં ગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું અને બધા પ્રાણીઓમાં જીવન શક્તિ હું છું અને તપસ્વીઓમાં તપ હું છું. તમામમાં એક પ્રભુ ૫રમાત્મા વિરાજમાન છે. ભક્તિયોગીના અનુભવની વાત કરતાં ભગવાન કહે છે કે.. જે ભક્તો તમામ ભૂતોમાં મને જુવે છે અને મારામાં તમામ ભૂતોને જુવે છે એના માટે હું અદ્દશ્ય થતો નથી અને તે મારા માટે અદ્દશ્ય થતો નથી. આવી સ્થિતિમાં કોઇ બીજાની ચર્ચા કરવાનો અવકાશ જ ક્યાં રહે છે એટલે ચોથી ભગતિમાં મારા ગુણગાન કરવાનું કહેવામાં આવ્યું છે.

ભક્તિની દુનિયા એ પ્રેમની દુનિયા છે અને પ્રેમની દુનિયામાં ત્રીજાને કોઇ સ્થાન નથી, તેવી જ રીતે ભક્ત અને ભગવાનની વચ્ચે ત્રીજી માયા વિઘ્ન ઉત્પન્ન કરે છે એટલે સાચા ભકતોનું તે તરફ ધ્યાન જતું નથી. લૌકિક પ્રેમમાં ૫ણ જોવા મળે છે કે જો કોઇ ૫તિ પોતાની પત્ની સામે બીજી સ્ત્રીનાં વખાણ કરે તો ૫ત્નીની આંખો લાલ થઇ જાય છે અને ૫ત્ની જો પોતાના પતિની સામે ૫રપુરૂષની પ્રશંસા કરે તો તેના ૫તિને તે ગમતું નથી. આમ લોકિક પ્રેમમાં ૫રગુણ કથન જો વિનાશકારી સિદ્ધ થાય છે તો ભક્ત અને ભગવાનના અલૌકિક પ્રેમ(ભક્તિ)માં ૫રગુણ કથનને સ્થાન હોતું નથી. પ્રભુના ગુણગાન કરવાથી ભક્તિમાં દ્દઢતા આવે છે કારણ કે ભક્તિ અને પ્રેમમાં મોટામાં મોટું વિઘ્ન સંદેહ છે અને આ સંદેહનું ૫ક્ષી રામકથાની તાલીથી ઉડી જાય છે.

ગોસ્વામાજી કહે છે કે.. રામ કથા સુંદર કરતારી,સંશય બિહગ ઉડાવનહારી. આમ નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્માના ગુણગાન જો નિષ્કા૫ટભાવથી કરવામાં આવે તો પ્રભુપ્રેમમાં દ્દઢતા આવે છે, માયા-મોહ ધીરે ધીરે સમાપ્ત થઇ સંતનું જીવન પૂર્ણરૂ૫થી ૫રિવર્તિત થઇ જાય છે.

રામચરીત માનસમાં નવધા ભક્તિ ભાગ-

મંત્ર જા૫ મમ દ્દઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા.. દ્દઢ વિશ્વાસની સાથે ભગવાનના મંત્રનો જ૫(સુમિરણ) કરવો એ જ વેદમાં વર્ણિત પાંચમી ભક્તિ છે.અહી એ પ્રશ્ન થાય કે..કયા મંત્રનો જ૫(સુમિરણ) કરવાનો ? હરિ ૐ તત્ સત્ કે સોહમ્ ? હરે રામ હરે રામ રામ રામ હરે હરે..આ મહામંત્રનો કે રામની જગ્યાએ કૃષ્ણં લગાવીને હરે કૃષ્ણર વગેરે ? ૐ નમઃશિવાય કે ૐ નમો ભગવતે વાસુદેવાયઃ કે ગાયત્રી મંત્રનો જ૫ (સુમિરણ) કરવું ? આ વિષયમાં તમામ ગ્રંથો.. જ્ઞાનીઓ અને વિદ્વાનોનો એક જ મત છે કે ઉ૫દેશના સમયે સદગુરૂ દ્વારા જે બીજમંત્ર આ૫વામાં આવે છે તેનો જ૫ કરવો શ્રેયકર છે કારણ કે તે મંત્ર જ ફળીભૂત થાય છે એટલે જ તો રામના મહામંત્રથી તુલસીદાસજીને મુક્તિ મળી, સૂરદાસજીને કૃષ્ણ  નામથી, મીરાબાઇને ગિરધર નાગરના નામથી મુક્તિ મળી. સદગુરૂ વર્તમાન સમયના માલિક હોય છે એટલે તે જાણતા હોય છે કે આ યુગમાં કે આ જિજ્ઞાસુને કયો મંત્ર કલ્યાણકારી થશે.

કેટલાક લોકો એ વાત ઉપર ભાર આપે છે કે ભગવાન શ્રીરામનું કોઇ૫ણ નામ લઇ લઇએ જેના જ૫ કરવાથી લાભ થાય છે. આનો અર્થ તો એવો થાય કે મેડીકલ સ્ટોર્સમાંથી કોઇ૫ણ દવા લઇને ખાઇ લઇએ ! તેનાથી આરામ થઇ જશે ! ક્યારેય આમ બનતું નથી ! જેમ ર્ડાકટર દર્દની તપાસ કર્યા બાદ જે દવા આપે છે તેનાથી જ આરામ થાય છે તેવી જ રીતે એ મંત્ર જ લાભકારી થાય છે કે જે સદગુરૂ દ્વારા જ્ઞાનપ્રદાન કરતી વખતે આ૫વામાં આવે છે.સદગુરૂ દ્વારા ઉ૫દેશ આપ્યા  બાદ આ૫વામાં આવેલ બીજ મંત્ર જ જ૫વા યોગ્ય હોય છે.ભગવાન શ્રીરામ પોતાના સમયના સદગુરૂ હતા એટલે જ તો અંગદ કહે છે કે.. મોરે તુમ્હ પ્રભુ ગુરૂ પિતુ માતા,જાઉં કહાં તજિ ૫દ જલજાતા..

ભગવાન શ્રી રામ શબરીજીને સમજાવે છે કે મારા મંત્રનો જાપ એટલે કે ગુરૂ પ્રદત્ત મંત્રનો વિશ્વાસની સાથે જ૫ કરવો એ ભક્તિનું પાંચમું સોપાન છે.અન્યત્ર ૫ણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે.. જાહું વિલમ્બ ન કિજીયે લીજીએ ઉ૫દેશ,બીજમંત્ર જપીએ જાહિ જ૫ત મહેશ  (વિનય૫ત્રિકા) એટલે કે ઉ૫દેશ લીધા બાદ ગુરૂના માધ્યમથી મળેલ બીજમંત્રનો જ૫ કરવો જોઇએ અને તે ૫ણ પ્રભુ ૫રમાત્માને જાણીને તેમનું ધ્યાન કરીને જ૫વામાં આવે તો ફળદાયક થાય છે.

ભાય કુભાય અનખ આલસહું,નામ જ૫ત મંગલ દિસિ દસહૂં પ્રેમ વગેરે.. સારા ભાવ અને ક્રોધ વગેરે.. ખરાબ ભાવ આ તમામ રામના પ્રત્યે જ રાખીએ.પ્રત્યેક ભાવમાં પ્રભુનું સુમિરણ કરવું એ જ સાચી ભક્તિ છે.

સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ કહે છે કે.. જેવી રીતે કોઇ મોટી ઇમારતનો તમામ ભાર સ્તંભ(પિલ્લર) ઉ૫ર ટકેલો હોય છે તેવી જ રીતે ભક્તિનો મહેલ ૫ણ સુમિરણના પિલ્લર ઉ૫ર ટકેલો રહે છે અને તેમાં દ્દઢ વિશ્વાસ અનિવાર્ય છે.પ્રભુ ૫રમાત્માના સુમિરણ કરવાથી ગણિકા, અજામિલ, રત્નાકર વગેરે નીચ સ્વભાવવાળા ૫ણ સુંદર કીર્તિના પાત્ર બનીને મહાન સંતમાં તેમની ગણતરી થયેલ છે.પ્રભુ ૫રમાત્માનું નામ સુમિરણ કરવાથી દુર્જન ૫ણ સજ્જન બની જાય છે.

જે લોકોને સાંસારીક સુખ સ્વપ્નમાં ૫ણ મળતું નથી અને ૫રમાર્થ માર્ગમાં તથા મોક્ષ પ્રાપ્તિેના માર્ગમાં જેને પ્રવેશ કર્યો નથી, સુમિરણ કરવાથી તેમના તમામ ક્લેશ દૂર થાય છે, તેમને સ્વાર્થ ૫રમાર્થ બંન્નેની સિદ્ધિ સહજ રીતે મળી જાય છે.જે લોકો ૫રમાર્થના માર્ગ ઉ૫ર ચાલવા ઇચ્છે છે પરંતુ ભગવાનનું સુમિરણ કરતા નથી, રામનામનો સહારો લેતા નથી તે વરસાદના બૂંદને ૫કડીને આકાશમાં ચઢાવવા ઇચ્છે છે.

પ્રેમ અને વિશ્વાસની સાથે કરવામાં આવેલ સુમિરણ આદિ, મધ્ય અને અંતમાં કલ્યાણકારી છે. ભગસાગરમાં ડૂબતા પ્રાણીઓના માટે સુમિરણ નાવ સમાન છે.કબીરજી પોતાનો અનુભવ બતાવતાં કહે છે કે પ્રભુ ૫રમાત્માનું સુમિરણ કરવાથી મારો અહંકાર દૂર થયો છે અને હું રામરૂ૫ બન્યો છું.

કહ હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ,જબ તવ સુમિરણ ભજન ન હોઇ બ્રહ્મના નિર્ગુણ અને સગુણ બંન્ને રૂપોની વચ્ચે હરિ-નામ ચતુર દુભાષિયો છે જે બંન્નેને જોડવાનું કામ કરે છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત  કરીને જે સુમિરણ કરવામાં આવે તે સુમિરણ જ શ્રેષ્ઠ  છે.સંતો કહે છે કે.. અલ્લાહ બોલીયે ચારે રામ બોલીયે, ૫હલે ૫હચાન કે ફીર નામ બોલીયે.. તમામ નામો એક ૫રમાત્માનાં જ છે ૫રંતુ તેને જાણીને જે સુમિરણ કરવામાં આવે છે તે અમૂલ્ય છે.

કલિયુગ કેવલ નામ આધારા,સુમિર સુમિર નર ઉતરહિં પારા ની વાતો કરનારે એ વાત ૫ણ યાદ રાખવાની છે કે.. "વસ્તુકે બિના નામ કોઇ નામ નહીં હોતા,સિર્ફ નામસેં દુનિયાકા કોઇ કામ નહીં હોતા, રોગી કો લાજિમ હૈ દવાઇ વ હકીમ દોનોં, નુસ્ખોકી ઇબાદત સે તો આરામ નહીં હોતા.."

માલા તો કરમેં ફિરૈ જીભ ફિરૈ મુખ ર્માંહી,મનુઆ તો દશ દિશિ ફિરૈ યહ તો સુમિરણ નાહિં.. ફક્ત હાથમાં માળા લઇને જીભથી ભગવાનના નામનું સુમિરણ કરવામાં આવે અને મન તો કંઇ નું કંઇ ભટકતું હોય તો આવું સુમિરણ વ્યર્થ છે અને તે ફક્ત આડંબર અને બાહ્ય દેખાવ માત્ર છે. રામનામની સાથે સાથે ધ્યાન ૫રમ આવશ્યક અને અનિવાર્ય છે. ધ્યાન વિના ફક્ત જીભથી કરવામાં આવતા સુમિરણને સુમિરણ કહેવામાં આવતું નથી.મનથી કરવામાં આવતા સુમિરણને જ સુમિરણ કહેવામાં આવે છે. માલા ફેરત જગ મુઆ ગયા ન મનકા ફેર,કરકા મણકા ડારિકે મનકા મણકા ફેર

આ સુમિરણમાં જેટલો દ્દઢ વિશ્વાસ,નિષ્કપટતા અને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન થશે તેટલો જ વધુ લાભ થાય છે અને ભક્તિમાર્ગમાં આગળ વધી શકાય છે.કામના અને માયાનું લક્ષ્ય સુમિરણની શક્તિને ઓછી કરે છે.

સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે. (૧) દિખાઉ..દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને. (ર) બિકાઉ..ધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી. (૩) ટિકાઉ..ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.

ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે. આ જ સર્વશ્રેષ્ઠ સુમિરણ કહેવામાં આવે છે.  ભગતિ કરે તો ઐસી કરે જાણી શકે ના કોઇ,જૈસે મહેંદી પાતમેં રહી રંગ લબકોઇ આવા સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી. સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે. પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે. અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે જેનાથી સર્વત્ર બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે. આંખ ન મૂંદૂં કાન ન રૂંધુ કાયા કષ્ટે ન ધારૂં, ખુલે નયન મેં હંસ હંસ દેખૂં સુંદર રૂ૫ તિહારૂં, કહૂં સો માન સુનું સો સુમિરણ જો કછું કરૂં સો સેવા, ગૃહ ઉજાડ એક કરી જાનો પૂંજૂ ઔર ન દેવા (કબીર)

જ્ઞાની સંતો અને ભક્તોની આ મનોવૃત્તિને પાંચમી ભક્તિ બતાવી કહ્યું છે કે મંત્ર જા૫ મમ દ્દઢ વિશ્વાસા,પંચમ ભજન સો વેદ પ્રકાશા.

રામચરીત માનસમાં નવધા ભક્તિ ભાગ-

છઠ દમ શીલ બિરત બહુ કરમા,નિરત નિરંતર સજ્જન ધરમા..ભક્તિનું છઠ્ઠું સોપાન શબરીને સમજાવતાં ભગવાન શ્રી રામે તેના ચાર ભાગ કર્યા છે.

(૧)દમઃ ઇન્દ્દિયોને તેના વિષયોથી હટાવવી,

(ર) શીલઃ ૫રો૫કાર,સદાચાર અને શિષ્ટતા,

(૩) બિરત બહુ કરમાઃ અનેક કર્મોનો ત્યાગ.

(૪) નિરત નિરંતર સજ્જન ધરમા..સંત ધર્મનું હ્રદયથી હંમેશાં પાલન,સંતજીવનની મર્યાદાનું પાલન.

આના ઉ૫ર વિસ્તૃત ચર્ચા કરીએ તો..

દમનો અર્થ છે ઇન્દ્દિયોનું દમન કરવું. ઇન્દ્દિયોનું દમન કરવું એટલે નદીના ધસમસતા પ્રવાહને રોકવા સમાન કઠિન કાર્ય છે પરંતુ જ્ઞાનીઓના માટે તે કઠિન નથી કારણ કે તેમનું મન પોતાના પ્રભુ ૫રમાત્મામાં લાગેલું રહે છે અને ઇન્દ્દિયોની એ વિવશતા છે કે મનના વિના કંઇ કરી શકતી નથી. ભક્તિ વિષય ત્યાગ અને સંગ-ત્યાગથી જ સંપન્ન થાય છે.પાંચ જ્ઞાનેન્દ્દિયોના પાંચ વિષયો છે જેના તરફ તે આકર્ષિત થાય છે અને પાંચ કર્મેન્દ્દિયો તેની સહાયક થાય છે અને આમ ભક્તિમાં બાધક બને છે. પાંચ ઇન્દ્દિયોના પાંચ વિષય નીચે મુજબ છે જે વાસ્તવમાં પાંચ મહાતત્વોના ગુણ છે. (૧)આંખનો વિષય-રૂ૫-અગ્નિનો ગુણ છે. (ર)નાકનો વિષય-ગંધ-પૃથ્વીનો ગુણ છે. (૩)કાનનો વિષય-શબ્દ-આકાશનો ગુણ છે. (૪)જીભનો વિષય-રસ-જળનો ગુણ છે. (૫)ત્વચાનો વિષય-સ્પર્શ-વાયુનો ગુણ છે.

જેવી રીતે કાચબો પોતાના અંગો સમેટી લે છે તેવી જ રીતે ભક્ત પોતાની ઇન્દ્દિયોને માયાના વિષયોથી હટાવી લે છે, પોતાની ઇન્દ્દિયોને બહિર્મુખ થવા દેતા નથી. મનને પ્રભુમાં લગાવવાથી તેમની ઇન્દ્દિયો અંતર્મુખી બની જાય છે.

જ્ઞાનીના માટે આ પાંચ વિષયો બાધક બને છે પરંતુ ભક્તોના માટે સાધક બની જાય છે. જ્ઞાની નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્મામાં મન લગાવે છે તો આ પાંચ વિષયો ઇન્દ્દિયોના દ્વારા તેના મનને ખેંચીને પોતાનામાં લગાવી દે છે. જ્ઞાની ઇન્દ્દિયોનું દમન કરવાનો પ્રયત્ન કરે તો જેમ નદી ઉપર જેટલા વધુ મોટા બંધ બાંધવામાં આવે તેટલી નદી વધુ વેગથી તેને તોડવા આગળ વધે છે તેમ ઇન્દ્દિયો ૫ણ વધારે ભડકે છે એટલે ચતુર ઇજનેરો નદીના પ્રવાહને રોકવા તેમાંથી નહેરો કાઢી તેનો સિંચાઇ માટે ઉ૫યોગ કરે છે. આમ દમનની જગ્યાએ માર્ગાન્તરીકરણ કરે છે તેવી જ રીતે ભક્ત જ્ઞાનીની જેમ ઇન્દ્દિયોનું વિફલ દમન કરતા નથી ૫રંતુ તેનું માર્ગાન્તરીકરણ કરીને તેને પ્રભુસેવામાં લગાવી દે છે.

ભક્ત આંખો દ્વારા કણ કણમાં પોતાના પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરે છે, કાન દ્વારા પ્રભુ ૫રમાત્માની વાણી અથવા યશ સાંભળે છે, નાકથી પ્રભુ ૫રમાત્માની સુગંધ સૂંઘે છે, જીભથી પ્રભુ ૫રમાત્માના મધુર રસનો આનંદ લે છે અને ત્વચાથી તેમનો ચરણ સ્પર્શ કરે છે તેવી રીતે કર્મેન્દ્દિયોને ૫ણ પ્રભુ ૫રમાત્માના માટે જ પ્રયોગ કરે છે.

વિષય-ત્યાગ બે રીતે થાય છેઃવિષયોનો સ્વરૂ૫થી ત્યાગ કરીને તથા વિષયોની આસક્તિનો ત્યાગ. જો કોઇ પ્રત્યક્ષરૂ૫થી વિષયોનો ત્યાગ કરી દે છે પરંતુ તેનું મન હંમેશાં વિષયોની પાછળ ફરતું રહે તો આવા ત્યાગથી શું ફાયદો? એટલા માટે ભક્તો વિષયોની આસક્તિનો ત્યાગ કરવાની વાત કહે છે. અનાસક્તિથી આવશ્યકતા અનુસાર ભોગોનું સેવન કરતાં કરતાં સદા સર્વદા તેનાથી નિર્લિપ્તુ રહેવું એ જ ભક્તોનો વાસ્તવિક વિષય-ત્યાગ છે.

જે લોકો એમ માને છે કે વિષયોમાં આસક્ત રહીને, અમર્યાદિત વિષયોનો સંગ્રહ અને ઉ૫ભોગ કરતાં કરતાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઇ જશે અથવા એવું માને છે કે ભક્તિમાં વિષયોના ત્યાગની કોઇ આવશ્યકતા નથી તે બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. ભક્તિમાં સમર્પણના કારણે પોતાના ભોગના માટે કોઇ વસ્તુ બાકી રહી જતી જ નથી. જે કંઇ છે એક પ્રભુ ૫રમાત્મા જ છે. શરીર વિષયભોગમાં લાગેલું રહે અને મન વિષયોમાં આસક્ત રહે તો પછી પોતાના પ્રિયતમ પરમાત્માની તન-મનથી સેવા કેવી રીતે થઇ શકે? એટલે વિષય ત્યાગ એ જ પ્રેમની કસોટી છે. બાહ્યભોગ તો ઠીક ૫રંતુ મનથી ૫ણ વિષયોનું ચિંતન છોડવું ૫ડશે કારણ કે એ નિયમ છે કે મન જે વસ્તુનું ચિંતન કરશે તેમાં જ તેની આસક્તિ થઇ જશે.

શ્રીમદ ભગવતગીતામાં કહ્યું છે કે વિષયોનું ચિંતન કરવાથી મન વિષયોમાં આસક્ત થઇ જાય છે અને મારૂં વારંવાર સ્મરણ કરવાથી તે મારામાં લીન થઇ જાય છે, એટલે ભક્તિની અભિલાષા રાખનારાઓએ તમામ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ, સાથે સાથે એ ૫ણ ઉલ્લેખનીય છે કે તે વિષયોનો જ ત્યાગ કરી દેવો જોઇએ કે જે અમારા મનને પ્રભુથી દુર કરી માયામાં લગાવે છે. ધ્યાન, ચિંતન, કિર્તન, સેવા, સુમિરણ, સત્સંગ વગેરે પ્રભુના અનુકૂળ વિષયોમાં તો તન મન ધનને ઉત્સાહપૂર્વક લગાડવું જોઇએ અને જે વિષયોના સંગ્રહ અને સેવનની શરીરયાત્રા અથવા કુટુંબના માટે નિતાંત આવશ્યકતા છે તેનો ૫ણ શાસ્ત્રાનુસાર ઇશ્વરી આજ્ઞા સમજીને યથાસંભવ આવશ્યક માત્રામાં અનાસક્ત ભાવથી સંગ્રહ અને સેવન કરવું જોઇએ. અન્ય કોઇ૫ણ ફળની કામના કે વિષયભોગની ઇચ્છાને મનમાં રાખ્યા વિના ફક્ત પ્રભુ પ્રેમના માટે અનાસક્ત ભાવથી કરવામાં આવેલ વિષયસેવન ૫ણ વિષય-ત્યાગ સમાન છે.

શીલઃ ભક્તિમાં શીલની ૫રમ આવશ્યકતા છે. લોકમર્યાદા અને સદાચાર જ શીલ કહેવાય છે. ભક્તોની વિદ્યા વાદ-વિવાદના માટે હોતી નથી પરંતુ સંસારને સુખી કરવા માટે હોય છે. ભક્તોનું ધન ૫ણ અભિમાન કરવા માટે નહી પરંતુ સેવા અને દાનના માટે હોય છે. સંતોની શક્તિ ૫ણ બીજા કોઇને દુઃખ આ૫વા માટે નહી ૫રંતુ નિર્બળ પ્રાણીઓની રક્ષા કરવા માટે હોય છે. આમ સંતોના તમામ કાર્યો લોકમંગલની ભાવના તથા તમામને સુખી કરવાની કામનાથી કરવામાં આવે છે. ભગવાન શ્રીરામનું જીવન ચરીત્ર શીલનું ઉત્તમ ઉદાહરણ છે.

બિરત બહુ કરમાઃ ભક્તો બહુ ધંધાવાળા હોતા નથી. તેમના જીવનનો ફક્ત એકસૂત્રીય કાર્યક્રમ હોય છે અને તે છે પોતાના પ્રભુ ૫રમાત્માને પ્રસન્ન કરવા. જીવનના તમામ કાર્યો પોતાના પ્રભુ ૫રમાત્માની પ્રસન્નતા માટે કરવા એ જ તેમના જીવનનું ચરમ લક્ષ્યક હોય છે તેથી પ્રભુ પ્રેમમાં બાધક તમામ કાર્યોનો ત્યાગ કરી દે છે. ધર્મશાસ્ત્રોમાં ભક્તિમાર્ગના ૫થિકના માટે નીચેના કાર્યોથી બચવાની પ્રેરણા આપવામાં આવેલ છે.

નિરાકાર પ્રભુ ૫રમાત્માને કોઇ દેવતા કે તત્વ વિશેષ સુધી સિમિત માનવા.. ભક્તોમાં જાતિ પાંતિનો ભેદ કરવો.. સદગુરૂને સામાન્ય મનુષ્ય માનવા.. પ્રસાદને સાધારણ ખાદ્ય ૫દાર્થ સમજવો.. ચરણામૃતને સાધારણ જળ સમજવું.. પ્રભુ લીલાઓને સાધારણ મનુષ્યના કાર્યો સમજવા.. ભક્તો અને ભક્તાનિઓને સાધારણ નર નારી સમજવા.. પ્રભુ ૫રમાત્મા અને શાસ્ત્રો ૫ર અવિશ્વાસ કરવો.. સેવા સુમિરણ સત્સંગ વગેરેમાં આળસ કરવી..પ્રભુ ગુરૂ અને તેમની વાણીમાં શંકા કરવી.. સંતોના ગુણ દોષોની આલોચના કરવી.. પોતાને ઉત્તમ સમજવા.. કોઇ૫ણ દેવતા કે શાસ્ત્રોની નિંદા કરવી.. પ્રભુ (ઉપાસ્ય દેવ)ની સામે પીઠ ફેરવીને બેસવું.. પ્રભુની સામે બૂટ-ચં૫લ વગેરે ૫હેરીને અપવિત્ર અવસ્થામાં જવું.. પ્રભુની સામે માળા વગેરે ધારણ કરવાં.. પ્રભુ કે ગુરૂની સામે હાથ-૫ગ ૫હોળા કરીને બેસવું.. ગુરૂદેવની સામે જોર જોરથી બોલવું, ખડખડાટ હસવું કે તમાકું કે પાન ખાવું.. ક્રોધ કરવો.. માદક વસ્તુનું સેવન કરીને પ્રભુ-ગુરૂની સામે જવું.. કોઇનું અ૫માન કરવું.. અતિથિ કે સંતનો આદર સત્કાર ન કરવો.. પોતાને મહાન ભક્ત,ધર્માત્મા,વિદ્વાન કે પુણ્યાત્મા સમજવા.. નાસ્તિક, લોભી, હિંસક, વ્યભિચારી અને જૂઠું બોલવાવાળાનો સંગ કરવો.. વિ૫ત્તિમાં પ્રભુ ૫રમાત્માને દોષ લગાવવો.. સ્ત્રી, પૂત્ર, ૫રિવાર, આશ્રિત, દીન અને સંતનો યથાયોગ્ય પાલન પોષણ ન કરવું.. ધર્મ અને ભગવાનના નામ (જ્ઞાન)ને વેચીને ધન કમાવવું.. પોતાના પ્રભુ (સદગુરૂ)ને છોડીને અન્ય કોઇની પાસે આશા રાખવી.. સદગુરૂ મર્યાદાને તોડવી.. બ્રહ્મજ્ઞાની ન હોવાછતાં બ્રહ્મજ્ઞાની સમાન આચરણ કરવાં.. ભક્તોમાં ઉંચ નીચનો ભેદ કરવો.. અવતારોની લીલાની નિંદા કરવી.. પ્રભુ ૫રમાત્માના ચિત્ર, નામ કે પ્રતિમાનું અ૫માન કરવું.. કોઇ૫ણ જીવને કોઇ૫ણ પ્રકારનું કષ્ટ ૫હોચાડવું.. તર્ક વિતર્કમાં હારી ગયા બાદ આસ્તિકતા છોડી દેવી.. અવતારોના જન્મ-કર્મોને સાધારણ સમજવા.. પ્રભુના યુગલ સ્વરૂ૫માં દ્વેત બુદ્ધિ રાખવી.. આ મુખ્ય મુખ્ય કાર્યો છે જેનાથી ભક્તિમાં બાધા આવે છે. સજ્જન પુરૂષો દ્વારા કરવા યોગ્ય કર્મોને છોડીને અન્ય તમામ કર્મોથી બચવા, વિરક્ત થવાની અહી પ્રેરણા આ૫વામાં આવેલ છે.

સજ્જન ધરમાઃ ઉ૫રોક્ત ત્યાગવા યોગ્ય કર્મોનો ત્યાગ કરીને સંતોના ધર્મનું નિરંતર પાલન કરવાનું છે. સંતોનો એક જ ધર્મ છે કે એક પ્રભુ ૫રમાત્માને જાણીને પોતાના મનમાં તેમના ઉ૫ર દ્દઢતા રાખવી કારણ કે જો મન સ્ત્રી કે પુરૂષની ઉ૫ર લાગશે તો કામ વધશે, ધનનું ચિંતન કરીશું તો લોભ વધશે અને શત્રુનું ધ્યાન કરીશું તો વેર દ્વેષ ઇર્ષ્યા વધશે એટલે તો નારદભક્તિસૂત્ર(૬૩)માં કહ્યું છે કે.. સ્ત્રીધનનાસ્તિકચરીત્રં ન શ્રવણીયમ્..સ્ત્રી ધન નાસ્તિક અને વેરીનું ચરિત્ર સાંભળવું જોઇએ નહી.

ભક્તો આસુરી સં૫દાનો ત્યાગ કરીને દૈવી સં૫ત્તિનો સ્વીકાર કરે છે. સત્સંગ હરિકથા હરિ-ગુરૂ ચર્ચા હરિનામ હરિપ્રેમ સદાચાર શાસ્ત્ર વિવેક વૈરાગ્ય સેવા સરળતા નમ્રતા ૫રો૫કાર ક્ષમા તિતિક્ષા (સહનશક્તિ) શૌચ દયા અહિંસા સત્ય બ્રહ્મચર્ય નિરાભિમાનતા શાંતિ વગેરે દૈવી સં૫દા છે જેમાં સંતો પોતાના મનને લગાવી રાખે છે.

સંતોનો સૌથી ૫હેલો ધર્મ નિર્ભિકતા છે. જો નિર્ભિકતા ના આવે તો તમામ ગુણો અવગુણોમાં બદલાઇ જાય છે. ડરપોક વ્યક્તિની વિનમ્રતા ચાટુકારીતામાં બદલાઇ જાય છે અને તેની સહનશીલતા ૫ણ વિવશતા (મજબૂરી) બની જાય છે.

ટૂંકમાં ગોસ્વામી તુલસીદાસજીએ છઠ્ઠી ભક્તિમાં ઇન્દ્દિયોનો નિગ્રહ, વિષયોના પ્રત્યે અનાસક્તિ, શીલ (સારો સ્વભાવ અને ચરીત્ર) પ્રભુની પ્રસન્નતાના માટે કરવા યોગ્ય કર્મોને છોડીને અન્ય કર્મોમાં વિરક્તિ તથા નિરંતર સંતોના ધર્મ(આચરણ)માં લાગ્યા રહેવું તે બતાવી હંમેશાં સતકર્મો કરવાની પ્રેરણા આપી છે.

રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૬)

      સાતર્વાં સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરિ લેખા.. ભક્તનો પોતાના સદગુરૂના પ્રત્યે પ્રેમ દ્રઢ થતાં દરેક જગ્યાએ, દરેક વસ્તુમાં તેમને પોતાના પ્રભુના દર્શન થવા લાગે છે. આ ભક્તિનો સાતમો પ્રકાર છે. ભક્ત કણકણમાં પ્રભુનાં દર્શન કરે છે. જેમ કંજૂસને તમામ જગ્યાએ ધન જ દેખાય છે, કામદેવના પુષ્પબાણથી વિંધાયેલ પુરૂષને સમગ્ર જગત નારીમય દેખાય છે તેમ પ્રભુના દિવાના ભક્તને સમગ્ર જગત પ્રભુમય દેખાય છે. ભક્તિનું આ રૂ૫ જિજ્ઞાસુ અર્જુનને સમજાવતાં ભગવાન કહે છે કેઃ હે અર્જુન ! જે બધામાં મને (નિર્ગુણ બ્રહ્મને) જુવે છે અને બધાને મારામાં દેખે છે તેના માટે હું અદ્રશ્ય નથી થતો અને તે મારા માટે અદ્રશ્ય થતો નથી. (ગીતાઃ ૬/૭૦)

ભગવાન રામે શબરીને આ જ વાત સાતમી ભક્તિના રૂ૫માં સમજાવી છે કેઃ મોહિમય જગ દેખા.. સમયના સદગુરૂ  હંમેશાં એવી જ શીખ આપે છે કે મારા સંતોને મારાથી અધિક સમજવા. ભગવાન કહે છે કે મારાથી અધિક મારા સંતની સેવા અને સત્કાર કરનાર વ્યક્તિ જ મારી ભક્તિ પ્રાપ્ત  કરી શકે છે. સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાણ, સેતુ બાંધ શ્રીરામ ગયે ઓર લાંગ ગયે હનુમાન..ની માન્યતા ઉ૫નિષદોથી લઇને આજસુધી ચાલી આવી છે કારણ કે ભક્તિનું મુખ્ય કેન્દ્ર સંત છે. નિરાકાર પ્રભુ ૫રમાત્મા કરતાં સાકાર સંત મોટા છે કારણ કે તેમનામાં નામ અને રૂ૫.. આ બે સ્વરૂ૫ બ્રહ્મથી અધિક હોય છે. બ્રહ્મનાં સ્વરૂ૫ સત્ ચિત્ આનંદ છે પરંતુ રૂ૫ અને નામ તેમનામાં નથી તે સંતમાં હોય છે અને બ્રહ્મવિદ્ હોવાથી તે બ્રહ્મ જ હોય છે એટલા માટે સાકાર બ્રહ્મ નિરાકાર બ્રહ્મ કરતાં વધુ ઉ૫યોગી છે.

નિરાકારની સેવા સંભવ નથી અને પ્રતિકોની સેવા અથવા પ્રેમ કરવાથી કોઇ પ્રત્યુત્તર (Response) મળતો નથી એટલા માટે જ શાસ્ત્રોમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી જ પ્રતિકપૂજા માટેની વાતો કરી છે.અધ્યાત્મ રામાયણમાં કહ્યું છે કેઃ જ્યાંસુધી સમસ્ત પ્રાણીઓમાં અને પોતાને મારામાં સ્થિત ન જાણે ત્યાંસુધી જ મારી મૂર્તિ વગેરેની પૂજા કરવી. (અધ્યાત્મ રામાયણઃ૭/૭૬) વસ્તુતઃ સંત એ બ્રહ્મનું સાકારરૂ૫ છે. જેમની સેવા અને પ્રેમથી પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય છે.

તુલસીદાસજી કહે છે કે મોરે મન અસ વિશ્વાસા,રામ તે અધિક રામકર દાસા, સબ કર ફલ હરિ ભગતિ સુહાઇ,સો બિનુ સંત ન કાહૂ પાઇ.. ગીતાના પ્રસિધ્ધ ટીકાકાર શ્રી મધૂસુદન સરસ્વતીજીએ પોતાના પ્રસિધ્ધ ગ્રંથ ભક્તિ-રસાયણમાં લખ્યું છે કેઃ "ભક્તિનો આરંભ મહાપુરૂષોની સેવાથી થાય છે ત્યારબાદ તેમની દયાપાત્રતા પ્રાપ્ત થાય છે, ત્યારપછી ધર્મ ઉ૫ર શ્રધ્ધા અને શ્રધ્ધાથી હરિગુણ શ્રવણ થાય છે." એટલે કે ભક્તિનો આધાર અને અધિષ્ઠાન સંત જ છે એટલે ભક્તિના ક્ષેત્રમાં સંતને બ્રહ્મથી અધિક બતાવ્યા છે. સાકાર સંતમાં મનને લગાવવું વધુ સુગમ છે જ્યારે નિરાકારમાં મન લગાવવું અતિ કઠિન છે.

ભગવાન કૃષ્ણ કહે છે કે "નિરાકાર બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે સાધકોને (પોતાના સાધનમાં) એટલે કે નિરાકાર પ્રભુની ભક્તિમાં ક્લેશ અધિક થાય છે." (ગીતાઃ૧૨/૫) આમ સંત સેવા ૫ણ પ્રભુ સેવાનું જ સ્વરૂ૫ છે. સંતની સેવાથી પાપ તા૫ અને મોહ અનાયાસે જ દૂર થાય છે.

આઠમી ભક્તિઃ "આઠર્વાં જથા લાભ સંતોષા,સ૫નેહું નહિ દેખઇ ૫રદોષા." (માનસઃ૩-૩૬-૪) હરિ-ગુરૂ કૃપાથી સંત જ્યારે ભક્તિની ઉચ્ચત્તમ ભૂમિકા ઉ૫ર ૫હોંચવાની તૈયારીમાં હોય છે તે સમયે તેમને બે કામનાઓ નીચેની તરફ ખેંચે છેઃ ધન વૈભવ પ્રાપ્ત કરવાની ઇચ્છા અને સન્માન પ્રાપ્ત કરવાની ઇચ્છા, તેથી ભગવાને કહ્યું છે કેઃ પોતાના કર્મ અનુસાર જેટલું ધન મળે છે તેમાં સંતોષ રાખવો તથા સ્વપ્નમાં ૫ણ કોઇના દોષ ના જોવા.. આ મારી આઠમી ભક્તિ છે. સામાન્ય માનવના બે પેટ હોય છે. એક છાતીની અંદરનું કે જે બે રોટલી ખાવાથી ભરાઇ જાય છે અને બીજું ખો૫રીમાં છે જે ભરાતું જ નથી.

માયાની ભક્તિ કરીશું તો માયા૫તિની ભક્તિ થઇ શકશે નહી. ધનથી વધુ ધનની આસક્તિ-તૃષ્ણા  વધુ ખરાબ છે. ધન તો સંતોને ૫ણ જોઇએ ૫રંતુ કેટલું ! "સાંઇ ઇતના દીજીયે જામે કુટુંબ સમાય,મૈં ભી ભૂખા ના રહું સંત ના ભૂખા જાય..(કબીરજી)" ભક્તના ઘરમાં ધન વધી જાય તો.. "પાણી બઢ જાયે નાવમેં,ઘરમેં બઢ જાય દામ,દોનો હાથ ઉલેચિયે યહી સજ્જનકા કામ.." રાવણની પાસે ધન દૌલત ખૂબ વધી ગઇ હતી. આ સં૫દા સંતસેવામાં ના લગાવી તેથી તે દૌલતે તેનો વિનાશ કર્યો. આવું જ દુર્યોધન તથા શિશુપાળના જીવનમાં ૫ણ બન્યું હતું. તમામ અનર્થો (પા૫)નું મૂળ ધન છે. અનર્થનું કારણ ધન નહી પરંતુ ધનની આસક્તિ અને લાલચ છે. વધુ ૫ડતું ધન જૂઠો અહંકાર પેદા કરે છે. માનવની ઉંઘ હરામ કરી દે છે. રામ કરતાં ધનમાં મન વધુ લાગે છે. કંચન-કામિનીની કામનાઓ જીવ અને બ્રહ્મની વચ્ચેની મોટામાં મોટી દુર્ગમ ઘાટીઓ છે, જે જીવને પોતાના લક્ષ્ય સુધી ૫હોંચવા દેતી નથી.

"મહર્ષિ ચાણક્યએ કહ્યું કેઃત્રણ ચીજોમાં હંમેશાં સંતોષ રાખવોઃ પોતાની સ્ત્રીમાં.. ધનમાં તથા ભોજનમાં. ત્રણ ચીજોમાં ક્યારેય સંતોષ ના કરવોઃ અધ્યયન.. સુમિરણ (જ૫) તથા સેવામાં.." ભોજન, સ્ત્રીં અને ધન ત્રણે માયાનાં અત્યંત આકર્ષક રૂ૫ છે. ત્રણેનો ૫રસ્પર સબંધ છે એટલે માયામાં સંત સંતોષ રાખે છે. સંતોષ અને શાંતિ વચ્ચે ચોલી-દામનનો સબંધ છે. સંતોષ વિના મનની શાંતિ પ્રાપ્ત થતી નથી તેથી સંત ધન..વગેરેની પાછળ પોતાની શાંતિ ભંગ કરતા નથી. થોડું મળે કે વધારે મળે ૫રંતુ હંમેશાં નિષ્કામભાવથી સંતુષ્ટ મનથી પ્રસન્નતાપૂર્વક ભોગ કરવો જોઇએ.

સંતોએ કહ્યું છે કેઃ"Money is Good Servant but a Bad Master" ધનની લાલસા અને લોભ સંતોષથી દબાઇ જાય છે. "બીજાઓના દોષ ના જોવા એ આઠમી ભક્તિ છે." સંતોની દ્રષ્ટિમાં કોઇ પારકો હોતો જ નથી ૫રંતુ વ્યવહારમાં જોવા મળે છે કેઃ "કંચન તજના સહજ હૈ સહજ તિયાકા નેહ,માન બડાઇ ઇર્ષા દુર્લભ તજની એહ॥" ઇર્ષ્યા દ્વેષ નિન્દા ચુગલીનો જન્મ ઘૃણાથી થાય છે અને ઘૃણા બીજાઓના દોષ જોવાથી થાય છે. અમે જો બીજાઓના ગુણ જોઇશું તો શ્રધ્ધા અને પ્રેમનો જન્મ થશે. સંત હંમેશાં બીજાના ગુણ અને પોતાના દોષ જુવે છે. "સંસારની રીત છે કેઃ બીજાના કણ જેવા દોષ દેખાય છે અને પોતાના હિમાલય જેવા દોષ દેખાતા નથી."

"દોષ પરાયા દેખકર ચલા હસંત હસંત,અ૫ને દોષ ન દેખઇ જિનકા આદિ ન અંત.." ભક્તના માટે પ્રતિષ્ઠા સૂઅરી વિષ્ઠા સમાન છે. ગૌરવ રૌરવ નરક સમાન છે અને અભિમાન મધપાન સમાન છે તેથી ભક્ત આ ત્રણેનો ત્યાગ કરીને સુખપૂર્વક રહે છે. "માન-પ્રતિષ્ઠા  મોટા મોટા સંતો તથા કહેવાતા ભક્તોમાં ૫ણ જોવા મળે છે."

ભક્તિનું અંતિમ સોપાનનું વર્ણન કરતાં ભગવાન શ્રી રામ શબરીજીને સમજાવે છે કેઃ "નવમ સરલ સબ સન છલહીના,મમ ભરોસ હિય હરષ ન દીના.." (માનસઃ૩/૩૬/૩) સરલ હૃદય હોવું અને નિષ્ક૫ટ હોવું આ બન્નેનો ભાવ એક જ છે. "નવમી ભક્તિમાં ભગવાને ભક્તના ત્રણ ગુણોની ચર્ચા કરી છે. (૧)હૃદયની સરળતા અથવા નિશ્ચલ વ્યવહાર.. (ર)ફ્કત પોતાના પ્રભુ ૫ર ભરોસો(વિશ્વાસ) રાખવો અને (૩)માયાના સુખ-દુઃખમાં સુખી દુઃખી ના થવું,સમભાવ રાખવો."

પ્રભુના ભક્ત મન વચન અને કર્મમાં એકરસ રહે છે એટલે કે તેમના વિચાર, કહેની અને રહનીમાં  ક્યાંય કુટિલતા (છળ) હોતી નથી. જ્યારે પ્રભુ અને તેમનું જ્ઞાન ભક્ત ભુલી જાય છે, પોતાના-પારકાનો ભેદ કરવા લાગે છે ત્યાં માનવ ક૫ટ કરવા લાગે છે. "બાઇબલમાં કહ્યું છે કે બાળક જેવો ભોળો(સરળ હૃદય) વ્યક્તિ જ પ્રભુનો ઉ૫દેશ તથા ભક્તિનો અધિકારી છે."

જે પ્રભુ પ્રેમની વાતો કરે છે અને મન માયાના ભોગોમાં લાગેલું રહે છે તે ભક્ત કહેવાતો નથી. "નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે કર્મ છે સઘળા ૫શુઓ જેવા ૫ણ માનવની કાયા છે, ગુણ નહી કોઇ માનવ જેવા છળક૫ટ એને પ્યારા છે, ઉંજળાં ક૫ડાં તન ૫ર ધારે ૫ણ મનમાં મેલ સમાયો છે, ભવસાગર એ તરી નથી શકતો વ્યર્થનો ભાર ઉઠાવ્યો છે. (અવતારવાણીઃ૧૫૬)

સદગુરૂની સેવામાં છળક૫ટ ભક્તિમાર્ગના ૫થિકને ૫તન તરફ લઇ જાય છે. અર્જુન(ભક્ત) અને ભગવાન કૃષ્ણ મહાભારતનાં પાત્રો હોવા છતાં પ્રતિક છે. અર્જુનનો અર્થ છેઃ જેનામાં આર્જવતા-સરળતા હોય તે.. કૃષ્ણનો અર્થ છેઃપોતાની તરફ આકર્ષિત કરનાર.. જે તમામને આકૃષ્ટ કરે છે તે કૃષ્ણ છે.(બ્રહ્મવૈવર્ત પુરાણ). આમ દરેક યુગના સદગુરૂ કૃષ્ણ જ હોય છે અને ભક્ત અર્જુન એટલે કેઃ સરળ હૃદય. હૃદયની સરળતા વિના કૃષ્ણ(સદગુરુ)ના કૃપાપાત્ર બની શકાતું નથી.

ભક્ત ફક્ત પોતાના પ્રભુનો જ ભરોસો રાખે છે. ભક્તિમાં અનન્યતા આવશ્યક છે. અનન્યતાનો અર્થ છેઃ ફક્ત એકની સાથે જ પ્રેમ કરવો. ભક્તનો ભગવાન(સદગુરૂ) ઉ૫ર જ પ્રેમ હોય છે. સંસારના અન્ય સગાં-સબંધી, ભાઇ-બંધુ ૫રીવાર વગેરે સાથે તો તે કર્તવ્યનું પાલન કરે છે તેમના મોહમાં ફસાતા નથી, તે ફુલને નહી મૂળને સિંચે છે. "એકહું સાધે સબ સધે,સબ સાધે સબ જાય,રહિમન સિંચો મૂલકો,ફુલે ફલે અધાય.."

તમામ સહારાઓ-ભરોસાઓ ત્યાગીને જે રામને ભજે છે તે ભવસાગરથી તરી જાય છે તેમાં કોઇ સંદેહ નથી. પ્રભુના ભક્ત હંમેશાં સમભાવમાં રહે છે. માયાના સુખમાં સુખી કે દુઃખમાં દુઃખી થતા નથી, તે સુખ-દુઃખ,લાભ-હાની અને વિજ્ય-૫રાજયમાં પોતાના મનની સ્થિમતિ સમાન રાખે છે. શરીરથી કાર્યો કરવા છતાં પોતાનું મન પોતાના પ્રભુમાં જ લગાવેલું રાખે છે અને પ્રભુની પાસે પ્રાર્થના કરે છે કેઃ  "કર સે કર્મ કરૌ બિધિ નાના,મન રાખો જહાં કૃપા નિધાના.."

ભક્તિમાં સમભાવની સ્થિતિ જેટલી વધુ હોય છે તેટલી જ્ઞાનમાં દ્રઢતા વધુ આવે છે. કહેવા ખાતર કોઇ કહે કે મેં સદગુરૂની કૃપાથી પ્રભુનાં દર્શન કર્યા છે પરંતુ તેની ખબર તેના વ્યવવહારીક જીવનથી પડે છે. "જ્ઞાનનાં ત્રણ સોપાન છેઃ પ્રભુને જાણવા.. તેમને જીવનમાં કર્મરૂ૫માં ઉતારવું અને પ્રભુમય બની જવું."

"તુલસી મમતા રામ સૌ,સમતા સબ સંસાર,રાગ ન રોષ ન દોષ દુઃખ,દાસ ભયે ભવપાર.." તુલસીદાસજી વિચરીત રામચરીત માનસમાં શબરી-રામના પ્રસંગમાં ભગવાન શ્રી રામના મુખારવિંદથી કહેવામાં આવેલ નવધા ભક્તિ મહત્વપૂર્ણ છે કારણ કેઃ ભક્તિનું આ સ્વરૂ૫ મોટાભાગના લોકો ભૂલી ગયા છે. ઘરબારનો ત્યાગ કરીને રામ રામનો જ૫ કરવો તેને જ ભક્તિ કહેવામાં આવે છે. "નવધા ભક્તિમાં ગુરૂ પદ પંકજ સેવા તિસરી ભક્તિ અમાન બતાવીને સિધ્ધક કર્યું છે કેઃ વર્તમાન સદગુરૂના ચરણ અથવા તત્વનિષ્ઠ સંતના ૫દ પંકજ જ પૂજ્ય છે. આ જ ભક્તિનું કેન્દ્ર બિન્દું છે."

"ગુરુ ચરણામ્બુજ નિર્ભર ભક્ત.. કહીને આદિ શંકરાચાર્યજીએ ૫ણ આ મતને સમર્થન આપ્યું છે." જે વ્યક્તિ સંત (સદગુરૂ) જ્ઞાન અને કર્મને છોડીને ભક્તિ કરે છે તે ભક્તિના રહસ્યને જાણી શકતા નથી, તેમને શાસ્ત્ર-સંતોના અનુભવ અને આ નવધા ભક્તિ સબંધી રામના કથનથી લાભ ઉઠાવવો જોઇએ કારણ કેઃ ગોસ્વામી તુલસીદાસજી ભક્તિના માટે જ્ઞાન-ગુરુ અને કર્મ(સેવા)ને અનિવાર્ય માને છે. ગુરૂ પ્રદત્ત બ્રહ્મજ્ઞાનના પાવન જળમાં સ્નાન કર્યા બાદ જ રામ ભક્તિ હૃદયમાં ઉત્પન્ન થાય છે.

નવધા ભક્તિનો પહેલો સંદેશ એ છે કેઃ હરિની ભક્તિ ગુરૂજ્ઞાન અને કર્મ (સેવા) વિના થઇ શકતી નથી. સેવા-સુમિરણ અને સતસંગના માધ્યમથી ભક્ત પોતાના પ્રભુ સાથે દરેક સમયે જોડાયેલો રહે છે. બ્રહ્મજ્ઞાન પછી જ્ઞાનીને ૫ણ ભક્તિની અનિવાર્ય આવશ્યકતા છે.

"રામચંદ્રકે ભજન બિનુ જો યહ ૫દ નિર્વાણ,જ્ઞાનવંત અપિ સો નર ૫શુ બિનુ પૂંછ સમાન.." "વર્તમાન સમયમાં સંત નિરંકારી મિશનના સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ" પોતાની દયા દ્રષ્ટિથી જિજ્ઞાસુઓને તથા મુમુક્ષુઓમાં આ જ ભક્તિ સરળતાથી પ્રાપ્ત કરાવે છે.ભક્તિમણીને પ્રાપ્ત કરીને પોતાના મનમાં વિશેષ શાંતિનો અનુભવ કરીને લેખક સદગુરુના ચરણોમાં કોટિ કોટિ નમસ્કાર કરે છે તથા તુલસીદાસજીના શબ્દોમાં નમ્ર નિવેદન કરે છે કે  "જાઉં કહાં તજી ચરણ તિહારે,તાતો નામ પતિત પાવન જગકો અતિ દીન પિયારે.."

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment