Sunday, 7 June 2026

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપોની કથાઓ..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપોની કથાઓ..

 

(૧) ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય-વિજયને સનત્કુમારોએ આપેલ શ્રાપ.

(ર) જાલંધરનાં પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો.

(૩) એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.

(૪) ભગવાન શ્રીરામને વાલી પત્ની તારાએ આપેલ શ્રાપ.

(૫) ભગવાન શ્રીકૃષ્ણને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો.

(૬) મહર્ષિ વિશ્વામિત્ર-કણ્વ અને નારદજીએ યાદવોના વિનાશ માટે શ્રાપ આપ્યો હતો.

(૭) દૈત્ય ગુરૂ શુક્રાચાર્યજીએ રાજા યયાતિને શ્રાપ આપ્યો હતો.

(૮) શમિક ઋષિના પૂત્ર શ્રૃંગીએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો.

(૯) સર્પોની માતા કદ્રુએ પોતાના પૂત્રોને શ્રાપ આપ્યો હતો.

(૧૦) દશગ્રીવ લંકાપતિ રાજા રાવણને મળેલ વિવિધ શ્રાપો.

(૧૧) બ્રહ્માજીએ મહાભિષ અને ગંગાજીને શ્રાપ આપ્યો હતો.

(૧૨) બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ વસુઓને શ્રાપ આપ્યો હતો.

(૧૩) શ્રવણકુમારના માતા-પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો.

(૧૪) ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો.

(૧૫) ગૌતમ ઋષિએ સતી અહલ્યાને શ્રાપ આપ્યો હતો.

(૧૬) દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો.

(૧૭) યુધિષ્ઠિરે માતા કુંતા અને સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો.

(૧૮) માણ્ડવ્ય ઋષિએ ધર્મરાજાને શ્રાપ આપ્યો હતો.

(૧૯) ઉર્વશી નામની સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરાએ અર્જુનને શ્રાપ આપ્યો હતો.

(૨૦) ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો હતો.

(૨૧) અષ્ટાવક્રજીને તેમના પિતા કહોડ મુનિએ શ્રાપ આપ્યો હતો.

(૨૨) જનમેજયને દેવતાઓની કૂતરી સરમાએ શ્રાપ આપ્યો હતો.

(૨૩) મહર્ષિ મૈત્રેય મુનિએ દુર્યોધનને શ્રાપ આપ્યો હતો.

(૨૪) ગુરૂ પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો હતો.

(૨૫) કુબેરના શ્રાપથી તુંબરૂ નામનો ગંધર્વ વિરાધ નામે રાક્ષસ બને છે.

(૨૬) સ્થૂલશિરા ઋષિના શ્રાપથી વિશ્વાવસુ નામનો ગંધર્વ કબંધ નામનો રાક્ષસ બને છે.

(૨૭) ભગવાન શિવે બ્રહ્માજી અને કેતકીને શ્રાપ આપ્યો હતો.

(૨૮) ભગવાન ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો.

(૨૯) રાજાચંદ્રસેનને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો હતો.

(૩૦) માતા પાર્વતીજીએ ભગવાન શિવ-નારાયણ અને નારદજીને શ્રાપ આપ્યો હતો.

***********************************************************

(૧) ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય-વિજયને સનત્કુમારોએ આપેલ શ્રાપ.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે.પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર ક્યારે થાય છે?

 

જબ જબ હોઇ ધરમકી હાની,બાઢહિ અસુર અધમ અભિમાની,

કરહિં અનીતિ જાઇ નહિ બરની,સીદહિં બિપ્ર ધેનુ સુર ધરની..

 

જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ થાય,અધર્મ વધી જાય,લોકો એટલી હદે અનીતિ કરે કે જેનું વર્ણન કરવું મુશ્કેલ બને અને સંતો,સાધુ,બ્રાહ્મણો,વેદ..આ બધાની નિંદા થવા લાગે અને વાતાવરણ ખુબ જ ભયંકર બનવા લાગે ત્યારે ભગવાન અનેક જાતનાં શરીરો ધારણ કરીને સંત અને હરીભક્તોની પીડાનો અંત લાવવા માટે ધરતી ઉપર અવતરે છે.રામચરીત માનસમાં ભગવાન શ્રીરામના અવતાર લેવાના પાંચ કારણ બતાવ્યા છે એમાંનું પહેલું કારણ છે ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય-વિજયને સનત્કુમારો (શૌનક, સનંદન,સનાતન અને સનત્કુમાર)એ આપેલ શ્રાપ છે.સનત્કુમારો બ્રહ્માજીના માનસપૂત્રો છે તેઓ એકવાર ભગવાન વિષ્ણુના શુદ્ધ-સત્વમય બધા લોકોના શિરોભાગમાં રહેલા વૈકુઠધામમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવા જાય છે,ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઇને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ તમામ પ્રકારની કામનાઓ છોડીને ફક્ત ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિના માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે.જે મનુષ્ય ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા-કથાઓ સાંભળવાનું છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ-કામ સબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે તેઓ વૈકુઠમાં જઇ શકતા નથી.તત્વજ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ થઇ શકે તેવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી તેઓ માયાથી મોહિત છે.

 

બ્રહ્માના માનસપૂત્રોની જેમ અંતઃકરણના પણ ચાર પ્રકાર છે.મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.અંતઃકરણ જ્યારે સંકલ્પ-વિકલ્પ કરે છે ત્યારે તે મન કહેવાય છે,કોઇ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે, પ્રભુનું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહે છે અને ક્રિયાનું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.મન,બુદ્ધિ, ચિત્ત અને અહંકારને શુદ્ધ કર્યા વિના પરમાત્માનાં દર્શન થતાં નથી.સનત્કુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય જ્યારે સિદ્ધ થાય ત્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે.સનત્કુમારો ભગવાનનાં દર્શન કરવા છ દરવાજા વટાવીને સાતમા દરવાજે આવે છે ત્યારે ભગવાનના પાર્થદો તેમને અટકાવે છે.યોગના આઠ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ-આ વૈકુઠના સાત દરવાજા છે.આ સાત દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે.જય-વિજ્ય એટલે યશ,કીર્તિ,પ્રતિષ્ઠા.પૈસાનો મોહ ઘણી વખત છુટે પણ પ્રતિષ્ઠાનો મોહ જલ્દી છુટતો નથી.પ્રતિષ્ઠાનો મોહ છેક ભગવાનના સાતમા દરવાજેથી પાછા કાઢે છે.

 

કામ-ક્રોધ વગેરે વિકારો ક્યાંય બહારથી આવતા નથી પણ અંદર જ હોય છે અને અંદરથી જ બહાર આવે છે.જ્યારે દ્વારપાળો જય-વિજ્યે સનત્કુમારોને અટકાવ્યા ત્યારે તેઓ ક્રોધ કરીને કહે છે કે જે લોકો ભગવાનની ઉચ્ચસેવાના પ્રભાવથી આ લોક પામીને અહી નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે છતાં તમારા સ્વભાવમાં વિષમતા કેમ આવી છે? તમે ભગવાનના પાર્ષદો છો પરંતુ તમારી બુદ્ધિ ઘણી મંદ છે તેથી તમે અહી રહેવાને લાયક નથી એટલે અમારો શ્રાપ છે કે તમારે સાત જન્મો સુધી રાક્ષસ તરીકે જન્મ ધારણ કરવો પડશે.કોલાહલ થતાં ભગવાન બહાર આવે છે અને કહે છે કે દ્વારપાળોએ તમોને અટકાવ્યા તે મારી આજ્ઞાનું પાલન કરતા હતા પરંતુ તમોએ શ્રાપ આપ્યો તે બરાબર નથી કર્યું.તેઓ તો મારા ચોકીદારો છે માટે શ્રાપમાં કંઇક ફેરફાર કરો.સંતો કહે છે કે એમને રાક્ષસ તો બનવું જ પડશે પણ એક ફેરફાર કરીએ છીએ કે રાક્ષસ બન્યા પછી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો સાત જન્મ પછી મુક્તિ મળશે અને જો તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મ પછી મુક્તિ મળશે.આટલું કહી મહાત્માઓ જતા રહ્યા.જીવે કરેલા પાપનો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી. દ્વારપાળોએ નિર્ણય કર્યો કે ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મે મુક્તિ મળે એના કરતાં ભલે ભગવાન સાથે વેર કરવું પડે પણ ત્રણ જન્મે મુક્તિ થાય તેવું કરીએ.

 

સનત્કુમારોના ગયા પછી ભગવાને જય-વિજ્યને કહ્યું કે સનત્કુમારોનો શ્રાપ છે એટલે મિથ્યા નહી થાય.તમારા રાક્ષસ કૂળમાં ત્રણ અવતાર થશે ત્યારે તમારો ઉદ્ધાર કરવા હું પણ અવતાર લઇશ.મારા હાથે જ તમારો ઉદ્ધાર થશે.સનત્કુમારોને તમે રોક્યા અને તમને શ્રાપ આપ્યો આ બધું મારી ઇચ્છા પ્રમાણે જ થાય છે અને આ સર્વ મારી જ લીલા છે.આ બંન્ને દ્વારપાળો સત્યુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા, એ બંન્નેને મારવા પરમાત્માએ બે અવતાર લેવા પડ્યા-વરાહ અને નૃસિંહ. હિરણ્યાક્ષ એ સંગ્રહવૃત્તિ એટલે કે લોભનો અવતાર છે.હિરણ્યકશ્યપુ ભોગનો અવતાર છે.હિરણ્યાક્ષે ખુબ ભેગુ કર્યું અને હિરણ્યકશ્યપુએ બહુ ભોગવ્યું, લોભ વધે એટલે ભોગ વધે છે અને ભોગ વધે એટલે પાપ વધે છે.આ એના એ જય અને વિજ્ય ત્રેતાયુગમાં રાવણ અને કુંભકરણ(કામ) બને છે,એમને મારવા માટે પરમાત્માએ રામ અવતાર લેવો પડ્યો. આ દ્વારપાળો દ્વાપરયુગમાં શિશુપાળ અને દંતવક્ર(ક્રોધ) બને છે, તેમને મારવા માટે ભગવાનને કૃષ્ણાવતાર લેવો પડ્યો હતો.

 

અતિ સાવધ રહેનાર કદાચ કામ ને મારી શકે છે પરંતુ ક્રોધને મારવો અતિ કઠિન છે.કામનું મૂળ સંકલ્પ છે..જ્ઞાની અને યોગીઓ કોઇના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપતો નથી પરંતુ ઘણીવાર ક્રોધથી પતન થાય છે.શ્રીમદ ભગવદગીતામાં કામ-ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યાં છે જે જીવાત્માનું પતન કરનારાં છે એટલે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ.જ્ઞાન માર્ગમાં જ્ઞાનીને સિદ્ધિનો મોહ વિઘ્ન કરે છે જ્યારે ભક્તિમાર્ગમાં લોભ વિઘ્ન કરે છે.

 

ભગવાનના અવતાર લેવાનું બીજું કારણ બતાવતાં રામચરીત માનસમાં યાજ્ઞવલ્ક્યજી કહે છે કે જાલંધર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો.એ તમામ દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો.એની પત્ની મહાન સતી હતી અને એના સતીત્વના લીધે જાલંધર કોઇથી મરતો નહોતો.તેની પત્ની વૃદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો તેથી ભગવાને અવતાર લેવો પડ્યો હતો તે કથા હવે પછીના લેખમાં જોઇશું..

 

 

(ર) જાલંધરનાં પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

રામચરીત માનસમાં ભગવાન શ્રીરામના અવતાર લેવાના પાંચ કારણ બતાવ્યા છે એમાંનું ભગવાનના અવતાર લેવાનું બીજું કારણ જાલંધરનાં પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો તે બતાવતાં યાજ્ઞવલ્ક્યજી કહે છે કે જાલંધર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો.એ તમામ દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો.એની પત્ની વૃંદા મહાન સતી હતી અને એના સતીત્વના લીધે જાલંધર કોઇથી મરતો નહોતો. ભગવાન વિષ્ણુ પાસે ફરીયાદ ગઇ કે જાલંધર કોઇનાથી મરતો નથી.એની પત્ની વૃંદામાં બહુ સતિત્વ છે.દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાન વિષ્ણુએ કપટ કર્યું.સતીના સતીત્વમાં વિક્ષેપ થયો.જાલંધરના ગળામાં ફુલની માળા કરમાઇ ગઇ.શિવજી વગેરે દેવતાઓએ હુમલો કર્યો અને જાલંધરનું મૃત્યુ થયું.આ પ્રસંગ ઘણાને ગમતો નથી.ઘણા કહે છે કે ઇશ્વર કપટ કરે એ બરાબર ના કહેવાય.એક સતીનું સતીત્વ તોડવા ભગવાન વિષ્ણુએ કપટ કર્યું એ શું યોગ્ય છે?

 

જાલંધર સાક્ષાત અધર્મ છે પણ એ પોતાની પત્ની વૃંદાના ધર્મને બહાને જગતને પરેશાન કરતો હતો.ધર્મનાં કપડાં પહેરીને કોઇ અધર્મનું આચરણ કરતો હોય તો એવા ધર્મને તોડવામાં વાંધો આવતો નથી.વૃંદાનું સતીત્વ તોડીને જાલંધરને માર્યો ના હોત તો દુનિયામાં કોઇ સતીનું સતીત્વ સલામત ના રહેતું. એક સતીનું સતીત્વ તોડીને ભગવાન વિષ્ણુએ ભવિષ્યની તમામ સતીઓના સતીત્વને સલામત કરી દીધું. એક વ્યક્તિને મારીને સંસાર આખાનો ધર્મ બચી શકતો હોય તો ધર્મની આડશમાં,ધર્મના પડદામાં પોષાતા અધર્મને હણવામાં કોઇ પાપ નથી.જાલંધરનું મૃત્યુ થયું ત્યારે સતી વૃંદાને ખબર પડી ગઇ કે મારી સાથે દગો થયો છે અને જ્યારે તેમને બધી વાતની ખબર પડી ત્યારે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે તમે મને મારા પતિની ગેરહાજરીમાં છેતરી છે.તમારે ધરતી ઉપર એકવાર મનુષ્યનો અવતાર લેવો પડશે.તમે રામ બનશો અને મારા પતિની ગેરહાજરીમાં મને દગો કર્યો છે તેથી તમે જ્યારે રામ બનશો અને જ્યારે તમારા પત્ની(સીતા) એકલાં હશે ત્યારે મારા પતિ જાલંધર રાવણ બનીને,પંચવટીમાં આવીને તમારી પત્ની સીતાને લઇ જશે ત્યારે આપણો હિસાબ બરાબર થશે.ભગવાને શ્રાપ માથે ચડાવ્યો.

 

જાલંધર કોન હતો? જાલંધરનો અર્થ થાય છે જે ચાલે છે અને તરે છે.એક સમયે ઇન્દ્રને પોતાના બળનું અજીર્ણ થવાથી ભગવાન શંકર પાસે જઇને તેમને રીઝવ્યા અને પોતાની સાથે લડી શકે તેવા યોદ્ધાની યાચના કરી.ભગવાન શંકરે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તેજમાંથી એક છોકરાનું રૂપ ધારણ કર્યું જે સમુદ્રમાં જઇને રહ્યો.સમુદ્રે તેને પોતાનો પૂત્ર સમજી પોતાના અંતરમાંથી એક બેટ કાઢી આપ્યો અને ત્યાં જાલંધર-નગર વસાવીને રહ્યો.જલંધર મોટો થતાં અસુર ગુરૂ શુક્રાચાર્ય દ્વારા તેને અસુરોનો સમ્રાટ બનાવવા માં આવ્યો.જલંધર અત્યંત શક્તિશાળી હતો અને તેને સર્વકાલીન સૌથી શક્તિશાળી અસુરોમાંનો એક માનવામાં આવતો હતો.જાલંધરે ગુરૂ શુક્રાચાર્ય પાસેથી તમામ વિદ્યાઓ શીખી વિશ્વ જીતી લીધું હતું. જાલંધરનું અસુર કાલનેમીની પુત્રી વૃંદા સાથે લગ્ન થયા હતા.

 

જાલંધર ન્યાય અને ખાનદાનથી શાસન કરતો હતો.એક દિવસ ગુરૂ શુક્રાચાર્યજી જાલંધરને મળવા આવ્યા અને જાલંધરને હિરણ્યકશ્યપુ અને વિરોચનની કથાઓ કહી તથા સમુદ્રમંથન સમયે વિષ્ણુએ રાહુનું માથું કેવી રીતે કાપી નાખ્યું હતું તેની કથા કહી જે સાંભળી પોતાના સંદેશવાહક ઘસ્મરને ઇન્દ્ર પાસે મોકલ્યો અને તેને પોતાના પિતા સમુદ્રનો ખજાનો પાછો આપવા કહ્યું,જો કે ઇન્દ્રએ આપવાનો ઇન્કાર કર્યો તેથી છેલ્લે દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં દેવોની હાર થતાં દેવતાઓ હતાશ થઈને ભગવાન વિષ્ણુને મદદ માટે વિનંતી કરી.જલંધર અને ભગવાન વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેમાં સમુદ્રપૂત્રી માતા લક્ષ્મીજીએ વચ્ચે આવી પોતાના ભાઇ જાલંધરનો વધ ના કરવા વિનંતી કરતા ભગવાન વિષ્ણુએ પીછેહઠ કરતાં દેવોનો પરાજય થયો અને જલંધર ત્રણેય લોકના સ્વામી બન્યા.તેમણે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓએ જે રત્નો એકઠા કર્યા હતા તે બધા જ જપ્ત કરી લીધા અને સદાચારી રીતે શાસન કર્યું,તેના રાજ્યમાં કોઈ બીમાર કે દુર્બળ નહોતું.

 

દેવો પોતાની હારથી તથા પોતાનો અધિકાર છીનવી લેવાથી નિરાશ થયા.દેવતાઓ સાથે સલાહ કરીને નારદમુનિ જલંધરને મળવા ગયા અને તેનો નાશ થાય તે માટે યોજના બનાવી.તેમણે કૈલાશની સુંદરતાનું વર્ણન કર્યું.જવાબમાં જાલંધરે નારદને પોતાની સંપત્તિ બતાવી ત્યારે નારદજીએ કહ્યું કે તારી પાસે ભગવાન શિવ પાસે છે તેવી સુંદર સ્ત્રી નથી.આ સાંભળી જાલંધરે પોતાના દૂત રાહૂને શિવ પાસે મોકલ્યો અને પાર્વતીજી પોતાને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો.આ અપમાન સાંભળીને શિવ એટલા ગુસ્સે થયા અને દૂતનો શિરચ્છેદ કરવા હુકમ કર્યો.દૂતે આજીજી કરતાં કહ્યું કે હે પ્રાણનાથ ! મારો કોઇ અપરાધ નથી,હું તો ચિઠ્ઠીનો ચાકર છું માટે મને કૃપા કરી છોડી મૂકો.ભગવાન શંકરે દયા કરી તેને છોડી મુક્યો ત્યારબાદ દૈત્યરાજ જાલંધર ક્રોધિત થઇ શુભ-નિશુંભને લઇને કૈલાશ ઉપર ચઢાઇ કરી.ભગવાન શિવે તેમની સામે યુદ્ધ કરી તેમને પાછા હટાવ્યા.

 

ત્યારબાદ દૈત્યે પાર્વતીજી સાથે છળ કરવા શિવજીનો વેશ ધારણ કર્યો પરંતુ માતા પાર્વતીજીને છળની જાણ થતાં તેમને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું એટલે તરત જ દૈત્ય જીવ લઇને ભાગ્યો ત્યારે પાર્વતીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે આ અધમ પાપીનો તરત નાશ કરો.ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું પણ જાલંધરને મારી શકતો નથી કેમકે તેની પત્ની વૃંદા સતી છે.તેના સતીત્વબળથી તમામ દેવો પણ ડરે છે.તમે જાણો છો કે સ્ત્રીનું પતિવ્રત એ એક ઉત્તમ ધર્મ છે.પતિવ્રતાના પુણ્ય પ્રતાપથી સઘળાં પાપ નાશ પામે છે.સતી વૃંદાના સતીત્વના પ્રતાપે દુષ્ટ ઘણું જોર અને સુખ પામ્યો છે.ભગવાન વિષ્ણુએ જાલંધરને મારવા માટે એક યોજના બનાવી.ભગવાન વિષ્ણુ એક ઋષિનું રૂપ ધારણ કરી સતી વૃંદા પાસે આવે છે. ભગવાને પોતાની માયાથી બે રાક્ષસો ઉત્પન્ન કરી તેમનો વધ કર્યો,એમની શક્તિ જોઇ સતી વૃંદાએ કૈલાશ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પુછ્યું.ભગવાન વિષ્ણુએ ફરીથી પોતાની માયાથી બે વાનર પ્રગટ કર્યા.એક વાનરના હાથમાં જાલંધરનું માથુ હતું અને બીજાના હાથમાં એનું ધડ હતું.આ જોઇ સતી વૃંદા મૂર્છિત થઇ ગયાં.ભાનમાં આવતાં તેમને ઋષિને પોતાના યોગબળથી પોતાના પતિને જીવિત કરવા વિનંતી કરી.

 

ભગવાને પોતાની માયાથી જાલંધરનું મસ્તક અને ધડ જોડી દીધાં અને ભગવાન વિષ્ણુ જાલંધરના શરીરમાં પ્રવેશ કરી ગયા.સતી વૃંદાને એમ જ લાગ્યું કે આ તેના પતિ જાલંધર જ છે.માયાથી જાલંધર બનેલા ભગવાન વિષ્ણુ સાથે વૃંદા પત્ની તરીકે વ્યવહાર કરી દાંપત્ય સુખ માણવા લાગ્યાં.એનાથી એમના સતીત્વનો ભંગ થયો.સતીનું તેજ જતું રહેવાથી યુદ્ધમાં ભગવાન શિવે તેમના પગના અંગૂઠામાંથી બનાવેલા ચક્રથી તેનું માથું કાપી નાખ્યું,તેના મૃત્યુ પછી તેનો આત્મા શિવમાં ભળી ગયો.

 

સતી વૃંદાને જ્યારે ખબર પડી કે ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ-કપટ કર્યું છે ત્યારે તેને ઘણો આઘાત લાગ્યો અને કહ્યું કે તમે યોગી બનીને મને છેતરી? આપ પ્રભુ થઇને અધર્મનું આચરણ કર્યુ?  તમારૂં મન પત્થરની જેમ કઠોર છે,તમારામાં લેશમાત્ર દયા નથી અને ક્રોધના આવેશમાં વૃંદાએ શ્રાપ આપ્યો કે તમે પાષાણ સ્વરૂપ (શાલીગ્રામ) બની જાઓ,તમારી સ્ત્રીનું પણ તપસ્વી રૂપે કોઇ હરણ કરશે તે સમયે ભગવાને પોતાનું ચતુર્ભૂજરૂપ ધારણ કરી વૃંદાને દર્શન આપ્યા અને કહ્યુ કે વૃંદા ! તારા પતિ જાલંધરની બુધ્ધિ ભ્રષ્ટ થઇ હતી,તેને પાર્વતી તો એની માતા કહેવાય એમના ઉપર કુદ્રષ્ટિ કરી જેથી તેને પાછો વાળવા મારે આ કર્મ કરવું પડ્યું છે.તારો શાપ યથાર્થ છે,હવે હું પથ્થરરૂપે અવતરીશ અને મારી સ્ત્રીનુ કોઇ તપસ્વી હરણ કરે એવા તારા શ્રાપ માટે મારે રામાવતાર લેવો પડશે.

 

 ભગવાન વિષ્ણુએ વૃંદાના મનને શાંત કરવા ઘણા પ્રયાસો કર્યા પણ વૃંદાનુ મન માનતુ નથી અને તે કહેવા લાગી કે મેં એક ભવમાં બે ભવ કર્યા અને આપે મારો અંગીકાર કર્યો તેનું શું? જેથી ભગવાને કહ્યું કે બધા જીવો અંતે મારામાં જ સમાઇ જાય છે,તું નિષ્કલંક રહીશ,તું વનમાં તુલસી નામની વનસ્પતિ રૂપે અવતરીશ.એ વનસ્પતિ પ્રાણીઓની પીડા હરનારી અમુલ્ય ઔષધિ બનશે.તારા પત્ર વિના જગત મને જે ભોગ ધરાવશે તેનો હું સ્વીકાર નહિ કરૂં.મુત્યુ પામનારના મુખમાં મૂકાઇને તું મુક્તિદાતા બનીશ.મારા ભકતો મારા નામનો જપ કરવા તારી માળા ધારણ કરશે,તું તુલસી અને હું શ્યામ શૈલરૂપે એટલે કે તુલસીશ્યામ રૂપે આપણી પૂજા કરશે.આપ મારા માટે લક્ષ્મીથી પણ વધારે પ્રિય બની ગયાં છો.હવે આપ તુલસી સ્વરૂપે સદાય મારી સાથે રહેશો.મારી પૂજા તમારા થકી જ થશે.જે મનુષ્ય તારાં મારી સાથે લગ્ન કરાવશે તેનું દાંમપત્ય અક્ષુણ્ણ રહેશે.પતિના વિરહમાં વૃંદાએ શરીરનો ત્યાગ કર્યો અને તેઓ જ્યાં બળીને ભસ્મ થયાં ત્યાં તુલસીના છોડ રૂપે જન્મ લીધો તથા શરીર છોડી દીધા પછી નદીરૂપે પરિવર્તિત થઇ ભારતવર્ષમાં પુણ્યરૂપા ગંડકી નામે પ્રસિદ્ધ થયાં અને શ્રીહરિ પણ શાપવશ શાલીગ્રામરૂપે ગંડકી નદીમાં નિવાસ કરે છે. જ્યાં દૈત્યરાજ જાલંધરનું મસ્તક પડ્યું હતું તે જગ્યા પંજાબના ત્રણ મુખ્ય શહેરોમાં જલંધર શહેરનું નામાધિન થયેલ છે જે લવ-કુશની રાજધાની હતી.

 

 

(૩) એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

    રામચરીત માનસમાં ભગવાન શ્રીરામના અવતાર લેવાના પાંચ કારણ બતાવ્યા છે એમાંનું ભગવાનના અવતાર લેવાનું ત્રીજું કારણ એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો તે કથા કહેતાં ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે નારદ શ્રાપ દીન્હ એકબાર..એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.આ સાંભળતાં માતાજીને નવાઇ લાગી કે પ્રભુ નારદજી તો વિષ્ણુભક્ત છે,જ્ઞાની છે. ભગવાને નારદજીનો એવો કયો અપરાધ કર્યો કે નારદજી જેવા સંતે એમને શ્રાપ આપ્યો? અને પરીણામે ભગવાને મનુષ્ય થવું પડ્યું? ત્યારે ભગવાન શિવે ભવાનીને કહ્યું કે દેવી ! તમે નારદજીને જ્ઞાની ગણો છો એ તમારી મોટી ભૂલ છે.આ જગતમાં કોઇ જ્ઞાની નથી અને કોઇ મૂરખ નથી.ભગવાન શિવે બહુ સાચી વાત કહી છે.ઇશ્વર જ્યારે જેને જેવો બનાવે ત્યારે તે તેવો બની જાય છે.જો માણસો ખરેખર જ્ઞાની હોય તો એ કોઇ દિવસ ખોટાં કામ કરે જ નહી અને દુનિયામાં બધા મૂઢ હોય તો કોઇ દિવસ એનાથી સારાં કામ થાય નહી પણ ઇશ્વર જ્યારે જેવો જીવને બનાવે ત્યારે તેવો બને છે.વિશ્વામિત્ર જેવા હજારો વર્ષની સાધના પછી પણ એક મિનિટમાં મેનકાની પાછળ મૂઢ બની જાય છે અને રત્નાકર જેવો લૂંટારો નારદજીના સત્સંગમાં આવીને વાલ્મિકી ઋષિ બની જાય તો કોન જ્ઞાની? કોન મૂઢ?

 

ભગવાન શિવ કહે છે કે તમારા જ્ઞાની ગુરૂદેવ નારદજીએ કેટલી મોટી ભૂલ કરી તેની કથા સાંભળો. એકવાર નારદજી હિમાલયની તળેટીમાં ફરતા હતા.એક સુંદર આશ્રમ જોયો.નારદજીને એમ લાગ્યું કે હું ખુબ ફર્યો હવે એક જગ્યાએ બેસીને સાધના કરૂં તેમ વિચારી આશ્રમમાં બેસીને હરિનું સ્મરણ કરવા લાગ્યા. હરિનું સુમિરણ કરીને નારદજીએ જ્યાં શરૂઆત કરી ત્યાં દક્ષરાજાનો શ્રાપ તૂટી ગયો,નહીંતર દક્ષનો નારદજીને શ્રાપ હતો કે તમે એક જગ્યાએ નહી બેસી શકો,તમે સતત ભટકતા જ રહેશો પણ આજે હરિનું સુમિરણ કર્યું તો શ્રાપ-ગતિ કુંઠિત થઇ ગઇ અને નારદજીને સમાધિ લાગી ગઇ.નારદજી અખંડ ધ્યાનમાં લીન બની ગયા.હવે નારદજીને સમાધિમાં બેઠેલા જોઇને દેવરાજ ઇન્દ્રને ચિંતા થવા લાગી.ઇન્દ્રને થયું કે નારદજી કોઇ દિવસ સમાધિમાં બેસે નહી અને આ ઓચિંતા ધ્યાનમાં બેસી ગયા,એ નક્કી મારૂં ઇન્દ્રાસન લઇ લેશે.

 

તુલસીદાસે લખ્યું છે કે દુનિયામાં જેટલા કામી અને લોભી હોય એ બધાથી ડરતા હોય છે.બહારથી ભલે ગમે તેમ બોલે પણ કામી અને લોભી  નિર્ભિક હોતા નથી એ બધાથી ડરતા હોય છે.નિર્ભય તો માણસ સત્યના માર્ગે હોય ત્યારે જ હોય છે.ઇન્દ્રને ગભરામણ થાય એટલે પછી વિક્ષેપ કરવાની તૈયારી કરે છે. નારદજી કાંઇ એની ગાદી માટે થોડા તપ કરતા હતા? પણ કૂતરૂં હાડકું મોઢામાં લઇને ફરતું હોય અને ઓચિંતો સિંહ દેખાય એટલે કૂતરૂં હાડકું લઇને ભાગે,એને એમ કે આ સિંહ મારા મોઢામાંથી હાડકું લઇ લેશે. કૂતરાને ખબર નથી કે સિંહ બીજાનું મારેલું ના ખાય.આવી રીતે કોઇ સાધના કરે ત્યારે ઇન્દ્રરૂપી કૂતરાને પોતાનું ગાદીરૂપી હાડકું બચાવવાની ઇચ્છા થાય એટલે તેમને કામદેવને બોલાવ્યા.કામદેવ અપ્સરાઓ લઇને આવે છે.નારદજીની ચારે બાજુ નૃત્ય શરૂ કર્યું પણ જેની રક્ષા ખુદ રામ કરે તેમને વિચલિત કરી શકાતો નથી એટલે કામદેવે ફુલનો હાર લઇ નારદજીને પહેરાવ્યો,દંડવત્ પ્રણામ કર્યા અને પછી વખાણ કર્યા કે તમે જીતેન્દ્રિય,સંતશિરોમણી છો.જ્યાં વખાણ કર્યા ત્યાં ધીરે ધીરે આંખ ખુલી.વખાણમાં બહુ તાકાત હોય છે.નારદ જેવાને ડોલાવી દે તો હું અને તમે કંઇ ગણતરીમાં? શિવે કામને જોયો અને ગુસ્સો આવ્યો, નારદજીને ગુસ્સો ના આવ્યો.દુર્ગુણ ઉપર ક્રોધ કરવો જોઇએ.બધાએ સન્માન કર્યું તેથી નારદજીને અહંકાર આવ્યો કે મેં કામને જીત્યો,હું શિવ કરતાં આગળ નીકળી ગયો.નારદજીને થયું કે મેં કામ જીત્યો અને બધા મારા વખાણ કરે છે પણ આ ખબર કોઇએ શિવને આપ્યા કે નહી? અને કોઇએ ના આપ્યા હોય તો હું જાતે ખબર આપવા જાઉં.નારદજી જાતે કૈલાશ ખબર આપવા જાય છે.ભગવાન શિવ જાતે આવકારવા ગયા. તેમને ખબર પડી ગઇ કે નારદજી અત્યારે બિમાર છે.તેમને આસન આપ્યું,પૂજા કરીને પુછ્યું કે ઘણા દિવસ પછી આપના દર્શન થયા એટલે નારદજીએ કહ્યું કે આપને કંઇ ખબર નથી મળ્યા? હું હિમાલયની ગુફામાં સાધના કરતો હતો ત્યાં કામદેવ આવ્યો પણ કાંઇ કરી શક્યો નહી.હું કામ વિજેતા છું.શિવ સમજી ગયા કે આને બિમારી લાગુ પડી છે.શિવજીને એમ કે મારા આંગણે આવ્યા છે તો રામકથા કહેશે પણ નારદજીએ તો કામકથા શરૂ કરી.શિવે કહ્યું કે આપ તો બ્રહ્મચારી-સંયમી છો કામદેવ શું કરી શકે પણ એક વિનંતી કે આ કામના વિજ્યની કથા મને સંભળાવી તે ભગવાન વિષ્ણુને ના સંભળાવશો.શિવે નારદજી ના હિતની વાત કરી પણ નારદજીએ તેનો ખોટો અર્થ કર્યો.શિવ કરતાં હું આગળ નીકળી ગયો તે એમને ગમ્યું નથી તેથી ના પાડી હતી.નારદજી હરિગુણ ગાતાં ગાતાં ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે.અહંનો નિયમ છે તમે જ્યાં ના પાડો ત્યાં પહેલું જાય છે.ભગવાન વિષ્ણુએ સત્કાર કર્યો અને કહ્યું કે ઘણા દિવસે દયા કરી, હમણાં તો આપનાં દર્શન થતાં નથી.જ્યાં વિષ્ણુ ભગવાને આવો પ્રશ્ન પુછ્યો એટલે નારદે ચાલુ કર્યું.હમણાં મને સમય જ ક્યાં હતો? અને શંકરજીએ ના પાડી હતી છતાં કામદેવની કથા ચાલુ કરી.ભગવાન હસવા લાગ્યા અને કહ્યું કે આપ તો સંત છો તમોને કામદેવ શું કરી શકે?

 

ધન્ય છે એવા સંતોને કે જે પોતાના ગુણોના વખાણ સાંભળે ત્યારે એને એમ લાગે કે મને કોક ગાળો આપે છે,આવી ભૂમિકા આવે ત્યારે પ્રભુની નજીક જવાય છે.ભગવાન સમજી ગયા કે નારદજીના મનમાં અહંકાર આવી ગયો છે અને તે વધી જશે તો સંતનું અકલ્યાણ થશે.તેમનું હિત થાય અને મને કૌતુક થાય એવી લીલા કરૂં.નારદજીએ વિદાય લીધી અને ભગવાને નારદજીના માર્ગમાં ચારસો ગાઉના પ્રદેશમાં માયાવી નગરી બનાવી.શીલનિધિ નામના રાજાને બેસાડ્યો,એની કન્યા તરીકે પોતાની માયાને કહ્યું કે તૂં પોતે વિશ્વમોહિની રૂપ ધારણ કરીને જા.અનેક રાજા-મહારાજા બનાવ્યા.અદભૂત રૂપ લઇને વિશ્વમોહિની આવી અને એનો સ્વયંવર થાય આવું બધું ઉભું કર્યું.નારદજી ત્યાંથી નીકળ્યા.તેમને થયું આ નગર કોનું? આટલા બધા રાજાઓ? આ બધું શું છે? પુછતાં પુછતાં તે શીલનિધિના ઘેર ગયા.રાજાએ તેમનો સત્કાર કરી પોતાની પૂત્રી બતાવી કે આ મારી કન્યા વિશ્વમોહિની છે,તેનો કાલે સ્વયંવર છે.તે જેને પસંદ કરશે તેના ગળામાં જયમાળા પહેરાવશે.અમારા સદભાગ્ય કે આવા શુભ પ્રસંગે આપ પધાર્યા છો તો મારી પૂત્રીનું ભાગ્ય જોઇ આપો કે એનું નસીબ કેવું છે?

 

વિશ્વમોહિનીને જોઇને નારદજીને આકર્ષણ થયું કે આવી કન્યા મને મળે તો મારે લગ્ન કરવા છે. વિચારો બદલાયા.કોન જ્ઞાની કોન મૂઢ? તેમને કન્યાના હાથનો સ્પર્શ થતાં મોહથી ભરાઇ ગયું અને હાથના બદલે ચહેરો જોવા લાગ્યા.નારદજી વિચારે છે કે આને જે પરણશે તે ચૌદ બ્રહ્માંડનો અધિપતિ થશે,આને જે પરણશે તેને ઘડપણ નહી આવે,તેનું મૃત્યુ નહી થાય,તેને જગતમાં કોઇ જીતી નહી શકે.હકીકતમાં હસ્તરેખામાં એવું હતું કે ચૌદ બ્રહ્માંડનો અધિપતિ હશે તે આને પરણશે પરંતુ નારદજી અવળું વાંચે છે અને નારદજી વિદાય લે છે.જંગલમાં જઇ નારદજી વિચારે છે કે આ કન્યાને પરણવા રૂપ જોઇએ અને તે માટે ભગવાન વિષ્ણુને યાદ કર્યા કે તરત તે પ્રગટ થયા તો નારદજીએ તેમનું રૂપ માંગ્યું.ભગવાને કહ્યું કે આપનું પરમ હિત થાય એમ જ કરીશ.નારદજીને ભ્રમ થયો કે હું વિષ્ણુ જેવો રૂપાળો થઇ ગયો.સ્વયંવરમાં દાખલ થતાં જ તમામ રાજાઓને નારદજી દેખાયા એટલે તમામે ઉભા થઇ અભિવાદન કર્યું.નારદજી પ્રથમ હરોળમાં જ બેસી ગયા.શિવના બે ગણો બ્રાહ્મણના વેશમાં ફરતા હતા તેમને બધા ભેદની ખબર હતી એટલે નારદજી સાંભળે તેમ અંદરોઅંદર ચર્ચા કરી નારદજીના વખાણ કરવા લાગ્યા.

 

વિશ્વમોહિની વરમાળા લઇને નીકળ્યાં ત્યારે તેને નારદજીનો ચહેરો વાનર જેવો લાગ્યો તેથી તેમની સામે તો ના જોયું પણ તેમની લાઇનમાં બેઠેલા રાજાઓ સામે પણ ના જોયું અને મધ્યભાગમાં ભગવાન વિષ્ણુ રાજકુમારનું રૂપ લઇને બેઠા હતા તેમને વરમાળા પહેરાવી દીધી.શંકરજીના ગણોથી રહેવાયું નહી તેથી કહ્યું કે તમે ગામ બહારના તળાવમાં મોઢું જુઓ.નારદજીએ તળાવમાં પોતાનું મોઢું જોયું તો વાનર જેવું ! તેથી શિવગણોએ મશ્કરી કરી તેથી તેઓને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો અને ભગવાન વિષ્ણુએ મારી આ દશા કરી છે,મેં આખી જીંદગી તેમના નામનું સુમિરણ કર્યું છતાં મારી આવી દશા કરી છે હવે વિષ્ણુ મળે તો કાં તો એ નહી કે કાં હું નહી.ભગવાને લીલા કરવી હતી એટલે વિશ્વમોહિની તથા માતા લક્ષ્મી સાથે સામા જ મળ્યા અને નારદજીનો ક્રોધ બેકાબૂ બન્યો અને કહ્યું કે તારા જેવો જગતમાં કોઇ સ્વાર્થી,કુટિલ,કપટી,ધોખેબાજ નથી તેવી ગાળો બોલે છે અને ભગવાન ર્હંસે છે ત્યારે નારદજીએ શ્રાપ આપ્યો કે તમારે ત્રેતાયુગમાં મનુષ્યનો અવતાર લેવો પડશે,તમે વિશ્વમોહિનીના વિયોગમાં મને તડપાવ્યો છે એટલે વિયોગનું દુઃખ શું હોય છે તેનો જાત અનુભવ થાય તે માટે તમારી પત્નીને કોઇ લઇ જશે ત્યારે એના વિયોગમાં તડપશો,મને વાનરની આકૃતિ આપીને મને જગતમાં મશ્કરીને પાત્ર બનાવ્યો છે તેથી જ્યારે તમે માનવ અવતાર લેશો ત્યારે વાનર-રીંછ સિવાય કોઇ તમોને મદદ નહી કરે-આ મારો શ્રાપ છે.

 

ભગવાને નારદના ચારેય શ્રાપ મસ્તકે લગાડી માયા ખેંચી લીધી તો નથી નગર,નથી વિશ્વમોહિની કે નથી લક્ષ્મીજી.ફક્ત ભક્ત અને ભગવાન છે.નારદજીના મનમાંથી માયા ગઇ તો સભાન થઇ ગયા. ભગવાનના ચરણોમાં પડી માફી માંગી અને કહ્યું કે હું જે કંઇ ગાળો બોલ્યો,શ્રાપ આપ્યા તે ખોટું છે.ત્યારે ભગવાને ર્હંસીને કહ્યું કે મારી ઇચ્છાથી આ બધું થયું છે.ભગવાને કહ્યું કે ભગવાન શંકરના નામનો જપ કરો જેથી વિશ્રામ મળશે.શિવગણોએ મશ્કરી કરી હતી તેમને નારદજીની માફી માંગી.સંતને દયા આવી અને કહ્યું કે તમારે રાક્ષસ તો બનવું પડશે પણ મારો આર્શિવાદ છે કે તમે મહાન રાક્ષસ બનશો અને તમોને મારવા માટે પરાત્પર બ્રહ્મને હાથે તમારૂં મૃત્યુ થશે.

 

 

(૪) ભગવાન શ્રીરામને વાલી પત્ની તારાએ આપેલ શ્રાપ..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

    કૂર્મ અવતારના સમય દરમ્યાન સમુદ્રમંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા જેમાં વિવિધ દૈવી અપ્સરાઓ હતી.જેમાંની એક તારા હતી.વાલીના પિતા ઇન્દ્રદેવે સમુદ્રમંથનમાં મદદ કરી હતી તેથી તારા નામની અપ્સરાને ઇન્દ્ર લઇ ગયા હતા અને તેમનાં લગ્ન વાનરરાજ વાલી સાથે કર્યા હતા.ભગવાન શ્રીરામે કિષ્કિંધાના વાનરોના રાજા ઇન્દ્રપૂત્ર વાલીને છળ કરીને માર્યો હતો તેથી વાલી પત્ની તારાએ ભગવાન શ્રીરામને શ્રાપ આપ્યો હતો કે આગલા અવતારમાં તેમનું મૃત્યુ મારા પતિ વાલી દ્વારા થશે.ભગવાન વિષ્ણુ દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લે છે ત્યારે અવતારકાર્યના અંતે એક જરા નામનો પારધી કે જે વાલીનો જ બીજો અવતાર હતો તેમના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો દેહત્યાગ થાય છે.

 

આવો મૂળ કથા જોઇએ.ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન સીતાજીનું હરણ થાય છે ત્યારે સીતાશોધ માટે શ્રીરામ-લક્ષ્મણ હનુમાનજીના માધ્યમથી સુગ્રીવ સાથે મિત્રતા કરે છે ત્યારે શ્રીરામ પુછે છે કે તમે કિષ્કિંધાનગરી છોડીને અહી ઋષ્યમૂક પર્વત ઉપર કેમ રહો છો? ત્યારે સુગ્રીવ કહે છે કે હું અને વાલી બે ભાઇઓ છીએ.એકવાર મયદાનવનો પૂત્ર માયાવી અડધી રાત્રે અમારા નગરમાં આવે છે અને યુદ્ધ માટે લલકારે છે.વાલી શત્રુના પડકારને સહન ના કરી શક્યો અને તે દોડ્યો તો માયાવી ભાગીને એક પર્વતની ગુફામાં પેસી ગયો,હું પણ ભાઇ સાથે ગયો.વાલીએ મને કહ્યું કે તમે પંદર દિવસ સુધી રાહ જોજો અને હું ના આવું તો જાણી લેજો કે હું માર્યો ગયો છું. મેં એક મહિના સુધી રાહ જોઇ રહ્યો ત્યાં ગુફામાંથી લોહીની મોટી ધારા નીકળી તેથી હું સમજ્યો કે માયાવીએ વાલીને મારી નાખ્યો છે અને બહાર આવીને મને મારશે તેથી ગુફાના દ્વાર ઉપર મોટી શિલા મુકી નગરમાં આવી ગયો.

 

મંત્રીઓએ નગરને સ્વામી વિનાનું જાણી મને રાજ્ય આપ્યું.વાલી માયાવીને મારીને આવી પહોચ્યો. મને રાજસિંહાસન ઉપર જોઇને તેને શંકા ગઇ,તે સમજ્યો કે હું રાજ્યના લોભથી ગુફાના દ્વાર ઉપર શિલા મુકીને આવ્યો હતો.વાલીએ મને શત્રુ સમજી ઘણો માર્યો.મારૂં સર્વસ્વ અને મારી પત્નીને પડાવી લીધી. હું જ્યાં ગયો ત્યાં વાલીએ મારો પીછો કર્યો.વાલીએ કર્મનું સાક્ષાત રૂપ છે અને સુગ્રીવ એ જીવ છે.જીવ ગમે ત્યાં જશે પણ કર્મ એનો પીછો કરશે.રાવણને છ મહિના બગલમાં દબાવ્યો એનો અર્થ એ છે કે કર્મની આગળ રાવણ જેવો મહારથી પણ પરાજીત થાય છે.વાલી ઋષિઓના શ્રાપના લીધે ઋષ્યમૂક પર્વત ઉપર આવી શકતો નથી.કર્મ કોઇને છોડતું નથી.કર્મથી બચવું હોય તો ઋષ્યમૂક પર્વત ઉપર જાઓ.ઋષ્યમૂક પર્વત એટલે સત્સંગ.સત્સંગમાં બેસશો ત્યાં સુધી કર્મની સત્તા નડશે નહી.નરકમાં નિવાસ સારો પણ દુર્જનનો સંગ ના કરવો.શ્રી રામે કહ્યું કે હું એક જ બાણથી વાલીને મારી નાખીશ.બ્રહ્મા કે રૂદ્રના શરણમાં જવા છતાં તેના પ્રાણ બચશે નહી.

 

જે લોકો મિત્રના દુઃખે દુઃખી થતા નથી તેમને જોવાથી જ મોટું પાપ લાગે છે.પોતાના પર્વત સમાન દુઃખને ધૂળની સમાન અને મિત્રના ધૂળ સમાન દુઃખને મેરૂની સમાન જાણે,મિત્રને કુમાર્ગે જતાં રોકી સારા માર્ગે ચલાવે,એના ગુણોને પ્રગટ કરે અને અવગુણોને છુપાવે-આ મિત્રના લક્ષણો છે અને જે સામે મળતાં મીઠા વચનો કહે અને પીઠ પાછળ બુરાઇ કરે તથા મનમાં કપટ રાખે-એવા કુમિત્રને છોડી દેવો.મૂર્ખ સેવક, કંજૂસ રાજા,કુલટા સ્ત્રી અને કપટી મિત્ર શૂળની જેમ પીડા આપનાર છે.

 

ત્યારબાદ સુગ્રીવને વાલી પાસે મોકલ્યો.હું વૃક્ષની પાછળ ઉભો છું અને મને લાગશે ત્યારે બાણ મારીશ.વાલી-સુગ્રીવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને વાલીના પ્રહારથી ઘાયલ થઇ સુગ્રીવ ભાગ્યો અને શ્રીરામને કહે છે કે તમે બાણ કેમ ના ચલાવ્યું? ત્યારે પ્રભુ કહે છે કે તમારા બંન્ને ભાઇઓ એકસરખા જ લાગો છો અને ક્યાંક તને બાણ વાગે તો દુનિયા એમ કહે કે રામે મિત્રદ્રોહ કર્યો.હવે આખી દુનિયાના ચહેરા બનાવ્યા એને ખબર ના હોય કે કયો વાલી અને કયો સુગ્રીવ? સુગ્રીવના શરીર ઉપર હાથ ફેરવી તેનું શરીર વજ્ર સમાન કરી દીધું અને નિશાની માટે ગળામાં ફુલની માળા પહેરાવી અને ફરીથી અનેક પ્રકારે યુદ્ધ થયું અને છેલ્લે શ્રીરામે ઝાડ પાછળ છુપાઇને વાલીના હ્રદયમાં બાણ માર્યું,વાલીને બ્રહ્માજીનું વરદાન હતું કે જે વ્યક્તિ યુદ્ધ કરવાના ઈરાદાથી એની સામે આવશે તો એનું અડધું બળ વાલીમાં આવી જશે એટલે શ્રીરામે વરદાનની મર્યાદા રાખવા ઝાડ પાછળ છુપાયને બાણ માર્યું હતું.વાલી ધરતી ઉપર પડી ગયો અને કઠોર વચનમાં કહે છે કે આપે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે અને મને શિકારીની જેમ છુપાઇને માર્યો? હું વૈરી અને સુગ્રીવ પ્રિય ! હે નાથ ! કયા દોષે આપે મને માર્યો? હું ન્યાય માંગુ છું. શ્રીરામ કોઇને તેના ગૂન્હા વગર મારતા નથી,કર્મનો જ હિસાબ આપે છે. શ્રીરામ કહે છે કે અનુજ પ્રિયા ભગિની સૂત નારી,સુનુ શઠ એ કન્યા સમ ચારી.. હે મૂર્ખ ! સાંભળ..નાનાભાઇની સ્ત્રી, બહેન,પૂત્રવધૂ અને દિકરી-આ ચારેય સમાન છે તેમની સાથે દિકરી અને બાપ જેવો સબંધ રખાય.જો કોઇ એમની ઉપર કુદ્રષ્ટિથી જુવે તો તેને મારવામાં કોઇ પાપ લાગતું નથી.તારા નાનાભાઇ સુગ્રીવની પત્નીને તે પોતાના શયનખંડમાં રાખી છે.તને અત્યંત અભિમાન છે, તે પોતાની પત્નીની શિખામણ કાને ધરી નહી.

 

વાલીને પાપનું સ્મરણ થયું અને કહે છે કે હે પ્રભુ ! અંતકાળે આપની શરણ પામીને હું હજુ પાપી રહ્યો? વાલીની કોમલ વાણી સાંભળી શ્રીરામે તેના મસ્તક ઉપર હાથથી સ્પર્શ કરી કહ્યું કે હું તને અમર બનાવી દઉં ત્યારે વાલી કહે છે કે મુનિજનો જન્મોજન્મ અનેક પ્રકારનાં સાધન કરતા રહે છે છતાંય અંતકાળે તેઓના મુખથી રામનામ નીકળતું નથી.જેમના નામના બળથી શિવજી કાશીમાં સર્વને સમાનરૂપથી અવિનાશીની ગતિ (મુક્તિ) આપે છે તે રામ પરબ્રહ્મ મારી નજર સામે ઉભા છે,આવો સંજોગ શું ફરી ક્યારેય બની શકશે? આપને છોડીને આ નશ્વર શરીરનું રક્ષણ કોન માંગે? હે નાથ ! મારા ઉપર દયાદ્રષ્ટિ કરી હું જે વર માંગુ તે આપો. હું કર્મવશાત્ જે યોનિમાં જન્મ લઉં ત્યાં આપના ચરણોમાં પ્રેમ કરૂં. આ મારો પૂત્ર અંગદ વિનય અને બળમાં મારા સમાન છે તેનો સ્વીકાર કરી પોતાનો દાસ બનાવો. જગતનો સાચો વાલી એ છે જે પોતાના દિકરાનો હાથ રામના હાથમાં સોંપે.આમ કહી વાલીએ જેમ હાથી પોતાના ગળામાંથી ફુલોની માળા પડે તે જાણતો નથી તેમ સહેલાઇથી શરીરને છોડી દીધું.યોગીનું મૃત્યુ થાય એવું વાલીનું મૃત્યુ થયું.શ્રીરામે વાલીની પોતાના પરમધામમાં મોકલી દીધો.

 

વાલીની પત્ની તારા આવીને અનેક પ્રકારે વિલાપ કરવા લાગી.તારાને વ્યાકુળ જોઇ શ્રીરામે તેને જ્ઞાન આપ્યું અને તેની માયા(અજ્ઞાન) હરી લીધી.શ્રીરામે કહ્યું કે છિતિ જલ પાવક ગગન સમીરા,પંચ રચિત અતિ અધમ શરીરા..પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી આ અત્યંત અધમ શરીર રચવામાં આવ્યું છે,તે શરીર તો પ્રત્યક્ષ તમારી સામે પડ્યું છે અને જીવ નિત્ય છે પછી તૂં શા માટે રડી રહી છે? તારાને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે ભગવાનના ચરણે પડી અને તેને પરમભક્તિનું વરદાન માંગી લીધું.

 

 

 

 

(૫) ભગવાન શ્રીકૃષ્ણને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો..

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

મહાભારતનું યુદ્ધ પુરૂ થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ ગાંધારી અને ધૃતરાષ્ટને સાંત્વના આપવા જાય છે ત્યારે પોતાના સો પૂત્રો મૃત્યુ પામ્યા હતા તેનું કારણ શ્રીકૃષ્ણ છે તેમ માની ગાંધારી ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપે છે કે જેવી રીતે પાંડવો અને કૌરવો પિતરાઇ ભાઇઓ હોવા છતાં અંદરોઅંદરના વિખવાદના કારણે નષ્ટ થયા છે તેવી જ રીતે તમારા બંધુ-બાંધવો પણ અંદરોઅંદર લડીને નષ્ટ થશે,આજથી છત્રીસ વર્ષ પછી હે કૃષ્ણ તમે પણ પોતાના બંધુ-બાંધવો તથા પૂત્રોનો નાશ થતો જોશો અને તમે પણ એક અનાથની જેમ એક સાધારણ કારણથી મૃત્યુ પામશો.

 

દુર્યોધનના સ્વર્ગવાસ પછી ધૃતરાષ્ટ અને ગાંધારીને સાંત્વના આપવા હસ્તિનાપુર જાય છે.ભીમસેને મહાબળવાન દુર્યોધનને ગદાયુદ્ધના નિયમોનો ભંગ કરીને મારી નાખ્યા પછી યુધિષ્ઠિર ઘણા જ ભયભીત થાય છે.ગાંધારી મહાતપસ્વીની હતી અને પોતાના તપના પ્રભાવથી ત્રણે લોકને બાળી નાખવા સમર્થ હતી.ક્રોધથી બળી રહેલી ગાંધારીને પ્રથમથી જ શાંત પાડવી જરૂરી હતી.યુધિષ્ઠિરે વિચાર્યું કે અમે તેમના પૂત્રનો અન્યાયથી વધ કર્યો છે એ વાત સાંભળીને એ જો ક્રોધાયમાન થઇ જશે તો પોતાના માનસિક અગ્નિ થી અમોને બાળીને ભસ્મ કરી નાખશે એવો વિચાર કરીને ગાંધારીને શાંત પાડવા માટે ભગવાન શ્રીકૃષ્ણને હસ્તિનાપુર મોકલે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણ હસ્તિનાપુર પહોંચે ત્યાર પહેલાં મહર્ષિ વેદવ્યાસને ગાંધારીએ શ્રાપ આપવાની જે ઇચ્છા કરી હતી એવા પાંડવો પ્રત્યેના ગાંધારીના અશુભ અભિપ્રાયને પ્રથમની જ જાણી લઇને તેઓ મનસમાન વેગને ધારણ કરીને હસ્તિનાપુર આવી પહોચ્યા હતા.ભગવાન વેદવ્યાસ સર્વ પ્રાણીઓના હૈયામાં રહેલા આશયને દિવ્યદ્રષ્ટિથી જોઇ શકતા હતા.શ્રીકૃષ્ણે પ્રથમ વ્યાસજીના દર્શન કરીને તેમનો તથા ધૃતરાષ્ટનો ચરણસ્પર્શ કર્યો તથા વ્યગ્ર થયા વિના ગાંધારીને પણ વંદન કર્યા અને દુર્યોધનના મૃત્યુનો શોક પ્રદર્શિત કરી ધૃતરાષ્ટ અને ગાંધારીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મારા શાંતિ પ્રસ્તાવને તથા તમારી વાત માની હોત તો દુર્યોધનની આ દશા ના થતી.હવે જે થયું તે ખરૂં.તમારા તપનું બળ એટલું બધું છે કે તમે માત્ર ક્રોધથી પ્રદિપ્ત થયેલા નેત્રોથી સચરાચર પૃથ્વીને ક્ષણવારમાં બાળી નાખવા સમર્થ છો તેમ હોવા છતાં પાંડવોના નાશ કરવાનો વિચાર ના કરશો.શ્રીકૃષ્ણની વાત સાંભળીને ગાંધારીનો ક્રોધ શાંત થયો.શ્રીકૃષ્ણે જો શાંતિપૂર્વક શબ્દોથી ગાંધારીને સમજાવી ના હોત તો એ પાંડવોનો ક્રોધાતુર થઇને સર્વનાશ કરી નાખત પરંતુ શ્રીકૃષ્ણે પાંડવોને ઉગારી લીધા.

 

ગાંધારીએ કહ્યું કે હે કૃષ્ણ તમે જ્યારે શાંતિ પ્રસ્તાવ લઇને આવ્યા હતા અને નિષ્ફળ થઇને ઉપલવ્યપુર પાછા ગયેલા ત્યારે જ મારા બળવાન પૂત્રો મરણને શરણ થશે તેનો મને ખ્યાલ આવી ગયો હતો.દાદા ભિષ્મે અને મહાબુદ્ધિમાન વિદુરજીએ મને જણાવ્યું હતું કે તમે તમારા પૂત્રો પરના સ્નેહને હવે છોડી દેજો. એમની ભવિષ્યવાણી સત્ય થઇ છે.આમ હોવા છતાં આ મહાસંહારનો તમામ દોષ શ્રીકૃષ્ણનો જ છે એમ માનીને અતિશય કોપાયમાન થઇને ગાંધારીએ કહ્યું કે પાંડવો અને કૌરવો પરસ્પર વેર કરીને મૃત્યુ પામ્યા તો પણ તમે શા માટે તેમના નાશની ઉપેક્ષા કરી? તમે સર્વશક્તિમાન હતા,સમાધાન કરવામાં સમર્થ હતા છતાં પણ તમે જાણી જોઇને કુરૂવંશના નાશની ઉપેક્ષા કરી છે તેનું ફળ તમારે ભોગવવું પડશે. મેં મારા પતિની સેવા દ્વારા આજ સુધી જે તપોબળ પ્રાપ્ત કર્યું છે તે દુર્લભ તપોબળના સામર્થ્યથી તમોને શ્રાપ આપું છું કે કૌરવો અને પાંડવો એકબીજાનો સંહાર કરવા તત્પર થયા ત્યારે તમે તેમની ઉપેક્ષા કરી છે માટે તમારા બંધુ-બાંધવો પણ અંદરોઅંદર લડીને નષ્ટ થશે,આજથી છત્રીસ વર્ષ પછી હે કૃષ્ણ તમે પણ પોતાના બંધુ-બાંધવો તથા પૂત્રોનો નાશ થતો જોશો અને તમે પણ એક અનાથની જેમ એક સાધારણ કારણથી મૃત્યુ પામશો.ભરતકુળની સ્ત્રીઓ પોતાના પતિઓ,પૂત્રો અને સબંધીઓનો નાશ થવાથી રોકકળ કરે છે તેમ તમારા યાદવકુળની સ્ત્રીઓ તેવા જ હેતુથી રોકકળ કરશે.

 

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે જેને માટે મેં પ્રથમથી જ નિશ્ચય કરેલો તે કાર્યને તમે શ્રાપ દ્વારા સિદ્ધ કર્યું છે.હું જાણું છું કે યાદવો તેવા દૈવીયોગથી જ નાશ પામવાના છે.યાદવકુળનો નાશ કરી શકે તેવો મારા વિના બીજો એક પણ પુરૂષ આ જગતમાં નથી.મનુષ્યો-દેવો કે દાનવો યાદવોનો નાશ કરવા સમર્થ નથી, તેઓ પરસ્પર યુદ્ધ કરીને જ નાશ પામશે માટે હવે શોકને દૂર કરો.કૌરવો ફક્ત તમારા અપરાધથી નાશ પામ્યા છે. દુર્યોધન દુરાત્મા,અત્યંત અભિમાની,પાપી અને ઇર્ષાળુ હતો તો પણ તમે તેનું સન્માન કરતા હતા અને તેને સૌથી સારો માનતા હતા.તમામની સાથે વેર કરનાર અને વૃદ્ધ પુરૂષોનું અપમાન કરનારા એ દુષ્ટ પુરૂષને સારો માનીને તમે મારા ઉપર ખોટું દોષારોપણ કરો છો.જે મનુષ્ય પોતાના મરી ગયેલા કે નાસી ગયેલા સબંધીઓનો શોક કરે છે તે ઘણું જ દુઃખ પામે છે.

 

(૬) મહર્ષિ વિશ્વામિત્ર-કણ્વ અને નારદજીએ યાદવોના વિનાશ માટે શ્રાપ આપ્યો હતો.

 

આ કથાક્રમમાં અન્ય એક શ્રાપ મહાભારતના મૌસલ પર્વમાં વર્ણવેલ છે.એકવાર મહર્ષિ વિશ્વામિત્ર-કણ્વ અને નારદ ઋષિ દ્વારીકા ગયા હતા.તેમને જોઇને દૈવયોગે સારણ વગેરે યુવાનો વીર સામ્બને સ્ત્રીનાં કપડાં પહેરાવી ઋષિઓ સન્મુખ લઇ જઇને કહે છે મહર્ષિઓ ! આ મહાતેજસ્વી બભ્રુની પત્ની છે.બભ્રુની ઘણી ઇચ્છા છે કે તેના ઘેર પૂત્રનો જન્મ થાય જેથી આપ એ બતાવો કે આ સ્ત્રીના ગર્ભથી શું જન્મશે? ઋષિઓને ખ્યાલ આવી ગયો કે આ યુવાનો આપણી મશ્કરી કરે છે તેથી મુનિઓએ ક્રોધમાં આવી કહ્યું કે મૂર્ખો ! આ શ્રીકૃષ્ણનો પૂત્ર સામ્બ વૃષ્ણિ અને અંધકવંશી પુરૂષોનો નાશ કરવા માટે લોખંડનું એક ભયંકર મૂસલ ઉત્પન્ન કરશે.જેના દ્વારા તમારા જેવા દુરાચારી-ક્રૂર અને ક્રોધી લોકો પોતાના સમસ્ત કૂળનો સંહાર કરશે.ફક્ત બલરામ અને શ્રીકૃષ્ણ ઉપર તેની કોઇ અસર નહી થાય.બલરામજી તો પોતે શરીરનો પરીત્યાગ કરી સમુદ્રમાં પ્રવેશ કરી જશે અને મહાત્મા શ્રીકૃષ્ણ જ્યારે પિપળાના વૃક્ષ નીચે જ્યારે ભૂમિ ઉપર શયન કરતા હશે ત્યારે જરા નામનો પારધી તેમને બાણથી વિંધી નાખશે આવું કહીને મુનિઓ ભગવાન શ્રીકૃષ્ણને મળે છે અને સર્વ વૃતાંત કહે છે.આ સમાચાર સાંભળીને મધુસૂદને વૃષ્ણિવંશીઓને કહ્યું કે હવે આપણો અંત નજીક છે કારણ કે ઋષિઓનું વાક્ય મિથ્યા થતું નથી.

 

બીજા દિવસે સામ્બે મૂસલ ઉત્પન્ન કર્યુ.યાદવોએ આ સમાચાર ઉગ્રસેનને આપ્યા.ઉગ્રસેનને ઘણું જ દુઃખ થયું અને તેમને મૂસલનું ચૂર્ણ બનાવીને સમુદ્રમાં ફેકી દેવડાવ્યું જેમાંથી એરકા નામની તિક્ષ્ણ ધારદાર પર્ણવાળી વનસ્પતિ ઉગી.ઉગ્રસેન-બલરામ અને શ્રીકૃષ્ણે નગરમાં જાહેરાત કરાવી કે આજથી કોઇપણ નગરવાસી શરાબ અને મદિરા નહી બનાવે.જે કોઇ મનુષ્ય છુપાઇને પણ આ પીણું બનાવશે તેને મોતની સજા કરવામાં આવશે.શ્રીકૃષ્ણને લાગ્યું ગાંધારીએ જે શ્રાપ આપ્યો હતો તેને પુરો થવાનો સમય છત્રીસમું વર્ષ આવી ગયું છે તેમ વિચારી યાદવોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી.તમામ લોકો સમુદ્રના કિનારે પ્રભાસતીર્થમાં જવાની તૈયારી કરી.ત્યાં ગયા પછી સાત્યકિએ અભિમાનમાં આવી કૃતવર્માની મશ્કરી અને અનાદર કર્યો તથા ક્રોધના આવેશમાં આવી તલવારથી કૃતવર્માનું મસ્તક કાપી નાખ્યું.ત્યારબાદ અન્ય વીરોને પણ મારી નાખ્યા.આમ તમામ યાદવો અંદરોઅંદર ઝઘડવા લાગ્યા.હથિયાર ન મળ્યા તે એરકાને ઉપાડીને મારવા લાગ્યા અને આમ છપ્પન પ્રકારના યાદવોનો વિનાશ થયો.બલરામજી યોગયુક્ત સમાધિ લગાવીને બેસી ગયા.શ્રીકૃષ્ણના જોતાં જ તેમના મુખમાંથી એક સફેદ રંગનો હજાર મસ્તકવાળો સાપ નીકળે છે અને સમુદ્રમાં સમાઇ જાય છે.ભગવાન શ્રીકૃષ્ણ પરમધામ જવા માટે મન-વાણી અને ઇન્દ્રિયોનો સંયમ કરી સમાધિનું અવલંબન કરી પૃથ્વી ઉપર સૂઇ ગયા તે સમયે એક જરા નામનો પારધી મૃગનો શિકાર કરવા તે જગ્યાએ આવે છે અને દૂરથી મૃગ સમજીને બાણ મારે છે.આ રીતે શ્રીકૃષ્ણ પરમધામમાં ચાલ્યા ગયા.

 

 

 

 

 

(૭) દૈત્ય ગુરૂ શુક્રાચાર્યજીએ રાજા યયાતિને શ્રાપ આપ્યો હતો.

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

પાંડવોના પૂર્વજ નહૂષનંદન મહારાજા યયાતિ દેવરાજ ઇન્દ્ર સમાન તેજસ્વી હતા,તેઓ પ્રજાપતિની દશમી પેઢીમાં ઉત્પન્ન થયા હતા.તેમનો વિવાહ દૈત્યગુરૂ શુક્રાચાર્ય કે જે મૃતસંજીવની વિદ્યાના જ્ઞાતા હતા તેમની પૂત્રી દેવયાની સાથે થયું હતું.એકવાર ચૈત્રરથ નામના દેવોના ઉદ્યાનમાં કેટલીક કન્યાઓ જલક્રીડા કરી રહી હતી તે સમયે દેવરાજ ઇન્દ્રે વાયુનું રૂપ ધારણ કરીને તમામનાં કપડાં અરસપરસ બદલી નાખ્યાં. જ્યારે તમામ કન્યાઓ એક સાથે બહાર આવે છે અને પોતપોતાના વસ્ત્ર ધારણ કરે છે પરંતુ વસ્ત્ર અરસ પરસ થઇ ગયાં હતાં તેથી શર્મિષ્ઠાએ ભૂલથી દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા.શર્મિષ્ઠા રાજા વૃષપર્વાની પૂત્રી હતી.વસ્ત્ર અરસપરસ થઇ જવાથી શર્મિષ્ઠા અને દેવયાની વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો અને એકબીજાને અપમાનજનક શબ્દો કહ્યા,અપમાન કર્યું અને છેલ્લે શર્મિષ્ઠાએ દેવયાનીને એક કૂવામાં નાખી દીધી.તે સમયે નહૂષપૂત્ર યયાતિ ત્યાં આવી ચઢે છે અને દેવયાનીનો હાથ પકડીને કૂવામાંથી બહાર કાઢે છે.કૂવામાં થી બહાર નીકળ્યા પછી દેવયાની કહે છે કે તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી આપ મારા પતિ બનશો.યયાતિ તો પોતાના નગરમાં ચાલ્યા જાય છે.આ બાજુ દેવયાનીને આવતાં વિલંબ થયો હોવાથી શુક્રાચાર્ય ચિંતિત હતા તે સમયે દેવયાની આવી પહોંચે છે.દીન બનીને રડતી પૂત્રીને જોઇને શુક્રાચાર્ય પુછે છે કે બેટા તારી આ દશા કોને કરી છે? ત્યારે દેવયાની તમામ હકીકત પિતાને કહે છે કે હવે તે વૃષપર્વાના નગરમાં પગ નહી મુકવાનો સંકલ્પ કર્યો છે.

 

શુક્રાચાર્યજી દેવયાનીને સમજાવે છે કે જે પોતાનામાં ઉત્પન્ન ક્રોધને અક્રોધ(ક્ષમાભાવ) દ્વારા મનમાં થી કાઢી નાખે છે તેને સમગ્ર જગતને જીતી લીધું છે.જે ક્રોધને રોકી લે છે,નિંદા સહન કરે છે અને જેને બીજો કોઇ સતાવે તો પણ દુઃખી થતો નથી તે મહાન છે.ક્રોધીના યજ્ઞ-દાન અને તપ નિષ્ફળ જાય છે. ક્રોધીને અપવિત્ર કહે છે,તે તપ કરી શકતો નથી,તેનો આલોક-પરલોક નષ્ઠ થઇ જાય છે.જેનો સ્વભાવ ક્રોધી છે તેના પૂત્ર,સુહ્રદય,મિત્ર,પત્ની,ધર્મ અને સત્ય-તેને છોડીને ચાલ્યાં જાય છે.વૃષપર્વાની પૂત્રી શર્મિષ્ઠાએ મને જે કઠોર દુર્વચનો કહ્યાં છે એનાથી મોટી દુઃખની વાત બીજી કોઇ ના હોઇ શકે.વાણી દ્વારા જે ભયાનક કડવાં વચન નીકળે છે તેનાથી ઘાયલ થયેલાના હ્રદયના ઘા ક્યારેય રૂઝાતા નથી.

 

દેવયાનીની વાતો સાંભળીને શુક્રાચાર્યજી ઘણા જ ક્રોધથી વૃષપર્વાની રાજસભામાં જાય છે અને કહે છે કે જે અધર્મ કરવામાં આવે છે તેનું ફળ તરત મળતું નથી.અંગિરાના પૌત્ર કચ વિશુદ્ધ બ્રાહ્મણ છે, સ્વાધ્યાય પરાયણ,હિતૈષી,ક્ષમાવાન,સ્વભાવથી નિષ્પાપ,ધર્મજ્ઞ અને જીતેન્દ્રિય છે તે મારા આશ્રમમાં રહી નિરંતર મારી સેવા કરી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા હતા તેને તમે વારંવાર મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને હવે મારી પૂત્રી દેવયાનીને મારી નાખવા કૂવામાં નાખી દીધી હતી,આ બે કારણોસર હું તમારો તથા તમારા ભાઇ-બંધુઓનો ત્યાગ કરૂં છું.ત્યારે રાજા વૃષપર્વ કહે છે કે હે ભૃગુનંદન ! મેં આપની ઉપર ક્યારેય અધર્મ કે મિથ્યાભાષણનો દોષ લગાવ્યો નથી.આપ સદાય ધર્મ અને સત્યમાં પ્રતિષ્ઠિત છો એટલે આપ અમારી ઉપર કૃપા કરીને પ્રસન્ન થાઓ.જો આપ અમોને છોડીને જતા રહેશો તો અમે સમુદ્રમાં સમાઇ જઇશું. આપ અમોને છોડીને દેવતાઓના પક્ષમાં જતા રહેશો તો અમે સળગતી આગમાં કૂદી પડીશું.ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું કે મારી પૂત્રી દેવયાની સાથે કરેલ અપ્રિય વ્યવહારને હું સહન નહી કરી શકું.તમે દેવયાનીને પ્રસન્ન કરો.

 

રાજા વૃષપર્વા દેવયાની પાસે જઇને શુક્રાચાર્યજીએ કહેલ વાતો કહે છે અને વિનંતી કરે છે કે આપ જે વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છો તે દુર્લભ હશે તો પણ તમોને આપીશ.ત્યારે દેવયાનીએ કહ્યું કે હે રાજા તમારી પૂત્રી શર્મિષ્ઠા એક હજાર કન્યાઓ સાથે મારા પિતાજી મારૂં જ્યાં લગ્ન કરે ત્યાં મારી દાસી બનીને રહે.આ સાંભળીને રાજાએ પોતાની પૂત્રી શર્મિષ્ઠાને રાજસભામાં હાજર થવા અને દેવયાનીની કામના પુરી કરવા હુકમ કર્યો. કૂળના હિત માટે એક મનુષ્યનો ત્યાગ કરો,રાજ્યના માટે એક ગામની ઉપેક્ષા કરો અને આત્મ- કલ્યાણના માટે સમગ્ર પૃથ્વીનો ત્યાગ કરી દો.શર્મિષ્ઠાએ કહ્યું કે દેવયાની જે ઇચ્છે છે તે હું કરીશ,મારા અપરાધના લીધે દેવયાની અને ગુરૂ શુક્રાચાર્ય નગર છોડીને ના જવા જોઇએ.હું મારા પિતાજી અને નગર જનોને દુઃખ પહોચાડવા માંગતી નથી.

 

જ્યારે શર્મિષ્ઠા દેવયાનીની દાસી બનવા તૈયાર થઇ ત્યારે દેવયાની વૃષપર્વાના નગરમાં પ્રવેશ કરવા તૈયાર થઇ.શર્મિષ્ઠા એક હજાર દાસીઓ સાથે દેવયાનીની સેવામાં હાજર થયા બાદ તમામ સખીઓ સાથે વિચરણ કરવા લાગી.એકવાર નહૂષપૂત્ર રાજા યયાતિ દૈવઇચ્છાથી એ વનમાં આવી પહોંચે છે અને દેવયાની સાથે પરસ્પર વિવાહ પ્રસ્તાવ રાખે છે.ત્યારે યયાતિ કહે છે કે જ્યારે આપના પિતા શુક્રાચાર્યજી આપને મારે હવાલે કરશે ત્યારે હું આપની સાથે લગ્ન કરીશ.તે સમયે શુક્રાચાર્યજી આવીને કહે છે કે હે નહૂષનંદન ! મારી પૂત્રીએ આપને પતિરૂપમાં પસંદ કરેલ છે એટલે મારી પૂત્રીને આપ પટરાણીના રૂપમાં ગ્રહણ કરો,સાથે સાથે એ પણ કહ્યું કે રાજા વૃષપર્વાની પૂત્રી શર્મિષ્ટા એક હજાર દાસીઓ સાથે તમોને સમર્પિત છે તેમનો સદા આદર કરજો પણ ક્યારેય તેને પોતાની સેજ ઉપર ના બોલાવશો,એકાંતમાં તેની સાથે વાત ના કરશો કે ક્યારેય તેના શરીરનો સ્પર્શ ના કરશો.ત્યારબાદ દેવયાની અને યયાતિના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધામધૂમથી લગ્ન થાય છે.

 

યયાતિની રાજધાની મહેન્દ્રપુરી(અમરાવતી) સમાન હતી તેના અંતઃપુરમાં દેવયાનીને સ્થાન આપ્યું તથા શર્મિષ્ઠા અને એક હજાર દાસીઓને રહેવા માટે નજીકમાં મહેલ બનાવી રહેવાની વ્યવસ્થા કરી. દેવયાની અને યયાતિએ ઘણા વર્ષો સુધી વિહાર કર્યો અને દેવયાનીના ગર્ભથી એક રાજકુમારનો જન્મ થયો અને આમ એક હજાર વર્ષ વિતી ગયા.શર્મિષ્ઠાએ વિચાર્યુ કે દેવયાની તો પૂત્રવતી થઇ પણ મારી યુવાની તો વ્યર્થ જઇ રહી છે અને તેને યયાતિથી એક પૂત્રની કામના કરી ત્યારે યયાતિએ કહ્યુ કે અમારા લગ્ન સમયે શુક્રાચાર્યે શર્મિષ્ઠાને પોતાની સેજ ઉપર ના બોલાવવાનું વચન લીધેલ છે.

 

શર્મિષ્ઠાએ કહ્યું કે ર્હંસી-મજાકમાં બોલેલ અસત્ય હાનીકારક હોતું નથી,પોતાની સ્ત્રી સાથે,વિવાહ સમયે,પ્રાણ સંકટમાં હોય ત્યારે,સર્વસ્વનું અપહરણ થઇ જાય તેવા સમયે અને કોઇ નિર્દોષના પ્રાણ બચાવવા વિવશ થઇને અસત્ય બોલવું પડે તેનાથી દોષ લાગતો નથી.શુક્રાચાર્યે વિદાય વખતે આપને શર્મિષ્ઠા અને હજાર દાસીઓનું પાલન-પોષણ અને આદર કરવાનું કહેલ છે,આપ તેમના વચનને મિથ્યા ન કરો.હું ઇચ્છું છું કે આપ મને સંતાનવતી બનાવો.રાજાને શર્મિષ્ઠાની વાત યોગ્ય લાગતાં તેને ભાર્યાનું સ્થાન આપ્યું અને શર્મિષ્ઠા સાથે સમાગમ કર્યો.યયાતિ સાથે કામભોગ કરવાથી શર્મિષ્ઠા ગર્ભવતી બને છે અને એક બાળકને જન્મ આપે છે.

 

દેવયાનીએ જ્યારે જાણ્યું કે શર્મિષ્ઠાએ પૂત્રનો જન્મ આપ્યો છે ત્યારે તેની પાસે જઇને કહે છે કે તે કામલોલુપ થઇને પાપ કરેલ છે.ત્યારે શર્મિષ્ઠા જુઠુ બોલે છે કે એક ધર્માત્મા ઋષિ આવ્યા હતા જે વેદોના પારંગત વિદ્વાન હતા તેમની પાસે મેં ધર્માનુસાર કામસુખની કામના કરી હતી અને તેમનાથી મને પૂત્ર પ્રાપ્તિ થઇ છે.દેવયાનીએ તે ઋષિનું નામ-ગોત્ર અને કૂળનો પરીચય પુછ્યો તેનો શર્મિષ્ઠા જવાબ ના આપી શકી.દેવયાનીને રાજા યયાતિથી બે પૂત્ર થયા યદુ અને તુર્વસુ અને શર્મિષ્ઠાથી ત્રણ પૂત્રો થયા દ્રહ્યું-અનુ અને પુરૂ. એકવાર દેવયાની રાજા યયાતિ સાથે વિહાર કરતી હતી ત્યારે પુછ્યું કે આ ત્રણ પૂત્રો કોના છે? તેજ અને રૂપમાં તો તમારા જેવા લાગે છે.રાજા જવાબ ના આપતાં દેવયાનીએ રાજકુમારોને પુછ્યું કે બેટા તમે કયા કૂળના છો? તમારા પિતા કોન છે? ત્યારે રાજકુમારોએ યયાતિ સામે આંગળી કરીને કહ્યું કે આ અમારા પિતા અને શર્મિષ્ઠા અમારી માતા છે.

 

દેવયાની શર્મિષ્ઠા પાસે જઇને કહે છે કે તૂં તો કહેતી હતી કે એક ઋષિથી બાળકો થયા છે.તૂં મારે આધિન હોવા છતાં મને અપ્રિય થાય તેવું કામ કેમ કરેલ છે? તે સમયે શર્મિષ્ઠા સત્ય કહી દે છે ત્યારે દેવયાની રાજા યયાતિને કહે છે કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી તેમ કહીને શુક્રાચાર્ય પાસે જતી રહે છે,યયાતિ પણ તેની પાછળ પાછળ જાય છે.બંન્ને શુક્રાચાર્યને પ્રણામ કરે છે.દેવયાની પિતાને સર્વ હકીકતથી વાકેફ કરે છે ત્યારે શુક્રાચાર્ય યયાતિને શ્રાપ આપ્યો કે તમે ધર્મજ્ઞ થઇને અધર્મનું આચરણ કરેલ છે તેથી તમે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરશો.યયાતિ કહે છે કે દાનવરાજની પૂત્રીએ મારી પાસે ઋતુદાન માંગ્યું તેને ધર્મસંમત માનીને આ કાર્ય કરેલ છે.મારૂં વ્રત છે કે કોઇ મારી પાસે કંઇક માંગે તો હું ના કહી શકતો નથી. શર્મિષ્ઠાને આપે મને સોપ્યા પછી તે અન્ય કોઇ પુરૂષને પતિ બનાવવા ઇચ્છતી નહોતી તેથી તેની ઇચ્છા પુરી કરવી તેને ધર્મ સમજીને આ કાર્ય કરેલ છે.આપ તેના માટે મને ક્ષમા કરો.

 

શુક્રાચાર્યજી કહે છે કે હું અસત્ય બોલતો નથી,તમે વૃદ્ધ તો થઇ ગયા છો પરંતુ એટલી છુટ આપું છું કે તમે બીજાની યુવાની લઇ શકશો.યયાતિએ પોતાના પૂત્રોને કહ્યું કે મને હજું ભોગોથી તૃપ્તિ થઇ નથી માટે તમારી યુવાની મને આપો તો યદુ,તુર્વસુ,દ્રુહ્યું અને અનુએ યુવાની ના આપી તો તેમને શ્રાપ આપ્યો અને પુરૂએ પોતાની યુવાની આપી જેનાથી એક હજાર વર્ષ સુધી ભોગો ભોગવ્યા અને પુરૂને વરદાન આપ્યું.

 

 

 

 

(૮) શમિક ઋષિના પૂત્ર શ્રૃંગીએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો..

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

પાંડવોના સ્વર્ગારોહણ પછી અભિમન્યુના પૂત્રે હસ્તિનાપુરમાં શાસન કર્યું હતું.તેમના રાજ્યમાં તમામ પ્રજા સુખી-સંપન્ન હતી.એકવાર રાજા પરીક્ષિત શિકાર ખેલતાં ખેલતાં ઘણા દૂર નીકળી જાય છે ત્યારે તેમને એક આશ્રમ જોયો ત્યાં શમિક નામના ઋષિ મૌન અવસ્થામાં ધ્યાનમાં બેઠા હતા.તરસથી વ્યાકુળ રાજાએ તેમની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ઋષિ ધ્યાનમાં હોવાથી કોઇ જવાબના આપ્યો. આ જોઇને પરીક્ષિતને ઘણો જ ક્રોધ આવે છે અને તેમને નજીકમાં પડેલ મરેલ સાપ તેમના ગળામાં નાખ્યો.આ વાતની જાણ શમિક ઋષિના પૂત્ર શ્રૃંગીને થાય છે તો તેમને રાજાને શ્રાપ આપ્યો કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ રાજા પશીક્ષિતને કરડશે અને તેમનું મૃત્યુ થશે.

 

આવો શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ કથા જોઇએ.એકવાર રાજા પરીક્ષિત ધનુષ્ય લઇને વનમાં મૃગયા માટે વિચરતા હતા.હરણોની પાછળ દોડતાં દોડતાં તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યાં.જ્યારે ક્યાંય તેમને જળાશય ન મળ્યું ત્યારે નજીકમાં આવેલ શમિક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા.તેમને જોયું કે ત્યાં શમિક મુનિ આંખો બંધ કરીને શાંતભાવે આસન ઉપર બેઠા હતા.તેઓ ઇન્દ્રિયો, પ્રાણ,મન અને બુદ્ધિનો નિરોધ થઇ જવાથી સંસારથી પર થઇ ગયા હતા.તેઓ જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ-આ ત્રણ અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિર હતા.રાજાએ તેમની પાસે પાણી માંગ્યું.પાણી તો બાજુએ રહ્યું બેસવાનું આસન કે આદર-સત્કાર ન મળ્યો તેથી પોતાનું અપમાન થયું છે તેમ માની રાજાને ક્રોધ આવ્યો.ક્રોધવશ તેમને મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડી ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા.

 

શમિક ઋષિનો પૂત્ર શ્રૃંગી બીજા ઋષિકુમારો સાથે રમી રહ્યા હતા તેમને પોતાના પિતાનું આવું અપમાન જોઇને બહુ દુઃખ થયું અને નજીકમાંથી પસાર થતી કૌશિકી નદીનું જળ લઇ શ્રાપ આપ્યો કે કુલાંગાર પરીક્ષિતે ધર્મની પ્રસ્થાપિત મર્યાદાનો ભંગ કરીને મારા પિતાનું અપમાન કર્યું છે માટે આજથી સાતમા દિવસે તક્ષકનાગ કરડવાથી એમનું મૃત્યુ થશે.બ્રહ્મર્ષિ શમિકે રાજાને અપાયેલા શ્રાપની વાત સાંભળીને શ્રૃંગીને કહ્યું કે હે મૂર્ખ બાળક ! તે મોટું પાપ કર્યું છે,તે નાની ભૂલનો મોટો દંડ આપ્યો છે. ભગવત્સ્વરૂપ રાજા સાધારણ મનુષ્યો જેવા હોતા નથી.સમ્રાટ પરીક્ષિત યશસ્વી અને ધર્મપાલક છે.તે ભગવાનના પરમ પ્રિય ભક્ત છે.ભગવદભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે છતાં તેઓ બીજાઓએ કરેલા અપમાન,દગાબાજુ,ગાળાગાળી,આક્ષેપ અને મારપીટનો કોઇ બદલો લેતા નથી તેથી આપણે પણ કોઇ બદલો ના લેવો જોઇએ કારણ કે આપણે ભગવદભક્ત છીએ.

 

રાજધાનીમાં પહોચ્યા પછી પરીક્ષિતને ઘણો જ પસ્તાવો થાય છે,તે વિચારવા લાગ્યા કે મેં નિર્દોષ અને તેજયુક્ત ઋષિ સાથે નીચ વ્યવહાર કર્યો છે તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે મારા ઉપર ભયંકર વિપત્તિ આવશે.તે આવું વિચારતા હતા તે જ સમયે શમિક ઋષિનો એક શિષ્ય આવીને તેમને તમામ હકીકતથી રાજાને વાકેફ કરે છે.ભગવાનના ચરણકમળોની સેવાને સર્વોપરી માનીને રાજ્ય કારભાર પોતાના પૂત્ર જનમેજયને સોંપીને રાજા આમરન અનશન વ્રત લઇ ગંગા કિનારે જઇને બેઠા છે.તે સમયે મોટા મોટા ઋષિમુનિઓ ત્યાં પધાર્યા છે.રાજાએ તમામનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તમામની ચરણ વંદના કરી.તે સમયે પૃથ્વી ઉપર સ્વેચ્છાએ વિચરણ કરતા વ્યાસપૂત્ર શુકદેવજી પ્રગટ થયા,તેઓ અવધૂત દશામાં હતા.તેમને આવતા જોઇ તમામ ઋષિમુનિઓ પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઉભા થયા.રાજા પરીક્ષિતે માથુ નમાવી તેમને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી અને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા અને રાજા પરીક્ષિતે મધુરવાણીથી કહ્યું કે હે બ્રહ્મસ્વરૂપ ભગવાન ! આજે હું ધન્ય થયો.આપ જેવા મહાત્માના પગલાં પડતાં ગૃહસ્થોના ઘર પવિત્ર થઇ જાય છે.

 

પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેને શું કરવું જોઇએ? મનુષ્યે કોનું શ્રવણ, કોનો જાપ? કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઇએ? તથા કોનો ત્યાગ કરવો જોઇએ? ત્યારે શુકદેવજીએ કહ્યું કે તમારો પ્રશ્ન ઘણો ઉત્તમ છે.હે રાજન ! જે ગૃહસ્થો ઘરના કામ-ધંધાઓમાં ગૂંચવાયેલા છે તે પોતાના સ્વરૂપને જાણતા નથી,રાત-દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતાં જોઇને પણ તે ચેતતા નથી.જે મનુષ્ય અભયપદ પામવા ઇચ્છે છે તેમને સર્વાત્મા,સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું શ્રવણ-સ્મરણ અને કિર્તન કરવું જોઇએ.મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે ગમે તે રીતે જ્ઞાનયોગ,ભક્તિયોગ કે પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામભાવે શાસ્ત્રની આજ્ઞાનુસાર કર્તવ્યકર્મ કરવું.જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા-મોટા ઋષિમુનિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન-વર્ણનમાં રમમાણ કરે છે.

 

શુકદેવજી કહે છે કે દ્વાપરયુગના અંતમાં વેદતુલ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું.મારી પરમાત્માના નિર્ગુણ સ્વરૂપમાં પૂર્ણ નિષ્ઠા છે તો પણ ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓએ મારા હ્રદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું.તમે ભગવાનના પરમ ભક્ત છો એટલે હું તમોને તે ભાગવત મહાપુરાણ સંભળાવીશ.જેઓ શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃતિ અત્યંત પ્રેમ સાથે ભગવાનમાં પરોવાઇ જાય છે,સંસારથી વિરક્ત થઇ નિર્ભય મોક્ષપદને પ્રાપ્ત થાય છે. આસન,શ્વાસ,આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજ્ય પ્રાપ્ત કરીને બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળરૂપમાં પરોવવું જોઇએ.અનંતકોટી બ્રહ્માંડ જ વિરાટપુરૂષનો સ્થૂળદેહ છે.વિરાટપુરૂષ પૃ્થ્વી પાણી અગ્નિ વાયુ આકાશ અહંકાર મહત્તત્વ અને પ્રકૃતિ-આ સાત આવરણોથી ઘેરાયેલો છે એને વિરાટપુરૂષ કહે છે.તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે.તેનું ભજન કરવું જોઇએ,ક્યાંય પણ આસક્ત થવું ના જોઇએ, આસક્તિ જ પતનનું કારણ છે.

 

મૃત્યુનો સમય નજીક આવે ત્યારે શાંતિ રાખવી.ડરવું-ગભરાવવું કે બેચેન ના બનવું.વૈરાગ્યનો આશ્રય લઇ પરમાત્માના પરમપવિત્ર નામનો જપ કરવો.અંત સમયે મન પરમાત્મામાં મળી જાય અને વાસનારહિત થાય તો જીવન કૃતાર્થ બની જાય છે.શુકદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત મહા પુરાણની કથા સંભળાવી તેથી તેમની બુદ્ધિ વિશુદ્ધ બની પરમાત્માભાવમાં પ્રતિષ્ઠિત થઇ અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો કે હું શરીર નથી હું બ્રહ્મ છું એવું મનન કરતાં કરતાં રાજાએ વાણીને બંધ કરીને પરમાત્મામાં મનને વિલિન કરી પોતાના એકરસ અનંત અખંડ સનાતન સ્વરૂપમાં લીન થઇ ગયા,શરીર છોડી દીધું.

 

 

 

 

(૯) સર્પોની માતા કદ્રુએ પોતાના પૂત્રોને શ્રાપ આપ્યો હતો..

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

ઋષિ કશ્યપની કદ્રુ અને વિનતા નામની બે પત્નીઓ હતી.કદ્રુ સાપોની માતા હતાં અને વિનતા ગરૂડની માતા હતાં.એકવાર કદ્રુ અને વિનતાએ એક સફેદ રંગનો ઘોડો જોયો અને શરત લગાવી.વિનતાએ કહ્યું કે ઘોડો આખો સફેદ છે અને કદ્રુએ કહ્યું કે ઘોડો તો સફેદ છે પણ એનું પુંછડું કાળું છે.કદ્રુએ પોતાની વાતને સત્ય સાબિત કરવા માટે પોતાના સાપ પૂત્રોને કહ્યું કે તમે સુક્ષ્મરૂપમાં જઇને ઘોડાના પુંછડા સાથે વિંટળાઇ જાઓ જેથી ઘોડાનું પુંછડું કાળુ દેખાય અને હું શરત જીતી જાઉં.કેટલાક સાપોએ કદ્રૂની વાત ના માની તેથી તેઓને કદ્રૂએ શ્રાપ આપ્યો કે તમે તમામ જનમેજયના સર્પ યજ્ઞમાં ભસ્મ થઇ જશો.

 

મહાભારતની કથા અનુસાર સતયુગમાં દક્ષ પ્રજાપતિની કદ્રુ અને વિતના નામની બે શુભલક્ષણા, રૂપ સૌદર્યસંપન્ન કન્યાઓ હતી,તે બંન્નેનો વિવાહ મહર્ષિ કશ્યપ સાથે થયું હતું.એકવાર મહર્ષિ કશ્યપ અત્યંત હર્ષમાં આવીને બંન્ને પત્નીઓને કહ્યું કે તમારી ઇચ્છા હોય તે વરદાન માંગો ત્યારે કદ્રુએ તેજસ્વી એક હજાર નાગોને પૂત્રરૂપમાં પામવાનું વરદાન માંગ્યું.વિનતાએ બળ,તેજ,શરીર અને પરાક્રમમાં કદ્રુના પૂત્રોથી શ્રેષ્ઠ ફક્ત બે જ પૂત્રોની કામના કરી.લાંબા સમય બાદ કદ્રુએ એક હજાર અને વિનતાએ બે ઇંડા આપ્યા.જે ઇંડાને પાંચસો વર્ષ સુધી વાસણમાં રાખવામાં આવે છે છતાં તેમાંથી બચ્ચાં નીકળતાં નથી.વિનતાની ધીરજ ખુટી અને અધિરાઇથી એક ઇંડુ તોડ્યું તો પૂત્ર અર્ધવિકસિત હતો એટલે પૂત્રે વિનતાને શ્રાપ આપ્યો કે ર્માં તે લોભને વશીભૂત થઇને મને અધુરા શરીરવાળા બનાવ્યો છે,મારા શરીરના તમામ અંગોને વિકસિત થવા દીધા નથી એટલે તમારી શૌક્ય(સૌતન)ની પાંચસો વર્ષ સુધી દાસી બનશો અને જે બીજા ઇંડાથી તમારો પૂત્ર થશે તે તમોને દાસીભાવથી છોડાવશે,આમ કહી બાળક અરૂણ અંતરીક્ષમાં ઉડી ગયો,ત્યારથી વહેલી સવારે જે લાલી દેખાય છે તેના રૂપમાં વિનતાના પૂત્ર અરૂણનાં દર્શન થાય છે.ત્યારબાદ સર્પસંહારક ગરૂડનો જન્મ થાય છે.પક્ષિરાજ ગરૂડ જન્મ થતાં ભુખથી વ્યાકુળ થતાં વિનતાને છોડીને આકાશમાં ઉડી જાય છે.

 

એકવાર કદ્રુ અને વિનતા બંન્ને બહેનો એક સાથે ફરવા નીકળે છે તે સમયે તેમને ઉચ્ચૈઃશ્રવા નામના ઘોડાને પોતાની તરફ આવતો જુવે છે.આ ઉત્તમ ઘોડો અમૃત માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું ત્યારે નીકળ્યો હતો.તેનામાં અમોઘ બળ હતું.તેને જોઇને કદ્રુએ વિનતાને કહ્યું કે આ ઘોડો કયા રંગનો છે? વિનતાએ કહ્યું કે આ ઘોડો સફેદ રંગનો છે.તું તેને કયા રંગનો સમજે છે તે મને કહે ત્યારે કદ્રુ કહે છે કે ઘોડો તો સફેદ રંગનો છે પરંતુ તેનું પુંછડું કાળા રંગનું છે.આ બાબતે બંન્ને બહેનો વચ્ચે શરત લાગી અને કદ્રુએ શરત કરી કે મારી વાત સત્ય હોય અને ઘોડાનું પુછડું કાળા રંગનું હોય તો તારે મારી દાસી બનવાનું અને કાળા રંગનું ના હોય તો હું તારી દાસી થઇને રહીશ આમ બંન્ને બહેનો શરત લગાવી ઘેર ગઇ અને બીજા દિવસે ઘોડો જોવાનું નક્કી કર્યું.

 

કદ્રુ છળ-કપટ કરવા ઇચ્છતી હતી.તેને પોતાના એક હજાર પૂત્રોને બોલાવીને આજ્ઞા આપી કે તમારે કાળા રંગના વાળ બનીને ઉચ્ચૈઃશ્રવા ઘોડાના પુંછડે વિંટાઇ જવાનું છે જેથી મારે વિનતાની દાસી ના બનવું પડે.તે સમયે જે પૂત્રોએ કદ્રુની વાત ના માની તેમને શ્રાપ આપ્યો તમે પાંડવવંશી બુદ્ધિમાન રાજર્ષિ જનમેજય સર્પયજ્ઞ કરે તેમાં બળીને ભસ્મ થઇ જશો.તમામ દેવતાઓ સહિત બ્રહ્માજીએ સાપોની વધતી જતી સંખ્યાને જોઇને તથા આ સાપો પ્રચંડ ઝેરીલા અને બીજાઓને પીડા આપતા હોવાથી તમામ પ્રાણીઓના હિતમાં કદ્રુની વાતને અનુમોદન આપ્યું અને ઋષિ કશ્યપને બોલાવીને કહ્યું કે તમારા દ્વારા લોકોને કરડનાર જે આ સાપો ઉત્પન્ન કરવામાં આવ્યા છે તેમનાં શરીર ઘણાં વિશાળ છે તથા ભયંકર ઝેરી છે.તેમની માતા કદ્રુએ તેમને જે શ્રાપ આપ્યો છે તો તમે કદ્રુ ઉપર ક્રોધ ના કરશો આમ કહીને બ્રહ્માજીએ સાપનું ઝેર ઉતારવાની વિદ્યા પ્રદાન કરી.

 

માતાના શ્રાપથી ઉદ્વિગ્ન બનીને ભુજંગપ્રવર કર્કોટકે પોતાની માતાને કહ્યું કે માતા તમે ધીરજ રાખો કાલે હું કાળા રંગનો વાળ બનીને ઉચ્ચૈઃશ્રવા અશ્વમાં પ્રવેશ કરી પોતે પોતાને તેની કાળી પુંછડાના રૂપમાં દેખાઇશ.બીજા દિવસે કદ્રુ અને વિનતા બંન્ને બહેનો ઉચ્ચૈઃશ્રવા નામના ઘોડા પાસે પહોંચી ગઇ.કદ્રુના પૂત્રો કાળા રંગના વાળ બનીને તેના પુંછડામાં વિટળાઇ ગયા હોવાથી બંન્ને બહેનોએ ઘોડાનું પુંછડું કાળા રંગનું જોયું વિનતાએ દુઃખી મને કદ્રુની દાસી બનવાનું સ્વીકારી લીધું.તે સમયે મહાતેજસ્વી ગરૂડજી માતાની સહાયતા માટે આવી જાય છે ત્યારે વિનતા કહે છે કે હું દુર્ભાગ્યવશ મારી શોક્યની દાસી છું.કદ્રુ અને સાપોએ મારી સાથે છળ-કપટ કરેલ છે.માતાની વાત સાંભળીને ગરૂડજીએ સર્પોને કહ્યું કે આપ કહો તે હું આપનું કાર્ય કરૂં પણ મારી માતાને દાસતાથી મુક્ત કરો ત્યારે સર્પોએ કહ્યું કે તમે ગમે તે રીતે અમોને અમૃત લાવી આપો.

 

સ્વર્ગમાં અમૃતની રક્ષા કરનાર દેવતાઓ સાથે યુદ્ધ કરી તેમને હરાવીને ગરૂડજી અમૃતકુંભ લઇને જતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ સાથે મુલાકાત થાય છે અને ભગવાન પાસે અમરત્વનું વરદાન તથા ભગવાનનું વાહન બનવાનું વરદાન મેળવે છે.ગરૂડજી જ્યારે અમૃતકૃંભ લઇને જતા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રે તેમના ઉપર વજ્રનો પ્રહાર કર્યો પરંતુ ભગવાનના વરદાનના કારણે કોઇ આઘાત ના પહોંચતાં દેવરાજ ઇન્દ્રે તેમની સાથે મિત્રતા કરી અને ગરૂડજીને કહ્યું કે તમે જેના માટે અમૃત લઇ જઇ રહ્યા છો તે સર્પો અમૃત પી અમર થઇને જગતના પ્રાણીઓને કષ્ટ પહોંચાડશે.ગરૂડજીએ કહ્યું મારી માતાને દાસત્વમાંથી મુક્ત કરવા અમૃત આપવા જઇ રહ્યો છું તેને તમે સર્પો પાસેથી છીનવીને લઇ જઇ શકો છો તેમ કહી સર્પો મારો આહાર બને તેવું દેવરાજ પાસે વરદાન મેળવ્યું.

 

ગરૂડજીએ અમૃતકુંભ લાવીને દર્ભ ઉપર મુકી અને કહ્યું કે તમે તમામ સર્પો સ્નાન કરી અમૃતપાન કરજો અને આપના કહ્યા અનુસાર મેં સ્વર્ગમાંથી અમૃતકુંભ લાવીને તમોને આપ્યો છે તો હવે મારી માતાશ્રી વિનતાને દાસત્વમાંથી મુક્ત કરો.વિનતાને દાસત્વમાંથી મુક્ત કરી સર્પો સ્નાન કરવા જાય છે ત્યારે તક જોઇને દેવરાજ ઇન્દ્ર અમૃતકુંભ લઇને સ્વર્ગમાં જતા રહે છે.સર્પો સ્નાન કરીને આવે છે ત્યારે જાણ્યું કે ઇન્દ્ર અમૃતકુંભ સ્વર્ગમાં લઇ ગયા છે ત્યારે સર્પો એમ વિચારી સંતોષ માને છે કે આપણે વિનતા સાથે છળ-કપટ કર્યું તેવું જ કપટ આપણી સાથે પણ થયું છે.સર્પોએ વિચાર્યુ કે જે દર્ભની પથારી ઉપર અમૃતકુંભ મુક્યો હતો ત્યાં થોડા અમૃતનો અંશ પડ્યા હશે તેમ માની ચાટલા લાગ્યા જેનાથી સર્પોની જીભના બે ભાગ થઇ ગયા.દર્ભની ઉપર પવિત્ર અમૃતકુંભ મુકવામાં આવ્યો હતો તેથી દર્ભને પવિત્ર ગણવામાં આવે છે.(મહાભારતના આસ્તિકપર્વમાંથી સાભાર)

 

 

 

 

(૧૦) દશગ્રીવ લંકાપતિ રાજા રાવણને મળેલ વિવિધ શ્રાપો..

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

(૧) રાવણને મળેલ નંદીનો શ્રાપ..

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે.રાવણ લંકાનો રાજા હતો.તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો,જેને લીધે તેનું નામ દશાનન પડ્યું.રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા.કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામના ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે.રાવણ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો.ધર્મ ગ્રંથો મુજબ રાવણ મહાપરાક્રમી અને વિદ્વાન હતો પરંતુ તેની સાથે જ તે અત્યાચારી અને કામાંધ પણ હતો.તેણે પોતાના જીવનમાં અનેક એવા કામ કર્યા જેના કારણે તેને અનેક લોકોએ શ્રાપ આપ્યા હતા.આ શ્રાપ મુખ્ય રૂપથી રાવણના સર્વનાશના કારણ બન્યા અને તેના વંશનો જડમૂળથી નાશ થઈ ગયો.

 

વાલ્મિકી રામાયણ અનુસાર એકવાર રાવણ પોતાના ભાઇ કુબેરને જીતીને પુષ્પક વિમાનમાં બેસીને ભગવાન શંકરને મળવા કૈલાશ ખાતેના કાર્તિક સ્વામીના જન્મસ્થાન શરવન વનમાં આવ્યો એટલામાં ઓચિંતુ પુષ્પક વિમાન અટકી જાય છે ત્યારે બુદ્ધિમાન પ્રધાન મારીચે વિમાન રોકાઇ જવાનું કારણ કહે છે એટલામાં વિકરાળ,કાળો,વિકૃત,બોડા મસ્તકનો,ટુંકા હાથવાળો ભગવાન શિવનો અનુચર નંદી આવે છે અને કહે છે કે હે દશગ્રીવ ! ભગવાન શિવ પર્વત ઉપર ક્રીડા કરે છે માટે તૂં અહીથી પાછો ફર.આ સાંભળી રાવણ ક્રોધના આવેશમાં વિમાનમાંથી કૂદીને નીચે આવે છે.રાવણે નંદીના મુખની આકૃતિ વાનર જેવી જોઇને તેમની મશ્કરી કરી અને વાનર જેવા મુખવાળા કહ્યા હતા ત્યારે નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો હતો કે તારા કૂળનો નાશ કરવા માટે મારા સમાન રૂપ-બળ અને તેજવાળા વાનરો ઉત્પન્ન થશે જે તારા મનમાં ઉત્પન્ન થયેલ તારો ગર્વ ઉતારી તારો કૂળ સહિત વિનાશ કરશે.

 

(ર) મંદોદરીની મોટી બેન માયાએ રાવણને શ્રાપ આપ્યો હતો..

રાવણે તેની પત્નીની મોટી બહેન માયા સાથે પણ છલ કર્યું હતું.માયાના પતિ વૈજયંતપુરના શંભર રાજા હતા.એક દિવસ રાવણ શંભરને ત્યાં ગયો અને ત્યાં જઇને રાવણે માયાને પોતાની વાતોમાં ફંસાવી લીધી.આ વાતની જાણ થતા જ શંભરે રાવણને બંદી બનાવી લીધો,એ જ સમયે શંભર ઉપર રાજા દશરથે આક્રમણ કર્યું.આ યુદ્ધમાં શંભરની મૃત્યુ થયું.જ્યારે માયા સતી થવા લાગી ત્યારે રાવણે તેને પોતાની સાથે આવવા કહ્યું.આ વાત સાંભળીને માયાએ કહ્યું કે તે વાસનાયુક્ત મારો સતીત્વ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે જ મારા પતિની મૃત્યુ થઈ ગઈ એટલે તું પણ એક સ્ત્રીની વાસનાને લીધે જ મરીશ.

 

(૩) રાજા અનરણ્યનો શ્રાપ..

રઘુવંશમાં એક પરમ પ્રતાપી અનરણ્ય નામના રાજા હતા,જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા માટે નીકળ્યો ત્યારે રાજા અનરણ્ય સાથે તેનું ભયંકર યુદ્ધ થયું.આ યુદ્ધમાં રાજા અનરણ્યનું મૃત્યુ થયું પરંતુ મરતા પહેલા તેમણે રાવણને શ્રાપ આપ્યો કે હે રાક્ષસ ! તે વ્યંગપૂર્ણ વચનોથી ઇક્ષ્વાકુકૂળનું અપમાન કર્યું છે તેથી મારા જ વંશમાં ઉત્પન્ન થનાર રાજા દશરથના પૂત્ર શ્રીરામ તારી મૃત્યુનું કારણ બનશે.

 

(૪) વેદવતીનો રાવણને શ્રાપ..

રામાયણ મુજબ એક વખત રાવણ પોતાનું પુષ્પક વિમાન લઇને હિમાલયના વનોમાં ફરી રહ્યો હતો ત્યારે તેને એક સુંદર સ્ત્રી જોઇ કે જે તપના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હતી.તે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિના પૂત્ર બ્રહ્મર્ષિ કુશધ્વજની પૂત્રી હતી,તેનું નામ વેદવતી હતું,તે ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા કરી રહી હતી,રાવણે તેના વાળ પકડીને ખેંચવા માંડી ત્યારે વેદવતીએ બીજા હાથથી પોતાના વાળ કાપી નાખ્યા એ તપસ્વિની વેદવતીએ અપાર ક્રોધથી અગ્નિને પ્રજ્વલ્લિત કર્યો અને રાવણને કહ્યું કે હે નીચ ! તે મારા શરીરનો સ્પર્શ કર્યો છે તેથી હવે મારે જીવવું યોગ્ય નથી.હું તારી હાજરીમાં જ અગ્નિમાં પ્રવેશ કરીશ અને તારા વધના માટે પૃ્થ્વી ઉપર પુનઃજન્મ લઇશ અને તારા મૃત્યુનું કારણ બનીશ,આમ કહી એ જ ક્ષણે પોતાના શરીરનો ત્યાગ કર્યો.એ વેદવતી જ જનકરાજાની પૂત્રી સીતા છે.

 

(૫) નલકુબેરનો રાવણને શ્રાપ..

વિશ્વ વિજય કરવા માટે રાવણ જ્યારે સ્વર્ગલોક પહોચ્યો તો ત્યાં તેને રંભા નામની અપ્સરાને જોઇ.પોતાની વાસના પૂરી કરવા માટે રાવણે તેનો હાથ પકડી લીધો ત્યારે એ રંભા અપ્સરાએ કહ્યું કે તમે મને આ રીતે સ્પર્શ ન કરો,હું તમારી પૂત્રવધૂ છું.તમારા ભાઇ વૈશ્રવણના પ્રાણ સમાન પૂત્ર નલકુબેર કે જે ત્રણે લોકમાં વિખ્યાત છે,જે ધર્મે બ્રાહ્મણ છે,બળમાં ક્ષત્રિય છે અને કોપે અગ્નિ છે,ક્ષમામાં પૃથ્વી તુલ્ય છે તેમના માટે માટે આરક્ષિત છું એટલે હું તમારી પુત્રવધૂના સમાન છું પરંતુ રાવણ ન માન્યો અને રંભા સાથે દુષ્કર્મ કરવા લાગ્યો.આ વાત જ્યારે નલકુબેરને ખબર પડી ત્યારે તેણે રાવણને શ્રાપ આપ્યો કે હે રાવણ ! આજ પછી તૂં કોઈપણ સ્ત્રીની તેની ઈચ્છા વિના તેને સ્પર્શ કરીશ તો તારા મસ્તકના સૌ ટૂકડા થઈ જશે.

 

(૬) શૂર્પણખાનો શ્રાપ..

દુરાત્મા રાવણ જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે જે જે રાજા,ઋષિ, દેવ તથા દાનવની કન્યાઓ મળી તેમનું અપહરણ કર્યું.રાવણ જે કન્યાઓને સ્વરૂપવાન જોતો તેને સાથે લઇ જતો હતો.હતો.કલ્પાંત કરતી અનેક કન્યાઓ અને સતી સ્ત્રીઓ શ્રાપ આપતી હતી કે હે અધમ રાક્ષસ ! પરસ્ત્રી ઉપર બળાત્કાર કરવાની આવી આતુરતા રાખે છે તેથી અંતે તૂં પરસ્ત્રીની લાલસામાં જ મૃત્યુ પામશે.રાવણની બહેન શૂર્પણખાના પતિનું નામ વિદ્યુતજિવ્હ હતું,તે કાલકેય નામના રાજાનો સેનાપતિ હતો.તેનું કાલકેયના ચૌદ હજાર સૈનિકો સાથે યુદ્ધ થાય છે,આ યુદ્ધમાં રાવણે અજાણતાં શૂર્પણખાના પતિ પોતાના બનેવી વિદ્યુતજિવ્હનો વધ કરી દીધો હતો તેથી રાવણે તેની તમામ જવાબદારી સ્વીકારી પોતાની માસીના દિકરા ખર રાક્ષસ સાથે રહેવા મોકલી દે છે તે સમયે શૂર્પણખાએ મનોમન રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા જ લીધે તારો સર્વનાશ થશે.

 

 

 

(૧૧) બ્રહ્માજીએ મહાભિષ અને ગંગાજીને શ્રાપ આપ્યો હતો..

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામના પ્રસિદ્ધ રાજા થયા.તેમને એક હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂય યજ્ઞ દ્વારા દેવરાજ ઇન્દ્રને સંતુષ્ટ કર્યા અને યજ્ઞોના પુ્ણ્યોથી સ્વર્ગલોક પ્રાપ્ત કર્યું.એકવાર તમામ દેવતાઓ,ઘણા રાજર્ષિ તથા પૂર્વોક્ત રાજા મહાભિષ બ્રહ્માજીની સેવામાં તેમની સમીપ બેઠા હતા.તે સમયે સરીતાઓમાં શ્રેષ્ઠ ગંગાજી બ્રહ્માજીની નજીક આવીને બેસે છે.તે સમયે પવનના ઝોકાથી તેમના શરીર ઉપરનું ચાંદની સમાન ચમકતું વસ્ત્ર શરીર ઉપરથી ખસી જાય છે,આ જોઇને તમામ દેવતાઓએ પોતાનું મસ્તક નીચું નમાવી દીધું પરંતુ રાજર્ષિ મહાભિષ નિઃશંક થઇને એકીટસે ગંગાજી સામે જોઇ રહ્યા હતા ત્યારે બ્રહ્માજીએ મહાભિષને શ્રાપ આપતાં કહ્યું કે દુર્મતે ! તમે મનુષ્યોમાં જન્મ લઇને પછી પુણ્યલોકોમાં આવશો. જે ગંગાએ તમારા ચિત્તને ચોર્યું છે તે મનુષ્યલોકમાં તમારી પત્ની બની તમારાથી પ્રતિકૂળ આચરણ કરશે ત્યારે તમોને ગંગા ઉપર ક્રોધ આવશે ત્યારે તમે પણ શ્રાપમાંથી મુક્ત થશો.ત્યારબાદ રાજા મહાભિષે મહા તેજસ્વી રાજા પ્રતિપને ત્યાં જન્મ લેવાનું નક્કી કર્યું.ગંગાજી મહાભિષનું ચિંતન કરતાં જઇ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમને વસુ દેવતાઓને સ્વર્ગથી નીચે પડતા જોયા અને પુછ્યું કે તમારૂં દિવ્ય રૂપ કેવી રીતે નષ્ટ થયું? ત્યારે વસુઓને બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ આપેલ શ્રાપની વાત કહી સંભળાવી..

 

(૧૨) બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ વસુઓને શ્રાપ આપ્યો હતો..

 

મહાભારત અનુસાર ભિષ્મ પિતામહ પૂર્વજન્મમાં આઠ વસુઓ પૈકી એક હતા.એકવાર આ આઠ વસુઓએ બ્રહ્મર્ષિ વશિષ્ઠની નંદિની ગાયનું બળપૂર્વક અપહરણ કર્યું હતું.આ વાતની જ્યારે ઋષિ વશિષ્ઠને ખબર પડી તો વસુઓને શ્રાપ આપ્યો હતો કે તમે આઠે વસુઓ મૃત્યુલોકમાં માનવરૂપમાં જન્મ લેવો પડશે અને આઠમા વસુને રાજ્ય,સ્ત્રી વગેરે સુખોને પ્રાપ્તિ નહી થાય.આ આઠમા વસુ ભિષ્મ પિતામહ હતા.

 

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમ વક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરૂ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક હતા.તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો,એ ઉપરથી એ શિખર વસિષ્ઠના નામથી ઓળખાય છે,ત્યાં વશિષ્ઠજી તપસ્યા કરતા હતા.વસિષ્ઠ અયોનિજ હતા.એમ કહેવાય છે કે એક રાત્રિના સમારંભમાં દેવો એકઠા મળ્યા ત્યાં મિત્ર અને વરૂણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું,તે પૈકી અર્ધું વિર્ય એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વિર્ય  વસુમાં એટલે કે પાણીમાં પડ્યું આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે આમ પૂર્વકાળમાં વરૂણે જેને પૂત્રરૂપમાં પ્રાપ્ત કર્યા હતા તે વશિષ્ટ મુનિ આપવ નામથી પણ ઓળખાય છે.

 

દક્ષ પ્રજાપતિની પૂત્રી દેવી સુરભિએ મહર્ષિ કશ્યપના સહવાસથી એક ગાયને જન્મ આપ્યો હતો તેનું નામ નંદિની હતું.આ ગાય સમસ્ત જગત ઉપર અનુગ્રહ કરવા માટે પ્રગટ થઇ હતી જે તમામ કામનાઓ પુરી કરનાર હતી જે ઋષિ વશિષ્ટના આશ્રમની શોભા બની હતી અને પવિત્ર રમણીય તાપસ વનમાં નિર્ભય બનીને ચરતી હતી.એકવાર વનમાં પૃથુ વગેરે વસુઓ તથા તમામ દેવતાઓ પોતાની પત્નીઓ સાથે વન વિચર્ણ કરવા માટે આવે છે.તે સમયે એક વસુ દ્યો ની પત્નીએ વનમાં ફરતી નંદિની નામની ગાયને જોઇ અને કહ્યું કે મનુષ્યલોકમાં રાજર્ષિ ઉશીનરની પૂત્રી જીતવતી મારી સખી છે તેને ભેટમાં આપવા માટે આ નંદિની ગાય મારે જોઇએ છીએ,ત્યારે દ્યો એ કહ્યું કે આ નંદિની ગાય વરૂણનંદન વશિષ્ડની છે,જે મનુષ્ય આ ગાયનું દૂધ પીવે છે તે દશ હજાર વર્ષ સુધી જીવે છે અને તેની યુવાની કાયમ રહે છે.દ્યો નામના વસુએ પૃથુ વગેરેની સહાયતાની આ ગાયનું અપહરણ તો કર્યું પણ વિચાર્યું નહી કે તેમને ઋષિ વશિષ્ઠના તપના પ્રભાવથી તેમનું સ્વર્ગથી પતન થશે.

 

કેટલાક સમય બાદ ઋષિ વશિષ્ઠ આશ્રમમાં આવે છે અને નંદિનીને ન જોતાં વ્યાકુળ થઇ દિવ્યદ્રષ્ટિ થી જુવે છે તો જાણવા મળ્યું કે નંદિની ગાયનું વસુઓએ અપહરણ કરેલ છે તેથી ક્રોધના આવેશમાં શ્રાપ આપ્યો કે જેમને મારી નંદિની ગાયનું અપહરણ કર્યું છે તે તમામ વસુઓએ મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે.આ સાંભળીને આઠે વસુઓ ઋષિ વશિષ્ઠના આશ્રમમાં આવે છે અને વશિષ્ઠજીને પ્રસન્ન કરવાની ચેષ્ઠા કરે છે ત્યારે ઋષિ વશિષ્ઠ કહે છે કે શ્રાપ આપ્યો છે એટલે મનુષ્યયોનિમાં જન્મ તો લેવો પડશે, તમે એક-એક વર્ષ પછી શ્રાપથી મુક્ત થઇ જશો પરંતુ દ્યો કે જેના લીધે તમો તમામને શ્રાપ મળ્યો છે તેને કર્માનુસાર લાંબા સમય સુધી મૃત્યુલોકમાં રહેવું પડશે.

 

ત્યારબાદ તમામ વસુઓ ભેગા મળીને માતા ગંગા પાસે જાય છે અને યાચના કરે છે કે જેમ જેમ અમારો જન્મ થાય તેમ તેમ અમોને જળમાં વહાવી દેજો.ગંગાજીનું લગ્ન રાજા શાંતનુ સાથે થાય છે અને શરત અનુસાર સાત બાળકો જન્મતાંની સાથે જ ગંગામાં વહાવી દે છે અને આઠમો વસુ દ્યુ નું બાળપણનું નામ દેવવ્રત હતું જે મોટા થયા પછી ભિષ્મપિતામહના નામથી ઓળખાયા તે લાંબો સમય સુધી મૃત્યુ લોકમાં રહ્યા હતા.

 

 

 

(૧૩) શ્રવણકુમારના માતા-પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો..

 

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

આપણાં કર્મોથી જ આપણું ભાગ્ય બને છે.જો આપણે સારા કર્મ કરીશું તો ભાગ્ય સારૂં રહેશે અને જો આપણાંથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો ભવિષ્યમાં તેના કારણે આપણે દુઃખનો સામનો કરવો પડી શકે છે.

 

શ્રવણકુમાર રામાયણનું એક મહત્વપૂર્ણ પાત્ર છે.જેના વિશે વાલ્મીકિ રામાયણ અયોધ્યા કાંડના ૬૪ મા અધ્યાયમાં વાર્તા જોવા મળે છે.શ્રવણ પોતાના વૃ્દ્ધ અને અંધ પિતા-માતા કે જેમના નામ શાંતવન અને જ્ઞાનવંતી હતા.ઘરડાં થયા બાદ તેમને આત્માની શુદ્ધિ માટે ચારધામોની યાત્રા કરવાની ઇચ્છા થઇ અને આ વિશે તેમણે શ્રવણને કહ્યું.તે સમયે આવી યાત્રા ખર્ચાળ અને મુશ્કેલ હતી અને શ્રવણને પરવડે તેમ હતું નહી આથી શ્રવણે ટોપલીઓ અને વાંસ વડે કાવડ બનાવી  માતા-પિતાને તેમાં બેસાડી યાત્રા શરૂ કરી હતી.એકવાર રાજા દશરથ શિકાર કરવા માટે વનમાં જાય છે ત્યારે ભૂલથી તેમને એક માતૃ-પિતૃભક્ત શ્રવણકુમારનો વધ કર્યો હતો.શ્રવણકુમારના આંધળા માતા-પિતાને જ્યારે પોતાના પૂત્ર શ્રવણના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે તેઓ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે અમે પૂત્ર વિયોગમાં અમારા પ્રાણનો ત્યાગ કરીએ છીએ તેવી જ રીતે તમારૂં મૃત્યુ પણ પૂત્રના વિયોગમાં થશે.

 

દશરથ રાજા પોતાના જીવનના અંતિમ સમયે યુવાવસ્થામાં પોતે કરેલું પાપકર્મ યાદ આવવાથી ઘણા જ દુઃખી થાય છે.રાજા દશરથ કૌશલ્યાજીને કહે છે કે મારા અંતરના શોકને હું કોઇ ઉપાયે દૂર કરી શકતો નથી.જે પુરૂષ શુભ કે અશુભ જેવા કર્મો કરે છે તે તેના તેવાં ફળને અવશ્ય પામે છે. હે કૌશલ્યા ! જ્યારે હું યુવાન અવસ્થામાં હતો ત્યારે ધનુષ્યવિદ્યા પ્રાપ્ત કરી હતી. શબ્દવેધી બાણ ચલાવવામાં હું જગતમાં પ્રખ્યાત થયો હતો.યુવાવસ્થામાં મારાથી એક મહાન પાપ થયું હતું. કોઇ અજાણે વિષ ખાઇ લે તો તેનું મરણ થયા વિના રહેતું નથી તેમ મને પણ અજાણતાં કરેલ પાપકર્મનું ફળ આજે પ્રાપ્ત થયું છે. વર્ષાઋતુના દિવસોમાં સરયૂ નદીના ઉપવનોમાં મૃગયા કરવા ફરતો હતો અને સરયૂ નદીમાં પાણી પીવા આવતા જંગલી પશુઓનો શિકાર કરતો હતો.

 

એક દિવસે સાંજના સમયે એક વૃક્ષની પાછળ છુપાઇને બેઠો હતો એવામાં મારાથી કેટલેક દૂર આંખથી ના દેખાય એવા સ્થાનમાં જળથી ભરાતા ઘડાનો શબ્દ મેં સાંભળ્યો,તે શબ્દ પાણી પીતા હાથીના જેવો લાગ્યો.કોઇ હાથી પાણી પીવા આવ્યો હશે તેમ માનીને શબ્દવેધી બાણ માર્યું.બાણ વાગતાં જ કોઇ મનુષ્યનો અરરરર..હે હરિ ! એવો ભય અને દયાજનક શબ્દ મારા કાને પડ્યો,એકાએક હું સ્તબ્ધ થઇ ગયો, મારા હ્રદયમાં ફાળ પડી,તે મનુષ્ય નદીના જળમાં પડ્યો હોય તેવો અવાજ મે ફરી સાંભળ્યો અને મારા મનમાં ધ્રાસકો પડ્યો.નજીક જઇને જોયું તો મારા હાથે કોઇ મનુષ્યનો વધ થઇ ગયો હતો.તેને મરતાં પહેલાં કહ્યું કે હું મારા વૃદ્ધ આંધળા માતા-પિતાને યાત્રા કરાવવા કાવડમાં લઇને નીકળ્યો છું.હું તેમના માટે જળ લેવા માટે આવ્યો હતો.મેં આપનો શું અપરાધ કર્યો છે કે મને એક પશુની જેમ મારો વધ કર્યો છે? મેં તે ઋષિકુમારની માફી માંગી.ઋષિકુમારે કહ્યું કે મારા વૃદ્ધ માતા-પિતા મારા મૃત્યુના સમાચાર જાણીને જીવતા નહી રહે કેમકે હું તેમનો એકમાત્ર સહારો છું.તેઓ ક્રોધના આવેશમાં આવી તમોને શ્રાપ આપે તે પહેલાં તેમને જઇને સમગ્ર વૃતાંત કહેજો.મેં તેના શરીરમાંથી બાણ કાઢ્યું તેવો જ તે નારાયણ..નારાયણ.. નો જાપ કરતાં પોતાના પવિત્ર આત્માને દેહથી મુક્ત કીધો.

 

શ્રવણકુમારના મૃત્યુ પછી અજ્ઞાનથી એ મહાત્માના વધ જેવું મહાપાપ કરીને મારી ઇન્દ્રિયોમાં મોટો ક્ષોભ થયો,એ મુનિપૂત્રના માતા-પિતાને તેના મરણના સમાચાર કહીશ તો કોન જાણે તેઓ મને શું કહેશે? તેઓની કેવી અવસ્થા થશે? પણ તેમણે જાણ કર્યા વિના છુટકો નથી તેમ વિચારી કમંડળમાં જળ ભરી શ્રવણના માતા-પિતા પાસે ગયો.બે દુર્બળ વૃદ્ધ પોતાના પૂત્રની વાતો કરતાં હતાં.મારા પગના અવાજને સાંભળીને આંધળા માતા-પિતા આશાભેર બોલ્યા કે હે પૂત્ર ! તારા આવવામાં વિલંબ કેમ થયો? ત્યારે મેં કહ્યું કે હે મુનિવર ! હું આપનો તપસ્વી પૂત્ર નથી પણ અયોધ્યાનો રાજકુમાર દશરથ છું અને તમોને તથા મને પ્રારબ્ધના લીધે જે કંઇ મહા નિંદિત દુઃખ પ્રાપ્ત થયું છે તે જણાવવા આવ્યો છું.હે ભગવન ! હું ધનુષ્ય લઇ સરયૂતટે જળ પીવા આવતા પ્રાણીઓનો શિકાર કરવા ઉપવનમાં છુપાઇને બેઠો હતો.તેવામાં મેં જળથી ભરાતા કુંભનો શબ્દ સાંભળી આ કોઇ હાથી પાણી પીવે છે એમ માની તેને બાણ માર્યું પણ ત્યાંથી મનુષ્યના જેવી વાણી સાંભળવામાં આવ્યાથી હું કિનારા પાસે ગયો તો ત્યાં મારા બાણથી ઘાયલ એક તપસ્વી મારા જોવામાં આવ્યો.મને જોઇને તે તપસ્વી કુમાર પોતાના વૃદ્ધ આંધળા માતા-પિતાનો શોક કરવા લાગ્યો.તેના શરીરમાં વાગેલ બાણ કાઢતાં જ તે સ્વર્ગે સિધાવ્યો છે.

 

હે મુનિ ! અજ્ઞાનથી મેં દુષ્ટે તમારી રક્ષા અને સેવા કરનાર તમારા પૂત્રનો વધ કરેલ છે.હવે જે કર્તવ્ય હોય તે તમે મારો અપરાધ ક્ષમા કરીને કહો, હું તમારો પૂત્ર બનીને તમારૂં નિરંતર રક્ષણ કરીશ. પોતાના પૂત્રના મૃત્યુના સમાચાર જાણીને બંન્ને પતિ-પત્નીના પ્રાણ બ્રહ્માંડમાં ચઢી ગયા,મૂર્છિત થઇને પૃથ્વી ઉપર પડ્યાં.આ જોઇને હું ખુબ જ ગભરાઇ ગયો કારણ કે એક હત્યા હું કરી ચુક્યો હતો અને બીજી આ બે હત્યા મારે માથે ચોંટવાનો ભય લાગ્યો. થોડીવાર પછી જ્યારે તેઓ ભાનમાં આવ્યાં ત્યારે અતિશય કલ્પાંત કરતાં કહેવા લાગ્યાં કે હે રાજન ! તે આ કર્મ અજ્ઞાનથી કર્યું છે માટે તૂં જીવે છે,જો તે આ કર્મ જાણી જોઇને કર્યું હોત તો તૂં એકલો નહી તારા આખા રઘુવંશનો વિનાશ થાત.પ્રારબ્ધ અનુસાર જે બન્યું તે ખરૂં, હવે તૂં જલ્દીથી અમારો પૂત્ર જ્યાં મરણ પામીને પડ્યો છે ત્યાં અમોને લઇ જા.મેં તે દંપતિને મારી સાથે દોરીને સરયૂતટે તેમના મૃત પૂત્ર પાસે લઇ જઇને બેસાડ્યા ત્યારે તેઓએ હાથથી સ્પર્શ કરી કરૂણજનક વિલાપ કરવા લાગ્યાં.

 

અતિદુઃખી થઇને શ્રવણકુમારના પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો હતો કે હે રાજકુમાર ! તે અજાણથી મારા પૂત્રનો વધ કર્યો છે તેથી હું તને પ્રત્યક્ષ બાળીને ભસ્મ કરી શકતો નથી પરંતુ અતિ દુઃખરૂપદારૂણ શ્રાપ આપું છું કે જેમ પૂત્રના મરણરૂપ વિયોગના દુઃખથી અમોને મરણ પ્રાપ્ત થાય છે તેવી રીતે તમારૂં પણ પૂત્ર વિયોગના શોક વડે મૃત્યુ થશે.આમ કહી બંન્ને પતિ-પત્નીએ શરીરનો ત્યાગ કરી દીધો.

 

 

(૧૪) ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

આઠ ચિરંજીવીઓમાંનો એક અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર હતો.તે ભગવાન શિવનો અંશાવતાર હતો. તે દ્રોણાચાર્યજીને ઘણો પ્રિય હતો,અશ્વત્થામાના મૃત્યુની અફવા સાંભળી લાગેલા આઘાતની અસર નીચે તેઓ ધૃષ્ટદ્યુમ્નના હાથે હણાયા.પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાએ મરણ શૈયા પર પોઢેલાં દુર્યોધન પાસે ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ સમાપ્તિની સત્તાવાર ઘોષણા પછી પણ મારવાની પરવાનગી મેળવી લીધી તથા મહાભારતનું યુદ્ધ પુરૂ થયા પછી અંતિમ શ્વાસ લેતા દુર્યોધનના કહેવાથી અશ્વત્થામાએ દગો કરીને સૂતેલા પાંડવોના પાંચ પૂત્રોનો વધ કર્યો હતો ત્યારે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણની સાથે અશ્વત્થામાનો પીછો કર્યો અને મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં પહોચ્યા.તે સમયે અશ્વત્થામાએ પાંડવોની ઉપર બ્રહ્માસ્ત્રથી હુમલો કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું.મહર્ષિ વ્યાસે બંન્ને બ્રહ્માસ્ત્રને ટકરાવાથી રોકી લીધા અને અર્જુન અને અશ્વત્થામાને પોતપોતાના બ્રહ્માસ્ત્ર પાછા ખેંચી લેવા કહ્યું ત્યારે અર્જુને તો પોતે છોડેલ બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે છે પરંતુ અશ્વત્થામા બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની વિદ્યા જાણતો ન હોવાથી મહર્ષિ વ્યાસે તેને બ્રહ્માસ્ત્રની દિશા બદલવાનું કહ્યું ત્યારે પોતાના બ્રહ્માસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભનો નાશ કરવા છોડ્યું.

 

આ જોઇને ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે નરાધમ ! તૂં ત્રણ હજાર વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ભટકતો રહીશ અને તૂં કોઇની સાથે વાતચીત પણ કરી શકીશ નહી,તારા શરીરમાંથી લોહી અને પરૂની ગંધ નીકળતી રહેશે એટલે તૂં મનુષ્યની વચ્ચે રહી શકીશ નહી અને દુર્ગમ વનમાં પડ્યો રહીશ.તારા બ્રહ્માસ્ત્રના તેજથી દગ્ધ તે બાળકને હું જીવિત કરીશ તે સમયે તૂં મારા તપ અને સત્યના પ્રભાવને જોજે. જો દ્રોણાચાર્યે અશ્વત્થામાને તેમના પુત્ર મોહને છોડીને યોગ્ય જ્ઞાન આપ્યું હોત તો અશ્વત્થામાને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શ્રાપ ન મળ્યો હોત.જો બાળકોનું સુખી અને ઉજ્જવળ ભવિષ્ય જોઈતું હોય તો તેમને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ.આસક્તિને કારણે તેમની ભૂલોને અવગણશો નહીં, નહીં તો તેમનું ભવિષ્ય બગડી શકે છે.

(૧૫) ગૌતમ ઋષિએ સતી અહલ્યાને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

 

 

વિશ્વામિત્ર નામના ઋષિ જે મહામુનિ અને જ્ઞાની છે.જંગલમાં સુંદર આશ્રમમાં રહી મહાત્માઓ સાથે જપ,જોગ,યજ્ઞ વગેરે કરે છે પરંતુ મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિક્ષેપ કરતા હતા.તેઓ શસ્ત્ર રાખતા હતા પરંતુ ઉપયોગ કરતા નહોતા.તેઓને ચિંતા થવા લાગી કે મારો યજ્ઞ અધૂરો રહે છે,રાક્ષસો પરેશાન કરે છે. પરમાત્મા વગર આ રાક્ષસો મરશે નહી.એવું સાંભળ્યું છે કે બ્રહ્મનો અવતાર અયોધ્યામાં થયો છે તો જો બ્રહ્મનું પ્રાગટ્ય થયું હશે તો બ્રહ્મને પ્રાપ્ત કરી અહી લઇ આવીશ અને રાક્ષસોનો નાશ થશે,હું સનાથ બનીશ અને જો કોઇ સામાન્ય હશે તો જોઇને પાછો આવીશ આવું વિચારી ઋષિ વિશ્વામિત્ર રામને લેવા માટે અયોધ્યા આવે છે.અવધેશને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર પધાર્યા છે તો ગાદી ઉપરથી ઉતરી દોટ મુકી કે આજે મારે આંગણે સંત આવ્યા છે,સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા છે.મારા રઘુવંશે ઘણા પુણ્ય કર્યા હશે કે આપ જેવા સંત મારા આંગણે આવ્યા.રાણીઓ આવીને પ્રણામ કરી ચરણ પખાડ્યા,પૂજા કરી.રામ સહિત ચારેય ભાઇઓએ સાષ્ટાંગ પ્રણામ કર્યા.

 

સંતને ભોજન કરાવ્યું ત્યારબાદ આરામ કરાવ્યો પછી દશરથજીએ હાથ જોડીને પુછ્યું કે કેહિ કારણ આગમન તુમ્હાર? હું આપની શું સેવા કરૂં? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે રાજવી મને અસુરો સતાવે છે માટે હું તારી પાસે ભીખ માંગવા આવ્યો છું.બીજા અર્થમાં દશરથજીના માટે આ મહેણું હતું,આ શબ્દ સાંભળતાં રાજા નીચું જોઇ ગયા.સંતોને માંગવાની ફરજ પડે એ સમાજની કરૂણા છે. હે રાજવી હું તમારી સંપત્તિ-કીર્તિ કે પ્રમાણપત્ર લેવા નથી પણ સંતતિ લેવા આવ્યો છું,તમારા રામ-લક્ષ્મણ મને સોંપી દો,અજ્ઞાન છોડી દો,મોહ ત્યાગી દો.રામ-લક્ષ્મણની માંગણી કરી તો દશરથજીના નેત્રો સજળ બન્યા અને કહે છે કે મહારાજ ! મને ચોથી અવસ્થામાં ચાર પૂત્રો મળ્યા છે.આપ વિચાર કરીને નથી બોલતા અને રામ-લક્ષ્મણને આપવાની ના પાડી ત્યારે ગુરૂ વશિષ્ઠે દશરથ રાજાને કહ્યું કે હું તમારા ગુરૂ તરીકે હુકમ કરૂં છું કે રામ-લક્ષ્મણને સોંપી દો, અને એક પણ શબ્દ બોલ્યા વિના રામ સોંપી દીધા.મુનિનો ભય તોડવા રામ-લક્ષ્મણ નીકળ્યા છે.જ્યાં જંગલમાં આગળ ગયા ત્યાં તો તાડકા નામની રાક્ષસી દોડીને આવી ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે રામ ! આ તાડકાનાં સંતાનો જ મને પરેશાન કરે છે.રામે એક જ બાણથી તાડકાના પ્રાણ હરી લીધા.બીજા દિવસે યજ્ઞનો આરંભ થાય છે.મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિક્ષેપ કરવા આવ્યા.મારીચને ફણા વિનાનું બાણ મારી ચારસો ગાઉં દૂર ફેંકી દીધો અને સુબાહુનો વધ કર્યો.

દુઃખ અને અશાંતિનાં ઘણાં કારણોમાં સૌથી મહત્વનું કારણ કામાચાર છે.કામાચારને લગ્નસંસ્થા દ્વારા સીમાબદ્ધ કરાયો છે પણ કેટલાક લોકો આ સીમાનું ઉલ્લંઘન કરે છે.જેને એક પતિ કે એક પત્નીમાં સંતોષ નથી હોતો તે નવીનવી વાનગીઓ શોધ્યા કરતા હોય છે આવી જ એક કથા રામાયણમાં આવે છે.

રાજા જનકે સીતા-સ્વયંવર યોજ્યો તેનું નિમંત્રણ મળતાં વિશ્વામિત્ર રામ-લક્ષ્મણ સહિત જનકપુરી જવા નીકળે છે.રસ્તામાં એક આશ્રમ આવ્યો.બિલ્કુલ નિરવ શાંતિ,પશુપંખોઓ પણ ફરકતાં નથી.આશ્રમના દ્વાર ઉપર શ્રીરામે જોયું કે એક પત્થરની શિલા પડી છે તે જોઇ વિશ્વામિત્રને પુછ્યું કે આ આશ્રમ કોનો છે? ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે આપ તો અંતર્યામી છો,સર્વજ્ઞ છો અને છતાંય પુછો છો તો કહી દઉં..

 

રાઘવેન્દ્ર ! આ આ ગૌતમ ઋષિનો આશ્રમ છે.આ પત્થર દેહ જે અચેતન પડ્યું છે તે ગૌતમના પત્ની અહલ્યાજી છે,તેમને ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો હતો તેથી અચેતન-નિષ્પ્રાણ-જડ બનીને પડ્યા છે, એમને કોઇ બોલાવતું નથી,કોઇની સાથે એ બોલતા નથી,નિષ્પ્રાણ શિલા બની ગયાં છે તે તમારા ચરણકમલની રાહ જુવે છે.ચરણરજનું દાન કરીને આ જીવ ઉપર કૃપા કરો.સંતે આગ્રહ કર્યો.સગાંવ્હાલાં બધાં હટી જાય છે,જ્યારે જગત તરછોડે સંત અને ભગવંત-બે જ આશ્રય આપે છે.અહલ્યાનું પ્રકરણ સમજવા જેવું છે.બ્રહ્માજીએ અદભૂત સૌદર્યની મૂર્તિ અહલ્યા નામની એક સુંદર સ્ત્રી ઉત્પન્ન કરી અને આ કન્યા તેમને ગૌતમ ઋષિને આપી.અહલ્યાના રૂપ ઉપર પહેલાંથી જ ઇન્દ્ર આસક્ત થયો હતો અને અહલ્યા સાથે સંભોગ કરવાની ઇચ્છાએ તેને ઘેલો કરી મુક્યો હતો.ભાર્યા રૂપવતી શત્રુઃ બહુ રૂપાળી પત્ની શત્રુનું કામ કરતી હોય છે,તે મર્યાદામાં રહીને પોતાની આબરૂનું રક્ષણ કરવા માંગતી હોય તો પણ અમુક હલકા લોકો તેને શાંતિથી જીવવા દેતા નથી.સ્ત્રીને અવિશ્વસનીય પુરૂષોથી દૂર રાખો.કામવાસનાનો વિશ્વાસ રખાય જ નહી.મનુષ્ય એ ૫રસ્ત્રી સાથે અને સ્ત્રીએ ૫રપુરૂષ સાથે એકાંતમાં રહેવું નહી.એકાંતમાં સાધુ અને જ્ઞાની મહાપુરૂષોને ૫ણ બળવાન ઇન્દ્રિયગ્રામ મોહ ૫માડે છે.ધર્મશાસ્ત્રોમાં માતા-બહેન કે દિકરી સાથે ૫ણ ક્યારેય એકાંતવાસમાં ન રહેવાનો આદેશ આપેલ છે.

એકવાર બ્રહ્મમુર્હતમાં ગૌતમજી સ્નાન કરવા ગયા ત્યારે ઇન્દ્ર ગૌતમઋષિનું રૂપ લઇને આવે છે અને કહે છે કે હે પ્રિયે ! ઋષિઓ ઋતુગામી જ હોય છે,અત્યારે તારો ઋતુકાળ નથી તો પણ હું અત્યારે કામાતુર થઇ ગયો હોવાથી ઋતુકાળની રાહ જોઇ શકતો નથી માટે તૂં અનુકૂળ થઇ મને રતિસુખ આપ,પછી તુરંત અહલ્યાને બાથમાં લઇ તેણીને આલિંગન દઇ રતિસંગ્રામમાં પ્રવૃત્ત થયો.ઇન્દ્રનો સ્પર્શ થતાં જ ઋષિ વેશધારી ઇન્દ્રને અહલ્યા ઓળખી ગઇ તો પણ તેને અહોભાવ થયો કે હું કેવી ભાગ્યશાળી છું કે મને ઇન્દ્ર સાથે સંભોગ કરવા મળ્યો છે.બંન્નેએ મળીને ખુબ રતિસુખ ભોગવ્યું.પછી અહલ્યાએ કહ્યું કે હવે ગૌતમનો આવવાનો સમય થઇ ગયો છે માટે જલ્દીથી ચાલ્યા જાઓ.આવી કથા વાલ્મિકી રામાયણમાં છે.

 

મનમાં ગૌતમ ઋષિની બીક હતી તેથી ધાર્યુ કાર્ય સિદ્ધ કરી,સંતોષ પામી ઝડપથી આશ્રમની બહાર જાય છે તેવા જ અગ્નિ સમાન તેજસ્વી ગૌતમ ઋષિ સામે મળે છે અને પોતાના ઘરમાંથી કોઇ પુરૂષને નીકળતા જુવે છે તે ઇન્દ્રને ઓળખી જાય છે અને કહે છે કે ઉભો રહે દુષ્ટ ! મારો વેષ ધારણ કરી,નીચ કર્મ કરી નિર્ભયપણે નાસી જવા માંગે છે? આમ કહી ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જા તૂં વૃષણ રહિત થઇ જા અને તારા શરીરમાં એક હજાર છિદ્ર પડી જશે.ઇન્દ્રના વૃષણો(અંડકોશ) ખરીને ભોંય પડે છે તેથી તે પુરૂષત્વહીન(નપુંસક) થઇ જાય છે.બળાત્કાર જેવા હીનકૃત્યો કરનારને આવી સજા કરવી જોઇએ.પાણીના માટલામાં એક છિદ્ર હોય તો બધું પાણી નીકળી જાય છે.ઇન્દ્રના દેહના ઘડામાં હજાર કાણા પડતાં બધા પુણ્યો બહાર નીકળી જશે.ઇન્દ્ર ગભરાયો અને સંત પાસે માફી માંગી અને શ્રાપ નિવારણનો ઉપાય પુછ્યો ત્યારે ગૌતમે કહ્યું કે ભગવાન જ્યારે રામરૂપે અવતાર ધારણ કરશે અને જનકપુરીમાં તેમના લગ્નનો વરઘોડો નીકળશે ત્યારે હજાર નેત્રથી શ્રીરામનાં દર્શન કરીશ ત્યારે તૂં શ્રાપ મુક્ત થઇશ.

 

આશ્રમમાં જઇ અહલ્યાને કહે છે કે દુષ્ટાચારિણી ! જે દુષ્કર્મ કરતાં તને ધર્મ કે પરમાત્માનો ભય ના લાગ્યો અને પત્થર સમાન જડ અંતઃકરણ થી તે પારકા પુરૂષ સાથે ભોગ ભોગવ્યો માટે તૂં આશ્રમના વિશે પત્થરની શિલા થઇને પડ.ત્યારે અહલ્યા ગૌતમ ઋષિના પગમાં પડી કહે છે કે ગમે તેવા દુષ્ટને પણ એકવાર અપરાધની ક્ષમા મળે છે.મને ક્ષમા કરો ! મને ક્ષમા કરો.ત્યારે દયાળું ઋષિ શ્રાપનું નિવારણ કરતાં કહે છે કે ભગવાન વિષ્ણુ જ્યારે અયોધ્યામાં દશરથનંદન તરીકે અવતાર લેશે અને તેઓ જ્યારે આ આશ્રમમાં આવશે ત્યારે તેમના ચરણસ્પર્શથી પવિત્ર થઇ તૂં શ્રાપ મુક્ત થઇ તારા પૂર્ણ સ્વરૂપને પામીશ,આટલું કહેતાં જ અહલ્યા જ્યાં ઉભાં હતાં ત્યાં જ પોતાનું સુંદરરૂપ ગુમાવી પાષાણની શિલારૂપ થઇ પડ્યાં.ગૌતમઋષિ ખેદ પામી આશ્રમનો ત્યાગ કરી હીમવાન પર્વતના શિખર ઉપર તપ કરવા ચાલ્યા ગયા.

વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને આ આશ્રમ જોવા લઇ જાય છે.જેવો શ્રીરામનો પગ પત્થરની શિલાને સ્પર્શ કરે છે ગૌતમઋષિના વચનનું સ્મરણ કરતી એક અત્યંત રૂપનિધાન,પૂર્ણ ચંદ્ર સમાન ક્રાંતિવાળી તેજસ્વી સ્ત્રી પ્રગટ થઇ અને બોલી કે આજે હું મનુષ્ય વેશે પધારેલ ભગવાનના દર્શન અને ચરણસ્પર્શ પામી ધન્ય બની છું તેમ કહી શ્રીરામના ચરણમાં પડી.આ પ્રસંગ પ્રેરણા આપે છે કે જીવનમાં ભૂલ થઇ જાય તો ધીરજ રાખી હિંમત ના હારો,પસ્તાવો કરવામાં આવે તો માફી મળી જાય છે.ફક્ત અહલ્યાને પુનઃ સ્થાપિત કરવાથી કામ પુરૂં થતું નથી.ગૌતમઋષિને હિમાલયથી બોલવી અહલ્યા-ગૌતમને ફરીથી નવજીવન મળ્યું.હજાર વર્ષના વિયોગથી અને ઉભરો શમી જવાથી ફરીથી જાણે નવા નવાલગ્ન થયાં હોય તેમ એકબીજામાં ભળી ગયાં.વિયોગના અગ્નિમાં સમય જતાં પતિ-પત્ની એકબીજાની ભૂલોને ભૂલી જતાં હોય છે.

એક પ્રશ્ન થાય કે આવી અહલ્યાને પાંચ સતીઓમાં કેમ સ્થાન મળ્યું? અહલ્યા દ્રોપદી સીતા તારા મંદોદરી-આ પાંચ મહાસતીઓનું દરરોજ સ્મરણ કરવાથી મોટા પાપોનો નાશ થાય છે.અહલ્યાએ પાપ કર્યું પણ સુધરી ગઇ,પછી આવી ભૂલ ક્યારેય કરી નથી તેથી તેને સતી માનવામાં આવે છે.

 

 

 

(૧૬) દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો..

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે

 

 

 

એકવાર અત્રિઋષિ અને અનસૂયા શાંતિથી બેસીને જીવ-શિવની લીલા વિશે ચર્ચા કરતા હતા.ઘણા લોકો ભૌતિક સુખ,પુણ્ય,જીવન વિકાસ અને મોક્ષ માટે તપ કરતા હોય છે.અત્રિઋષિ અને અનસૂયા માનવજાતિના વિકાસ માટે,જગતમાં સુખ-શાંતિ અને સમાધાન માટે પૂત્રની ઇચ્છા હતી અને તેના માટે તેઓ તપશ્ચર્યા કરે છે.ભગવાન શિવની કૃપાથી તેમને પૂત્ર થાય છે જેનું ચંદ્ર નામ રાખવામાં આવે છે.માતાપિતાના ગુણો ચંદ્રમાં આવે છે.

 

ચંદ્ર મોટો થતાં માતા અનસૂયા તેને સુશિલ અને સુસંસ્કૃત કન્યા સાથે લગ્ન કરી લેવા આગ્રહ કરે છે. ચંદ્રના મનમાં કોઇ સ્ત્રી શરીર સાથે નહી પણ જે તેની બુદ્ધિ પ્રતિભાને સમજી શકે,પોતાના વ્યક્તિત્વથી ધર્મકાર્યમાં સહકાર આપે તેવી સર્વગુણ સંપન્ન પત્ની જોઇતી હતી.એકવાર ચંદ્ર જંગલમાં ફરતો હતો ત્યારે તેના કરતાં પણ સુંદર કન્યા મળે છે.એકબીજા સાથે વાતચીત થાય છે.ચંદ્ર પુછે છે કે શું તમે પરણેલા છો? ત્યારે કન્યા કહે છે કે પરણવું એટલે શું? અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જોડાણ થાય તેને લગ્ન કહેવાય? પરણવું એટલે એકબીજામાં સમાઇ જવું.પ્રેમની ચરમસીમા વિલિનીકરણમાં છે.બે શરીરના લગ્ન એ લગ્ન નથી.પુરૂષ પાસે વૈભવ હોય,શૂરવીર હોય,સૌદર્યવાન અને સર્વગુણસંપન્ન હોવો જોઇએ.

 

કન્યા કહે છે કે આવો સર્વગુણ સંપન્ન અત્રિઋષિનો પૂત્ર ચંદ્ર છે તેવું મેં મહાપુરૂષોના મુખેથી સાંભળ્યું છે,તેની સાથે મારે લગ્ન કરવા છે.કન્યા કહે છે કે મારૂં નામ રોહિણી છે.હું દક્ષપ્રજાપતીની પૂત્રી છું.ચંદ્ર કહે છે કે વર્ષોથી તું જેનું ચિંતન કરે છે તે ચંદ્ર હું જ છું.ત્યારે રોહિણી કહે છે કે અમે સત્તાવીશ બહેનો દિલથી એક વિચારની,એકબીજા ઉપર પ્રેમ અને આત્મિયતાના કારણે અમે નક્કી કર્યું છે કે અમે એક જ પતિ સાથે પરણીશું,ત્યારે ચંદ્ર કહે છે કે તમારા જેવી સર્વગુણ સંપન્ન આદર્શ નારી મળતી હોય તો બાકીની છવ્વીસને પણ હું સ્વીકારીશ.

 

રોહિણી ચંદ્રને પોતાના પિતા દક્ષ પાસે લઇ જાય છે અને બંન્નેના માતાપિતાની સંમત્તિથી ખુબ જ ધામધૂમથી દક્ષરાજાની સત્તાવીશ કન્યાઓ સાથે ચંદ્રનાં લગ્ન કરવામાં આવે છે.ચંદ્ર પોતાની પત્નીઓને લઇને પોતાના ઘેર આવે છે.લગ્ન પછી સત્કૃત્યોની શરૂઆત થાય છે.રોહિણી તેના કામમાં ખભેખભો મિલાવીને સાથ આપે છે,ચંદ્રની કદર કરે છે.બાકીની છવ્વીસ પત્નીઓ ચંદ્રને પ્રેમ કરે છે પરંતુ ચંદ્રના કાર્યને સમજી શકતી નથી તેથી તેમનામાં મત્સર (પારકાની ચડતી સહન ન થતાં આવતી અદેખાઇ) ઉભો થયો અને તેમને લાગ્યું કે પતિનું ખેંચાણ આપણી તરફ નથી.

 

એકવાર દક્ષપ્રજાપતિ ચંદ્રના ઘેર આવે છે ત્યારે રોહિણી સિવાઇની છવ્વીસ દિકરીઓ પિતાજીને ફરીયાદ કરે છે કે પિતાજી..અહી સુખ છે,આનંદ છે,લીલાલહેર છે પરંતુ અમારા પતિનું અમારી તરફ ખેંચાણ નથી, અમારી ઉપેક્ષા થાય છે.દક્ષે ચંદ્રને બોલાવીને ઠપકો આપ્યો કે તમારા વિશે જે ફરીયાદ મળી છે તેવું ફરીથી ભવિષ્યમાં ના બને તેની કાળજી રાખજો.ચંદ્ર કહે છે કે હું સમજી વિચારીને આવું કરતો નથી પરંતુ મારા કાર્ય અને બુદ્ધિને ફક્ત રોહિણી જ સમજી શકે છે તેથી તેના પ્રત્યે ખેંચાણ વધુ રહે છે.

 

એકવાર ચંદ્રના જીવનમાં એક ઘટના બને છે.દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની પત્ની તારાની તરફ ચંદ્રનું મન ખેંચાય છે ત્યારે રોહિણી સિવાઇની બાકીની પત્નીઓ ગુસ્સે થાય છે અને ચંદ્રનો તિરસ્કાર કરે છે તેથી ચંદ્રનું અન્ય પત્નીઓ તરફ ખેંચાણ ઓછું થાય છે. આખું જગત તિરસ્કાર કરે તો ચાલે પણ પત્ની આપણો તિરસ્કાર કરે તો તે અસહ્ય બને છે.

 

રોહિણી ઘણી સમજદાર હતી તેને ખબર હતી કે ચંદ્રમાં જગતને સુધારવાની શક્તિ છે.પ્રભુની કૃપા પ્રસાદીથી તે જગતમાં આવ્યો છે તેની કદાચ ભૂલ થઇ હશે.તે ચંદ્ર પાસે જઇને સમજાવે છે કે ગુરૂ બૃહસ્પતિની પત્ની તારા જેવી સ્ત્રી તમારા જેવા લોકોત્તર પુરૂષ પાછળ ગાંડી થાય તેમાં નવાઇ નથી પણ જગતમાં સૌદર્ય અને શિતળતા લાવવા પ્રયાસ કરનાર તમે વિચાર કરો કે તમોને આ શોભે છે? અમે ૨૭ છીએ ૨૮મી લાવશો તો અમોને વાંધો નથી પરંતુ પરસ્ત્રી તરફ ખરાબ નજરે જોવું એ સારૂં ના કહેવાય.તમારા આ કાર્યથી કૌટુંબિક સૌદર્ય,સ્વાસ્થ્ય,સમાધાન,શાંતિ અને શિતળતા તમે ગુમાવી દેશો.ચંદ્રે પોતાની ભૂલની કબૂલાત કરી પાપ પ્રક્ષાલન કર્યું અને ફરીથી આવી ભૂલ ન કરવાની ખાત્રી આપી પરંતુ બાકીની ૨૬ પત્નીઓના તિરસ્કારથી તેમના વચ્ચેનું અંતર વધતું ગયું અને તેથી તેમને પિતા દક્ષને ફરીયાદ કરી.

 

દક્ષ ગુસ્સે થયા અને ચંદ્રને કહ્યું કે તમે વચન આપ્યા પછી પણ મારી તમામ દિકરીઓને એક સરખી રીતે રાખતા નથી.ચંદ્રે દલીલ કરી કે એમાં મારા એકલાનો દોષ નથી.હું દિવસ-રાત જે કાર્ય કરૂં છું તેમાં રોહિણી સિવાઇ બીજી કોઇને રત્તીભર પણ રસ નથી.આવી ફક્ત હાડમાંસના પિંજરા જેવી પત્નીઓ ઉપર મને પ્રેમ કેવી રીતે થાય..!

 

દક્ષરાજા કહે છે કે લગ્ન વખતે તમે જે સોગંદ ખાધા હતા કે ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિચરામિ તે પાળી શક્યા નથી અને દક્ષે ગુસ્સામાં શ્રાપ આપ્યો કે તને કર્તૃત્વનો,બુદ્ધિમત્તાનો અને સૌદર્યનો અહંકાર હોય તો જા..તે બધાને ક્ષય લાગશે,તૂં ક્ષયરોગી થશે.દક્ષના ગયા પછી ચંદ્રને લાગ્યું કે સૌદર્ય,કર્તૃત્વશક્તિ જતી રહેશે તો મારાથી જગકલ્યાણના કામ થશે નહી તેથી તે દક્ષ પાસે ગૂનેગાર તરીકે જાય છે.પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઇ છે.ચંદ્ર નિસ્તેજ બની જતાં તમામ પત્નીઓને પોતાની ભૂલ સમજાય છે કે શું કરવા ગઇ અને શું થઇ ગયું? તેઓ પણ પિતાજીને શ્રાપ પાછો ખેંચી લેવા વિનંતી કરે છે.

 

દક્ષે કહ્યું કે શ્રાપ પાછો ખેંચવાની શક્તિ મારામાં નથી.હવે શું કરવું? રોહિણી ચંદ્રને કહે છે કે તમારી શક્તિ અને પ્રભાને ક્ષય લાગ્યો છે.અત્રિ અને અનસુયાએ મહાન તપ કરીને જગતની સિકલ બદલવા શિવજી પાસેથી તમને મેળવ્યા હતા તે કાર્ય હવે થવાનું નથી.ચંદ્ર કહે છે કે આપણે બ્રહ્માજી પાસે જઇએ તે કોઇક રસ્તો બતાવશે.

 

ચંદ્ર અને રોહિણી બ્રહ્મા પાસે જાય છે.બ્રહ્માજી તેમને નિગ્રહાનુગ્રહ સમર્થ ભગવાન શિવજીની આરાધના કરવાનું કહે છે.રોહિણી અને ચંદ્રે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવની આરાધના કરી.વર્ષોના તપ પછી શિવજી નિરાકારમાંથી સાકાર થાય છે અને ચંદ્ર પર અનુગ્રહ કરી ચંદ્રની શક્તિમાં પંદર દિવસ વૃદ્ધિ અને પંદર દિવસ ક્ષય થશે એવા આર્શિવાદ આપ્યા.જે જગ્યાએ બ્રહ્માજીએ ભગવાન શિવની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કહ્યું તે સોમનાથ.ચંદ્રે જગતમાં અનેક સત્કાર્યો કર્યા,જગતમાં શિતળતા અને ભાવ વધારવા જીવન પસાર કર્યું અને જ્યારે તેને જગત છોડ્યું ત્યારે લોકોએ ચંદ્રની કદર કરી એક મહાન શિતળ ગોળો જે આકાશમાં ફરે છે તેને નામ આપ્યું ચંદ્ર..અને ચંદ્ર જોડે જેણે સંસારનો સબંધ બાંધ્યો હતો તે ગમે તેવી પણ મહાન છે તે ચંદ્રની આસપાસ રહેતી નક્ષત્રમાલિકા. સત્તાવીસ માલિકાને પણ તેમનાં નામ આપ્યાં તે છે અશ્વિની ભરણી કૃત્તિકા  રોહિણી મૃગ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્ર્લેષા મઘા પૂર્વા ઉત્તરા હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વાષાઢા ઉત્તરષાઢા શ્રવણ ધનિષ્ઠા શતતારકા પૂવાભા ઉત્તરાભા અને રેવતી..

 

સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તે સોમનાથ.જે જગ્યાએ પ્રભુકાર્ય કરવાવાળા ચંદ્રની ગુમાવેલ પ્રભા પરત મળી તે સ્થાન પ્રભાસ.આ બધી કથાનો અર્થ પણ સમજવો જોઇએ.ચંદ્રે ચાર પાપ કર્યા.વૃદ્ધનો અનાદર કર્યો,અનુભવવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધનો અનાદર ના કરવો જોઇએ..પ્રતિજ્ઞાનું પાલન ના કર્યું.પોતાના માનેલા સબંધીઓની સાથે પક્ષપાત કર્યો અને સ્ત્રીઓની ઉપર ભોગની નજર કરી..સ્ત્રી તરફ જોવાની નજર અતિ પવિત્ર હોવી જોઇએ. ધર્મ અને સંસ્કૃતિના કામ કરનાર લોકોમાં ઉપર બતાવેલ પાપ થાય છે ત્યારે તેમને ક્ષય લાગે છે એટલે કે તે ખલાસ થાય છે.

 

 

(૧૭) યુધિષ્ઠિરે માતા કુંતા અને સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.મહાભારત એક ઇતિહાસ ગ્રંથ છે જેમાં અનેક કથાઓ છે જે એક બીજા સાથે જોડાયેલી છે.

 

યદુવંશીઓમાં શ્રેષ્ઠ શૂરસેન રાજા થયા કે જેઓ વસુદેવના પિતા હતા.તેમને એક કન્યા રત્ન પ્રાપ્ત થાય છે જેનું પૃથા નામ રાખવામાં આવે છે.સત્યવાદી રાજા સૂરસેને પોતાના સંતાનહીન ફોઇના દિકરા કુંતીભોજ રાજાને વચન આપ્યું હતું કે મારા ઘેર જે પહેલું સંતાન થશે તે કુંતીભોજને આપી દેશે તેથી શૂરસેને પોતાનું પ્રથમ સંતાન દિકરી પૃથાને પોતાના મિત્ર રાજા કુંતીભોજને આપી દે છે.કુંતી યુવાન થતાં તેને કુંતીભોજ રાજાએ દેવતાઓનું પૂજન અને અતિથિઓનો આદર-સત્કાર કરવાની જવાબદારી સોંપે છે. એકવાર કુંતીભોજના રાજ દરબારમાં મહર્ષિ દુર્વાસા આવે છે જે ઘણા જ ઉગ્ર સ્વભાવના હતા,તેમનું હ્રદય અતિ કઠોર હતું,તેમની સેવાની જવાબદારી કુંતાને સોંપવામાં આવે છે.કુંતીએ તમામ યત્નોથી તેમને સંતુષ્ટ કર્યા હતા.દુર્વાસાએ દિવ્યદ્રષ્ટિથી જોઇ કુંતાના જીવનમાં આવનારા ભાવિ સંકટનો વિચાર કરી તેને ધર્મની રક્ષા કરવા માટે એક વશીકરણ મંત્ર આપ્યો અને તેના પ્રયોગની વિધિ પણ બતાવી અને કહ્યું કે આ મંત્ર દ્વારા તમે જે મંત્રનું આહ્વાન કરશો તે દેવતાના અનુગ્રહથી તમોને પૂત્રની પ્રાપ્તિ થશે.

 

મહર્ષિ દુર્વાસાના આમ કહ્યાથી કુંતીના મનમાં કૌતૂહલ થયું.આ યશસ્વિની રાજકન્યા કુંવારી હતી આમ હોવા છતાં મંત્રની પરીક્ષા કરવા માટે સૂર્યદેવનું આહ્વાન કર્યું.આહ્વાન કરતાં જ ભગવાન ભાસ્કર મનુષ્યરૂપ ધારણ કરીને આવ્યા જેમને જોઇને કુંતીને ઘણી નવાઇ લાગી.ભગવાન સૂર્યે કહ્યું કે આપના આહ્વાન કરવાથી હું આવ્યો છું તો બોલો હું તમારૂં ક્યું પ્રિય કાર્ય કરૂં? હું દુર્વાસા ઋષિના મંત્રથી પ્રેરીત થઇ તમારા બોલાવવાથી તમોને પૂત્રની પ્રાપ્તિ કરાવવાના હેતૂથી ઉપસ્થિત થયો છું ત્યારે કુંતી કહે છે કે મહર્ષિ દુર્વાસાએ આપેલ મંત્રની પરીક્ષા કરવા આપનું આહ્વાન કર્યું હતું.આ મારાથી અપરાધ થયો છે જેને ક્ષમા કરો.સ્ત્રીઓથી કોઇ અપરાધ થઇ જાય તો પણ શ્રેષ્ઠ પુરૂષોએ તેમની રક્ષા કરવી જોઇએ.સૂર્યદેવે કહ્યું કે દુર્વાસા ઋષિએ વરદાન આપ્યું છે એટલે ભય છોડીને મારી સાથે સમાગમ કરો.મારૂં દર્શન અમોઘ છે.તમે મારૂં આહ્વાન કર્યું છે અને આ આહ્વાન વ્યર્થ જશે તો તમોને બહુ મોટો દોષ લાગશે ત્યારે કુંતીએ કહ્યું કે હાલ હું કુંવારી છું અને તમારી સાથે સમાગમ કરીશ તો મને અને મારા પરીવારને બદનામી મળશે ત્યારે સૂર્યદેવે કહ્યું કે તમોને કેવા પૂત્રની પ્રાપ્તિ થશે તે સાંભળો.તે માતા અદિતિના આપેલ દિવ્ય કુંડલ મારા કવચ ધારણ કરીને જન્મશે,તે મહાન દાનવીશ થશે.મારી કૃપાથી તમોને કોઇ દોષ નહી લાગે આમ કહી ભગવાન સૂર્યએ કુંતી સાથે સમાગમ કર્યો જેનાથી એક વીર પૂત્ર ઉત્પન્ન થયો અને સૂર્યદેવે કુંતીને કન્યાત્વ પ્રદાન કર્યું.

 

કુંતીએ કુટુંબીજનોના ભયથી આ બાળકને જળમાં છોડી દીધો.જેને મહાયશસ્વી અધિરથ અને તેની પત્ની રાધાએ સ્વીકારી પૂત્ર તરીકે ઉછેર કર્યો હતો અને તેનું નામ વસુષેણ રાખે છે જે કવચ-કુંડલ સાથે જન્મેલ હોવાથી કર્ણ નામથી પ્રસિદ્ધ થાય છે.અધિરથ ધૃતરાષ્ટ્રના સારથિ હતા તેથી જ્યારે કર્ણ મોટો થયો ત્યારે તેની મિત્રતા દુર્યોધન સાથે થઈ.દુર્યોધન સાથેની તેની મિત્રતા જ તેને કુંતી અને પાંડવોના જીવનમાં પાછી લાવે છે.જ્યારે કર્ણ કુરૂક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધન સાથે સૈન્યમાં જોડાય છે ત્યારે કુંતી તેને જણાવે છે કે તે તેની માતા છે પરંતુ જ્યારે કર્ણને પાંડવો સાથેના તેના ભાઈચારા વિશે ખબર પડે છે ત્યારે તે ઘણું મોડું થઈ ગયું હોય છે કારણ કે તેણે પહેલેથી જ દુર્યોધન પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું.કુંતીને કર્ણ વચન આપે છે કે તે તેના ભાઈઓને નુકસાન નહીં પહોંચાડે અને વચન આપે છે કે તે અર્જુન સિવાય બાકીના ચાર પાંડવોને નહી મારે,મારા હાથે અર્જુન મૃત્યુ પામે કે અર્જુનના હાથે મારૂં મૃત્યું થાય તો પણ તારા પાંચ પૂત્રો તો રહેશે અને હું પુત્ર અને મિત્ર બંને ધર્મને પરિપૂર્ણ કરી શકીશ.મહાભારતના યુદ્ધમાં અર્જુનના હાથે કર્ણનું મૃત્યુ થાય છે.

 

મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ ધર્મરાજ યુધિષ્ઠિર યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓની તર્પણ ક્રિયા કરવા માટે લગભગ એક મહિના સુધી ગંગા કિનારે રહ્યા હતા.આ સમય દરમિયાન મહાત્મા યુધિષ્ઠિરને સાંત્વના આપવા ઘણા ઋષિ-મુનિઓ આવ્યા હતા જેમાં દેવર્ષિ નારદજી પણ આવ્યા હતા ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે આટલા બધા યોદ્ધાઓને માર્યા પછી જ્યારે મને ખબર પડી કે કર્ણ અમારો મોટો ભાઈ છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું ત્યારે નારદજી કહે છે કે તમારા મોટાભાઇ કર્ણને ગુરૂ પરશુરામનો શ્રાપ મળ્યો હતો.ઘણા લોકોએ તેની સાથે દગો કર્યો હતો,હવે જ્યારે કર્ણનું મૃત્યુ થયું છે ત્યારે તેનો શોક કરવો યોગ્ય નથી.યુધિષ્ઠિર જ્યારે નારદજીની સામે શોક કરી રહ્યા હતા ત્યારે તેમનાં માતા કુંતાજી ત્યાં આવ્યાં અને તેમને સાંત્વના આપવા લાગ્યાં.

 

માતા કુંતીએ કહ્યું કે મેં અગાઉ પણ કર્ણને બતાવ્યું હતું કે પાંડવો તારા ભાઇઓ છે તથા તેના પિતા ભગવાન ભાસ્કરે પણ તેને સમજાવ્યો હતો.માતા કુંતીની વાત સાંભળીને યુધિષ્ઠિર ગુસ્સે થયા અને કહ્યું કે માતા તમે આ ગોપનીય વાતને ગુપ્ત રાખીને મને ઘણો દુઃખી કર્યો છે અને માતા કુંતીને કહ્યું કે માતા ! આટલી મોટી વાત અમારાથી છુપાવી અને જેના લીધે અમોને મોટા ભાઈના ખૂની બનાવ્યા,આ કહ્યા પછી યુધિષ્ઠિર માતા કુંતી સહિત સમગ્ર સ્ત્રી-જાતિને શ્રાપ આપ્યો અને કહ્યું કે આજે હું સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે કોઈપણ સ્ત્રી પોતાના મનમાં કોઈપણ ગોપનીય(ખાનગી) વાત તે ઈચ્છે તો પણ તેમના હૃદયમાં છુપાવી શકશે નહીં.

 

 

(૧૮) માણ્ડવ્ય ઋષિએ ધર્મરાજાને શ્રાપ આપ્યો હતો.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.મહાભારતની કથામાં રાજા જનમેજય વૈશમ્પાયનજીને પુછે છે કે ધર્મરાજાએ એવું ક્યું કર્મ કર્યું કે તેમને શૂદ્ર યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો? આ શ્રાપ ક્યા ઋષિએ આપ્યો હતો?

 

વૈશમ્પાયનજી કહે છે કે પહેલાંના સમયમાં માણ્ડવ્ય નામથી વિખ્યાત એક બ્રાહ્મણ હતા જે ધૈર્યવાન, તમામ ધર્મોના જ્ઞાતા,સત્યનિષ્ઠ,યોગી અને તપસ્વી હતા.તેઓ પોતાના આશ્રમની બહાર વૃક્ષ નીચે બંન્ને હાથોને ઉંચા કરીને,ઉભા રહી મૌનવ્રત ધારણ કરીને કઠીન તપસ્યા કરતા હતા.એકવાર રાજ્યનો ખજાનો લૂંટીને કેટલાક ચોરો આશ્રમમાં આવે છે,રાજ્યના સૈનિકો તેમનો પીછો  કરે છે.ભયના લીધે ચોરો ચોરીનો માલ આશ્રમમાં મૂકી આશ્રમમાં સંતાઇ જાય છે,તેમની પાછળ પાછળ રાજ્યના સૈનિકો આશ્રમમાં આવી પહોંચે છે અને તપસ્યામાં લીન મહર્ષિને પુછે છે કે હે દ્વિજશ્રેષ્ઠ ! ચોર લોકો કંઇ તરફ ગયા છે? તે અમોને બતાવો જેથી અમે તેમનો પીછો કરી શકીએ.મહર્ષિ તપમાં લીન હોવાથી કોઇ જવાબ આપતા નથી તેથી રાજ્યના સૈનિકો આશ્રમમાં ચોરોને શોધે છે ત્યારે ચોરીનો માલ આશ્રમમાં પડેલો જોવા મળે છે અને ચોરો પણ આશ્રમમાંથી જ પકડાઇ જાય છે,પછી તો રાજ્યના સૈનિકોને મુનિ ઉપર જ ચોરીની શંકા થાય છે એટલે તેમને બાંધીને રાજા સમક્ષ લઇ જાય છે અને તમામ હકીકત રાજાને બતાવી મુનિને જ ચોરોના સરદાર બતાવી રજૂ કરે છે.

 

રાજા મુનિને ઓળખી શકતા નથી અને ચોરોની સાથે સાથે મુનિને પણ મૃત્યુદંડની સજા ફરમાવે છે. રક્ષકો પણ આ મહાતપસ્વી મુનિને ઓળખી શકતા નથી અને તેમને શૂલી ઉપર ચઢાવી દે છે.ધર્માત્મા માણ્ડવ્ય ઋષિ લાંબો સમય સુધી શૂળીના અગ્રભાગ ઉપર બેસી રહ્યા,તેમને ત્યાં ભોજન અને પાણી ન મળવા છતાં પણ તેમનું મૃત્યુ ના થયું, તેમને સ્મરણ કરીને અનેક ઋષિઓને પોતાની પાસે બોલાવ્યા. શૂળીની અણી ઉપર રહીને પણ તપસ્યા કરનાર આ મહાત્માથી બધા ઘણા જ પ્રભાવિત તથા ઘણા દુઃખી થઇને પુછે છે કે હે વિપ્રવર ! અમે એ જાણવા માંગીએ છીએ કે આપે એવું ક્યું કર્મ કર્યું હતું કે જેના ફળસ્વરૂપે શૂળી ઉપર બેસવાનું મહાન કષ્ટ આપ ભોગવી રહ્યા છો? ત્યારે મુનિશ્રેષ્ઠ માણ્ડવ્યે તપસ્વી મુનિઓને કહ્યું કે હું કોની ઉપર દોષ લગાઉં? બીજા કોઇએ મારો અપરાધ કર્યો નથી. સૈનિકોએ ઘણા દિવસો સુધી તેમને શૂળી ઉપર બેઠેલા જોઇને રાજા પાસે જઇને તમામ હકીકતથી વાકેફ કરે છે. સૈનિકોની વાત સાંભળી રાજા મંત્રીઓ સાથે પરામર્શ કરી શૂળી ઉપર બેઠેલા મુનિને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતાં રાજા કહે છે કે મુનિવર ! મેં મોહ અને અજ્ઞાનતાવશ જે અપરાધ કર્યો છે તેના માટે આપ મારી ઉપર ક્રોધ ના કરશો. મુનિને પ્રસન્ન કરીને તેમને શૂળી ઉપરથી નીચે ઉતારવામાં આવે છે પણ તેમના શરીરમાં ઉતરી ગયેલ શૂળીની અણી ન નીકળતાં તેને મૂળમાં કાપી નાખવામાં આવે છે ત્યારથી મુનિ શૂળીના અગ્રભાગને શરીરમાં જ ધારણ કરીને વિચરણ કરવા લાગ્યા.શૂળીના અગ્રભાગને અણી કહે છે જે તેમના શરીરમાં જ રહી જવાના કારણે તેમને અણી-માણ્ડવ્ય કહે છે.

 

એકવાર પરમાત્મા તત્વના જ્ઞાતા વિપ્રવર માણ્ડવ્ય ધર્મરાજના દરબારમાં જઇને કહે છે કે મેં અજાણતાં એવું ક્યું પાપ કર્યું હતું કે જેના ફળસ્વરૂપે મને આવી શૂળીની સજા મળી? મને તેનું રહસ્ય બતાવો ત્યારે ધર્મરાજા કહે છે કે તમે એક પતંગિયાને શૂળ ભોંકી હતી. જેમ થોડું કરેલ દાનનું અનેક ઘણું ફળ મળે છે તેમ અધર્મનું ફળ પણ દુઃખરૂપ હોય છે.અણીમાણ્ડવ્ય મુનિએ કહ્યું કે મેં આ કેટલી ઉંમરમાં આ પાપ કર્યું હતું? ધર્મરાજા કહે છે કે તમે બાલ્યાવસ્થામાં બાર વર્ષની ઉંમરે આ પાપ કર્યું હતું, ત્યારે મુનિએ કહ્યું કે ધર્મશાસ્ત્રો અનુસાર જન્મથી લઇને બાર વર્ષ સુધીનું બાળક જે કંઇ કર્મ કરે તેને અધર્મ કહેવાતો નથી કેમકે આ ઉંમરમાં તેને ધર્મ-અધર્મ કે સત્ય-અસત્યનું શાસ્ત્રજ્ઞાન હોતું નથી.તમે મને એક નાના અપરાધના માટે ઘણો મોટો દંડ આપ્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું કે તમે મનુષ્ય બનીને શૂદ્ર યોનિમાં જન્મ લેશો અને આજથી હું સંસારમાં ધર્મના ફળને પ્રગટ કરનાર મર્યાદા નક્કી કરૂં છું કે ચૌદ વર્ષની ઉંમર સુધી જે કંઇ કર્મ કરવામાં આવશે તેનું કોઇ પાપ લાગશે નહી. આ શ્રાપને કારણે યમરાજને મહાભારતના સમયે વિદુરજીના રૂપમાં જન્મ લેવો પડ્યો હતો, જે ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પંડીત,લોભ અને ક્રોધથી રહિત,દીર્ધદર્શી,શાંતિ પરાયણ તથા કૌરવો-પાંડવોના હિતમાં તત્પર રહેવાળા હતા.આજે આપણે વિદુરનીતિ તરીકે જે ગ્રંથનો ઉપયોગ કરીએ છીએ તે પણ આપણી પાસે એક મહાભારતના આ શ્રાપના કારણે જ મળ્યો છે.

 

વિદુરનીતિનો ટૂંકસાર જોઇએ..જેનું ચારિત્ર્ય સારૂં છે તેના માટે આખી દુનિયા એક પરિવાર છે, જ્યાં જ્યાં જુગાર રમાય છે ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે, વિનય અને વિવેક..અપયશનો તત્કાલ વિનાશ કરે છે, સુખ માટે ક્યારેય ધર્મનો ત્યાગ કરશો નહિ, અગ્નિ,સ્ત્રી,દેવી,દેવતા,ગુરૂ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ, રાજા,વિધવા,સૈનિક,લોભી,અતિ દયાળુ,અતિ ઉડાઉ અને અંગત મિત્ર..આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ, આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી..આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ, તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે, રાજા,વિદ્વાન,વૃદ્ધ,બાળક,બિમાર,અપંગ અને મા-બાપ..આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે, ધીરજ,પુરૂષાર્થ,પવિત્રતા,દયા,મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર..આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે, જે ધનવાન છે પણ ગુણવાન નથી તેનો સંગ ના કરવો.અહીં સીધાંમાણસને જ બધાં હેરાન કરે છે માટે બહુ સરળ ન થવું.

 

જે થવાનું હતું તે થઈ ગયું-તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો, પ્રેમ બધાં ઉપર રાખો પણ વિશ્વાસ કદી નહિ, જે કદી પણ ક્રોધ કરતો જ નથી તે પુરૂષ યોગી છે, આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ, ધર્મનું આચરણ કરી નીતિપૂર્વક કમાણી કરવી એ પણ એક પરમસિદ્ધિ છે, કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો, જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય તેનાથી ચેતજો, જે પોતાને પ્રતિકૂળ છે તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ, જે ભૂખ વગર ખાય છે તે વહેલો મરે છે, મઘુરવાણી ઔષધ છે,કટુવાણી રોગ છે, સાપ,રાજા,શત્રુ,ભોગી,લેણદાર,સ્ત્રી અને પોતાનું શરીર-આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ, કોઈની વગર કારણે નિંદા કરવી,કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી-આ ત્રણ દુર્ગુણ દુઃખ વધારે છે, દિવસે એવું અને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય, કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો. માતા-પિતા,પ્રભુ અને ગુરૂને પગે લાગવાથી આયુષ્ય,વિદ્યા,યશ વધે છે. જે પોતાનાં વખાણ જ કરે છે તે બધે અળખામણો બને છે.કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી તે શ્રેષ્ઠ ગુલામછે. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.જે બીજાના સુખે સુખી થાય છે તે સજ્જન છે પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે તે સંત છે.ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે. રાજનીતિમાં ધર્મ જરૂરી છે પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.પોતાનું જરૂરી કામ પડતું મૂકી બીજાનું કામ કરવા દોડી જાય તે મહામૂર્ખ છે. બધાં જ ઘાની દવા છે પણ કટુવાણીના ઘાની કોઈ દવા નથી. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં સાચું બોલવું શ્રેષ્ઠ છે. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે.

 

 

(૧૯) ઉર્વશી નામની સ્વર્ગની શ્રેષ્ઠ અપ્સરાએ અર્જુનને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

જ્યારે પાંડવો-કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થવાનું નક્કી થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન દિવ્યાસ્ત્રો મેળવવા સ્વર્ગમાં જાય છે,તેમને લેવા માટે દેવરાજ ઇન્દ્રના આદેશથી તેમના સારથી માતલી રથ લઇને આવે છે.જ્યાં ચારે બાજુ દિવ્ય સંગીત ગૂંજી રહ્યું છે તેવા દિવ્ય વનનાં દર્શન કરી અર્જુન દેવરાજ ઇન્દ્રની પ્રિય નગરી અમરાવતીમાં પ્રવેશ કરે છે.ત્યાં ગંધર્વો અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે અને દેવતાઓ સ્વાગત-સત્કાર કરી આર્શિવાદ આપે છે.સ્વાગત ચાર કારણોથી થાય છે.સદગુણોથી,પદથી, સ્વજનોની લાગણીથી અને વ્યક્તિ પ્રત્યે ગરજ રાખનારા ગરજુ વર્ગ તરફથી.અર્જુન દેવરાજ ઇન્દ્રના ચરણોમાં મસ્તક નમાવે છે ત્યારે ઇન્દ્ર અર્જુનને આલિંગનમાં લઇ પોતાની બાજુના આસન ઉપર બેસાડે છે.સ્વર્ગમાં ચિત્રસેન પાસેથી અર્જુન નૃત્ય-વાદ્ય અને ગીતની શિક્ષા પ્રાપ્ત કરે છે.દેવરાજ ઇન્દ્ર ચિત્રસેન ગંધર્વને બોલાવીને અપ્સરાઓ માં શ્રેષ્ઠ ઉર્વશીને અર્જુનની સેવામાં નિયુક્ત કરવા સૂચના આપે છે.

 

ચિત્રસેન ઉર્વશી પાસે જઇને કહે છે કે સુંદરી ! જે પોતાના સ્વાભાવિક સદગુણ,શ્રી,શીલ(સ્વભાવ), મનોહરરૂપ,ઉત્તમવ્રત અને ઇન્દ્રિયસંયમના કારણે દેવતાઓ અને મનુષ્યોમાં વિખ્યાત છે.જે પોતાના મુખથી પોતાની પ્રસંશા કરતા નથી,બીજાઓનું સન્માન કરે છે,જે અહંકારશૂન્ય છે એવા વીરવર અર્જુનને તમે સારી રીતે જાણો છો,તેમને સ્વર્ગમાં આવવાનું ફળ અવશ્ય મળવું જોઇએ.દેવરાજ ઇન્દ્રની આજ્ઞા છે કે તમે આજથી અર્જુનની પાસે જાઓ અને એવી સેવા કરો કે અર્જુન પ્રસન્ન થાય.આવું સાંભળીને જ ઉર્વશીને કામભાવ જાગે છે.સ્નાન કર્યા પછી ઉર્વશીએ તેને ચમકીલા અને મનોભિરામ આભૂષણ ધારણ કરી સંન્ધ્યાકાળે ચંદ્રોદય થતાં જ્યારે ચારે બાજુ ચાંદની ફેલાઇ છે તેવા સમયે વિશાળ નિતંબોવાળી અપ્સરા પોતાના ભવનથી નીકળી અર્જુનના નિવાસસ્થાને જાય છે.ચાલતી વેળાએ સુંદર હારોથી વિભૂષિત ઉર્વશીના સ્તનો જોર જોરથી હલી રહ્યા છે.તેનો આગળનો ભાગ ખુબ જ મનોહર છે.અર્જુન પાસે જઇ રહેલ વિલાસિની અપ્સરાની આકૃતિ જોવાલાયક હતી.મન અને વાયુ સમાન તીવ્ર વેગથી ચાલવાવાળી પવિત્ર હાસ્યથી સુશોભિત અપ્સરા ક્ષણભરમાં પાંડુનંદન અર્જુનના મહેલમાં પહોંચી ગઇ.

 

મહેલના દ્વાર ઉપર પહોંચીને ઉર્વશી ઉભી રહી ગઇ.તે સમયે દ્વારપાળોએ અર્જુનને ઉર્વશીના આગમનની સૂચના આપી ત્યારે સુંદર નેત્રોવાળી ઉર્વશી રાત્રિના સમયે અર્જુનના અત્યંત મનોહર અને ઉજ્જવલ ભવનમાં હાજર થઇ.અર્જુન સશંક હ્રદયથી તેમની સામે ગયા ત્યારે તેમના નેત્ર શરમથી બંધ થઇ ગયા,તે સમયે અર્જુને ઉર્વશીના ચરણોમાં પ્રણામ કરીને ગુરૂજનોનું કરવામાં આવે તેવો આદર-સત્કાર કર્યો અને કહ્યું કે દેવી ! શ્રેષ્ઠ અપ્સરાઓમાં તમારૂં સૌથી ઉંચુ સ્થાન છે, હું તમારા પવિત્ર પાવન શ્રીચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કરૂં છું.બોલો મારા માટે શું આજ્ઞા છે? હું તમારો સેવક છું અને તમારી આજ્ઞાનું પાલન કરવા ઉપસ્થિત છું.અર્જુનના આવા શબ્દો સાંભળીને ઉર્વશીના હોંશ-હવાસ ઉડી જાય છે.

 

ઉર્વશીએ કહ્યું કે હે પુરૂષોત્તમ ! ચિત્રસેને મને સંદેશ આપ્યો હતો તે અનુસાર જે ઉદ્દેશ્યના માટે હું આવી છું તે હું બતાવી રહી છું.દેવરાજ ઇન્દ્રના આ મનોરમ નિવાસસ્થાનમાં તમારા શુભાગમનના ઉપલક્ષમાં એક મહાન ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.જેમાં તમામ દેવી-દેવતાઓ પોતાના પદ-સમ્માન અને પ્રભાવ અનુસાર યોગ્ય આસન ઉપર બેઠા હતા.તે સમયે ગંધર્વો દ્વારા અનેક વિણાઓ દ્વારા સંગીતની સુરાવલી ચાલતી હતી તે સમયે તમે મારી તરફ નિર્નિમેષ નયનોથી મને નિહાળી રહ્યા હતા.દેવસભામાં મહોત્સવ પુરો થયા પછી તમારા પિતાની આજ્ઞા લઇને તમામ દેવી-દેવતાઓ અને તમામ અપ્સરાઓ પણ પોતાના ભવનમાં ચાલ્યા ગયા.ત્યારબાદ દેવરાજ ઇન્દ્રનો સંદેશ લઇને ગંધર્વપ્રવર ચિત્રસેન મારી પાસે આવ્યા અને કહ્યું કે જે સંગ્રામમાં ઇન્દ્ર સમાન પરાક્રમી અને ઉદારતા વગરે ગુણોથી સંપન્ન કુંતીનંદન અર્જુનની સેવાનો તમે સ્વીકાર કરો.

 

તમારા પિતા દેવરાજની આજ્ઞા શિરોધાર્ય કરીને હું તમારી સેવા માટે આવી છું.તમારા ગુણોએ મારા ચિત્તને તમારી તરફ ખેંચી લીધું છે. હું કામદેવના વશમાં થઇ ગઇ છું,મારા હ્રદયમાં લાંબા સમયથી આ મનોરથ ચાલી રહ્યો છે.ઉર્વશીના આવા વચનો સાંભળીને અર્જુન ઘણી જ શરમથી પોતાના બંન્ને કાન બંધ કરીને બોલ્યા કે સૌભાગ્યશાલિની ! ભાવિનિ ! તમે જેવી વાત કરી રહ્યાં છો તેને સાંભળવી પણ મારા માટે ઘણા દુઃખની વાત છે,તમે મારી દ્રષ્ટિમાં ગુરૂપત્નીઓ સમાન પૂજનીય છો,મારા માટે જેવાં માતા કુંતી અને ઇન્દ્રાણી શચિ છે આપ પણ તેમના સમાન છો,આ વિષયમાં કોઇ અન્ય વિચાર તમારા માટે હું કરી શકતો નથી.મેં સભામાં તમારી તરફ એકીટસે જોયું હતું તેનું કારણ એ છે કે આપ પુરૂવંશની જનની છો તે જાણીને હું આનંદિત થયો હતો અને આ પૂજ્યભાવથી તમારા તરફ જોઇ રહ્યો હતો.મારા મનમાં અન્ય ભાવ નહોતો. આપ મારા વંશની વૃદ્ધિ કરનાર છો એટલે ગુરૂથી અધિક ગૌરવશાલિની છો.

 

ઉર્વશીએ કહ્યું કે અમે સૌ અપ્સરાઓ સ્વર્ગવાસીઓના માટે અનાવૃત છીએ,અમારો કોઇની સાથે પડદો નથી એટલે તમે મને ગુરૂજનના સ્થાને નિયુક્ત ના કરો.પુરૂવંશના કેટલાય રાજાઓ તપસ્યા કરીને અહીયાં આવે છે અને તમામ અપ્સરાઓ સાથે રમણ કરે છે તેમાં તેમનો કોઇ અપરાધ કહેવાતો નથી.મારા ઉપર પ્રસન્ન થાઓ,હું કામવેદનાથી પીડિત છું,મારો ત્યાગ ના કરો.હું તમારી ભક્ત છું અને મદનાગ્નિથી દગ્ધ છું એટલે મારો સ્વીકાર કરો.ત્યારે અર્જુને કહ્યું કે મારી દ્રષ્ટિમાં કુંતા-માદ્રી અને શચિનું જે સ્થાન છે તેવું તમારૂં સ્થાન છે.તમે પુરૂવંશની જનની હોવાથી મારા માટે પરમ ગુરૂસ્વરૂપ છો.હું તમારા ચરણોમાં મસ્તક રાખીને તમારી શરણમાં આવ્યો છું માટે આપ અહીથી પરત જાઓ.મારી દ્રષ્ટિમાં આપ માતા સમાન પૂજનીય છો અને મને પૂત્ર સમાન માનીને મારી રક્ષા કરવી જોઇએ.

 

અર્જુનના આમ કહેવાથી ઉર્વશીથી ક્રોધથી વ્યાકુળ થાય છે,તેનું શરીર ફફડી ઉઠે છે અને અર્જુનને શ્રાપ આપતાં કહે છે કે તમારા પિતા ઇન્દ્રના કહેવાથી તમારી પાસે આવી હતી અને કામબાણથી ઘાયલ થઇ રહી છું તેમ છતાં તમે મારો આદર કરતા નથી.હું તો તને મરદ સમજતી હતી પણ તું તો નપુંશક નીકળ્યો,જા તૂં નપુંશક બની જા.હવે તારે સ્ત્રીઓની વચ્ચે સન્માનરહિત થઇને નર્તકી બનીને રહેવું પડશે, તમે નપુંશક કહેવાશો અને તમારો સમગ્ર આચાર-વ્યવહાર હિજડા સમાન થશે. આવો શ્રાપ આપીને ક્રોધના આવેશમાં પોતાના નિવાસે ચાલી જાય છે.આ શ્રાપની સમગ્ર ઘટના ચિત્રસેન દેવરાજ ઇન્દ્રને કહે છે ત્યારે તેઓ અર્જુન પાસે આવીને સાંત્વના આપતાં કહે છે કે ઉર્વશીએ જે શ્રાપ આપ્યો છે તે તેરમા વર્ષ અજ્ઞાતવાસ દરમ્યાન ઉપયોગી થશે.નર્તકવેશ અને નપુંસક ભાવથી એક વર્ષ સુધી ઇચ્છાનુસાર વિચરણ કરીને પછી તમોને પુરૂષત્વ પ્રાપ્ત થશે.આ રીતે દેવરાજ ઇન્દ્રે શ્રાપને એક વર્ષ માટે સીમિત કરી દીધો. આવું સાંભળીને અર્જુનને શ્રાપની ચિંતા દૂર થાય છે.જે મનુષ્ય અર્જુનના આ ચરીત્રની કથા દરરોજ સાંભળે છે તેના મનમાં પાપપૂર્ણ વિષયભોગોની ઇચ્છા થતી નથી.

 

 

(૨૦) ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

બાળક હનુમાન ઘણા જ ચંચળ અને નટખટ હતા.એક તો પ્રલયંકર ભગવાન શિવના અવતાર,બીજું વાનરજાતિના બાળક અને દેવતાઓ દ્વારા તેમને અમોઘ વરદાનો મળેલ હતા.તેમની ચપળતાથી તેમના માતા-પિતા પ્રસન્ન થતા હતા.મૃગોને પુંછડી પકડીને ચારે બાજુ ઘુમાવવા,હાથીને પકડીને પોતાની શક્તિનો પરચો બતાવવો-આ તેમની નિત્ય ક્રિડા હતી.ક્યારેક તેઓ વિશાળ વૃક્ષોને થડમાંથી પકડી હલાવતા, પર્વતોનું કોઇ શિખર બાકી નહોતું કે જ્યાં તેઓ છલાંગ મારીને ગયા ના હોય.વનના પ્રાણીઓ તેમનાથી ગભરાતાં હતાં પરંતુ અંદરથી તેમને પ્રેમ કરતાં હતાં,તે તમામ પ્રાણીઓના મિત્ર અને રક્ષક હતા.કોઇ બળવાન કોઇ નિર્બળને પરેશાન કરે તે હનુમાનજી સહન કરી શકતા નહોતા.તે એક વૃક્ષની ટોચ ઉપરથી બીજા વૃક્ષની ટોચ ઉપર કૂદીને યોજનો દૂર જતા રહેતા હતા.

 

વરદાનથી મળેલ શક્તિઓથી સંપન્ન હનુમાનજી ક્યારેક તપસ્વી ઋષિઓના આશ્રમમાં જતા અને કંઇકને કંઇક ચપળતા કરી બેસતા જેનાથી ઋષિ-મુનિઓને તકલીફ પડતી હતી.એક ઋષિનું આસન બીજા ઋષિ પાસે મુકી આવતા,કોઇક ઋષિનું મૃગચર્મ ઓઢીને વૃક્ષો ઉપર કૂદકા મારતા હતા અને મૃગચર્મને વૃક્ષ ઉપર જ લટકાવી દેતા હતા.કોઇનું પાણી ભરેલું કમંડલ ઢોળી દેતા તો કોઇનું કમંડલ ભાંગી નાખતા કે પાણીના પ્રવાહમાં નાખી દેતા,ક્યારેક જપ કરતા ઋષિના ખોળામાં જઇને બેસી જતા.અહિંસાપરાયણ મુનિ ધ્યાનસ્થ બની જપ કરતા હોય ત્યારે હનુમાનજી તેમની દાઢી ખેંચીને ભાગતા,કોઇની પાઠ કરવાની પોથી તો કોઇનું કૌપીન ફાડીને ફેંકી દેતા હતા.મહાબલી પવનકુમાર મહાત્માઓના યજ્ઞોપયોગી પાત્રોને પણ તોડી નાખતા હતા.બ્રહ્માદિ દેવતાઓઓએ હનુમાનજીને આપેલ વરદાનોને જાણતા હોવાથી ઋષિગણ વિવશ હોવાથી ચૂપ રહેતા આમ હોવા છતાં તેઓને ઘણી તકલીફ પડતી હતી.

 

ધીરે ધીરે હનુમાનજીની ઉંમર વિદ્યાભ્યાસ યોગ્ય થઇ તેમ છતાં તેમની ચંચળતા ઓછી ના થઇ, તેમનાં માતા-પિતા પણ ઘણી ચિંતા કરે છે,તેમને પોતાના પ્રાણ પ્રિય લાલને અનેક પ્રકારે સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ હનુમાનજીની ચંચળતામાં કોઇ ફર્ક ના પડ્યો.છેલ્લે હનુમાનજીના પિતા વાનરરાજ કેશરી અને માતા અંજના ઋષિમુનિઓ પાસે આવે છે,તે સમયે ઋષિઓએ પોતાના દુઃખની વાતો તેમને કહી સંભળાવી ત્યારે માતા અંજના અને કેશરીએ ઋષિઓને વિનમ્રતાપૂર્વક કહ્યું કે તપોધનો ! અમોને આ બાળક હનુમાન ઘણા વર્ષો પછી તપસ્યાના પ્રભાવથી પ્રાપ્ત થયો છે.આપ અમારી ઉપર દયા કરી અમારા બાળક ઉપર અનુગ્રહ કરો,એવી કૃપા કરો કે તે વિદ્યા પ્રાપ્ત કરી લે.આપ ઋષિ-મુનિઓની કરૂણાથી તેના સ્વભાવમાં અવશ્ય પરિવર્તન આવશે.

 

ઋષિઓએ વિચાર્યું કે હનુમાનજીને પોતાની અમિત શક્તિ અને પરાક્રમનું અભિમાન છે,જો તે પોતાનું બળ ભૂલી જાય તો તેનું યથાર્થ હિત થઇ શકે તેમ છે.કેટલાક વયોવૃદ્ધ સમર્થ ઋષિઓ એ પણ જાણતા હતા કે આ બાળક દેવતાઓનું હિત કરનાર છે.તે ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત થવાના છે અને ભગવાનના ભક્તના માટે બળનું અભિમાન યોગ્ય નથી,આમ વિચારી ભૃગુ તથા અંગિરા વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો કે હે વાનરવીર ! તમે જે બળ પામીને અમોને તકલીફ આપી રહ્યા છો તે બળ અમારા શ્રાપથી મોહિત થઇને લાંબા સમય સુધી ભૂલી જશો,તમોને પોતાના બળની ખબર જ નહી પડે.જ્યારે કોઇ તમોને તમારી કીર્તિનું સ્મરણ કરાવશે ત્યારે તમારૂં બળ પુનઃ પ્રાપ્ત કરી શકશો. તપસ્વી મુનિઓના આવા શ્રાપથી પવનકુમારનું તેજ ઓછું થઇ ગયું અને અત્યંત સૌમ્ય સ્વભાવના બની ગયા અને આશ્રમમાં અન્ય કપિ-કિશોરોની જેમ શાંતભાવથી વિચરણ કરવા લાગ્યા.તેમના મૃદુલ વ્યવહારથી ઋષિ-મુનિઓ પણ પ્રસન્ન રહેવા લાગ્યા.

 

 

(૨૧) અષ્ટાવક્રજીને તેમના પિતા કહોડ મુનિએ શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

ઉદાલક મુનિના પૂત્ર શ્વેતકેતુ આ પૃથ્વીભરમાં મંત્રશાસ્ત્રમાં પારંગત સમજવામાં આવતા હતા.આ ઉદાલક મુનિના "કહોડ’’ નામથી પ્રસિદ્ધ શિષ્ય હતા,તેમને પોતાના ગુરૂદેવની ઘણી જ સેવા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને ગુરૂએ તેમને ઘણા જ થોડા સમયમાં તમામ વેદ-વેદાંગ ભણાવી દીધા હતા અને પોતાની કન્યા સુજાતાનો વિવાહ તેમની સાથે કર્યો હતો.થોડો સમય વિત્યા ૫છી સુજાતા ગર્ભવતી બને છે.

 

અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા,તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાન-સંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાં જ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.આ ગર્ભ અગ્નિની સમાન તેજસ્વી હતો.એક દિવસ કહોડ મુનિ વેદપાઠ કરી રહ્યા હતા.તેમના પિતા અશુદ્ધ પાઠ કરી રહ્યા હતા તેથી ગર્ભસ્થ બાળકે કહ્યું કે પિતાજી..આ૫ અશુદ્ધ વેદપાઠ કરી રહ્યા છો.પોતાના શિષ્યોની હાજરીમાં આવા પ્રકારનો આક્ષે૫ કરવાથી તેમના પિતાજીને ઘણો જ ક્રોધ આવ્યો અને તેમને ઉદસ્થ બાળકને શ્રાપ આપ્યો કે "તું પેટમાં જ આવી ટેઢી ટેઢી વાતો કરે છે એટલા માટે તૂં આઠ જગ્યાએથી વક્ર (ટેઢો-વાંકો) ઉત્પન્ન થઇશ.’’ જ્યારે અષ્ટાવક્ર પેટમાં વધવા લાગ્યા ત્યારે તેમની માતા સુજાતાને ઘણી જ પીડા થવા લાગી,તે સમયે તેમને પોતાના નિર્ધન પતિને ધન લાવવા માટે વિનંતી કરી.કહોડ મુનિ ધન લેવા માટે રાજા જનકની પાસે જાય છે તે દિવસોમાં રાજા જનકના દરબારમાં બંદિનામના પુરોહીત આવ્યા હતા.તેમને એવો નિયમ બનાવ્યો હતો કે જે મારી સાથે શાસ્ત્રાર્થમાં હારી જશે તેમને હું જળમાં ડુબાડી દઇશ.

 

ઘણા મોટા મોટા વિદ્વાનો પંડીતો આવતા હતા અને તેમની સામે શાસ્ત્રાર્થમાં હારી જતા હતા.હારી જતા વિદ્વાનો-પંડીતોને આ પુરોહીત જળમાં ડુબાડી દેતા હતા.અષ્ટાવક્રજીના પિતાજી કે જે ધનની પ્રાપ્તિના અર્થે રાજા જનકના દરબારમાં ગયા હતા તેઓ આ પુરોહીતની સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા અને શાસ્ત્રાર્થના નિયમો અનુસાર તેમને ૫ણ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા.અષ્ટાવક્રજીના મામા..વગેરેને ૫ણ આવી રીતે જ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા હતા.જ્યારે ઉદાલકને આ સમાચાર મળ્યા ત્યારે તેમને પોતાની પૂત્રી સુજાતાની પાસે જઇને તમામ વાતોથી સુજાતાને વાકેફ કરી અને કહ્યું કે તમારે આ વિશે અષ્ટાવક્રજીને કોઇ વાત કરવી નહી.અષ્ટાવક્રજીના જન્મ ૫છી તેમના પિતાના વિશે કોઇએ કોઇ જાણકારી ન આ૫વાથી તે ઉદાલક(દાદા)ને જ પોતાના પિતા સમજતા હતા અને તેમના પૂત્ર શ્વેતકેતૂ(મામા)ને જ પોતાના ભાઇ સમજતા હતા.

 

એક દિવસ જ્યારે અષ્ટાવક્રજીની ઉંમર બાર વર્ષની હતી ત્યારે તે ઉદાલકના ખોળામાં બેઠા હતા તે જ સમયે ત્યાં શ્વેતકેતૂ આવે છે અને પોતાના પિતાના ખોળામાંથી અષ્ટાવક્રજીને ખેંચી લઇને કહે છે કે આ તારા બા૫ની ગોદ(ખોળો) નથી.શ્વેતકેતૂના આવા કઠોર વચનોથી અષ્ટાવક્રજીને આઘાત લાગ્યો,તેથી તેમને ઘેર જઇને તેમની માતાને પૂછ્યું કે મારા પિતાજી ક્યાં ગયા છે? આ સાંભળીને સુજાતાને ગભરામણ થાય છે અને શ્રાપના ભયથી બધી જ સત્ય વાતો જણાવી દે છે.તમામ રહસ્યની વાતો સાંભળીને અષ્ટાવક્રજી રાત્રીના સમયે મામા શ્વેતકેતૂને મળીને બંન્ને મામા-ભાણેજ રાજા જનકના યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. યજ્ઞશાળાના દ્વાર ૫ર પહોંચીને જ્યારે તેઓ અંદર જવા લાગ્યા તે સમયે દ્વારપાળે કહ્યું કે આપ લોકોને મારા પ્રણામ ! અમે તો આજ્ઞાનું પાલન કરવાવાળા છીએ.રાજા જનકના આદેશ અનુસાર અમે નિવેદન કરીએ છીએ કે યજ્ઞશાળામાં બાળકોને જવાની ૫રવાનગી નથી.ફક્ત વૃદ્ધ અને વિદ્વાનોને જ પ્રવેશ આ૫વામાં આવે છે ત્યારે અષ્ટાવક્રજીએ કહ્યું કે દ્વારપાલજી..મનુષ્ય વધુ ઉંમરનો હોવાથી, વાળ ધોળા થઇ જવાથી, ધનથી અથવા વિશાળ કુટુંબથી તે મોટો કહેવાતો નથી.બ્રાહ્મણોમાં ૫ણ તે જ મોટો છે જે વેદોનો વક્તા છે આવો ઋષિઓએ નિયમ બનાવ્યો છે.અમે રાજસભામાં આવેલ પુરોહીતને મળવા ઇચ્છીએ છીએ એટલા માટે આપ અમારી વિનંતી મહારાજને ૫હોચાડી દો.આજે તમે અમોને વિદ્વાન પુરોહીતની સાથે શાસ્ત્રાર્થ કરતા જોશો અને વાદ વધી જતાં પુરોહીતને મારાથી પરાજીત થતાં તમે જોશો.

 

દ્વારપાળે કહ્યું કે હું ગમે તે ઉપાય કરીને આપશ્રીને સભામાં લઇ જવાનો પ્રયાસ કરૂં છું ૫રંતુ ત્યાં જઇને આપશ્રીએ વિદ્વાનોને શોભે તેવું કાર્ય કરવું ૫ડશે.આવું કહીને દ્વારપાળ તેમને રાજા જનકની પાસે લઇ જાય છે. ત્યાં જઇને અષ્ટાવક્રજીએ કહ્યું કે રાજન.. આપ જનકવંશમાં મુખ્ય સ્થાન ધરાવો છો અને આ૫ ચક્રવર્તી રાજા છો.મે સાંભળ્યું છે કે આ૫ની સભામાં એક પુરોહીત આવ્યા છે? તે બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં ૫રાસ્ત કરીને પછી હારેલા બ્રાહ્મણો પંડીતો વિદ્વાનોને પાણીમાં ડુબાડી દે છે? આ વાત સાંભળીને હું અદ્વેતબ્રહ્મ વિષય ૫ર તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો છું.તે રાજ પુરોહીત ક્યાં છે? હું તેમને મળવા ઇચ્છું છું.

 

રાજા જનકે કહ્યું કે પુરોહીત બંદીનો પ્રભાવ ઘણા બધા વેદવેત્તા બ્રાહ્મણો જોઇ ચુક્યા છે, તમે તેમની શક્તિને ન જાણતા હોવાથી જ તેમને જીતવાની આશા કરી રહ્યા છો.આ ૫હેલાં કેટલાય વિદ્વાન બ્રાહ્મણો આવ્યા પરંતુ સૂર્યની આગળ તારાઓ ફીક્કા ૫ડી જાય છે તેવી જ રીતે તમામ તેમની સામે હતપ્રભ બની ગયા છે.આવું સાંભળીને અષ્ટાવક્રજીએ કહ્યું કે હજુ સુધી તેનો મારા જેવાની સાથે સામનો થયો નથી તેથી જ તે સિંહની જેમ નિર્ભય બનીને આવી વાતો કરે છે.

 

અષ્ટાવક્રજીની વાતો સાંભળીને તેમની પરીક્ષા કરવાના વિચારથી જનકરાજાએ કહ્યું કેઃ "જે પુરૂષ ત્રીસ અવયવ, બાર અંશ, ચોવીસ ૫ર્વ અને ફક્ત આરોવાળા ૫દાર્થને જાણે છે તે મોટો વિદ્વાન છે.’’ આ સાંભળીને અષ્ટાવક્રજીએ કહ્યું કે જેનામાં ૫ક્ષરૂ૫ ૨૪ ૫ર્વ, ઋતુરૂ૫ ૬ નાભિ, માસરૂ૫ બાર અંશ, દિવસો રૂ૫ ૩૬૫ આરાઓ છે તે નિરંતર ફરનારા સંવત્સરરૂ૫ કાળ ચક્ર આપની રક્ષા કરે.’’ આવો જવાબ સાંભળી રાજા જનકે પ્રશ્ન પૂછ્યો કે સૂતી વખતે આંખ કોન બંધ કોન કરતું નથી? જન્મ લીધા પછી કોનામાં ગતિ હોતી નથી? અને વેગથી કોન આવે છે? અષ્ટાવક્રજીએ કહ્યું કે "માછલી સૂતી વખતે આંખ બંધ કરતી નથી, ઇડું ઉત્પન્ન થવા છતાં ચેષ્ટા કરતું નથી, ૫ત્થરમાં હ્રદય હોતું નથી અને નદી વેગથી વહે છે.’’

 

આવો જવાબ સાંભળીને રાજા જનકે કહ્યું કે આ૫ તો દેવતાઓ સમાન પ્રભાવશાળી છો.હું આપને સામાન્ય માણસ સમજતો નથી.આ૫ બાળક ૫ણ નથી. હું તો આપશ્રીને જ્ઞાનવૃદ્ધ જ માનું છું.વાદ-વિવાદ કરવામાં આ૫ સમાન કોઇ નથી એટલા માટે આ૫શ્રીને બંદી પુરોહીત સાથે શાસ્ત્રાર્થ કરવા માટે સંમતિ આપું છું. જનક રાજાની રાજસભામાં પ્રવેશ થતાં જ અષ્ટાવક્રજીના આઠ અંગ વાંકા હોવાથી આવું બેડોળ શરીર જોઇને તમામ સભાસદો હસી ૫ડે છે અને જ્યારે સભાસદોએ જાણ્યું કે આ બાળક શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે સભાસદો ખુબ જ ખડખડાટ હસી ૫ડે છે.અષ્ટાવક્રજી કહે છે કે અમે તો સમજતા હતા કે વિદેહરાજા જનકની સભામાં કેટલાય પંડીતો હશે પરંતુ અહીયાં તો તમામ ચમારો જ જોવા મળે છે.અષ્ટાવક્રજીનું આવું કથન સાંભળીને સભામાં ઉ૫સ્થિત તમામ પંડિતો વિદ્વાનો એક બીજાની તરફ જોવા લાગ્યા.રાજા જનકે પુછ્યું કે આપે તમામ સભાસદોને ચમાર કેમ કહ્યા? મારી સભામાં તો મોટા મોટા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો અને પંડીતો વિદ્યમાન છે.

 

અષ્ટાવક્રજીએ કહ્યું કે જુઓ..! આત્મા નિત્ય શુદ્ધ નિર્લે૫ અને નિર્વિકાર છે તેનામાં કોઇ વિકાર કે દોષ નથી. જેને આત્મા-૫રમાત્માનું જ્ઞાન છે તે જ બ્રહ્મજ્ઞાની કે પંડીત છે.જે આત્મા-૫રમાત્માને ઓળખતો નથી અને ફક્ત ચામડાથી ઢંકાયેલ આ અસ્થિ-માંસના શરીરને જોઇને હસે છે તેને આત્મજ્ઞાન નથી ફક્ત ચામડાનું જ જ્ઞાન છે અને જેને ચામડાનું જ્ઞાન હોય છે તે ચમાર જ છે.અષ્ટાવક્રજીની આવી યુક્તિયુક્ત વાતો સાંભળીને મહારાજ જનક તથા સમસ્ત સભાસદોને ઘણો જ સંતોષ થયો, તેમને અષ્ટાવક્રજીનું અભિવાદન કર્યું,પૂજા કરી તથા સભામાં આવવાનું કારણ પુછ્યું.

 

અષ્ટાવક્રજીએ કહ્યું કે હું આ૫ના તે પંડીતની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છું છું કે જે પોતાની સાથેના શાસ્ત્રાર્થમાં હારનાર પંડીતોને પાણીમાં ડુબાડી દે છે.મહારાજ જનકે તે પંડીત પુરોહીતની સાથે અષ્ટાવક્રજીનો શાસ્ત્રાર્થ યોજ્યો ત્યારે અષ્ટાવક્રજીએ પંડીત પુરોહીતની તરફ ફરીને કહ્યું કે પોતાને અતિવાદી માનનાર હે બંદી ! તમે પોતાની સામે હારી જનારને જળમાં ડૂબાડી દેવાની શરત રાખી છે પરંતુ મારી સામે તમે જીતી શકવાના નથી.મારી સામે શાસ્ત્રાર્થમાં તમારી વાદશક્તિ નષ્ટ થઇ જશે.હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ.જ્યારે ભરી સભામાં અષ્ટાવક્રજીએ શાસ્ત્રાર્થના માટે લલકાર કર્યો ત્યારે બંદી પુરોહીત અને અષ્ટાવક્રજી વચ્ચે શાસ્ત્રાર્થ થાય છે જેમાં બંદિ પુરોહીતની હાર થાય છે.આ જોઇ સભામાંના બ્રાહ્મણો હર્ષ ધ્વનિ કરતાં કરતાં અષ્ટાવક્રજીની પાસે જઇને તેમનું સન્માન કરવા લાગ્યા.

 

અષ્ટાવક્રજીએ રાજા જનકને કહ્યું કે આ પંડીત મારી સાથેના શાસ્ત્રાર્થમાં હારી ગયા છે તેમની સામે હારનાર અનેક બ્રાહ્મણોને તેમને પાણીમાં ડુબાડી દીધા છે તો હવે આ બંદી પુરોહીતની ૫ણ તેવી દશા થવી જોઇએ.પુરોહીતે કહ્યું કે મહારાજ ! હું જલાધિશ વરૂણનો પૂત્ર છું.મારા પિતાને ત્યાં ૫ણ આ૫ની જેમ જ બાર વર્ષે પૂર્ણ થાય તેવો યજ્ઞ થઇ રહ્યો છે એટલા માટે મેં પાણીમાં ડુબાડી દેવાના બહાને ૫સંદગીના શ્રેષ્ઠ બ્રાહ્મણોને વરૂણલોક મોકલી આપ્યા છે.અષ્ટાવક્રજી મારા માટે પૂજનીય છે તેમની કૃપાથી પાણીમાં ડુબીને હું મારા પિતાજીના લોકમાં ઉ૫સ્થિત થઇશ.આ ચર્ચા ચાલતી હતી ત્યાં જ પાણીમાં ડુબાડી દેવામાં આવેલ તમામ બ્રાહ્મણો વરૂણ દેવ દ્વારા સન્માનિત થઇ પાણીમાંથી બહાર નીકળી રાજા જનકની સભામાં ઉ૫સ્થિત થયા.તે બ્રાહ્મણોમાં કહોડ કે જે અષ્ટાવક્રજીના પિતા હતા તેમને કહ્યું કે મનુષ્ય આવા જ કામોના માટે પૂત્રોની કામના કરે છે જે કામને હું ના કરી શક્યો તે મારા પૂત્રએ કરી દેખાડ્યું. રાજન ! ક્યારેક ક્યારેક દુર્બળ મનુષ્યને ત્યાં બળવાન અને મૂર્ખને ત્યાં ૫ણ વિદ્વાન પૂત્ર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અષ્ટાવક્રજીએ પોતાના પિતાનું પૂજન કર્યું તથા પોતાના મામા શ્વેતકેતુ સહીત પોતાના આશ્રમમાં ગયા.આશ્રમમાં ૫હોચ્યા ૫છી તેમના પિતા કહોડે અષ્ટાવક્રજીને કહ્યું કે તમે સભંગા નદીમાં સ્નાન કરો.અષ્ટાવક્રજીએ સભંગા નદીમાં ડૂબકી લગાવી કે તુરંત જ તેમનાં તમામ અંગો સીધાં થઇ ગયાં.આમ એક જ ધર્માત્મા સત્પુરૂષ ઉત્પન્ન થાય તો તે સમસ્ત કૂળનો ઉદ્ધાર કરી દે છે.

 

 

 

(૨૨) જનમેજયને દેવતાઓની કૂતરી સરમાએ શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

પરીક્ષિતના પૂત્ર જનમેજય પોતાના ભાઇઓ સહિત કુરૂક્ષેત્રમાં લાંબો સમય ચાલનારા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા.જનમેજયના ત્રણ ભાઇઓ હતા-શ્રુતસેન,ઇન્દ્રસેન અને ભીમસેન.આ ત્રણે ભાઇઓ યજ્ઞમાં બેઠા હતા.તે સમયે દેવતાઓની કૂતરી સરમાનો પૂત્ર સારમેય ત્યાં આવે છે.જનમેજયના ભાઇઓએ તેને માર્યો.સારમેય રડતો રડતો પોતાની માતા પાસે જાય છે ત્યારે તેની માતાએ પુછ્યું કે તૂં કેમ રડે છે? તને કોને માર્યો? ત્યારે સારમેય કહે છે કે મને જનમેજયના ભાઇઓએ માર્યો છે.ત્યારે સરમા કહે છે કે બેટા ! અવશ્ય તે કોઇ અપરાધ કર્યો હશે એટલે તને માર્યો હશે ત્યારે સારમેય કહે છે કે મેં કોઇ અપરાધ કર્યો નથી કે મેં હવિષ્યની સામું પણ જોયું નથી કે તેને ચાટ્યું પણ નથી.

 

પૂત્ર સારમેયની વાત સાંભળીને પૂત્રના દુઃખે દુઃખી થઇને તેની માતા સરમા જનમેજય પોતાના ભાઇઓ સહિત જે યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચે છે.ક્રોધના આવેશમાં સરમાએ જનમેજયને કહે છે કે મારા પૂત્રે તમારો કોઇ અપરાધ કર્યો નથી,તેને હવિષ્ય સામે જોયું નથી કે તેને ચાટ્યું નથી તેમ છતાં મારા પૂત્રને તમારા ભાઇઓએ કેમ માર્યો? તે સમયે જનમેજય કે તેના ભાઇઓ સરમાને કોઇ જવાબ આપતા નથી ત્યારે સરમાએ કહ્યું કે મારો પૂત્ર નિર્દોષ છે છતાં તમોએ તેને માર્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું કે તમારી ઉપર અકસ્માતે એવો ભય આવશે કે જેની કોઇ સંભાવના પણ ના હોય. સરમાના શ્રાપથી જનમેજય ગભરાઇ જાય છે.યજ્ઞ પુરો થતાં જનમેજય ભાઇઓ સહિત હસ્તિનાપુર આવે છે અને પોતાને યોગ્ય પુરોહિતની શોધ કરે છે કે જે સરમાના શ્રાપરૂપ પાપકૃત્યને (બળ,આયુષ્ય અને પ્રાણને નાશ કરનાર) શાંત કરી શકે.

 

એકવાર જનમેજય શિકાર ખેલવા જાય છે ત્યાં એક આશ્રમ જુવે છે.આ આશ્રમમાં શ્રુતશ્રવા નામના ઋષિ રહેતા હતા,તેમના પૂત્રનું નામ સોમશ્રવા હતું જે હંમેશાં તપસ્યામાં લીન રહેતા હતા તેમને પુરોહિત તરીકે નિયુક્ત કરે છે પરંતુ શ્રુતશ્રવા કહે છે કે આ મારો પૂત્ર સોમશ્રવા સર્પિણીના ગર્ભથી પેદા થયો છે,તે બહુ મોટો તપસ્વી અને સ્વાધ્યાયશીલ છે.મારા તપોબળથી તેનું ભરણ-પોષણ થયું છે. એકવાર એક સર્પિણીએ મારૂં વિર્યપાન કરી લીધું હતું તેના પેટથી સોમશ્રવાનો જન્મ થયો છે.તે તમારી તમામ પાપકૃત્યાઓ (શ્રાપજનીન ઉપદ્રવો)ના નિવારણ કરવા સમર્થ છે,ફક્ત ભગવાન શિવની કૃત્યાનો સામનો કરી શકે તેમ નથી.આમ શ્રુતશ્રવાની રજા લઇને તેમના પૂત્ર સોમશ્રવાને સરમાના શ્રાપને નિષ્ફળ બનાવવા પુરોહિત બનાવી હસ્તિનાપુર લઇ જાય છે.

 

 

(૨૩) મહર્ષિ મૈત્રેય મુનિએ દુર્યોધનને શ્રાપ આપ્યો હતો.

 

એકવાર ભગવાન વેદવ્યાસ હસ્તિનાપુર આવે છે અને ધૃતરાષ્ટને સમજાવે છે કે કૌરવો અને પાંડવો તમામ તમારા જ પૂત્રો છે.તમામ પૂત્રોમાં જે હીન છે,દયનીય દશામાં છે તેમની ઉપર વિશેષ કૃપા હોવી જોઇએ.જેમ પાંડુ મારા પૂત્ર તેમ તમે અને મહાજ્ઞાની વિદુર પણ મારા પૂત્ર છો એટલે સ્નેહવશ તમોને તમારા હિતની વાત કહું છું.તમારા સો પૂત્રો છે જ્યારે પાંડુના ફક્ત પાંચ જ પૂત્રો છે જે ઘણા ભોળા છે,છળ-કપટથી રહિત છે અને અત્યંત દુઃખો ભોગવી રહ્યા છે.જો તમે ઇચ્છતા હો કે તમારા તમામ સો પૂત્રો જીવિત રહે તો તમારા પૂત્ર દુર્યોધને પાંડવો સાથે મેળમિલાપ કરી શાંતિપૂર્વક રહેવું જોઇએ.તે સમયે ધૃતરાષ્ટ કહે છે કે આપ જે કહો છો તે યોગ્ય જ કહો છો અને હું પણ તેને યોગ્ય માનું છું તથા તમામ રાજાઓ પણ આ વાતને અનુમોદન આપે છે.આ વાત મહાત્મા વિદુર,ભિષ્મપિતામહ અને દ્રોણાચાર્યજીએ પણ મને કહી છે. આપ મારા ઉપર અનુગ્રહ કરીને તથા કૌરવકૂળ ઉપર દયા કરીને મારા દુરાત્મા પૂત્ર દુર્યોધનને શિક્ષા આપો,તેને સમજાવો.ત્યારે વ્યાસજી કહે છે કે રાજન ! મહર્ષિ ભગવાન મૈત્રેય પાંડવોને મળીને તમોને મળવા આવશે તેઓ તમારા કૂળની શાંતિ માટે તમારા પૂત્ર દુર્યોધનને યથાયોગ્ય ઉપદેશ આપશે.મૈત્રેય મુનિ જે કંઇ કહે તે શંકા કર્યા વિના તેનો અમલ કરજો,તેઓ જે કંઇ સદઉપદેશ આપે તેની તમારા પૂત્રો અવહેલના કરશે તો તેઓ શ્રાપ પણ આપી શકે છે-આટલું કહીને વ્યાસજી ચાલ્યા જાય છે અને તે સમયે મૈત્રેયજી આવી પહોંચે છે.

 

રાજા ધૃતરાષ્ટે પૂત્રો સહિત મૈત્રેયજીનું સ્વાગત-સત્કાર કર્યા પછી ધૃતરાષ્ટે કહ્યું કે આપ પાંડવોને મળીને આવ્યા છો.શું તેઓ કુશળ છે ને? શું કૌરવ-પાંડવો વચ્ચે ભાતૃભાવ અખંડ રહેશે? ત્યારે મૈત્રેયજી કહે છે કે હું તીર્થયાત્રાના કારણોસર ફરતો ફરતો ઓચિંતો કુરૂજાંગલ દેશમાં ચાલ્યો ગયો હતો ત્યાં કામ્યકવન માં ધર્મરાજ યુધિષ્ઠિર સાથે મુલાકાત થઇ હતી.જટા અને મૃગચર્મ ધારણ કરીને તપોવનમાં નિવાસ કરતા ધર્માત્મા યુધિષ્ઠિરને મળવા માટે અનેક ઋષિ-મુનિઓ પધાર્યા હતા.ત્યાં મેં સાંભળ્યું કે તમારા પૂત્રોની બુદ્ધિ ભ્રાંત થઇ ગઇ છે,તે જુગારરૂપી અનીતિમાં પ્રવૃત્ત થયા અને જુગારના કારણે તેમની ઉપર ઘણો મોટો ભય ઉપસ્થિત થયો છે,આવું સાંભળીને તમારા ઉપર મારો સ્નેહ અને પ્રેમ હોવાથી કૌરવોની દશા જોવા માટે હું હસ્તિનાપુર આવ્યો છું.તમારા અને ભિષ્મપિતામહના જીવતાં જીવ તમારા પૂત્રો કોઇપણ પ્રકારનો અંદરો અંદર વિરોધ કરે તે યોગ્ય નથી.તમારે પોતે તમારા પૂત્રો ઉપર નિયંત્રણ કરવું જોઇએ.પાંડવો સાથે થયેલ ઘોર-અન્યાયની તમે કેમ ઉપેક્ષા કરી છે? તમારી સભામાં ડાકુઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે તેના લીધે તમે તપસ્વી મુનિઓના સમુદાયમાં શોભા પામતા નથી.

 

ત્યારબાદ મહર્ષિ ભગવાન મૈત્રેયજીએ અમર્ષશીલ દુર્યોધન તરફ મુખ કરીને મધુર ભાષામાં કહ્યું કે તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો.હું તમારા હિતની વાત કહેવા જઇ રહ્યો છું જેને તમે ધ્યાનથી સાંભળો.તમે પાંડવોનો દ્રોહ ના કરો.તમારૂં પોતાનું,પાંડવોનું,કુરૂવંશનું તથા સમગ્ર જગતનું કલ્યાણ થાય તેવું પ્રિય સાધન કરો.મનુષ્યોમાં શ્રેષ્ઠ તમામ પાંડવો શૂરવીર-પરાક્રમી અને યુદ્ધકુશળ છે,તે તમામમાં દશ હજાર હાથીઓનું બળ છે,તેમના શરીર વજ્ર સમાન છે,તે તમામ પાંડવો સત્યવ્રતધારી અને પોતાના પૌરૂષ ઉપર અભિમાન રાખનાર છે.ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનાર દેવદ્રોહી હિડિમ્બ વગેરે રાક્ષસોનો તથા રાક્ષસજાતીય કિર્મીરનો વધ પણ પાંડવોએ કરેલ છે.પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા ત્યારે રાત્રીના સમયે ભયંકર અને પર્વત સમાન વિશાળકાય કિર્મીર તેમનો માર્ગ રોકે છે જેને ભીમસેન મારી નાખે છે.

 

દિગ્વિજયના સમયે ભીમસેને મહાન ધર્નુધર રાજા જરાસંઘ કે જેનામાં દશ હજાર હાથીઓનું બળ હતું તેને ભીમસેન મારી નાખે છે.વાસુદેવનંદન ભગવાન શ્રીકૃષ્ણ તેમના સબંધી છે તથા દ્રુપદપૂત્રો તેમના સાળા છે.જરા અને મૃત્યુના વશમાં રહેનાર ક્યા મનુષ્યો યુદ્ધમાં પાંડવોનો સામનો કરી શકે તેમ છે? આવા મહાપરાક્રમી પાંડવોની સાથે તમે શાંતિપૂર્વક મળીને રહેવું જોઇએ.ક્રોધના વશમાં આવ્યા વિના તમે મારી વાત સાંભળો.મૈત્રેયજી જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન ર્હંસીને હાથીની સૂંઢ સમાન પોતાની જાંઘોને હાથથી ઠોકી અને પગથી જમીન ખોંતરે છે અને દુર્બુદ્ધિ દુર્યોધન મૈત્રેયજીને કોઇ જવાબ આપતો નથી આ જોઇને મૈત્રેયજીનામનમાં ક્રોધ આવી ગયો અને ક્રોધના આવેશમાં દુર્યોધનને શ્રાપ આપ્યો કે તે મારી વાતનો અનાદર કરીને મારી વાત માની નથી એટલે તારા દ્રોહના કારણે મહા ભયંકર યુદ્ધ થશે અને આ યુદ્ધમાં બળવાન ભીમસેન પોતાની ગદાથી તારી જાંધ તોડશે.તે સમયે ધૃતરાષ્ટે સ્તુતિ કરી પ્રસન્ન કર્યા ત્યારે મૈત્રેયજીએ કહ્યું કે જો તમારો પૂત્ર શાંતિ ધારણ કરશે અને પાંડવોની સાથે વૈર-વિરોધ છોડીને મેળ-મિલાપ રાખશે તો મારો શ્રાપ લાગૂ પડશે નહી અને મારી વાતથી વિપરીત વહેવાર કરશે તો મારા શ્રાપ મુજબ ફળ ભોગવવું પડશે.(વનપર્વ,મહાભારતમાંથી..)

 

 

(૨૪) ગુરૂ પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો હતો..

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

મહાભારતના કર્ણ પર્વમાં દાનેશ્વર કર્ણ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના પ્રભાવનો સ્વીકાર કરે છે અને પોતાને ગુરૂ પરશુરામજી અને એક બ્રાહ્મણ શિરોમણી દ્વારા જે શ્રાપ મળ્યો હતો તેનું વર્ણન કરે છે. અંગીરાગોત્રીય બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ગુરૂ દ્રોણાચાર્ય ફક્ત પાંડવો-કૌરવોને જ શિક્ષણ આપતા હતા તેથી કર્ણ વિદ્યા ભણવા મહેન્દ્ર પર્વત ઉપર ગુરૂ પરશુરામ પાસે જાય છે.પરશુરામ પાસે જઇને કર્ણ કહે છે કે હું ભૃગુવંશી બ્રાહ્મણ છું આવું ખોટું બોલીને ગુરૂભાવથી તેમના શરણમાં જાય છે.તેના ગોત્ર વગેરેની પુછપરછ કરી તેનો શિષ્યભાવે સ્વીકાર કરે છે.સ્વર્ગલોક જેવા મહેન્દ્ર પર્વત ઉપર તેને ગંધર્વો-યક્ષો તથા દેવતાઓને મળવાનો અવસર મળે છે.ભૃગુશ્રેષ્ઠ પરશુરામ પાસેથી કર્ણ વિધિપૂર્વક ધનુર્વેદ શીખી તેનો અભ્યાસ કરે છે.

 

એક દિવસ કર્ણ ધનુષ્ય-બાણ અને તલવાર લઇ સમુદ્રના કિનારે અજય નામના એક બ્રાહ્મણના આશ્રમની નજીક શસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો હતો તે સમયે એક ઘોર અને ભયંકર બાણ ચલાવતાં અજાણતાં જ અસાવધાનીથી એક બ્રાહ્મણની હોમધેનુના વાછડાને મારી નાખ્યું હતું.તે સમયે બ્રાહ્મણે આવીને મને શ્રાપ આપ્યો કે તે પ્રમાદવશ મારી હોમધેનુના વાછરડાને તે મારી નાખ્યું છે એટલે તૂં જે સમયે રણક્ષેત્રમાં યુદ્ધ કરતાં કરતાં અત્યંત ભયને પ્રાપ્ત થશે તે સમયે તારા રથનું પૈડું ધરતીમાં ઉતરી જશે.જ્યારે તારા રથનું પૈડું ધરતીમાં ઉતરી જશે ત્યારે તૂં અચેત થઇ જઇશ અને તે સમયે તારો શત્રુ તારૂં મસ્તક કાપી નાખશે.તે બ્રાહ્મણને મેં એક હજાર ગાયો તથા છસો વાછરડાં આપવાનાં કહ્યાં તેમ છતાં તેઓ પ્રસન્ન ના થયા.મેં અજાણતાં થયેલ ભૂલના માટે ક્ષમાયાચના કરી તેમ છતાં બ્રાહ્મણે ગુસ્સામાં કહ્યું કે હે દુરાચારી ! તૂં મારી નાખવા યોગ્ય છે,મેં જે શ્રાપ આપ્યો છે તે સત્ય થઇને જ રહેશે તેમાં કોઇ સુધારો નહી થાય.બ્રાહ્મણનાં આવાં વાક્યો સાંભળી મને ઘણો ભય થયો,હું દીનતાવશ નીચું મસ્તક કરી ગુરૂ પરશુરામના આશ્રમમાં આવી ગયો.

 

કર્ણે પોતાના બાહુબળ,પ્રેમ,ઇન્દ્રિયસંયમ તથા ગુરૂસેવાથી ભૃગુશ્રેષ્ઠ પરશુરામજીને સંતુષ્ટ કર્યા.ત્યાર બાદ તપસ્વી પરશુરામે વિધિવત બ્રહ્માસ્ત્રનું જ્ઞાન આપ્યું.એક દિવસ કર્ણ અને ગુરૂ પરશુરામ આશ્રમની નજીક ફરી રહ્યા હતા.ઉપવાસના કારણે ગુરૂ પરશુરામનું શરીર દુર્બળ બની ગયું હતું એટલે જમદગ્નિનંદન પરશુરામજી કર્ણના ખોળામાં માથું મૂકીને સૂઇ જાય છે,તે સમયે લાર,મેદા,માંસ અને રક્તનો આહાર કરનાર એક ભયંકર રક્ત પીનાર કીડો કર્ણની પાસે આવે છે અને કર્ણની જાંગમાં કાણું કરી નાખ્યું પરંતુ ગુરૂજીના ઉંઘમાં ખલેલ ના પડે તે માટે ભયંકર વેદના સહન કરે છે.જ્યારે રક્તની ધાર ગુરૂ પરશુરામના શરીરને સ્પર્શે છે ત્યારે તેજસ્વી ભાર્ગવ જાગી જાય છે અને ભયભીત થઇને કહે છે કે અરે ! હું તો અશુદ્ધ થઇ ગયો. તૂં આ શું કરે છે? ભય છોડીને આ વિષયમાં મને સત્ય કહે,ત્યારે કર્ણે કીડાના કરડવાની સઘળી વાત કહી. પરશુરામે કીડાની સામે જોયું તો તે સૂઅર જેવો દેખાતો હતો,તેને આઠ પગ હતા,તે અલર્ક નામનો કીડો હતો.ભગવાન પરશુરામની દ્રષ્ટિ પડતાં જ કીડાએ પ્રાણ ત્યાગી દીધા અને આકાશમાં એક વિકરાળ રાક્ષસનું રૂપ ધારણ કર્યું.તેના ગળાનો ભાગ લાલ હતો અને શરીર કાળું હતું.તે રાક્ષસે હાથ જોડી ભગવાન પરશુરામ ને કહ્યું કે હે ભૃગુશ્રેષ્ઠ ! આપનું કલ્યાણ હો. હું જેવો આવ્યો હતો તેવો જઇ રહ્યો છું.આપે મને આ નરકમાંથી છુટકારો અપાવ્યો છે.હું આપને પ્રણામ કરૂં છું.ત્યારે પરશુરામે પુછ્યું કે તમે કોન છો? અને કયા કારણોસર આ નરકમાં પડ્યા હતા? તે મને કહો.ત્યારે તેને જવાબ આપ્યો કે તાત ! પ્રાચીનકાળના સતયુગની વાત છે.હું દંશ નામનો પ્રસિદ્ધ એક મહાન અસુર હતો.મહર્ષિ ભૃગુની ઉંમરનો હતો.એક દિવસ મેં ભૃગુની પ્રાણ પ્યારી પત્નીનું બળપૂર્વક અપહરણ કર્યું હતું.તેનાથી ક્રોધિત થઇને આપના પૂર્વ પિતામહ મહર્ષિ ભૃગુએ મને શ્રાપ આપ્યો હતો કે હે પાપી ! તૂં મૂત્ર અને લાળ વગેરે ખાનાર કીડો બનીને નરકમાં પડીશ ત્યારથી હું કીડો થઇને પૃથ્વી ઉપર પડ્યો હતો.તે સમયે મેં મારી ભૂલની ક્ષમાયાચના કરી અને શ્રાપનું નિવારણ પુછ્યું ત્યારે મહર્ષિ ભૃગુએ કહ્યું કે ભૃગુવંશી પરશુરામના દ્વારા આ શ્રાપનો અંત આવશે.આજે આપની મારી ઉપર દ્રષ્ટિ પડતાં મારો આ પાપ યોનિમાંથી ઉદ્ધાર થયેલ છે આવું કહીને તે મહાન અસુર પરશુરામને પ્રણામ કરીને ચાલ્યો જાય છે.

 

અસુરના ગયા પછી પરશુરામજી ક્રોધિત થઇને કર્ણને કહે છે કે મૂર્ખ ! આવું ભારે દુઃખ બ્રાહ્મણ સહન કરી શકતો નથી,તારૂં ધૈર્ય તો ક્ષત્રિય સમાન છે,તૂં સ્વેચ્છાએ સત્ય કહી દે કે તૂં કોન છે? કર્ણ પરશુરામના શ્રાપના ભયથી ડરી જાય છે એટલે તેમને પ્રસન્ન કરવા કહે છે કે ભાર્ગવ ! હું બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ભિન્ન સૂતજાતિમાં જન્મેલ છું.મને રાધા પૂત્ર કર્ણ કહે છે.હું અસ્ત્રવિદ્યા શિખવાના લોભના કારણે જુઠું બોલ્યો છું તો મને ક્ષમા કરો.આવું સાંભળીને ભૃગુશ્રેષ્ઠ પરશુરામજી એટલા રોષમાં આવ્યા અને શ્રાપ આપ્યો કે મૂઢ ! બ્રહ્માસ્ત્રના લોભથી તૂં જુઠું બોલીને મારી સાથે કપટપૂર્ણ વ્યવહાર કર્યો છે એટલે જ્યાં સુધી તૂં સંગ્રામમાં પોતાના સમાન યોદ્ધાની સાથે યુદ્ધમાં પ્રવૃત્ત નહી થાય અને તારા મૃત્યુનો સમય નજીક નથી આવ્યો ત્યાં સુધી જ તને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન રહેશે, તે છળ કરીને મારી પાસેથી બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કર્યું છે એટલે તેનું કામ પડતાં જ તારૂં આ બ્રહ્માસ્ત્ર તને યાદ આવશે નહી.જે બ્રાહ્મણ નથી તેના હ્રદયમાં બ્રહ્માસ્ત્ર ક્યારેય સ્થિર રહેતું નથી.હવે તૂં અહીથી ચાલ્યો જા.તારા જેવા મિથ્યાચારી માટે અહીયાં કોઇ સ્થાન નથી.મારા આર્શિવાદથી આ પૃથ્વી પરનો કોઇ ક્ષત્રિય યુદ્ધમાં તારી સમાનતા નહી કરી શકે.

 

 

(૨૫) કુબેરના શ્રાપથી તુંબરૂ નામનો ગંધર્વ વિરાધ નામે રાક્ષસ બને છે.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

રામ વનવાસ દરમ્યાન પોતાનાં પત્ની સીતા તથા બાંધવ લક્ષ્મણ સહિત દંડકારણ્ય વનમાં નિવાસ કરે છે.ત્યાં અનેક ઋષિ-મુનિઓ મળવા આવે છે અને કહે છે કે અમે આપના રાજ્યમાં નિવાસ કરીએ છીએ એટલે આપે અમારી રક્ષા કરવી જોઇએ.આપ નગરમાં રહો કે વનમાં આપ અમારા રાજા છો.આપ તમામ જનસમુદાયના શાસક તથા પાલક છો. રાજન ! અમે જીવમાત્રને દંડ આપવાનું છોડી દીધેલ છે. ક્રોધ અને ઇન્દ્રિયોને જીતી લીધી છે.હવે તપસ્યા એ જ અમારૂં ધન છે,આવું કહીને તપસ્વી મુનિઓ અનેક પ્રકારના વનફળ અર્પણ કરી ભગવાન શ્રીરામનો સત્કાર કર્યો.રાત્રિના સમયે ઋષિ-મુનિઓનું આતિથ્યનો સ્વીકાર કરી સવારે સૂર્યોદય થતાં તમામ મુનિઓથી વિદાય લઇ ભગવાન વનમાં આગળ વધે છે.ભયંકર જંગલી પશુઓથી ભરેલા દુર્ગમ વનમાં તેમને એક નરભક્ષી રાક્ષસને જોયો જે પર્વતશિખર સમાન ઉંચો હતો અને ઉંચાસ્વરથી ગર્જના કરી રહ્યો હતો.તેની આંખો ઉંડી,મુખ ઘણું જ મોટું,આકાર વિકટ અને પેટ વિકરાળ હતું. દેખાવમાં તે ઘણો ભયંકર,ઘૃણિત,બેડૌલ અને વિકૃત વેશયુક્ત હતો.તેને લોહીથી ખરડાયેલ અને ચરબીથી ભીનું વ્યાઘ્રચર્મ પહેરેલ આ રાક્ષસ યમરાજા સમાન સામે ઉભો હતો.

 

શ્રીરામ-લક્ષ્મણ અને સીતાને જોતાં જ તે ક્રોધમાં આવી ભૈરવનાદ કરીને તેમની તરફ દોડી વિદેહનંદિની સીતાને ગોદમાં ઉપાડી દૂર જઇને ઉભો રહ્યો અને શ્રીરામ-લક્ષ્મણને કહે છે તમે બંન્ને જટા ધારણ કરીને એક સ્ત્રીની સાથે રહો છો અને હાથમાં ધનુષ્ય-બાણ અને તલવાર ધારણ કરીને દંડકવનમાં દાખલ થયા છો એટલે લાગે તમારૂં મૃત્યુ નજીક આવ્યું છે.તમે બંન્ને તપસ્વી જેવા લાગો છો છતાં યુવાન સ્ત્રી સાથે રહો છો ! અધર્મ પરાયણ-પાપી અને મુનિસમુદાયને કલંકિત કરનાર તમો કોન છો? હું વિરાધ નામનો રાક્ષસ છું અને ઋષિઓના માંસનું ભક્ષણ કરૂં છું અને હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઇને આ દુર્ગમ વનમાં વિચરણ કરૂં છું.આ સ્ત્રી ઘણી સુંદર છે તેને મારી ભાર્યા બનાવીશ અને તમે બે પાપી ભાઇઓને મારીને હું રક્તપાન કરીશ.વિરાધની આવી વાતો સાંભળીને સીતાજી ગભરાઇ જાય છે અને થરથર કાંપે છે.

 

શુભલક્ષણા સીતાજીને વિરાધના ચંગુલમાં ફંસાયેલા જોઇને શ્રીરામ લક્ષ્મણજીને કહે છે કે સીતાને અન્ય કોઇ પુરૂષ સ્પર્શ કરે તેનાથી મોટી દુઃખની વાત કંઇ હોય? પિતાના મૃત્યુના દુઃખ કરતાં વધુ કષ્ટ આજે મને થયેલ છે.શ્રીરામના આવા વચનો સાંભળી લક્ષ્મણજી શોકના આંસુ વહાવતાં કહે છે કે મુજ દાસના હોવા છતાં આપ અનાથની જેમ કેમ આવા વચનો બોલો છો? હું હમણાં જ પોતાના બાણથી રાક્ષસનો વધ કરૂં છું.આજે આ પૃથ્વી વિરાધનું રક્ત પીશે.વિરાધે ફરીથી પુછ્યું કે આપ કોન છો? અને ક્યાં જઇ રહ્યા છો? ત્યારે શ્રીરામે પોતાનો પરીચય આપતાં કહ્યું કે અમે મહારાજ ઇક્ષ્વાકુ વંશના છીએ.અમે બંન્ને ભાઇઓ સદાચારનું પાલન કરનાર ક્ષત્રિય છીએ અને કારણવશ આ સમયે વનમાં નિવાસ કરીએ છીએ, હવે તૂં તારો પરીચય આપ કે તૂં કોન છે? અને દંડકારણ્યવનમાં કેમ વિચરણ કરે છે.

 

શ્રીરામના વચનો સાંભળીને વિરાધ કહે છે કે હે રઘુવંશી નરેશ ! હું જવ નામના રાક્ષસનો પૂત્ર છું. મારી માતાનું નામ શતદ્વદા છે.તમામ રાક્ષસો મને વિરાધના નામથી ઓળખે છે.મેં તપ કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું છે કે કોઇપણ શસ્ત્રથી મારો વધ ના થાય,સંસારમાં હું અચ્છેદ્ય અને અભેદ્ય થઇને રહું,કોઇપણ મારા શરીરને છિન્ન-ભિન્ન ના કરી શકે.હવે તમે બંન્ને આ યુવાન સ્ત્રીને મારી પાસે છોડીને અહીથી ચાલ્યા જશો તો હું તમારા પ્રાણ નહી લઉં.વિરાધના આવા વચનો સાંભળીને શ્રીરામે ક્રોધ કરીને કહ્યું કે હે નીચ ! તને ધિક્કાર છે, તારો અભિપ્રાય ખોટો છે,નિશ્ચય તૂં પોતાનું મોત શોધી રહ્યો છે અને તે તને યુદ્ધમાં મળશે, હવે તૂં મારા હાથે મોતને ભેટીશ-આમ કહીને શ્રીરામે અગ્નિ સમાન તેજસ્વી તીખા બાણો છોડીને વિરાધનું શરીર વિંધી નાખ્યું. ઘાયલ વિરાધ શ્રીરામ-લક્ષ્મણ ઉપર તૂટી પડે છે,તે સમયે બંન્ને ભાઇઓએ પ્રજ્વલિત બાણોની વર્ષા કરી.આ જોઇને મહાભયંકર રાક્ષસ અટ્ટહાસ્ય કરી ઉભો થઇ જાય છે.બ્રહ્માજીના વરદાનના કારણે બાણોથી તેનું મૃત્યુ થતું નથી.વિરાધ બંન્ને ભાઇઓને ખભા ઉપર બેસાડી ઘનઘોર જંગલમાં લઇ જાય છે તે સમયે લાગ જોઇને ખભા ઉપર બેસીને જ શ્રીરામ-લક્ષ્મણે વિરાધના બંન્ને હાથ કાપી નાખે છે.શ્રીરામ લક્ષ્મણને કહે છે કે આ રાક્ષસ તપ કરીને વરદાન મેળવી અવધ્ય બની ગયો છે તેને શસ્ત્રથી મારવો  શક્ય નથી એટલે તેને પરાજીત કરીને એક મોટો ઉંડો ખાડો ખોદી દાટી દઇએ.

 

શ્રીરામ-લક્ષ્મણની વાત સાંભળી વિરાધ વિનયયુક્ત વાણીથી કહે છે કે મોહવશ હું આપને ઓળખી ના શક્યો. હું શ્રાપના કારણે આ ભયંકર રાક્ષસ શરીરમાં આવ્યો છું. હું તુંબરૂ નામનો ગંધર્વ છું. કુબેરે મને રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે મેં કુબેરને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી ત્યારે મહાયશસ્વી કુબેરે કહ્યું હતું કે જ્યારે ભૂતળ વિશે મહારાજા દશરથના પૂત્ર રામરૂપે શ્રીહરિ ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરશે ત્યારે શ્રીરામ સાથેના યુદ્ધમાં તારો વધ કરશે ત્યારે તૂં પાછો પોતાના મૂળ સ્વરૂપને પામી સ્વર્ગમાં પરત આવશે.

 

હું રંભા નામની અપ્સરામાં આસક્ત હતો એટલે એક દિવસ યોગ્ય સમયે કુબેરની સેવામાં ઉપસ્થિત રહી શક્યો નહોતો એટલે કોપાયમાન થઇને કુબેરે મને ભયંકર રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો હતો અને તેમાંથી છુટવાની અવધિ બતાવી હતી.આજે આપની કૃપાથી આ ભયંકર શ્રાપથી મને છુટકારો મળ્યો છે,હવે હું મારા અસલ સ્વરૂપમાં આવી મારા લોકમાં જઇશ.શ્રીરામ-લક્ષ્મણે વિરાધના શરીરને ખાડામાં દાટી દીધો તેથી તે શરીરનો ત્યાગ કરી સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે.

 

 

(૨૬) સ્થૂલશિરા ઋષિના શ્રાપથી વિશ્વાવસુ નામનો ગંધર્વ કબંધ નામનો રાક્ષસ બને છે.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

જટાયુને જલાંજલી આપ્યા બાદ સીતા-શોધ માટે શ્રીરામ-લક્ષ્મણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે અને એવા વનમાં જઇ પહોંચે છે જ્યાં લોકોની અવર-જવર બિલ્કુલ ઓછી છે એવા ક્રૌંચ નામના ગાઢ જંગલને પસાર કરી મતંગઋષિના આશ્રમ નજીક પહોંચે છે.અહીનું વન ઘણું જ ભયંકર હતું.ઘણા ભયાનક પશુ અને પક્ષીઓ અહી નિવાસ કરે છે.દશરથનંદને ત્યાં એક વિશાળ પાતાળ સમાન ઉંડી અને જેમાં અંધકાર છવાયેલો છે તેવી ગુફા જોઇ.નજીક ગયા તો તેમને એક વિશાળકાય રાક્ષસી જોઇ.જેનું મુખ ઘણું વિકરાળ હતું.તેની સૂરત ઘૃણા થાય તેવી હતી.તે ભયાનક પશુઓને પકડીને ખાઇ જતી હતી.તેનું નામ અયોમુખી હતું અને તે કુંવારી હતી.આહાર વગેરેથી પૂર્ણ સુખી હોવા છતાં તે પરણી ન હોવાથી કામભૂખી રહેતી હતી.આ વનમાં પુરૂષો જ નહોતા.કામભૂખ્યા પુરૂષો કરતાં કામભૂખી સ્ત્રી વધુ વિહ્વળ અને ભયંકર હોય છે.ભલે પુરૂષો કુંવારા રહી જાય,બહુ વાંધો નહી આવે પણ જો સ્ત્રીઓ કુંવારી-ત્યક્તા કે વિધવાઓ રહી જશે તો સમાજ મર્યાદાહીન થઇ જશે.સ્ત્રીઓ તો પુરૂષો સાથે જ સારી.પુરૂષોની સરખામણીએ આઠગણો વધુ કામ આવેશ તેમને સતાવતો હોય છે.અયોમુખી હજું ઠેકાણે પડી નથી.પુરૂષ વિનાનું તેનું એકાંકી જીવન ઉત્પાત મચાવી રહ્યું છે.કેટલાય સમયથી તે કોઇ પુરૂષની પ્રતિક્ષા કરી રહી હતી,તેવામાં આજે શ્રીરામ-લક્ષ્મણ તેની નજરે ચઢ ગયા.હવે ધીરજ ક્યાં રહે?

 

અયોમુખીએ ગુફા નજીક શ્રીરામ-લક્ષ્મણને જોતાં જ લક્ષ્મણજીને કેડમાંથી મજબૂતાઇથી પકડીને ચાલતી થાય છે અને કહે છે કે તૂં મને બહુ ગમે છે તો ચાલો આપણે રમણ કરીએ.તૂં નસીબદાર છે કે હું તને પત્નીના રૂપમાં મળી ગઇ છું.અયોમુખીનાં આવાં વચનો સાંભળીને તેની નજર ચુકાવી તલવાર કાઢી લક્ષ્મણીએ તેનાં નાક-કાન અને સ્તન કાપી નાખ્યાં.અંગો કપાઇ જવાથી લોહીલુહાણ થયેલી અયોમુખી લક્ષ્મણને પછાળી ભયંકર ચીસો પાડતી જ્યાંથી આવી હતી ત્યાં ચાલી જાય છે.પુરૂષથી છુટવા કરતાં પણ સ્ત્રીની પકડમાંથી છુટવું અતિકઠિન હોય છે.અયોમુખીના ગયા પછી બંન્ને ભાઇઓ ઝડપથી ચાલી એક ગાઢ જંગલમાં આવી જાય છે ત્યાં ફરી પાછી એક વિપત્તિ આવી ગઇ.આ વનમાં કબંધ નામનો રાક્ષસ રહેતો હતો તેને મસ્તક કે ગળું નહોતું ફક્ત કબંધ(ધડમાત્ર) હતું અને તેના પેટમાં જ મુખ બનેલું હતું.તેની આકૃતિ ઘણી ભયંકર હતી.તેની છાતીમાં જ લલાટ અને લલાટમાં લાંબી-પહોળી આગની જ્વાળાઓ સમાન ભયંકર આંખ હતી.અત્યંત ભયંકર રીંછ,વાઘ,સિંહ,હિંસક પ્રાણીઓ અને પક્ષીઓ તેનો આહાર હતાં.તે પોતાની એક-એક યોજન લાંબી ભૂજાઓથી પ્રાણીઓને પકડીને ખેંચી લેતો હતો.

 

શ્રીરામ-લક્ષ્મણને જોતાં જ કબંધ એકદમ ઘસી આવ્યો અને તેણે બંન્ને ભાઇઓને પકડી લીધા અને કહે છે કે તમે બંન્ને કોન છો? તમે ધનુષ્ય-બાણ અને તલવાર ધારણ કરેલ છે.તમે આ ભયંકર વનમાં કેમ આવ્યા છો? હવે તમે બંન્ને મારો આહાર બનવાના છો.તે સમયે લક્ષ્મણજીએ શ્રીરામને કહ્યું કે આ નીચ રાક્ષસ આપણને પોતાના મુખમાં લઇ લે ત્યાર પહેલાં તલવારથી તેની લાંબી ભુજાઓને કાપી નાખીએ.આ મહાકાય રાક્ષસની ભુજાઓમાં જ તેનું બળ છે.તેમની વાતો સાંભળીને કબંધને ઘણો ક્રોધ આવે છે અને પોતાનું મુખ પહોળું કરી શ્રીરામ-લક્ષ્મણને ખાઇ જવા માટે તૈયાર થાય છે.તે સમયે દેશ-કાળનું જ્ઞાન રાખનાર બંન્ને ભાઇઓએ કબંધની બંન્ને ભુજાઓ કાપી નાખી.બંન્ને હાથ કપાઇ જતાં તે મહાબાહુ રાક્ષસ ભયંકર મેઘ સમાન ગર્જના કરી ધરતી ઉપર પડે છે.પોતાના બંન્ને હાથ કપાઇ જતાં લોહીથી લથપથ દાનવ દીનવાણીમાં પુછે છે કે વીરો ! આપ કોન છો? ત્યારે લક્ષ્મણ કહે છે કે આ ઇક્ષ્વાકુવંશી મહારાજ દશરથના પૂત્ર શ્રીરામ છે અને હું તેમનો નાનોભાઇ લક્ષ્મણ છું.માતા કૈકયી દ્વારા તેમનો રાજ્યાભિષેક રોકી દેતાં પિતાની આજ્ઞાથી ચૌદ વર્ષના વનવાસમાં આવ્યા છીએ.આ નિર્જન વનમાં રહેતાં શ્રીરઘુનાથજીનાં પત્ની સીતાજીનું કોઇ રાક્ષસ હરણ કરી ગયેલ છે અને તેમને શોધવા અમે અહીયાં આવ્યા છીએ.

 

લક્ષ્મણજી પૂછે છે કે તમે કોન છો? અને કબંધ સમાન રૂપ ધારણ કરીને વનમાં પડ્યા છો? અને તમારા શરીરની આવી દુર્દશા કેમ થઇ છે? આવું લક્ષ્મણ પુછતાં કબંધને ઇન્દ્રે કહેલી વાત યાદ આવે છે એટલે પ્રસન્નતાથી લક્ષ્મણને જવાબ આપતાં કહે છે કે આપ બંન્નેનું સ્વાગત છે.ઘણા ભાગ્યથી આપ બંન્નેનાં દર્શન થયાં છે.મારી આ બંન્ને ભુજાઓ મારા બંધનનું કારણ હતી.સૌભાગ્યની વાત છે કે આપ લોકોએ તેને કાપી નાખી.હે નરશ્રેષ્ઠ શ્રીરામ ! મને જે આ કુરૂપ પ્રાપ્ત થયું છે તે મારી ઉદ્દંડતાનું ફળ છે.આ બધું કેવી રીતે બન્યું તે હું વિગતવાર કહીશ.પહેલાંના સમયમાં મારૂં રૂપ મહાન બળ-પરાક્રમથી સંપન્ન,અચિન્ત્ય અને ત્રણે લોકમાં વિખ્યાત વિશ્વાવસુ નામનો ગંધર્વ હતો.સૂર્ય-ચંદ્રમા અને ઇન્દ્ર મારૂં શરીર તેજસ્વી હતું.હું લોકોને ડરાવવા માટે ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરીને અહી-તહીં ફરતો રહેતો અને વનમાં રહેવાવાળા ઋષિઓને બિવડાવતો હતો.મારા આવા વ્યવહારથી એક દિવસ સ્થૂલશિરા નામના ઋષિને કોપિત કર્યા,તેઓ વનમાંથી વિવિધ પ્રકારના ફળ-ફુલ ભેગાં કરી રહ્યા હતા તે મેં રાક્ષસનું રૂપ ધારણ કરીને બિવડાવ્યા.મને આવા વિકટ રૂપમાં જોઇ સ્થૂલશિરા ઋષિએ ઘોર શ્રાપ આપતાં કહ્યું કે દુરાત્મા ! આજથી કાયમના માટે તારૂં આ ક્રૂર અને નિંદિત રૂપ રહેશે.આ સાંભળીનેમેં કોપાયમાન સ્થૂલશિરા ઋષિને પ્રાર્થના કરી કે ભગવન ! આ અભિશાપ (તિરસ્કાર) જનિત શ્રાપનો અંત ક્યારે આવશે? ત્યારે ઋષિએ કહ્યું કે જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ તારી બંન્ને ભુજાઓને કાપીને તને નિર્જન વનમાં સળગાવશે ત્યારે તૂં પુનઃ તારા પરમ ઉત્તમ સુંદર અને શોભાસંપન્ન મૂળ ગંધર્વ સ્વરૂપને પ્રાપ્ત કરીશ.

 

મારૂં જે આ રૂપ છે તે સમરાંગણમાં ઇન્દ્રના ક્રોધના કારણે પ્રાપ્ત થયેલ છે.પૂર્વકાળમાં હું રાક્ષસ હોવા છતાં તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમને મને દીર્ધજીવી હોવાનું વરદાન આપ્યું હતું એનાથી મારી બુદ્ધિમાં એ ભ્રમ અને અહંકાર થઇ ગયો કે મને દીર્ધજીવી હોવાનું વરદાન મળ્યું છે તો ઇન્દ્ર મારૂં શું બગાડી શકશે? આવું વિચારી એક દિવસ મેં યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર ઉપર આક્રમણ કરી દીધું.તે સમયે ઇન્દ્રે મારી ઉપર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી મારી જાંઘ અને મસ્તક મારા પેટમાં ઘુસી ગયાં.મેં ઘણી પ્રાર્થના કરી એટલે ઇન્દ્રે મને યમલોક ના પહોચાડ્યો અને કહ્યું કે પિતામહ બ્રહ્માજીના વરદાનના કારણે તને જીવતદાન મળે છે.ત્યારે મેં દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમારા વજ્રના પ્રહારથી મારી જાંઘ-મસ્તક અને મુખ મારા પેટમાં ઘુસી ગયાં છે તો હું ખોરાક કેવી રીતે ગ્રહણ કરીશ? અને નિરાહાર રહીને કેવી રીતે લાંબુ આયુષ્ય ભોગવીશ? મારા આમ કહેવાથી ઇન્દ્રે મારી ભુજાઓને એક-એક યોજન સુધી લાંબી બનાવી દીધી અને તત્કાલ તિક્ષ્ણ દાઢોવાળુ મુખ મારા પેટમાં બનાવી દીધું.આમ હું વિશાળ ભૂજાઓ દ્વારા વન્ય પશુઓનો શિકાર કરીને ખાધા કરૂં છું.ઇન્દ્રે મને કહ્યું હતું કે જ્યારે શ્રીરામ-લક્ષ્મણ તારી ભૂજાઓ કાપશે ત્યારે તૂં પુનઃ તારા પરમ,ઉત્તમ,સુંદર અને શોભાસંપન્ન મૂળ ગંધર્વ સ્વરૂપને પ્રાપ્ત કરી સ્વર્ગમાં આવીશ. હે રામ ! હું આપના સિવાય અન્ય કોઇના હાથે મરી શકું તેમ નહોતો.

 

હે રામ ! આપ બંન્ને ભાઇઓ જ્યારે મારા દાહ-સંસ્કાર કરશો ત્યાર પછી હું આપને બૌધિક સહાયતા કરીશ.આપના માટે એક સારા મિત્રનું સરનામું બતાવીશ.અત્યારે મને દિવ્ય જ્ઞાન નથી,જ્યારે મારા આ દેહનો દાહ-સંસ્કાર થશે ત્યારબાદ હું તમોને એવા વ્યક્તિ વિશે બતાવીશ કે જે તમોને સીતાશોધમાં મદદ કરશે.શ્રીરામ-લક્ષ્મણે કબંધના શરીરને એક મોટા ખાડામાં નાખી આગ લગાવી દીધી,ત્યારબાદ નિર્મલ વસ્ત્ર અને પુષ્પોનો હાર ધારણ કરી વિમાનમાં બેઠેલો અંતરીક્ષમાં પ્રગટ થઇને કહે છે કે તમે અહીથી આગળ જશો તો ઋષ્યમૂક પર્વત ઉપર સુગ્રીવ રહે છે તેની સાથે મિત્રતા કરજો તે તમોને સીતાશોધમાં મદદ કરશે.

 

 

(૨૭) ભગવાન શિવે બ્રહ્માજી અને કેતકીને શ્રાપ આપ્યો હતો.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

શિવમહાપુરાણની વિદ્યેશ્વરસંહિતામાં કહ્યું છે કે જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણ સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ નથી તેમને ભગવાન શંકરના લિંગ તથા મૂર્તિની સ્થાપના કરીને નિત્ય તેમની પૂજા કરીને સંસાર સાગરથી પાર ઉતરી શકે છે.એકમાત્ર ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાના કારણે નિષ્કલ નિર્ગુણ નિરાકાર કહેવાય છે.શિવ નિષ્કલ નિર્ગુણ નિરાકાર હોવાથી તેમની પૂજાના માટે આધારભૂત લિંગ જ શિવના સ્વરૂપનું પ્રતિક છે.સકલ અને અકલ એટલે કે સમસ્ત અંગ-આકાર સહિત સાકાર અને અંગ-આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ હોવાથી તે બ્રહ્મ શબ્દથી કહેવાતા પરમાત્મા છે એટલે તમામ લોકો લિંગ (નિરાકાર) અને મૂર્તિ(સાકાર) બંન્નેમાં હંમેશાં ભગવાન શિવની પૂજા કરે છે.શિવથી ભિન્ન જે દેવતાઓ છે તે સાક્ષાત બ્રહ્મ નથી એટલે ક્યાંય તેમના માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ હોતું નથી એટલે કે તે સગુણ જીવ હોવાના કારણે ફક્ત મૂર્તિના રૂપમાં જ તેમની પૂજા કરવામાં આવે છે.

 

આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે.આ નિરાકાર શિવ બ્રહ્મનું વર્ણન કરતાં શ્રીમદ ભગવદગીતા(૧૧/૨૦)માં કહ્યું છે કે આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા તમામ દિશાઓ એકમાત્ર આપનાથી જ પરીપૂર્ણ છે.ભગવાન શિવ બ્રહ્મસ્વરૂપ અને નિષ્કલ (નિરાકાર) છે એટલા માટે તેમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે-તમામ વેદોનો આ મત છે.આમ શિવ નિરાકાર અને સાકાર બંન્ને છે.ભગવાન શંકર નિષ્કલ-નિરાકાર હોવા છતાં તમામ કલાઓથી યુક્ત છે એટલે તેમની સાકારરૂપમાં પ્રતિમાપૂજા પણ લોકસંમત છે.હવે લિંગના પ્રાગટ્યનું રહસ્ય બતાવતો પ્રસંગ જોઇએ.

 

એકવાર બ્રહ્માંડમાં ભ્રમણ કરતા કરતા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના ધામમાં ગયા.તે સમયે શેષશાયી ભગવાન વિષ્ણુ પોતાની પરાશક્તિ લક્ષ્મીજી તથા અન્ય પાર્ષદોથી ઘેરાઇને શયન કરી રહ્યા હતા.તે સમયે બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન બ્રહ્માજી પોતાની ઇચ્છાથી આવે છે અને પરમ સુંદર કમલનેત્ર વિષ્ણુને પુછે છે કે તમે કોન છો? મને આવેલો જોઇને પણ ઉદ્ધત પુરૂષની જેમ કેમ સૂઇ રહ્યા છો? જે પુરૂષ પોતાનાથી શ્રેષ્ઠ ગુરૂજનોને આવેલા જોઇને પણ ઉદ્ધતની જેમ આચરણ કરે છે તે મૂર્ખ ગુરૂદ્રોહીના માટે પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે.

 

બ્રહ્માજીના આવા વચનો સાંભળીને ક્રોધિત થવા છતાં બહારથી શાંત વ્યવહાર કરતાં ભગવાન વિષ્ણુ કહે છે કે આવો..તમારૂં કલ્યાણ થાય,તમારૂં સ્વાગત છે.આસન ગ્રહણ કરો.તમારા મુખમંડલથી વ્યગ્રતા પ્રદર્શિત થઇ રહી છે અને તમારા નેત્ર વિપરીતભાવ સૂચિત કરે છે,ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે વિષ્ણુ ! કાળના પ્રભાવથી તમોને ઘણું અભિમાન આવી ગયું છે.હું જગતનો પિતામહ અને તમારો રક્ષક છું.સમગ્ર જગત મારામાં સ્થિત છે,તમે ફક્ત ચોરની જેમ બીજાની સંપત્તિને વ્યર્થ પોતાની માનો છો.તમે મારા નાભિ કમળમાંથી ઉત્પન્ન થયા છો,તમે મારા પૂત્ર છો તેમ છતાં વ્યર્થ વાતો કરો છો.તે સમયે અજન્મા બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ મોહવશ તમે નહી પરંતુ હું શ્રેષ્ઠ છું,હું સ્વામી છું એમ બોલતાં બોલતાં પરસ્પર એક બીજાને મારવાની ઇચ્છાથી યુદ્ધ કરવા માટે તૈયાર થયા.

 

હંસ અને ગરૂડ ઉપર આરૂઢ થઇને બંન્ને વીર બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તેમના ગણો પણ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચાલતા યુદ્ધને જોવા માટે તમામ દેવતાઓ પોત પોતાના વિમાન લઇને આવ્યા.યુદ્ધનો અંત આવવાના કોઈ સંકેત ન જોઈને દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ચંદ્રશેખર ભગવાન મહેશ્વર જ્યાં વિરાજમાન છે તે શિવસ્થાન કૈલાશ શિખર પર જાય છે.ત્યાં દેવતાઓએ સભાની વચ્ચે સ્થિત મંડપમાં દેવી પાર્વતીજીની સાથે રત્નજડીત આસન ઉપર વિરાજમાન દેવશ્રેષ્ઠ ભગવાન શિવના દર્શન કરી દૂરથી તેમને દંડવત્ પ્રણામ કરી અને હકીકતથી વાકેફ કરે છે.દેવ શિરોમણી મહાદેવે દેવતાઓને આનંદિત કરતાં અર્થગંભીર-મંગલમય અને સુમધુર વચનો કહેતાં કહ્યું કે આપ સર્વે કુશળ તો છો ને? મારા અનુશાસનમાં જગત તથા દેવશ્રેષ્ઠ પોતપોતાના કાર્યો તો કરે છે ને? હે દેવતાઓ ! બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે ચાલતા યુદ્ધનું વૃતાંત તો મને પહેલેથી જ જ્ઞાત છે.ભગવાન શિવે બંનેને શાંત કરવા માટે યુદ્ધસ્થલી ઉપર જવા પોતાના સેંકડો ગણોને સભામાં હાજર થવા હુકમ કર્યો.

 

ઉમાપતિ પૂત્રો અને ગણો સહિત પ્રસ્થાન કર્યું પાછળ દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ચાલે છે.પશુપતિ ભગવાન શિવ ભગવતી ઉમાની સાથે સેનાસહિત બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં યુદ્ધ કરી રહ્યા હતા તે યુદ્ધભૂમિમાં આવી પહોંચે છે.તે બંન્નેનું યુદ્ધ જોઇને શિવજી છુપાઇને આકાશમાં સ્થિત થઇ જાય છે.ભગવાન શિવે જોયું કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ તેમના ઘાતક શસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર અને નારાયણસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છે જેની જ્વાળાઓથી ત્રણે લોક સળગવા લાગ્યા.નિરાકાર ભગવાન શિવ આ અકાલ પ્રલયને રોકવા અને બંન્નેનું અભિમાન દૂર કરવા ત્રિગુણાતીત પરમેશ્વરે તેમની ભયંકર વિશાળ 'અગ્નિસ્તંભ'ના રૂપમાં પ્રગટ થયા.સમગ્ર સંસારને નષ્ટ કરવાને સક્ષમ બ્રહ્માસ્ત્ર અને નારાયણસ્ત્ર બંન્ને દિવ્યાસ્ત્ર પોતાના તેજસહિત તે મહાન અગ્નિસ્તંભના પ્રગટ થતાં જ તત્ક્ષણ શાંત થઇ ગયાં.દિવ્યાસ્ત્રોને શાંત કરનાર આ આશ્ચર્યકારી અગ્નિસ્તંભને જોઇને તમામ પરસ્પર કહેવા લાગ્યા કે આ અદભૂત આકારવાળો સ્તંભ શું છે?

 

બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ અગ્નિનાસ્તંભને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને વિચારવા લાગ્યા કે આ દિવ્ય અગ્નિસ્તંભ કેવી રીતે પ્રગટ થયો? ચાલો તેની ઉંચાઇ-ઉંડાઇ અને તેના મૂળ સુધી જઇ તેની તપાસ કરીએ.આવો નિશ્ચય કરીને બંન્ને અભિમાની વીર તેની પરીક્ષા કરવા તૈયાર થાય છે.ભગવાન વિષ્ણુએ સૂકરનું રૂપ ધારણ કરી અગ્નિસ્તંભનું મૂળ શોધવા જાય છે અને બ્રહ્માજી હંસનું રૂપ ધારણ કરી તેનો અંત શોધવા જાય છે.પાતાળલોક સુધી જવા છતાં ભગવાન વિષ્ણુને અગ્નિ સમાન તેજસ્વી સ્તંભનો આધાર જોવા મળતો નથી તેથી તેઓ હારી-થાકીને સૂકરાકૃતિ વિષ્ણુ રણભૂમિમાં પરત આવી જાય છે.

 

આકાશમાર્ગથી જતાં બ્રહ્માજીને રસ્તામાં અદભૂત કેતકી(કેવડો)ના ફુલને નીચે પડતું જુવે છે.અનેક વર્ષોથી નીચે તરફ આવી રહેલ હોવા છતાં કેતકીનું ફુલ તાજું અને અતિ સુગંધયુક્ત હતું.બ્રહ્મા અને વિષ્ણુના આ વિગ્રહપૂર્ણ કૃત્યને જોઇને પરમેશ્વર ર્હંસી પડે છે જેના કંપનથી તેમનું મસ્તક હાલ્યું અને આ શ્રેષ્ઠ કેતકીનું પુષ્પ તે બંન્નેની ઉપર કૃપા કરવા નીચે પડે છે.બ્રહ્માજીએ તેને પુછ્યું કે હે પુષ્પરાજ ! તમોને કોને ધારણ કરી રાખ્યું હતું? અને તમે કેમ નીચે પડી રહ્યા છો? ત્યારે કેતકીએ જવાબ આપ્યો કે આ પુરાતન અને અપ્રમેય સ્તંભની વચ્ચેથી હું સૃષ્ટિની શરૂઆતથી એટલે કે ઘણા સમયથી નીચે તરફ પડી રહી છું તેમ છતાં આ અગ્નિસ્તંભની ઉત્પત્તિ કે આદિને જોઇ શકી નથી એટલે આપ પણ આ અગ્નિસ્તંભનો અંત જોવાની આશા છોડી દો.બ્રહ્માજીએ કહ્યું કે હું હંસનું રૂપ લઇને તેના અંતને જોવા માટે અહી આવ્યો છું. હવે હે મિત્ર ! મારૂં એક મનવાંચ્છિત કામ તારે કરવું પડશે.મારી સાથે આવીને તારે વિષ્ણુને એટલું કહેવાનું છે કે બ્રહ્માજીએ આ અગ્નિસ્તંભના છેડાને જોઇ લીધો છે અને હું વાતની સાક્ષી છું. કેતકીએ હા પાડી અને બ્રહ્માજીને વારંવાર પ્રણામ કરીને કહ્યું કે આપત્તિકાળમાં ખોટું બોલવામાં દોષ નથી-આવી શાસ્ત્રમાં આજ્ઞા છે.

 

અગ્નિસ્તંભનો અંત ના મળતાં રણભૂમિમાં અતિ પરીશ્રમથી થાકીને અને ઉદાસ વિષ્ણુને જોઇને બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે હરિ ! મેં આ અગ્નિસ્તંભના અગ્રભાગને જોયો છે અને તેની સાક્ષી આ કેતકીનું ફુલ છે,તે સમયે કેતકી ભગવાન વિષ્ણુ સામે જુઠું બોલે છે કે બ્રહ્માજીની વાત સાચી છે.ભગવાન વિષ્ણુએ આ વાતને સત્ય માનીને બ્રહ્માજીને શ્રેષ્ઠ માનીને તેમને પ્રણામ કરે છે અને બ્રહ્માજીનું ષોડશોપચાર પૂજન કરે છે.તે સમયે કપટી બ્રહ્માને દંડિત કરવા માટે તે પ્રજ્વલ્લિત સ્તંભ લિંગમાંથી મહેશ્વર પ્રગટ થાય છે.પરમેશ્વરને પ્રગટ થયેલા જાણીને ભગવાન વિષ્ણુ ઉભા થઇ કાંપતા હાથોથી તેમના પગ પકડી કહે છે કે હે કરૂણાકર ! આદિ અને અંત રહિત આપ પરમેશ્વરના વિશે મેં મોહબુદ્ધિથી ઘણો વિચાર કર્યો પરંતુ કામનાઓથી ઉત્પન્ન એ વિચાર સફળ ના થયો એટલે આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ,અમારા પાપોનો નાશ કરો અને અમોને ક્ષમા કરો,આ બધું આપની લીલાથી જ થયું છે.

 

ત્યારે મહેશ્વરે કહ્યું કે હે વત્સ હું તમારી ઉપર પ્રસન્ન છું કારણ કે શ્રેષ્ઠતાની કામના હોવા છતાં તમે સત્યવચનનું પાલન કર્યું છે એટલે લોકોમાં તમે મારા સમાન પ્રતિષ્ઠા અને સત્કાર પ્રાપ્ત કરશો.હવે આપની પૃથક મૂર્તિ બનાવીને પુણ્યક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે અને તેનું ઉત્સવપૂર્વક પૂજન થશે. ત્યારબાદ મહાદેવ શિવજીએ બ્રહ્માના અભિમાનને દૂર કરવાની ઇચ્છાથી પોતાની ભૃકુટીના મધ્યેથી ભૈરવ નામનો એક અદભૂત પુરૂષ ઉત્પન્ન કર્યો અને આજ્ઞા આપી કે આ જે બ્રહ્મા છે તે સૃષ્ટિના આદિ દેવતા છે તેમનો વધ કરી દો.તે સમયે ભૈરવે બ્રહ્માના વાળ પકડી અસત્ય બોલનાર તેમના પાંચમા મસ્તકને કાપી નાખ્યું.તે સમયે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની રક્ષા કરવા માટે ભગવાન શિવના ચરણોમાં હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ઇશ્વર ! આપે જ પહેલાં બ્રહ્માજીને પંચાનનરૂપ પ્રદાન કર્યું હતું એટલે તે આપના અનુગ્રહ કરવા યોગ્ય છે,તેમનો અપરાધ ક્ષમા કરો અને તેમની ઉપર પ્રસન્ન થાઓ.ભગવાન અચ્યુતની પ્રાર્થનાથી શિવજીએ પ્રસન્ન થઇ ભૈરવને રોક્યો અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમે શ્રેષ્ઠતા મેળવવાના ચક્કરમાં શઠેશત્વને પ્રાપ્ત થયા છો એટલે સંસારમાં તમારો સત્કાર નહી થાય તથા તમારા મંદિર કે પૂજનોત્સવ નહી થાય.

 

ભગવાન શિવે કહ્યું કે અનુશાસનનો ભય નહી રહેવાથી આખો સંસાર નષ્ટ થઇ જશે એટલે તમે દંડ આપવા યોગ્યને દંડ આપો અને આ સંસારની વ્યવસ્થા ચલાવો.અન્ય એક વરદાન આપું છું કે અગ્નિહોત્ર વગેરે વૈતાનિક અને ગુહ્ય યજ્ઞોમાં આપ શ્રેષ્ઠ રહેશો.સર્વાગપૂર્ણ અને પુષ્કલ દક્ષિણાવાળા યજ્ઞ તમારા વિના નિષ્ફળ થશે.ભગવાન શિવે ખોટી સાક્ષી પુરનાર કેતકીને શ્રાપ આપ્યો કે હે શઠ કેતકી ! તૂં દુષ્ટ છે, અહીથી દૂર ચાલી જા.મારી પૂજામાં તારૂં પુષ્પ નહી ચઢે.ત્યારે કેતકીએ કહ્યું કે આપની આજ્ઞાથી તો મારૂં જીવન જ નિષ્ફળ થશે.હે તાત ! મારો અપરાધ ક્ષમા કરી મારો જન્મ સફળ કરો.જાણે-અજાણે થયેલ પાપ આપના સ્મરણમાત્રથી નષ્ટ થાય છે તો પછી આપના પ્રભાવશાળી સાક્ષાત દર્શન કરનાર દોષી કેવી રીતે રહે? કેતકીની સ્તુતિથી પ્રસન્ન થઇ સદાશિવે કહ્યું કે હું સત્ય વક્તા છું એટલે મારી પૂજામાં તારૂં સ્થાન નહી રહે પરંતુ મારૂં પોતાનું સ્વરૂપ વિષ્ણુ વગેરે દેવગણ તને ધારણ કરશે અને મંડપ વગેરેના બહાને તૂં મારી ઉપર ઉપસ્થિત રહીશ.

 

પછી શિવજીએ કહ્યું કે હું જ આદિ-મધ્ય અને અંત છું.હું જ બ્રહ્માંડનું કારણ-ઉત્પત્તિકર્તા અને માલિક છું.તમે બંને મારામાંથી ઉત્પન્ન થયા છો.બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ મળીને જ્યોતિર્લિંગની પૂજા કરી. જગતનું કલ્યાણ કરવાની ઇચ્છાથી આ અગ્નિસ્તંભથી નિરાકાર પરમેશ્વર શિવે પોતાના લિંગ-ચિહ્નના કારણે લિંગનો આર્વિભાવ કર્યો.તે સમયથી લોકમાં પરમેશ્વર શિવના નિર્ગુણ લિંગ (નિષ્કલ અંગ-આકૃતિથી રહિત નિરાકાર સ્વરૂપનું પ્રતિક) અને સગુણ મૂર્તિ (સાકારરૂપનું પ્રતિક)ની પૂજા પ્રચલિત થઇ.

 

.

(૨૮) ભગવાન ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો.

.

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

.

ભગવાન ગણેશને હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું હતું તેથી તેઓ ગજાનન કહેવાયા અને માતા-પિતાના રૂપમાં પૃથ્વીની સૌ પ્રથમ પરિક્રમા કરવાને લીધે અગ્રપૂજ્ય બન્યા.બધા દેવતાઓને તેમની સ્તુતિ કરી પરંતુ ચંદ્ર ધીરે-ધીરે હંસતાં હતા.ચંદ્રને પોતાની સુંદરતા પર અભિમાન હતું.ગણેશજી સમજી ગયા કે ચંદ્ર અભિમાનવશ તેમનો ઉપહાસ ઉડાવી રહ્યા છે તેથી ક્રોધના આવેશમાં આવીને ભગવાન શ્રીગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો હતો તેની કથા જોઇએ. 

.

એક પુરાણ કથા અનુસાર પરમપિતા બ્રહ્મા સ્વયં મહર્ષિ વ્યાસ આગળ શ્રીગણેશની મહત્તાનું વર્ણન કરતાં કહે છે કે એક દિવસ હું ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયો હતો,એ જ સમયે નારદજી પણ ત્યાં આવ્યા હતાં.નારદજીએ એક અપૂર્વ ફળ ભગવાન શંકરને અર્પણ કર્યું. ભગવાન શંકરની નજીકમાં જ કાર્તિકેય અને ગજાનન બંને બેઠા હતાં,એ ફળ જોઈ બંને જણાં ઝઘડવા માંડ્યા. ભગવાન શંકર પણ વિચારમાં પડી ગયા કે આ ફળ કોને આપવું? તેમણે મને પૂછ્યું કે આ ફળ કોને આપવું? એ વખતે મારી બાજુમાં કાર્તિકેય બેઠા હતાં તેમને આપવાનું મેં ભગવાન શંકરને કહ્યું.ભગવાન શંકરે મારા કહેવાથી ફળ કાર્તિકેયને આપ્યું એટલે ગણપતિ મારા ઉપર ગુસ્સે થઈ ગયા,પછી હું બ્રહ્મલોકમાં આવ્યો અને મારા નિત્યક્રમ મુજબ સૃષ્ટિની રચના કરવામાં વ્યસ્ત બન્યો એ જ સમયે ગણપતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મને ડરાવવા લાગ્યા,મને ડરેલો જોઈ ચંદ્ર ઘણા જ આનંદમાં આવી ગયા એટલું જ નહીં પરંતુ ગણપતિનું અતિવિશાળ અને ઉગ્ર રૂપ જોઈ ચંદ્રએ ભગવાન ગણેશની કુચેષ્ટા કરી અને અટ્ટહાસ્ય કર્યું.આ જોઈ ગણપતિજી અતિ ક્રોધિત થયા અને ચંદ્રને શાપ આપતાં કહ્યું કે..

.

આદર્શનિય સ્ત્રઈલોક્યા મદવાક્યાત્વં ભવિષ્યસિ,

કદાચિત્કેન દ્રષ્ટઃ સ મહાપાતકવાન્ ભવેત..

.

હે ચંદ્ર ! હવે તું મારા વાક્યથી ત્રિલોકમાં કોઈને દર્શન કરવા યોગ્ય નહીં રહે.જો કોઈ કદાચ તને જોશે તો એ મહાપાપી થશે એમ કહીને ગણપતિજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા.ચંદ્ર શ્રીહિન અને મલિન થઈ ગયા અને અત્યંત દુઃખી થઈને મને કહેવા લાગ્યો કે મેં સર્વેશ્વર ભગવાન ગજાનન પ્રત્યે દુરાચરણ કર્યું છે એટલે જ હું બધા લોકો માટે અદર્શનીય-વર્ણહિન અને મલિન થઈ ગયો છું,હવે હું ફરીથી ક્યારે મારી કળાઓને ધારણ કરીશ? ક્યારે હું સુંદર અને સુખદ થઈશ? ચંદ્રના શોકથી અને મલિનતાથી દેવો પણ દુઃખી થયા અને ઈન્દ્રાદિ દેવોએ ભગવાન ગણેશ પાસે પહોંચીને એમની ભક્તિપૂર્વક સ્તુતિ કરી કે આપ સંપૂર્ણ સંસારના માટે વંદનીય છો.આપ નિર્ગુણ સ્વરૂપ હોવા છતાં પણ ગુણવાનોના ગુણોના કર્તા છો.અમે તમામ દેવતાઓ તમારા શરણમાં આવ્યા છીએ.હે ઇશ્વર ! તમામ જગત આપના શ્રાપથી ભયભીત છે,અમારી રક્ષા કરો.ચંદ્રમાના અપરાધના કારણે અમારા તમામ ઉપર કષ્ટ આવેલ છે.

.

ભગવાન ગણેશ એમની સ્તુતિથી પ્રસન્ન થયા અને એમને વરદાન માંગવાનું કહ્યું.દેવતાઓએ કહ્યું કે આપ ચંદ્રમા પર અનુગ્રહ કરો એ જ અમારી પ્રાર્થના છે.ભગવાન ગણેશે કહ્યું કે હે દેવો ! હું મારૂં વચનને કેમ કરીને મિથ્યા કરૂં? પરંતુ શરણે આવેલાનો ત્યાગ પણ સંભવ નથી.સુમેરુ પોતાના સ્થાનથી ચલિત થાય,સૂર્યનું પતન થાય,અગ્નિ શીતળ થઈ જાય અને સાગર પોતાની મર્યાદા છોડી દે પણ મારૂં વચન મિથ્યા થશે નહીં. હવે હું છેલ્લો તેનો અનુગ્રહ કરૂં છું.

.

ભાદ્રશુક્લચતુર્થયામ યો જ્ઞાનતોડજ્ઞાનતોડપિ,

અભીશાપિ ભવેચ્ચંદ્રદર્શનાદ્ ભૃશદુઃખભાક્ કેગ..

.

જે મનુષ્ય જાણતાં અથવા અજાણતાં ભાદરવા વદ ચતુર્થીએ ચન્દ્રનું દર્શન કરશે તે અભિશાપ પામશે અને તે વ્યક્તિને અધિક દુઃખ ભોગવવું પડશે.આમ શ્રીગણેશે ચંદ્રદેવના શ્રાપને હળવો કરી એક દિવસ પૂરતો સિમીત કરી દીધો.ભગવાન ગજાનનની અનુકંપાથી સર્વે દેવો કૃતકૃત્ય થયા અને એમણે સાષ્ટાંગ પ્રણામ કરી પુષ્પવૃષ્ટિ કરી,એ પછી સૌએ ચંદ્રને એના અપરાધ માટે દોષ આપ્યો અને ગણપતિને પ્રસન્ન કરવા ચંદ્રને તપ કરવાનું અને એકાક્ષર મંત્રનો જાપ કરવાનું દેવોએ કહ્યું.ત્યારપછી ચંદ્રે ગંગાના દક્ષિણતટ પર એકાગ્રચિત્તથી અને શુદ્ધ અંત:કરણથી ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો જાપ કર્યો,એની ઉગ્ર તપશ્ચર્યાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કહ્યું કે હે ચંદ્ર ! તને તારૂં પૂર્વનું સુંદર રૂપ પ્રાપ્ત થશે પરંતુ ભાદરવા વદ ચતુર્થીએ જે તને જોશે એ વ્યક્તિ નિશ્ચિત રીતે અભિશપ્ત થશે એટલે એ દિવસે તો તું અદર્શનિય રહીશ પરંતુ કૃષ્ણ પક્ષની ચતુર્થીએ જ્યારે લોકો મારૂં વ્રત કરશે ત્યારે પહેલાં તારૂં દર્શન દરેકે કરવું જ પડશે એમાં તારો ઉદય થયા પછી તારી અને મારી સૌએ પૂજા કરવી જ પડશે નહી તો વ્રતનું ફળ મળશે નહીં.તારી એક કળા પણ મારા લલાટમાં સ્થિર થશે એને ભૂષણરૂપ ગણી મારા મસ્તક પર ધારણ કરીશ અને આજ પછી પ્રત્યેક માસની સુદ બીજના દિવસે લોકો પ્રેમથી તારાં દર્શન કરશે.

.

આવું વરદાન પામવાથી ચંદ્રની મલિનતા નષ્ટ થઈ ગઈ અને એ પૂર્વવત્ સુંદર-શ્રીયુક્ત અને સર્વેને વંદન કરવા યોગ્ય બની ગયા.ચંદ્રે કૃતકૃત્ય થઈ એ સ્થાને ભગવાન ગજાનનની મૂર્તિની સ્થાપના કરી,એ મૂર્તિના મસ્તક પર ચંદ્રકલા હોવાથી એનું નામ ભાલચંદ્રએવું રાખવામાં આવ્યું અને એ સ્થળને સિદ્ધક્ષેત્રએવું નામ આપવામાં આવ્યું આમ ચંદ્રનો ભગવાન ગણેશે ઉદ્ધાર કર્યો.

.

 

(૨૯) રાજાચંદ્રસેનને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો હતો.

 

હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.

 

શૂરસેન દેશમાં ચક્રવર્તિ સમ્રાટ ચિત્રકેતૂ મહારાજ રાજ્ય કરતા હતા.તેમને અનેક રાણીઓ હતી આમ હોવા છતાં તેઓ સ્વયં સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ હોવા છતાં તેમણે તે રાણીઓ પૈકીની કોઇના પણ ગર્ભથી કોઇ સંતાન ના થયું.મહારાજ ચંદ્રકેતૂને કોઇ વાતની કમી નહોતી.તે સર્વગુણ સંપન્ન હતા.તેઓ સમગ્ર પૃથ્વીના ચક્રવર્તિ સમ્રાટ હોવા છતાં પત્નીઓ નિઃસંતાન હોવાથી તેમને ભારે ચિંતા રહેતી હતી.એક દિવસ શ્રાપ અને વરદાન આપવામાં સમર્થ ઋષિ અંગિરા રાજા ચંદ્રકેતૂના મહેલમાં પધારે છે.રાજાએ આદરપૂર્વક પૂજા કરી અને તેમના ચરણોમાં શાંતભાવે જમીન ઉપર બેસી જાય છે.અંગિરા ઋષિ રાજાના કુશળક્ષેમ પુછે છે.જેનું મન વશમાં હોય છે તેનાં તમામ વશમાં રહે છે,આમ હોવા છતાં હે રાજન ! તમે પોતે સંતુષ્ટ નથી.તમારી કોઇ કામના અધુરી રહી છે.તમારા ચહેરા ઉપર ચિંતાના ચિન્હ દેખાય છે.

 

ઋષિ અંગિરાના પુછવાથી ચિત્રકેતૂ રાજાએ વિનયપૂર્વક કહ્યું કે મને પૃથ્વીનું સામ્રાજ્ય,ઐશ્વર્ય અને સંપત્તિઓ મળેલ છે પરંતુ મારે સંતાન ન હોવાથી આ સુખભોગોથી જરાય શાંતિ મળતી નથી.હું આ કારણથી દુઃખી છું. હવે તમે અમોને સંતાન પ્રાપ્તિ થાય તેવું કંઇક કરો.જ્યારે રાજા ચંદ્રકેતૂ આ પ્રાર્થના કરી ત્યારે સર્વસમર્થ અને પરમકૃપાળુ બ્રહ્માજીના પૂત્ર ભગવાન અંગિરાએ ત્વષ્ટા દેવતાને કહી યોગ્ય ચરૂં બનાવડાવ્યો.રાજા ચંદ્રકેતૂની રાણીઓમાં સૌથી મોટા અને સદગુણશાળી મહારાણી કૃતધૃતિને યજ્ઞનો અવશેષ પ્રસાદ આપ્યો અને રાજા ચંદ્રકેતૂને કહ્યું કે તમારી આ પત્નીના ગર્ભથી એક પૂત્ર થશે જે તમોને હર્ષ અને શોક બંન્ને આપશે.આમ કહીને અંગિરા ઋષિ ચાલ્યા ગયા.યજ્ઞનો જે અવશેષ પ્રસાદ આરોગવાથી મહારાણી કૃતધૃતિએ ગર્ભ ધારણ કર્યો અને યોગ્ય સમયે પૂત્રને જન્મ આપ્યો,જેના સમાચાર જાણીને શૂરસેન દેશની પ્રજા આનંદિત થઇ.રાજાએ પૂત્રના જાતકર્મ સંસ્કાર કરાવ્યા,બ્રાહ્મણોને દાન આપ્યું.ઘણા વર્ષો પછી જન્મેલ પૂત્રમાં રાજાનું સ્નેહબંધન દ્રઢ થવા લાગ્યું.માતા કૃતધૃતિએ પણ પોતાના પૂત્ર ઉપર મોહના કારણે ઘણો જ પ્રેમ હતો પરંતુ તેમની શોક્ય રાણીઓના મનમાં પોતાની અધુરી પૂત્ર કામનાથી ઇર્ષ્યા થવા લાગી.રાજા ચિત્રકેતૂનો બાળકની માતા કૃતધૃતિ ઉપર જેટલો પ્રેમ હતો તેટલો બીજી રાણીઓ ઉપર પ્રેમ રહ્યો નથી.એક તો બીજી રાણીઓને સંતાન ન હોવાથી દુઃખી અને બીજી બાજુ રાજા ચિત્રકેતૂ દ્વેષના કારણે રાણીઓની બુદ્ધિ નષ્ટ થઇ.તેમના ચિત્તમાં ક્રૂરતા વ્યાપી તેથી તેમને દ્વેષપૂર્વક નાનકડા રાજકુમારને ઝેર આપ્યું.આ જાણીને રાણી કૃતધૃતિ ધરતી પડી અને હૈયાફાટ રૂદન કરવા લાગી.રાજા ચંદ્રકેતૂને જ્યારે ખબર પડી કે તેમના પૂત્રનું મૃત્યુ થયું છે ત્યારે અત્યંત સ્નેહના કારણે શોકના આવેગથી તેમની આંખો આગળ અંધકાર છવાઇ ગયો અને બંન્ને પતિ-પત્ની અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યાં.મહારાણી ટિટોળીની જેમ ઉંચા સાદે રૂદન કરી વિધાતાને કહે છે કે સાચે જ તૂં મહામૂર્ખ છે કે તૂં પોતાની સૃષ્ટિને પ્રતિકૂળ કામ કરે છે.ભારે નવાઇની વાત એ છે કે ઘરડાં-બુઢ્ઢાં જીવતાં રહે અને બાળકો મૃત્યુ પામે ! આખું નગર શોકથી બેહોશ જેવું થઇ ગયું.

 

મહર્ષિ અંગિરા અને દેવર્ષિ નારદજીએ જોયું કે રાજા ચિત્રકેતૂ પૂત્રના શોકના કારણે ચેતનાહીન થઇ રહ્યા છે, તેમને સમજાવનાર પણ કોઇ નથી ત્યારે તે બંન્ને ત્યાં આવી પહોચી ચિત્રકેતૂ રાજાને ઉપદેશ આપતાં કહે છે કે રાજન ! જેના માટે તમે આટલો શોક કરી રહ્યા છો તે આ જન્મમાં અને તેના પહેલાંના જન્મોમાં તમારો કોણ હતો? તેના તમે કોણ હતા? અને આવનારા જન્મોમાં પણ તેની સાથે તમારો શું સબંધ હશે? જેમ જળના વેગના લીધે રેતીના કણ એકબીજા સાથે જોડાય છે તેવી રીતે સમયના પ્રવાહમાં પ્રાણીઓનું મળવું અને છુટા પડવું બનતું જ રહે છે.રાજન ! અમે-તમે અને આપણી સાથે આ જગતમાં જેટલાં પણ પ્રાણીઓ વિદ્યમાન છે તે બધાં પોતાના જન્મ પહેલાં ન હતા અને મૃત્યુ પછી નહી હોય,એનાથી સિદ્ધ થાય છે કે આ સમયે પણ તેમનું અસ્તિત્વ નથી કારણ કે સત્ય વસ્તુ તો હરહંમેશાં એક સરખી જ હોય છે.ભગવાન જ તમામ પ્રાણીઓના અધિપતિ છે,એમનામાં જન્મ-મૃત્યુ વગેરે વિકારો બિલ્કુલ નથી.તેમને ઇચ્છા કે અપેક્ષા નથી.તેઓ આપોઆપ જ પરતંત્ર પ્રાણીઓની સૃષ્ટિ રચે છે અને તેમના થકી જ અન્ય પ્રાણીઓની રચના, તેમનું પાલન અને તેમનો સંહાર કરે છે.જેમ એક બીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે તેવી રીતે પિતાના દેહ વડે માતાના દેહમાંથી પૂત્રનો દેહ ઉત્પન્ન થાય છે,જેવી રીતે માટીના ઘડામાં ઘડો ફુટી જાય તો પણ તેનો મૂળ પદાર્થ માટી શાશ્વત રહે છે,આકાર જ નષ્ટ થાય છે તે જ પ્રમાણે જીવ જે દેહી છે તે શાશ્વત છે અને શરીર નાશવાન છે.દેહ અને દેહીનું આ વિભાજન પણ આનાદિ છે અને તે અવિદ્યાના કારણે કલ્પિત છે.રાજા ચંદ્રકેતૂ કહે છે કે હું વિષયભોગોમાં ફસાયેલો મૂઢબુદ્ધિ છું અને અજ્ઞાનના ઘોર અંધકારમાં ડૂબી રહ્યો છું.આપ જ્ઞાનના દિપક વડે મને પ્રકાશિત કરો.

 

મહર્ષિ અંગિરાએ કહ્યું કે રાજન ! જ્યારે તમે પૂત્ર માટે કામના કરી હતી ત્યારે મેં જ તમોને પૂત્ર આપ્યો હતો.ભગવાનનો અને બ્રહ્મજ્ઞાનીઓનો ભક્ત હોય તેને કોઇપણ અવસ્થામાં શોક કરવો જોઇએ નહી. સંસારમાં જેને મારાં કહીએ છીએ તે બધાં જ અનિત્ય છે.જીવાત્માનું આ શરીર કે જે પાંચ મહાભૂતો(પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ) પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ,કાન,નાક,જીભ અને ત્વચા)પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ,વાણી,ગુદા અને ઉપસ્થ)નો સંઘાત છે તે જીવને વિવિધ પ્રકારના ક્લેશ અને સંતાપ આપનારૂં કહેવાય છે તેથી તમે વિષયોમાં ભટકતા પોતાના મનને રોકીને શાંત કરો,સ્વસ્થ કરો તથા આ દ્વેતની ભ્રાંતિમાં નિત્યત્વની બુદ્ધિ ત્યજીને પરમશાંતિ સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થઇ જાઓ.દેવર્ષિ નારદે કહ્યું કે રાજન ! તમે મારી પાસેથી એકાગ્રચિત્ત થઇને આ મંત્ર ઉપનિષદનું શ્રવણ કરો.આને ધારણ કરવાથી સાત રાત્રિમાં તમોને ભગવાન શ્રીસંકર્ષણનું દર્શન થશે.દ્વેતની ભ્રાંતિ દૂર થશે,પરમપદને પ્રાપ્ત કરી લેશો.

 

દેવર્ષિ નારદે મૃત રાજકુમારના જીવાત્માને શોક વિહ્વળ સ્વજનોની સામે પ્રત્યક્ષ બોલાવીને કહ્યું કે હે જીવાત્મા ! તારૂં કલ્યાણ થાઓ.જો તારા માતાપિતા કે સગાંસબંધીઓ તારા વિયોગથી અત્યંત શોક વિહ્વળ થઇ રહ્યાં છે તેથી તૂં પોતાના શરીરમાં પાછો આવી જા અને બાકીનું આયુષ્ય પોતાના સગાસબંધીઓની સાથે પસાર કર અને રાજ્યશાસન કર.ત્યારે જીવાત્મા કહે છે કે હે દેવર્ષિ ! હું પોતાના કર્મોનુસાર દેવ, મનુષ્ય,પશુ-પક્ષી વગેરે યોનિઓમાં કોણ જાણે કેટલાયે જન્મોથી ભટકી રહ્યો છું,એ પૈકીના ક્યા જન્મમાં આ લોકો મારા માતા-પિતા થયાં? જુદા જુદા જન્મોમાં બધાં જ એકબીજાના ભાઇભાંડુ,શત્રુ-મિત્ર,મધ્યસ્થી, ઉદાસીન અને દ્વેષી થતાં રહે છે.જીવ નિત્ય અને નિરહંકાર છે.તે ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી જ શરીરને તે પોતાનું સમજે છે.આ જીવ નિત્ય,અવિનાશી,સૂક્ષ્મ,જન્મ-મરણથી રહિત,સર્વનો આશ્રય અને સ્વયં પ્રકાશ છે.આ જીવમાં સ્વરૂપથી જન્મ-મૃત્યુ વગેરે કશું જ નથી અને તેમછતાં પણ તે ઇશ્વરરૂપ હોવાના કારણે પોતાની માયાના ગુણોથી જ સ્વયં પોતાને વિશ્વના રૂપમાં પ્રગટ કરી દે છે.આ આત્માને કોઇ પ્રિય કે અપ્રિય નથી,કોઇ પારકું કે પોતાનું નથી.આત્મા કાર્યકારણનો સાક્ષી અને સ્વતંત્ર છે તેથી એ શરીર વગેરેના ગુણદોષ કે કર્મફળને ગ્રહણ કરતો નથી,હંમેશાં ઉદાસીનભાવે સ્થિત રહે છે.તે જીવાત્મા આ પ્રમાણે કહીને ચાલ્યો ગયો.તેનાં સગાંસબંધીઓ તેની વાત સાંભળીને અત્યંત વિસ્મય પામ્યાં. તેમનું સ્નેહબંધન કપાઇ ગયું અને તેમનો તેના મરવાનો શોક પણ જતો રહ્યો,એ પછી સાગાંવ્હાલાંએ બાળકનું શબ લઇ અંતિમ સંસ્કાર કર્યા.

 

એક દિવસ ભગવાને આપેલ તેજોમય વિમાન પર સવાર થઇને રાજા ચિત્રકેતૂ ક્યાંક જઇ રહ્યા હતા.તે સમયે તેમને જોયું કે ભગવાન શિવ મોટા-મોટા મુનિઓની સભામાં સિદ્ધો-ચારણોની વચ્ચે બેઠા હતા અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરેલ છે.આ જોઇને ચિત્રકેતૂ વિમાન પર આરૂઢ થઇને જ તેમની પાસે જઇ પહોચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી ર્હંસીને કહેવા લાગ્યો કે શું આ જ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરૂદેવ છે? શું આ સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે? આમના હાલ જુઓ.ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોંટીને બેઠા છે ! જટાધારી ઘણા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજ્જપણે પત્નીને ખોળામાં લઇને બેઠા છે !

 

ભગવાન શિવની બુદ્ધિ અગાધ છે,તેઓ ચિત્રકેતૂના આ કટાક્ષવચનો સાંભળીને ર્હંસી પડ્યા પણ કશું બોલ્યા નહી.ચિત્રકેતૂને ભગવાન શિવના પ્રભાવની ખબર નહોતી એટલે તેમના વિશે ઘણુંબધું ખરૂં-ખોટું અશોભનીય બોલી રહ્યા હતા.ચિત્રકેતૂને એ વાતનો ઘમંડ થઇ ગયો હતો કે હું જીતેન્દ્રિય છું.માતા પાર્વતીજી એ તેમની ઘૃષ્ટતા જોઇને ક્રોધપૂર્વક કહ્યું કે બ્રહ્મા વગેરે મોટા-મોટા મહાપુરૂષો જેમના ચરણકમળોનું ધ્યાન ધરતા રહે છે તે જગતગુરૂ ભગવાન શિવનો આ અધમ ક્ષત્રિય રાજાએ તિરસ્કાર કર્યો છે તેની આ ઘૃષ્ટતા દંડને પાત્ર છે,આને પોતાના મોટાપણાનો ઘમંડ છે.આ મૂર્ખ ભગવાન શ્રીહરિના ચરણકમળોમાં રહેવાને લાયક નથી માટે હે દુર્બુદ્ધિ ! તૂં પાપમય અસુરયોનિમાં જા.એમ થવાથી તૂં ફરી ક્યારેય કોઇ મહાપુરૂષનો અપરાધ નહી કરે.માતા પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતૂને આ પ્રમાણે શ્રાપ આપ્યો ત્યારે તે વિમાન પરથી ઉતરી માથું નમાવી માતા પાર્વતીજીને પ્રસન્ન કરવા લાગ્યો કે હે માતા ! હું તમારા શ્રાપનો સ્વીકાર કરૂં છું. આ જીવ અજ્ઞાનના લીધે મોહિત થાય છે અને સંસારના ચકરાવામાં ભટકતો રહે છે,સુખ-દુઃખ ભોગવતો રહે છે આપ મને ક્ષમા કરો.

 

આ જ વિદ્યાધર ચિત્રકેતૂ દાનવયોનિનો આશ્રય લઇને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા. જ્યાં તેમનું નામ વૃત્તાસુર હતું અને ત્યાં પણ તેઓ ભગવાનના સ્વરૂપના જ્ઞાન અને ભક્તિથી પરીપૂર્ણ રહ્યા હતા.અંતે મહર્ષિ દધીચિના હાડકામાંથી બનેલ વજ્રથી ઇન્દ્રના હાથે તેમનું મૃત્યુ થાય છે જે કથા સર્વ વિદિત છે.

 

 

(૩૦) માતા પાર્વતીજીએ ભગવાન શિવ-નારાયણ અને નારદજીને શ્રાપ આપ્યો હતો.

 

ખૂબ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવે ચૌસરનો ખેલ બનાવ્યો હતો.પુરાણોમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી ચૌસર રમતા હોવાનું વર્ણન છે.આજે પણ એવી માન્યતા છે કે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મંદિરમાં શિવ અને પાર્વતી રાત્રે ચૌસર રમે છે.દર વર્ષે શિવરાત્રી પર આ ચૌસર બોર્ડ બદલવામાં આવે છે પછી આખા વર્ષ દરમિયાન ગર્ભગૃહમાં દરરોજ રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ચૌસર-પાસાનું બોર્ડ મૂકવામાં આવે છે.આ પરંપરા અહીં હજારો વર્ષોથી ચાલી આવી રહી છે.આ મંદિર ભગવાન રામના પૂર્વજોએ બનાવેલ છે.

 

નર્મદા નદીના કિનારે આવેલું ઓમકારેશ્વર મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.ચાર ધામની યાત્રા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા વિના અધૂરી માનવામાં આવે છે.પુરાણો અનુસાર આ મંદિરની સ્થાપના ભગવાન શ્રીરામના પૂર્વજ ગણાતા રાજમાંધાતા દ્વારા કરવામાં આવી હતી.આ મંદિર વૈદિક કાળનું છે.ભગવાન શિવના સોળ સોમવારના ઉપવાસની વાર્તામાં પણ તેનો ઉલ્લેખ છે,એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને પાર્વતી દરરોજ રાત્રે અહી ચૌસર-પાસા રમવા માટે અહીં આવે છે.દરરોજ રાત્રિના શયન આરતી પછી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સામે એક ચૌસર બોર્ડ લગાવવામાં આવે છે.મંદિરની સ્થાપનાથી જ આ પરંપરા ચાલી આવી છે.ઘણી વખત એવું બન્યું છે કે રાત્રે શયન અને પાસાને તેમના સ્થાન પરથી દૂર કરવામાં આવ્યા હોય અને સવારે અલગ જગ્યાએ મળી આવ્યા હતા.

 

ઓમકારેશ્વર એકમાત્ર એવું મંદિર છે જ્યાં દરરોજ ગુપ્ત આરતી કરવામાં આવે છે.આ સમય દરમિયાન પૂજારીઓ સિવાય કોઈને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી હોતી નથી,જેની શરૂઆત રાત્રે ૮.૩૦ વાગ્યે રૂદ્રાભિષેકથી શરૂ થાય છે.અભિષેક પછી પૂજારીઓ દરવાજા બંધ કરે છે અને શયન આરતી કરે છે. આરતી પછી દરવાજા ખોલવામાં આવે છે અને ચૌસર અને પાસાને ગોઠવીને ફરીથી બંધ કરવામાં આવે છે.દર વર્ષે શિવરાત્રી પર ભગવાન માટે નવી ચૌસર અને પાસાને લાવવામાં આવે છે.બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શિવે પોતે ચૌસરનું બોર્ડ બનાવ્યું હતું.એક દિવસ મહાદેવે દેવી પાર્વતીને કહ્યું કે તેમણે એક નવી રમત બનાવી છે.તેમની વિનંતી પર બંનેએ ચૌસરની રમત રમવાનું શરૂ કર્યું.મહાદેવે ચૌસર બનાવ્યું હોવાથી તે સતત જીતતા રહ્યા.

 

છેલ્લે માતા પાર્વતીએ કહ્યું કે આ અન્યાયી છે.જો તે રમત હોય તો તેના નિયમો પણ હોવા જોઈએ. તેમના આમ કહેવાથી મહાદેવે ચૌસરના નિયમો બનાવ્યા.ચૌસરનો ખેલ ફરી એકવાર શરૂ થયો.આ વખતે માતા પાર્વતીજી વારંવાર જીતી ગયા અને થોડા જ સમયમાં ભગવાન શિવ બધું હારી ગયા.છેલ્લે ભગવાન શિવે લીલા કરીને કૈલાશને દાવ પર લગાવ્યો અને હારી ગયા.આ પછી ભગવાન શિવ હાર્યા અને દેવી પાર્વતી પર ગુસ્સે થયાનો ઢોગ કરીને પાંદડાથી બનેલું વસ્ત્ર પહેરીને ગંગા નદીના કિનારે જતા રહ્યા.થોડા સમય પછી જ્યારે તેમનો પૂત્ર કાર્તિકેય કૈલાશ પાછા ફર્યા અને તેમને ભગવાન શિવની માતા પાર્વતી સાથેની ચૌસરની રમતમાં હારી જવાની વાત જાણી.કાર્તિકેય તેમના પિતાને તેની માતા કરતાં વધુ પ્રેમ કરતા હતા.પોતાના પિતા ભગવાન શિવને પાછા લાવવા માટે તેમણે માતા પાર્વતીને ચૌસરની રમતમાં હરાવ્યાં અને ભગવાન શિવની બધી સંપત્તિ પરત મેળવી,તેઓ પોતાના પિતાને પાછા લાવવા ગંગાના કિનારે ગયા.માતા પાર્વતી દુઃખી હતાં કારણ કે તેમના પુત્ર કાર્તિકેયે મહાદેવની બધી સંપત્તિ જીતીને લઇ લીધી હતી અને તેમના પતિએ તેમને છોડી દીધાં હતાં.માતા પાર્વતીજીએ આ વાત તેમના પુત્ર ગણેશને કરી.ગણેશજી કે જે તેમની માતાને તેમના પિતા શિવ કરતાં વધુ પ્રેમ કરતા હતા.તેમનાથી આ દુઃખ સહન ના થયું અને તેમની માતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેઓ ભગવાન શિવની શોધમાં નીકળ્યા.

 

જ્યારે તે ગંગાના કિનારે ભગવાન શિવને મળ્યા ત્યારે તેમણે તેમની સાથે ચૌસરની રમત રમી અને પોતાની માયાનો ઉપયોગ કરીને તેમને હરાવ્યા અને તેમની બધી સંપત્તિ પાછી મેળવી લીધી. ભગવાન શિવની બધી સંપત્તિ લઈને ગણેશજી માતા પાર્વતી પાસે ગયા અને તેમને પોતાની જીતની જાણ કરી.ગણેશને એકલા આવેલા જોઈને માતા પાર્વતીએ કહ્યું કે તમારે તમારા પિતાને પોતાની સાથે લાવવા જોઈતા હતા,ત્યારપછી ગણેશજી ફરીથી ભગવાન શિવને શોધવા નીકળ્યા.ભગવાન શિવ ગણેશજીને હરિદ્વારમાં કાર્તિકેય સાથે ભ્રમણ કરતા હતા ત્યાં મળ્યા.

 

જ્યારે ગણેશજી ભગવાન શિવને કૈલાશ પર્વત પર પાછા ફરવા કહ્યું.ગણેશજીએ વારંવાર વિનંતી કરી ત્યારે ભગવાન શિવે કહ્યું કે જો તમારી માતા ફરી એકવાર મારી સાથે ચૌસર રમશે તો તેઓ તેમની સાથે રહેશે.ગણેશજીએ દેવી પાર્વતીને ભગવાન શિવની શરત વિશે જણાવ્યું અને માતાજીને તેમના પિતા શિવ પાસે લઈ ગયા,ત્યાં પહોંચીને દેવી પાર્વતીજીએ હસતાં હસતાં ભગવાન શિવને કહ્યું કે હે નાથ ! તમારી પાસે હવે ગુમાવવા માટે શું બાકી રહ્યું છે? ત્યારબાદ નારદે ભગવાન શિવને પોતાની વીણા દાવ પર લગાવવા માટે આપી.ભગવાન શિવની ઇચ્છાથી ભગવાન વિષ્ણુ પાસાના રૂપમાં ભગવાન શિવ સમક્ષ પ્રગટ થયા અને ભગવાન બ્રહ્મા મધ્યસ્થી તરીકે કામ કર્યું.આ વખતે ભગવાન શિવે વારંવાર ચૌસરની રમતમાં દેવી પાર્વતીને હરાવ્યાં.

 

જ્યારે દેવી પાર્વતી બધું હારી ગયા ત્યારે મહાદેવે હસતાં હસતાં રહસ્ય ખોલ્યું.ભગવાન શિવે દેવી પાર્વતી સાથે ફક્ત મજાક કરી હોવા છતાં દેવી પાર્વતી ખૂબ ગુસ્સે થઈ ગયાં.તેમણે ગુસ્સે થઈ ભગવાન શિવને શ્રાપ આપતાં કહ્યું કે તમારે હંમેશા ગંગાનો ભાર માથા પર રાખવો પડશે.દેવર્ષિ નારદજીએ મદદ કરી હોવાથી તેમને શ્રાપ આપ્યો કે તેઓ ક્યારેય એક જગ્યાએ સ્થિર નહી રહી શકે તથા ભગવાન વિષ્ણુને શ્રાપ આપતાં કહ્યું કે આપ જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરશો ત્યારે તમારે પત્નીનો વિયોગ થશે તથા માતા પાર્વતીજીએ તેમના મોટા પુત્ર કાર્તિકેય ઉપર ગુસ્સે થયાં અને તેમને શ્રાપ આપ્યો કે તે હંમેશા બાલ્યાવસ્થામાં જ રહેશે.પાછળથી માતા પાર્વતીજીને તેમને આપેલ શ્રાપ પર ક્ષોભ થયો અને તેમણે ભગવાન શિવ અને નારાયણને વિનંતી કરી કે ભગવાન શિવ-નારાયણ અને નારદજીને મેં આપેલ શ્રાપ નિષ્ફળ કરો પરંતુ ભગવાન વિષ્ણુએ કહ્યું કે આપ વિશ્વની માતા છો અને આપે આપેલ શ્રાપને રદ કરીને અમે આપનું અપમાન કરવા માંગતા નથી.આ કારણે ભગવાન શિવ-નારાયણ અને નારદજીને માતા પાર્વતી દ્વારા આપવામાં આવેલ શ્રાપ ભોગવવો પડ્યો હતો.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment