બોધકથા..લોભ
પાપનો બાપ છે.
એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા
હતા.જે ભગવાન શિવના મહાન ભક્ત હતા.પંડિતજી દરરોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પોતાના
નિત્યકર્મો પૂર્ણ કર્યા પછી ભગવાન શિવની પૂજા કરતા હતા.તેમને જે પણ દાન-દક્ષિણા મળતી
હતી તેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એટલા દયાળુ હતા કે જ્યારે પણ તેઓને
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ મળતા હતા ત્યારે તેઓ હંમેશા તેમની ક્ષમતા અનુસાર સેવા
કરતા હતા તેથી આ શિવના પરમભક્ત બ્રાહ્મણ ગરીબીમાં જીવન જીવતા હતા.
પંડિતજીના આ દાની સ્વભાવના કારણે
તેમની પત્નીને થોડી ચિડાઈ જતી હતી પરંતુ તેમની ભક્તિ પરાયણતાના કારણે તે તેમને ખૂબ
જ પ્રેમ કરતી હતી તેથી તેણીએ ક્યારેય તેમનું અપમાન કર્યું નહોતું.તે આડોશ-પડોશમાં ઘરકામ
કરીને જરૂરી પૈસા કમાતી લેતાં હતાં.એક સમય એવો આવ્યો કે જ્યારે મંદિરમાં દાન ઓછું આવવા
લાગ્યું જેના કારણે પંડિતજીને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.ઘરની મૂળભૂત આવશ્યકતાઓ
પૂરી ન થવાને કારણે બ્રાહ્મણ સ્ત્રી દુઃખી રહેવા લાગી.
મહાશિવરાત્રીનો દિવસ આવ્યો,તે
દિવસે પણ પંડિતજી હંમેશની જેમ બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને નિત્યકર્મો કરવા માટે નદીએ
ગયા.સંયોગથી તે સમયે માતા પાર્વતી અને ભગવાન શિવ તે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા,અચાનક
માતા પાર્વતીજીની નજર આ પંડિત ઉપર પડી.આજે મહાશિવરાત્રી હોવા છતાં પંડિતજી સામાન્ય
દિવસે જેટલા ઉત્સાહી હોય તેટલા ઉત્સાહી નહોતો.માતા પાર્વતીજીને સમજવામાં લાંબો સમય
ના લાગ્યો.તેમણે ભગવાન શિવને કહ્યું કે પ્રભુ ! આ બ્રાહ્મણ દેવતા દરરોજ તમારી ઉપાસના
કરે છે આમ હોવા છતાં આપને તેની ચિંતા નથી.પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવે
કહ્યું કે દેવી ! મારા ભક્તોની ચિંતા હું ના રાખું તો કોણ રાખશે? માતા
પાર્વતીએ કહ્યું કે તો પછી હે પ્રભુ ! આપે હજુ સુધી તેને મદદ કેમ નથી કરી?
ભગવાન શિવે કહ્યું કે દેવી ! આપ નિશ્ચિંત
રહો,આ
બ્રાહ્મણે અત્યાર સુધી જેટલા બિલ્વપત્રો શિવલિંગ ઉપર ચઢાવ્યાં છે,તે
બિલ્વપત્રો તેને આજે રાત્રે ધનવાન બનાવી દેશે.આ વાતચીત કરીને માતા પાર્વતી અને ભગવાન
શિવજી તો ચાલ્યા ગયા પણ સંયોગ તો જુઓ ! તે સમયે એક વેપારી ત્યાંથી પસાર થઈ રહ્યો
હતો,તેણે
છુપાઇને ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચેનો વાર્તાલાપ સાંભળી લીધો હતો.વેપારીએ લાલચમાં આવી વિચાર કર્યો કે શિવલિંગ ઉપર જો બિલીપત્રો ચઢાવવાથી
બ્રાહ્મણ ધનવાન બની શકે છે તો હું કેમ ધનવાન ન બની શકું? આવું
વિચારીને તે વેપારી બ્રાહ્મણના ઘેર ગયો અને બ્રાહ્મણને કહ્યું કે પંડિતજી ! આપે
અત્યાર સુધી જેટલા બિલિપત્રો શિવજીની પૂજામાં ચઢાવ્યા છે તે બધા મને આપો તેના બદલામાં
હું તમોને સો સોનાના સિક્કા આપીશ.
પંડિતજીએ તેમની પત્નીને પૂછ્યું
તો તેણીએ કહ્યું કે પુણ્યનું દાન કરવું યોગ્ય તો નથી પણ આપણે ધનની આવશ્યકતા છે
એટલે ભલે શેઠને આપી દો.પંડિતજીએ તમામ બિલિપત્રો કોથળો ભરીને શેઠને આપી દીધાં.બિલિપત્રોનો
કોથળો લઇને શેઠજી મંદિરમાં પહોંચ્યા અને શિવલિંગ ઉપર તમામ બિલિપત્રો ચઢાવીને તમાશો
જોવા લાગ્યા કે ક્યારે ભગવાન શિવ કૃપા કરે અને તેમને ધનવાન બનાવી દે તેની રાહ જોવા
લાગ્યા.
પ્રતિક્ષા કરતાં-કરતાં મધ્યરાત્રિ
થઈ ગઈ.શેઠજી ચમત્કાર જોવા માટે અધિરા બન્યા હતા.છેલ્લે રાત્રીનો ત્રીજો પ્રહર પસાર
થયા પછી શેઠની ધીરજ ખૂટી ગઈ અને ગુસ્સામાં તેણે શિવલિંગને હલાવવાનું શરૂ કર્યું. હવે
ચમત્કાર થયો ! શેઠના હાથ શિવલિંગ ઉપર જ ચોંટેલા રહી ગયા,તેમણે
ઘણા પ્રયત્નો કર્યા પણ તેમના હાથ હલ્યા પણ નહીં.હારી-થાકીને શેઠજીએ ભગવાન શિવ પાસે
ક્ષમાયાચના કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે લોભી શેઠ ! જે બ્રાહ્મણ
પાસેથી તમે આ બિલિપત્રો ખરીદ્યા છે તેને એક હજાર સોનામહોરો આપશો ત્યારે જ તમારા
હાથ મુક્ત થશે.
પ્રાતઃકાળ જ્યારે પંડિતજી પૂજા
કરવા માટે આવ્યા ત્યારે તેમને જોયું તો શેઠજીના હાથ શિવલિંગ સાથે ચોંટી ગયા હતા
અને શેઠજી રડી રહ્યા હતા.જ્યારે તેમણે પૂછ્યું ત્યારે શેઠજીએ કહ્યું કે પંડિતજી !
મારા પુત્રને જલ્દીથી એક હજાર સોનામહોરો લઈને મંદિરમાં આવવાનું કહો.પંડીતજીએ શેઠના
પુત્રને બોલાવ્યો અને શેઠે બ્રાહ્મણને એક હજાર સોનામહોરો આપી શેઠ મુક્ત થયા.હવે માતા
પાર્વતીજી ભગવાન શિવને પૂછે છે કે હે નાથ ! શું આપે હજુ સુધી આપના ભક્તને કોઇ ધન
નથી આપ્યું? ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી
! બ્રાહ્મણને બિલિપત્રોના બદલામાં ધન પ્રાપ્ત થઇ ગયું છે,મારો
ભક્ત હવે ગરીબ નથી.
લોભ એટલે લાલસા,લોલુપતા,તૃષ્ણા,વધારે
પડતી કરકસર,કંજૂસાઇ અને કૃપણતા.અમારે પણ
જીવનમાં કોઇપણ પ્રકારના લોભ-લાલચમાં ફસાયા વિના જીવન જીવવાનું છે.લોભ-મોહ-આસક્તિ
અને માન મેળવવાની ઇચ્છા એ સ્થાઇ દોષ છે તે નિરંતર મનમાં રહેલા હોય
છે.વિવેક-વેરાગ્ય અને સત્સંગના દ્વારા તેને દૂર કરી શકાય છે.લોભનો ત્યાગ એ
ભક્તિમાર્ગની પગદંડી છે.કામ,ક્રોધ,લોભ,મોહ,મદ
અને મત્સર-આ મનમાં નિત્ય રહેવાવાળા શત્રુઓ છે આને જે વશમાં કરી લે છે તે
જીતેન્દ્રિય પુરૂષ પા૫માં લિપ્ત થતો નથી.મમતાએ પા૫ની માતા છે અને લોભએ પા૫નો પિતા
છે.લોભ એ અનંતકાળનો વ્યાધિ છે.લોભથી બુદ્ધિ ચલાયમાન થાય છે.જેને મમત્વનો ત્યાગ
કર્યો છે તથા લોભ અને મોહને છોડી દીધા છે તે કામ-ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને
પ્રાપ્ત કરે છે.
લોભનો વિરોધી શબ્દ છે સંતોષ.મનુષ્ય
પોતાના જીવનમાં મોહ-માયા અને લોભ-લાલચમાં એટલો ડુબી જાય છે કે તેને પરમતત્વની
પ્રાપ્તિ થતી નથી,જ્યારે કોઇ ક્ષોત્રિય
બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે સંતોષ આવે છે.સંસારમાં
લોભથી તુચ્છ વિનાશકારી તત્વ બીજું કોઇ નથી,તમામ અનર્થોનું મૂળ લોભ છે,લોભથી
મનુષ્યની બુદ્ધિ અને વિવેક નાશ પામે છે તેથી તે પાપકર્મમાં પ્રવૃત્ત થાય
છે.ગીતામાં કામ-ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે.લોભના મોહમાં માનવને સારા
નરસાનું ભાન રહેતું નથી તેથી તે ન કરવાના કાર્યો કરી બેસે છે.લોભ સમાન કોઇ દુઃખ
નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી. પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળ્યું છે તેમાં સંતોષ
માની જીવન જીવવું પણ લોભ ન રાખવો.
એક મોટો જમીનદાર
હતો.તેના મનમાં વિચાર આવ્યો કે મારી પાસે જે જમીન છે તે પૈકી કેટલીક જમીન મારે
ગરીબોને આપવી જોઇએ.એક લોભી વ્યક્તિ જમીનદારની પાસે આવે છે અને કહે છે કે મારે પણ
જમીન જોઇએ છે.ત્યારે જમીનદાર કહે છે કે સારૂં..સવારે સૂર્યોદયથી ચાલવાનું શરૂ કરો
અને સૂર્યાસ્ત પહેલાં પરત આવવાનું રહેશે.આ સમયગાળા દરમ્યાન તમે જેટલું ચાલશો તેટલી
આંતરેલી જમીન તમારી.તેને ચાલવાનું શરૂ કર્યું ત્યાં નિશાની કરી અને વિચાર્યું કે
હું જેટલો વધુ ચાલીશ તેટલી જમીન મને વધુ મળશે તેવા લોભમાં ખાધા-પીધા વિના અવિરત
ચાલતો જ રહ્યો. જ્યારે સૂર્ય અસ્તાચળ તરફ ઢડ્યો ત્યારે તે ગભરાય છે કે હું ઘણા દૂર
નીકળી ગયો છું તો જ્યાંથી મેં ચાલવાની શરૂઆત કરી હતી ત્યાં કેવી રીતે પહોંચી શકીશ? અને જો હું પ્રારંભના સ્થાને નહી પહોંચું તો મને કંઇ
જ મળવાનું નથી.
આવી કલ્પનામાત્રથી તે
ઘણો જ દુઃખી થાય છે અને ભૂખ્યો-તરસ્યો દોડવા લાગે છે.શ્વાસ ચઢી જાય છે,પગ સાથ આપતા નથી અને સૂર્યાસ્ત પહેલાં જ તેના પ્રાણ
અસ્ત થઇ જાય છે.આસપાસના લોકોને ખબર પડે છે ત્યારે સગાવહાલા ભેગા મળી તેને
સ્મશાનમાં લઇ જાય છે ત્યાં તેના અગ્ન સંસ્કાર માટે ફક્ત સાડા ત્રણ હાથ જગ્યા તેના
માટે પર્યાપ્ત હતી.
આ બોધકથામાંથી આપણે
બધાએ એ બોધપાઠ લેવાનો છે કે અમોને પ્રારબ્ધકર્મ અનુસાર જેટલું મળ્યું છે તેમાં
સંતુષ્ટ રહેવું જોઇએ.લોભ અને લાલચના ચક્કરમાં પડવાથી અમારૂં અનિષ્ટ થાય છે તે યાદ
રાખવાની જરૂર છે.
મમતા પા૫ની માતા છે,લોભ
પા૫નો પિતા છે.આટલું મળી ગયું,આટલું વધારે મળી જાય,પછી
એમ મળતું જ રહે-એવી ધન,જમીન,મકાન,આદર,
પ્રસંશા,પદ,અધિકાર
વગેરેની તરફ વધતી જતી વૃત્તિનું નામ લોભ છે.કામનાને અનુકૂળ પદાર્થો મળતા રહેવાથી
લોભ પેદા થઇ જાય છે
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment