બ્રહ્મવેત્તાની દ્રષ્ટિમાં સમગ્ર સંસાર સચ્ચિદાનંદરૂપ છે.
જેનાથી
બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય,જેનાથી રહસ્યનો ઉકેલ આવે તેને ઉપનિષદ કહે
છે.ઉપનિષદ એક વિચારધારા છે.ઇશાવાસ્ય ઉપનિષદ કહે છે કે ભક્તિ એટલે દર્શન,ભક્તિએ કૃતિ નથી પણ વૃત્તિ છે,ભક્તિ એ જીવનનો
દ્રષ્ટિકોણ છે,તેનો અભ્યાસ કરવાથી જીવન નૈતિક બને છે,માર્ગદર્શન મળે છે.ઉપનિષદોનું જ્ઞાન સમજવું એટલું કઠિન છે કે જેને બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય સદગુરૂ પાસેથી બ્રહ્મજ્ઞાન
પ્રાપ્તિ કરી,ગુરૂના
વચનોનુસાર ચાલવાથી,ગુરૂના મુખારવિંદથી શ્રદ્ધાપૂર્વક સત્સંગ શ્રવણ
કરવાથી અને ત્યારપછી મનન કરવાથી શુદ્ધ અંતઃકરણવાળાને સમજાય છે.મનુષ્યને આત્યંતિક સુખ બહારના ભોગોથી પ્રાપ્ત થતું નથી,તેના માટે સત્ય-પરમાત્માનો સાક્ષાત્કાર કરવો જરૂરી છે.જેનું મન આ અપાર
સચ્ચિદાનંદસમુદ્ર પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઇ ગયું છે તેનું કૂળ પવિત્ર બની જાય છે.બ્રહ્મવેત્તાની
દ્રષ્ટિમાં સમગ્ર સંસાર સચ્ચિદાનંદરૂપ છે,તેમની દ્રષ્ટિમાં
દ્રષ્ટા-દ્રશ્ય અને દ્રષ્ટિમાં કોઇ ભેદ હોતો નથી.
ૐ
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય
પૂર્ણમાદાય પૂર્ણમેવાવ શિષ્યતે..
ૐ તે
પરબ્રહ્મ પરમાત્માનું નામ,તે પરમાત્મા પૂર્ણ છે,આ
જીવ કાર્યબ્રહ્મ પૂર્ણ છે.પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ થાય છે તથા પ્રલયકાળમાં પૂર્ણ-કાર્યબ્રહ્મની
બાદબાકી થવા છતાં તેની પૂર્ણતા અખંડ રહે છે.
‘તે પૂર્ણ છે’ તે એટલે બ્રહ્મ-પરમાત્મા.પૂર્ણ
હોવું એટલે કોઇ અધૂરપ ન હોવી એટલે પૂર્ણતા કહેવાય છે.ખામી કે ખોડનો અભાવ એટલે પૂર્ણતા.જે
પૂર્ણ હોય તે જ આદર્શ બને.આમ પરમાત્મા આપણા સહુના આદર્શ છે. પૂર્ણ પરમાત્મામાંથી
પૂર્ણ જીવાત્માનું સર્જન થાય છે,પૂર્ણ પરમાત્મામાંથી પૂર્ણ જીવાત્મા
નિકળવા છતાં પૂર્ણતા અકબંધ રહે છે.‘હું પૂર્ણ છું’ એવો ભાવ જાગે કે તરત આસપાસના તમામ સજીવ-નિર્જીવ પદાર્થોમાં પૂર્ણતા નજરે
પડે છે.‘જ્યાં જ્યાં નજર મારી ફરે,યાદી ભરી ત્યાં આપની’ જે રીતે સૂર્યોદય થતાં
અંધકાર આપોઆપ નાશ પામે તે રીતે મન સહજ રીતે શાંત થાય છે,સ્વાર્થ,લોભ,અભિમાન અને વેરભાવ દૂર ભાગે છે. ‘હું
અપૂર્ણ છું’ એવો ભાવ છૂટે અને ‘હું
પૂર્ણ છું’ એવો આત્મવિશ્વાસ જાગે આ યાત્રાનું નામ અધ્યાત્મ
છે.
ઉપનિષદોમાં
સૌથી પહેલું ઇશાવાસ્ય ઉપનિષદ છે.આવો તેના પ્રથમ શ્ર્લોકનું ચિંતન કરીએ..
બ્રહ્માંડમાં
જે કંઇ જડ-ચેતનરૂપ જગત છે તે ઇશ્વર પ્રભુ પરમાત્માથી વ્યાપ્ત છે તેથી અહંભાવનાનો
ત્યાગ કરીને ભોગવતા રહો પણ તેમાં આસક્ત ના થાઓ કેમકે ધન-ભોગ્યપદાર્થ કોઇના નથી
એટલે કોઇ બીજાના ધન ઉપર આસક્તિ ના રાખવી.(૧)
ઇશાવાસ્યમ્
એટલે ઇશ્વરે જગત ઢાંકી રાખ્યું છે,સૃષ્ટિ ભગવાનનું નિવાસસ્થાન છે,ભગવાન સર્વત્ર છે.આ જગતનું નિમિત્ત અને ઉપાદાનકારણ ભગવાન છે.ભગવાન
સર્વવ્યાપક છે,તેમને જગત નિર્માણ કર્યું છે,જે બદલાય છે તે જગત.જીવ અને જડપદાર્થ બદલાય છે.સ્વરૂપમાં વિકાર પામવાવાળો
જડ પદાર્થ,તેવી રીતે જ્ઞાનના ઓછા-વત્તા પ્રમાણને લીધે બદલતો
જીવ-આ બંન્ને જગત શબ્દમાં અભિપ્રેત છે.આખા વિશ્વના અણુ-પરમાણુમાં ભગવાન વસ્યા છે
તેથી ભક્તોને પ્રત્યેક વસ્તુમાં ભગવાન દેખાય છે પણ સામાન્ય માણસને જોવા મળતા નથી.સૃષ્ટિ
જોડે ત્રણ પ્રકારના સબંધ છે.ભોગસબંધ,ભાવસબંધ અને ભક્તિસબંધ.
સર્વ જીવન
ઇશ્વરમય છે એ જ્ઞાન છે પણ એનો બોધ ન હોવાથી આપણને વિષયો અને વિકારો ભયંકર લાગે
છે.વિષયો અને વિકારો ભગવાને જીવને રમકડાં તરીકે આપ્યાં છે.જીવને પોતાનાથી જુદો
કર્યો ત્યારે ભગવાનને લાગ્યું કે આ જીવ કોના આધારે જીવશે? તેથી
વિષયો-વિકારો તેને રમવા માટે આપ્યા છે,તેના તરફ તિરસ્કાર
કરવાથી જશે નહી.જ્યાંસુધી દ્વેત છે ત્યાંસુધી વિષયો રહેવાના જ ! તેનો ઉપભોગ સમજીને
કરવાનો છે,વિષયોનું ઉદાત્તીકરણ કરવાનું છે,દિશા બદલવાની છે.વિષયો-વિકારોની નિંદા કરનારા લોકો જગતનું રહસ્ય સમજ્યા
નથી.
પ્રભુ
પરમાત્માના સ્વરૂપમાં જીવ એકાગ્ર થવા લાગે ત્યારે તે વિશ્વને ભૂલી જાય છે.અહંભાવનો
ત્યાગ કરીને ભોગ ભોગવશો તો ડર ચાલ્યો જશે અને સુખથી ભોગવી શકશો.ભગવાનનો ભાગ કાઢીને
પછી ભોગવો.દેહધારણ પુરતો જ વસ્તુઓનો ઉપયોગ કરવો.આ શરીર મારૂં નથી,પ્રભુનું
છે.પ્રભુના કાર્ય માટે શરીર વાપરીશ અને શરીર ટકાવવા માટે જેટલા ભોગોની જરૂર છે
તેટલા જ ભોગો ભોગવીશ.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment