Sunday, 7 June 2026

ર્માં જગદંબાના નવ સ્વરૂપોનો આદ્યાત્મિક અર્થ અને ઉપાસનાની રીત..

 

ર્માં જગદંબાના નવ સ્વરૂપોનો આદ્યાત્મિક અર્થ અને ઉપાસનાની રીત..

પહેલા નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

 

        વંદે વાચ્છિવાચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્

        વૃષારૂઢાં શૂલધરાં શૈલપૂત્રી યશસ્વિનીમ્..

વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.ચાલુ વર્ષે ચૈત્ર સુદ એકમ તા.૯-૦૪-૨૦૨૪થી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપૂત્રીની ઉપાસના કરવામાં આવે છે.શૈલપૂત્રીએ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપૂત્રી તરીકે ઓળખાય છે.આવો..માતા શૈલપૂત્રીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં જન્મ ગ્રહણ કરતી કન્યા શૈલપૂત્રી સ્વરૂપ છે.

ર્માં દુર્ગા પોતાના પહેલા સ્વરૂપમાં શૈલપૂત્રીના નામથી જાણવામાં આવે છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પૂત્રીના રૂપમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપૂત્રી પડ્યું છે.વૃષભ-સ્થિતા આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ સુશોભિત છે.આ નવ દુર્ગામાં પ્રથમ દુર્ગા છે.

પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શંકરની સાથે થયો હતો.એકવાર પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો હતો, જેમાં તેમને તમામ દેવતાઓને પોત-પોતાનો યજ્ઞ-ભાગ પ્રાપ્ત કરવા માટે આમંત્રિત કર્યા હતા પરંતુ ભગવાન શિવને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું.

જ્યારે સતીએ જાણ્યું કે મારા પિતાજી એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યાં જવા માટે તેમનું મન વિહ્વળ બને છે.પોતાની આ ઇચ્છા તેમને ભગવાન શિવને બતાવી.તમામ વાતો ઉપર વિચાર કર્યા પછી ભગવાન શિવે કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઇક કારણસર આપણાથી નારાજ છે.તેમને આ યજ્ઞમાં તમામ દેવતાઓને પોતાનો યજ્ઞભાગ લેવા નિમંત્રિત કર્યા છે પરંતુ આપણને સમજી વિચારીને આમંત્રણ આપ્યું નથી.આવી સ્થિતિમાં આપણું ત્યાં જવું કોઇપણ રીતે શ્રેયકર નથી.ભગવાન શિવના આ ઉપદેશની સતી ઉપર કોઇ અસર ના થઇ અને પિતાનો યજ્ઞ જોવા,ત્યાં જઇને માતા અને બહેનોને મળવાની વ્યગ્રતા કોઇપણ રીતે ઓછી ના થઇ.

સતીનો પ્રબળ આગ્રહ જોઇને ભગવાન શિવે તેમને પિયર જવાની પરવાનગી આપી.સતીએ પોતાના પિતાના ઘેર પહોંચીને જોયું કે કોઇપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત કરતું નથી.તમામ લોકોએ તેમનાથી મોં ફેરવી લીધું.ફક્ત તેમની માતાએ સતીને સ્નેહથી આલિંગનમાં લીધાં.બહેનોની વાતોમાં વ્યંગ્ય અને ઉપહાસના ભાવ લાગ્યા.પરીજનોના આવા વ્યવહારથી તેમના મનમાં ઘણું જ દુઃખ થયું, તેમને એ પણ જોયું કે અહીયાં ચર્તુદિક્ ભગવાન શિવના પ્રત્યે તમામના મનમાં તિરસ્કારનો ભાવ હતો. દક્ષે તેમના પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દો પણ કહ્યા.આ બધું જોઇને સતીનું હ્રદય ક્ષોભ-ગ્લાનિ અને ક્રોધથી સંતપ્ત થયું.તેમને વિચાર્યું કે ભગવાન શિવની વાત ન માનીને મેં અહીયાં આવવાની મોટી ભૂલ કરી છે.

સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ના કરી શક્યાં અને તેમને પોતાના આ રૂપને તત્ક્ષણ જ યોગાગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું.વજ્રપાત સમાન આ દારૂણ દુઃખદ ઘટના જાણીને ભગવાન શિવ ક્રુદ્ધ થઇને પોતાના ગણોને મોકલીને દક્ષના યજ્ઞને પૂર્ણતઃ વિધ્વંશ કરી નાખ્યો.

સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરીને બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પૂત્રીના રૂપમાં જન્મ લીધો.આ વખતે તે શૈલપૂત્રીના નામથી વિખ્યાત થયાં.પાર્વતી,હૈમવતી વગેરે તેમનાં જ નામ છે. ઉપનિષદમાં આવતી કથા અનુસાર તેમને જ હૈમવતી સ્વરૂપ્થી દેવતાઓનું ગર્વ-ભંજન કર્યું હતું.

શૈલપૂત્રી દેવીનો વિવાહ ભગવાન શિવ સાથે થયો હતો.પૂર્વજન્મની જેમ આ જન્મે પણ તે ભગવાન શિવના અર્ધાગિની બન્યા.નવદુર્ગામાં પ્રથમ શૈલપૂર્તિ દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે.નવરાત્ર પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે.આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે.અહીથી તેમની યોગસાધનાની શરૂઆત થાય છે..

 

બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના

        દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ

દેવી પ્રસિદતૂ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા..

વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. આવો..માતા બ્રહ્મચારિણીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે.

ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણીનું છે.અહી બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે.બ્રહ્મચારિણી એટલે તપની ચારિણી,તપનું આચરણ કરનારી.કહ્યું છે કે વેદસ્તત્વમ્ તપો બ્રહ્મ. વેદ-તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોર્તિમય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા તથા ડાબા હાથમાં કમંડલ હોય છે.

પોતાના પૂર્વજન્મમાં જ્યારે તે હિમાલય અને મેનાના ઘેર પૂત્રીરૂપે ઉત્પન્ન થયાં ત્યારે નારદજીના ઉપદેશ અનુસાર તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા અત્યંત કઠીન તપસ્યા કરી હતી.આ દુષ્કર તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે.એક હજાર વર્ષ તેમને ફક્ત કંદમૂળ ખાઇને વ્યતીત કર્યા હતા.સો વર્ષ સુધી ફક્ત શાક ઉપર નિર્વાહ કર્યો હતો.કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ રાખીને ખુલ્લા આકાશની નીચે ફક્ત જમીન ઉપર પડેલા બિલિપત્રો ખાઇને અહર્નિશ ભગવાન શિવની આરાધના કરી હતી.ત્યારબાદ હજારો વર્ષો સુધી નિર્જલ અને નિરાહાર તપસ્યા કરી હતી.એક સમયે બિલિના પાન(પર્ણ) પણ ખાવાના બંધ કર્યા હોવાથી તેમનું એક નામ અર્પણા છે.

હજારો વર્ષની આવી કઠિન તપસ્યાના કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું શરીર એકદમ ક્ષીણ અને કૃશકાય થઇ ગયું હતું.તેમની આવી દશા જોઇને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થાય છે.તેમની માતા મેનાએ તેમને તપસ્યા પૂર્ણ કરવા બૂમ મારી કે ઉ..મા..ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું એક નામ ઉમા પડ્યું છે.

તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો.દેવતા,ઋષિ,સિદ્ધગણ,મુનિ તમામ બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવીને તેમની પ્રસંશા કરવા લાગ્યા.છેલ્લે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણીના દ્વારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરમાં કહ્યું કે હે દેવી ! આજદિન સુધી કોઇએ આવી કઠોર તપસ્યા કરી નથી.તમારી આ અલૌકિક કૃત્યની ચતુર્દિક પ્રસંશા થઇ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે.ભગવાન ચંદ્રમૌલિ શિવ તમોને પતિરૂપમાં પ્રાપ્ત થશે.હવે તમે તપસ્યા પૂર્ણ કરી પિતૃગૃહે જાઓ.

ર્માં દુર્ગાજીનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનાર છે.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠિન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથથી વિચલિત થતું નથી.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠીન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથ ઉપરથી વિચલિત થતું નથી. ર્માં બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજ્યની પ્રાપ્તિ થાય છે.દુર્ગાપૂજાના બીજા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળો યોગી તેમની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.

ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

પિંડજપ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકૈર્યુત્તા

પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા..

નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે.આવો..માતા ચંદ્રઘંટાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. વ્યવહારમાં દિકરીનો વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી તે ચંદ્રઘંટા સમાન છે.

ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું છે.માતાજીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ચમકીલો છે.તેમને દશ હાથ છે.આ દશ હાથોમાં ખડગ વગેરે શસ્ત્રો તથા બાણ વિભૂષિત છે.તેમનું વાહન સિંહ છે.તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમના ઘંટના અવાજ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ-દૈત્ય અને રાક્ષસો હંમેશાં પ્રકંપિત રહે છે.

નવરાત્રિની દુર્ગા-ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું વિશેષ મહત્વ છે.આ દિવસે સાધકનું મન મણીપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે.ર્માં ચંદ્રઘંટાની કૃપાથી તેમને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે.દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સંભળાય છે.આ ક્ષણ સાધકના માટે અત્યંત સાવધાન રહેવાનું હોય છે.

ર્માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકના તમામ પાપો અને અડચણો દૂર થાય છે.તેમની આરાધના ફળદાયી છે. તે પોતાના ભક્તોના કષ્ટોનું નિવારણ ખુબ જ ઓછા સમયમાં કરી દે છે.તેમનું વાહન સિંહ છે એટલે તેમનો ઉપાસક સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય બની જાય છે.તેમના ઘંટની ધ્વનીથી ભક્તોની પ્રેતબાધાઓ વગેરેથી રક્ષા કરે છે.તેમનું ધ્યાન કરવાથી શરણાગતની રક્ષા થાય છે.

દુષ્ટોનું દમન અને વિનાશ કરવામાં હંમેશાં તત્પર રહેવા છતાં તેમનું સ્વરૂપ દર્શક અને આરાધકના માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરીપૂર્ણ રહે છે.તેમની આરાધના કરવાથી જે મોટો સદગુણ પ્રાપ્ત થાય છે તે એ છે કે સાધકમાં વિરતા-નિર્ભયતાની સાથે સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ-ગુણની વૃદ્ધિ થાય છે.સ્વરમાં દિવ્ય,અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે.ર્માં ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઇને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદ્રશ્ય વિકિરણ થાય છે.આ દિવ્ય ક્રિયા સાધારણ આંખોથી જોઇ શકાતી નથી પરંતુ સાધક અને તેના સંપર્કમાં આવનાર લોકોને આ વાતનો અનુભવ થાય છે.

અમારે મન વચન કર્મ અને કાયાને વિહિત વિધિ-વિધાન અનુસાર પૂર્ણતઃ પરિશુદ્ધ તથા પવિત્ર કરીને ર્માં ચંદ્રઘંટાના શરણાગત્ થઇ તેમની ઉપાસના,આરાધનામાં તત્પર થવું જોઇએ.તેમની ઉપાસના કરવાથી અમોને તમામ સાંસારીક કષ્ટોથી મુક્તિ મળે છે અને સહજમાં જ પરમપદના અધિકારી બની જઇએ છીએ. અમારે નિરંતર તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધનામાં આગળ વધવું જોઇએ.તેમનું ધ્યાન અમારા આલોક અને પરલોક બંન્નેના માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનાર છે.

ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ

દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના ચોથા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે માતા કૂષ્માંડાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

ર્માં દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે.ર્માં કુષ્માંડાને અષ્ટભુજા-દેવી તરીકે પૂજવામાં આવે છે.પોતાની મંદ હલ્કા હાસ્યના દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારે તરફ અંધકાર પરીવ્યાપ્ત હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે સૃષ્ટિના આદિ-સ્વરૂપા,આદિ-શક્તિ કહેવાય છે.તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે.સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે.તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન દેદીપ્યમાન અને ભાસ્વર છે.અન્ય કોઇ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી.બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.

ર્માં કૂષ્માણ્ડાને આઠ હાથ છે એટલે તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે.તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ ધનુષ્ય-બાણ કમળનું પુષ્પ અમૃતપૂર્ણ કલશ ચક્ર તથા ગદા છે.આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.તેમનું વાહન સિંહ છે.

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે એટલે આ દિવસે અત્યંત પવિત્ર અને અચંચળ મનથી માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા-ઉપાસના કરવી જોઇએ.માતા કૂષ્માંડા દેવીની ઉપાસનાથી ભક્તના તમામ રોગ-શોક વિનષ્ટ થઇ જાય છે.તેમની ભક્તિ કરવાથી આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.માતા કૂષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.જો મનુષ્ય સાચા હ્રદયથી તેમની શરણાગતિ સ્વીકારે છે તેમને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રો-પુરાણોમાં જે વિધિ-વિધાનનું વર્ણન કરેલ છે તે અનુસાર ર્માં દુર્ગાની ઉપાસના અને ભક્તિ કરવાથી સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા લાગે છે.દુઃખરૂપ સંસાર તેના માટે સુખદ અને સુગમ બની જાય છે.માતાજીની ઉપાસના મનુષ્યને સહજભાવથી ભવસાગરથી પાર ઉતરવા માટે સૌથી સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે.માતા કૂષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરી તેમને સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જાય છે એટલે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારે તેમની ઉપાસનામાં હંમેશાં તત્પર રહેવું જોઇએ.માતા કુષ્માંડાને માલપુઆ ભોગ ચઢાવવાથી સાધકને વિશેષ લાભ મળે છે.

પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા

શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના પાંચમા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે સ્કન્દમાતાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.ધર્મશાસ્ત્રોમાં નવરાત્રી-પૂજનના પાંચમા દિવસને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે.વ્યવહારમાં સંતાનને જન્મ આપ્યા પછી દરેક સ્ત્રી સ્કંદમાતાનું રૂપ બની જાય છે.

સ્કંદનો અર્થ છે જ્ઞાનને વ્યવહારીક રૂપ આપવું.સ્કંદમાતાને પ્રસન્ન કરવા અને પાપ સાગરમાંથી પાર ઉતરવા ર્માં ની પૂજા આ શ્લોક દ્વારા કરવામાં આવે છે.

યા દેવી સર્વભૂતેષુ ર્માં સ્કંદમાતા રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તેસ્યૈ નમો નમઃ

જો કોઇ અત્યંત દુરાચારી હોય,તમામ પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ અનન્ય ભાવે ર્માં ના શરણમાં આવતાં માતાજી પોતાના પ્રેમ પાલવથી ઢાંકી દઇ પાપ સાગરમાંથી પાર ઉતારી દે છે.

ર્માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંન્દમાતા તરીકે ઉપાસના કરવામાં આવે છે.ભગવાન સ્કંન્દ કાર્તિકેય નામથી ઓળખાય છે.કાર્તિકેય દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા.પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમનું વાહન મોર છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે ર્માં દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે.તેમની ઉપાસના નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન વિશુદ્ધ-ચક્રમાં અવસ્થિત હોય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની તમામ બાહ્યક્રિયાઓ તથા ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે અને તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપની તરફ આગળ વધી રહ્યા હોય છે.તેમનું મન તમામ લૌકિક સાંસારીક માયિક બંધનોથી વિમુક્ત થઇને પદ્માસના સ્કંન્ધમાતાના સ્વરૂપમાં તલ્લિન થઇ જાય છે.આ સમયે સાધકે પૂર્ણ સાવધાનીની સાથે ઉપાસના કરવી જોઇએ.પોતાની તમામ ધ્યાનવૃત્તિઓ એકાગ્ર કરીને સાધનાના માર્ગ ઉપર આગળ વધવું જોઇએ.તેમના ચિત્ર કે મૂર્તિમાં જોઇએ તો ભગવાન સ્કંન્દજી બાળકરૂપમાં તેમના ખોળામાં બેઠેલા હોય છે.

સ્કંન્દમાતૃસ્વરૂપિણી દેવીને ચાર હાથ છે.તેમના જમણી તરફના ઉપરના હાથથી ભગવાન સ્કંન્દને ખોળામાં બેસાડી પકડેલા છે અને જમણી તરફનો નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.ડાબી બાજુનો ઉપરવાળો હાથ આર્શિવાદ આપતી મુદ્રામાં તથા નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તે હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે.તે કમળના આસન ઉપર બિરાજમાન છે તેથી તેમને પદ્માસના-દેવી પણ કહેવામાં આવે છે.સિંહ તેમનું વાહન છે.

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે,આ મૃત્યુલોકમાં જ તેમને પરમશાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે.મોક્ષનું દ્વાર તેમના માટે સુલભ થઇ જાય છે.સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી બાળસ્વરૂપ સ્કંન્ધ ભગવાનની ઉપાસના આપોઆપ થઇ જાય છે.સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી ઉર્જાનું સ્વરૂપ હોવાના લીધે તેમનો ઉપાસક અલૌકિક તેજ તથા ક્રાંતિથી સંપન્ન થાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવથી હંમેશાં તેમની ચારે બાજુ પરીવ્યાપ્ત રહે છે.આ પ્રભામંડળ પ્રતિક્ષણ સાધકના યોગક્ષેમનું નિર્વહન કરે છે એટલે અમારે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને ર્માં ની શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઇએ.ઘોર ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સુલભ કરવાનો આનાથી ઉત્તમ કોઇ ઉપાય નથી.

 

છઠ્ઠા નોરતે ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરીએ..

ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના

કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ ર્માં કાત્યાયની દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં સંયમ-સાધનાને ધારણ કરનાર દરેક સ્ત્રી કાત્યાયની રૂપ છે,  

આદ્યશક્તિ ર્માં દુર્ગાનું નામ કાત્યાયની દેવી પડવાની કથા પુરાણોમાં વર્ણિત છે. કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા.તેમના પૂત્ર ઋષિ કાત્ય થયા. આ કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા. તેમને ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી ઘણી જ કઠીન તપસ્યા કરી.તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા.મહર્ષિ કાત્યાયનની ઇચ્છા હતી કે ર્માં ભગવતી તેમના ઘેર પૂત્રીના રૂપમાં જન્મ લે.ર્માં ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. મહર્ષિ કાત્યાયનના ત્યાં આદ્યશક્તિ ર્માં દુર્ગાજીએ પૂત્રીના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો તેથી તેમનું નામ પડ્યું કાત્યાયની દેવી પડ્યું છે.ર્માં કાત્યાયની અમોઘફલદાયિની છે.

બીજી અન્ય કથા એવી છે કે જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રિદેવે પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરનો નાશ કરવા માટે એક દેવીશક્તિને ઉત્પન્ન કર્યા.મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કરીને ત્રણે લોકને તેના અત્યાચારથી બચાવ્યા હતા.

 

ભગવાન શ્રીકૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે વ્રજની ગોપીઓએ કાલિન્દી(યમુના) નદીના કિનારે તેમની પૂજા કરી હતી.ર્માં કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે.તેમનો વર્ણ સોના જેવો તેજસ્વી અને દિવ્ય છે.તેમને ચાર હાથ છે.માતાજીનો જમણી તરફનો ઉપર તરફનો હાથ અભયમુદ્રામાં તથા નીચે તરફનો વરમુદ્રામાં છે.ડાબી તરફના ઉપરના હાથમાં ચંદ્રહાસા નામની તલવાર તથા નીચે તરફના હાથમાં કમળ-પુષ્પ સુશોભિત છે.

દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે.આ ચક્રમાં સ્થિત મનવાળા સાધક ર્માં ના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે.પરીપૂર્ણ આત્મ સમર્પણ કરનાર ભક્તોને સહજ રીતે ર્માં કાત્યાયનીનાં દર્શન થાય છે.ર્માં કાત્યાયની દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા ભક્તોને ઘણી જ સુગમતાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ-આ ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ થાય છે, તે આલોકમાં સ્થિત રહેવા છતાં પણ અલૌકિક તેજ અને પ્રભાવથી યુક્ત બની જાય છે.તેમના રોગ શોક સંતાપ ભય વગેરે કાયમના માટે વિનષ્ટ થઇ જાય છે.જન્મ-જન્માંતરના પાપોનો નાશ કરવા માટે ર્માં ની ઉપાસનાથી અધિક સુગમ અને સરળ માર્ગ બીજો કોઇ નથી.તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે એટલે અમારે સર્વભાવથી ર્માં ના શરણાગત બનીને તેમની પૂજા-ઉપાસના કરવી જોઇએ.કુમારીકાઓએ મનગમતો જીવનસાથી મેળવવા અને સુખી લગ્ન જીવન માટે નોરતાના છઠ્ઠા દિવસે આદ્યશક્તિ ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરવી જોઇએ.માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરીને માતાને મધ ચઢાવીએ.

સાતમા નોરતે ર્માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ..

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા,

લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી

વામ્પાદોલ્લસસલ્લોહલતાકણ્ટકભૂષણા

વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના સાતમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના સાતમા સ્વરૂપ ર્માં કાલરાત્રિ દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી સમાન છે.

કાલરાત્રી દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો એકદમ કાળો છે.માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે.તેમને ત્રણ નેત્ર છે.આ ત્રણે નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે.જેમાંથી વિદ્યુત સમાન ચમકીલા કિરણો નીકળી રહ્યા છે.તેમના નાકમાંથી નીકળતા શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે.તેમનું વાહન ગધેડો છે.

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું.શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે.ર્માં કાલરાત્રિનું મુખ્ય મંદિર કોલકાતાના કાલિઘાટપર આવેલું છે. 

જમણી બાજુના ઉપર તરફના હાથ વરમુદ્રાથી તમામને વરદાન આપી રહ્યા છે અને નીચે તરફનો હાથ અભયમુદ્રામાં છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ખડગ અને નીચે તરફના હાથમાં વજ્ર છે. ર્માં કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં ભયંકર લાગે છે પરંતુ તે હંમેશાં શુભ ફળ આપનાર છે.માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભઙ્કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

દુર્ગાપૂજાના સાતમા દિવસે ર્માં કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત હોય છે.તેમના માટે બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલવા લાગે છે.આ ચક્રમાં સ્થિત સાધકનું મન પૂર્ણતઃ ર્માં કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે.તેમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યના તે ભાગીદાર બને છે.તેમના તમામ પાપો-વિઘ્નોનો નાશ થાય છે.તેમને અક્ષય પુણ્યલોકોની પ્રાપ્તિ થાય છે.

ર્માં કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે.દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણમાત્રથી ભયભીત થઇને ભાગી જાય છે.ર્માં કાલરાત્રિ ગ્રહ-બાધાઓ દૂર કરનાર છે.તેમના ઉપાસકને અગ્નિ જળ જીવ જંતુ શત્રુ વગેરેનો ભય ક્યારેય થતો નથી.તેમની કૃપાથી ઉપાસક ભયમુક્ત બની જાય છે.

ર્માં કાલરાત્રિના સ્વરૂપને પોતાના હ્રદયમાં ધારણ કરીને મનુષ્યએ એકનિષ્ઠ ભાવથી તેમની ઉપાસના કરવી જોઇએ.યમ-નિયમ અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઇએ.મન-વચન અને શરીરની પવિત્રતા રાખવી જોઇએ.તે શુભઙ્કરી દેવી છે.અમારે નિરંતર તેમનું સ્મરણ-ધ્યાન અને પૂજન કરવું જોઇએ.ર્માં કાલરાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ વાવે છે.જે તેમની ઉપાસના કરે છે તેને કાળનો ભય રહેતો નથી.

ર્માં કાલરાત્રિને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી પીડા દુર થાય છે અને ભયમુક્તિના આશિષ પ્રદાન કરે છે.ર્માં કાલરાત્રીના પૂજન સમયે કૃષ્ણ કમળ કે કોઇ નીલા રંગનું પુષ્પ દેવીને અર્પણ કરવું.માતાજીને ફળના પ્રસાદ રૂપે ચિકુનો ભોગ ધરાવવો જોઇએ.દેવીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.આ વસ્ત્ર ધારણ કરવાથી સાધકને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થશે.

આઠમા નોરતે ર્માં મહાગૌરીની ઉપાસના કરીએ..

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના આઠમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના આઠમા સ્વરૂપ ર્માં મહાગૌરી દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. સ્ત્રીના માટે તેનું કુટુંબ જ તેના માટે સંસાર હોય છે.સંસાર ઉપર ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.

ર્માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે.તેમનો વર્ણ પૂર્ણતઃ ગોરો છે.આ ગૌરતાની ઉપમા શંખ-ચંદ્ર અને કસ્તુરી મોગરાના ફુલ સાથે કરવામાં આવે છે.તેમનું આયુષ્ય આઠ વર્ષનું માનવામાં આવે છે અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી. તેમના તમામ વસ્ત્રો અને આભૂષણ વગેરે શ્વેત છે એટલે શ્વેતાંબરધરા તરીકે પણ ઓળખાય છે.તેમને ચાર હાથ છે.તેમનું વાહન વૃષભ છે તેથી તેમને વૃષારૂઢ તરીકે ઓળખાય છે. દૈવી મહાગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે છે.

જમણી બાજુનો ઉપર તરફનો હાથ અભય મુદ્રામાં અને નીચે તરફના હાથમાં ત્રિશૂળ છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ડમરૂ અને નીચે તરફનો હાથ વરમુદ્રામાં છે.તેમની મુદ્રા અત્યંત શાંત છે.પોતાના પાર્વતીરૂપમાં તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘણી જ કઠોર તપસ્યા કરી હતી.

ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમને ભગવાન શિવને વરવા માટે કઠોર સંકલ્પ લીધો હતો..

જન્મ કોટિ લગિ રગર હમારી, બરઉં શંભુ ન ત રહઉં ર્કુંઆરી..

આ કઠોર તપસ્યાના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું.તેમની તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું ત્યારે તે વિદ્યુત-પ્રભા સમાન અત્યંત ક્રાંતિમાન ગૌર બની ગયું હતું ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું હતું.મહાગૌરીનું વ્રત નવરાત્રીમાં આસો સુદ આઠમના દિવસે કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.

દુર્ગાપૂજાના આઠમા દિવસે દેવી મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે.તેમની શક્તિ અમોઘ અને તરત જ ફળ આપનારી છે.તેમની ઉપાસનાથી ભક્તોના તમામ પાપો ધોવાઇ જાય છે.તેમનાં પૂર્વનાં સંચિત પાપો નષ્ટ થઇ જાય છે.ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુઃખ ક્યારેય તેમની પાસે આવતાં નથી. ગ્રહદોષ દૂર થાય છે.તે તમામ પ્રકારથી પવિત્ર અને અક્ષય પુણ્યોનો અધિકારી બની જાય છે.તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે, ભય-નિરાશા અને ચિંતા દૂર થાય છે.જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ મળવાથી સાધકનું મન કર્તવ્ય-માર્ગથી વિચલિત થતું નથી.

મહાગૌરી માતાજીનું ધ્યાન-સ્મરણ, પૂજન-આરાધના ભક્તોના માટે કલ્યાણકારી છે.અમારે હંમેશાં તેમનું ધ્યાન કરવું જોઇએ.તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.મનથી અનન્યભાવ અને એકનિષ્ઠાથી મનુષ્યએ હંમેશાં તેમના ચરણારવિંદોનું ધ્યાન કરવાથી તે ભક્તોના કષ્ટ દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે એટલે તેમના ચરણોની શરણ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ.પુરાણોમાં તેમની મહિમાનું પ્રચુર આખ્યાન કરવામાં આવ્યું છે તેનું પઠન-શ્રવણ કરવું જોઇએ.ર્માં મહાગૌરી મનુષ્યોની વૃત્તિઓને સત્યની તરફ પ્રેરીત કરીને અસતનો વિનાશ કરે છે. અમારે પ્રપત્તિભાવ(શક્તિના શરણે જવાના ભાવ)થી હંમેશાં તેમની શરણાગતિ સ્વીકારવી જોઇએ..

નીચેનો મંત્ર બોલી તેમની સ્તુતિ કરવામાં આવે છે.

या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

આ દિવસે માતા દુર્ગાને નારીયળનો ભોગ લગાવવો જોઇએ.

નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીએ..

સિદ્ધગંધર્વયક્ષા ઘૈરસુરૈરમરૈરપિ

સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની..

(દેવી સિદ્ધિદાત્રી કે જેમની સિદ્ધ ગંધર્વ યક્ષ દેવતાઓ વગેરે દ્વારા પૂજા કરવામાં આવે છે,જેમના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ છે,જે તમામ સિદ્ધિઓની દાતા ર્માં સિદ્ધિદાત્રી મને શુભતા એટલે કે કલ્યાણ પ્રદાન કરો.)

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના નવમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં સિદ્ધદાત્રીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી દરેક સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે.

ર્માં દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે.તે તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી દેવી છે. માર્કણ્ડેયપુરાણ અનુસાર અણિમા(સૂક્ષ્મરૂપ ધારણ કરી શકાય છે), મહિમા(વિશાળરૂપ ધારણ કરી શકાય છે), ગરિમા(એક વિશાળ પર્વતની જેમ બની શકાય, લધિમા(પોતાનું વજન હળવું કરી શકાય,એક ક્ષણમાં ગમે ત્યાં જઇ શકે), પ્રાપ્તિ(કોઇપણ વસ્તુ તુરંત પ્રાપ્ત કરી શકાય,પશુ-પક્ષીની ભાષા સમજી શકાય અને આવનાર સમયને જોઇ શકે), પ્રાકામ્ય (પૃથ્વીના ઉંડાણમાં નીચે સુધી જઇ શકાય,આકાશમાં ઉંડી શકે,જ્યાં સુધી ઇચ્છે ત્યાંસુધી પાણીમાં રહી શકાય,સદાય યુવાન રહેવાય,કોઇપણ શરીર ધારણ કરી શકે અને લાંબા સમય સુધી કોઇપણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે), ઇશિત્વ(દૈવીશક્તિઓની પ્રાપ્તિ થાય,મૃતજીવને જીવિત કરી શકાય) અને વશિત્વ(જીતેન્દ્રિય અને મનને નિયંત્રિત કરી શકાય)-આ આઠ સિદ્ધિઓ છે.

બ્રહ્મવૈવર્ત્તપુરાણના શ્રીકૃષ્ણજન્મ ખંડમાં સિદ્ધિઓની સંખ્યા અઢાર બતાવવામાં આવી છે.જેના નામ છેઃ અણિમા, લધિમા,પ્રાપ્તિ, પ્રાકામ્ય,મહિમા, ઇશિત્વ-વશિત્વ, સર્વકામાવસાયિતા,સર્વજ્ઞત્વ,દૂરશ્રવણ, પરકાયા પ્રવેશન, વાક્ સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના અને સિદ્ધિ..

ર્માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ તમામ સિદ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં ભગવાન શિવે સૃષ્ટિની રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી.આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ્યા.આમ ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રી..

ર્માં સિદ્ધિદાત્રીને ચાર હાથ છે.તેમના જમણી બાજુના ઉપર તરફના હાથમાં ગદા અને નીચે તરફના હાથમાં ચક્ર છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં કમળનું પુષ્પ અને નીચે તરફના હાથમાં શંખ છે.તેમનું વાહન સિંહ છે.તે કમળ-પુષ્પ ઉપર આસિન છે.

નવરાત્રી પૂજનના નવમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠાથી સાધના કરનાર સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્તિ થાય છે.સૃષ્ટિમાં કશું જ તેમના માટે અગમ્ય રહેતું નથી.સમગ્ર બ્રહ્માંડ ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમનામાં આવી જાય છે.

પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેમને ર્માં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરંતર આરાધના કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.તેમની કૃપાથી અત્યંત દુઃખરૂપ સંસારથી નિર્લિપ્ત રહીને તમામ સુખોનો ભોગ કરતાં કરતાં મોક્ષને પ્રાપ્ત કરે છે.

નવદુર્ગાઓમાં ર્માં સિદ્ધિદાત્રી અંતિમ છે.અન્ય આઠ દુર્ગાઓની પૂજા-ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનથી કરીને ભક્તો દૂર્ગાપૂજાના નવમા દિવસે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે.ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી લૌકિક અને પારલૌકિક તમામ પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે આમ હોવા છતાં સિદ્ધિદાત્રી ર્માં ના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઇ એવી કામના શેષ રહેતી નથી જેને તે પૂર્ણ કરવા ઇચ્છતા હોય.તે તમામ સાંસારીક ઇચ્છાઓ-આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિકરૂપથી ર્માં ભગવતીના દિવ્યલોકોમાં વિચરણ કરતાં કરતાં ર્માં ની કૃપા-રસ-પિયૂષનું નિરંતર પાન કરીને વિષયભોગ-શૂન્ય બની જાય છે.ર્માં ભગવતીનું પરમ સાનિધ્ય જ તેમના માટે સર્વસ્વ હોય છે.આ પરમપદને પ્રાપ્ત કર્યા બાદ તેમને અન્ય કોઇ વસ્તુની આવશ્યકતા રહેતી નથી.

ર્માં ભગવતીના ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે અમારે નિરંતર નિયમનિષ્ઠ રહીને ઉપાસના કરવી જોઇએ.ર્માં ભગવતીનું સ્મરણ-ધ્યાન અને પૂજન અમોને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદની તરફ લઇ જાય છે.

નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપવાથી મૃત્યુના ડરથી રાહત મળે છે અને  દુર્ઘટનાઓથી બચી જવાય છે.

ભગવાન શિવ કેમ મહાકાળી માતાના પગ નીચે આવ્યા?

ભગવતી દુર્ગાની દશ મહાવિદ્યાઓમાં એક છે મહાકાળી.જેમના કાળા અને ભય ઉત્પન્ન કરે તેવા રૂપની ઉત્પત્તિ રાક્ષસોના નાશ કરવા માટે થઇ હતી.આ એક એવી શક્તિ છે જેનાથી સ્વયં કાળ પણ ભયભીત થાય છે.તેમનો ક્રોધ એટલું વિકરાળ રૂપ ધારણ કરે છે કે સંસારની તમામ શક્તિઓ ભેગી થઇને પણ તેમના ક્રોધ ઉપર કાબૂ કરી શકતી નથી.તેમના ક્રોધને રોકવા માટે સ્વયં તેમાના પતિ ભગવાન શિવ તેમના ચરણોમાં આવીને સૂઇ જાય છે.આ વિશે શાસ્ત્રોમાં એક કથા આવે છે તેના ઉપર નજર નાખીએ..

શ્રી માર્કણ્ડેય પુરાણ તથા શ્રી દુર્ગા સપ્તશતિ અનુસાર મહાકાળી માતાની ઉત્પત્તિ જગત જનની ર્માં દુર્ગાના લલાટથી થઇ હતી.રક્તબીજ નામના અસુરે કઠોર તપ કરીને ભગવાન પાસેથી વરદાન મેળવ્યું હતું કે જો તેના રક્તની એક બૂંદ પણ ધરતી ઉપર પડશે તો તેનાથી અનેક અસુરો પેદા થશે.રક્તબીજે પોતાની શક્તિનો પ્રયોગ નિર્દોષ લોકોને ત્રાસ આપવા માટે શરૂ કર્યો.ધીરે ધીરે તેને પોતાનો આતંક ત્રણે લોકો ઉપર મચાવી દીધો. દેવતાઓએ તેને યુદ્ધ માટે લલકાર્યો.દેવતાઓ અને રક્તબીજ વચ્ચે ભયંકર યુદ્ધ થયું.દેવતાઓ પોતાની તમામ શક્તિથી રક્તબીજને મારવા પ્રયાસ કર્યો પરંતુ જેવું રક્તબીજનું લોહીનું એક ટીપું ધરતી ઉપર પડતાં જ આ એક ટીપામાંથી અનેક રક્તબીજ પેદા થઇ જતા હતા.

તમામ દેવતાઓ ભેગા થઇને પાર્વતીરૂપ ર્માં દુર્ગા પાસે જાય છે અને રક્તબીજના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરે છે.મહાકાલી વાસ્તવમાં સુંદરી રૂપ ભગવતી દુર્ગાનું કાળુ અને બિહામણું રૂપ છે જેમની ઉત્પત્તિ રાક્ષસોને મારવા માટે થઇ હતી.મહાકાળી માતાએ દેવતાઓની રક્ષાના માટે વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે.જેમના હાથમાં ખપ્પર છે જેમાંથી લોહી ટપકે છે તથા તેમના ગળામાં ખોપડીઓની માળા છે તેમ છતાં મહાકાળી માતાની આંખો અને હ્રદય પોતાના ભક્તોના માટે પ્રેમની ગંગા વહાવી રહ્યાં છે.

મહાકાળી માતાએ રાક્ષસોનો વધ કરવાનું શરૂ કર્યું પરંતુ રક્તબીજના લોહીનું એક ટીપું ધરતી ઉપર પડતાં તેમાંથી અનેક રાક્ષસોનો જન્મ થતો હતો જેના લીધે યુદ્ધભૂમિમાં દૈત્યોની સંખ્યા વધવા લાગી ત્યારે માતાજીએ પોતાની જીભનો વિસ્તાર વધાર્યો.હવે દાનવોના લોહીના ટીપા જમીન ઉપર પડવાના બદલે માતાજીની જીભ ઉપર પડવા લાગ્યાં.તેઓ લાશોનો ઢગલો કરતાં રહ્યાં અને તેમનું લોહી પીતા રહ્યા. આ રીતે મહાકાળી માતાએ રક્તબીજનો વધ કરી નાખ્યો પરંતુ તે સમયે મહાકાળી માતાનો ગુસ્સો એટલો વિકરાળ થઇ ગયો કે તેમને શાંત કરવાં જરૂરી હતું પરંતુ દરેક તેમની નજીક જતાં ડરતા હતા.

તમામ દેવતાઓ ભેગા મળીને ભગવાન શિવ પાસે જાય છે અને મહાકાળી માતાને શાંત કરવા વિનંતી કરે છે.ભગવાન શિવ તેમને અનેક રીતે શાંત કરવા માટે તમામ પ્રયાસો કર્યા તેમછતાં તેમનો ક્રોધ શાંત ના થતાં ભગવાન શિવ તેમના માર્ગમાં તેમના પગ નીચે જમીન ઉપર સૂઇ જાય છે અને તેમનો પગ તેમની ઉપર આવી જાય છે.પોતાના પતિ ભગવાન શિવને પોતાના પગ નીચે સૂતેલા જોઇને માતાજીની જીભ બહાર આવી જાય છે.તેમને એકદમ ઘણો જ સંકોચ થાય છે અને તેમનો ક્રોધ શાંત થઇ જાય છે.આદ્યશક્તિ ર્માં દુર્ગાના વિવિધ રૂપોનું વર્ણન માર્કણ્ડેય પુરાણમાં કરવામાં આવ્યું છે.

એકાવન શક્તિપીઠની રચના કેવી રીતે થઇ તેની કથા

માતા જગદંબા પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું.તેમનો વિવાહ ભગવાન શિવની સાથે થયો હતો.તે સમયે દક્ષ પ્રજાપતિ બન્યા.બ્રહ્માજીએ સર્વ પ્રકારે યોગ્ય સમજીને દક્ષને પ્રજાપતિઓના નાયક બનાવી દીધા.જગતમાં એવો કોઇ પેદા થયો નથી જેને પ્રભુતા પ્રાપ્ત થયા પછી અભિમાન ના આવ્યું હોય.એકવાર બ્રહ્માજીની સભામાં શિવજીથી તેઓ અપ્રસન્ન બન્યા હતા.જ્યારે દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા ત્યારે બધા જ લોકો ઉભા થયા પરંતુ ભગવાન શિવ ધ્યાનમાં હોવાથી ઉભા ન થયા.ભગવાન શિવ દક્ષ પ્રજાપતિના જમાઈ હતા.આ જોઈને રાજા દક્ષ ખૂબ ગુસ્સે થઈ ગયા.આ અપમાનનો બદલો લેવા માટે એકવાર પ્રજાપતિ દક્ષે સર્વે મુનિઓને બોલાવી મોટો યજ્ઞ કર્યો.જે દેવતા યજ્ઞનો ભાગ પામે છે તે સર્વેને આદર સહિત નિમંત્રિત કર્યા પરંતુ ભગવાન શિવને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું.

જ્યારે સતીએ જાણ્યું કે મારા પિતાજી એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યાં જવા માટે તેમનું મન વિહ્વળ બને છે.પોતાની આ ઇચ્છા તેમને ભગવાન શિવને બતાવી.તમામ વાતો ઉપર વિચાર કર્યા પછી ભગવાન શિવે કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઇક કારણસર આપણાથી નારાજ છે.તેમને આ યજ્ઞમાં તમામ દેવતાઓને પોતાનો યજ્ઞભાગ લેવા નિમંત્રિત કર્યા છે પરંતુ આપણને સમજી વિચારીને આમંત્રણ આપ્યું નથી.જો તમે વગર બોલાવ્યે જશો તો શીલ-સ્નેહ અને માન-મર્યાદા નહી રહે.નીતિ કહે છે કે મિત્ર, સ્વામી,પિતા ગુરૂના ઘેર વગર બોલાવ્યે પણ જવું જોઇએ પણ ત્યાં કોઇ વિરોધ કરતું હોય તો તેના ઘેર જવામાં કલ્યાણ નથી.આવી સ્થિતિમાં આપણું ત્યાં જવું કોઇપણ રીતે શ્રેયકર નથી.ભગવાન શિવના આ ઉપદેશની સતી ઉપર કોઇ અસર ના થઇ અને પિતાનો યજ્ઞ જોવા,ત્યાં જઇને માતા અને બહેનોને મળવાની ઇચ્છન વ્યક્ત કરી.

સતીનો પ્રબળ આગ્રહ જોઇને ભગવાન શિવે તેમને પિયર જવાની પરવાનગી આપી અને પોતાના મુખ્ય ગણોને સાથે મોકલ્યા.ભવાની જ્યારે પિતાને ઘેર પહોચ્યા ત્યારે દક્ષના ભયના લીધે તેમની કોઇએ આગતા-સ્વાગતા ના કરી.ફક્ત તેમનાં માતાએ સતીને સ્નેહથી આલિંગનમાં લીધાં.બહેનો પણ મલકાઇને મળી.ભવાનીએ જોયું કે અહીયાં ભગવાન શિવના પ્રત્યે તમામના મનમાં તિરસ્કારનો ભાવ હતો.ક્યાંય શિવજીનો ભાગ ના દેખાયો.દક્ષે તેમના પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દો પણ કહ્યા.આ બધું જોઇને સતીનું હ્રદય ક્ષોભ-ગ્લાનિ અને ક્રોધથી સંતપ્ત થયું.તેમને વિચાર્યું કે ભગવાન શિવની વાત ન માનીને મેં અહીયાં આવવાની મોટી ભૂલ કરી છે.

જ્યાં સંત-શિવજી અને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની કોઇ નિંદા કરે તો નિંદા કરનારની જીભ કાપી લેવી અને આ શક્ય ના હોય તો કાન બંધ કરીને ત્યાંથી હટી જવું.

સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ના કરી શક્યાં અને તેમને પોતાના ભૌતિક રૂપને તત્ક્ષણ જ યોગાગ્નિમાં ભસ્મ કરી દીધું.વજ્રપાત સમાન આ દારૂણ દુઃખદ ઘટના જાણીને ભગવાન શિવ ક્રુદ્ધ થઇને પોતાના ગણોને મોકલીને દક્ષના યજ્ઞનો નાશ કરવા લાગ્યા ત્યારે ભૃગુ ઋષિએ તેમની રક્ષા કરી.

સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરીને બીજા જન્મમાં હિમાલયની પૂત્રીના રૂપમાં જન્મ લીધો.ભગવાન શંકરને ખબર પડી ત્યારે ક્રોધથી તેની ત્રીજી આંખ ખુલી.સર્વત્ર વિનાશ અને અરાજકતાવ્યાપી ગઈ હતી.ભગવાન શંકરના આદેશથી વીરભદ્રએ દક્ષનો શિરચ્છેદ કર્યો અને અન્ય દેવતાઓને  શિવની નિંદા સાંભળવા માટે પણ શિક્ષા કરી.ભગવાન શિવે સતીના દેહને ખભા પર મૂકી અને દુખ સાથે સમગ્ર ભૂમંડળની યાત્રા શરૂ કરી.શિવ સતીના શરીરને લઈ પૃથ્વી પર ભટક્યા અને તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું જેના કારણે પ્રલયની સ્થિતિ થવા લાગી.પૃથ્વી સહિત ત્રણેય જગતનું દુખ જોઇને આ વિનાશકારી સ્થિતિને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્રથી દેવી સતીના શરીરના એકાવન ટુકડા કર્યા હતા.ભગવતી સતીના શરીરના એકાવન ટુકડા પૃથ્વી ઉપર જ્યાં પડ્યા ત્યાં એકાવન શક્તિપીઠ બની જેની વિશિષ્ટ કથા અને પૌરાણિક મહત્વ છે જેથી આ સ્થાનોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.કહેવાય છે કે આ સ્થાનોમાં દૈવિય શક્તિનો અપાર ભંડાર છે જે શ્રદ્ધાળુઓને આત્મિક શાંતિ અને આર્શિવાદ પ્રદાન કરે છે.જે વિશે વિગતવાર માહિતી જાણીએ..

હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે જે કરાંચીથી ૧૨૫ કિમી દૂર છે.જ્યાં માતાનું બ્રહ્મરંધ્ર (માથાના ઉપરનો ભાગ) પડ્યું હતું.અહીંની શક્તિ કોટ્ટારી અને ભૈરવ ભીમલોચન છે.

શર્કરે શક્તિપીઠ પાકિસ્તાનમાં સુક્કર સ્ટેશન પાસે છે.કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ શક્તિપીઠનું મૂળ સ્થળ નૈનાદેવી મંદિર બિલાસપુર,હિમાચલપ્રદેશમાં આવેલું છે.જ્યાં દૈવી શક્તિની જમણી આંખ પડી હતી.અહીની શક્તિ મહિષમર્દિની અને ક્રોધિત ભૈરવ છે.

સુગંધ શક્તિપીઠ..બાંગ્લાદેશના શિકારપુરના બારીસાલથી વીસ કિમી દૂર સુગંધા નદીના કાંઠે ઉગરાતારામાં આવેલ છે જ્યાં માતાજીનું  નાક પડ્યુ હતું.અહીંની દેવી સુનંદા અને ભૈરવ ત્ર્યંબક છે.

મહામાયા શક્તિપીઠ જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં સ્થિત છે જ્યાં માતાના ગળાનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ મહામાયા અને ભૈરવ ત્રિસંધ્યેશ્વર છે.

જ્વાલામુખી શક્તિપીઠ હિમાચલ પ્રદેશના કાંગરામાં સ્થિત છે જ્યાં સતીની જીભ પડી હતી.અહીંની શક્તિ સિદ્ધિદા છે અને ઉન્મત્ત ભૈરવ વિરાજમાન છે.

ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધરમાં કેંટ સ્ટેશન પાસે દેવી તળાવના કિનારે સ્થિત છે.જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યું હતું.અહીંની શક્તિ ત્રિપુરામાલિની અને ભૈરવ ભિષણ છે.

અંબાજી શક્તિપીઠ..ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અરવલ્લીની ગિરીમાળામાં ગબ્બર પર્વતના આરાસુર શિખરની ટોચે દેવી અંબિકાનું ભવ્ય વિશાળ મંદિર છે જ્યાં માતાનું હ્રદય પડ્યું હતું.અહીંની શક્તિ ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ છે.

ગુહ્યેશ્વરી શક્તિપીઠ કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરની પાસે સ્થિત છે જ્યાં સતીના બંને ઘૂંટણ પડ્યા હતા.અહીંની શક્તિ મહાશિરાછે અને ભૈરવ કપાલીછે.

મનસા-દાક્ષાયની શક્તિપીઠ તિબ્બતમાં કૈલાશ પર્વત,માનસરોવર પાસે સ્થિત છે જ્યાં માતાનો જમણો હાથ પડ્યો હતો.અહીંની શક્તિ દાક્ષાયની અને અમર ભૈરવ ચંદ્રશેખર છે.

વિરજાદેવી શક્તિપીઠ..ઓરિસ્સાના ઉત્કલમાં હોવાનું માનવામાં આવે છે જ્યાં માતાની નાભિ પડી હતી.અહીંની શક્તિ વિમલા અને ભૈરવ જગન્નાથ પુરૂષોત્તમ છે.

બહુલા શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં અજય નદીના કિનારે કટવા જંકશન નજીક કેતુગ્રામમાં સ્થિત છે જ્યાં માતાજીનો ડાબો હાથ પડ્યો હતો.અહીંની શક્તિ બહુલા છે અને ભૈરવ ભિરૂક છે.

ગંડકી શક્તિપીઠ નેપાળના પોખરામાં ગંડકી નદીના કિનારે સ્થિત છે જ્યાં સતીનો જમણો ગાલ પડ્યો હતો. અહીં શક્તિ ગંડકી ચંડીછે અને ભૈરવ ચક્રપાણીછે.

ઉજ્જયિની હરસિદ્ધિ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના પવિત્ર ક્ષિપ્રા નદીના કાંઠે સ્થિત છે જ્યાં માતાજીની કોણી પડી હતી.અહીંની શક્તિ મંગલ ચંડિકા અને ભૈરવ મંગલ્યા કપિલામ્બર છે.

ત્રિપુરા સુંદરી શક્તિપીઠ..ત્રિપુરાના રાધા-કિશોર ગામમાં સ્થિત છે જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો.અહીંની શક્તિ ત્રિપુરા સુંદરી અને ભૈરવ ત્રિપુરેશ છે.

ભ્રામરી શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના જલપાઇગુરીના શાલબારી ગામમાં તિસ્તા નદી ઉપર સ્થિત છે જ્યાં માતાજીનો ડાબો પગ પડ્યો હતો.અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ અંબર છે.

કિરીટ શક્તિપીઠ..પશ્ચિમ બંગાળમાં હુબલી નદીના કિનારે લાલબાગ ખાતે  સ્થિત છે.અહીં સતી માતાનો મુગટ પડ્યો હતો.અહીંની શક્તિ વિમલા અથવા ભુવનેશ્વરી અને ભૈરવ સંવર્ત છે.શક્તિ એટલે માતાનું રૂપ જેનું પૂજન કરવામાં આવે છે અને ભૈરવ એટલે કે શિવનો અવતાર જે માતાના આ સ્વરૂપ સાથે હોય છે.

કાત્યાયની શક્તિપીઠ..વૃંદાવન મથુરાના ભૂતેશ્વરમાં સ્થિત છે જ્યાં સતીના વાળ પડ્યા હતા.અહીંની શક્તિ દેવી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે.

કરવીર શક્તિપીઠ..આ શક્તિપીઠ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત છે જ્યાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું. અહીંની શક્તિ મહિષાસુરમર્દિની અને ભૈરવ ક્રોધાશિષ છે.તેને મહાલક્ષ્મીનું વ્યક્તિગત નિવાસસ્થાન માનવામાં આવે છે.

શ્રી પર્વત શક્તિપીઠ..આ શક્તિપીઠને લઇને વિદ્વાનોમાં મતભેદો છે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ પીઠનું મૂળ સ્થળ લદ્દાખમાં છે જ્યારે કેટલાક માને છે કે તે આસામના સિલ્હેટમાં છે જ્યાં માતા સતીની કાનની બુટ્ટી પડી હતી.અહીંની શક્તિ શ્રીસુંદરી અને ભૈરવ સુંદરનંદ છે.

વિશાલાક્ષી શક્તિપીઠ..આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના વારાણસીના મીરઘાટ પર સ્થિત છે જ્યાં માતા સતીના જમણા કાનનો મણિ પડ્યો હતો.અહીંની શક્તિ વિશાલક્ષી અને ભૈરવ કાળ ભૈરવ છે.

ગોદાવરી શક્તિપીઠ..આંધ્રપ્રદેશના કબ્બરમાં ગોદાવરી કાંઠે સ્થિત છે જ્યાં માતાનો ડાબો ગાલ પડ્યો હતો.અહીંની શક્તિ વિશ્વેશ્વરી કે રૂકમણી અને ભૈરવ દંડપાની છે.

સુચિન્દ્રમ શક્તિપીઠ..તમિલનાડુના કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળે સ્થિત છે જ્યાં સતીનાં ઉપરના દાંત પડ્યા હતા.અહીંની શક્તિ નારાયણી અને ભૈરવ સનહર કે સંકુર છે.

પંચસાગર શક્તિપીઠનું કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી પરંતુ અહીં માતાના નીચેનાં દાંત પડ્યા હતા.અહીંની શક્તિ વારાહી અને ભૈરવ મહુદ્ર છે.

ભૈરવપર્વત શક્તિપીઠને લઈને વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાક લોકો ગુજરાતના ગિરનાર નજીકના ભૈરવ પર્વતને તો કેટલાક લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક ક્ષિપ્રા નદીના કાંઠે વાસ્તવિક શક્તિપીઠ માને છે જ્યાં માતાનો ઉપરનો હોઠ પડ્યો હતો.અહીંની શક્તિ અવંતિ અને ભૈરવ લંબકર્ણ છે.

અટ્ટહાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લાભપુરમાં સ્થિત છે જ્યાં માતાનો નીચેનો હોઠ પડ્યો હોવાનું માનવામાં આવે છે.અહીંની શક્તિ પૂર્ણ છે અને ભૈરવ વિશ્વેશ છે.

જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર નાસિકમાં સ્થિત છે જ્યાં માતાજીની દાઢીનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ વિકૃતક્ષા છે.

નંદીપુર શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્થયામાં સ્થિત છે જ્યાં દેવીના શરીરના ગળાનો હાર પડ્યો હતો.અહીંની શક્તિ નંદિની અને ભૈરવ નંદકેશ્વર છે.

શ્રી શૈલ શક્તિપીઠ આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક છે જ્યાં માતાજીની ગરદન પડી હતી.અહીંની શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ ઇશ્વરાનંદ છે.

નલહટી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બોલપુરમાં છે જ્યાં માતાની ઉદર-નળી પડી હતી.અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ યોગિશ છે.

મિથિલા શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે.આ સ્થાનને લઈને મત મતમતાંતર છે.મિથિલા શક્તિપીઠ નેપાળમાં જનકપુર,બિહારના સમસ્તીપુર અને સહરષામાં માનવામાં આવે છે જ્યાં માતાની ડાબો ખભો પડ્યો હતો.અહીંની શક્તિ ઉમા અથવા મહાદેવી અને ભૈરવ મહોદર છે.

રત્નાવલી શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે.તે ચેન્નઈ તમિલનાડુ રત્નાવલી શક્તિપીઠમાં ક્યાંક સ્થિત છે જ્યાં માતાનો જમણો ખભો પડ્યો હતો.અહીંની શક્તિ કુમારી અને ભૈરવ શિવ છે.

રામાગિરિ શક્તિપીઠની સ્થિતિ અંગે વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાક ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં માને છે તો કેટલાક મધ્યપ્રદેશના મૈહારમાં માને છે જ્યાં માતાજીનું જમણું સ્તન પડ્યુ હતું.અહીંની શક્તિ શિવાની અને ભૈરવ ચંદ્ર છે.

વૈદ્યનાથ શક્તિપીઠ ઝારખંડના દેવઘરના ગિરિડીહમાં સ્થિત છે જ્યાં માતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અહીંની શક્તિ જયદુર્ગા અને ભૈરવ વૈદ્યનાથ છે.

 

વરકેશ્વર શક્તિપીઠ..આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્થ્યામાં સ્થિત છે જ્યાં માતાનું મન પડ્યું હતું  અહીંની શક્તિ મહિષાસુરમર્દિની અને ભૈરવ વક્રનાથ છે.

કન્યાકુમારી શક્તિપીઠ..તામિલનાડુના કન્યાકુમારીમાં હિંદ મહાસાગર,અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંગમ પર સ્થિત છે જ્યાં માતાજીની પીઠ પડી હતી.અહીં શક્તિ શર્વાની કે નારાયણી અને ભૈરવ નિમિષિ અથવા સ્થાણું છે.

મણિવેદિકા શક્તિપીઠ..રાજસ્થાનના પુષ્કરમાં આવેલી છે જેને ગાયત્રી મંદિર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં માતાજીના હાથના કાંડા પડ્યા હતા.અહીંની શક્તિ ગાયત્રી અને ભૈરવ શેરવાનંદ છે.

પ્રયાગ શક્તિપીઠ..ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં સ્થિત છે.માતાજીના હાથની આંગળીઓ અહીં પડી હતી.શક્તિપીઠની શક્તિ લલિતા છે અને ભૈરવ ભાવ છે.

કાંચી શક્તિપીઠ..તમિલનાડુના કાંચિવરમમાં સ્થિત છે જ્યાં માતાનું હાડપિંજર પડ્યું હતું.અહીંની શક્તિ દેવગ્રહ અને ભૈરવ રૂરૂ છે.

કાલમાધવ શક્તિપીઠ વિશે કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી પરંતુ માતાનો ડાબો નિતંબ અહીં પડ્યો હતો.અહીંની શક્તિ કાલી અને ભૈરવ અસિતંગા છે.

શોણ શક્તિપીઠ..મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત છે.માતાનો જમણો નિતંબ અહીં પડ્યો હતો. બીજી માન્યતા એવી છે કે બિહારના સાસારામનું તારાચંડી મંદિર શોણા-તટસ્થા શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે સતીનું જમણું નેત્ર અહીં પડ્યું હતું.અહીંની શક્તિ નર્મદા અથવા શોનાક્ષી અને ભૈરવ ભદ્રસેન છે.

કામખ્યા શક્તિપીઠ..આસામના ગુહાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે જ્યાં માતાજીની યોનિ પડી હતી.અહીંની શક્તિ કામખ્યા દેવી અને ભૈરવ ઉમાનંદ છે.

જયંતિ શક્તિપીઠ..મેઘાલયના જૈંટીયા ટેકરી પર સ્થિત છે જ્યાં માતાજીની ડાબી જાંઘ પડી હતી. અહીંની શક્તિ જયંતિ અને ભૈરવ ક્રમાદિશ્વર છે.

મગધ શક્તિપીઠ..બિહારની રાજધાની પટનામાં પટનેશ્વરી શક્તિપીઠ માનવામાં આવે છે જ્યાં માતાની જમણી જાંઘ પડી હતી.અહીંની શક્તિ સર્વાનંદકરી અને ભૈરવ વ્યોમકેશ છે.

વિભાષા શક્તિપીઠ..પશ્ચિમ બંગાળના મિદનાપુરના તમરૂલક ગામમાં સ્થિત છે જ્યાં માતાની ડાબા પગની ઘૂંટી પડી હતી.અહીંની શક્તિ કપાલિની,ભીમરૂપા અને ભૈરવ સર્વાનંદ છે.

કુરુક્ષેત્ર શક્તિપીઠ..જેને શ્રીદેવિકૂપ ભદ્રકાળી પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હરિયાણામાં કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વિપાયન સરોવર નજીક આવેલું છે.માતાનો જમણો પગ અહીં પડ્યો હતો.અહીં શક્તિ સાવિત્રી અને ભૈરવ સ્તમ્ છે.

યુગદ્યા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બર્દમાન જિલ્લામાં ક્ષીરગ્રામમાં સ્થિત છે જ્યાં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો.અહીંની શક્તિ જુગદય અને ભૈરવ ક્ષીર ખંડક છે.

વિરાટ શક્તિપીઠ રાજસ્થાનની પિંક સિટી જયપુરના વૈરાટગ્રામમાં સ્થિત છે જ્યાં સતીની જમણા પગની આંગળીઓ પડી હતી.અહીંની શક્તિ અંબિકા અને ભૈરવ અમૃત છે.

કાલીકા શક્તિપીઠ..કોલકાતાના કાલિઘાટમાં કાલીમંદિર તરીકે જાણીતું છે જ્યાં માતાના જમણા અંગૂઠા સિવાયની ચાર આંગળીઓ પડી હતી.અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ નકુલેશ છે.

માનસ શક્તિપીઠ તિબેટના માનસરોવર કાંઠે સ્થિત છે જ્યાં માતાની જમણી હથેળી પડી હતી.અહીં શક્તિ દક્ષાયની છે અને ભૈરવ અમર છે.

લંકા શક્તિપીઠ શ્રીલંકામાં સ્થિત છે જ્યાં માતાની પાયલ પડી હતી.અહીંની શક્તિ ઇન્દ્રક્ષી અને ભૈરવ રક્ષિતેશ્વર છે.જોકે તે જાણી શકાયું નથી કે શ્રીલંકામાં કયા સ્થળે પડ્યું હતું.

કરતોયાઘાટ શક્તિપીઠ..બાંગ્લાદેશના ભવાનીપુરમાં કાર્ટૂયા નદીના કાંઠે સ્થિત છે જ્યાં માતાની ડાબી આંખ પડી હતી.અહીં દેવી અપર્ણા અને ભૈરવ શિવ-વામન રહે છે.

યશોરેશ્વરી શક્તિપીઠ બાંગ્લાદેશના જેસોરના ખુલનામાં સ્થિત છે જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી.અહીં શક્તિ યશોરેશ્વરી અને ભૈરવચંદ્ર છે.મહાકાળી શક્તિપીઠ પાવાગઢના ડુંગર ઉપર સ્થિત છે જ્યાં માતાજીની જમણા પગની આંગળી પડી હતી.

આદ્યશક્તિ ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ

ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે.વર્ષના જેટલા દિવસો છે તેના કરતાં વધુ તો ધાર્મિક ઉત્સવો ઉજવાય છે જેથી સમગ્ર વર્ષ આનંદ ઉત્સાહ મળી રહે.આવો જ આધ્યાત્મિક ઉત્સવ એટલે નવરાત્રિ.શાસ્ત્રોક્ત માન્યતા પ્રાપ્ત નવ દેવીઓની સ્તુતિ અને શક્તિઓની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ.નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો તેના વાસ્તવિક સ્વરૂપ વિશે ચિંતન કરીએ.

જન્મ ગ્રહણ કરતી કન્યા શૈલપૂત્રીનું સ્વરૂપ છે, કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે, વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી દિકરી ચંદ્રઘંટા સમાન છે, નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે, સંતાનને જન્મ આપ્યા પછી તે સ્ત્રી સ્કંદમાતા બની જાય છે, સંયમ-સાધનાને ધારણ કરનાર સ્ત્રી કાત્યાયની રૂપ છે, પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી જેવી હોય છે, સંસારનો ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.(કુટુંબ જ તેના માટે સંસાર હોય છે), દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે. આમ આપણા ઘરમાં શક્તિના નવ સ્વરૂપોને શક્તિનાં સ્વરૂપ સમજી આપણી માતા-દિકરી અને પૂત્રવધૂમાં શક્તિનાં દર્શન કરીએ તેમનો આદર સત્કાર કરીએ એ જ સાચી શક્તિ ઉપાસના છે.

યાદ રાખજો કે જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી, જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી અને જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી.

વિરાટમાં જોઇએ તો સમગ્ર બ્રહ્માંડનું સર્જન એક પ્રભુ પરમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર છે તેમાંથી થયું છે.પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ બન્યા જેને આપણે શક્તિ કહીએ છીએ.નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે ર્માં.. એટલે કે દરેક નર-નારીનું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને તેને ચેતનતા આપનાર છઠ્ઠુ તત્વ આત્મા એ જ પરાત્પર બ્રહ્મ શિવ છે.

જય આદ્યશક્તિ ર્માંની આરતીની રચના સુરતના શિવાનંદ પંડયાએ કરી હતી.તેમને પોતાના જીવનકાળ દરમ્યાન અનેક આરતીઓની રચના કરી હતી.આ આરતીમાં શબ્દો અને ઢાળમાં સમયાંતરે ફેરફાર થતો રહ્યો છે છતાં તેનો અર્થ એનો એ જ જોવા મળે છે.

જ્ય આદ્યશક્તિ ર્માં જય આદ્યશક્તિ અખંડ બ્રહ્માંડ દિપાવ્યા પડવે પ્રગટ થયાં..

આદ્ય એટલે સર્વ પ્રથમ જગત-વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને એ દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો.એવી ૐના નાદરૂપ માઁ જગદંબાનો જય હો જય હો.

દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર ર્માં..

બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે ર્માં ! બ્રહ્મા-ગણપતિ અને શિવ પણ તારો મહિમા ગાય છે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી તું તરવેણીમાં..

ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી-મહાલક્ષ્મી અને મહાકાલી.આપ ત્રણ ભુવન આકાશ-પાતાળ અને પૃથ્વી પર બિરાજમાન છો.ગંગા-યમુના અને સરસ્વતી અને જ્ઞાન-ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

ચોથે ચતુરા મહાલક્ષ્મી ર્માં સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા પ્રગટયાં દક્ષિણમાં..

મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે.આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે, તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.

પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં..

અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચનાકારે કેટલીક છૂટ લીધી છે.હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સપ્તર્ષિ જોઈએ (સાત ઋષિઃકશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્નિ અને વસિષ્ઠ) અને ગુણ પાંચ નહીં ત્રણ છે.સત્વ-રજસ અને તમસ. જગદંબાના આશીર્વાદથી કરૂણા પ્રેમ સત્ય સત્વ અને મમત્વ.. આ પાંચ ગુણ પ્રાપ્ત થાય છે.હે માઁ પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશમાં આપ વ્યાપ્ત છો.

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે ર્માં..

મહિષાસુર રંભાસુરનો પુત્ર હતો.અગ્નિદેવના આશીર્વાદથી મહિષાસુરનો જન્મ થયો હતો.તે અમરત્વ પ્રાપ્ત કરવા માંગતો હતો જેથી કોઈ તેને મારી ન શકે અને તે અમર બની જાય.આ માટે તેણે સૃષ્ટિના સર્જક ભગવાન બ્રહ્માજીનું તપ કર્યું.ઘણા વર્ષોની સખત તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે મહિષાસુરે તેમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માદેવે અમરત્વ સિવાય બીજું કોઈ વરદાન માગવાનું કહ્યું ત્યારે તેણે સ્ત્રીના હાથે જ મરવાનું વરદાન માંગ્યું હતું.બ્રહ્માજીએ તેને તે વરદાન આપ્યું ત્યારથી તે અજેય બની ગયો.તેને કોઈ હરાવી શક્યું નહીં.તેણે ત્રણેય લોક ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું.તેણે એવું વિચારીને વરદાન માંગ્યું હતું કે કોઈ સ્ત્રી એટલી શક્તિશાળી ન હોઈ શકે કે તે તેને મારી શકે.આ મહિષાસુર રાક્ષસને મારનારી ર્માં તૂં નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા ર્માં..

સાતે પાતાળ (અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાલ)માં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયં સંધ્યા આપ છો.માતાના પાંચ સ્વરૂપો ગાય ગંગા ગાયત્રી ઉમિયા અને ગીતા આપ જ છો.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા દેવ દૈત્યો માં..

દૈત્યોને હણનારી મહાકાલી ર્માં આઠ ભુજાવાળી ગણાવાય છે.હે મહાકાલી ર્માં ! તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન-ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.

નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન શિવરાત્રિના અર્ચન કીધાં હરબ્રહ્મા..

નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે.શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે.નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિ.

દસમી દસ અવતાર વિજ્યાદસમી, રામે રામ રમાડયાં રાવણ રોળ્યો ર્માં..

દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે.હે ર્માં ! આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા કાલિકા શ્યામને રામા..

નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માતાનો મહિમા ગવાય છે.શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું.કાત્યાયની ર્માં મનગમતો ભરથાર મેળવી આપે છે.શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

બારસે બાળારૂપ બહુચરી અંબા ર્માં, બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહિયે તારાં છે તુજ માં..

બહુચર માતા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે.બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તમારા જ સેવકો છે.જે તમારી અડખે-પડખે શોભે છે.

તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારાં ગાતાં..

હે ર્માં ! તારૂં તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે.તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં.જે સર્વજનોને તારે છે એવી ર્માં તારિણીના ગુણગાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ ગાય છે.

ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માતા.

શક્તિનું ચૌદમું સ્વરૂપ ર્માં ચામુંડાનું છે.એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર ર્માં અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરૂણા ર્માં, વશિષ્ઠ દેવે વખાણ્યાં માર્કંડ દેવે વખાણ્યાં ગાયે શુભ કવિતા.

પૂનમ એટલે પૂર્ણતઃ ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો.વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે ક્ષમા કરો ગૌરી ર્માં દયા કરો ગૌરી.

અહીં નગરીના નામ તો પ્રતિક છે.હે ર્માં ! તમે સર્વત્ર વ્યાપેલાં છો.સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે.પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

સંવત સોળ સતાવન સોળશે બાવીસ માં સંવત સોળે પ્રગટ્યા રેવાને તીરે..

સંવત ૧૬૫૭માં આપે સોળ વર્ષની કુંવારીકાના રૂપમાં દર્શન આપ્યાં હતાં.આપ રેવા(નર્મદા)ના કાંઠે પ્રગટ્યા હતા.

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી સુખસંપતિ થાશે હર કૈલાસ જાશે ર્માં અંબા દુઃખ હરશે..આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે તેને સુખ-સંપત્તિ પ્રાપ્ત થશે,સર્વનું સુખ દુઃખ હરશે.સ્વર્ગનું સુખ મળશે.શિવ-પાર્વતિના ચરણ(કૈલાસ)માં સ્થાન મળશે એવું આરતીના રચનાકાર શિવાનંદ સ્વામી કહે છે.

 

આસુરી વૃત્તિ ઉપર વિજ્યનું પર્વ દશેરા

દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

રામાયણ-રામચરીત માનસ અને અન્ય રામકથાઓમાં અનેક શબ્દોનો પ્રતિક રૂ૫માં ઉ૫યોગ કરવામાં આવ્યો છે.જેના ઐતિહાસિક મહત્વની સાથે આધ્યાત્મિક અર્થ ૫ણ પ્રગટ કરે છે.જ્યાં સુધી ઇતિહાસના આ પાત્રો અને શબ્દોનો આધ્યાત્મિક અર્થ ના સમજાય ત્યાં સુધી તેની વિસંગતતા દૂર થશે નહી.અયોધ્યા એ હાલના ફૈજાબાદ જીલ્લાની જગ્યાએ હતી ૫રંતુ તુલસીદાસજી અયોધ્યાને કોઇ એક સ્થાન પુરતી સિમિત માનતા નથી ૫રંતુ કહે છે કે સોઇ અવધ જર્હં રામ નિવાસુ,સોઇ દિવસ જર્હં ભાનૂ પ્રકાશૂં એટલે કે જ્યાં રામ છે તે જ અયોધ્યા. જેમ જ્યાં સૂર્ય ત્યાં દિવસ.પ્રતિક રૂ૫માં અયોધ્યા શરીર છે અને તેના રાજા દશરથ જીવ છે.જે દશ ઇન્દ્દિયો ઉ૫ર સવાર છે.જે જીવ બ્રહ્મજ્ઞાનીઓના કૂળમાં પેદા થાય છે તે જ્ઞાનવાન જ હોય છે.

દશરથનો અર્થ દશે ઇન્દ્દિયોને વશમાં કરનાર યોગી પુરૂષ છે.આવા સંયમી માનવદેહમાં જ રામ (જ્ઞાન) પ્રગટ થાય છે.ધ્યાનમાં રામ છે તો દેહમાં વસંત છે અને રામ ગયા તો બસ અંત છે.કૈકયીના ભોગ વિલાસમાં જીવરૂપી દશરથ ફસાઇ ગયા તો સંયમ સમાપ્ત થઇ ગયો અને રામ ૫ણ દેહરૂપી અયોધ્યામાંથી નિકળી ગયા અને દશરથનું મરણ થયું.રામ વિના દેહરૂપી અયોધ્યાની આવી હાલત થઇ ગઇ.

દશરથરૂપી જીવના દેહમાં ૫હેલાં રામ(જ્ઞાન) પ્રગટ થયા ૫છી ભક્તિરૂપી સીતા ૫ધાર્યા.આ જ્ઞાન અને ભક્તિ જીવને ક્યારે પ્રાપ્ત થાય? વ્યક્તિમાં ૫હેલાંથી ત્રણ શક્તિઓ હાજર હોય છે વિવેક શક્તિ-ઉપાસના શક્તિ અને ક્રિયા શક્તિ.આ ત્રણ શક્તિઓ જ જીવરૂ૫ દશરથની ત્રણ રાણીઓ છે.કૌશલ્યા વિવેક શક્તિ છે જેમની કોખથી બ્રહ્મજ્ઞાની રૂપી રામ પેદા થાય છે.સુમિત્રા ઉપાસના શક્તિ છે અને કૈકયી ક્રિયાશક્તિ છે.જીવનાં તપ અને વરદાન આ ત્રણે શક્તિઓમાં જ ૫હોચે છે ત્યારે જ જીવનમાં સમતોલપણું રહે છે.રાજા દશરથ દ્વારા ત્રણે રાણીઓને પાયસ ૫હોચાડવો અથવા ખીર વહેંચવાનો આ જ અર્થ છે અને આ જ કારણ છે કે કર્મ શક્તિથી ભક્તિનું સાક્ષાતરૂ૫ ભરત જેવો પૂત્ર તથા ઉપાસના શક્તિથી રામ ઉપાસક લક્ષ્મણ જેવો પૂત્ર જન્મ્યો હતો.

દશાનનઃ જેને દશ માથા હોય તેને દશાનન કહેવાય.જીવ વિજ્ઞાનીઓના મત અનુસાર દશ માથાનો માનવી અસંભવ છે એટલે તેનો પ્રતિક અર્થ જ ગ્રહણ કરવો જોઇએ.રામાયણ અનુસાર રાવણ એ મોહ છે જે દશેય ઇન્દ્દિયો(મુખ)થી માયાનો ભોગ કરતાં ક્યારેય થાકતો નથી અને રામને ઓળખવામાં અસમર્થ છે.તેનો ભાઇ કુભકર્ણ અહંકાર છે, તેનો પૂત્ર મેઘનાથ કામ છે, અતિકાય નામનો રાક્ષસ લોભ છે, મહોદર મત્સર (ઇર્ષ્યા) છે, પાપિષ્ટ નામનો રાક્ષસ ક્રોધ છે, ખર દંભ છે, દુર્મુખ દ્વેષ છે અને અકં૫ન નામનો રાક્ષસ કપટ છે.મદ અને દર્પ ૫ણ પીડાદાયક રાક્ષસો છે.રામ જ્ઞાન છે અને સીતા ભક્તિ છે.

આ મોહનો ૫રીવાર કામ ક્રોધ મદ લોભ મોહ મત્સર કપટ દંભ ઇર્ષ્યા દ્વેષ વગેરે અનેક પૂત્ર-પૂત્રીઓથી સં૫ન્ન એક વિશાળ ૫રીવાર છે.આવા વિશાળ રાક્ષસ ૫રીવારનો જન્મદાતા મોહરૂપી રાવણ સોનાની લંકાનો માલિક છે એટલે કે ધનસંગ્રહને જીવનનો ઉદ્દેશ્ય માની બેઠો છે.આટલા રાક્ષસોની વચ્ચે વિભિષણરૂપી જીવ તડપી રહ્યો છે જેનો રામ મિલનથી ઉદ્ધાર થાય છે.

દશરથ જ્ઞાનવાન જીવ છે જે માયામાં ફસાઇને રામનો ત્યાગ કરી દે છે પરંતુ વિભિષણ અજ્ઞાની જીજ્ઞાસુ જીવ છે જે રામ(જ્ઞાન)ને પ્રાપ્ત કરીને ૫રમાનંદ મેળવે છે અને ૫છી તેનામાં અવિચળ ભક્તિનો ઉદય થાય છે અને તેને ૫હેલાં સંત હનુમાન મળે છે ૫છી સદગુરૂ રામ અને ૫છી તેના કામ ક્રોધ લોભ સમાપ્ત થઇ જાય છે.

દશેરાઃ દશેરા આસુરીશક્તિ અને અસત્ય ઉપર સત્યના વિજ્યનું પ્રતિક છે.લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રજીએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે તેથી તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.દશેરા માતા દુર્ગા અને ભગવાન રામના વિજયનું પ્રતીક છે.મોહરૂપી રાવણ ત્યારે જ મરે છે જ્યારે દશેરા(દશહરા) થાય એટલે કે દશે ઇન્દ્દિયોના વિષયોનું હરણ કરી લેવામાં આવે.મોહ કોઇ સામાન્ય શત્રુ નથી.વારંવાર માથુ કા૫વા છતાં ફરીથી જીવિત થઇ જાય છે એટલે કે જ્ઞાનથી વારંવાર દબાવવા છતાં ફરીથી મોહિત કરી લે છે.મોહનો અર્થ છેઃસાકાર પ્રત્યે સ્વાર્થપૂર્ણ આકર્ષણ હોવું અથવા સંલિપ્ત હોવું.

 

    રાવણે તમામ દેવતાઓને કેદ કરી લીધા હતા તેનો અર્થ છે કે મોહ એ મોટા મોટા વિદ્વાનો,જ્ઞાનીઓ અને દેવતાઓને ૫ણ પોતાની જાળમાં ફસાવી દીધા છે.આ બંધન કોઇ રામરૂ૫ ગુરૂ જ્ઞાનથી જ કપાય છે.તેને કોન મારી શકે? રામ કૃપાથી તેનો વધ(અંત) થાય છે તે ૫ણ ત્યારે કે જ્યારે દશહરા થાય એટલે કે દશે ઇન્દ્દિયોને કુમાર્ગથી હટાવી સુમાર્ગ ૫ર જ્ઞાનથી લગાવીએ.આંખ પ્રભુરૂ૫ના દર્શન કરે, કાન હરિકથા સાંભળે, નાક પ્રભુની સુગંધને ગ્રહણ કરે, જીભ હરિના ગુણગાન કરે, ત્વચા પ્રભુ ચરણસ્પર્શ કરે, હાથ સંતોના ચરણ સ્પર્શ કરે,૫ગથી સત્સંગમાં ૫હોચીયે..આમ દશે ઇન્દ્દિયોનો સંયમ, દશે ઇન્દ્દિયોની શક્તિને પ્રભુ તરફ દોડાવવી જોઇએ અને તેના વિષય શબ્દ સ્પર્શ રૂ૫ રસ ગંધ વગેરેના સલિપ્તપૂર્ણ માયાના ભોગોમાંથી હટાવવા એ દશહરા (દશેરા) છે.આ દશેરા સંયમની ચરમસીમા અને ભક્તિનું રૂ૫ છે.દશહરાથી જ મોહરૂપી બળવાન શત્રુ રાવણ મરી શકે છે.ભક્તિરૂપી સીતા તેની કેદમાં તડપી રહી છે.ભક્તિની રક્ષા માટે તેનો વધ કરવો જરૂરી છે.મોહરૂપી રાવણ મરતાં જ જ્ઞાન(રામ) અને ભક્તિ(સીતા) પુનઃ અયોધ્યા (શરીર)માં પાછા ફરે છે અને ત્યાં દિવાળી મનાવવામાં આવે છે એટલે દિવાળી દશેરા ૫છી જ આવે છે.

દેવી પુરાણ અનુસાર ભગવાન શ્રીરામે નવરાત્રી-વ્રત કરી દશમી તિથિએ વિજયાપૂજન કરી કિષ્કિંધાથી લંકા તરફ પ્રસ્થાન કર્યું હતું તેથી બીજા દિવસનું નામ વિજયાદશમી કહેવાય છે.આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજ્ય એટલે વિજ્યાદશમી.ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો તેના પ્રતિકરૂપે આપણે પોતાના અંદરના દશ દુર્ગુણો કામ ક્રોધ મદ લોભ મોહ મત્સર કપટ દંભ ઇર્ષ્યા દ્વેષને દૂર કરી આ પર્વની ઉજવણી કરવાની છે.વર્તમાન સમયમાં આ દુર્ગુણો ઝડપભેર વધી રહ્યા છે.બળાત્કાર-ભ્રષ્ટાચાર અને અપહરણના બનાવો વધી રહ્યા છે.માનવ અનેક દુર્ગુણોથી ભરેલો છે,આ દુર્ગુણો એ જ દાનવવૃત્તિ.આપણે દશેરા જેવા પવિત્ર દિવસે દિલમાં ધર્મના વિચારોનું સ્થાપન કરીએ, હલકા વિચારોને તિલાંજલી આપી ઉન્નત વિચારોનું મનમાં સ્થાપન કરવાનો સંકલ્પ લેવાનો છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment