લગ્ન વિધિની સમજણ
આપણા દેશમાં
સંસ્કારનું અનોખું મહત્વ છે તે પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો દેશ આધ્યાત્મિકતાને વરેલો
છે.દરેક માતા પિતા એવું ઇચ્છે છે કે તેમનું સંતાન સંસ્કારી તથા સદગુણી બને. વિશ્વમાં
લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ રીતે લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત
છે.લગ્ન માટે વિવાહ,પાણિગ્રહણ,પરિણય..વગેરે
શબ્દો પ્રચલિત છે.
ભારતીય
સંસ્કૃતિ અનુસાર વિવાહ એ એક ધાર્મિક વિધિ છે.જુદા જુદા બે પરિવાર,કુટુંબના
સ્ત્રી અને પુરૂષનું પ્રેમના તાંતણે જોડાણ થાય છે.આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ
વધે છે.લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી-પુરુષનો દાંપત્ય સંબંધ જીવન પર્યંતનો
હોય છે.લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ
ઊંડો પ્રભાવ પડે છે.સ્ત્રી વિના પુરૂષ અધુરો છે અને પુરૂષ વિના સ્ત્રી અધુરી
છે.બન્નેનું વિધિવત જોડાણ બન્ને પાત્રોને પૂર્ણ બનાવે છે અને સૃષ્ટિનું રચનાત્મક
કાર્ય આગળ વધે છે.ગૃહસ્થોએ જીવનમાં રહેલી કામનાને નિયંત્રિત કરી સામાજિક
સેવાકાર્યોની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું હોય છે.આપણી
સંસ્કૃતિમાં લગ્નને એક યજ્ઞ માનવામાં આવ્યો છે.
આપણા
શાસ્ત્રોમાં વિવાહના આઠ પ્રકાર ગણાવ્યા છે,જેમાં પ્રથમ ચારને ઉત્તમ
અને છેલ્લા ચારને અધમ ગણવામાં આવ્યા છે.
(૧) બ્રાહ્મ વિવાહ: કન્યાના પિતા વિદ્વાન તથા શિલસંપન્ન
પુરૂષનો વિધિ પૂર્વક સત્કાર કરી તેની પાસેથી કંઇ લીધા વિના યથાશક્તિ દક્ષિણા સાથે
વસ્ત્રાભૂષણોથી અલંકૃત કન્યાનું દાન કરે છે આ વિવાહને સૌથી ઉત્તમ માનવામાં આવ્યા
છે.
(ર) વિવાહ-સદ્ગુણી અને કર્મઠ વ્યકિતને વિધિપૂર્વક કન્યાદાન
આપવું તેને દૈવ વિવાહ કહેવાય છે.
(૩) આર્ષ વિવાહ-આ વિવાહમાં કન્યાના પિતા પુરૂષ પાસેથી ગાય,બળદ કે અન્ય વસ્તુ ધર્મપૂર્વક સ્વીકારી કન્યાદાન કરે છે.
(૪) પ્રાજાપત્ય વિવાહ-કન્યા પુરૂષ સાથે મળી ધાર્મિક તથા
સામાજિક કર્તવ્યોમાં જેડાય તેવા ઉદ્દેશથી કરાતું કન્યાદાન પ્રાજાપત્ય વિવાહ કહેવાય
છે.
ઉપરોક્ત ચાર
પ્રકારના વિવાહને ઉત્તમ માનવામાં આવે છે,એમાં અલંકારોથી સુસજ્જિત
કન્યાનું દાન ધર્મપૂર્વક કરવામાં આવે છે.આ ચાર પ્રકારના વિવાહોમાં ઉપલક ભેદ છે,પાયાના કોઇ ભેદ જણાતા નથી.ચારેય પ્રકારમાં યોગ્ય પતિની પસંદગી,કન્યાદાન તથા પૂર્ણ ધાર્મિક વિધિ થાય છે તથા સામાજિકતા, ધાર્મિકતા અને સંસ્કારીતાના દર્શન થાય છે આથી આ પ્રકારના વિવાહો સર્વને
માટે સુખદાયી નીવડે છે.
(૫) આસુરી વિવાહ-કન્યા વિક્રય અથવા પુરૂષ વિક્રય કરી,દહેજની લેવડ-દેવડ કરી કરાતા લગ્નને આસુરી વિવાહ કહેવામાં આવે છે.
(૬) ગાંધર્વ વિવાહ-પુરૂષ તથા સ્ત્રી પરસ્પરની પસંદગીથી
પ્રેમભાવને વશ થઇ કરાતા કામોપભોગ ને ગાંધર્વ વિવાહ કહે છે.
(૭) રાક્ષસી વિવાહ-કન્યાનું અપહરણ કરી તેની અનિચ્છા હોવા
છતાં કરાતા લગ્નને રાક્ષસી લગ્ન કહે છે.
(૮) પિશાચી વિવાહ-ગાઢ નિદ્રામાં સુતેલી,મદ્યમત તથા બેભાન અવસ્થામાં પડેલી કન્યા સાથેનો કામોપભોગ પિશાચી વિવાહ
કહેવાય છે.
આજના
સમયમાં સમાજમાં મૈત્રીકરાર પ્રથા પ્રચલિત જોવા મળે છે.
વિવિધ
સંસ્કૃતિ તથા રીત-રીવાજ મુજબ સમાજમાં આજે સગાઇથી માંડીને વિવાહ સુધીની
પ્રક્રિયામાં અનેક પ્રકારના વિધિ-વિધાન જોવા મળે છે.મંડપ સ્થાપન, પીઠી
ચોળવી, પોંખણા, હસ્તમેળાપ, છેડાછેડી, કંસારની વિધિ, કન્યાદાન,
હોમ, ફેરા, સપ્તપદી..વગેરે
વિધિના રહસ્યોને સમજીને જો અમલમાં મુકવામાં આવે તો દાંપત્યજીવન મધુર બની રહે છે.
લગ્ન
પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું
૫ણ જરૂરી છે.વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે.આ વખતે
લાકડાના બનાવેલો નાનો રવઈયો,મુશળ ઘ્રુસરી,તરાક
વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ
છે? શું રહસ્ય છે? તેમજ બીજી વિધિઓનો
શું અર્થ હોય છે? તે વિશે વિચાર કરીએ.
લગ્ન-બે વિજાતિય
દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન
એક કરવા,એનાથી પ્રેમ પ્રગટે,આત્મિયતા વધે અને
અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન છે.
વરઘોડો-ઈન્દ્રિયોના
ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.
પોંખણું-વરરાજા પરણવા
આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાનો રવઈયો, મુશળ,
ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે તેનો અર્થ જોઇએ.
રવઈયો-માખણ કાઢવા
માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના
તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.
મુશળ-અતિ વાસનાઓને
મુશળ-સાંબેલાથી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે.
ઘુંસરી-સંસારરૂપી
રથને પતિ-પત્નીરૂપી બે ચાલકો છે,આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર
રૂપે ચાલીને જીવનરથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે તેમ કહેવા માગે
છે.
તરાક-લગ્ન જીવન
રેટિંયા જેવું છે.પતિ-પત્નીરૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક-ચાકને બંધાયેલા
અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે.આમ પોંખવા આવનાર સાસુ
વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે,એનો જવાબ વર સંપૂટ તોડીને
આપે છે.
સંપુટ-વરને પોંખી
લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી વર
એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા,
અરમાનો પર હું હવે નહિ ચાલું,એનો અહી ભાંગીને
ભુક્કો કરૂં છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો
એક હશે તે પ્રમાણે જ જીવનયાત્રા કરીશું.
વરમાળા-ફુલના હારથી
વરકન્યા અરસપરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે
છે,આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.
હસ્તમેળાપ-લગ્ન વિધિનું
આ મુખ્ય અંગ છે.પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો
સ્વીકાર-ગ્રહણ કરે છે.આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા
મેળાપ બની જાય છે.આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને હૈયામાં
આત્મિયતા પ્રગટે છે,સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને
ઉલ્લાસથી નાચી ઉઠે છે.
મંગળ
ફેરા-લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે:ધર્મ,અર્થ,કામ અને મોક્ષ..એ ધર્મશાસ્ત્રોનું પણ ચિંતન છે.ચાર ફેરા ફરવામાં પ્રથમના
ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે આમ કેમ?
પ્રથમ ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ છે.
(૧) ધર્મ-ધર્મ પાળવો અને પળાવવો.સ્ત્રીના પિયરમાં ગમે તે
ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને
બીજા ધર્મો,પતિ પ્રત્યેના ધર્મો,કુટુંબ
પ્રત્યેના ધર્મો,ઘરના વડિલો પ્રત્યેના ધર્મો,સંતાનો પ્રત્યેના ધર્મો,સગાં સબંધી અને સમાજ
પ્રત્યેના ધર્મો.. વિગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળવાના છે.
(૨) અર્થ-ગૃહસ્થ જીવન ચલાવવા ધન કમાવું.પતિ કમાઈને પૈસા
લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મી
કહેવાય છે.ઘરની લક્ષ્મી પણ આપણે કહીએ છીએ.
(૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો.આ ત્રણેમાં પુરૂષ
આગળ હોય છે અને તેને પત્ની અનુસરે છે,સ્ત્રી એ લજ્જાનું પ્રતિક
છે.લગ્ન જીવન માટે વંશવૃધ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે.આ ત્રણેય...ધર્મ,અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે.જ્યારે
ચોથો ફેરો..
(૪) મોક્ષ-એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી.એ તો ધર્મોના નિયમ
પાલન અને સેવા સુશ્રુષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે.સહનશક્તિ,
સદાચાર, શીલ વગેરે..ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક
હોય છે.પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા,
મમતા આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે
જ તે મોક્ષના માર્ગ ઉપર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી
આગળ હોય છે.
મંગલાષ્ટક-લગ્નવિધિ
પૂરો થતાં બ્રાહ્મણ નવદંપતિને આશિર્વાદ આપતા શ્ર્લોકો બોલે છે અને આઠ અષ્ટકો
દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ,સફળ અને પ્રસન્ન નિવડે એવી મંગળ કામનાઓનો
આર્શિવાદ આપે છે.
રામ
દીવડો-કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને
વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, સુશ્રુષા
અને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમજ તું તે સંસ્કારોથી તારા પતિના
ઘરને પણ અજવાળજે.
મા
માટલું-માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ
અજોડ છે,તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતિક રૂપે
ધન, ધાન્ય, ફળ, મેવા,
મિઠાઈને માટલામાં ભરે છે.આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો,
ધાન્યના પ્રતિક રૂપે મગ, ફળના પ્રતિક રૂપે
સોપારી, મેવાના પ્રતિક રૂપે ખારેક અને મિઠાઈના પ્રતિક રૂપે
સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વિગેરે પણ મુકાય છે.રિધ્ધિ-સિધ્ધિના પ્રતિક રૂપે
નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા
લહેર રહે તેવી શુભ કામનાના પ્રતિક રૂપે ર્માં માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર
લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી,સજ્જનતાથી અને સુવ્યવહારથી અતુટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર
ઉતરે એના પ્રતિક રૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મુકવામાં આવે છે.
મનુષ્યને
રાષ્ટ્ર-સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો
નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે.સંસ્કાર શબ્દનો અર્થ શુદ્ધિકરણ થાય છે.સોળ સંસ્કારોમાં બારમો લગ્ન-સંસ્કાર અતિ મહત્વનો
છે.લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેલી વ્યક્તિનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય
છે અને સામાજિક જીવનના આધારે ધર્મ,અર્થ,કામ અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થાય છે.
મનુષ્યો ઉપર
ઋષિઋણ-દેવઋણ અને પિતૃઋણ..આ ત્રણ ઋણ હોય છે.યજ્ઞ-યાગાદિથી દેવઋણ, શાસ્ત્રોના
અધ્યયનથી ઋષિઋણ અને પુત્રપ્રાપ્તિથી પિતૃઋણમાંથી મુક્ત થઇ શકાય છે.આ ઋણમાંથી
મુક્તિ મેળવવા વિવાહ કરવા આવશ્યક છે માટે હિન્દુ
ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર માનવામાં આવ્યો છે. માનવ જીવનનું અંતિમ ધ્યેય
મોક્ષ પ્રાપ્તિ છે,એ ધ્યેયને મેળવવા માર્ગમાં અંતરાયરૂપ થતી
જન્મ જન્માંતરથી જીવ સાથે જોડાયેલી વિષયવાસનાના વેગને મંદ પાડવા તથા સંસારમાંથી
વૈરાગ્ય જગાડવા વિવાહ જરૂરી બને છે.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment