શિવપુરાણની કથા
શ્રવણથી ચંચુલાનો પાપના ભય અને સંસારથી વૈરાગ્ય થયો.
અમૃત પીવાવાળાને મુક્તિ મળતી નથી પરંતુ ભગવાન શિવની
કથામૃતનું પાન પ્રત્યક્ષ મુક્તિ આપનાર છે.સદાશિવની કથા સાંભળવાથી શિવલોકની
પ્રાપ્તિ થાય છે.શિવકથા ઉત્તમ જ્ઞાનયજ્ઞ છે.જે
સાંસારીક ભોગ અને મોક્ષ આપનાર છે.આ વિશે શિવપુરાણ માહાત્મયમાં એક પ્રાચિન કથા આવે છે.
સમુદ્રના નજીકના પ્રદેશમાં એક બાષ્કલ
નામનું ગામ હતું જેમાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી દ્વિજ રહેતા હતા.તે તમામ
ઘણા જ દુષ્ટ અને કુટીલવૃત્તિવાળા હતા.તેમનું મન દૂષિત વિષયભોગોમાં લાગેલું રહેતું
હતું.તેઓ દેવતાઓ કે ભાગ્ય ઉપર વિશ્વાસ કરતા નહોતા.તેઓ ખેતીવાડી કરતા હતા અને સાથે
સાથે ઘાતક શસ્ત્રો પણ રાખતા હતા.તેઓ પરસ્ત્રીગમન કરનારા હતા.જ્ઞાન-વૈરાગ્ય અને
સદધર્મને બિલ્કુલ જાણતા નહોતા.તે તમામ પશુબુદ્ધિના હતા અને હંમેશાં દૂષિત વાતો
કરવામાં જ મગ્ન રહેતા હતા.
ગામના દ્વિજો જ આવા હોય તો અન્ય વર્ણોના લોકોનું તો
કહેવું જ શું? અન્ય
વર્ણોના લોકો પણ કુત્સિત વિચારોવાળા અને કુકર્મોમાં લાગેલા રહેતા હતા અને
વિષયભોગોમાં ડૂબેલા રહેતા હતા.ત્યાંની તમામ સ્ત્રીઓ પણ કુટીલ સ્વભાવની,સ્વેચ્છાચારિણી અને વ્યભિચારીણી હતી.આ બાષ્કલ
ગામમાં એક બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો જે
ઘણો જ અધમ હતો.તે દુરાત્મા અને મહાપાપી હતો. જો કે તેની સ્ત્રી ઘણી જ સુંદર હતી
તેમ છતાં તે કુમાર્ગ ઉપર ચાલતો હતો અને કામવાસનાથી વેશ્યાગામી બન્યો હતો.
તેની પત્નીનું નામ ચંચુલા
હતું જે હંમેશાં ઉત્તમ ધર્મનું પાલન કરતી હતી તેમછતાં તેને છોડીને તેનો પતિ વેશ્યાઓ
પાસે જતો હતો.આમ કુકર્મમાં લાગેલો બિંદુગના ઘણા વર્ષો પસાર થયા.તેની પત્ની ચંચુલા
કામના આવેશથી પિડીત હોવા છતાં થોડા વર્ષો સુધી ધર્મભ્રષ્ટ ના થઇ પરંતુ દુરાચારી
પતિના આચરણથી પ્રભાવિત થઇને કામપીડિત થતાં દુરાચારિણી બની ગઇ.ભષ્ટ ચરીત્રવાળી તે
પતિથી છુપાઇને અન્ય પુરૂષ સાથે રમણ કરવા લાગી.
એકવાર બિંદુલ બ્રાહ્મણે પોતાની દુરાચારિણી પત્ની
ચંચુલાને કામાસક્ત બની પારકા પુરૂષ સાથે ભોગ ભોગવતાં રંગે હાથે પકડી લીધી અને વાળ
પકડીને મારવા લાગ્યો ત્યારે ચંચુલા કહે છે કે મારા જેવી પતિપરાયણ યુવાન પત્નીને
છોડીને આપ કુબુદ્ધિવશ દરરોજ વેશ્યા સાથે ગમન કરો છો.તમે જ કહો કે રૂપવતી તથા
કામાસક્ત ચિત્તવાળી યુવાન પત્નીને પતિસંસર્ગ ના મળે તો શું ગતિ થાય? હું સુંદર અને નવયૌવનથી ઉન્મત્ત છું.આપના
સંસર્ગ વિના વ્યથિત ચિત્તવાળી હું કામજન્ય દુઃખને કેવી રીતે સહન કરી શકું?
ચંચુલાની વાત સાંભળીને મૂઢબુદ્ધિ મૂરખ બિંદુલ કહે છે કે
તારી વાત સાચી છે.તૂં ડર રાખ્યા વિના નિર્ભય બનીને હવે દરરોજ પારકા પુરૂષો સાથે
ભોગ ભોગવ અને તેમને સંતુષ્ટ કરીને તેઓની પાસેથી ધન ખેંચી લાવ અને મને તે ધન આપ
જેનાથી આપણા બંન્નેનો સ્વાર્થ સિદ્ધ થાય.પતિનાં આવાં વચન સાંભળીને ચંચુલા પ્રસન્ન
થઇ પતિની વાત માની બંન્ને નિર્ભય ચિત્તથી કુકર્મમાં લાગી ગયાં.આમને આમ ઘણા વર્ષો
પસાર થઇ ગયાં.
ત્યારબાદ શૂદ્રજાતીય વેશ્યાનો પતિ બનેલો દૂષિત
બુદ્ધિવાળો દુષ્ટ બ્રાહ્મણ બિંદુલ સમય આવતાં
મૃત્યુ પામે છે અને ઘણા દિવસો સુધી નરકની યાતના ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપી
વિન્ધ્યપર્વત ઉપર ભયંકર પિશાચ બને છે.બિંદુલના મૃત્યુ પછી તેની પત્ની થોડો સમય
પોતાના પૂત્રો સાથે પોતાના ઘરમાં રહે છે અને છેલ્લે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે.
એક દિવસ દૈવયોગથી કોઇ પુણ્ય પર્વ નિમિત્તે ચંચુલા પોતાના
ભાઇ-બંધુઓ સાથે ગોકર્ણ તીર્થમાં જાય છે.તીર્થયાત્રીઓની સાથે સાથે તેને પણ તીર્થના
જળમાં સ્નાન કર્યું અને મેળો જોવાના ભાવથી અહી તહીં ફરે છે.ફરતાં ફરતાં એક
દેવમંદિરમાં તેને એક દૈવજ્ઞ બ્રાહ્મણના મુખેથી ભગવાન શિવની પરમ પવિત્ર તથા મંગલમય
ઉત્તમ પૌરાણિક કથા સાંભળી.
કથાકાર કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પારકા પુરૂષ સાથે વ્યભિચાર કરે છે તે
મર્યા પછી યમલોકમાં જાય છે અને ત્યાં યમદૂતો તેની યોનિમાં લોખંડનો તપાવેલ ભારે
સળિયો નાખે છે.કથાકારના મુખે આવી વૈરાગ્ય વધારનારી કથા સાંભળીને ચંચુલા ભયથી
વ્યાકુળ બનીને કાંપવા લાગે છે.જ્યારે કથા પુરી થાય છે અને તમામ શ્રોતાઓ જતા રહે છે
ત્યારે તે ભયભીત નારી એકાંતમાં શિવપુરાણની કથા કહેનાર બ્રાહ્મણને કહે છે કે
બ્રહ્મન ! હું મારા ધર્મને નથી જાણતી જેથી મારા દ્વારા દુરાચાર થયેલ છે તો મારા
ઉદ્ધારનો રસ્તો બતાવો.મેં મૂઢબુદ્ધિના કારણે ઘોર પાપ કર્યું છે.કામાંધ બનીને મારી
યુવાની વ્યભિચારમાં પસાર કરી છે.
આજે તમારા વૈરાગ્ય-રસથી ઓતપ્રોત પ્રવચન સાંભળીને મને ડર
લાગે છે અને મને આ સંસારથી વૈરાગ્ય આવ્યો છે.હું મૂઢ બુદ્ધિવાળી પાપિનીને ધિક્કાર
છે.હું નિંદાને યોગ્ય છું કેમકે હું મારા ધર્મથી વિમુખ બની ગઇ હતી.ક્ષણિક સુખ માટે
પોતાના હિતનો નાશ કરનાર તથા ભયંકાર કષ્ટ આપનાર ઘોર પાપ મેં કર્યા છે.મૃત્યુ પછી
ભયંકર યમદૂતો મને બળપૂર્વક બાંધીને લઇ જશે.નરકમાં મારા શરીરના ટુકડે ટુકડા કરવામાં
આવશે આ દુઃખ હું કેવી રીતે સહન કરીશ? હે બ્રહ્મન ! આપ જ મારા ગુરૂ છો,આપ જ મારા માતા-પિતા
છો.હું તમારા શરણમાં આવી છું મારો ઉદ્ધાર કરો.આમ દુઃખી અને વૈરાગ્ય યુક્ત થયેલ
ચંચુલા બ્રાહ્મણના ચરણોમાં પડી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન શિવની કૃપાથી
શિવપુરાણની વૈરાગ્યયુક્ત શ્રેષ્ઠ કથા સાંભળીને સમયસર તૂં ચેતી ગઇ છે.તમે ડરો નહી
અને ભગવાન શિવની શરણમાં જાઓ.શિવકૃપાથી તમામ પાપ નષ્ટ થઇ જાય છે.
સત્પુરૂષોએ તમામ પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતનો ઉપદેશ
આપ્યો છે એટલે વિષયોને મનથી હટાવીને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથા સાંભળો
જેનાથી ચિત્ત શુદ્ધ થઇ મોક્ષની પ્રાપ્તિ થશે.શિવભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધ
બુદ્ધિવાળા બ્રાહ્મણદેવતાએ ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવી. ત્યારબાદ સમય થતાં
ભક્તિ-જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ચંચુલાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને શિવના
પાર્ષદો તેને વિમાનમાં બેસાડી શિવલોક લઇ ગયા, ત્યાં તેને ભગવાન શિવ કે જેમની ગણેશ ભૃંગી નંદીશ
વીરભદ્રેશ્વર વગેરે ઉપાસના કરી રહ્યા હતા તેમનાં દર્શન કર્યા.તે સમયે ભગવાન શિવ
અને ભગવતી માતા પાર્વતીજીએ તેને પોતાની પાસે બોલાવી અને પાર્વતીજીએ તેને પોતાની
સખી બનાવી.
હવે સદગતિ પ્રાપ્ત થયા પછી ચંચુલાએ શું
કર્યું?
અને તેના પતિનું શું થયું તે કથા સાંભળો.
એક દિવસ પરમાનંદમાં નિમગ્ન ચંચુલાએ ઉમાદેવીની પાસે જઇ
પ્રણામ કરી સ્તુતિ કરી જેનાથી પ્રસન્ન થઇ વર માંગવાનું કહેતાં ચંચુલાએ કહ્યું કે મારા
પતિ બિંદુગ અત્યારે ક્યાં છે અને તેમની શું ગતિ થઇ છે? ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે તારો
પતિ ઘણો પાપી હતો.તેનું અંતઃકરણ દૂષિત હતું.વેશ્યાનો ઉપભોગ કરવાથી તે મૃત્યુ બાદ
નરકમાં પડ્યો છે.નરકનાં અનેક દુઃખ ભોગવીને એ પાપાત્મા બાકી રહેલાં પાપ ભોગવવા
વિન્ધ્યપર્વત ઉપર પિશાચ થયો છે.ચંચુલાએ મનને
સ્થિર કરીને પ્રાર્થના કરી કે હે ર્માં ! મારી ઉપર કૃપા કરો અને મારા દુષ્ટ પતિનો
ઉદ્ધાર કરો.
માતા પાર્વતીજીએ કહ્યું કે જો તારો પતિ શિવપુરાણની
પુણ્યમય ઉત્તમકથા શ્રવણ કરે તો ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે.ચંચુલાની વારંવારની
પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરીદેવીને દયા આવી અને ભગવાન શિવની
ઉત્તમ કીર્તિના ગુણગાન કરનાર ગંધર્વરાજ તુમ્બુરૂને બોલાવીને કહ્યું કે તમે
મારી સખી ચંચુલાને લઇને વિન્ધ્યપર્વત ઉપર જાઓ કે જ્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ
રહે છે જે ગયા જન્મમાં ચંચુલાનો પતિ હતો.તમારે તેની આગળ શિવપુરાણની કથા કરવાની છે
કે જે તમામ પાપોનો નાશ કરનાર છે.શિવપુરાણની કથા શ્રવણથી તે તમામ પાપોથી શુદ્ધ થતાં
તેને મારી આજ્ઞાથી વિમાનમાં બેસાડીને ભગવાન શિવ સમીપ લઇ આવવાનો છે.
મહેશ્વરી ઉમાના આદેશથી આ પિશાચની પત્ની ચંચુલાને
વિમાનમાં બેસાડી નારદના પરમ મિત્ર તુમ્બુરૂ વિન્ધ્યપર્વત ઉપર જાય છે.ત્યાં જઇને
મહાબલી તુમ્બુરૂએ અત્યંત ભયંકર પિશાચને બળપૂર્વક પાશોથી બાંધી લીધો અને શિવકથાની
શરૂઆત કરી.તમામ લોકોમાં આ વાત વાયુવેગે પહોંચી કે દેવી પાર્વતીની આજ્ઞાની એક
પિશાચનો ઉદ્ધાર કરવા તુમ્બુરૂ વિન્ધ્યપર્વત ઉપર શિવકથાનું ગાન કરી રહ્યા છે જેથી
અનેક ઋષિઓ અને દેવતાઓ ત્યાં પહોંચે છે.
ત્યારબાદ તુમ્બુરૂએ પિશાચને પાશોથી બાંધીને આસન ઉપર
બેસાડ્યો અને હાથમાં વીણા લઇને શિવપુરાણની કથા શરૂ કરી.માહાત્મયસહિત પ્રથમ
સંહિતાથી શરૂ કરીને સાતમી સંહિતા સુધી શિવપુરાણનું વર્ણન કર્યું.પરમ પુણ્યમય
શિવકથા સાંભળીને પિશાચનાં તમામ પાપો ધોવાઇ જતાં પિશાચના શરીરનો ત્યાગ કરી દિવ્યરૂપ
ધારણ કરી પોતાની પત્ની ચંચુલા સહિત શિવચરીત્રના ગુણગાન કરતાં કરતાં શિવધામમાં જાય
છે.જે શિવકથા ભક્તિપૂર્વક સાંભળે છે કે પાઠ કરે છે તે અનેક સાંસારીક સુખોને
ભોગવીને અંતે મુક્તિ પામે છે.(શિવમહાપુરાણ)
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment