Friday 16 August 2024

ગાલવ ઋષિની તપોભૂમિ ગળતેશ્વર મહાદેવનું મંદિર

 

ગાલવ ઋષિની તપોભૂમિ ગળતેશ્વર મહાદેવનું મંદિર

 

ગુજરાત રાજ્યના ખેડા જીલ્લાના ડાકોરથી પંદર કિમી દૂર સરનાલ ગામમાં મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ બારમી શતાબ્દીમાં બાંધવામાં આવેલ પ્રાચિન શિવ મંદિર ગળતી નદીના તથા ગાલવ ઋષિના નામ ઉપરથી ગળતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.૧૨મી સદીનું સોલંકી યુગનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે,જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે.

ગાલવઋષિની તપોભૂમિ ગણાતા આ શિવ મંદિરની બહારની દિવાલો અષ્ટકોણીય છે,તેની ઉપર દેવી-દેવતાઓની મૂર્તિઓનું કોતરકામ કરેલ છે.મંદિરના ગર્ભગૃહની બહારની દિવાલો ઉપરની દિગ્પાલોની મૂર્તિઓ આઠેય દિશાઓથી મંદિરનું રક્ષણ કરે છે.ગર્ભગૃહની અંદરની દિવાલો ઉપર કોતરકામ કરેલ ભગવાન શિવના વિવિધ સ્વરૂપો મંદિરના પુરાતન હોવાના ઉદાહરણ છે. સુંદર પ્રવેશદ્વાર તથા જન્મથી લઇને મૃત્યુ સુધીની ઘટનાઓનું પત્થર ઉપર કોતરણી કામ આકર્ષક છે. અષ્ટકોણીય મંદિરની આઠે બાજુમાંના સ્તંભો અને મંડપ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની યાદ અપાવે છે.ગળતેશ્વર મંદિરના અંદરના આઠ અને બહાર આવેલા સોળ સ્તંભો મનમોહક છે.

ગળતેશ્વર ખાતે આવેલ શિવ મંદિરના ગર્ભગૃહમાં પગથિયાં ઉતરીને નીચે જતાં ચોરસ ગર્ભગૃહ નજરે પડે છે તેની વચ્ચે તાંબાનું થાળું,શિવલિંગ અને તેના ઉપર છત્ર જેવા નાગદેવતા દર્શનીય છે. ગોળાકાર ગર્ભગૃહની દિવાલોમાં સાત ગોખલાઓ છે.પૌરાણિક કથા અનુસાર આશરે આઠસો વર્ષ પહેલાં પવિત્ર મહીસાગર નદીના કિનારે ગાલવ ઋષિએ તપ કર્યું હતું.તેમના તપથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેમને દર્શન આપી કૃતાર્થ કર્યા હતા.ગાલવ ઋષિએ આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી હતી.અહી શિવલિંગ નીચેથી ગળતી નદી વહે છે અને સતત શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે.

ગળતેશ્વર મંદિરની બહાર આરસના ગણપતિ,કેશરીયા હનુમાન મધ્યમાં આરસની નંદીની પ્રતિમા છે.અહી મહાશિવરાત્રી,શરદપૂનમ અને જન્માષ્ટમીના તહેવારોએ મેળો ભરાય છે.સવારે આઠથી રાત્રીના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહે છે.

મુગલ સમયમાં આ ગળતેશ્વર મંદિરને તોડવાનો પ્રયાસ થયો હતો પરંતુ ભગવાન શિવના ચમત્કાર અને શિવલિંગમાંથી અવાજ આવતાં મુગલ આક્રમણકારીઓ ભાગી ગયા હતા.ગળતેશ્વર મંદિરને પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું છે.તુટેલા શિખરના જીર્ણોદ્ધાર માટે શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી રામદાસજીના પ્રયાસોથી અને માન.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રસ લીધા પછી ગળતેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment