Friday 16 August 2024

દક્ષિણનું બનારસ ત્રંબકેશ્વર જ્યોર્તિલિંગ

 

દક્ષિણનું બનારસ ત્રંબકેશ્વર જ્યોર્તિલિંગ

 

ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા.ત્રંબકેશ્વર  મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે.ત્ર્યંબક નાસિકથી ૨૮ કિમી દૂર આવેલું છે.ત્રંબકેશ્વર શિવના બાર જ્યોતિર્લિંગ પૈકી એક છે.મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે.ગોદાવરી નદી દક્ષિણમાં આવેલી સૌથી લાંબી નદી છે.હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું.

 

આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે.ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે.આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે.જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે,એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે,તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે.અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.

 

પૂર્વકાળમાં ગૌતમ નામના શ્રેષ્ઠ ઋષિ પોતાની પરમ ધાર્મિક પત્ની અહલ્યા સાથે બ્રહ્મગિરિ પર્વત ઉપર દશ હજાર વર્ષ સુધી તપ કર્યું.ત્યાં સો વર્ષ સુધી ભયાનક અનાવૃષ્ટિ થઇ.આ ભયંકર દુકાળમાં વરૂણદેવને પ્રસન્ન કરવા પ્રાણાયમ પરાયણ થઇને છ મહિના સુધી એક જ જગ્યાએ ઉત્તમ તપ કરી પ્રચંડ કાર્ય કર્યું.ગૌતમ ઋષિને મળવા માટે સાક્ષાત ભગવાન ત્ર્યંબક રૂપે આવ્યા અને ત્ર્યંબકેશ્વરના જ્યોર્તિલિંગમાં સમાઇ જઇ સ્થાઇ બન્યા.ગૌતમ ઋષિના સમયમાં દુકાળ પડ્યો એટલે તેજરહીત જીવન અને જ્ઞાનવિહીન જીવન આ બંન્ને ભેગા થાય એટલે દુકાળ પડે.આ દુકાળ વિચારોનો હતો,જ્ઞાનનો હતો.ભક્તિમાં પણ કોઇ વિચાર ન હતો.એકે કર્યું એટલે બીજાએ કરવાની શરૂઆત કરી.શા માટે અને કેવી રીતે કરવી તેની ખબર નહતી.વિચાર વગરની ભક્તિ લોકો કરતા હતા.વિચાર વગરનો ધર્મ હતો.

ગૌતમ ઋષિએ યમરાજા પાસે જઇને મૃત્યુજ્ય જ્ઞાન મેળવ્યું અને તે જ્ઞાન લોકોને આપ્યું.જ્ઞાનવિહીન અને તેજરહીત લોકો ભેગા થાય એટલે લાચારી આવે અને ભક્તિમાં લાચારી આવે એટલે જ્ઞાન મગજમાં ઉતરે નહી તે માટે ગૌતમે શક્તિ ઉપાસના કરી નિસ્તેજ બનેલ લોકોને માર્ગદર્શન આપ્યું.

 

સમાજમાં જ્ઞાન અને સારા વિચારનો પ્રચાર થાય અને મનુષ્યશક્તિ વધે તે માટે ગૌતમ ઋષિએ સમાજને ચાર ઉપદેશ આપ્યા.’’માનવીમાં ઇન્દ્રિયનિગ્રહ હોવો જોઇએ, માનવીમાં દયા હોવી જોઇએ, માનવીમાં પરોપકાર વૃત્તિ હોવી જોઇએ અને માનવીમાં અભિમાનશૂન્યતા હોવી જોઇએ.’’ માણસ કાર્ય કરે એટલે અહંકાર આવે તે સ્વાભાવિક છે.અહંકારથી કાર્ય કરીશું તો કાર્ય ખલાસ થઇ જશે તથા સેવાકાર્યમાં ઉપકારવૃત્તિ અને સ્વાર્થ ના હોવો જોઇએ.

 

ગામ હોય તો ઉકરડો હોય જ છે.કેટલાક અસંતુષ્ટ લોકોને ગૌતમની ઇર્ષ્યા થઇ.’’પોતાની પ્રતિષ્ઠા ઘટે તો બીજાની ઇર્ષ્યા આવે.’’ ગૌતમ ૠષિને હેરાન કરવા ગણપતિની ઉપાસના કરી.ગણેશ પ્રસન્ન થયા એટલે તેમને માંગ્યું કે ગૌતમને ઉતારી પાડવો છે.ત્યારે ગણેશજીએ ઠપકો આપતાં કહ્યું કે તમે મહાન પાપી છો.જેમને તમારામાં તેજસ્વીતા અને ચૈતન્ય નિર્માણ કર્યું તેનું જ ખરાબ વિચારો છો? તમે કૃતઘ્ની છો અને બધા પાપોનું પ્રાયશ્ચિત છે ૫ણ કૃતઘ્નતાનું પ્રાયશ્ચિત નથી.ગણેશજીએ અનિચ્છાએ વરદાન આપ્યું અને ગાય બનીને ગૌતમના ખેતરમાં ચરવા લાગી.ગૌતમે ગાયને ડંડો માર્યો અને ગાય મરી ગઇ.

 

આ ઘટનાનો સાંસ્કૃતિક અર્થ સમજવો જોઇએ.વિરોધીઓએ ગણપતિની ઉપાસના કરી અને ગણપતિ પ્રસન્ન થયા એનો અર્થ એ છે કે તેમણે બુદ્ધિની ઉપાસના કરી બુદ્ધિપૂર્વક એક છટકું ગોઠવ્યું તેમાં ગૌતમ ઋષિ ફસાય અને તેમના ઉપર ગૌ હત્યાનું આળ ચઢાવી શકાય.તેમને કહ્યું કે તમે ગૌહત્યા કરી છે માટે સપરિવાર અહીંથી ચાલ્યો જા.ત્યારે ગૌતમ ૠષિએ ગૌહત્યાના પાપ-નિવારણનો ઉપાય પૂછતાં ૠષિઓએ જવાબ આપ્યો કે ત્રણવાર પૃથ્વીની પરીક્રમા કરો પછી અહીયાં આવીને માસવ્રતનું અનુષ્ઠાન કરો, ગંગા નદીને અહીં બોલાવીને તેમાં સ્નાન કરવું તેમજ અગિયાર વખત બ્રહ્મગિરિ પર્વતની પ્રદક્ષિણા કરીને જો પાર્થિવ શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપશુદ્ધિ થશે.

ગૌતમ ઋષિ તથા અહલ્યાએ હિમગીરી પર્વત ઉપર તપ કર્યું.તપસ્યાથી પ્રસન્ન થઇ ત્રણ નેત્રવાળા ભગવાન શિવજી માતા પાર્વતીજી તથા ગણો સહિત શંકર પ્રસન્ન થઈને પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ગૌતમ ઋષિએ તેમને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવાનું વરદાન માંગ્યું. આથી મહાદેવે કહ્યું કે તમે કોઈ પાપ કર્યું જ નથી પણ વિરોધી ઋષિઓએ વેરને કારણે ષડયંત્ર બનાવ્યું હતું.તમે હંમેશાંથી નિષ્પાપ જ છો.ભગવાનના મુખથી આ વાણી સાંભળી ગૌતમ ઋષિ સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા કે જો ઋષિઓએ આવું ન કર્યું હોત તો મને આપના દર્શન ના થાત એટલા માટે હે મહાદેવ જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા છો તો અહીં ર્માં ગંગાને પ્રકટ કરો.ગૌતમ ઋષિના આગ્રહથી ભગવાન શિવે ગંગાને આ સ્થળ પર પ્રકટ થવાનું નિવેદન કર્યું ત્યારે ર્માં ગંગાએ કહ્યું કે હું ત્યારે જ આ સ્થળ પર પ્રગટ થઈશ જયારે મહાદેવ પોતે પોતાના પરિવાર અને સમસ્ત દેવતાઓ સાથે અહીં વાસ કરશે.મહાદેવે તથાસ્તુ કહ્યું અને દરેક દેવોને કહ્યું કે દર વર્ષે જયારે બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સ્થળે દરેક દેવતાઓનો વાસ હશે.ત્યારબાદ ર્માં ગંગા તે સ્થળ પર પ્રગટ થયા અને વિશ્વમાં ગોદાવરીના નામથી ઓળખાવા લાગ્યા અને મહાદેવ લિંગ સ્વરૂપે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા.

 

ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે.મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે આ ત્રણેય શિવલિંગ બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના નામથી ઓળખાય છે.ગૌતમે ત્રણ આંખના વિરૂપાત્મક દર્શન વિશે પુછતાં ભગવાન કહે છે કે..’’એક આંખ પ્રેમની છે.બીજી આંખ જ્ઞાનની છે અને ત્રીજી આંખ ન્યાયની છે.સંસ્કૃતિના કાર્ય કરનાર પાસે પણ ત્રણ આંખ હોવી જોઇએ.એક આંખ દયાની,બીજી કરૂણાની અને ત્રીજી આંખ કર્તવ્યદક્ષતાની.’’

 

 

અહીં ગંગા નદી ગૌતમીના નામથી પૂજાય છે.એક વખત ઈન્દ્રએ અહલ્યાના રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો તેની સજારૂપે ભગવાન શંકરે જયોર્તિલિંગના સ્થાનમાંથી ઈન્દ્રને કાઢી મૂકયા તેથી ત્યાં ખાડો રહ્યો.આમ ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે.નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે.ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે જેવા કે સુંદરનારાયણ મંદિર,કાલારામ મંદિર,ગોરારામ મંદિર, મુકિતધામ,પંચવટી અને તપોવન મુખ્ય છે.દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.આપણે યાત્રા કરીએ છીએ ૫ણ સાથે સાથે યાત્રા કરવા પાછળનો ભાવ હ્રદયમાં હોવો જોઇએ. ભાવનો અભાવ હોય તો યાત્રાની કોઇ કિંમત નથી.

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment