Friday, 16 August 2024

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ-૨

 

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ-૨

બાર જ્યોતિર્લિંગ પૈકી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નવમા નંબરનું છે.વૈદ્યનાથ જ્યોર્તિલિંગ અંગે પુરાણોમાં એક કરતાં વધુ કથાઓનું વર્ણન છે.પ્રથમ કથાનુસાર પહેલું જ્યોતિર્લિંગ પરલી મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું છે.બીજું હિમાચલના કાંગડાથી ૫૪ કિમી અને ધર્મશાળાથી ૫૬ કિમી દૂર બિનવા નદીના કિનારે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ધામ આવેલું છે.આ મંદિરનું નિર્માણ બારમી શતાબ્દીમાં મન્યુક અને આહુક નામના બે વેપારીઓએ કર્યું હતું ત્યારબાદ રાજા સંસારચંદ્રે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.અહીના જળવાયુથી કોઢ-રક્તપિત્ત જેવા રોગ મટી જાય છે તેથી યાત્રાળુઓ દૂર દૂરથી કાવળમાં જળ લાવીને વૈદ્યનાથ મહાદેવ ઉપર ચઢાવે છે તેથી તેને વૈદ્યનાથ કે વૈજનાથ પણ કહે છે.

કાંગડાની ખુબસૂરત લીલીછમ વનરાજીમાં ધૌલાધાર પર્વત શ્રૃંખલાઓની વચ્ચે આવેલ પ્રાચિન શિવ મંદિર મહાદેવના મહાન ભક્ત રાક્ષસરાજ રાવણની ભક્તિ દર્શાવે છે.અહીયાં સ્થાપિત શિવલિંગની આરાધના ભક્તોને અસિમ શક્તિ આપે છે.

શિવમહાપુરાણની કોટિરૂદ્ર સંહિતા અનુસાર એકવાર રાવણની માતા કૈકસી રાવણને કહે છે તારી પાસે ત્રૈલોક્ય વૈભવ છે પણ તે કાયમી રહેવાનો નથી.તારી સોનાની લંકામાં જો પ્રભુ ભક્તિના વૈભવનો આનંદ હશે તો તે કાયમી રહેશે અને તે માટે અભિમાની અને માનપરાયણ રાક્ષસ શ્રેષ્ઠ રાવણે કૈલાશ જઇ શિવજીની તપશ્ચર્યા કરી હતી. કઠોર તપ પછી પણ જ્યારે મહાદેવ પ્રસન્ન ના થયા તો છેલ્લે રાવણે એક- એક માથું કાપીને હવનકુંડમાં આહૂતિ આપીને ભગવાન શિવને અર્પણ કરવાનું શરૂ કર્યું.દશમું અને આખરી શિશ કાપવા જાય છે ત્યાં જ શિવજી પ્રગટ થઇને રાવણનો હાથ પકડી લે છે અને એક વૈદ્યની જેમ રાવણના તમામ શિશને પુનઃસ્થાપિત કરી દે છે.

રાવણની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેને વરદાન માંગવાનું કહે છે ત્યારે રાવણે કહ્યું કે મને ફક્ત તમારૂં આત્મલિંગ આપો મારે તેને લંકામાં લઇ જવું છે,આ મારી ઇચ્છા પુરી કરો હું તમારા શરણમાં છું.શિવજીએ શરત મુકી કે હું આત્મલિંગ આપું પણ એક વાત ધ્યાનમાં રાખજે એને તૂં રસ્તામાં કોઇ જગ્યાએ મુકતો નહી, નહી તો હું ત્યાં જ સ્થિર થઇ જઇશ.

શિવલિંગ લઇ રાવણ લંકા તરફ જઇ રહ્યો હતો ત્યારે દેવોએ સભા બોલાવી કે શિવજી તો ભોળા છે કોઇ અસુર તપ કરે એટલે તે માંગે તે આપે છે.રાવણે સંસ્કૃતિનો સત્યાનાશ કર્યો છે.ભગવાનનું લિંગ તે લંકામાં લઇ જશે એટલે તે બધાનો બાપ થઇને જગતમાંથી ભક્તિ અને ભગવાનના વિચારો ખલાસ કરશે એટલે ગમે તે રીતે તેને અટકાવવો પડશે.બળથી તો રાવણને હરાવી શકાય તેમ ન હતો તેથી દેવોએ બુદ્ધિ અને જ્ઞાનના દેવ ગણેશજીને આ કાર્ય સોપ્યું.

શિવલિંગ લઇ રાવણ લંકા તરફ જઇ રહ્યો હતો ત્યારે ભગવાન શિવની માયાથી રસ્તામાં જ તેને લઘુશંકા કરવાની ઇચ્છા થાય છે.જ્યારે પુલત્સ્ય પૌત્ર રાવણ મૂત્રના આવેશને રોકવા સમર્થ થતો નથી તેથી ત્યાં ગણેશજી એક ગોવાળનું રૂપ લઇને ઉભા હતા તેમને જોઇને શિવલિંગ તેમના હાથમાં આપ્યું અને કહ્યું કે હું આવું ત્યાંસુધી શિવલિંગ પકડી રાખજે,તેને જમીન ઉપર મુકતો નહી.ગોપ બાળકે કહ્યું કે તમે જલ્દી આવજો હું નાનો બાળક છું અને આ શિવલિંગ વજનદાર છે એટલે મને ભાર લાગશે તો હું તેને નીચે મુકી દઇશ.એક મુહુર્ત વિતવા છતાં રાવણ ન આવતાં શિવલિંગના ભારથી પીડિત ગોપ બાળકે શિવલિંગને પૃથ્વી ઉપર મૂકી દીધું.આમ વજ્રસારથી બનેલ આ શિવલિંગ ત્યાં જ સ્થિત થઇ ગયું કે જેના દર્શન માત્રથી પાપોથી મુક્ત થઇ તમામ કામનાઓની પૂર્તિ કરે છે.

આ લિંગ ત્રણે લોકોમાં વૈદ્યનાથેશ્વર નામથી પ્રસિદ્ધ થયા.નાગર શૈલીમાં બનાવેલ વૈદ્યનાથ મંદિર શિલ્પકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.આ મંદિરમાં ચાર પ્રવેશદ્વાર છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષના પ્રતિક છે. જે પણ શ્રદ્ધાળુ ધર્મના રસ્તે મંદિરમાં પ્રવેશ કરીને અર્થ અને કામના દ્વારને પાર કરે છે તો તે નક્કી મોક્ષને પ્રાપ્ત કરે છે.વૈદ્યનાથ મંદિરમાં મુખ્ય મંદિર સિવાઇ અનેક નાના મોટા મંદિર આવેલ છે.કહેવામાં આવે છે કે વૈદ્યનાથ ધામમાં આવેલ રાધા-કૃષ્ણના મંદિરમાં પૂજા કરી શિશ નમાવવામાં ના આવે ત્યાં સુધી વૈદ્યનાથ ભગવાન શિવની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment