Friday, 16 August 2024

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા

 

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા

ધર્મનો સાર સત્ય છે,મોક્ષનો સાર સમતા છે તથા તમામ ક્ષેત્રો અને તીર્થોનો સાર આ અવિમુક્ત તીર્થ કાશી છે.

 

પૃથ્વી ઉપર જે કંઇપણ વસ્તુ દ્રષ્ટિગોચર થાય છે તે સચ્ચિદાનંદરૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મરૂપ છે.પોતાના કૈવલ્ય અદ્રેતભાવમાં જ રમનારા એ અદ્વિતિય પરમાત્મામાં ક્યારેક એકથી બે થઇ જવાની ઇચ્છા જાગૃત થઇ પછી તે જ પરમાત્મા સગુણરૂપે પ્રગટ થઇને શિવ કહેવાયા.એ શિવ જ પુરૂષ અને સ્ત્રી શક્તિ કહેવાયા.આ ચિદાનંદસ્વરૂપ શિવ અને શક્તિએ સ્વંય અદ્રષ્ટ રહીને સ્વભાવથી જ બે ચેતન પ્રકૃતિ અને પુરૂષની સૃષ્ટિ કરી.એ બંન્ને માતાપિતાને એ સમયે સામે ના જોઇને એ બંન્ને પ્રકૃતિ અને પુરૂષ સંશયમાં પડી ગયા.એ સમયે નિર્ગુણ પરમાત્માથી આકાશવાણી થઇ કે તમારે બંન્નેએ તપસ્યા કરવી જોઇએ પછી જ તમારાથી સૃષ્ટિનો વિસ્તાર થશે.ત્યારે પ્રકૃતિ-પુરૂષે કહ્યું કે તપસ્યાના માટે તો કોઇ સ્થાન જ નથી તો અમે ક્યાં સ્થિત થઇને તપ કરીએ?

 

ત્યારે ભગવાન શિવે તેજના સારભૂત પાંચ કોસ લાંબા-પહોળા શુભ અને સુંદર નગરનું નિર્માણ કર્યું. જે એમનું પોતાનું જ સ્વરૂપ-નિજ સ્વરૂપ હતું.જે બધા જ ઉપકરણોથી યુક્ત હતું.પ્રકૃતિ-પુરૂષે સૃષ્ટિની કામનાથી ભગવાન શિવનું ઘણા વર્ષો સુધી તપ કર્યું.એ સમયે પરીશ્રમના લીધે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઇ જેનાથી આખું શૂન્ય આકાશ વ્યાપ્ત થઇ ગયું.ત્યાં બીજું કશું જ નજર આવતું ન હોવાથી ભગવાન વિષ્ણુ મનમાંને મનમાં બોલ્યા કે આ કેવી અદભૂત રચના છે ! આમ કહી તેમને પોતાનું મસ્તક હલાવ્યું જેથી તેમના એક કાનનો મણિ નીચે પડી ગયો.જ્યાં આ મણિ પડ્યો તે સ્થાન મણિકર્ણિકા નામનું મહાન તીર્થ થઇ ગયું.

 

જ્યારે પૂર્વોક્ત જલરાશિમાં આખી પંચકોશી ડૂબવા લાગી ત્યારે નિર્ગુણ નિરાકાર ભગવાન શિવે તુરંત જ તેને પોતાના ત્રિશૂલ ઉપર ધારણ કરી લીધી.પછી ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિ સાથે ત્યાં જ શયન કર્યું.તે સમયે તેમની નાભિમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા.તેમની ઉત્પત્તિમાં પણ ભગવાન શિવનો આદેશ જ કારણ હતું.ત્યારબાદ તેમને ભગવાન શિવની આજ્ઞા લઇને અદભૂત સૃષ્ટિનો આરંભ કર્યો.બ્રહ્માજીએ પચાસ કરોડ યોજનના વિસ્તારમાં ચૌદ ભુવન બનાવ્યા.ભગવાન શિવે વિચાર્યું કે બ્રહ્માંડની અંદર કર્મપાશથી બંધાયેલા જીવો મને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? આવું વિચારી તેમને મુક્તિદાયિની પંચકોશીને આ જગતમાં છોડી દીધી.

 

આ પંચકોશી કાશી લોકમાં કલ્યાણદાયિની, કર્મબંધનનો નાશ કરનારી, જ્ઞાનદાત્રી તથા મોક્ષને પ્રકાશિત કરનારી માનવામાં આવે છે.અહી સ્વયં પરમાત્માએ અવિમુક્ત લિંગની સ્થાપના કરી છે.બ્રહ્માજીનો એક દિવસ પુરો થતાં જ્યારે આખા જગતનો પ્રલય થાય છે ત્યારે પણ કાશીપુરીનો નાશ થતો નથી.તે સમયે ભગવાન શિવ એને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી લે છે અને બ્રહ્મા દ્વારા પુનઃ નવી સૃષ્ટિ કરવામાં આવે છે ત્યારે એને ફરીથી ભૂતળ ઉપર સ્થાપિત કરી દે છે.કર્મોનું કર્ષણ કરવાથી જ આ પુરીને કાશી કહે છે.

 

જે મારો ભક્ત તથા મારા તત્વનો જ્ઞાની હોય છે એ બંન્ને અવશ્ય મોક્ષના ભાગી હોય છે તેમના માટે તીર્થની અપેક્ષા હોતી નથી.વિહિત અને અવિહિત બંન્ને પ્રકારના કર્મ એમના માટે સમાન હોય છે,તેમને જીવનમુક્ત જ સમજવા જોઇએ.એ બંન્ને ગમે ત્યાં મૃત્યુ પામે તેમનો મોક્ષ થાય છે.અવિમુક્ત તીર્થની મહિમાનું વર્ણન કરતાં ભગવાન શિવ કહે છે કે તમામ વર્ણ અને આશ્રમોના લોકો ભલે બાળક યુવાન કે વૃદ્ધ કેમ ના હોય, જો કાશીપુરીમાં મરણ પામે તો મુક્ત થઇ જાય છે.જે મનુષ્ય મારા આ મોક્ષદાયક ક્ષેત્રમાં નિવાસ કરે છે તે ગમે તે રીતે મૃત્યુ પામે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.ધર્મનો સાર સત્ય છે,મોક્ષનો સાર સમતા છે તથા તમામ ક્ષેત્રો અને તીર્થોનો સાર આ અવિમુક્ત તીર્થ કાશી છે.

 

કાશી વિશ્વનાથ હિંદુ ધર્મનું પ્રસિદ્ધ મંદિર છે.જે પવિત્ર ગંગાનદીના જમણા કાંઠે આવેલી વારાણસી ઉત્તરપ્રદેશમાં આવેલું છે.આ મંદિરનું નિર્માણ દેવીશ્રી અહિલ્યાબાઈ હોલકરજીએ ૧૭૮૬માં કરાવ્યું હતું. ભગવાન શિવના બધા શિવાલયોમાં સૌથી મોટું શિવલિંગ આ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે.કાશી વૈદિકકાળથી ચાલી આવતી નગરી છે.કાશી તેનું સૌથી પ્રાચીન નામ છે.'કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી.' એટલે કે જ્યાં બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ થાય તેને કાશી કહેવાય એટલે હિન્દુ ધર્મની માન્યતા છે કે કાશી શિવજીના ત્રિશૂળ ઉપર વસેલી છે.ત્રિશૂળ એટલે ઇડા-પિંગળા અને સુષુમ્ણા..આ ત્રણેય નાડીઓનો ભ્રૃકુટિમાં જે સંગમ થાય તેને કાશી કહેવાય.આ ભ્રૃકુટિમાં બ્રહ્મરંધ્ર આવેલું છે.સામાન્ય માન્યતા એવી છે કે આ બ્રહ્મરંધ્રમાં એટલે કે ભ્રૃકુટિમાં ધ્યાન લગાવીને જે ઉર્ધ્વરેતા થઇને પ્રાણ છોડે તેનો મોક્ષ થાય.કાલાંતરમાં કાશીની ચડતીપડતી આવી અને બૌદ્ધોનો પ્રભાવ વધ્યો એટલે કાશી વારાણસી બની.વારાણસી એટલે 'વરૂણા અને અસી બે નદીઓની વચ્ચેનો ગંગાકિનારે આવેલો ભાગ તે વારાણસી.' એ પછી અંગ્રેજોનો પ્રભાવ વધ્યો અને તેમણે વારાણસીનું બનારસ નામ આપ્યું.ત્યારબાદ આઝાદીનો કાળ આવ્યો અને આઝાદીના કાળમાં બનારસને વારાણસી નામ આપવામાં આવ્યું.આમ સમયાંતરે નામ બદલાતા રહ્યાં છે.

 

કાશી એટલી પાવન ભૂમિ છે કે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો એને સીધો મોક્ષ મળે છે.ગુજરાતીમાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે છે.વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.પ્રત્યેક શ્રદ્ધાળુ હિન્દુ ચારધામનાં દર્શનો,કૈલાસ-માનસરોવરની યાત્રા અને કાશીમાં મરણ અને ત્યાર બાદ ગંગાજીમાં અસ્થિ વિસર્જનની ભાવના રાખે છે.પ્રયાગ-કાશી અને ગયા..આ ત્રણ સ્થાનોની યાત્રા ત્રિસ્થલી યાત્રા તરીકે પ્રચલિત છે.પુરાણોના કથન અનુસાર ભગવાન મનુની ૧૧મી પેઢીમાં થયેલ રાજા કાશના નામ પરથી કાશી નામ પડ્યું છે. 

 

૧૯૫૬માં રાજ્ય સરકારે આ શહેરનું રાજકીય નામ વારાણસી જાહેર કર્યું હતું.બનાર નામના રાજાએ આ શહેરનો વિકાસ કર્યો હોવાથી તેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.હાલ કાશી અથવા બનારસ નામ વધારે પ્રચલિત છે.કાશી એક શક્તિપીઠ પણ છે.ત્યાં ૫૧ શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ વિશાલાક્ષી શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટ પાસે આવેલું છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment