Wednesday 28 August 2024

પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

 પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

શ્રાદ્ધમાં પિતૃઓનું મનપસંદ ભોજન બનાવીને જો બ્રાહ્મણ,સંત-મહાપુરૂષો અને પરીવારના તમામ સદસ્યોને ભેગા કરીને જમાડવામાં આવે તો તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી પરંતુ આપણી વચ્ચેથી વિદાય લીધેલ આપણા પૂર્વજો કે જેમને આપણા માટે તેમને પોતે જીવનમાં તકલીફો વેઠીને અમોને સુખ મળે,અમે જીવનમાં પ્રગતિ કરીએ તે માટે જે કર્મ કર્યા તેમને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાભાવથી યાદ કરવાનું પર્વ છે.

જે તૃપ્તિ આપ એક મનુષ્યને જીવતાં જીવ આપી શકો છો તે તૃપ્તિ આપ તેના મરણોપરાંત હજારોનું દાન,પુણ્ય કે પૂજાપાઠથી આપી શકતા નથી એટલા માટે મરણોપરાંત શ્રાદ્ધ કર્મથી ઉત્તમ એ છે કે જીવતાં જીવ વડીલોની સેવા કરવી.

શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બન્યો છે.શ્રદ્ધામાં ઘણી શક્તિ છે તે પત્થરને દેવતા બનાવે છે.શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ બહેન દિકરી કે ભાણેજને જે કંઇ આપવામાં આવે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેવો વિશ્વાસ રાખવો.જે લોકો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેમના પિતૃઓ પ્રસન્ન થાય એટલે દેવતાઓ અને પ્રભુ પરમાત્મા પણ સંતુષ્ટ થઇને તેમને આયુષ્ય સંતાન ધન સ્વર્ગના સુખો અને મોક્ષ પ્રદાન કરે છે.

દુનિયામાં તમામ જગ્યાએ તમામ ધર્મો અને જાતિના લોકો કોઇને કોઇ રૂપમાં મૃતકોનું શ્રાદ્ધ કરે છે. મૃતકોની યાદમાં સ્મારકો અને મકબરા બનાવેલ જોવા મળે છે.પૂર્વજોના નામે ગામ શહેર ફળિયા સંસ્થા મકાન કૂવા તળાવ મંદિર કે મિનારા બનાવીને તેમને લાંબો સમય સુધી યાદ કરવામાં આવે છે.તેમની યાદમાં પુણ્ય તીથીઓ ઉજવવામાં આવે છે.શ્રાદ્ધમાં પિતૃઓના નામથી વૃક્ષારોપણ કરવું જોઇએ કે જેનાથી અનેક લોકોને લાભ થાય.

અમારો સમાજ ઘણો ભૌતિકવાદી બની ગયો છે.સ્વાર્થ વિના કોઇને મદદ કરવા ઇચ્છતો નથી.શ્રાદ્ધ પક્ષમાં અમારા પૂર્વજોના નિમિત્તે બીજાઓને જે કંઇ દાન કે ભોજન કરાવવામાં આવે છે તેનાથી સમાજના ગરીબ અને જરૂરીયાતમંદોને મદદ મળે છે તથા સમાજમાં સહયોગ અને સમન્વયની ભાવના જાગે છે.

ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો ગણાય છે.આ દિવસોમાં આપણા પૂર્વજો,ઋષિમુનિઓ અને સંતોના તર્પણ અને તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાના દિવસો છે. તર્પણ એટલે તેમને તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.તેમને આપેલ સંસ્કારોથી ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા પ્રયત્ન કરીએ.પૂર્વજોની આબરૂ અને પ્રતિષ્ઠા વધે એવું જીવન જીવીશું તો તે પ્રસન્ન થશે. 

વર્તમાન સમયમાં વડીલો સમાજની મુખ્ય ધારાથી દૂર થતા જઇ રહ્યા છે.જે અમારા પરીવારનું અંગ હતા,જેનું લોહી અમારી નાડીઓમાં વહે છે,જેમને અમોને સંસ્કાર અને શિક્ષણના માધ્યમથી અમોને જીવન જીવતા શિખવ્યું છે તેઓ જ્યારે હયાત નથી ત્યારે તેમના કરેલા ઉપકારને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા જોઇએ, તેઓ જે પણ યોનિમાં હોય તે યોનિમાં તેમને દુઃખ ના પડે,સુખ-શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું,તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રગટ કરવાનું નિમિત્ત શ્રાદ્ધ છે.આમ કરવાથી અમારી આવનારી નવી પેઢીમાં સાંસ્કૃતિક વિચારધારાની સાથે સાથે વડીલોનું સન્માન કરવાની ભાવના જાગૃત થશે.

માન્યતા એવી છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓની ઇચ્છા અતૃપ્ત રહેવાથી તેઓ કુટુંબીજનોને ત્રાસ આપે છે.સામાન્યપણે દર વર્ષે પિતૃઓના મૃત્યુની તીથીએ શ્રાદ્ધ કરવામાં આવે છે.મૃત્યુતીથી ખબર ન હોય તો અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.વર્તમાન સમયમાં લોકો ભક્તિ સેવા સુમિરણ સત્સંગ કરતા ન હોવાથી માયામાં ફસાઇને મૃત્યુ પછી તેમનો લિંગદેહ અતૃપ્ત રહે છે જે મૃત્યુલોકમાં અટવાય છે જેમની ઇચ્છાઓ શ્રાદ્ધ વિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવવી એ શ્રાદ્ધ કરવા પાછળનો મુખ્ય હેતુ છે.

જેના ઘરમાં સતત ઝગડા થતા હોય,એકબીજા સાથે અણબનાવ,નોકરી ન મળવી,ઘરમાં પૈસો ન ટકવો,ઘરના કોઇ સભ્યને ગંભીર માંદગી થવી,તમામ સંજોગો અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો,પતિ-પત્ની વચ્ચે અણબનાવ,ગર્ભધારણ ન થવો,વારંવાર ગર્ભપાત થઇ જવો,વિકલાંગ બાળક જન્મવું કે કુટુંબના કોઇ સભ્યને વ્યસન લાગવું..આવી ઘટના બને તો સમજવું કે ઘરના પિતૃઓ નારાજ છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)


No comments:

Post a Comment