ભગવાન શિવની
પ્રતિમા સામે નંદીની મૂર્તિ કેમ હોય છે?
પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે.નંદીએ
મહાદેવનું વાહન છે તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું
વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે એટલે શિવને આત્માનું અને નંદીને
શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્ટિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે
અમારૂં શરીર આત્માભિમુખ બને શરીરનું લક્ષ્ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ.
શિવનો અર્થ છે કલ્યાણ.તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો, તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ
શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે
શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું
૫ડશે. શરીર નંદીની જેમ આત્માભિમુખ બને, શિવભાવથી ઓતપ્રોત બને
તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ.સ્થિર તથા દ્રઢ રહીએ એ જ મહત્વપૂર્ણ શીખ
આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
જ્યારે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ત્યારે નંદીની
પૂજા પણ કરવી જોઈએ.નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી જ માનવામાં આવે છે.નંદી શિવજીના
પ્રિય અને પરમ ભક્ત છે અને પોતાના ભક્ત નંદીની પૂજા કરનાર ભક્તો ઉપર ભગવાન શિવ ખાસ
કૃપા કરે છે.
નંદીના નેત્ર હંમેશાં પોતાના ઇષ્ટના સ્મરણનું પ્રતિક છે
કેમકે નેત્રોથી જ ઇષ્ટદેવની છબી મનમાં વસતી હોય છે અને આ જ ભક્તિની શરૂઆત
છે.નંદીના નેત્ર એ વાત શિખવે છે કે જો ભક્તિની સાથે સાથે મનુષ્યમાં કામ ક્રોધ અહમ્
વગેરે દુર્ગુણોને પરાજીત કરવાનું સામર્થ્ય ના હોય તો ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત થતું
નથી.નંદીના દર્શન પછી તેમના શિંગનો સ્પર્શ કરવાથી મનુષ્યમાં સદબુદ્ધિ આવે છે,વિવેક જાગ્રત થાય છે. નંદી પવિત્રતા-વિવેક
બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક છે.તેમની દરેક ક્ષણ શિવને સમર્પિત હોય છે જે મનુષ્યને
એ શિક્ષા આપે છે કે આપણે પોતાના જીવનની દરેક પલ
પરમાત્માને અર્પણ કરીશું તો ભગવાન અમારૂં ધ્યાન રાખશે.
આવો આપણે એ જાણીએ કે નંદી
ભગવાન શિવની પ્રતિમાની સામે કેમ બિરાજમાન હોય છે? નંદી કેમ અને કેવી રીતે ભગવાન શિવના વાહન બન્યા? પૌરાણિક કથા અનુસાર શિલાદ નામના એક મુનિ
હતાં જે બ્રહ્મચારી હતાં.તેઓ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરશે અને મૃત્યુ આવે ત્યાં
સુધી બ્રહ્મચારી રહી જીવન પસાર કરશે પરંતુ શિલાદમુનિના આ નિર્ણયથી મૃત્યુ પામેલ તેમના પિત્તૃઓનું જ્યાં સુધી
શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ ભટકતા રહે છે,શ્રાદ્ધકર્મ કર્યા પછી જ તેઓની મુક્તિ
મળે તેથી પિતૃઓ ઘણા જ દુઃખી થાય છે કારણ કે જો શિલાદ ઋષિ બ્રહ્મચારી રહે તો તેમને
કોઈ સંતાન નહિ થાય અને સંતાન ન થાય તો પિત્તૃઓનું શ્રાદ્ધ ન થાય તેથી તેમને મુક્તિ
ના મળે આથી પિતૃઓએ શિલાદમુનિને સ્વપ્નમાં આવીને પોતાનું દુઃખ જણાવ્યું.પિતૃઓની
પ્રાર્થના ધ્યાને લઇને શિલાદ મુનિએ પુત્ર પ્રાપ્તિની કામના સાથે ઇન્દ્રદેવની આરાધના
કરી.ઇન્દ્રદેવે પ્રસન્ન થઇને કહ્યું કે હે મુનિ ! તમે જે વરદાનની આશા રાખો છો તે
હું પૂર્ણ કરી શકું તેમ નથી માટે આપ ભગવાન શિવની આરાધના કરો.
શિલાદમુનિએ ભગવાન શિવનું અતિ કઠિન તપ કર્યું.તેમના તપથી
ભગવાન શિવ પ્રસન્ન થાય છે ત્યારે શિલાદમુનિ ભગવાન શિવ જેવા જ તેજસ્વી પુત્રની
માંગણી કરે છે.ભગવાન શિવે આશીર્વાદ આપતાં કહ્યું કે હે શિલાદ મુનિ ! જે પૃથ્વીના ટૂકડાને
તમે માતૃત્વ આપવાની ઇચ્છાથી યજ્ઞ તરીકે પસંદ કર્યો છે ત્યાં જ પુત્રકામેષ્ઠી યજ્ઞ
કરો. શિલાદમુનિ યજ્ઞની આહૂતિ માટે ખેતર ખેડે છે ત્યાં જ તેમને જમીનમાં દાણાઓની
વચ્ચેથી એક પુત્રની પ્રાપ્તિ થાય છે.આ પુત્ર મળતાં તેઓને ઘણી જ ખુશ અને અત્યંત
આનંદિત થઇ બોલી ઉઠે છે કે 'નંદી'.. નંદીનો અર્થ પ્રસન્નતા અને આનંદ થાય છે.
શિલાદમુનિને જમીન ખેડવા માટે બળદોની મદદ લીધી હતી.શિલાદમુનિને
શિવભેટ તરીકે મળેલા પુત્રને પણ એક બળદની મુખાકૃતિ મળી.શિલાદમુનિને જે પૂત્રરત્ન
પ્રાપ્ત થયું તે ફક્ત પિત્તૃઓના ઉદ્ધાર માટે મેળવ્યો હતો પરંતુ પૂત્ર જેમ જેમ થોડો
મોટો થયો તેમ-તેમ તેમને પુત્રમોહ થવા માંડ્યો.એકદિવસ મિત્ર અને વરૂણદેવ તેમના આશ્રમમાં
આવે છે.શિલાદમુનિએ પૂત્ર સહિત તેમની સેવા કરી.ખુશ થયેલા મિત્ર અને વરૂણદેવે શિલાદમુનિને
દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા પરંતુ નંદીને કોઈ આશીર્વાદ ના આપ્યા તેથી
શિલાદમુનિને દુઃખ થાય છે.તેઓએ તેનું કારણ પૂછ્યું તો દેવતાઓએ કહ્યું કે મુનિવર ! નંદી
અલ્પઆયુ છે, સોળ વર્ષની
ઉંમરે તેનું મૃત્યુ થઇ જશે.દેવનું કથન સાંભળી શિલાદમુનિ દુઃખી થાય છે પરંતુ ભગવાન
શિવના આર્શિવાદથી જન્મેલ નંદી કહે છે કે મારો જન્મ ભગવાન શિવના આર્શિવાદથી થયેલ છે
એટલે મને જીવન પણ તેઓ જ પ્રદાન કરશે.નંદી મહાદેવની આરાધના કરે છે.તેમની આરાધનાથી
પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે એટલે તને
મૃત્યુનો ભય કેવી રીતે હોઇ શકે? આવું જણાવીને ભગવાન શિવે
નંદીને પોતાના ગણાધ્યક્ષ પણ બનાવી લીધા અને આમ નંદી નંદીશ્વર બની ગયા.ત્યારબાદ
મરૂતોની પૂત્રી સુયશા સાથે નંદીના વિવાહ
થયા.ભગવાને નંદીને વરદાન આપ્યું કે જ્યાં પણ નંદીનો નિવાસ હશે ત્યાં મારો નિવાસ
હશે ત્યારથી દરેક શિવ મંદિરમાં શિવજીની સામે નંદીની સ્થાપના કરવામાં આવે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment