Friday, 16 August 2024

કેદારનાથ જ્યોર્તિલિંગની કથા

 

કેદારનાથ જ્યોર્તિલિંગની કથા

 

હિમાલય ચડતાં ચડતાં આગળ વધીએ ત્યારે દૂરથી કેદારનાથ જ્યોર્તિલિંગનું શિખર દેખાય છે.શિખર દેખાયા પછી આગળ ચાલીએ ત્યારે ભવ્ય શિવલિંગના દર્શન થાય છે.ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે.આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે.કેદારનાથ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અખાત્રીજથી શરૂ કરીને કારતક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજન-અર્ચન અર્થે લાવવામાં આવે છે.કેદારનાથ સૌથી વધુ ઉંચાઇ એટલે કે સમુદ્ર સપાટીથી ૩૫૮૩ મીટરની ઉંચાઇ પર આવેલ છે.જે ભક્તો બાબા કેદારનાથના દર્શન કરે છે તેમના રોગ-દોષ અને પાપ નાશ પામે છે.

 

પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારથી લગભગ ૨૫૧ કિ.મી.અંતર કાપીને આપ કેદારનાથ પહોંચી શકો છો.આમ તો ઉત્તરાખંડના કેદારક્ષેત્રમાં પંચકેદાર બિરાજમાન છે.જેમાં કેદારનાથ મધ્યમહેશ્વર તુંગનાથ રૂદ્રનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે.કહેવાય છે કે આ પાંચેયના દર્શન બાદ કેદારનાથની યાત્રા પુરી થાય છે. 

 

આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ તરીકે પૂજવામાં આવે છે.પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદિ જગતગુરૂ શંકરાચાર્યજીએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.મંદિર નજીક શંકરાચાર્યનું સમાધિસ્થળ છે.અહી સ્થિત બાબા ભૈરવનાથના મંદિરનું પણ વિશેષ મહત્વ છે.બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી,આથી પગપાળા કે ઘોડા ઉપર સવાર થ‌ઈ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે.હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ચુક્યો છે.

 

ભગવાન વિષ્ણુના નર-નારાયણ નામના બે અવતારો બ્રહ્માજીના માનસપૂત્રો હતા તેમને ભારત વર્ષના ભરતખંડમાં સ્થિત બદ્રીકાશ્રમમાં તપશ્ચર્યા કરી હતી.ભગવાન શિવ ભક્તોને આધિન હોવાથી પ્રસન્ન થઇને કહે છે કે હું તમારી આરાધનાથી ઘણો જ સંતુષ્ટ થયો છું.તમે મારી પાસે વરદાન માંગો ત્યારે નર-નારાયણે લોકોના હિતની કામનાથી કહ્યું કે હે દેવેશ્વર ! જો આપ પ્રસન્ન થયા હો અને વરદાન આપવા માંગતા હો તો પોતાના સ્વરૂપથી પૂજા ગ્રહણ કરવા માટે અહીં જ સ્થિત થઇ જાઓ.નર-નારાયણના અનુરોધથી કલ્યાણકારી મહેશ્વર હિમાલયના તે કેદારતીર્થમાં સ્વંય જ્યોર્તિલિંગના રૂપમાં સ્થિત થઇ ગયા. એકબાજુ કેદારનાથ,બાજુમાં ભગવાન બદ્રીનારાયણ અને નેપાળમાં પશુપતિનાથ..આ ત્રણે મળીને ત્યાંની તીર્થયાત્રા પુરી થાય છે.આપણે બધા આપણાં કર્મનાં ફળ ભોગવવા આવ્યા છીએ જ્યારે નર-નારાયણ પોતાના કર્મનું ફળ ભોગવવા આ સૃષ્ટિ ઉપર આવ્યા ન હતા.આપણા કર્મથી આપણું ઘડતર થાય છે.નર-નારાયણ બદ્રિકાશ્રમ તીર્થમાં પાર્થિવ લિંગ બનાવીને તપસ્યા કરી પોતાનું જીવન કૃતાર્થ કર્યું અને સતત ભગવતકાર્ય કરવા લાગ્યા.

 

સુખી જીવન જીવવા માટે તેમને લોકોને ત્રણ સિદ્ધાંત આપી નિયંત્રિત ભોગજીવન જીવવાનો આદેશ આપ્યો.માનવીના જીવનમાં રમત,યશસ્વી ધન અને શરીર સંપદા હોવાં જોઇએ.રમત માનવીનું મન હળવું અને પ્રફુલ્લિત રાખે છે.ચિંતાના કારણે માણસ કાર્યમાં એકાગ્ર થતો નથી.મગજ ઉપરનો બોજો દૂર થાય તો મન એકાગ્ર થઇ શકે છે.યશસ્વી ધન એટલે ગમે તે રીતે પૈસો મેળવ્યો હશે તો તેમાં પાંચ પિશાઓ આવશે અને ગળચી પકડી એક લપડાક મારી આવેલું બધું ધન સાફ કરશે.શરીર સંપદા પણ હોવી જરૂરી છે તે ના હોય તો ભોગો પણ ભોગવી શકાતા નથી.તેના માટે નિયમિત વ્યાયામ કરવો જોઇએ અને ભક્તિ હોય તો જ નિયમિતતા આવે.

 

વૈદિક તત્વજ્ઞાનમાં મહાન સૂક્તો છે તેમાં પુરૂષસૂક્તનું ઉદગાન નર-નારાયણે કરેલ છે.

 

 

કેદારનાથ જ્યોર્તિલિંગ વિશે બીજી કથા એવી છે કે જ્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા ત્યારે સાથે સાથે ભાઈઓની હત્યાનું પાપ પણ પાંડવો પર આવ્યુ.યુધિષ્ઠિરે આ પાપથી છૂટકારો મેળવવા ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યુ પરંતુ ભગવાન શિવ બધા પાંડવો પર ગુસ્સે થયા.ભગવાન શિવે નક્કી કર્યું કે તે પાંડવોને આશીર્વાદ નહિ આપે.પાંડવો કેદારનાથ જવા રવાના થયા.પાંડવો ભગવાન શિવની શોધમાં કેદારનાથ આવ્યા તેથી ભગવાન શિવે મહિષનું રૂપ ધારણ કરીને બીજા મહિષો સાથે ભળી ગયા.ભીમે એક યોજના બનાવી અને વિશાળરૂપ ધારણ કર્યુ અને બંને પહાડ સુધી પગ ફેલાવ્યા.બધા મહિષ તેમાંથી પસાર થઈ ગયા પરંતુ ભગવાન શિવ જે મહિષના રૂપમાં હતા તે ભીમના બે પગ વચ્ચેથી નીકળવા સહમત ન થયા અને અંતર્ધ્યાન થવા લાગ્યા પણ તે પહેલાં જ ભીમ શિવરૂપી મહિષના આશીર્વાદ લેવા દોડી ગયો.આ ભક્તિ અને તપસ્યાને જોઈને ભગવાન શિવનું ક્રોધિત હૃદય પિગળી ગયું અને તરત જ પાંડવોને દર્શન આપી તેમને ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્ત કર્યા ત્યારથી અહીં મહિષની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પુજવામાં આવે છે.

 

ભીમ મહિષના રૂપમાં ભગવાન શિવની નજીક જતાં જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યાં. આ જોઈને ભીમે મહિષના રૂપમાં શિવના ખૂંધ (પાછળનો ભાગ) પકડી લીધો,જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે.

 

સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે.પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે.અહીં પાંચ નદીઓ મંદાકિની,મધુગંગા,ક્ષીરગંગા,સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે.જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ રહ્યું નથી.અહીં બાબા ભોળાનાથના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે.દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ ખોલવામાં અને બંધ કરવામાં આવે છે.એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે.શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથ ના દર્શન કર્યા વિના બદ્રિનાથની યાત્રા કરે છે તેમને યાત્રાનું ફળ મળતું નથી.અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment