Friday 16 August 2024

શિવપુરાણની કથા શ્રવણ કરવાથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ

 

શિવપુરાણની કથા શ્રવણ કરવાથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ

 

જે મનુષ્ય પાપી દુરાચારી લુચ્ચા તથા કામ-ક્રોધમાં ડૂબેલા,લાલચુ,અસત્ય આચરણ કરનાર,માતા- પિતાનો દ્વેષ કરનાર,પાખંડી તથા હિંસક વૃત્તિના,છળકપટ કરનાર,વ્યભિચારી હોય તેઓ મનને પવિત્ર કરનારી,પાપનાશિની અને ભગવાન શિવને પ્રસન્ન કરનારી અદભૂત શિવપુરાણની કથા શ્રવણ કરે તો તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે.શિવકથા ઉત્તમ જ્ઞાનયજ્ઞ છે.જે સાંસારીક ભોગ અને મોક્ષ આપનાર છે.આ વિશે મુનિગણ એક પ્રાચિન ઉદાહરણ આપે છે.

 

કિરાતનગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જે દરિદ્ર-અજ્ઞાની તથા વૈદિક ધર્મથી વિમુખ હતો.તે સ્નાન-સંન્ધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થયો અને વૈશ્યવૃત્તિમાં તત્પર રહેતો હતો.તે પોતાના ઉપર વિશ્વાસ કરનાર લોકોને ઠગતો હતો.તેને ઘણા લોકોને દગાથી મારી નાખીને તેમનું ધન પ્રાપ્ત કર્યું હતું.તેને અધર્મથી ઘણું બધું ધન ભેગું કર્યું હતું પરંતુ આ પાપીએ એક રૂપીયો પણ ધર્મકાર્યમાં વાપર્યો નહોતો.

 

એકવાર દેવરાજ તળાવ ઉપર સ્નાન કરવા જાય છે ત્યાં શોભાવતી નામની એક વેશ્યાને જોઇને તેના ઉપર મોહિત થાય છે.આ સુંદરી પણ ધનાઢ્ય દેવરાજ પોતાના વશમાં થયો છે તે જાણીને પ્રસન્ન થાય છે.વાતચીતના અંતે દેવરાજે તેને પત્ની તરીકે અને શોભાવતીએ દેવરાજને પતિ તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું.આમ કામવશ બંન્નેએ લાંબા સમય સુધી વિહાર કર્યો. ખાતાં-પીતાં, ઉઠતાં-બેસતાં તથા તમામ ક્રીડાઓમાં બંન્ને પતિ-પત્ની તરીકે વ્યવહાર કરવા લાગ્યાં.દેવરાજની પત્ની તથા તેનાં માતા-પિતાએ ઘણું જ સમજાવ્યા છતાં તે પાપકૃત્યમાં જોડાયેલો રહે છે અને કોઇની વાત માનતો નથી.

 

એક દિવસ રાત્રીના સમયે આ દુષ્ટે ઇર્ષાવશ પોતાની પત્ની તથા માતા-પિતાને મારી નાખી તમામ ધન વેશ્યાને આપી દીધું.આ પાપી અભક્ષ્ય ભોજન તથા દારૂ પીવા લાગ્યો અને આ નીચ વેશ્યા સાથે એક જ પાત્રમાં ભોજન કરવા લાગ્યો.

 

દૈવયોગથી એક દિવસ તે ફરતો ફરતો પ્રતિષ્ઠાનપુર(ઝુંસી-પ્રયાગ) આવી પહોચે છે.ત્યાં એક શિવાલયમાં ઘણા બધા સાધુ મહાત્માઓને જોયા અને તે ત્યાં રોકાઇ જાય છે.તે દિવસે તેને સખત તાવ આવે છે અને દર્દથી તે તડપે છે.આ શિવમંદિરમાં એક બ્રાહ્મણ શિવકથા સંભળાવી રહ્યા હતા.તાવમાં તડપતો દેવરાજ આખી શિવકથા શ્રવણ કરે છે અને એક માસ પછી તે ગંભીર બિમારીમાં મરણને શરણ થતાં યમરાજાના દૂતો આવીને તેને બાંધીને યમપુરીમાં લઇ જાય છે,એટલામાં શિવલોકથી ભગવાન શિવના પાર્ષદ આવે છે અને યમપુરીના દૂતો સાથે મારામારી કરીને દેવરાજને તેમની જાળમાંથી છોડાવીને અત્યંત અદભૂત વિમાનમાં બેસાડીને શિવલોકમાં લઇ જાય છે તે સમયે યમપુરીમાં ઘણો કોલાહલ થાય છે.

 

આ કોલાહલ સાંભળીને ધર્મરાજા પોતાના ભવનમાંથી બહાર આવે છે અને સાક્ષાત રૂદ્ર સમાન ચાર દૂતોને જોઇને તેમનું વિધિપૂર્વક પૂજન કરે છે.યમરાજાએ દિવ્યદ્રષ્ટિથી સમગ્ર હકીકત જાણી લીધી.શિવદૂતો કૈલાશ ચાલ્યા ગયા અને તેમને આ બ્રાહ્મણને દયાસાગર સામ્બ શિવને આપી દીધા.

 

શિવપુરાણની આ પરમ પવિત્ર કથા સાંભળવાથી પાપી લોકો પણ મુક્તિને યોગ્ય બને છે.ભગવાન સદાશિવના પરમધામને વેદજ્ઞ તમામ લોકો સર્વશ્રેષ્ઠ કહે છે.જે પાપીએ ધનના લોભથી અનેક લોકોની હત્યા કરી હતી તથા પોતાના માતા-પિતા અને પત્નીની હત્યા કરી હતી,વેશ્યાગામી અને શરાબી હતો તેમ છતાં શિવમહાપુરાણની કથાના પ્રભાવથી ભગવાન શિવના પરમધામને પ્રાપ્ત કરી મુક્ત થઇ ગયો હતો. (શિવપુરાણ)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment