Friday 16 August 2024

શિવમહિમ્ન સ્ત્રોતનો ટૂંકસાર

 

મહાન શિવભક્ત પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોનો નાશ કરનારૂં ભગવાન શિવને અતિપ્રિય એવું

શિવમહિમ્ન સ્ત્રોતનો ટૂંકસાર

 

પુષ્પદંત દ્વારા શિવનિર્માલ્ય ઓળંગવાના કારણે તેની અદ્રશ્ય થવાની તથા ઉડવાની શક્તિ ગુમાવી હતી.પોતાની શક્તિઓ પાછી મેળવવા માટે પુષ્પદંતે ભગવાન શિવની પ્રશંસા કરવા એક સ્ત્રોત લખ્યું જે ઘણું જ સુંદર છે.જેને શિવમહિમ્ન સ્ત્રોત કહે છે.પુષ્પદંતે જ્યારે આ સ્ત્રોતનું ગાયન કર્યું તો ભગવાન શિવે પ્રસન્ન થઇને તેની અદ્રશ્ય થવાની શક્તિ તથા ઉડવાની શક્તિ પુનઃ પ્રદાન કરી.

 

શિવમહિમ્ન સ્ત્રોતમાં ૪૩ શ્ર્લોક છે.તેમાં સ્તુતિ કરતાં લખ્યું છે કે હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરૂષો જાણતા નથી કારણકે આપનું નિર્ગુણ સ્વરૂપ મન-વાણીથી પર છે તેમજ આપને પુરૂષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી.બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી.બ્રહ્માદિકની વાણી પણ તમને વર્ણવવા માટે સમર્થ નથી.પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે.

 

આપની મહિમા મન તથા વાણી વડે જાણવામાં આવતી નથી.આપના મહિમાનું શ્રુતિઓ ગૌરવપૂર્વક વર્ણન કરે છે.આપનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરૂષ શક્તિમાન નથી તેમજ આપ કોઈપણ પુરૂષને ઈન્દ્રિય ગોચર નથી.તમારૂં નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃત વગેરે ભાષાઓમાં શક્તિ નથી.

 

મારી સ્તુતિ તમને કોઈપણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીના રચાયિતા છો.વાણીના ભંડારરૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે?

 

તમારૂં રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે અને નિંદા પાપી પુરૂષોને લાગે છે પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.

 

પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે પરંતુ જડબુદ્ધિવાળાઓ જગતને ઉત્પન્ન કરવા બાબત શું ક્રિયા થતી હશે? તે ક્રિયા ક્યા પ્રકારની હશે? જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે? આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.

 

આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો.જે સાકાર વસ્તુઓ છે તેનો જન્મ હોય છે.જેમ ઘડો સાકાર છે તેથી તે ઉત્પત્તિમાન છે તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે? ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે? બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી.

 

વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે.સાંખ્ય વડે કપિલ,યોગશાસ્ત્ર દ્વારા પતંજલિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્ર દ્વારા ગૌતમ-કણાદ મુનિ તથા નારદ જેઓ નારદપંચરાત્રના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.

 

વિષયો ઝાંઝવાના જળ જેવા છે તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય-અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે.આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરૂં છું.

 

આપના ઐશ્વર્યનો અંત લેવા સારૂં બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા પરંતુ કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ.બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળતત્વના નિવાસ છે માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી અને એ બ્રહ્મા-વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે.

 

આપની સ્થિર ભક્તિ એવી છે કે રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે અર્પણ કર્યા હતાં.વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો.

 

ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો,જે જનો આપને વંદે છે તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.

 

આપે હળાહળ વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે.કામદેવનું બાણ ભાલા રહિત છે તેનું બાણ આ જગતમાં દેવ-અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે.આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિ દેવોની પેઠે વર્તવા લાગ્યો છે તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાળી નાખ્યુ.

 

આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય સ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું.આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે તો પણ તે જગતની રક્ષા માટે જ છે.

 

આપના શરીર પર ગંગાનો પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે.આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે.

 

જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો.બળ-વિર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરૂષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.

 

આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા,તેમાં એક કમળ ઓછું હોવાથી પોતાના નેત્રકમળ અર્પણ કર્યું હતું.આવી દઢ ભક્તિને લીધે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.

 

તમે સર્વવ્યાપી છો,તમારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી.દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ કરવા બેઠા હતા.ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા છતાં દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો.યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ નિવડે છે.

 

પોતાની દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ જે નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી એવામાં આપે જોયું કે આ અધર્મ થાય છે માટે તેમને દંડ દેવો જોઈએ તેથી આપે વ્યાઘ નામક આર્દ્રા નક્ષત્રરૂપી શરને તેની પાછળ મૂક્યું હતું.આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

 

દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યારપછી શિવને જ પતિ તરીકે વરવા બીજા જન્મે પાર્વતી થયાં.તેમણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે વ્યર્થ નિવડ્યા.દેવોએ ધાર્યું કે યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ તેથી તે તાપને દૂર કરવા પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો.કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી દીધો.આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું.આ તમારૂં કાર્ય જેઓ મૂઢ છે તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.

 

સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું-કૂદવું અને ફરવું, ચિત્તાની રાખ શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી,આવા પ્રકારનું તમારૂં ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે છતાં તમારૂં વારંવાર જે સ્મરણ કરે છે તેને તમારૂં નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.

 

સત્ય બ્રહ્મને શોધવા માટે યોગીઓ મનને હૃદયમાં રોકીને યોગ-શાસ્ત્રમાં બતાવેલા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિથી બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે.સૂર્ય ચંદ્ર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ રૂપે આપ જ છો તથા દરેકમાં આત્મારૂપે આપ જ છો.આમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરૂષો તમોને ઓળખે છે.

 

ત્રણ વેદો તમારૂં જ વર્ણન કરે છે.તમને અ-કારથી સ્થૂળ પ્રપંચરૂપી, ઉ-કારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મ-કારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે તથા યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.

 

પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદ્રશ્ય,સર્વને આધારરૂપ ફક્ત ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી-મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.

 

આખું જગત તમારામય છે.આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ-રજ અને તમસ આ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તમારા પદને પામવા માટે હું વારંવાર વંદન કરૂં છું.મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યોરૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે તો પણ તે આપનો અંત પામી શકતાં નથી.

 

દેવો-દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત,ચન્દ્રને કપાળમાં ધરનાર,ત્રિગુણોથી રહિત તમારૂં આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

 

નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે,તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે.અંતે શિવલોકમાં જાય છે તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય,દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.આપના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી.આ મહિમ્નસ્તોત્રજેવી બીજી કોઈ સ્તુતિ નથી.

 

દીક્ષા દાન તપ તીર્થ જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.

 

હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું.આપનું તત્વ કયું? અને આપ કેવા હોઈ શકો? તેની મને ખબર નથી. જે મનુષ્ય દિવસમાં એક-બે  કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે બધાં ય પાપોથી છુટીને શિવલોક જાય છે. જે કોઈ પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, ભગવાન શિવને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પિતા ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment