Friday 16 August 2024

શિવમહિમ્ન સ્ત્રોતના રચિયતા-પુષ્પદંત

 

શિવમહિમ્ન સ્ત્રોતના રચિયતા-પુષ્પદંત

પુષ્પદંત નામનો એક ગંધર્વ હતો.તેના દાંત કંદપુષ્પની કળીઓ જેવા ધોળા અને સુંદર હતા તેથી તે પુષ્પદંત તરીકે પ્રસિદ્ધ થયા.ગંધર્વો પણ દેવતુલ્ય શક્તિથી સંપન્ન હોય છે.તે ઉડી શકે છે,અદ્રશ્ય પણ થઇ શકે છે.પુષ્પદંત ભગવાન શિવનો પરમ ભક્ત તથા વિદ્વાન કવિ પણ હતો.તેના ગાયન કૌશલના કારણે દેવરાજ ઇન્દ્રના દરબારમાં દિવ્ય ગાયકના રૂપમાં તેની નિયુક્તિ કરવામાં આવી હતી.ભગવાન શિવનો ભક્ત હોવાથી તેને અલગ અલગ ફુલોથી ભગવાન શિવની પૂજા કરતો હતો.

એકવાર પુષ્પદંત ફરતો ફરતો રાજા ચિત્રાર્થના રાજ્યમાં આવે છે.રાજ્યની સુંદરતાને જોઇને પુષ્પદૈત આશ્ચર્યચક્તિ થઇ જાય છે.સમગ્ર રાજ્ય સુંદર બગીચા અને ફુલોથી ઘેરાયેલ જોઇને તે પોતાને રોકી ના શક્યો અને ઘણા બધા ફુલોની ચોરી કરીને લઇ જાય છે.

રાજા ચિત્રાર્થ પણ ભગવાન શિવના ભક્ત હતા.તેમને બગીચો એટલા માટે બનાવ્યો હતો કે જેમાંથી તે ફુલો તોડી ભગવાન શિવની પૂજા કરી શકે.તે દિવસે તે ભગવાનની પૂજા કરવા માટે બગીચામાં જાય છે તો ઉદાસ થઇ જાય છે કારણ કે બગીચાનાં મોટાભાગનાં ફુલો તોડી લેવામાં આવ્યાં હતા.રાજા ચિત્રાર્થે પોતાના સૈનિકોને બોલાવીને ફુલો કોન તોડી જાય છે તેની તપાસ કરવા કરવા તથા બગીચાની સુરક્ષા કડક બનાવવામાં આવે છે.

બીજા દિવસે કડક સુરક્ષા હોવા છતાં ફુલો ગાયબ થઇ ગયાં હતાં જેથી રાજા ચિત્રાર્થે બિલિપત્રના પાન તોડીને બગીચાના પ્રવેશદ્વારા અને બગીચામાં પાથરી દેવા સૂચના આપી.બીજા દિવસે સવારે પુષ્પદંત અદ્રશ્ય થઇને બગીચાની અંદર આવે છે અને અજાણમાં બગીચામાં પાથરેલ બિલિપત્રના પાન ઉપર પગ મુકે છે જેનાથી ભગવાન શિવની સાધનામાં વિઘ્ન પડે છે કેમકે બિલિપત્રનો ઉપયોગ ભગવાન શિવની પૂજા માટે કરવામાં આવે છે.ભગવાન શિવને ગુસ્સો આવે છે અને આંખો બંધ કરીને તપાસ કરી તો ખબર પડે છે કે બિલિપત્ર ઉપર પુષ્પદંતે પગ મુક્યા હતા.

ભગવાન શિવ વિચાર કરે છે કે જો કોઇ સામાન્ય મનુષ્યએ ભૂલ કરી હોત તો ક્ષમા કરી દેતો પરંતુ એક ગંધર્વ કે જે સ્વર્ગના પ્રાણી છે તેને તો ખબર હોવી જોઇએ કે બીજાના બગીચાના ફુલોની ચોરી ના કરવી જોઇએ અને શિવ નિર્માલ્ય બિલિપત્ર ઉપર પગ ના મુકવા જોઇએ.તેનામાં અદ્રશ્ય થવાની શક્તિના લીધે આમ કર્યું છે એટલે ભગવાન શિવે તેની અદ્રશ્ય થવાની શક્તિ તથા ઉડવાની શક્તિ પરત લઇ લે છે.

આ તરફ પૃથ્વી ઉપર પુષ્પદંત બગીચામાં ફુલો ચોરવા આવે છે તે સમયે રાજાના સૈનિકો આક્રમણ કરીને પુષ્પદંતને પકડી લે છે અને રાજા ચિત્રાર્થ પુષ્પદંતને કારાગારમાં પુરી દે છે.

પુષ્પદંત બંદીગૃહમાં વિચારે છે કે બિલિપત્રો ઉપર પગ મુકવાના કારણે ભગવાન શિવ મારા ઉપર ક્રોધિત થયા છે તેથી પોતાની શક્તિઓ પાછી મેળવવા માટે પુષ્પદંતે ભગવાન શિવની પ્રશંસા કરવા એક સ્ત્રોત લખ્યું જે ઘણું જ સુંદર હતું.પુષ્પદંતે જ્યારે આ સ્ત્રોત ગાયું તો ભગવાન શિવે પ્રસન્ન થઇને ગંધર્વને માફ કરી દીધું અને તેની અદ્રશ્ય થવાની શક્તિ તથા ઉડવાની શક્તિ પ્રદાન કરી.તે રાજા ચિત્રાર્થને મળે છે અને તેમની માફી માંગી અને ભવિષ્યમાં ક્યારેય ચોરી ન કરવાનું પ્રણ લે છે.રાજા પણ તેને માફ કરી દે છે.

પુષ્પદંતે બનાવેલ આ સ્ત્રોત શિવમહિમ્ન સ્ત્રોત કહેવામાં આવે છે જેમાં ભગવાન શિવના ગુણાનુવાદ છે.આ શ્લોકો સુંદર ગુણાનુવાદથી પરીપૂર્ણ અને અર્થ સભર છે.શિવમહિમ્ન સ્ત્રોતના છેલ્લા શ્લોકમાં લખ્યું છે કે..પુષ્પદંતના મુખથી નીકળેલ આ સ્ત્રોત તમામ દુઃખો દૂર કરનાર તથા ભગવાન શિવને પ્રિય છે.જે તેને વાંચશે,સાંભળશે અને ધારણ કરશે તેના જન્મજન્માંતરના પાપોથી ભગવાન શિવ મુક્ત કરી દેશે.

શિવમહિમ્ન સ્ત્રોતમાં કહ્યું છે કે હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરૂષો જાણતા નથી કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મન-વાણીથી પર છે તેમજ આપને પુરૂષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી.બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી.બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી.પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે.

દેવો-દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે.અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.

ભગવાન મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી.શિવમહિમ્ન સ્તોત્ર જેવી બીજી કોઈ સ્તુતિ નથી, તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.રાજાના બગીચામાંથી પુષ્પદંત અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ.ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી.આથી શિવજીને પ્રસન્ન કરવા પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

પુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે તે શિવલોકમાં જાય છે.

જે મનુષ્ય દિવસમાં એક-બે કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે બધાં પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.જે કોઈ શ્રી પુષ્પદંતના મુખારવિંદથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારૂં શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા ભગવાન મહેશ પ્રસન્ન થાય છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment