Friday, 16 August 2024

નેપાળના કાઠમાંડુમાં આવેલ જીવમાત્રના સ્વામી પશુપતિનાથ

 

નેપાળના કાઠમાંડુમાં આવેલ જીવમાત્રના સ્વામી પશુપતિનાથ

 

વિશ્વમાં ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગ છે.આ બાર જ્યોર્તિલિંગમાં ભલે નેપાળના પશુપતિનાથ મહાદેવ મંદિરનો સમાવેશ ન થતો હોય પરંતુ આ મંદિરનું હિન્દુ ધર્મમાં અને શિવભક્તોમાં અનેરૂ મહત્વ ધરાવે છે.પશુપતિનાથ મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર હિંદુ મંદિર છે જે નેપાળની રાજધાની કાઠમાંડુ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે દેવપાટન ગામમાં આવેલું છે.આ મંદિર પાંચમી સદીમાં બનેલું છે અને પછી મલ્લ રાજાઓ દ્વારા ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ મંદિરની આસપાસ અન્ય હિંદુ અને બૌદ્ધ દેવતાઓના મંદિર પણ છે.

 

પશુપતિનાથને લઈને માન્યતા છે કે આ શિવલિંગ ઉત્તરાખંડમાં મંદાકિની નદીના કિનારા ઉપર વસેલાં કેદારનાથ જ્યોતિર્લિંગનો જ અડધો ભાગ છે.પશુપતિનાથને ભગવાન શિવનું માથુ અને કેદારનાથને ભગવાન શિવની પીઠ માનવામાં આવે છે.પશુપતિ શબ્દનો અર્થ થાય છે તમામ જીવમાત્રના સ્વામી. નેપાળના કાઠમાંડુથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે.પશુપતિનાથ મંદિર હિમાલયમાં આવેલા પંચકેદાર સાથે જોડાયેલું છે જેનું વર્ણન સ્કંદપુરાણના કેદારખંડમાં આવે છે.પંચકેદારમાં પ્રથમ કેદારનાથ છે, દ્વિતીય મધ્યમહેશ્વર છે, તૃતીય તુંગનાથ, ચોથા રૂદ્રનાથ અને પાંચમા કલ્પનાથ કે કલ્પેશ્વર છે.

 

પશુપતિનાથ વિશે પૌરાણિક કથા એવી છે કે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા પોતાના ગુરૂઓ તથા સગાસંબંધીઓનો વધ કરવા બદલ ભગવાન ભોલેનાથ પાંડવોથી નારાજ થઈ ગયા હતા.ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી જ પાંડવો ભગવાન શિવ પાસે ક્ષમા માગવા,પાપથી મુક્તિ મેળવવા ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એટલે પાંડવો ભગવાન શંકરની શોધમાં હિમાલય પહોંચ્યા.ભગવાન શિવ એમની ભ્રાતૃહત્યાથી રોષિત હતા એટલે એમને દર્શન આપવા માંગતા ન હોતા તેથી તે અંતર્ધાન થઈ કેદારમાં આવીને વસ્યા.ગુપ્ત કાશીમાં પાંડવોને જોઈને ભગવાન શિવ ત્યાંથી અંર્તધ્યાન થઈ ગયા અને એ સ્થાન ઉપર પહોંચી ગયા જ્યાં હાલ કેદારનાથ આવેલું છે.ભગવાન શિવનો પીછો કરતાં-કરતાં પાંડવો કેદારનાથ પહોંચી ગયા.આ જગ્યાએ પાંડવોને આવેલા જોઈને ભગવાન શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું અને આ વિસ્તારમાં જ ચરી રહેલી બળદોના ટોળામાં સામેલ થઈ ગયા જેથી પાંડવો તેમને ઓળખી ન જાય,એમ છતાં દૈવીશક્તિથી પાંડવોએ એમને ઓળખી લીધા એટલે ભીમે વિશાળ રૂપ ધારણ કરી બે પહાડો પર પોતાના બે પગ ફેલાવી દીધા.બીજા ગાય બળદ પશુઓ તો એ બે પગ નીચેથી નીકળી ગયા પણ બળદ રૂપે પહેલા ભગવાન શિવ ભીમના બે પગની વચ્ચેથી નીકળવા તૈયાર ન થયા એટલે ભીમને ખ્યાલ આવી ગયો કે આ બળદ રૂપે શિવજી જ છે તેથી તે તેમને પકડવા તૈયાર થયો,તે જોઈ ભગવાન શિવ જમીનમાં ઉતરવા લાગ્યા.તેમના શરીરનો નીચલો ભાગ ભૂમિમાં ઊંડે ઊતરી ગયો તેમ છતાં ભીમે એ બળદની ત્રિકોણ આકારની પીઠનો ભાગ પકડી લીધો તેમની હ્રદયપૂર્વક સ્તુતિ કરી અને સગાસબંધીઓની હત્યાના પાપ બદલ ક્ષમા માંગી અને એમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી.ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને પાપમુક્ત થવા બતાવેલો ઉપાય સફળ થયો.ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઇ તેમણે દર્શન આપી એમને પાપ મુક્ત કર્યા.ભગવાન શિવ ત્યાં એ જ સ્વરૂપે એવા જ શિવલિંગ આકારે બળદની પીઠ પરના ત્રિકાણાકાર આકારના શિવલિંગે રૂપે બિરાજમાન થઈ ગયા.

 

ભગવાન શિવ બળદના રૂપમાં જમીનમાં અંતર્ધાન થયા ત્યારે તેમના ધડનો ઉપરનો મસ્તકનો ભાગ નેપાળના કાઠમાંડુમાં પશુપતિનાથ રૂપે પ્રગટ થયો,એમની ભૂજાઓ તુંગનાથમાં,મુખ રૂદ્રનાથમાં,નાભિ મધ્ય મહેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થઈ એટલે આ ચાર સ્થાનો સાથે કેદારનાથ ધામને પંચકેદાર કહેવામાં આવે છે.

 

બીજી એક લોક માન્યતા એવી છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કાઠમાંડુ ઘાટીમાં આવ્યા હતા અને બાગમતી નદીના કિનારે વિશ્રામ કર્યો હતો.આ જગ્યાનું કુદરતી સૌંદર્ય તેમને પસંદ આવ્યું એટલે તેમણે હરણ અને હરણીનું રૂપ લઈ ત્યાંના જંગલમાં ફરવાનું શરૂ કર્યું અને થોડો સમય ત્યાં નિવાસ કર્યો. દેવોએ ભગવાન શિવ-પાર્વતીને શોધવા છતાં ના મળ્યા અને અહીયાં તેમનાં દર્શન થયાં.તે સમયે ભગવાન શિવે જાહેરાત કરી કે બાગમતી નદીના કિનારે હરણના રૂપમાં તે રહ્યા હતા એટલે તેમને અહી પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવશે.

 

કવાર કામધેનુ ચંદ્રવન પર્વત ઉપરથી દરરોજ નીચે આવી જ્યાં ભગવાન શિવનું શિવલિંગ હતું ત્યાં પોતાના દૂધથી શિવલીંગ ઉપર અભિષેક કરતી હતી.લોકોને આ જોઇ કૌતુહલ થયું અને લોકોએ ખોદકામ કર્યું તો તેમને ત્યાં શિવલિંગ મળી આવ્યું હતું.અહીં ભગવાન શિવજીની પાંચ મુખવાળી મૂર્તિ મળી આવી,આ પાંચે મુખ અલગ અલગ ચાર દિશા અને ગુણોનો પરિચય આપે છે.ઓમકારની ઉત્પત્તિ ભગવાન શિવજીના આ પાંચ મુખથી થઈ છે જે પંચમહાભૂતોનું રૂપક છે.દક્ષિણ તરફના મુખને અધોર મુખ,પશ્ચિમ તરફના મુખને સદ્યોજાત,પૂર્વ તરફના મુખને તત્પુરુષ,ઉત્તર તરફના મુખને અર્ધનારીશ્વર અને ઉપર તરફના મુખને ઈશાન મુખ કહેવામાં આવે છે.પશુપતિનાથનું શિવલિંગ ચમત્કારિક છે.તે પારસ પથ્થર જેવું છે જે દૈવી શક્તિથી વ્યક્તિમાં ગુણાત્મક પરિવર્તન લાવી દે છે. થોડા સમયમાં પણ અહી યોગ સાધના કરે તો સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

 

પશુપતિનાથ મંદિર વિશે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ મંદિરના દર્શન કરે છે તેનો પશુ યોનિમાં જન્મ થતો નથી.નેપાળમાં તેમને રાષ્ટ્રીય દેવતા માનવામાં આવે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment