શિવરાત્રિવ્રત
માહાત્મ્યમાં શિકારી અને મૃગપરીવારની કથા
શિવમહાપુરાણમાં ઋષિઓ સૂતજીને પુછે છે કે શિવરાત્રિવ્રત પહેલાં કોને કર્યું હતું અને
અજ્ઞાનતાપૂર્વક પણ આ વ્રત કરવાથી કયું ઉત્તમ ફળ પ્રાપ્ત
થયું હતું? સૂતજીએ કહ્યું કે આ વિષયમાં એક નિષાદનો
સર્વ પાપનાશક ઇતિહાસ કહીશ.
પહેલાના સમયમાં એક વનમાં ગુરૂદ્રુહ નામનો બળવાન-નિર્દયી
તથા ક્રૂરકર્મમાં તત્પર એક શિકારી પોતાના કુટુંબ સાથે રહેતો હતો.તે દરરોજ વનમાં
જઇને પશુઓનો વધ કરતો હતો તથા ચોરી કરતો હતો. તેને બાળપણથી ક્યારેય કોઇ શુભ કર્મ
નહોતા કર્યા.આ રીતે ઘણા વર્ષો વનમાં પસાર થયા.એકવાર શિવરાત્રીનો પવિત્ર દિવસ આવે
છે પરંતુ આ દુષ્ટાત્માને તેનું જ્ઞાન નથી.તે દિવસે તેના ઘરડા ર્માં-બાપ ભૂખથી
પિડીત થઇને ભોજન માંગે છે તે સાંભળીને તે ધનુષ્ય લઇને મૃગનો શિકાર કરવા માટે વનમાં
ફરે છે.દૈવયોગથી તે દિવસે સૂર્યાસ્ત થવા છતાં કોઇ શિકાર મળતો નથી.
શિકારી વિચાર કરે છે ઘરમાં ઘરડા ર્માં-બાપ,બાળકો અને પત્ની ભૂખ્યાં છે તેની ચિંતા
કરે છે અને ભોજનની વ્યવસ્થા વિના ઘેર જવું યોગ્ય ન લાગતાં તે એક તળાવના કિનારે
આવીને બેસી જાય છે.કોઇ પ્રાણી જળ પીવા આવશે તે આશાએ તળાવના કિનારે આવેલ એક બિલિના
વૃક્ષ ઉપર બેસે છે.રાતના પહેલા પ્રહરમાં એક હરણી તરસથી વ્યાકુળ બનીને આવે છે તેને મારવા
ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે.
કોઇ પ્રાણી જળ પીવા આવે છે તે જોવા માટે તે બિલિના પાન
તોડીને નીચે નાખે છે તથા સાથે લાવેલ પાણી પણ નીચે પડે છે કે જ્યાં એક શિવલિંગ
હતું.આમ શિકારી દ્વારા પ્રથમ પ્રહરની શિવપૂજા અનાયાસે થઇ જતાં તેનાં તમામ પાપ બળી
જાય છે.ભયથી વ્યાકુળ હરણી શિકારીને જોઇને કહે છે કે તમે શું કરવા ઇચ્છો છો તે સત્ય
કહો? ત્યારે શિકારી
કહે છે કે આજે સવારથી મારો આખો પરીવાર ભૂખ્યો છે.હું તને મારીને તેમને તૃપ્ત કરીશ.શિકારીના
આવાં દારૂણ વચનો સાંભળીને હરણી કહે છે કે હે શિકારી ! મારા અનર્થકારી દેહના માંસથી
તમોને સુખ પ્રાપ્ત થાય તો તેનાથી મોટું પુણ્ય કયું હોઇ શકે? પરંતુ
તમોને એક વિનંતી કરૂં છું કે મારાં તમામ બાળકો આશ્રમમાં એકલાં છે તેમને મારા પતિ
તથા બહેનને સોંપીને પાછી આવી જઇશ.
હે વનેચર ! મારી વાતને સત્ય માનો.શિકારી હરણીની વાતને
સત્ય માનતો નથી તેથી હરણી આગળ કહે છે કે હું જે કહું છું તે સાંભળો. હું સોગંધ
ખાઇને કહું છું કે જો હું ઘેર જઇને પરત ના આવું તો વેદવિક્રયી
તથા ત્રિકાળ સંન્ધ્યા ઉપાસનાહીન બ્રાહ્મણને તથા પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન
કરનાર સ્ત્રીને જે પાપ લાગે છે,જે મનુષ્ય પોતાની વિવાહિત પત્નીને છોડીને બીજી
સ્ત્રી સાથે સમાગમ કરે છે,જે વેદધર્મનું ઉલ્લંઘન કરીને
માનફાવે તેવા માર્ગે ચાલે છે,વિષ્ણુભક્ત થઇને શિવની નિંદા
કરે છે તેને જે પાપ લાગે છે, શિવવિમુખને જે પાપ લાગે છે,ધર્મનું ઉલ્લંઘન કરનારને જે પાપ લાગે છે,વિશ્વાસઘાત
અને છળ કરનારને જે પાપ લાગે છે તે તમામ પાપ મને લાગે..
શિકારીને વિશ્વાસ આવતાં તે હરણીને ઘેર જવાની રજા આપતાં
તે જળપાન કરી ઘેર જાય છે.ત્યારબાદ તેની બહેન અને પછી તેનો પતિ વારાફરતી જળ પીવા
આવે છે અને એ તમામ શિકારીને ઘેર જઇને પરત આવવા વચન આપે છે.આ રાત્રીએ અનાયાસે શિકારી
દ્વારા ત્રણ વખત ત્રણ પ્રહરની શિવપૂજા થઇ જાય છે.
ત્યારબાદ તમામ હરણ-હરણી આશ્રમમાં ભેગાં થાય છે અને બાળકોને
ધીરજ આપીને શિકારીને આપેલ વચન અનુસાર જવા માટે તૈયાર થાય છે ત્યારે બાળકો કહે છે
કે તમારી જે ગતિ થશે તે અમારી થશે એટલે અમે પણ તમારી સાથે આવવાના છીએ.સમગ્ર પરીવાર
સહિત આવેલાં હરણાંને જોઇને શિકારી બાણ ચઢાવે છે ત્યારે કેટલાંક બિલિપત્ર શિવલિંગ
ઉપર પડે છે અને ચોથા પ્રહરની શિવપૂજા અનાયાસે થઇ જતાં તેનાં તમામ પાપ બળી જાય છે.હરણોના
સમર્પણ જોઇને શિકારીને નવાઇ લાગે છે.શિવપૂજાના પ્રભાવથી તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત
થાય છે.
જ્ઞાનરહિત આ મૃગ ધન્ય છે,તે પરમ સન્માનનીય છે,જે પોતાના શરીરને પરોપકાર માટે આપવા તત્પર છે.મેં મનુષ્યજન્મ મળ્યા પછી
શું પ્રાપ્ત કર્યું? મેં બીજાઓના શરીરને પીડા આપીને મારા
શરીરનું પાલન કર્યું છે.પાપ કરીને કુટુંબીજનોનું પાલન-પોષણ કર્યું છે.મારી શું ગતિ
થશે? મેં જન્મથી પાપ જ કર્યા છે.મારા આવા જીવનને ધિક્કાર છે.આવું
જ્ઞાન પ્રાપ્ત થતાં શિકારીએ મૃગોને કહ્યું કે તમે ધન્ય છે હવે સુખરૂપ તમારે નિવાસે
જાઓ.આમ કહેતાં ભગવાન શિવ પ્રસન્ન થઇને તેને દર્શન આપે છે અને વરદાન માંગવાનું
કહેતાં તે શિવના ચરણોમાં નતમસ્તક થાય છે.
શિવજીએ પ્રસન્નચિત્તે ગુહ નામ આપીને દિવ્ય વરદાન
આપતાં કહ્યું કે હવે તમે શ્રૃંગવેરપુરમાં શ્રેષ્ઠ રાજધાની બનાવીને દિવ્ય સુખોનો
ઉપભોગ કરો.ત્યાં તમારા વંશની વૃદ્ધિ થશે અને તમારે ત્યાં ભગવાન શ્રીરામ પધારશે
તેમની સાથે મિત્રતા કરી દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરશો.મૃગો પણ ભગવાન શિવનાં દર્શન
કરીને શ્રાપમુક્ત થઇ સ્વર્ગલોક જાય છે.
આ ઘટના પછી શિવજી અર્બુદાચલ પર્વત ઉપર વ્યાઘેશ્વર નામથી પ્રસિદ્ધ થયા.જેમનાં દર્શન અને પૂજન
કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.અજ્ઞાનવશ શિવરાત્રી-વ્રત કરવાથી સાયુજ્ય મુક્તિ મળી
તો જે ભક્તિભાવથી યુક્ત મનુષ્ય શિવરાત્રી-વ્રત કરે છે તે શુભ સાયુજ્ય મુક્તિને
પ્રાપ્ત કરે છે.(શિવમહાપુરાણ)
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment