શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની
કથા ભાગ-૨
નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે
ત્યાં ૐકારેશ્વરમ્ ભગવાનનું જ્યોતિર્લિંગ છે. ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.આ
મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના ટાપુ પર આવેલું છે.આ ટાપુનો આકર ૐ જેવો છે.અહીં બે મંદિરો આવેલા છેઃ ઓમકારેશ્વર અને અમલેશ્વર.
ૐકારેશ્વર ધામમાં જેટલો મહિમા ‘ૐકારેશ્વર’ના દર્શનનો છે તેટલો જ મહિમા ‘મમલેશ્વર’ના દર્શનનો છે. ૐકારેશ્વરના દર્શનની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી
કે જ્યાં સુધી ભક્તો મમલેશ્વરના દર્શન ન કરી લે કારણ કે ૐકારેશ્વરને શિવજીની આત્મા મનાય છે તો મમલેશ્વરને તેમનું
શરીર ! શિવમહાપુરાણની કોટિરૂદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાંના
ઉલ્લેખ અનુસાર તો ૐકારેશ્વર
અને મમલેશ્વર એ વાસ્તવમાં એક જ શિવલિંગમાંથી વિભક્ત થયેલાં બે શિવલિંગ છે.દેવતાઓની
પ્રાર્થનાને વશ થઈ મહાદેવે આ ભૂમિ પર બે સ્વરૂપ ધારણ કર્યા હતા.પ્રણવમાં સ્થિત
સદાશિવ ૐકારેશ્વર નામથી પ્રસિદ્ધ થયું અને જે પાર્થિવમાંથી પ્રગટ
થયું તે પરમેશ્વર નામથી પ્રસિદ્ધ થયું જે અમલેશ્વર તેમજ મમલેશ્વર જેવાં નામથી પણ
પ્રખ્યાત છે.અહીં આ બંન્ને શિવલિંગના દર્શન બાદ જ જ્યોતિર્લિંગ દર્શનની યાત્રાના
પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
ૐકારેશ્વર
જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે.વિંઘ્ય પર્વત વિષેની કથા આપણે
પહેલા ભાગમાં જોઇ હતી.બીજી કથા રાજા માંધાતાને સંબંધિત છે.
અગત્સ્ય ઋષિની તપશ્ચર્યાથી પવિત્ર થયેલો નર્મદાતટ અને
ભગવાન ૐકારેશ્વરની વિસ્મૃતિ થઇ.દસ્યુ લોકોએ આ પવિત્ર સ્થળને
ગંદુ કરી નાખ્યું.દસ્યુ એટલે બીજાનો સ્વ હણવાવાળા માયાવી લોકો. સવારે બોલે તેનું
સાંજે ઠેકાણું નહી અને સાંજે બોલે તેનું સવારે ઠેકાણું નહી.માયાવી એટલે બળદનું રૂપ
લેવાવાળા નહી પરંતુ માયાવી એટલે દશમુખી રાવણ. રાવણનાં દશ માથાં હતાં એટલે તેને દશ
માથાં હતાં તેમ નહી પરંતુ દશ વખત તે વાત બદલતો.સવારે એક વાત કહી હોય તો સાંજે વળી
કાંઇ જુદુ જ કહે..સર્વ સામાન્ય જેમનામાં રાજકીય આકાંક્ષા
હોય તે બધા દશ માથાવાળા જ હોય છે.
દસ્યુ લોકોએ આ પર્વતીય લોકો ઉપર હુમલા કરી તેમની સુંદર
સંસ્કૃતિમાં સડો પેસાડ્યો.તે સમયે માંધાતા નામના
અતિ પ્રભાવી અને તેજસ્વી રાજા થયા.આ માંધાતા યુવનાશ્વના
પૂત્ર હતા.માંધાતાને બે પૂત્ર હતા.મુચકુંદ અને અંબરીષ.આ
બધા ભારતીય સંસ્કૃતિના જ્વલંત પાત્રો છે તેમનું સ્મરણ રહ્યું નથી એટલે આજે સમાજ
નાલાયક થયો છે.
રાજા માંધાતાને લાગ્યું કે ભાવનાનું આવું ભવ્ય
જ્યોર્તિલિંગ હોવા છતાં સમાજમાં આવું દારૂણ અધઃપતન ! અગત્સ્ય ઋષિએ અહી તપ્શ્ચર્યા
કરી અભિનવ પ્રયોગ કર્યો.તદ્દન જંગલી લોકોમાં દિવ્ય સંસ્કૃતિ ઉભી કરી તે સંસ્કૃતિ
અને તે લોકોનો કર્મયોગ જોવા ભગવાન પધાર્યા એટલું જ નહી પણ ભગવાન પાસે પણ જેમને
કાંઇ માંગવાનું નહી એવી મહાન પ્રજા નિર્માણ થઇ અને ભગવાનને કાયમી વસવાટ કરવા
પ્રાર્થના કરી અને પ્રભુ આ જ્યોતિર્લિંગ બની કાયમી અહી વસ્યા તેની પ્રજા તેના
વારસદારો આવા સ્વાર્થી અને હરામખોર ! અહીયાં થયેલા આ સુંદર પ્રયોગને દસ્યુ લોકોએ
બગાડી નાખ્યો છે.સમાજમાં દાંભિકતા વધી ગઇ છે.બીજાનું કેમ મળે તે તરફ જ દ્રષ્ટિ છે
! પરસ્ત્રી અને પરદ્રવ્ય તરફ જેમની નજર જાય તે બધા દસ્યુ જ છે.આવી પરિસ્થિતિ જોઇ
માંધાતાને ઘણું દુઃખ થયું અને તેમને સો પ્રભાવી યજ્ઞો કર્યા અને આખા ભારત દેશમાં
સંસ્કૃતિ પાછી ઉભી કરી.લુપ્ત થયેલ નીતિમત્તા અને દૈવી વિચારો સમાજમાં સ્થિર કર્યા. ૐકારનાથ ભગવાનને ખુબ આનંદ થયો.તેમનું હ્રદય ખીલી ઉઠ્યું.તેમને લાગ્યું કે
એકાદ દિકરો પણ બહાદુર નીકળ્યો ખરો ! ભગવાન આવા દિકરાની રાહ જોતા હોય છે.
માંધાતાએ દસ્યુ પાસેથી પૃથ્વી જીતી લીધી.સંસ્કૃતિ પાછી
ઉભી કરી.તેમને સાચા અર્થમાં સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કર્યો.લોકોની વૃત્તિ બદલી ઘેર
ઘેર ભક્તિ લઇ ગયા.ભગવાનને પણ આનંદ થયો પરંતુ માંધાતાનું મન માનતું નથી.તેમને
કહ્યું કે ભગવાન ! જ્યાંસુધી તમારાં દર્શન ના થાય ત્યાંસુધી બધું ફોગટ છે.મારા
લોકો મને સારો કહે છે, મને જે યશ
મળ્યો છે તેની પાછળ ભગવાન તમારો હાથ છે.તમે પ્રત્યક્ષ ન મળો ત્યાં સુધી બધું
વ્યર્થ છે.ભગવાન ! મને દર્શન આપો તેમ કહી માંધાતાએ ભગવાનને પોકાર્યા. પ્રભુ !
અગત્સ્ય ઋષિએ બહુ મોટી તપશ્ચર્યા કરી હતી.પાછળથી નારદજીએ આ લોકોને દ્રષ્ટિ આપી હતી
તેથી તો અહી તમારૂં સ્થાન નક્કી થઇ ગયું છે.જીવનની પ્રત્યેક વાત પાછળ પ્રભુસ્પર્શ
છે.આ ભાવ નિર્માણ કરવા માટે તો આપ ૐકારમમલેશ્વરમ્ થયા છો.તેથી આ યશ મારો નથી આપનો છે.મેં સો યજ્ઞ કર્યા તે પણ
આપના કૃપા પ્રસાદનું પરીણામ છે એમ હું અંતઃકરણથી માનું છું.
કર્તૃત્વશાળીની ભગવાન વધારે પરીક્ષા લે છે.ભગવાને તેને
દર્શન ના આપ્યા પણ રાજા માંધાતાને એક મહામંત્ર આપ્યો “શિવો ભૂત્વા શિવં યજેત..” તૂં શિવ બન.આ પહેલો મંત્ર,પહેલું શિક્ષણ પ્રભુના સ્વમુખે માંધાતાને મળ્યું તેથી તેમનું નામ મામ્+ધાતા=માંધાતા એટલે કે પોતામાં સ્વ-શરીરમાં
પ્રભુશક્તિ જોનાર. પછી કાળક્રમે મામ્+ધાતાનું નામ માંધાતા થઇ
ગયું.
આ સ્થળે તેમને પ્રણવરૂપ ભગવાન પ્રસન્ન થયા.હજુ પણ ત્યાં
શિવજીના બે રૂપો છેઃએક ૐકાર
અને બીજું અમલેશ્વર.એક પ્રણવનું જ્યોર્તિલિંગ છે અને બીજું પાર્થિવ જ્યોર્તિલિંગ
છે.આ બંન્ને જ્યોતિર્લિંગો હજું ત્યાં છે.કર્તૃત્વવાન લોકો માટે સુખી લોકોના
વિકાસાર્થે આ જ્યોતિર્લિંગ છે અને અમોને જે કંઇ મળ્યું છે તે પ્રભુસ્પર્શથી મળ્યું
છે-આ ભાવ અંતઃકરણમાં રાખવાનો છે.જો આ ભાવ જીવનમાં નહી રાખીએ તો માણસ રાક્ષસ થશે.
માંધાતા ભગવાનના દર્શન કરવા આગ્રહ રાખતા અને ભગવાને તેના
કાનમાં મંત્ર કહ્યો કે જીવનની પરમ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત
કરવી હોય તો શિવો ભૂત્વા શિવં યજેત..તારે શિવરૂપ થવું પડશે.શિવરૂપ થઇને તૂં
શિવ પામીશ.તારૂં મડદું મારા ગળામાં હોવું જોઇએ એટલે કે તારો અહમ્ મારા ગળામાં
પહેરાવી દે..પણ લોકો ભાવાર્થ સમજ્યા નહી અને કહેવા લાગ્યા કે શિવના ગળામાં મનુષ્યોની
ખોપરીની માળા છે.
માંધાતાને પ્રભુએ પોતાના મોઢે જે સ્થળે મંત્ર કહ્યો હતો
તે આ ૐકારમમલેશ્વરમની જગ્યા.આપણે ફક્ત ફરવા જ જઇએ છીએ એટલે આ
બધો વિચાર કરવાની નવરાશ જ ક્યાંથી મળે? સ્વ-ભાવમાં ઇશ્વરભાવ જોવો, શિવો ભૂત્વા શિવં યજેત..આ મહાન સિદ્ધાંત
ભગવાને અહી સમજાવ્યો છે.ધન્ય છે અગત્સ્યને ! માંધાતાને ! ધન્ય છે તત્કાલિન પર્વતીય
લોકોનું મોઢું બદલનાર નારદજીને ! આ ૐકારનાથ ભગવાનને અનંત પ્રણામ કે જેણે આ પવિત્ર સ્થળમાં તપશ્ચર્યાની
પાશ્વભૂમિમાં કર્તૃત્વવાન લોકોની વિનંતીને માન આપી આવિર્ભૂત થયા,વ્યક્ત થયા. ખળખળ વહેતી નર્મદા મૈયાને
પ્રણામ.બંન્ને ॐકારેશ્વર
મમલેશ્વરમને પ્રણામ.આ જ્યોતિર્લિંગ આપણા અંતઃકરણમાં આ ભાવ નિર્માણ કરે એ જ પ્રભુ
પ્રાર્થના.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment