જ્યોર્તિલિંગ અને માતાજીની
શક્તિપીઠ એક જ જગ્યાએ હોય તેવું એકમાત્ર તીર્થસ્થાન..
શ્રી
મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા
શ્રી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ આંધ્ર પ્રદેશના કુર્નુલ
જીલ્લાના કુદરતી વાતાવરણમાં શૈલ પર્વત આવેલ છે
ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું બીજું જીવંત જ્યોર્તિલીંગ આવેલું છે,તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે
છે.આ જ્યોર્તિલિંગ પાછળ એક કરતાં વધુ કથાઓ સંકળાયેલી છે.આ દેશનું એકમાત્ર મંદિર છે
જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે.અહીં
મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ.આમ એક જ જ્યોતિર્લિંગમાં
અર્ધનારીનટેશ્વર બનીને જેમાં ભગવાન શિવજીની પણ જ્યોત છે અને માતા પાર્વતી બંનેની
જ્યોતિ સમાયેલી છે.આપણે અહી ભાવથી જવાનું છે અને જ્ઞાન મેળવવાનું છે.
ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલાં આ મંદિરમાં પ્રવેશ માટે
ચાર દિશામાં ચાર દ્વાર આવેલાં છે. મંદિર બહાર પગ ધોયા બાદ જ ભક્તો અહીં મંદિરમાં
પ્રવેશ કરી શકે છે.અહીં શિવજીના દર્શન પહેલાં નંદીના દર્શન અચૂક કરવા પડે છે અને
નંદીની પરવાનગી લીધાં બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન
કરી શકે છે.
મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગની પ્રથમ કથા શિવ-પાર્વતી
પૂત્ર કુમાર કાર્તિકેય સાથે જોડાયેલી છે.શિવ પુરાણની રૂદ્રસંહિતાના વીસમા અધ્યાયમાં ઉલ્લેખ છે તે
અનુસાર જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેયના વિવાહ
કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો.ભગવાન શિવે એવો
રસ્તો કાઢ્યો કે બંન્નેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના
વિવાહ પ્રથમ થશે.
એક તરફ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન
મોર ઉપર વિરાજમાન થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા પરંતુ તીવ્ર
બુદ્ધિ ગણેશજી થોડી વાર ત્યાં જ ઉભા રહ્યા અને વિચારવા લાગ્યા કે મારૂ વાહન મૂષક
આટલી તેજ ગતિથી પ્રદક્ષિણા તો નહિ કરી શકે એટલે તેમના મનમાં એક વિચાર આવ્યો અને
તેમણે પોતાના માતા પિતાને એક આસન પર વિરાજમાન થવા માટે કહ્યું અને તેમની કુલ સાત વખત
પ્રદક્ષિણા કરી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન હતી.ગણેશજીએ માતા-પિતાની જ
પ્રદક્ષિણા કરી રિદ્ધિ-સિદ્ધિ સાથે વિવાહ કર્યા.આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય
દક્ષિણ દિશામાં ક્રૌંચ પર્વત પર આવીને વસ્યા આ ક્રૌંચ પર્વત એટલે જ શ્રીશૈલમ.
શિવપુરાણની કથા અનુસાર કાર્તિકેયને મનાવવા ગૌરી-શંકર
સ્વયં શ્રીશૈલમ પર પધાર્યા.તેમના આવવાના સમાચાર મળતા જ કુમાર કાર્તિકેય ત્યાંથી
બાર કોસ દૂર ચાલ્યા ગયા.ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને પાર્વતી બંન્ને
મલ્લિકાર્જુન સ્વરૂપે અહીં વિદ્યમાન થયા.જ્યાં માતા સતીના શરીરના અવશેષ મળ્યા હતા આથી
અહીં શક્તિપીઠ પણ સ્થાપિત છે.
બીજી કથા અનુસાર શ્રી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ કે જ્યાં ભગવાન અને ભક્ત વચ્ચે યુદ્ધ થયું હતું. જુગારમાં હારેલા પાંડવો ચાંદની રાતે ભેગા બેસી
સુખ-દુઃખની વાતો કરતા હતા ત્યાં મહર્ષિ વેદવ્યાસ પધારે છે પાંડવોએ તેમનું આતિથ્ય
કર્યું ત્યારે ભગવાન વ્યાસ કહે છે કે તમારે યુદ્ધમાં વિજ્યી થવું હોય તો વિજય તેનો
જ થાય છે જે શક્તિશાળી અને સામર્થ્યવાન છે.તમે બધા શૂરવીર અને પરાક્રમી છો પરંતુ
તમોને ખબર છે તમારો શત્રુપક્ષ કેટલો પ્રબળ છે? તમારે કેવા કેવા મહારથીઓ સાથે યુદ્ધ
કરવાનું છે? તમારે દાદા ભિષ્મ, આચાર્ય
શ્રેષ્ઠ દ્રોણ અને કર્ણ સામે યુદ્ધ કરવાનું છે.ભિષ્મ જેમને ઇચ્છા મૃત્યુનું વરદાન
છે,જેમને યમરાજાનો પણ ભય નથી તેમનો સામનો કોન કરી શકશે?
કોપાયમાન થયેલા દ્રોણ જ્યારે બાણ છોડશે ત્યારે પ્રલયકાળના અગ્નિ
જેવા બાણો તમે પાછા વાળી શકશો? કર્ણને મારવો શું તમોને રમત
લાગે છે? ત્યારે પાંડવો કહે છે કે પ્રભુ ! અમોને સમજાવો કે
શું કરવાથી યુદ્ધમાં અમારો વિજ્ય થાય?
ત્યારે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું કે વિજય મેળવવા તમારી
પાસે આત્મસામર્થ્યની સાથે અદ્રષ્ટ શક્તિની મદદ હોવી જોઇએ અને આ અદ્રષ્ટ શક્તિ
મેળવવા અર્જુને ઇંન્દ્રકીલ પર્વત ઉપર જઇ તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમની
પાસેથી અસ્ત્ર મેળવી કૌરવો સામે લડશો તો તમોને યશ મળશે તેમ કહી ભગવાન વેદ વ્યાસે
વિદાઇ લીધી.અર્જુને ભાઇઓ અને દ્રોપદીની ભાવભરી વિદાય લઇ જે સ્થળે તપશ્ચર્યા કરવા
લાગ્યા તે સ્થળ એટલે શ્રી શૈલે મલ્લિકાર્જુન..
અર્જુનની ઘોર તપશ્ચર્યા જોઇ માતા પાર્વતીએ શિવજીને કહ્યું
કે બીજા થોડું તપ કરે તો તમે દોડતા જઇને તેમને કંઇને કંઇ આપી આવો છે અને આ તમારો
પરમ ભક્ત અર્જુન ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છે તેને કેમ શક્તિ આપતા નથી? ત્યારે ભગવાન શિવ કહે છે કે બીજા બધા
ભક્તો ક્ષુદ્ર વૈભવ માગે છે જ્યારે અર્જુન શક્તિ માટે તપ કરે છે એટલે શક્તિ આપતી
વખતે વિચાર કરીને આપવી જોઇએ કે જેથી તેનો દુરઉપયોગ ન થાય.ભગવાન શિવ અને માતા
પાર્વતી પોતાના પાર્ષદોને લઇ અર્જુન તપ કરતો હતો ત્યાં જાય છે.
તે સમયે એક ભયાનક ભૂંડ સામેથી આવતું દેખાય છે.અર્જુને
વિચાર્યું કે આ ભૂંડ મને તકલીફ કરશે એટલે અર્જુન બેઠા બેઠા જ બાણ મારે છે.બાણ
વાગતાં જ ભૂંડ મરી જાય છે.અર્જુન બાણ કાઢવા ભૂંડ પાસે જાય છે તો તેને આશ્ચર્ય થાય
છે કેમકે ભૂંડને બીજું બાણ વાગેલું છે.આસપાસ નજર કરી તો કેટલાક પાર્ષદો વાતો કરી
રહ્યા હતા કે આ જંગલી ભૂંડ કેટલું સરસ છે..! જેને આનો શિકાર કર્યો હશે તે મહાન
શક્તિશાળી વીર હોવો જોઇએ.આ સાંભળી અર્જુન ખુશ થાય છે કે મેં શિકાર કર્યો,પરાક્રમ કર્યું છે તેથી મારા વખાણ થાય છે
પણ તેને ક્યાં ખબર છે કે ભગવાન પરીક્ષા લઇ રહ્યા છે.
પ્રસંશા તો પ્રભુને પણ પ્રિય હોય છે.બહેરાના
વખાણ કરો તો તે પણ ખુશ થતો હોય છે.
પાર્ષદો કહે છે કે અરે ભાઇ ! તૂં આ ભૂંડ તરફ કેમ જોઇ
રહ્યો છે? તારે અને
આ ભૂંડને શું લેવાદેવા? ત્યારે અર્જુન કહે છે કે આ ભૂંડનો
મેં શિકાર કર્યો છે.ત્યારે પાર્ષદો કહે છે કે આ ભૂંડ તો મારા માલિકે માર્યું છે
તેથી અમે તેને લેવા આવ્યા છીએ.અમારા માલિક સિવાય આને મારવાનું બીજાનું ગજું
નથી.ભાઇઓ ચાલો ઉપાડો આ ભૂંડને આપણને મોડું થાય છે.ત્યારે અર્જુન કહે છે કે ખબરદાર
! જો એક ડગલું આગળ વધ્યા તો ! આ ભૂંડ મારૂં છે,મેં તેનો
શિકાર કર્યો છે.તમારો માલિક ગમે તે હોય મારે તે જાણવાની જરૂર નથી.
પાર્ષદ કહે છે કે તૂં જોતો નથી આને બીજું બાણ વાગ્યું છે
તેનાથી ભૂંડ મર્યું છે.તૂં અમને ધમકી આપનાર કોન? અર્જુન અને પાર્ષદો વચ્ચે ઉગ્ર ચર્ચા
થાય છે અને લડવાની તૈયારી હોય છે ત્યાં જ ભગવાન શિવ અને પાર્વતી ભીલ અને ભીલડીનું
રૂપ ધારણ કરીને આવી સત્તાવાહી અવાજમાં કહ્યું કે હે મર્ત્ય માનવ ! આ શું ધમાલ
માંડી છે? ત્યારે અર્જુન ચિડાઇને કહે છે કે હું મર્ત્ય માનવ
છું તો તૂં કોન છે? હું જેવો મર્ત્ય છું તેવો તૂં પણ મર્ત્ય
છે.ત્યારે ભગવાન શિવ હસતાં હસતાં કહે છે કે તો શું તૂં મને મારી શકીશ?
અર્જુન કહે છે કે મારા લીધે તો તારૂં અસ્તિત્વ છે.હું
ધારૂં તો તને ક્ષણવારમાં ખલાસ કરી શકું છું.વાત તો સાચી જ છે.ભક્તના લીધે જ ભગવાનનું અસ્તિત્વ છે.ભક્તે જ ભગવાનને ઉભા કર્યા
છે.જે દિવસે ભક્તનો જન્મ થયો તે જ દિવસે ભગવાનનો જન્મ થયો.ર્માં નો જન્મ ક્યારે? જે ક્ષણે બાળક જન્મે તે જ
ક્ષણે ર્માં નો જન્મ થાય છે.બાળકના જન્મ પહેલાં તે ફક્ત સ્ત્રી હતી પણ બાળક
જન્મતાં જ તે ર્માં બને છે. તેવું ભક્ત અને ભગવાનનું છે.
અર્જુન અને ભીલ-વેશધારી ભગવાન શિવ વચ્ચે કડક શબ્દ પ્રહાર
થયા છે.અર્જુન કહે છે કે તૂં વધારે પડતું બોલે છે.તારી સાથે ઘરવાળી છે તેના કાનમાં
લટકતા કુંડલોનો તેને ભાર લાગે છે તેનો અર્થ ઘણી મરી ગયા પછી કુંડલો પહેરાશે નહી,આભૂષણો કાઢી નાખશે એટલે તૂં મરી જઇશ,તારે માથે મોત ભમે છે. આવું સાંભળી માતા પાર્વતી ર્હંસે છે તેમને અજન્મા
શિવજીને મારનાર અર્જુનની વાત હાસ્યાસ્પદ લાગે છે. ત્યાર પછી અર્જુન અને શિવજી
વચ્ચે ઘનઘોર યુદ્ધ થાય છે.શિવજીના બાણથી અર્જુનનું ધનુષ્ય તૂટી જાય છે ત્યારે
પાર્ષદો કહે છે કે અરે ભલા માણસ ! હવે તો ભૂંડ લેવાની હઠ છોડી દે.નકામો વગર મોતે
માર્યો જઇશ ત્યારે અર્જુન કહે છે કે આ પ્રશ્ન ભૂંડનો નથી ન્યાયનો છે.આવેશમાં આવી
અર્જુને તુટેલું ધનુષ્ય ઉપાડ્યું અને શિવજીના મસ્તક ઉપર ફટકાર્યું.બિચારા અર્જુનને
ક્યાં ખબર હતી કે ભગવાન શિવ ઉપર પ્રહાર કરી રહ્યો છે.તે સમયે શિવજીએ ભીલનો સ્વાંગ
છોડી અર્જુનને દર્શન આપ્યા.અર્જુન કૃતકૃત્ય થયો, પોતાના
વર્તન માટે છોભીલો પડી ગદગદ બની ભગવાન શિવજી પાસે ક્ષમા માંગે છે.
અર્જુન ! ઉઠ ઉભો થા.તારો અવિનય મને ગમ્યો છે તેમ કહી
અર્જુનનો હાથ પકડી ઉભો કર્યો અને કહ્યું કે બોલ અર્જુન ! તારે શું જોઇએ છે? ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ ! એ તો
તમારાથી ક્યાં અજાણ્યું છે? ત્યારે શિવજીએ અર્જુનને
પાશુપતાસ્ત્ર આપ્યું.જે સ્થળે આ ઘટના બની તે સ્થળ એટલે જ શ્રી શૈલ
મલ્લિકાર્જુનમ્.. આ મલ્લિકાર્જુનની પાશ્વભૂમિમાં તપશ્ચર્યા નિર્ભયતા અને શૌર્યભાવ
છે.આ પવિત્ર જગ્યાએ ભગવાન શિવ વ્યક્તિરૂપે પ્રગટ થયા અને ત્યાં જ્યોર્તિલિંગરૂપે
પણ રહ્યા.
આપણે યાત્રા કરીએ
છીએ ૫ણ સાથે સાથે યાત્રા કરવા પાછળનો ભાવ હ્રદયમાં હોવો જોઇએ. ભાવનો અભાવ હોય તો
યાત્રાની કોઇ કિંમત નથી.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment