દેવાધિદેવ
મહાદેવનું ચરીત્ર શિવમહાપુરાણનો ટૂંકસાર..
ભગવાન ભોળાનાથ હંમેશાં ઉપકારી અને હિતકારી દેવ
છે.શાસ્ત્રો અનુસાર ત્રિદેવોમાં શિવજીને સંહારના દેવતા માનવામાં આવે છે. અન્ય
દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાની સરખામણીએ શિવજીની પૂજા-અર્ચનાને અત્યંત સરળ માનવામાં
આવે છે.અન્ય દેવી-દેવતાઓની જેમ શિવજીને સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનની
આવશ્યકતા નથી.શિવ તો સ્વચ્છ જળ બિલિપત્ર અને ધંતૂરાથી જ પ્રસન્ન થાય છે.
શિવજીને મનોરમ વેશભૂષા અને અલંકારોની આવશ્યકતા નથી હોતી,તે તો ઔઘડ બાબા છે,જટાજૂટ
ધારી છે.ગળામાં લપેટાયેલા નાગ અને રૂદ્રાક્ષની માળા,શરીર ઉપર
વાઘંમ્બર,ચિત્તાની ભસ્મ લગાવેલ છે અને હાથમાં ત્રિશૂળ પકડેલ
ભગવાન ભોળાનાથ સમગ્ર વિશ્વને પોતાના ડમરૂંની કર્ણભેદી ધ્વનિથી નચાવે છે એટલે
શિવજીને નટરાજની ઉપમા આપવામાં આવી છે.
ભગવાન ભોળાનાથની વેશભૂષા ઉપરથી જીવન અને મૃત્યુનો બોધ
થાય છે.શિશ ઉપર ગંગા અને ચંદ્રમા જીવન અને કલાનો સંકેત છે.શરીર ઉપર ચિત્તાની ભસ્મ
મૃત્યુની પ્રતિક છે.આ જીવન ગંગાની ધારાની જેમ ચાલતું રહીને અંતમાં મૃત્યુ સાગરમાં
લિન થાય છે.
ભગવાન શિવશંકરજી જન-સુલભ તથા આડંબર વિહીન વેશને ધારણ કરે
છે.શિવજી નિલકંઠ કહેવાય છે કારણ કે સમુદ્રમંથનના સમયે જ્યારે દેવ અને અસુરગણ અદભૂત
બહુમૂલ્ય રત્નો મેળવી રહ્યા હતા ત્યારે કાલકૂટ મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ
કર્યું હતું ત્યારથી શિવજીને નિલકંઠ કહેવાયા કારણ કે વિષના પ્રભાવથી તેમનો કંઠ
નીલો પડી ગયો હતો.આવા પરોપકારી અને અપરિગ્રહી શિવના ચરીત્રનું વર્ણન કરવા માટે જ
શિવમહાપુરાણની રચના કરવામાં આવી છે.સજ્જનો ! તમામ પ્રભુપ્રેમી ભક્તોએ શિવપુરાણ
અવશ્ય વાંચવું જોઇએ.શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે જેમાં કળિયુગના પાપ કર્મથી
ગ્રસિત વ્યક્તિની મુક્તિના માટે શિવભક્તિનો માર્ગ બતાવ્યો છે.
મનુષ્યએ નિષ્કામભાવથી પોતાનાં તમામ કર્મ ભગવાન
શિવ-શંકરજીને અર્પણ કરી દેવાં જોઇએ. શિવપુરાણમાં સાત સંહિતાઓનો ઉલ્લેખ કરવામાં
આવ્યો છે જે મોક્ષકારક છે.શિવપુરાણના માહાત્મયમાં
ચંચુલા નામની એક પતિત સ્ત્રીની કથા છે કે જે
શિવપુરાણને સાંભળીને પોતે સદગતિને પ્રાપ્ત થાય છે એટલું જ નહી પોતાના કુમાર્ગી
પતિને પણ મોક્ષ અપાવે છે તથા દેવરાજ નામના પાપીએ
ધનના લોભથી અનેક લોકોની હત્યા કરી હતી તથા પોતાના માતા-પિતા અને પત્નીની હત્યા કરી
હતી,વેશ્યાગામી અને
શરાબી હતો તેમ છતાં શિવમહાપુરાણની કથાના પ્રભાવથી ભગવાન શિવના પરમધામને પ્રાપ્ત
કરી મુક્ત થઇ ગયો હતો તેની કથા આવે છે.
વિદ્યેશ્વરસંહિતામાં શિવરાત્રિ વ્રત,પંચકૃત્ય,ૐકારનું મહત્વ,પાર્થિવ શિવલિંગની પૂજાનું માહાત્મય અને દાનના મહત્વનું વર્ણન કર્યું
છે.શિવજીના શરીર ઉપરની ભસ્મ અને રૂદ્રાક્ષનું મહત્વ બતાવ્યું છે.રૂદ્રાક્ષ જેટલો
નાનો હોય છે એટલો વધુ ફળદાયક હોય છે.સર્વોત્તમ રૂદ્રાક્ષ એ છે જેમાં સ્વયં છેદ હોય
છે.તમામ વર્ણના મનુષ્યોએ પ્રાતઃ કાળ ઉઠીને સૂર્ય તરફ મુખ કરીને ભગવાન શિવનું ધ્યાન
કરવું જોઇએ.પ્રત્યેક વ્યક્તિએ કમાયેલ ધનના ત્રણ ભાગ કરીને એક ભાગ ધનની વૃદ્ધિના
માટે,એક ભાગ ઉપભોગ માટે અને એક ભાગ ધર્મ-કર્મમાં ખર્ચ કરવો જોઇએ.છેલ્લે
બંધન અને મોક્ષનું વિવેચન કરેલ છે.
રૂદ્રસંહિતામાં શિવજીનું જીવન ચરીત્ર છે.જેના સૃષ્ટિખંડમાં શિવપૂજનની વિધિ અને તેનું ફળ,યજ્ઞદત્તના પૂત્ર ગુણનિધિનું ચરીત્ર તથા
તેમના શિવમંદિરમાં દીપદાનના પ્રભાવથી પાપમુક્ત થઇને બીજા જન્મમાં કલિંગ દેશના રાજા
બનવું,કુબેરનું કાશીમાં આવીને તપ કરવું,તપસ્યાથી પ્રસન્ન થઇ ઉમા-મહેશનું પ્રગટ થઇ દર્શન આપવું.જગતનું આદિકારણ ભગવાન શિવને માનવામાં આવ્યું છે.શિવમાંથી જ આદ્યશક્તિ
માયાનો આવિર્ભાવ થયો છે,પછી શિવજીથી જ બ્રહ્મા અને વિષ્ણુની
ઉત્પત્તિ બતાવી છે.છેલ્લે ભગવાન શિવનું કૈલાશ પર્વત ઉપર ગમનની કથા આવે છે.
સતીખંડમાં સતીના ચરીત્રનું વર્ણન,સતી અને શિવના વિવાહ તથા મધુર લીલાઓની
કથા. દંડકારણ્યમાં શિવનું ભગવાન રામને મસ્તક નમાવતા જોઇને સતીને મોહ અને શિવ
આજ્ઞાથી રામની પરીક્ષા,શિવની સાથે દક્ષનો વિરોધ,દક્ષયજ્ઞ વિધ્વંશ અને સતીનું પાર્વતીના રૂપમાં હિમાલયને ત્યાં જન્મ લેવો,સદાશિવથી ત્રિદેવોની ઉત્પત્તિ,બ્રહ્માજીથી દેવતાઓ
વગેરેની સૃષ્ટિ તથા દેવી સંન્ધ્યા અને કામદેવના પ્રાગટ્ય તથા વિવાહનું વર્ણન,બ્રહ્માની માનસપૂત્રી સંન્ધ્યાનું આખ્યાન,મહર્ષિ
મેઘાતિથિનું યજ્ઞની અગ્નિમાં સંન્ધ્યા દ્વારા શરીર ત્યાગ,ફરીથી
અરૂંધતીના રૂપમાં યજ્ઞાગ્નિમાંથી ઉત્પત્તિ તથા મહર્ષિ વશિષ્ઠ સાથે લગ્નની કથા આવે
છે.
પાર્વતીખંડમાં હિમાલયનો મેના સાથે વિવાહ,દેવી ઉમાનો મેનાના ગર્ભમાં આવવું,પાર્વતી નામકરણ અને બાળલીલા,નારદમોહની કથા,ભગવાન વિષ્ણુ પાસે તેમનું રૂપ માંગવું અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપવો.સતીનો
દક્ષ-યજ્ઞમાં દેહત્યાગ અને માતા પાર્વતી સાથે વિવાહનું વિસ્તારથી વર્ણન છે.કામદહન,
શંખચૂડ સાથે યુદ્ધ અને તેના સંહારની કથાનો વિસ્તારથી વર્ણન છે.
કુમારખંડમાં શિવ-પાર્વતીનો
કૈલાશ ઉપર વિહાર,ભગવાન
શિવના તેજથી કાર્તિકેયનો જન્મ,છ કૃતિકાઓ દ્વારા સ્તનપાન
કરાવવું,કાર્તિકેયની બાળલીલાઓ,તારકાસુર
સાથે ભિષણ સંગ્રામ અને તારકાસુર વધ.ગણેશની ઉત્પત્તિનું આખ્યાન,વિશ્વરૂપની બે કન્યા સિદ્ધિ અને બુદ્ધિ સાથે ગણેશના લગ્ન અને તેમનાથી શુભ
અને લાભ નામના બે પૂત્રોની ઉત્પત્તિ, કાર્તિકેયનું પૃથ્વી
પ્રદક્ષિણા કરી પરત આવવું તથા નારાજ થઇને કૌંચ પર્વત ઉપર ચાલ્યા જવું.
ક્ષારસમુદ્રમાં ભગવાન શંકરની નેત્રાગ્નિથી સમુદ્રના
પૂત્રના રૂપમાં જાલંધરનું પ્રાગટ્ય,કાલનેમિની પૂત્રી વૃંદા સાથે તેનાં લગ્ન અને તેમનું જીવનચરીત્ર.શંખચૂડ તથા
અંધકાસુરની ઉત્પત્તિ તથા તેના જીવનચરીત્રની કથા.
શતરૂદ્રસંહિતામાં શિવના અન્ય ચરીત્રોમાં હનુમાનજી, શ્વેતમુખ અને ઋષભદેવનું વર્ણન છે અને
તેમને શિવના અવતાર કહ્યા છે તેમજ શિવજીના સુરમ્ય મનમોહક અર્ધનારીશ્વર રૂપ ધારણ
કરવાની કથા કહી છે.આ સ્વરૂપ સુષ્ટિ-વિકાસમાં મૈથુની ક્રિયાના યોગદાન માટે ધારણ
કરવામાં આવ્યું છે.શિવરાત્રી વ્રત માહાત્મયમાં શિકારી અને સત્યવાદી મૃગ પરિવારની
કથા આવે છે.ભગવાન કેદારેશ્વર જ્યોર્તિલિંગના દર્શન પછી બદ્રીનાથમાં ભગવાન
નર-નારાયણનાં દર્શન કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થાય છે અને તેને જીવનમુક્તિ
પ્રાપ્ત થાય છે.ભગવાન શિવના પિપ્પલાદ,વૈશ્યનાથ અને
દ્વિજેશ્વર..વગેરે અવતારોનું વર્ણન, શિવપુરાણનું અધ્યયન કરવાથી અજ્ઞાન
નષ્ટ થાય છે.આ સંહિતામાં વિવિધ પ્રકારના પાપો અને કયા પાપ કરવાથી કયા નરકની
પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન છે.પાપ થયા પછી પ્રાયશ્ચિતનો ઉપાય બતાવ્યો છે.
કોટીરૂદ્ર સંહિતામાં બાર જ્યોતિર્લિંગ અને ઉપલિંગોનું માહાત્મયનું વર્ણન
તથા મહર્ષિ અત્રિ-અનસૂયાનુ જીવનચરીત્રનું વર્ણન આવે છે.
ઉમાસંહિતામાં માતા પાર્વતીજીના અદભૂત ચરીત્ર તથા તેમના સબંધિત
લીલાઓનો ઉલ્લેખ છે.જો કે પાર્વતીજી ભગવાન શિવજીના અડધા ભાગમાંથી પ્રગટ થયેલાં છે
અને ભગવાન શિવનું આંશિક સ્વરૂપ છે એટલે આ સંહિતામાં ઉમા-મહિમાનું વર્ણન કરીને
અપ્રત્યક્ષરૂપથી ભગવાન શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનું માહાત્મય પ્રસ્તુત કરેલ છે.
કૈલાશસંહિતામાં ૐકારના મહત્વનું વર્ણન છે,આ સિવાય યોગનું વિસ્તારથી વર્ણન છે તેમાં વિધિપૂર્વક શિવોપાસના અને બ્રહ્મજ્ઞાનીની
વિવેચના છે.ગાયત્રી જપનું મહત્વ તથા વેદોમાં બાવીસ મહાવાક્યોના અર્થ સમજાવ્યા
છે.ભગવાન શિવ ચરાચર જગતના એકમાત્ર દેવતા છે.શિવના નિર્ગુણ અને સગુણરૂપનું વિવેચન
છે.સમય કાઢીને શિવપુરાણનો પાઠ કરવો જોઇએ કારણ કે સંસારની તમામ વાસના-તૃષ્ણાઓ તેના
સ્વાધ્યાયથી દૂર થાય છે તથા તમામ મનોકામના પૂર્ણ થઇને શિવલોકની પ્રાપ્તિ થાય છે.
વાયવીયસંહિતામાં કાળની મહિમાનું વર્ણન,ઉપમન્યુ આખ્યાન,ભગવાન
શિવના અવતાર યોગાચાર્યો અને તેમના શિષ્યોની નામાવલી,વર્ણાશ્રમ
અને નારીધર્મનું વર્ણન,પંચાક્ષર-મંત્રની મહિમા અને માહાત્મય,ગુરૂ પાસેથી મંત્ર લેવાની અને જપ કરવાની વિધિ,શિવલિંગ
અને શિવમૂર્તિની પ્રતિષ્ઠાવિધિ, યોગના અનેક ભેદ તેના આઠ અંગનું
વિવેચન,ધ્યાન અને તેની મહિમાનું વર્ણવેલ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment