ભગવાન શિવ અને તેમના પરીવારમાંથી બોધ
લઇએ
પવિત્ર શ્રાવણ માસમાં શિવાર્ચન કરતાં એક સૂત્ર શિખવા
યોગ્ય છે.ભગવાન શિવના ગૃહસ્થાશ્રમને ધ્યાનથી જોઇએ તો કેટલા વિરોધાભાસી જીવો પણ
કેટલી શાંતિથી એક પરીવારમાં રહે છે.તમામની પ્રકૃતિ અલગ અલગ છે આમ હોવા છતાં પણ
તમામ શાંતિથી રહે છે.
માતા પાર્વતીનું વાહન સિંહ છે અને ભગવાન શિવનું વાહન
નંદી છે.સિંહનું ભોજન છે વૃષભ તેમછતાં અહીયાં કોઇ વૈરભાવ નથી.કાર્તિકેયનું વાહન
મોર છે અને ભગવાન શિવના ગળામાં સાપ છે.મોર અને સાપ પણ જન્મજાત શત્રુ છે.ગણેશજીનું
વાહન ઉંદર છે અને ઉંદર સાપનો આહાર છે આમ હોવા છતાં બધા એક સાથે રહે છે.
આ પરીવારમાં તમામ શાંતિ સદભાવ નિર્વેર અને કોઇપણ જાતના
ક્લેશ વિના જીવન જીવે છે. આપણા ઘરના સદસ્યોને અંદરો અંદરો બનતું ના હોય,ઘરમાં એકબીજા સાથે મતભેદ થઇ જાય તો ભલે
થાય પણ મનભેદ ના થવા દેશો.તમામની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરતાં શીખીશું તો
અમારૂં ઘર પણ શિવાલય બની જશે.
ભગવાન શિવ પાસેથી આપણે જીવનમાં આગળ વધવાની શિક્ષા ગ્રહણ
કરીએ.ભગવાન શિવથી મોટો કોઇ યોગી નથી.એકવાર તેઓ ધ્યાનમાં બેસી જાય તો તેમના ધ્યાનને
કોઇ ભંગ કરી શકતું નથી. શિવજીનું આ ધ્યાન અમોને જીવનની ચીજો ઉપર નિયંત્રણ રાખવાનું
શિખવે છે કે શાંત રહીને પોતાના ઉપર નિયંત્રણ રાખો.
નકારાત્મક ચીજોને પણ સકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ.સમુદ્રમંથનથી
જ્યારે વિષ નીકળ્યું તો તમામ દેવો અને દાનવો પાછા પડ્યા કારણ કે કોઇ વિષ પી શકે
તેમ નહોતા પરંતુ તે સમયે મહાદેવે વિષપાન કર્યું અને તેથી તેમને નિલકંઠ નામ આપ્યું.વિશ્વના
હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ શંખ ઘંટ
ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કે આત્મસ્થ રહેવું,બ્રહ્મમાં રત રહેવું એ જ વિશ્વને સંદેશ
છે.અમારા જીવનમાં પણ આવનારી નકારાત્મક ચીજોને પોતાની અંદર લઇ લો પરંતુ તેની અસર
પોતાના ઉપર કે બીજા ઉપર ના પડવી જોઇએ.
જીવનસાથીનું સન્માન કરો.હિન્દુ માન્યતાઓ અનુસાર નિપુણ
જીવનસાથી મહાદેવને માનવામાં આવ્યા છે.જો માતા પાર્વતી તેમને પામવા વર્ષો સુધી
તપસ્યા કરે છે તો બીજી તરફ શિવજી તેમને અર્ધાગના બનાવે છે એટલે તો તેત્રીસ કોટી
દેવતાઓમાં ફક્ત શિવજીને જ અર્ધનારીશ્વર કહેવામાં આવે છે.
દરેક સમયે સમાનભાવ રાખો.જે ચીજોને અમે અમારી આસપાસ જોઇ
પણ નથી શકતા તે ચીજોને શિવજીએ આસાનીથી અપનાવ્યાં છે એટલે તો તેમના લગ્નમાં ભૂતોની
મંડળી આવી હતી.શરીર ઉપર ભભૂત અને ગળામાં સાપ છે.જો આપણે દરેકને અપનાવીએ તો ખરાબી
કોઇનામાં હોતી જ નથી.
ભગવાન શિવને ત્ર્યંબક પણ કહેવામાં આવે છે.ત્ર્યંબક એટલે
ત્રણ આંખોવાળા કારણ કે તેમને ત્રીજી આંખ છે.એક આંખ પ્રેમની છે,બીજી આંખ જ્ઞાનની છે અને ત્રીજી આંખ
ન્યાયની છે.સંસ્કૃતિના કાર્ય કરનાર પાસે પણ ત્રણ આંખ હોવી જોઇએ.એક આંખ દયાની-બીજી
કરૂણાની અને ત્રીજી આંખ કર્તવ્યદક્ષતાની.ત્રીજી આંખનો અર્થ છે કે બોધ કે અનુભવનું
એક બીજું પરીણામ.બે આંખો ફક્ત ભૌતિક ચીજવસ્તુઓને જોઇ શકે છે પરંતુ આત્મદર્શન માટે
જ્ઞાનનેત્રની આવશ્યકતા છે.
સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ પરમાર
છક્કડીયા(ધાણીત્રા)તા.ગોધરા પંચમહાલ
No comments:
Post a Comment