Friday, 16 August 2024

મહામૃત્યુંજય મંત્રમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે.

 

મહામૃત્યુંજય મંત્રમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે.

 

ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્

ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય માઙમૃતાત્..

 

હે ઇશ્વર ! જેને ત્રણ નેત્ર છે,જેમને પ્રેમ-આદર અને શ્રદ્ધાથી પૂજવામાં આવે છે,જેની પાસે સંસારની તમામ સુગંધ છે,જેનો સ્વભાવ મધુર છે,જે પૂર્ણ છે,જેના લીધે સ્વસ્થ જીવન છે,જે વિનાશ કરતા રોગો-લાલસા અને ખરાબીઓ દૂર કરે છે,જેનાથી અમારૂં જીવન સમૃદ્ધ થાય છે તે અમર ભગવાન શિવને પ્રાર્થના છે કે અમારી તમામ બેડીઓ કાપીને અમોને મોક્ષનો માર્ગ બતાવો..

 

આ મહામંત્રના રચયિતા માર્કન્ડેય છે.સિદ્ધ મંત્ર દ્વાત્રિંશાક્ષરી બત્રીસ અક્ષરનો મંત્ર છે પરંતુ આ મંત્રમાં ઉમેરી દેવામાં આવે તો તેત્રીસ અક્ષર બની જાય છે.આ મંત્રના તેત્રીસ શબ્દોમાં તેત્રીસ દેવતા સમાહિત છે એટલે કે આ મંત્રમાં આઠ વસુઓ,અગિયાર રૂદ્ર,બાર આદિત્ય એક પ્રજાપતિ અને એક વષટ માનવામાં આવે છે.આ મંત્રમાં આવેલ પ્રત્યેક શબ્દનું ઉચ્ચારણ સ્પષ્ટ કરવું અત્યંત આવશ્યક છે.

 

મહામૃત્યુંજય મંત્રને મૃતસંજીવની મંત્ર પણ કહે છે જેનો જપ કરવાથી રોગ અને ભયથી મુક્તિ મળે છે,આયુષ્ય વધે છે અને આ મંત્રનો જાપ કરવાથી જે દિવ્ય ઉર્જા ઉત્પન્ન થતાં વાઇબ્રેશન બને છે તેનાથી આપણને આસુરી શક્તિઓથી સુરક્ષા મળે છે,આપણો બચાવ થાય છે.અવિદ્યારૂપી બંધન જ મૂળભૂત બંધન છે અને તે જ મૃત્યુ છે.આ અવિદ્યા જ આપણને સાચા અમૃતથી વંચિત રાખે છે તેથી તેને જ અહીં મૃત્યુ કહેલ છે.અમારે એ જ પ્રાર્થના કરવાની કે અમને અવિદ્યારૂપી મૃત્યુના બંધનથી મુક્ત કરો.

 

ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા.શિવજીના લલાટમાં ત્રીજું નેત્ર છે તે જ્ઞાનચક્ષુ છે.ત્રીજુ આંખ વિવેક અને અંર્તજ્ઞાનની છે.’’એક આંખ પ્રેમની છે.બીજી આંખ જ્ઞાનની છે અને ત્રીજી આંખ ન્યાયની છે.સંસ્કૃતિના કાર્ય કરનાર પાસે પણ ત્રણ આંખ હોવી જોઇએ. એક આંખ દયાની-બીજી કરૂણાની અને ત્રીજી આંખ કર્તવ્યદક્ષતાની હોવી જોઇએ.’’

યજામહે એટલે અમે તમારૂં પૂજન કરીએ છીએ.પૂજા સમયે ભગવાન શિવ પ્રત્યે અમારો જેટલો પવિત્ર ભાવ હોય છે તેટલો સારો પ્રભાવ અમારા જીવનમાં પડે છે.

સુગન્ધિં..ભગવાન શિવ સુગંધના ભંડારરૂપ અને મંગલકારી છે.જ્યારે અમારામાં કામ ક્રોધ લોભ મોહ અહંકાર અભિમાન અને ઇર્ષા જેવા દુર્ગુણો આવે છે ત્યારે અમારા વ્યક્તિત્વમાંથી દુર્ગંધ આવે છે.ભગવાન શિવની ભક્તિ અને મંત્ર જાપ કરવાથી આપણામાં દિવ્ય સુગંધ આવે છે.

પુષ્ટિવર્ધનમ્ એટલે આધ્યાત્મિક જીવનનો વિકાસ.વાણી ઉપર સંયમ રાખવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે.અમોને વિષય અને વિકારોના કાદવમાં પણ કમળની જેમ નિર્લેપ રાખો.

ઉર્વારૂકમિવ બન્ધનાન..સંસારના બંધનો,વિષય-વિકારોમાંથી પોતાને છોડાવવા ભગવાન શિવને પ્રાર્થના કરે છે.

મૃત્યોર્મુક્ષીય માઙમૃતાત્..આધ્યાત્મિકતા જીવનનું અંગ બન્યા પછી મરણના ભયથી મુક્તિ મળતી હોય છે.તન મન ધન સર્વ કંઇ પ્રભુના ચરણે સમર્પણ કર્યા પછી કરણ-કરાવનહાર તૂં સબકુછ તેરે પાસ આવી ભાવના આવવાથી મૃત્યુનો ભય રહેતો નથી.એક કવિએ પોતાની રચના(ભજન)માં મૃત્યુ વિશે સુંદર વર્ણન કરતાં લખ્યું છે કે જીવન જીવવું સહેલુ નથી મારે મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવુ નથી..

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment