Friday, 16 August 2024

ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગની મહિમા

 

ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગની મહિમા

 

 

દ્વાદશ જ્યોર્તિલિંગ સ્ત્રોત..

સૌરાષ્ટે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુન

ઉજ્જયિન્યાં મહાકાલમોઙ્કારમમલેશ્વરમ્

પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્

સેતુબંધે તૂં રામેશં નાગેશં દારૂકાવને

વારાણસ્યાં તૂં વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે

હિમાલયે તૂં કેદારં ઘૃષ્ણેશં ચ શિવાલયે

એતાનિ જ્યોર્તિલિંઙ્ગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ

સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ..

 

આ સ્ત્રોતના જપ કરવા માત્રથી વ્યક્તિને ભગવાન શિવજીની સાથે સાથે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.સમગ્ર ભારતવર્ષના અલગ અલગ પ્રદેશોમાં સ્થિત આ બાર જ્યોર્તિલિંગોના દર્શન પૂજન આરાધનાથી ભક્તોના જન્મ-જન્માંતરના તમામ પાપો ધોવાઇ જાય છે.

 

(૧) સોમનાથ..

સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે.ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પૃથ્વી ઉપરનું પ્રથમ જ્યોતિર્લિગ માનવામાં આવે છે.શિવપુરાણ અનુસાર જ્યારે ચંદ્રમાને દક્ષ પ્રજાપતિએ ક્ષયરોગ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ચંદ્રમાએ આ સ્થાન ઉપર તપ કરી શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી.સોમ એટલે ચંદ્ર અને ચંદ્રે જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા હતા અને ચંદ્રે જેમની સ્થાપના કરી તે સોમનાથ.વિદેશી આક્રમણોના કારણે તેને સત્તરવાર તોડવામાં આવ્યું હતું.

 

(૨) મલ્લિકાર્જુન..

શ્રી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ આંધ્ર પ્રદેશના કુર્નુલ જીલ્લાના કુદરતી વાતાવરણમાં કૃષ્ણ નદીના કિનારે શૈલ પર્વત આવેલ છે ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું બીજું જીવંત જ્યોર્તિલીંગ આવેલું છે,તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે.આ જ્યોર્તિલિંગ પાછળ એક કરતાં વધુ કથાઓ સંકળાયેલી છે.આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે.અહીં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ.આમ એક જ જ્યોતિર્લિંગમાં અર્ધનારી-નટેશ્વર બનીને જેમાં ભગવાન શિવજીની પણ જ્યોત છે અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે.આપણે અહી ભાવથી જવાનું છે અને જ્ઞાન મેળવવાનું છે.

 

મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગની પ્રથમ કથા શિવ-પાર્વતી પૂત્ર કુમાર કાર્તિકેય સાથે જોડાયેલી છે.જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેયના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો.ભગવાન શિવે એવો રસ્તો કાઢ્યો કે બંન્નેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે.એક તરફ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન મોર ઉપર વિરાજમાન થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા પરંતુ તીવ્ર બુદ્ધિ ગણેશજી થોડી વાર ત્યાં જ ઉભા રહ્યા અને વિચારવા લાગ્યા કે મારૂ વાહન મૂષક આટલી તેજ ગતિથી પ્રદક્ષિણા તો નહિ કરી શકે એટલે તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે પોતાના માતા પિતાને એક આસન પર વિરાજમાન થવા માટે કહ્યું અને તેમની કુલ સાત વખત પ્રદક્ષિણા કરી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન હતી.ગણેશજીએ માતા-પિતાની જ પ્રદક્ષિણા કરી રિદ્ધિ-સિદ્ધિ સાથે વિવાહ કર્યા.આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય દક્ષિણ દિશામાં ક્રૌંચ પર્વત પર આવીને વસ્યા આ ક્રૌંચ પર્વત એટલે જ શ્રીશૈલમ.શિવપુરાણની કથા અનુસાર કાર્તિકેયને મનાવવા ગૌરી-શંકર સ્વયં શ્રીશૈલમ પર પધાર્યા.તેમના આવવાના સમાચાર મળતા જ કુમાર કાર્તિકેય ત્યાંથી બાર કોસ દૂર ચાલ્યા ગયા.ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને પાર્વતી બંન્ને મલ્લિકાર્જુન સ્વરૂપે અહીં વિદ્યમાન થયા.જ્યાં માતા સતીના શરીરના અવશેષ મળ્યા હતા આથી અહીં શક્તિપીઠ પણ સ્થાપિત છે.

 

(૩) મહાકાલેશ્વર..

મધ્ય પ્રદેશની ઉજ્જૈન નગરી એ આકાશ અને ધરતી બંન્નેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે.આવી આ પુણ્યશાળી અવંતિનગરીમાં ભગવાન શ્રીમહાકાલેશ્વર જ્યોર્તિલિંગની સ્થાપના છે.સ્વયંભૂ-ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે અહી બિરાજમાન દેવાધિદેવ દક્ષિણામૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે.આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે.શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે આકાશે તારકં લિંગમ્ પાતાલે હાટકેશ્વરમ્ ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે..એટલે કે આકાશ-પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે.ઉજ્જૈનની ભૂમિ પર તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે.

 

(૪) કારેશ્વર..

નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે ત્યાં કારમમલેશ્વરમ્ ભગવાનનું જ્યોર્તિલિંગ છે.આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે.આ ટાપુનો આકર જેવો છે.અહીં બે મંદિરો આવેલા છેઃઓમકારેશ્વર અને અમરેશ્વર.ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ પાંચ માળનું બિલ્ડિંગ છે જેના પહેલા માળમાં ભગવાન મહાકાળેશ્વરનું મંદિર છે, ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ અને ચોથા માળમાં ગુપ્તેશ્વર મહાદેવ અને પાંચમા માળે રાજેશ્વર મહાદેવનું મંદિર છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગમાં અનેક મંદિર નર્મદાના બંને તટે સ્થિત છે.સંપૂર્ણ પરિક્રમા માર્ગ મંદિર અને આશ્રમો દ્વારા ઘેરાયેલ છે.ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ વિંઘ્ય પર્વત વિષેની અને બીજી કથા રાજા માંધાતાને સંબંધિત છે.

 

(૫) વૈદ્યનાથ..

વૈદ્યનાથ જ્યોર્તિલિંગ અંગે પુરાણોમાં એક કરતાં વધુ કથાઓનું વર્ણન છે.પહેલું પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગ મરાઠવાડામાં આવેલું છે.પરલી મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું પુરાણું નગર છે તે કાંતિપુર કે વૈજયંતિ તરીકે પણ ઓળખાય છે,તે મેરૂ કે નાગનારાયણ પર્વતના ઢોળાવ ઉપર બ્રહ્મા,વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે.આ મંદિર પત્થરનું બનેલું છે.આગળ મોટો દીપ સ્થંભ છે. ગર્ભગૃહ ઉંડું છે.પૂજા કરતી વખતે મનમાં ખાસ સ્પંદનો અનુભવાય છે,તેમને અહીં આધ્યાત્મિક શક્તિ મળે છે.મંદિર ઘણું જ સરસ અને શાંત છે.ભીડ હોય ત્યારે પણ ભીડ જેવું લાગતું નથી.બીજું મંદિર ઝારખંડ અને પૂર્વ બિહારના સંથાલ પરગનામાં દુમકા નામના જનપદમાં આવેલ છે.ત્રીજું મંદિર હિમાચલના કાંગડા પાસે બિનવા નદીના કિનારે આવેલ છે.

 

(૬) ભીમાશંકર..

ભીમાશંકર જ્યોર્તિલીંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.આ સ્થળ ભીમા નામની નદીનું ઉદગમ સ્થાન પણ છે.આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે.અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકર મંદિર અને ભીમારથી નદીનો ઉલ્લેખ જોવા મળે છે.અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે,આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ આપ્યો હતો.ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે.કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી.બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્યા હતા.દાનવો સામેનાં યુદ્ધમાં શાકીની અને ડાકીની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી,તેમને પણ અહીં પુજવામાં આવે છે.ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે,આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે.આ સાથે અહીં સર્વતીર્થ,કુશારણ્ય તીર્થ અને જયકુંડ આવેલા છે.કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદી પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે.

 

(૭) રામેશ્વરમ્..

આ જ્યોર્તિલિંગ તમિલનાડુ રાજ્યના રામનાથ નામના સ્થાને આવેલ છે.આ જ્યોર્તિલીંગ હિંદુઓના ચાર ધામોમાંનું એક છે.આની સ્થાપના ભગવાન શ્રીરામે પોતે કરી હતી.

 

(૮) નાગેશ્વર..

નાગેશ્વર જ્યોર્તિલિંગ કે નાગનાથ મંદિર દ્વારકાથી સત્તર કિમી દૂર આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.રૂદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

 

(૯) કાશી વિશ્વનાથ..

આ જ્યોર્તિલિંગ ઉત્તર પ્રદેશના કાશી નગરમાં આવેલું છે.કાશીનું તમામ ધર્મસ્થળો કરતાં વધુ મહત્વ છે. પ્રલય આવવા છતાં પણ આ સ્થાન સલામત રહે છે.તેની રક્ષા કરવા માટે ભગવાન શિવ આ નગરીને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી લે છે અને પ્રલય ટળી ગયા પછી તેને મૂળ જગ્યાએ સ્થાપિત કરી દે છે.

 

(૧૦) ત્ર્યંમ્બકેશ્વર..

ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા.ત્રંબકેશ્વર  મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે.ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે.ત્રંબકેશ્વર શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે.ગોદાવરી નદી દક્ષિણમાં આવેલી સૌથી લાંબી નદી છે.હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે.ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે.આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી.ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે.જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે,એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે,તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે.અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.

 

(૧૧) કેદારનાથ..

    બાબા કેદારનાથનું મંદિર ઉત્તરાખંડમાં બદ્રીનાથના માર્ગમાં સ્થિત છે.કેદારનાથ જ્યોર્તિલિંગનું વર્ણન સ્કંદપુરાણ અને શિવપુરાણમાં કરવામાં આવેલ છે.આ તીર્થ ભગવાન શિવને અત્યંત પ્રિય છે.તેનું મહત્વ કૈલાશ જેટલું છે.જ્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા ત્યારે સાથે સાથે ભાઈઓની હત્યાનું પાપ પણ પાંડવો પર આવ્યુ.યુધિષ્ઠિરે આ પાપથી છૂટકારો મેળવવા ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યુ પરંતુ ભગવાન શિવ બધા પાંડવો પર ગુસ્સે થયા.ભગવાન શિવે નક્કી કર્યું કે તે પાંડવોને આશીર્વાદ નહિ આપે.પાંડવો કેદારનાથ જવા રવાના થયા.પાંડવો ભગવાન શિવની શોધમાં કેદારનાથ આવ્યા તેથી ભગવાન શિવે બળદનું રૂપ લીધું અને બીજા બળદો સાથે ભળી ગયા.ભીમે એક યોજના બનાવી અને વિશાળરૂપ ધારણ કર્યુ અને બંને પહાડ સુધી પગ ફેલાવ્યા.બધા બળદ તેમાંથી પસાર થઈ ગયા પરંતુ ભગવાન શિવ જે બળદના રૂપમાં હતા તે ભીમના બે પગ વચ્ચેથી નીકળવા સહમત ન થયા અને અંતર્ધ્યાન થવા લાગ્યા પણ તે પહેલાં જ ભીમ શિવરૂપી બળદના આશીર્વાદ લેવા દોડી ગયો.આ ભક્તિ અને તપસ્યાને જોઈને ભગવાન શિવનું ક્રોધિત હૃદય પિગળી ગયું અને તરત જ પાંડવોને દર્શન આપી તેમને ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્ત કર્યા ત્યારથી અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પુજવામાં આવે છે.

 

(૧૨) ઘુશ્મેશ્વર..

ઘુશ્મેશ્વર ભગવાન શિવના જ્યોતિર્લિંગમાંનું બારમું જ્યોતિર્લિંગ છે.આ મંદિર મહારાષ્ટના ઔરંગાબાદ નજીક આવેલા દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે.આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.અહીયાં શ્રી એકનાથજી તથા શ્રી જનાર્દન સ્વામીની સમાધિઓ આવેલી છે.

 

જ્યોર્તિલિંગના દર્શને ભાવથી જવાનું છે અને જ્ઞાન મેળવવાનું છે.આપણે યાત્રા કરીએ છીએ ૫ણ સાથે સાથે યાત્રા કરવા પાછળનો ભાવ હ્રદયમાં હોવો જોઇએ.ભાવનો અભાવ હોય તો યાત્રાની કોઇ કિંમત નથી.

 

સંકલનઃ

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

sumi7875@gmail.com

No comments:

Post a Comment