Friday 16 August 2024

શિવલિંગ ઉપર શંખથી કેમ જળ ચઢાવવામાં આવતું નથી?

 

શિવલિંગ ઉપર શંખથી કેમ જળ ચઢાવવામાં આવતું નથી?

 

આપણે બધા જાણીએ છીએ કે પૂજન કાર્યમાં શંખનો ઉપયોગ કરવામાં આવે છે.લગભગ તમામ દેવી દેવતાઓને શંખથી જળ ચઢાવવામાં આવે છે પરંતુ શિવલિંગ ઉપર શંખથી જળ ચઢાવવામાં આવતું નથી. આ વિશે શિવપુરાણમાં શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્યની એક કથા આવે છે.

 

પૂર્વ સમયમાં બ્રહ્માજીના મરીચિ નામના પૂત્ર થયા.મરીચિથી કશ્યપ મુનિ થયા જે ઘણા જ ધર્મશીલ સૃષ્ટિકર્તા-વિદ્યાવાન અને પ્રજાપતિ હતા.દક્ષ પ્રજાપતિએ તેમને પ્રેમપૂર્વક પોતાની તેર દિકરીઓનું કન્યાદાન કર્યું.તેમને ઘણાં સંતાન થયાં તેનાથી જ સમગ્ર દેવતા તથા ચરાચર જગત ઉત્પન્ન થયેલ છે. કશ્યપની પત્નીઓમાં એક દનુ નામવાળી પત્ની હતી જે સુંદરતાની મૂર્તિ અને સાધ્વી હતી.દનુનાં અનેક બળવાન સંતાન થયાં તેમાં એક વિપ્રચિતિ નામનો દાનવ હતો જે મહાબળવાન અને પરાક્રમી હતો તેનો એક દંભ નામનો પૂત્ર કે જે ધાર્મિક,વિષ્ણુ ભક્ત અને જીતેન્દ્રિય થયો.દૈત્યરાજ દંભને લગ્ન પછી ઘણા વર્ષો સુધી સંતાન ના થયાં તેથી તેને શુક્રાચાર્યજીને ગુરૂ બનાવીને તેમની પાસેથી કૃષ્ણમંત્ર મેળવી પુષ્કર ક્ષેત્રમાં ઘોર તપસ્યા કરી.

 

ઘોર તપસ્યાના ફળસ્વરૂપ આ દૈત્યના માથામાંથી દુઃસહ તેજ નીકળીને ચારે બાજુ ફેલાઇ ગયું.આ તેજથી તમામ દેવતા અને મુનિજનો સંતપ્ત થાય છે તેથી તમામ દેવતાઓ ઇન્દ્રની આગેવાનીમાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આપ સર્વે નિશ્ચિંત અને શાંત રહો તથા ભયભીત ના થાઓ.આ કોઇ ઉપદ્રવ નથી પરંતુ મારો પરમ ભક્ત દંભ નામનો દાનવ પૂત્રની ઇચ્છાથી તપ કરી રહ્યો છે એટલે હું તેને વરદાન આપીને શાંત કરીશ.દંભના તપથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુ પ્રગટ થઇ તેને વરદાન માંગવા કહે છે ત્યારે દંભે ત્રણે લોકમાં અજેય એક મહાપરાક્રમી પૂત્રનું વરદાન માંગ્યું.શ્રીહરિએ તથાસ્તુ બોલીને અંર્તધ્યાન થાય છે.

 

થોડા સમય બાદ તેની ભાગ્યવતી પત્ની ગર્ભ ધારણ કરે છે.સુદામા નામનો ગોવાળ જે ભગવાન કૃષ્ણનો મુખ્ય પાર્ષદ હતો તેને રાધાજીએ શ્રાપ આપ્યો હતો તે જ દંભની પત્નીના ગર્ભમાં આવે છે અને તેનો જન્મ થતાં મુનિઓને બોલાવીને બાળકના જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે અને તેનું નામ શંખચૂડ પાડવામાં આવે છે.શંખચૂડ બાલ્યાવસ્થામાં જ વિદ્યાભ્યાસ કરી અત્યંત તેજસ્વી બને છે.

 

શંખચૂડ યુવાન થતાં જૈગીષવ્ય મહર્ષિના ઉપદેશથી તે પુષ્કર ક્ષેત્રમાં તપ કરે છે.તે એકાગ્ર મન થઇને ઇન્દ્રિયો અને તેના વિષયોને જીતીને ગુરૂ દ્વારા આપવામાં આવેલ બ્રહ્મવિદ્યાનો જપ કરવા લાગ્યો.તેના તપથી પ્રસન્ન થઇને બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન માંગવાનું કહેતાં શંખચૂડે કહ્યું કે મને દેવગણ જીતી ના શકે તેવું વરદાન આપો.બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેને વરદાન તથા દિવ્ય શ્રીકૃષ્ણકવચ આપ્યું તથા બદ્રીકાશ્રમમાં જઇને ત્યાં પતિની કામનાથી ધર્મધ્વજની કન્યા તુલસી તપ કરી રહી છે તેની સાથે વિવાહ કરી લેવાની આજ્ઞા આપી.

 

બ્રહ્માજીની આજ્ઞાથી તુલસી સાથે ગાંધર્વ વિવાહ કરી શંખચૂડ પોતાના નગરમાં આવે છે.તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યા બાદ તુલસી સાથે વિવાહની વાતો જાણી અસુરો ઘણા પ્રસન્ન થઇ ગુરૂ શુક્રાચાર્ય સહિત આવીને તેનું અભિવાદન કરે છે.દૈત્યોના કુલાચાર્ય શુક્રાચાર્ય શંખચૂડને ઉત્તમ આર્શિવાદ આપે છે તથા દેવો અને દાનવોનું વૃતાંત કહે છે.દેવ અને દાનવોના સ્વાભાવિક વેર,દેવતાઓના વિજ્ય,અસુરોના પરાજ્ય તથા દેવગુરૂ બૃહસ્પતિ દ્વારા દેવતાઓની સહાયતાની વાતો કહે છે.

 

ગુરૂ શુક્રાચાર્યે તમામ દાનવોની સંમતિ લઇને શંખચૂડને અસૂરોના અધિપતિ બનાવી રાજ્યપદ ઉપર બેસાડવામાં આવે છે.બ્રહ્મા અને વિષ્ણુના વરદાનના મદમાં ચૂર દૈત્યરાજ શંખચૂડે ત્રણે લોકોને જીતી લીધા. દેવતાઓ ત્રસ્ત થઇને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગે છે પરંતુ તેમને પોતે જ પોતાના ભક્ત દંભને ત્રણે લોકમાં અજેય એક મહાપરાક્રમી પૂત્રનું વરદાન આપ્યું હતું એટલે તેઓ કંઇ કરી શકે તેમ ના હોવાથી તમામ ભેગા થઇને ભગવાન શિવને પ્રાર્થના કરે છે.

 

ભગવાન શિવ દેવતાઓનાં દુઃખને દૂર કરવાનો નિશ્ચય કરીને શંખચૂડને મારવા માટે જાય છે પરંતુ દિવ્ય શ્રીકૃષ્ણકવચ અને તેની પત્ની તુલસીના પાતિવ્રત ધર્મના કારણે ભગવાન શિવ તેને મારી શકવામાં સફળ થતા નથી ત્યારે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ પાસેથી શ્રીકૃષ્ણકવચ દાનમાં લઇ લે છે.ત્યારબાદ શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસીના પાતિવ્રત ધર્મનો નાશ કરે છે તેથી યુદ્ધમાં શિવજી શંખચૂડને મારી નાખે છે.

 

શંખચૂડનું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ તેના મહેલમાં જાય છે ત્યારે પોતાના સ્વામીને આવેલા જોઇને તેમના ચરણ પ્રક્ષાલન કરી પ્રણામ કરે છે અને યુદ્ધનો વૃતાંત પુછે છે.ત્યારબાદ જગત્પતિ રમાનાથે તુલસી સાથે શયન કરી રતિસુખ માણે છે.સાધ્વી તુલસીએ રતિસુખના સમયે સુખ-ભાવ અને આકર્ષણમાં ભેદ જોઇને તેને ખબર પડી જાય છે કે આ મારા સ્વામી શંખચૂડ નથી તેથી પુછે છે કે આપ કોન છો? તમે મારી સાથે કપટ કર્યું છે,મારા સતીત્વનો નાશ કર્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું.તે સમયે ભગવાન વિષ્ણુ શ્રાપના ભયથી પોતાના અસલ રૂપમાં દર્શન આપે છે.

 

તુલસી કહે છે કે આપનામાં થોડી પણ દયા નથી.આપનું મન પાષાણ સમાન છે.આપે મારા પતિવ્રત ભંગ કર્યું છે એટલે આપ પાષાણ બની જાઓ.ત્યારબાદ ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી શંખચૂડને મારી નાખ્યો.શંખચૂડ ભગવાન શિવની કૃપાથી શ્રાપ મુક્ત થઇ પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થયા.

 

ત્યારબાદ ત્યાં ભગવાન શિવ પ્રગટ થઇને કહે છે કે હે તુલસી ! તમે રડો નહી.દરેક વ્યક્તિએ તેના કર્મોનું ફળ ભોગવવું પડે છે.આ કર્મસાગર સંસારમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આપતું નથી.પૂર્વ સમયમાં તમે તપસ્યા કરી હતી તેના ફળસ્વરૂપ તમોને ભગવાન વિષ્ણુના દર્શન થયા છે.હવે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મહાલક્ષ્મી સમાન બનીને ભગવાન વિષ્ણુ સાથે નિત્ય રમણ કરો.તમારી છોડેલી કાયા એક નદીના રૂપમાં પરીવર્તિત થશે અને ભારતમાં પુણ્યસ્વરૂપિણી ગંડકી નદીના નામથી વિખ્યાત થશે અને તમે દેવપૂજનના સાધનના માટે પ્રમાણભૂત તુલસી વૃક્ષરૂપમાં ઉત્પન્ન થશો.આ ગંડકી નદીના કિનારે વિષ્ણુ પણ પાષાણ શાલીગ્રામના રૂપમાં સ્થિત રહેશે.

 

શંખચૂડના અસ્થિઓમાંથી એક પ્રકારની શંખજાતિ પ્રગટ થઇ.જો કે શંખચૂડ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો એટલે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને શંખથી ચઢાવવામાં આવતું જળ તેઓને અતિશય પ્રિય છે અને તમામ દેવતાઓને શંખથી જળ ચઢાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવે શંખચૂડનો વધ કર્યો હતો એટલે શિવલિંગ ઉપર શંખથી જળ ચઢાવવામાં આવતું નથી.(યુદ્ધખંડ-સંહિતા શિવમહાપુરાણ)

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment