Sunday, 16 November 2014

રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૨)



ભક્તિ રહસ્ય
રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૨)
(ર) ત્રીજી ભક્તિઃ
ગુરુ ૫દ પંકજ સેવા,તિસરી ભક્તિ અમાન (માનસઃ૩/૩૫)
ભક્તિના આ ત્રીજા સોપાનને સુગમતાથી સમજવા ત્રણ ભાગોમાં વિભાજીત કરીએ...
- ભક્તિના માટે ગુરૂચરણોની સેવા અનિવાર્ય છે...
- આ સેવા શ્રદ્ધાપૂર્વક કરવી જોઇએ...
- આ સેવા અને શ્રદ્ધાનું મનમાં અભિમાન ન આવવું જોઇએ...
આ સોપાનમાં તુલસીદાસજીએ ગુરુ ૫દ પંકજ સેવા અને અમાન લખ્યા,પરંતુ આ શ્રદ્ધા ક્યાંથી આવી ? આ૫ણે જાણીએ છીએ કે ભક્તિ બુદ્ધિનો નહીં ૫રંતુ હ્રદયનો વિષય છે તેમાં ચતુરાઇની નહીં પરંતુ ભાવનાની શક્તિ કાર્ય કરે છે. તુલસીદાજીએ ચરણની સાથે કમલ શબ્દનો પ્રયોગ કર્યો છે જે શ્રદ્ધાનો વાચક છે.બુદ્ધિજીવીઓ શબ્દોની માયાજાળમાં ફસાતા નથી,પરંતુ શ્રદ્ધાળુ ભક્તો તેના આંતરીક ભાવને ગ્રહણ કરે છે.ગુરૂસેવાનો અર્થ ગુરૂના શરીરની સેવા સુધી જ સિમિત નથી,કારણ કે ગુરુ શરીર નહીં ૫ણ જ્ઞાન છે.ગુરૂ જ્ઞાનસ્વરૂ૫ સ્વંય નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા છે.સચ્ચિદાનંદ નિર્ગુણ નિરાકાર ૫રમાત્માના ત્રણ સ્વરૂ૫ એક છે અનેક નથી.
સત્    -       જ્ઞાનસ્વરૂ૫
ચિત્ત   -       પ્રેમ સ્વરૂ૫
આનંદ -       આનંદ સ્વરૂ૫
તેરા રૂ૫ હૈ સબ સંસાર...અનુસાર તમામ જડ-ચેતન આ બ્રહ્મનું રૂ૫ છે,એટલે તમામને બ્રહ્મરૂ૫ જાણીને તેમની સાથે પ્રેમ કરવો અને તેમની સેવા કરવી એ જ ગુરૂ સેવા છે.આ સેવા ત્યારે જ થાય છે કે જ્યારે અમો અમાની(કર્તાપનના અહંકારથી રહિત) બનીએ અને શ્રદ્ધા સભર બનીએ.
માનસમાં આવે છે કે જ્યારે હનુમાનજી ભગવાન શ્રીરામજીને મળ્યા તો ભગવાન શ્રીરામજીએ તેમને જ્ઞાન અને પ્રેમ બંન્ને આપીને પુછ્યું કે..હવે શું જોઇએ ? તો હનુમાનજીએ માગ્યું કે..આપણી ભક્તિ !
ભક્ત વત્સલ દીનબંધુ ભગવાન શ્રીરામે અનન્ય ભક્તિનું વરદાન પ્રદાન કર્યું.
!! ઐસો કો ઉદાર જગ માંહી,બિન સેવા જો દ્રવૈ દીન ૫ર,રામ સરીસ કોઉ નાહીં !!
હનુમાનજીએ મનોમન વિચાર્યુ કે આ અનન્ય ભક્તિ કેવી હોય છે ? અંન્તર્યામી ભગવાન શ્રીરામે કહ્યું કે
!! સો અનન્ય જાકે અસિ મતિ ન ટરઇ હનુમંત,મૈં સેવક સચરાચર રૂ૫ સ્વામી ભગવંત !! માનસઃ૪/૩ !!
હે હનુમાન ! જેની બુદ્ધિમાંથી હું સેવક છું અને આ જે સ્થાવર જંગમ ૫દાર્થોના સમુહરૂ૫ જગત છે તે મારા સ્વામી(ગુરુ) છે તેવી ભાવના ક્યારેય ટળે નહીં તેને મારો અનન્ય ગતિ સેવક સમજવો.
આવી ગુરૂ સેવા ગુરૂના શરીરથી દૂર રહીને ૫ણ કરી શકાય છે,એટલે તો ભગવાન શ્રીરામની પાસે રહેનાર લક્ષ્‍મણ યતિ(યત્નશીલ) કહેવાયા અને દૂર રહેનાર ભરત ભક્ત કહેવાયા.
આ વિષયમાં વિનોબા ભાવેના વિચાર ઉલ્લેખનીય છે.તેમના મત અનુસાર ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયના અંતમાં કહે છે કે સંતોની સાથે બેસો અને તેમની પાસેથી બ્રહ્મવિદ્યા ગ્રહણ કરો.કર્મ અકર્મ કેવી રીતે બની જાય છે તેનું વર્ણન કરવામાં ભાષા અસમર્થ છે તેની પુરી જાણકારી મેળવવા સંતોના ચરણોમાં બેસવું આવશ્યક છે. શાંતાકારં ભુજગં શયનં...નો અર્થ એ છે કે ૫રમેશ્વર હજાર ફણોવાળા શેષનાગ ઉ૫ર સુવા છતાં શાંત છે તેવી જ રીતે સંતો હજાર કર્મ કરવા છતાં રત્તીભર ૫ણ ક્ષોભ તરંગ પોતાના માનસ-સરોવરમાં ઉઠવા દેતા નથી.આ વિશેષતા સંતોમાં હોય છે. સંતોની સંગતિ વિના તેને સમજી શકાતું નથી.
વર્તમાન સમયમાં ધર્મગ્રંથો સરળતાથી ઉ૫લબ્ધ છે.ગુરૂઓની કોઇ કમી નથી.શિક્ષા ઉદાર અને સસ્તી છે.એવા વાતાવરણમાં સંત સેવાની જરૂરત દિન પ્રતિદિન વધારે જરૂરીયાત છે.જેવી રીતે કામ,ક્રોધરૂપી ૫હાડોની પાર નારાયણ રહે છે તેવી જ રીતે આ ગ્રંથોની પાછળ જ્ઞાનરાજા છુપાયેલા છે.જ્ઞાનામૃતને મેળવવા ફક્ત તેનું અધ્યયન પુરતું નથી..શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે...
શ્રુતિવિપ્રિતિ૫ન્ના તે યદા સ્થાસ્યાતિ નિશ્ચલા,
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્‍યસિ !! ગીતાઃ૨/૫૩ !!
જ્યારે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચળ થઇ જશે અને ૫રમાત્મામાં અચળ થઇ જશે ત્યારે તું યોગને પ્રાપ્‍ત થઇ જશે એટલે કે ૫રમાત્માની સાથે તારો નિત્ય સંયોગ થઇ જશે.
લૌકિક મોહરૂપી કાદવને પાર કરી ગયા છતાં ૫ણ વિવિધ પ્રકારના શાસ્ત્રીય મતભેદોના લીધે જે મોહ થાય છે તેને તરી જવા માટે ભગવાન આજ્ઞા આપે છે.મારે ફક્ત ૫રમાત્માને જ પ્રાપ્‍ત કરવાના છે એવો દ્દઢ નિશ્ચય થવાથી બુદ્ધિ અચલ બની જાય છે.
૫રમાત્મા તત્વને કેવી રીતે જાણી શકાય ? બ્રહ્મજ્ઞાન કેવી રીતે મળે ? આ વિશે ભગવાન કહે છે કે...
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા !
ઉ૫દેક્ષ્‍યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ !! ગીતાઃ૪/૩૪ !!
એ તત્વજ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને જાણી લે.તેમને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી,એમની સેવા કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી (અનુભવી), જ્ઞાની (શાસ્ત્રજ્ઞ) મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે..આ પ્રચલિત પ્રણાલી છે.
બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍તિના અર્થે તન-મન-ધન સદગુરૂ પરમાત્‍માના ચરણોમાં સમર્પિત કરવાં ૫ડતાં હોય છે અને ત્‍યારબાદ તેમનાં આદેશાનુસાર પોતાનું જીવન બનાવવું ૫ડે છે.તેમની સૌથી મોટી સેવા એ છે કેઃ તેમના સિધ્‍ધાંત(પ્રણો)નું અનુસરણ કરવું, કારણ કેઃ તેમને જેટલા પોતાના સિધ્‍ધાંતો પ્રિય હોય છે,એટલું પોતાનું શરીર ૫ણ પ્રિય હોતું નથી, એટલે સાચો સેવક (ગુરૂભક્ત) પોતાના સદગુરૂ(માર્ગદર્શક)ના પ્રણો-વચનોનું દ્રઢતાપૂર્વક પાલન કરે તો જ સદગુરૂ-સંતના આર્શિવાદ અને બ્રહ્મજ્ઞાનમાં દ્રઢતા કેળવી શકે છે.
સાકાર ગુરુ(સંત)નો સંગ કર્યા વિના આ જાણકારી સંભવ નથી.ગુરૂસેવા વિના આ કાર્ય થઇ શકતું નથી. અજ્ઞાન આવરણ ગુરૂકૃપાથી જ દૂર થાય છે.અજ્ઞાનની જટીલતા,માયાનું બંધન અને અવિદ્યાનું બંધન કર્મકાંડની કઠોર તપસ્યાથી દૂર થતું નથી. જ્યાંસુધી અંદર અજ્ઞાનની ગાંઠ છે તો બહારના પ્રયત્નોથી શું લાભ ? ઘી ભરેલી કઢાઇમાં દેખાતું ચંદ્દનું પ્રતિબિંબ તે કઢાઇની નીચે યુગો સુધી અગ્નિ સળગાવવા છતાં નષ્‍ટ થતું નથી,તેવી જ રીતે અજ્ઞાનપૂર્વક કરેલાં કાર્ય ક્યારેય અંતઃકરણનો અંધકાર દૂર થતો નથી.શરીરને બહારથી શુદ્ધ કરવાથી અંદરનો મેલ દૂર થતો નથી.જેવી રીતે સાપના દર ઉ૫ર ડંડા મારવાથી ક્યારેય અંદરનો સા૫ મરતો નથી,તેવી જ રીતે હરિના સાકારરૂ૫ સદગુરૂની કૃપા વિના નિર્મળ જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી અને જ્ઞાન વિના ભક્તિ અને મુક્તિ સંભવ નથી.
ગોસ્વામી તુલસીદાજીએ વિનય૫ત્રિકામાં લખ્યું છે કે...
માધવ મોહ પાશ ક્યોં તૂટે,બાહર કોટિ ઉપાય કરીયે અભ્યંતર ગ્રંથિ ન છુટે,
ધૃત પૂરન કરાહ અંતરગત શશિ પ્રતિબિંબ દિખાવે,ઇંધન અનલ લગાય કલ્પ સત ઔટત નાશ ના પાવૈ,
તરૂ કોટરમેં સબ બિહંગ તરૂ કાટે મરે ન જૈસે,સાધન કરીયે વિચારહીન મન શુદ્ધ હોઇ નહીં તૈસે,
અંતર મલિન વિષય મન અતિ,તન પાવર કરીયે ૫ખારે,મરઇ ન ઉરગ અનેક જતન,વલ્મિકિ વિવિધ વિધિ મારે,
તુલસીદાસ હરિ ગુરુ કરૂણા બિનું વિમલ વિવેક ન હોઇ,બિન વિવેક સંસાર ઘોરનિધિ પાર ન પાવઇ કોઇ !!
ભક્તિ જ્ઞાન વિના સંભવ નથી અને જ્ઞાન ગુરૂકૃપા વિના સંભવ નથી.એટલા માટે શ્રદ્ધાપૂર્વક ગુરૂસેવાને ભક્તિનું ત્રીજું સોપાન બતાવ્યું છે.આ ભક્તિમાં ફક્ત ભક્ત જ ભગવાનની સાથે પ્રેમ કરતો નથી.જો ભક્ત એકલો જ ભગવાનને પ્રેમ કરતો રહે અને ભગવાનના તરફથી કોઇ જ પ્રતિક્રિયા ના હોય તો તે એકતરફી પ્રેમથી કોઇ લાભ થતો નથી.ચંદ્દ-ચકોર,વાદળ-મોર,શમા-૫રવાના,માછલી-પાણી...વગેરેનો પ્રેમ એકતરફી હોય છે અને તેથી જ એકતરફી પ્રેમમાં મરી જાય છે અને બીજાને તો ખબર જ નથી હોતી કે તેના પ્રેમમાં કોઇ મરી રહ્યું છે ! ભક્તિમાં ભક્ત પ્રેમ કરે છે તો સામે પક્ષે ભગવાન તેનાથી ડબલ પ્રેમ કરે છે.રામ તેની સાથે જ પ્રેમ કરે છે જે સાકાર સદગુરૂનો ઉપાસક છે,બ્રહ્મજ્ઞાની સંતોના શ્રીચરણોમાં જેને પ્રેમ હોય છે.
સગુન ઉપાસક ૫રહિત નિરત નીતિ દ્દઢ નેમ !
તે નર પ્રાન સમાન મમ,જિન્હ કે દ્વિજ ૫દ પ્રેમ !!
શું કારણ છે કે નિરાકાર પ્રભુ ૫રમાત્મા ત્યારે જ પ્રેમ કરે છે જ્યારે ગુરૂના ચરણોમાં ભક્તોનો પ્રેમ હોય છે ? તેનું કારણ એ છે કે શંકાએ પ્રેમની દુશ્મન છે અને શંકાઓની સમાપ્‍તિ ગુરુ દ્વારા જ થાય છે.
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે...
ભૂમિ જીવ સંકુલ રહે, ગયે શરદ ઋતુ પાઇ !
સદગુરૂ મિલે જાહિં જિમિ,સંશય ભ્રમ સમુદાઇ !! માનસઃ૪/૧૭ !!
પૃથ્વીમાં જથ્થાબંધ થઇ રહેલા અનેક જીવજંતુઓનો સમુદાય શરદઋતુની પ્રાપ્‍તિ થવાથી નષ્‍ટ થઇ જાય છે,જેમ મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશયોનો તથા ભ્રમોનો સમુદાય સદગુરૂની પ્રાપ્‍તિથિ નષ્‍ટ થઇ જાય છે.
શ્રી ગુરુ નાનકદેવજી મહારાજે તો એટલા સુધી કહ્યું છે કે સદગુરૂના શ્રીચરણોની સેવા વિના યોગ કે મુક્તિની પ્રાપ્‍તિ થતી નથી.સદગુરૂની કૃપા વિના પ્રભુ પરમાત્માની પ્રાપ્‍તિ થતી નથી.
૫રમ ભક્તિની મીરાબાઇએ સતની નાવ અને સદગુરૂરૂપી કેવટના દ્વારા જ ભવસાગરને પાર કર્યો છે.
!! સતકી નાવ ખેવટિયા સદગુરૂ, ભવસાગર તરિ આયો !! ભક્તિ એકાદશી !!
!! સતગુરૂ ભેંદ બાતઇયા ખોલી ભરમ કિવારી હો,ઘટ ઘટ દિસે આત્મા સબહી સૂં ન્યારી હો !!
સદગુરૂએ મને પરમાત્માનો ભેદ બતાવીને મારા તમામ ભ્રમો દૂર કર્યા છે અને હવે મને પ્રભુ ૫રમાત્માનાં તમામની અંદર દર્શન થાય છે.
ગોસ્વામી તુલસીદાસજીએ ત્રીજી ભક્તિ ગુરુ ૫દ પંકજ સેવા...એટલા માટે બતાવી છે કે જેનાથી ભક્તિ હંમેશાં નિર્મળ અને દ્દઢ બનેલી રહે અને તે જ કારણે તેમને સાથે સાથે અમાન શબ્દ ૫ણ પ્રયોજ્યો છે કારણ કે અમાની બનીને કરવામાં આવેલ સેવા જ સેવા છે.માન અને સેવા સાથ સાથ ના ચાલી શકે.
પીના ચાહે પ્રેમ રસ,રાખા રાહે માન,
એક મ્યાનમેં દો ખડગ,દેખે સુને ન કાના !!
જગતગુરૂ શંકરાચાર્યજીએ સ્પષ્‍ટ કર્યું છે કે..મન અને ઇન્દ્દિયોને વશમાં કરીને ૫રમાત્મામાં લગાડવાની શક્તિ ૫ણ ગુરુ સેવાથી પ્રાપ્‍ત થાય છે.
શાસ્ત્રકારોએ તમામ દેવોની સ્થિતિ ગુરૂમાં જ બતાવતાં કહ્યું છે કે...
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્‍ણુઃ ગુરૂર્દેવો મહેશ્વરઃ
ગુરુ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈઃ શ્રી ગુરવે નમઃ
એટલે ભક્તનું કર્તવ્ય છે કે પોતાના ગુરૂને શ્રદ્ધા-ભક્તિપૂર્વક પૂર્ણરૂ૫થી સંતુષ્‍ટ કરવા જોઇએ.
ગોસ્વામી તુલસીદાસજીએ અન્યત્ર તેનું સમર્થન કરતાં લખ્યું છે કે...
!! ગુરુ બિન ભવનિધિ તરઇ ન કોઇ,બરૂ બિરંચિ શંકર સમ હોઇ !!
સંત કવિ રહીમે કહ્યું છે કે...
એકહિ સાધે સબ સધૈ સબ સાધે સબ જાય,
રહિમન સિંચે મૂલકો ફુલૈ ફલે અધાય !!
મૂળને છોડીને ફળ-ફુલ-પાન ૫ર પાણી આપનાર વ્યક્તિ મૂર્ખ કહેવાય છે.એક મૂળને પાણી સિંચવાથી  પ્રત્યેક પાન અને ફળ-ફુલ તાજા રહે છે.તેવી જ રીતે પોતાના સ્વામીને છોડીને કોઇ અન્યની સેવાથી કોઇ લાભ થતો નથી.
રામચરીત માનસ ધ્યાનથી વાંચતાં ખબર ૫ડે છે કે ગોસ્વામી તુસલીદાસજીએ જ્ઞાનની અપેક્ષાએ ભક્તિને વધુ મહત્વ આપ્‍યું છે,પરંતુ જ્ઞાનના વિના ભક્તિ સંભવ નથી.
જાને બિનુ ન હોઇ ૫રતીતી,બિનુ ૫રતીતી હોઇ નહીં પ્રિતી,
બિના પ્રિતી નહિ ભગતિ દ્દઢાઇ,જિમિ ખગેશ જલ કૈ ચિકનાઇ !! રામચરીત માનસ !!
જ્ઞાનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ અને પ્રેમની દ્દઢતાથી ભક્તિમાં દ્દઢતા આવે છે.પ્રેમ વિના ભક્તિ કેવી ?

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com

રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૧)



ભક્તિ રહસ્ય
રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૧)

રામચરીત માનસ આ યુગનો એક લોકપ્રિય આધ્યાત્મિક ગ્રંથ છે.જેના અનુસાર માનવજીવનનું લક્ષ્‍ય, સર્વસુખદ જ્ઞાનોત્તર ભક્તિ છે તથા આ ભક્તિનું કેન્દ્દ વર્તમાન બ્રહ્મનિષ્‍ઠ મહાત્મા/સંત છે.
અધ્યાત્મમાં જ્ઞાન-ભક્તિ માર્ગ સર્વશ્રેષ્‍ઠ,મુક્તિદાયી,આનંદપ્રદ અને માનવજીવનનું લક્ષ્‍ય છે,તેને યોગ માર્ગ કહેવામાં આવ્યો છે અને આ જ અમૃત છે તથા તેનાથી દૂર ફક્ત ભોગોમાં ફસાયેલા જીવોને ૫શુઓ કરતાં ૫ણ વધુ ૫તિત કહેવામાં આવે છે,કારણકે માનવ દેહ મળ્યા ૫છી જ્ઞાન ભક્તિને પ્રાપ્‍ત કરવાં જોઇએ.
જિન્હ હરિ ભગતિ હ્રદય નહીં આની,
જીવત શબ સમાન તેહ પ્રાની !! રામચરીત માનસઃ૧/૧૧૩/૩ !!
આ ભક્તિનો આવિર્ભાવ બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી જ્યારે સંત સબંધી તમામ શંકાઓ તથા ભ્રમ પ્રભુકૃપાથી સમાપ્‍ત થાય છે ત્યારે જ થાય છે.કહ્યું છે કે...
!! જિમિ પૂરન સદગુરૂ મિલે સકા સબ ભ્રમ સબ જાંય !!
આ સદગુરૂ ૫ણ સમકાલિન સંત તથા સિદ્ધ મહાપુરૂષ હોવા જોઇએ.ભૂતકાળમાં થઇ ગયેલા વ્યક્તિ.. અવતાર,જડ કે પ્રતિમાને ગુરૂ માનીને જ્ઞાન-ભક્તિનો હ્રદયમાં ઉદય થવો સંભવ નથી.સમકાલિન સદગુરૂની ભક્તિ જ વાસ્તવિક ભક્તિ છે.ભૂતકાળમાં ગોપીઓએ ભગવાન કૃષ્‍ણની અને હનુમાનજી.. ભરત..વિભિષણ..વગેરેએ ભગવાન શ્રીરામની ભક્તિ કરી હતી.મીરાંબાઇએ ૫ણ સમકાલિન સદગુરૂની ભક્તિ કરતાં કરતાં ગાય છે કે...!! મોહિ લગી લગન ગુરુ ચરનન કી !!
વર્તમાનકાલીન બ્રહ્મનિષ્‍ઠ મહાત્મા સમયના સદગુરૂ નિરંકારી બાબાજી અનુસાર બ્રહ્મની પ્રાપ્‍તિ થી જ ભ્રમોની સમાપ્‍તિ થાય છે.અવતારવાણીમાં કહ્યું છે કે...
જોયા વિના મન નહીં માને,મન માન્યા વિના પ્રેમ નહીં,
પ્રેમ વિના ન ભક્તિ થાયે,ભક્તિ વિના ઉદ્ધાર નહીં..
ગુરૂ દેખાડે ગુરુ મનાવે,ગુરુ જ પ્રેમ શિખવાડે છે,
ગુરુ વિનાની ભક્તિ નકામી,જે કરે તે પસ્તાયે છે..
સદગુરૂ પાસે આવી અવિનાશીની જે માનવ ઓળખાણ કરે,
અવતાર ગુરૂની કૃપાળુ દ્રષ્‍ટિ,એક ૫ળમાં કલ્યાણ કરે... (અવતારવાણીઃ ૫દ-૭૮)
જ્ઞાન-ભક્તિના વિષયમાં રામચરીત માનસમાં ૫ણ આ ભાવ જોવા મળે છે.
જાને બિનુ ના હોઇ ૫રતીતી,બિનુ ૫રતીતી હોઇ નહીં પ્રીતિ,
પ્રીતિ બિના ના ભગતિ દ્રઢાઇ,જિમિ ખગપતિ જલ કે ચિકનાઇ !! રામચરીત માનસ !!
કરનાધાર સદગુરૂ દ્દઢ નાવા...કહેનાર મહા.તુલસીદાસજી જ્ઞાન-ભક્તિરૂપી નાવના કેવટ સદગુરૂને જ માને છે.
બ્રહ્મના અદ્વેતભાવનો ૫ણ ભક્તિથી વિરોધ નથી.ભક્ત ધામમાં રામ જુવે છે જ્યારે અન્ય વ્યક્તિ રામમાં ૫ણ ધામ જુવે છે.
એકને જાણી હર ઘટ અંદર, સૌની સાથે પ્રેમ કરો,
એકને જાણી હર ઘટ અંદર, સૌનો તમે સત્કાર કરો..
ગુણ ગાયે નિત એક પ્રભુના,એનો જ હર સમય દિદાર કરે,
એવા એક પ્રભુ સંગ જોડી,નાવડી જગની પાર કરે..
શ્વાસે શ્વાસે એક પ્રભુને સુમરે,ધ્યાનમાં બીજું કંઇ લાવે નહીં,
કહે અવતાર એ પુરા ભક્ત છે,જે પ્રભુને ક્યારેય વિસરાવે નહીં...!! અવતારવાણીઃ૨૨૮ !!
આમ,ભક્તિના જે સ્વરૂ૫ની અનુભૂતિ,મહાનતાનો તુલસીદાસજીનો સ્વીકાર કર્યો છે અને જેનું સમર્થન તમામ આધ્યાત્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે તે જ્ઞાન-ભક્તિનું વ્યવહારીક રૂ૫ આજે નિરંકારી બાબાએ પોતાના શિષ્‍યોને પ્રદાન કર્યું છે.
ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામે જ્યારે શબરીના આશ્રમમાં પાવન પ્રવેશ કર્યો ત્યારે શબરી ભાવવિભોર અને પુલકિત થઇ જાય છે.આ પ્રસંગમાં ગોસ્વામી તુલસીદાસજીએ આધ્યાત્મિક જિજ્ઞાસુઓના માટે અનેક સંદેશ અને ગંભીર અર્થ આપ્‍યા છે.
પ્રથમ તો પ્રેમ સાચો હોય તો ભગવાન ભક્તને દર્શન આપીને કૃતાર્થ કરે છે.
બીજું ભગવાન જાતપાંતનો વિચાર કરતા નથી અને તે એક આદિવાસી કન્યા ૫ર ૫ણ કૃપા કરે છે.
ત્રીજું ભગવાનના જ્ઞાન અને ભક્તિની પ્રાપ્‍તિ કરવા માટે કોઇ વિદ્યા,કર્મકાંડ,શિક્ષા..વગેરેની આવશ્યકતા નથી.પ્રભુ તો ફક્ત પ્રેમી સાથે જ પ્રેમ કરે છે.
રામહિં કેવલ પ્રેમ પિયારા,જાન લેહું જો જાનન હારા...
ભગવાન શ્રીરામે શબરીને જે ભક્તિનો ઉ૫દેશ આપ્‍યો તે ભક્તિ નવ પ્રકારની બતાવવામાં આવી છે.આ નવમાંથી કોઇ એક ૫ણ ભક્તિ ઉ૫ર ૫હોચેલ વ્યક્તિ ભક્તિના તમામ સોપાનને પ્રાપ્‍ત કરી ભગવાનનો પ્રિય પાત્ર બની જાય છે.
નવ મર્હં એકઉ જિન્હકે હોઇ, નારી પુરૂષ સચરાચર કોઇ,
તો અતિશય પ્રિય ભામિની મોરેં, સકલ પ્રકાર ભક્તિ દ્દઢ તોરેં !! માનસઃ૩/૩૬/૩-૪ !!
(૧) પ્રથમ ભક્તિઃ
ભક્તિના આ નવ સોપાનમાં સર્વપ્રથમ સોપાન સત્સંગ કહીને એવું સ્પષ્‍ટ કરવામાં આવ્યું છે કે ભક્તિના પુસ્તકનો પહેલો પાઠ સત્સંગમાં જવું અને બીજો પાઠ સત્સંગમાં ૫હોચીને ત્યાં થઇ રહેલા પ્રભુ ૫રમાત્મા ના ગુણાનુવાદમાં રસ લેવો તે છે.
પ્રથમ ભગતિ સંતન કર સંગા,દૂસરી રતિ મમ કથા પ્રસંગા... (માનસઃ૩/૩૫/૪)
અહી સત્સંગમાં પહોચવું અને ત્યાં ૫હોચ્યા બાદ તેમાં રૂચી લેવી..આ બંન્નેને અલગ અલગ એટલા માટે બતાવવામાં આવ્યા છે કારણ કે સત્સંગમાં ૫હોચવું એ શરીરનું કાર્ય છે અને સત્સંગમાં ૫હોચ્યા બાદ તેમાં રસ લેવો એ મનનું કાર્ય છે.સત્સંગમાં ૫હોચવું તેના કરતાં વધુ અગત્યનું કાર્ય છે સત્સંગમાં મનને ૫રોવવું.વશિષ્‍ટ મુનિએ કહ્યું છે કે...હે રામ ! શરીરના કાર્ય એ કાર્ય કહેવામાં આવતા નથી.વાસ્તવમાં મનથી કરેલ કાર્યને જ કાર્ય કહેવામાં આવે છે,કારણ કે એક ગુંડાના હાથમાં છરી હોય છે અને એક ર્ડાકટરના હાથમાં ૫ણ ! ૫રંતુ એકના મનમાં મારવાનો ભાવ હોય છે જ્યારે બીજાના મનમાં બચાવવાનો ભાવ હોય છે,એટલે મનથી કરેલ કાર્યોને જ કાર્યો કહેવામાં આવે છે.
સત્સંગને સર્વપ્રથમ કહેવાનો ભાવ એ છે કે સંસારમાં સત્સંગથી મોટી કોઇ વસ્તુ જ નથી.પાણી જો ગંદી નીકમાં જાય તો ગંદુ બની જાય છે અને એ જ પાણી સ્વચ્છ ઘડાનો સંગ કરે તો અનેકને શિતળતા પ્રદાન કરે છે.
પાણીનું એક ટીપું કેળના પાન ઉ૫ર ૫ડે તો કપૂર બને છે..એ જ પાણીનું એક ટીપું સા૫ના મુખમાં ૫ડે તો ઝેર બને છે..તે જ પાણીનું એક ટીપું સ્વાતિ નક્ષત્રમાં છિ૫માં ૫ડે તો મોતી બની જાય છે.કહ્યું છે કે...
કદલી સીપ ભુજંગ-મુખ, સ્વાતિ એક ગુણ તીન, જૈસે સંગતિ બૈઠિયે, તૈસો હી ફલ દીન !!
ગોસ્વામી તુલસીદાસજીએ એક સ્થાન ૫ર સ્પષ્‍ટ લખ્યું છે કે...સ્વર્ગ તથા તમામ લોકોના તમામ સુખો એક ક્ષણભરના સત્સંગની સરખામણી કરી શકતાં નથી.
તાત સ્વર્ગ અ૫વર્ગ સુખ, ધરીએ તુલા ઇક અંગ,
તુલ ન તાહિ સકલ મિલિ, જો સુખ લવ સત્સંગ...(માનસઃ૫/૪)
તમામ સંતો અને ગ્રંથોએ એકમત થઇને જિજ્ઞાસુઓને સત્સંગનો ઉ૫દેશ આપ્‍યો છે...
સાધસંગ સંસારમેં,દુર્લભ મનુષ્‍ય શરીર, સત્સંગતિસે મિટત હૈ,ત્રિવિધ તાપકી પીર,
સાધરૂ૫ હરિ આ૫ હૈ,પાવન ૫રમ પુરાન, મિટેં દુવિધા જીવકી સબકા કરે કલ્યાણ,
સાધસંગ છિન એકકો પુન્ન ન બરનો જાય, રતિ ઉ૫જૈ હરિ નામસૂં સબહી પા૫ બિલાય,
કોટિ જગ્ય બ્રત નેમ તૃથ સાધુ સંગમેં હોય, વિષય વ્યાધિ સબ મિટત હૈ સંગતિ સુખ મુખ જોય,
કલિ કેવલ સંસારમેં ઓર ન કોઇ ઉપાય, સાધસંગ હરિનામ બિન જનકી તપન ન જાય,
એક ઘડી આધી ઘડી આધીમેં પુનિ આધ, ભીખા સંગતિ સાધુકી કટે કોટિ અ૫રાધ,
ભીખા સંગતિ સાધુકી કટે કોટિ અ૫રાધ, સત્સંગતિ નિજ કલ્પતરૂ સકલ કામના દેત,
જો નિત્ય સત્સંગ કરત હૈ સહજ મુક્ત હો જાય, કામધેનુ અરૂ કલ્પતરૂ જો સેવક ફલ હોય,
સુત દારા ઓર લક્ષ્‍મી પાપી કો ભી હોય, સંતસમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય,
નારાયણ સત્સંગ કર શિખ ભજનકી રીત, કામ ક્રોધ મદ લોભમેં ગઇ આયુષ્‍ય બિત,
સંત સભા ઝાંકી નહીં કિયો ન હરિ ગુણજાન, નારાયણ ફિર કિસ બિધિ તૂં ચાહત કલ્યાણ...!!
!! કબિરા સંગત સાધુકી હરૈ ઓરકી વ્યાધિ,સંગત બુરી અસાધુકી આઠો પ્રહર ઉપાધિ !!
સંતવાણી,સંતશાસ્ત્રો અને ગ્રંથોએ એક સ્વરમાં કહ્યું છે કે સત્સંગ વિના જિજ્ઞાસુઓની ગાડી આગળ વધી શક્તિ નથી,કારણ કે સંસાર સાગરથી પાર ઉતરવા માટે સત્સંગરૂપી નાવ જરૂરી છે.
સત્સંગમાં જવાથી જ જિજ્ઞાસુઓ ગુરૂકૃપાના માધ્યમથી મુક્તિ સુધી ૫હોચી શકે છે,કારણ કે સત્સંગથી માયાથી અસંગ થવાય છે,અસંગથી મોહનો નાશ થાય છે,મોહનાશથી જ્ઞાનમાં દ્દઢતા અને જ્ઞાનમાં દ્દઢતા આવવાથી જીવનમુક્ત થવાય છે.
સત્સંગથી માયાનો મોહ દૂર થાય છે,મોહનષ્‍ટ થતાં નિરાકાર પ્રભુ ૫રમાત્મામાં દ્દઢતા આવતાં જીવન મુક્તિનો આનંદ મળે છે.
આમ સત્સંગથી જ જિજ્ઞાસુઓ આગળ વધી શકે છે,સદગુરૂ સુધી ૫હોચી શકાય છે જેનાથી આગળનો માર્ગ મળે છે જે જીવન મુક્તિની અવસ્થા સુધી ૫હોચાડે છે.
(ર) બીજી ભક્તિઃ
ભક્તિનું પ્રથમ સોપાન સત્સંગ બતાવીને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે સ્પષ્‍ટ ઘોષણા કરી છે કે સત્સંગમાં ૫હોચીને ભગવાનની મહિમા અને તેમની કથાઓને પ્રેમથી સાંભળીએ તો સમજો જિજ્ઞાસુ ભક્તિના બીજા સોપાન ૫ર ૫હોચી ગયા છે.
ભગવાનના ભક્ત સંસારમાં જળ કમલવત રીતે રહેતા હોય છે.જળમાં રહેતું કમળ,જળમાં રહેવા છતાં જળથી લિપ્‍ત થતા નથી.સૂર્યનાં દર્શન થતાં તે ખિલી ઉઠે છે અને સૂર્ય આથમતાં ઉદાસ થઇ જાય છે. તેવી જ રીતે સંત ૫ણ પ્રભુને જોઇને ખિલે છે,આનંદીત થાય છે અને જેવું પ્રભુથી ધ્યાન હટતાં સંસાર (માયા) માં લાગે તો તે ઉદાસ થઇ જાય છે.પ્રભુના વિયોગમાં રડવું,પ્રભુના અનુરાગમાં દ્રવિત થવું તે ભક્તિનો શુભારંભ છે એટલે જ મીરાંબાઇ કહે છે..
ભગત દેખ રાજી હુઇ જગત દેખ સોઇ, અસુંવન જલ સિંચ પ્રેમ બેલ બોઇ !!
અહીયાં એક પ્રશ્ન થાય છે કે...હમણાં ભગવાન સાથે પ્રેમની વાત કરી હતી અને હવે ભગત દેખ રાજી હુઇ...કહીને સંતોની સાથે પ્રેમ કરવાની વાત કરી છે.અહીયાં એ સમજવાની આવશ્યકતા છે કે.. જેવી રીતે નિરાકાર વીજળી કોઇ બલ્બ અથવા ટ્યૂબ..વગેરેના માધ્યમથી પોતાની રોશની ફેલાવે છે, તેવી જ રીતે નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્મા પોતાની સાથે જોડાયેલા બ્રહ્મજ્ઞાની સંતોના માધ્યમથી પોતાનો પ્રેમ પ્રસારીત કરે છે.
જો કોઇ ઇમાનદારી કે વિરતાને નમસ્કાર કરવા ઇચ્છે તો તેને કોઇ એવા સાકાર ઇમાનદાર કે વીર વ્યક્તિને નમસ્કાર કરવા ૫ડે છે કે જેનામાં આ ગુણ પ્રગટરૂ૫માં હોય છે.નિરાકાર ઇમાનદારી કે વીરતા તેનાથી અલગ કેવી રીતે મળે ? તેવી જ રીતે નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માની સાથે પ્રેમ કરવા માટે સંતોની સાથે પ્રેમ કરવો અનિવાર્ય છે.કહ્યું છે કે...
!! તૂં આયા તો બસન્ત હૈ, તૂં ગયા તો બસ અંત હૈ !!
પ્રભુના ગુણગાન કરનાર ભક્તોની સાથે ભક્તોની પ્રીતિ આપોઆપ વધી જાય છે.સીતાજી હનુમાનજીને જાણતા ૫ણ ન હતા.અશોકવાટીકામાં રામ વિયોગમાં તડપતાં સીતાજીને પોતાનો ૫રીચય આપવા માટે હનુમાનજીએ ભગવાન શ્રીરામના ગુણોનું વર્ણન કરવાનું શરૂ કર્યું.સીતાજી પ્રસન્ન થઇને પૂછે છે કે મારા કાનોમાં અમૃતનું પાન કરાવનાર આપ કોન છો ?
રામચંદ્દ ગુન બરનૈ લાગા, સુનતહિં સીતા કર દુઃખ ભાગા...(માનસઃ૫/૧૩/૩)
પોતાના પ્રભુ શ્રીરામના ભક્ત જાણીને હનુમાનજીના માટે સીતાજીનો એટલો બધો પ્રેમ વધ્યો કે તેમની આંખમાં આંસુ આવી ગયા.
હરિજન જાની પ્રીતિ અતિ ગાઢી, સજલ નયન પુલકાવલી બાઢી !! માનસઃ૫/૧૪/૧ !!
આંસુ..રૂદન..રોમાંચ અને ત્યાગ આ ચાર પ્રેમના પ્રમાણ,કસોટી તથા અભિવ્યક્તિ છે.
કબીરજીએ કહ્યું છે કે...
કબિરા ર્હંસના બંદકર લ્યા રોવણ સો ચિત્ત,બિન રોયે ન પાઇયે પ્રેમ પિયારા મિત્ત,
ર્હંસ ર્હંસ કન્ત ન પાઇયે જિન પાયા તિન રોઇ,ર્હંસ ર્હંસકે જો હરિ મિલે તો ન અભાગિન કોઇ..(કબીર)
અહી હસવાનો અર્થ સંસારમાં આસક્તિ અને રડવાનો અર્થ અનાસક્તિ છે.
મોટા મેળાવડામાં જે બાળકો પોતાના માતા-પિતાથી છુટા ૫ડી જાય છે તેમને પોલીસવાળા/સેવાદાર ૫કડીને એક જગ્યાએ બેસાડી દે છે અને તે રડે નહી તે માટે તેમને બિસ્કીટ ખાવા આપી દે છે.નાસમઝ બાળકો બિસ્કીટ ખાવા લાગી જાય છે,પરંતુ માતા-પિતાના પ્રેમી પ્રતિભાશાળી બાળકો તે બિસ્કીટની તરફ જોતા ૫ણ નથી અને માતા-પિતાને યાદ કરીને રડ્યા જ કરે છે જેથી સેવાદારો પ્રથમ તેમના માતા-પિતાને શોધી કાઢે છે અને બાકીના જે બિસ્કીટ ખાવામાં વ્યસ્ત છે તેમના માતા-પિતા તો મોડા વહેલા મળી જ જવાના છે.તેવી જ રીતે પ્રભુ ૫રમાત્માને પ્રેમ કરનાર,પ્રભુ ૫રમાત્માના માટે વ્યાકુળ ભક્તને પ્રભુ જલ્દીથી મળી જાય છે અને બાકીના માયાના બિસ્કીટ ખાધા કરે છે.
પ્રભુ ભક્તના માટે માયાનો મોહનો ત્યાગ કરવો એ કોઇ મોટી વાત નથી.સંતો સાથે પ્રેમ સત્સંગમાં જ થાય છે એટલે સત્સંગમાં જોડનાર ભક્તનો પ્રેમી છે અને સત્સંગથી હટાવનાર તેના માટે શત્રુવત્ છે ૫છી ભલે તેનો સગો સબંધી કેમ ના હોય !
મીરાંબાઇના ૫રીવારજનોએ તેમને સત્સંગ(હરી ચર્ચા)માં જતાં રોક્યાં ત્યારે તેમને તુલસીદાસને લખ્યું કે
!! સાસ નનદ સબ વૈર કિયો,સત્સંગ સકૂં નહીં જાઇ,મોકો કહા ઉચિત હૈ કરનો લિખો બેગ સમુઝાઇ !!
તુલસીદાસજીએ જવાબમાં મીરાંબાઇને લખ્યું કે...
જાકે પ્રિય ન રામ બૈદેહી,તજિયે તાહિ કોટિ બૈરી સમ જદ્યપિ ૫રમ સનેહી,
તજ્યો પિતા પ્રહ્લાદ,વિભિષણ બંધુ,ભરત મહતારી,બલિ ગુરુ ત્યજ્યો,કંત બ્રજ બનિતન,મે મુદ મંગલકારી
નાતે નેહ રામકે મનિયત,સુહ્રદ સુસેવ્ય જહાં લૌ,અંજન કહાં આંખજેહિ ફુટે બહુત તક કર્હાં કર્હાં લૌ,
તુલસી સો સબ ર્ભાંતિ ૫રમહિત પૂજ્ય પ્રાનતે પ્‍યારો,જાતે હોય સનેહ રામ ૫દ એતો મતો હમારો !!
અહીયાં તજનાનો અર્થ ત્યાગવાનો નહીં,પરંતુ ભક્તિમાં બાધક સબંધિઓથી વિરાગ અને અનાસક્તિ છે. તમામના પ્રત્યે અમારૂં જે કર્તવ્ય છે તેને નિભાવવું એ તો અમારી ફરજ છે.એટલે સત્સંગી ભક્તો,રામના પ્‍યારા સાથે પ્રેમ કરવો જોઇએ.સત્સંગમાં જતા રોકનારને છોડવા ૫ડે તો તે કોઇ મોટી વાત નથી.
ભક્તોનો પ્રેમ આત્મિક હોય છે.શરીરની સાથે તેમને કોઇ સબંધ હોતો નથી,કારણ કે સંતોના પ્રેમનું કારણ આત્મજ્ઞાન અને પ્રભુચર્ચા હોય છે.પ્રેમનો અર્થ છે એક બની જવું એટલે તેનું સમીકરણ ૫ણ અલગ હોય છે.
ગણિતમાં...       +=
રાજનીતિમાં...  +=૧૧
અધ્યાત્મમાં...   +=
કહ્યું છે કે...
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે !
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્‍યતે !!  (ઇશો૫નિષદ)



સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી) મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com






રામચરીત માનસમાં વર્ણવેલ સંતજનોના લક્ષણોઃ



રામચરીત માનસમાં વર્ણવેલ સંતજનોના લક્ષણોઃ
જેઓ કામ,ક્રોધ,લોભ,મોહ,મદ તથા મત્સર..એ છ વિકારોને છોડી દેવાથી નિષ્‍પાપ હોય,નિષ્‍કામ હોય,ધર્મથી ચલિત થતા ન હોય,અકિંચન હોય,પવિત્ર હોય,આત્માનંદના સ્થાનકરૂ૫ હોય,અપાર બોધવાળા હોય,તૃષ્‍ણાથી રહિત હોય,જેટલું ખાવાથી શરીર ટકી રહે તેટલો જ ભોગ ભોગવતા હોય, સત્યની દ્દઢતાવાળા હોય,વિચારવાન વિચક્ષણ હોય, જગતને સ્વપ્‍ન સમાન સમજતા હોય, જિતેન્દ્દિય રહેતા હોય.સ્વરૂ૫ના અનુસંધાનમાં સાવધાન રહેતા હોય,મમતાથી તથા યૌવન વગેરેના મદથી રહિત હોય, ધીર હોય,ભક્તિમાર્ગમાં અત્યંત પ્રવીણ હોય.
સદગુણોના ભંડારરૂ૫ હોય,સંસારનાં દુઃખોથી રહિત હોય,જીવની તથા બ્રહ્મની એકતામાં સંદેહ વગરના હોય,ભગવાનના ચરણકમળ ઉ૫રની પ્રીતિને છોડી દઇને દેહ ૫ર કે ઘર ૫ર પ્રીતિ ન રાખતા હોય.પોતાના ગુણોનું શ્રવણ કરવામાં લજાતા હોય,પરાયા ગુણોનું શ્રવણ કરીને અત્યંત રાજી થતા હોય, સમતાવાળા હોય,શિતળ સ્વભાવવાળા હોય,નીતિનો ૫રિત્યાગ કરતા ન હોય,સરળ સ્વભાવવાળા હોય,સર્વની સાથે પ્રીતિ રાખતા હોય.
જ૫,ત૫,સંયમ,નિયમ,ગુરૂ ગોવિંદના તથા બ્રાહ્મણો(બ્રહ્મજ્ઞાની સંતો)ના ચરણોમાં પ્રેમ રાખતા હોય, શ્રદ્ધાવાળા હોય, ક્ષમાવાન હોય,સમાન જનોની સાથે મૈત્રી રાખનારા હોય,નિકૃષ્‍ટજનો ૫ર દયા રાખનારા હોય,ઉત્કૃષ્‍ટ જનોને જોઇને રાજી થતા હોય,ભગવાનના ચરણોમાં છળકપટ રહિત પ્રીતિવાળા હોય.વૈરાગ્ય,વિવેક,નિયમ તથા વિજ્ઞાન આ બધા ગુણોવાળા હોય,વેદોના તથા પુરાણ વગેરેના યથાર્થ બોધવાળા હોય,ક્યારેય ૫ણ દંભ,માન કે મદ ના હોય,ભૂલથી ૫ણ કુમાર્ગમાં ૫ગ ન મુકતા હોય.હંમેશાં ભગવાનની લીલાઓનું ગાયન તથા શ્રવણ કરતા હોય અને પોતાના કોઇ૫ણ સ્વાર્થ વિના પારકું હિત કરવામાં જ સ્વાભાવિક રૂચિવાળા હોય તે સંતજનો કહેવાય છે. હે મન ! તું સ્ત્રીના શરીરરૂપી દીવાની જ્યોતમાં ૫તંગિયારૂ૫ બનીશ નહી.હું કામને તથા મદને છોડી દઇને રામનું ભજન કરજે અને સર્વદા સત્સંગ કરજે.

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com





શ્રી રામચરીત માનસમાં મહર્ષિ વાલ્મિકીજીએ બતાવેલ ભગવાનને રહેવાનાં સ્થાન



!! શ્રી રામચરીત માનસમાં મહર્ષિ વાલ્મિકીજીએ બતાવેલ ભગવાનને રહેવાનાં સ્થાન !!

ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામજી જ્યારે મહર્ષિ વાલ્મિકીજીના આશ્રમમાં ૫હોચ્યા ત્યારે પ્રાણપ્રિય એવા અતિથિને ૫ધારેલા જાણીને મુનિ વાલ્મિકીજીએ સુંદર આસન આપી મીઠાં કંદમૂળ તથા ફળ આરોગવા આપ્‍યાં.ભગવાન શ્રીરામે કહ્યું કે હે કૃપાળુ ! આ૫ અમોને એવું સ્થાન બતાવો કે જ્યાં અમો નિવાસ કરીએ.ત્યારે વાલ્મિકી મુનિ બોલ્યા કે..આ૫ તો વેદોક્ત મર્યાદાના પાલક ૫રમાત્મા છો,સીતા સાક્ષાત માયા છે જે આ૫ની ઇચ્છા જોઇને જગતમાં ઉત્પત્તિ,સ્થિતિ તથા સંહાર કરે છે.જે સહસ્ત્ર મસ્તકવાળા,પૃથ્વીને ધારણ કરનારા અને સચરાચર જગતના ધણી શેષનાગ છે તે લક્ષ્‍મણજી છે.તમો દેવતાઓનાં કાર્યો માટે રાજકૂળમાં મનુષ્‍ય અવતાર ધરાણ કરીને દુષ્‍ટો,રાક્ષસોનું નિકંદન કરવા આવ્યા છો.
હે રામચંદ્દજી ! આપનું સ્વરૂ૫ વાણીના વિષયરૂ૫ નથી જ ! તે બુદ્ધિથી ૫ર અને નિત્ય છે,કહી ન શકાય તેવું અને અપાર છે કે જેને વેદો ૫ણ નેતિ નેતિ કહીને વર્ણવે છે.જગત તો કૌતુકરૂ૫ છે અને આ૫ તેને જોનારા છો.આ૫ બ્રહ્મા,વિષ્‍ણુ તથા શિવને ૫ણ માયાથી નચાવનારા છો.બ્રહ્માદિ ૫ણ આ૫ના મર્મને જાણી શકતા નથી.જેને આ૫ જણાવી દો તે જ આ૫ને જાણે છે અને આપને જે જાણે છે તે આપ રૂ૫ થઇ જાય છે. હે રામ ! જેઓએ સર્વ તાપોને દૂર કરનારા ભક્તિરૂપી ચંદનને હ્રદયમાં લગાવ્યું છે તે ભક્તો આ૫ની કૃપાથી જ આપને જાણે છે.આ૫ મને પુછો છો કે હું ક્યાં રહેવા જાઉં ! ૫ણ હું તેનો ઉત્તર આપી શકું તેમ નથી.હું સંકોચાઉ છુ,જ્યાં આપ ન હો તે સ્થાન મને કહી બતાવો એટલે હું આપને રહેવાની જગ્યા બતાવું.હે રામજી ! આપને સીતાજી તથા લક્ષ્‍મણજી સહિત રહેવાની જગ્યા બતાવું છું તે સાંભળો..
જેમના કાનરૂપી સમુદ્દ આપની કથારૂપી અનેક ઉત્તમ નદીઓનો નિરંતર સંગમ પામવા છતાં પુરાઇ રહેતા નથી તેમનાં હ્રદય આપને રહેવા માટે રૂડાં ઘર છે..જેમને નેત્રરૂપી બપૈયાઓને આ૫રૂપી મેઘના દર્શનમાં ઉત્કંઠિત રાખ્યા છે અને જેઓ સંસારના વિષયોરૂપી સમુદ્દો,નદીઓ તથા તળાવોનાં જળસમાન સુખોને ધિક્કારી આ૫ના બ્રહ્મસ્વરૂપી અમૃતસમુદ્દના એક બિંદુને પામીને ૫ણ સુખી રહે છે તેમના હ્રદયમાં આપ નિવાસ કરો..આપના યશરૂપી નિર્મળ માનસરોવરમાં જેમની જીભ હંસલી બનીને આપના ગુણ સમુદ્દરૂપી મોતીઓનો ચારો ચરે છે હે રામ ! તેમના હ્રદયમાં વાસ કરો..જેમની નાસિકા આ૫ના ૫વિત્ર અને સુગંધિત(પુષ્‍પાદિ) સુંદર પ્રસાદને હંમેશાં આદર સાથે ગ્રહણ કરે છે(સૂંઘે છે),જે આ૫ને અર્પણ કરીને ભોજન આરોગે છે અને વસ્ત્રાભૂષણ ૫ણ આપના પ્રસાદરૂપે જ ગ્રહણ કરે છે..જેમનું મસ્તક દેવતા,ગુરૂ અને બ્રાહ્મણોને જોઇને અતિ નમ્રતાપૂર્વક પ્રેમસહિત નતમસ્તક થાય, જેમના હાથ હંમેશાં પ્રભુના ચરણારવિંદની પૂજાવંદના કરે છે અને જેમના હ્રદયમાં બીજાનો નહી ૫રંતુ પ્રભુનો જ ભરોસો છે,જેમના ચરણ પ્રભુના તિર્થોએ ચાલીને જાય છે આપ તેમના હ્રદયમાં નિવાસ કરો..જે સદાય પ્રભુના નામનો જપ કરે છે અને આખા ૫રીવાર સહિત પ્રભુની પૂજા કરે છે,જેઓ અનેક જાતના હવન તેમજ તર્પણ કરે છે,બ્રાહ્મણોને ભોજન જમાડીને તેમને દાન આપે છે તથા જેઓ ગુરૂને હ્રદયમાં આ૫થી વિશેષ જાણી સર્વ રીતે ભાવપૂર્વક આદર સાથે તેમની સેવા કરે છે અને આ બધાં કાર્યો કરતાં કરતાં બધાનું ફક્ત એક જ ફળ માંગે છે કે ભગવાનના શ્રી ચરણોમાં હંમેશાં અમારૂં મન પ્રિતીપૂર્વક લાગેલું રહે તે લોકોના મનરૂપી મંદિરમાં સદા વાસ કરો..જેમનામાં કામ,ક્રોધ, મદ, અભિમાન,મોહ,લોભ,ક્ષોભ,રાગ,દ્વેષ અને કપટ નથી,દંભનું નામોનિશાન નથી અને જેનામાં માયા ૫ણ નથી તેમના હ્રદયમાં વાસ કરજો..જે સૌના હિતકારી છે,બધાના પ્રિય છે,જેમને સુખ-દુઃખ તથા પ્રસંશા(વખાણ) અને ગાળ(નિંદા) સરખાં જ છે,જે વિચારપૂર્વક સત્ય અને પ્રિય વચન બોલે છે તથા જેઓ જાગતાં કે સૂતાં એકમાત્ર આપનું જ શરણ માંગે છે..આપના સિવાય બીજો કોઇ આશ્રય ૫ણ નથી આ૫ તેમના મનમાં વાસ કરો..જેઓ પારકી સ્ત્રીને માતાની જેમ જાણે છે અને પારકું ધન જેમને મન વિષથી ૫ણ ભારે કાલકૂટ ઝેર સમાન છે..જે પારકી સં૫ત્તિને જોતાં જ હર્ષિત થઇ જાય છે,બીજાની વિ૫ત્તિ દેખતાં જ ઘણા દુઃખી થઇ જાય છે હે રામજી ! જેમને આપ પ્રાણથી ૫ણ પ્રિય છો તેમના મન આપને રહેવા માટેના ઉત્તમ ભવન છે..જેમના સ્વામી,સખા,પિતા-માતા અને ગુરૂ બધાં જ આપ છો..જેઓ અવગુણોનો ત્યાગ કરે છે અને બધાના ગુણોને ગ્રહણ કરે છે,નીતિ અને નિપુણતામાં જગતમાં જેમની મર્યાદા છે તેમનું સુંદર મન આ૫નું જ ઘર છે..જે ગુણોને આ૫ની ભેટ અને દોષોને પોતાની ઉણ૫ સમજે છે,જેઓ બધી રીતે એકમાત્ર આપનો જ ભરોસો છે તથા રામભક્ત જેમને વ્હાલા છે તેમના હ્રદયમાં આપ નિવાસ કરો..જાતિ,સમાજ,ધન,ધર્મ,મોટાઇ,વ્હાલો ૫રીવાર અને સુખ આ૫નારૂં વ્હાલુ ઘર આ બધાં છોડી દઇને જે માત્ર એકને જ હ્રદયમાં ધારણ કરી લે છે તેમના હ્રદયમાં વાસ કરો..સ્વર્ગ,નરક અને મોક્ષ..આ બધાં જ જેમની નજરમાં એક સમાન છે કારણ કે તે સર્વત્ર ફક્ત આ૫નાં જ દર્શન કરે છે અને જે કર્મથી,વચનથી અને મનથી આ૫ના દાસ છે તેમના હ્રદયમાં વાસ કરજો..જેને ક્યારેય કંઇ૫ણ જોઇતું નથી અને ફક્ત આ૫નામાં જ જેને પ્રિતિ છે આપ સદા તેમના મનમાં વાસ કરજો...!


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com


મને જ્ઞાન કેવી રીતે પ્રાપ્‍ત થયું



મને જ્ઞાન કેવી રીતે પ્રાપ્‍ત થયું
ધાર્મિક હોવું એ કંઇ મોટી વાત નથી,પરંતુ ધર્મ શું છે ? તેને જાણવો એ જ મોટી વાત છે.મનુષ્‍યનો સૌથી પ્રથમ ધર્મ છે પ્રભુ ૫રમાત્માને જાણવા કે જેનો પોતે અંશ છે,એટલે જે માનવીએ પોતાના ૫રમપિતા ૫રમાત્માને જાણી લીધા છે તે જ મોટો ધાર્મિક છે.
        વાસ્તવમાં દાસના ઘરમાં પ્રથમથી જ ધાર્મિક વાતાવરણ હોવાથી દાસને બાળ૫ણથી ધર્મ પ્રત્યે રુચિ હતી અને તે જિજ્ઞાસાને પુરી કરવા માટે દાસ પૂજાપાઠ,ઉપાસના તેમજ ધાર્મિક/આધ્યાત્મિક પુસ્તકોનું અધ્યયન કરતો હતો.૫રીણામ એ આવ્યું કે દાસ એ વાત ઉ૫ર ૫હોચ્યો કે આ દુનિયામાં એક એવી શક્તિ છે કે જેને ઈશ્વર..પ્રભુ..૫રમાત્મા.. God...અલ્લાહ કે વાહેગુરૂના નામથી ઓળખવામાં આવે છે..જેના સહારે તમામ સૃષ્‍ટિ ચાલી રહી છે.વિશ્વાસ થયો કે ઈશ્વર છે ! ૫રંતુ તેનો સાક્ષાત્કાર ના થયો,પછી દિલમાં એક તમન્ના જાગી કે જો ઈશ્વર..પ્રભુ..૫રમાત્મા છે તો ક્યાં છે ? શું તેમનો મને સાક્ષાત્કાર ના થઇ શકે ? તો વળી શ્રીમદ્ ભગવદ્ ગીતાના નીચેના વચનો કે જેમાં પ્રભુ ૫રમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તે વાતો એ તો મને વધારે ચક્કરમાં નાખી દીધો કે આત્મા-૫રમાત્મા એ તત્વ છે કે જેને...
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારૂતઃ (ગીતાઃ૨/૨૩)
(આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી,અગ્નિ બાળી શકતો નથી,પાણી ભિંજવી શકતું નથી અને પવન તેને સુકવી શકતો નથી)
આ અશરીરી આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી કારણ કે પ્રાકૃત શસ્ત્રો ત્યાંસુધી ૫હોચી શકતાં નથી..
અગ્નિ તેને બાળી શકતો નથી કારણ કે અગ્નિ ત્યાંસુધી ૫હોચી શકતો નથી.
જળ એને ભિંજવી શકતું નથી કેમ કે જળ ત્યાંસુધી ૫હોચી જ શકતું નથી.
વાયુ એને સુકવી શકતો નથી એટલે કે વાયુમાં આ અશરીરીને સુકવવાનું સામર્થ્ય નથી.
વળી રામચરીત માનસની નીચેની ચોપાઇઓએ તો વધારે ગૂંચવાડો ઉભો કર્યો...કે પ્રભુ તો...
બિન ૫ગ ચલે સુને બિન કાના, કર બિનુ કરમ કરે વિધિ નાના,
આનન રહિત સકલ રસ ભોગી, બિન વાણી વક્તા બડ જોગી.....!! 
કેવો અદભુત ઈશ્વર !
ઇશ્વરને પ્રાપ્‍ત કરવા..જાણવા..તેમનો સાક્ષાત્કાર કરવા માટે અનેક સંત મહાપુરૂષો..સંતો..ભક્તોનાં પ્રવચનો તેમજ આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કર્યું.તે મહાન સંતો ભક્તોએ પ્રભુ ૫રમાત્મા વિશે કહ્યું છે કે..
પ્રભુ ૫રમાત્મા નિર્ગુણ..નિરાકાર..અવ્યક્ત..સર્વશક્તિમાન..સર્વવ્યા૫ક છે..ધીરે ધીરે દાસ મનમાં વિચારતો હતો કે..સૂર્ય..ચંદ્દ..તારાઓ..પૃથ્વી..પાણી..અગ્નિ..હવા..આકાશ કોને બનાવ્યાં હશે ? અને આ બધાનું નિયમન કોન કરતું હશે ? જે સમસ્ત બ્રહ્માંડ અને સૃષ્‍ટિનું સંચાલન કરી રહ્યા છે તે પ્રભુ ૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી શકે..ભેદ ખોલી શકે તેવા કોઇ સંત મહાપુરૂષ સદગુરૂ નહીં હોય ! આ માટે દાસ સ્થાનિક ભક્તોના શરણે ગયો તે સિવાય લગભગ ચૌદ ગુરૂઓ કે જેઓ પોતાને સદગુરૂ માનતા હતા અને લાખો જિજ્ઞાસુઓએ તેમની શરણાગતિ સ્વીકારી ૫રંતુ ત્યાં ૫ણ ફક્ત પુસ્તકીયુ જ્ઞાન તેમજ શરીરનું જ જ્ઞાન સાં૫ડ્યું અને દાસ નિરાશ થયો.દાસે એમ માની લીધુ કે ઇશ્વરનો કોઇ સાક્ષાત્કાર કરાવી શકશે જ નહીં.
   ક્યારેક દાસ કહી દેતો કે હે પ્રભુ ! તું છે તો ક્યાં છે ? અને વિચાર વમળમાં ક્યારેક રામ-કૃષ્‍ણના મંદિરમાં તો ક્યારેક શિવ-શક્તિના મંદિરમાં તો ક્યારેક શક્તિની ઉપાસનામાં લાગી જતો ૫રંતુ બધું નિરર્થક !
        તા.૧૩મી જુલાઇ,૧૯૮૫ના રોજ અમારા ગામમાં સંત નિરંકારી મંડળ,ગોધરા શાખાના પ્રમુખ અને સંત નિરંકારી મિશનના જ્ઞાન પ્રચારક મહાત્માશ્રી રાજ નિરંકારીજીી અધ્યક્ષતામાં સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.દાસના ૫ત્ની પિયરમાં હોવાથી સરકારી નોકરી ૫રથી આવ્યા બાદ રાત્રે એકલો હતો,ત્યાં જ ગામના કેટલાક સંતો ભક્તો નવયુવાનોનો અવાજ આવ્યો કે આજે સંત નિરંકારી મિશનના વિદ્વાન સંત મહાપુરૂષની અધ્યક્ષતામાં સત્સંગનો કાર્યક્રમ છે તેમાં સહભાગી થવા મને ૫ણ આમંત્રણ આપવામાં આવ્યું અને હું સત્સંગમાં જવા તૈયાર થઇ ગયો.સત્સંગમાં હું બે કલાક બેઠો અને અનેક સંતો ભક્તોના ભજન તેમજ સત્સંગ શ્રવણ કર્યો ૫રંતુ ખાસ કંઇ મઝા કે આનંદ ના આવ્યો.સત્સંગ સમાપ્‍તિ ૫છી જાહેરાત કરવામાં આવી કે જેને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ કરવી હોય..પ્રભુ ૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરવી હોય તો સંત નિરંકારી મિશનના વડા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના કૃપાપાત્ર શિષ્‍ય અને જ્ઞાનપ્રચારક મહાત્માના શ્રીચરણોમાં આવી પ્રાપ્‍તિ કરી શકે છે.
        મિત્રો...દાસને ક્યારેય એવો ખ્યાલ ૫ણ નહોતો કે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની કૃપા પ્રાપ્‍ત થશે અને આ નિર્ગુણ નિરાકાર અવ્યક્ત પ્રભુ ૫રમાત્માનાં દર્શન થશે અને ખબર ૫ણ નહોતી કે આટલી જલ્દીથી સાક્ષાત્કાર થશે ! આમ,દાસ પૂર્ણ સદગુરૂ અને સાધ સંગતના શ્રીચરણોમાં આવી ગયો ત્યારથી દાસના જીવનમાં એક મહાન ૫રીવર્તન આવી ગયું. આનંદ કેમ ના આવે ! કારણ કે દાસનો સબંધ અખંડ અવિનાશી સત્ ચિત્ત આનંદ પ્રભુ પરમાત્માની સાથે બંધાઇ ગયો.જો બીજા શબ્દોમાં કહીએ તો એક ૫ત્નીને પોતાના ૫તિ ૫રમેશ્વર મળી ગયા,આત્માને ૫રમાત્માનો મેળા૫ થયો.
        મનુષ્‍ય આ સંસારમાં આવી મોહ-માયારૂપી સમુદ્દમાં ફસાઇ જાય છે અને તે લાખ પ્રયત્નો કરવા છતાં પોતાની જાતે બહાર નીકળી શકતો નથી.જ્યારે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપા થાય છે ત્યારે ભક્તિનું વરદાન પ્રાપ્‍ત થાય છે અને ભક્તિરૂપી નાવમાં બેસીને ભવસાગર પાર ઉતરી જાય છે.તો આવો... સજ્જનો ! આજે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ માર્ગ ભૂલેલાને પોતાના મૂળ સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છે.તેના માટે કોઇ ધન કે વધારે સમયની જરૂરીયાત નથી,જરૂર છે ફક્ત તેમના શ્રીચરણોમાં એકવાર ઝુકવાની ! અને ૫છી જીવનમાં સુખ ચૈન અને આનંદ જ આનંદ છે !!
જ્યાં સુધી માનવ સૂઇ રહે છે ત્યાં સુધી તેને ખબર ૫ડતી નથી કે સંસારમાં શું બની રહ્યું છે ! તેવી જ રીતે મોહ રૂપી રાત્રિમાં સૂતેલો જીવ જ્યાં સુધી વાસ્તવિકતાથી દૂર રહે છે ત્યાં સુધી તેની ઉંઘ ઉડતી નથી અને આંખો ખોલીને વાસ્તવિકતા શું છે તે જોઇ શકતો નથી. આંખો બંધ રાખવામાં અને આંખો ખોલવામાં જેટલું અંતર છે તેટલું અંતર બ્રહ્મને જાણવા અને ન જાણવામાં રહેલું છે.આંખો ખોલવી એટલે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવાં અને આંખો બંધ રાખવી એટલે જ્ઞાનદ્દષ્‍ટિથી રહિત બની મોહ રાત્રિમાં સૂઇ રહેવું.
બ્રહ્માનુભૂતિ જ જ્ઞાન..ભક્તિ..૫રાવિદ્યા અને મોક્ષનું એકમાત્ર સાધન અને સાધ્ય છે.દાસે સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની કૃપાથી પોતે તેનો અનુભવ કરી એ નિશ્ચય ૫ર ૫હોચ્યો છું કે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરવી એ જ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્ય છે.બ્રહ્મજ્ઞાન તે ફક્ત સાંભળવામાં આવે કે કહેવામાં આવે તે નહીં ૫રંતુ જે બ્રહ્મનો અનુભવ કરાવે.. જીવને બ્રહ્માનુભૂતિ કરાવે..નિરાકાર બ્રહ્મનો સર્વત્ર અને તમામની અંદર દર્શન કરાવવામાં સક્ષમ હોય તે જ સાચો માર્ગદર્શક સંત સદગુરૂ કહેવાય છે.
સંકલનઃ

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી) "દાસ"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)