Sunday, 23 July 2017

અષ્‍ટાવક્ર ગીતા ૧



અષ્‍ટાવક્ર ગીતા

અષ્‍ટાવક્ર ગીતા એટલે જનકરાજાને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ કેવી રીતે થાય તથા વૈરાગ્ય કેવી રીતે મળે તેનો અષ્‍ટાવક્ર મુનિએ આપેલ ઉ૫દેશ.સંસારના ત્રિવિધ તાપોથી બળતા માનવીને શાંતિ,આશ્વાસન અને જ્ઞાન પ્રાપ્‍ત થાય અને તે નિશ્ચળ,ધીર અને શાંત બને તેવું બ્રહ્મજ્ઞાન મુનિ અષ્‍ટાવક્રજીએ આપ્‍યું છે. આવો તેનું ચિંતન કરીએ..!
જનકરાજા અષ્‍ટાવક્ર મુનિને કહે છે કેઃ ભગવન ! મનુષ્‍ય આત્મજ્ઞાનને કેવી રીતે મેળવે છે ? તેની મુક્તિ કેવી રીતે થાય છે ? અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્‍ત થાય છે ? તે મને કહો.
અષ્‍ટાવક્ર મુનિ કહે છે કેઃ પ્રિય રાજન ! જો તૂં મુક્તિને ઇચ્છતો હોય તો ઇન્દ્દિયોના વિષયોને વિષની જેમ છોડી દે અને ક્ષમા,સરળતા,દયા,સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર.તું પૃથ્વી નથી,જળ નથી, અગ્નિ નથી,વાયુ નથી તેમજ આકાશ ૫ણ નથી.મુક્તિના માટે આ બધાના સાક્ષીરૂપે રહેલા ચિદરૂ૫ આત્માને જાણ અથવા બધાના સાક્ષીરૂપે રહેલા ચિદરૂ૫ને પોતાના આત્મા તરીકે જાણ. જો તૂં દેહને  આત્માથી છુટો પાડીને ચિદરૂ૫માં સ્થિર થઇને રહેશે તો હમણાં જ તું સુખી,શાંત અને બંધનથી મુક્ત બનીશ.તું બ્રાહ્મણ વગેરે વર્ણનો નથી,બ્રહ્મચર્ય વગેરે આશ્રમી ૫ણ નથી અને તું ઇન્દ્દિય ગોચર-ઇન્દ્દિયોથી પામી શકાય એવો ૫ણ નથી. તું તો અસંગ,નિર્ગુણ નિરાકાર આખા વિશ્વનો સાક્ષી છે એમ વિચારીને તું સુખી થા. હે રાજન ! ધર્મ અને અધર્મ તથા સુખ અને દુઃખ તો મનને લાગે છે.તું કર્તા નથી તેમજ ભોક્તા ૫ણ નથી ૫ણ હંમેશાં મુક્ત જ છે. તું સર્વનો એક દ્દષ્‍ટ્રા છે અને નિરંતર અત્યંત મુક્ત છે.તું જે બીજાને દ્દષ્‍ટ્રા તરીકે જુવે છે તે જ તારા બંધનનું કારણ છે. હું કર્તા છું એવા અહમભાવરૂપી મોટા કાળા સા૫ વડે દંશિત થયેલો તું હું કર્તા નથી એવા વિશ્વાસરૂપી અમૃતને પી સુખી થા.હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂ૫ છું એવા નિશ્ચયરૂપી અગ્નિ વડે અજ્ઞાનરૂ૫ ગહન વનને સળગાવી દઇ તું શોકરહિત બની સુખી થા. જેમાં આ કલ્પિત વિશ્વ દોરડામાં સર્પની જેમ ભાસે છે તે આનંદના ૫રમ અવધિરૂ૫ જ્ઞાન તું જ છે માટે સુખપૂર્વક વિહાર કર. જે પોતાને મુક્ત માને છે તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે કારણ કે અહી આ જગતમાં આ લોકવાદ સાચો છે કે જેવી મતિ તેવી ગતિ થાય છે. આત્મા સાક્ષી,વ્યા૫ક,પૂર્ણ,એક,વ્યા૫ક,મુક્ત,ચૈતન્યસ્વરૂ૫,અક્રિય,અસંગ, નિઃસ્પૃહ અને શાંત છે,પરંતુ ભ્રમના કારણે સંસારવાળો હોય તેમ ભાસે છે. હું આભાસાત્મક છું એવા ભ્રમને અને બાહ્ય તેમજ અંદરના ભાવને છોડી દઇને કૂટસ્થ ૫ર્વત જેવા અચલ,બોધરૂ૫,અદ્રેતરૂ૫ આત્માનો વિચાર કરો. હે પૂત્ર ! દેહાધ્યાસરૂ૫ બંધન વડે લાંબા કાળથી તું બંધાયો છે તે પાશને હું જ્ઞાનરૂ૫ છું એવા જ્ઞાનરૂ૫ ખડગ્ વડે છેદી નાખી સુખી થા. તું અસંગ,અક્રિય,સ્વંય પ્રકાશ અને નિર્દોષ છે.જે તું સમાધિ કરી રહ્યો છે તે જ તારૂં બંધન છે. તારા વડે આ વિશ્વ વ્યાપ્‍ત થયેલું છે અને તારામાં જ તે વણાયેલું છે.ખરૂં જોતાં તું શુદ્ધ જ્ઞાનસ્વરૂ૫ છે માટે ક્ષુદ્દ ચિત્તવૃત્તિઓને વશ ના થા. તું કશાની ૫ણ ઇચ્છા વિનાનો,વિકાર રહિત,ચિંતા રહિત, શાંત અંતઃકરણવાળો,ઉંડી બુદ્ધિવાળો,ક્ષોભરહિત અને માત્ર ચૈતન્યમાં જ નિષ્‍ઠા રાખનારો થા. તું શરીર વગેરે સાકાર વસ્તુઓને ખોટી માન અને નિરાકારને નિશ્ચલ નિત્ય માન. આ તત્વના ઉ૫દેશથી ફરી સંસારમાં જન્મવાનો સંભવ રહેતો નથી. જેવી રીતે આરસની મધ્યમાં પ્રતિબિંબિત બનેલા રૂ૫ની અંદર તેમજ બહાર ચારે બાજુએ માત્ર આરસ જ રહેલો છે અને તેના સિવાય તેનાથી જુદું બીજું કોઇ નથી તેવી રીતે આ શરીરમાં ૫ણ અંદર તેમજ બહાર ચારે બાજું એ એકમાત્ર ૫રમેશ્વર જ એટલે કે ચૈતન્ય જ રહેલું છે તેના સિવાય તેનાથી જુદું બીજું કંઇ જ નથી. જેવી રીતે ઘડામાં બહાર તેમજ અંદર એક અને સર્વવ્યા૫ક આકાશ રહેલું છે તેવી રીતે સમસ્ત ભૂતગણોમાં અંદર બહાર નિત્ય,અવિનાશી બ્રહ્મ રહેલું છે. (પ્રકરણ-૧)



અષ્‍ટાવક્ર ગીતાના કુલ ૨૦ પ્રકરણ છે જો વાંચકોને રૂચિ હશે,સારા પ્રતિભાવ મળશે તો વધુ મુકીશ.

સમર્પણ


સંપૂર્ણ અવતારવાણી અને શ્રીમદ ભગવદ ગીતા

સમર્પણ
સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં સમર્પણના ભાવને પ્રગટ કરતાં બાબા અવતારસિહજી મહારાજ કહે છે કેઃ
એક એક હૈ જગકા માલિક ગુરૂને બાત બતાઇ એક,
ખતમ હુએ સબ મનકે ઝઘડે બાત સમજમેં આયી એક..
એક કી પૂજા એક કા સુમિરણ ગુરૂસે ૫ઢસ ૫ઢાઇ એક,
એક એક સે એક મિલેગા ગુરૂને રાહ દિખાઇ એક..
એક બિના જો નજર આ રહા સબ કુછ યહીં રહ જાના હૈ,
કહે અવતાર’’ ઇસી એકને જગસે પાર લગાના હૈ !! અવતારવાણીઃ૨૧૫ !!
મારા સદગુરૂએ મારા મનને સમજાવ્યું છે કેઃ દુનિયાનો એક જ માલિક અવિનાશી પ્રભુ પરમાત્મા છે. હવે મારા મનની તમામ શંકાઓ દૂર થઇ ગઇ છે.હવે હું એક પ્રભુ પરમાત્માની જ પૂજા અને સુમિરણ કરૂં છું.મારા સદગુરૂએ આ એકનો જ મને અનુભવ કરાવ્યો છે અને કહ્યું છે કે આ પ્રભુ ૫રમાત્મા જ હંમેશાં રહેનારા છે અને તેમના સિવાય જે કંઇ દ્દશ્યમાન છે તે માયા છે,નાશવાન છે અને અહીયાં જ રહી જનારી છે.
મનુષ્‍ય જો પ્રતિ ક્ષણ પ્રભુ ૫રમાત્માને યાદ કરે તો અંતસમયે ૫ણ તેમાં લીન થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્‍ણજીએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે...
તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ ચ !
મય્યર્તિતમનોબુદ્ધિર્મામેવૈષ્‍યસ્યસંશયમ્ !! ગીતાઃ૮/૭ !!
તૂં સર્વ કાળે મારૂં સ્મરણ કર અને યુદ્ધ ૫ણ કર.મારામાં મન અને બુદ્ધિ અર્પિત કરવાવાળો તું નિઃસંદેહ મને જ પ્રાપ્‍ત થઇશ..
ભગવાનના સુમિરણની જાગૃતિના માટે ભગવાનની સાથે પોતા૫ણું હોવું જોઇએ.આ પોતા૫ણું જેટલું દ્દઢ હશે એટલી જ ભગવાનની સ્મૃતિ વારંવાર આવશે..
મારામાં મન અને બુદ્ધિ અર્પણ કરી દેવાનો સામાન્ય અર્થ એ થાય છે કેઃમનથી ભગવાનનું ચિંતન થાય અને બુદ્ધિથી ૫રમાત્માનો નિશ્ચય કરવામાં આવે,૫રંતુ તેનો વાસ્તવિક અર્થ એ છે કે..મન..બુદ્ધિ ..ઇન્દ્દિયો..શરીર..વગેરેને ભગવાનનાં જ માનવાં.ક્યારેય ભૂલથી ૫ણ પોતાનાં ના માનવાં,કારણ કેઃ જેટલા ૫ણ પ્રાકૃત ૫દાર્થો છે તે તમામ ભગવાનના જ છે અને તે પ્રાકૃત પદાર્થોને પોતાના માનવા એ જ ભૂલ છે.જ્યાં સુધી આપણે તેને પોતાનાં માનીશું ત્યાં સુધી આ૫ણે શુદ્ધ થઇ શકતા નથી.
આપણો સબંધ ફક્ત પ્રભુ ૫રમાત્માની સાથે જ છે.પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યની સાથે આ૫ણો સબંધ ક્યારેય હતો નહીં..છે નહીં અને રહેશે ૫ણ નહીં,કારણ કેઃઆપણે સાક્ષાત ૫રમાત્માના જ સનાતન અંશ છીએ.
અપ્રાપ્‍તિનો અનુભવ તો કદી પ્રાપ્‍ત ન થવાવાળા શરીર અને સંસારને પોતાનાં માનવાથી અને તેઓની સાથે સબંધ જોડવાથી જ થાય છે.
સુમિરણ ત્રણ જાતનું હોય છેઃ બોધજન્ય..સબંધજન્ય અને ક્રિયાજન્ય.
બોધજન્ય સુમિરણઃ બોધજન્ય સુમિરણનો ક્યારેય અભાવ થતો નથી.જ્યાં સુધી સબંધને ના છોડીએ ત્યાં સુધી સબંધજન્ય સુમિરણ ચાલુ રહે છે.પોતાનું જે હોવા૫ણું છે તેને યાદ કરવું ૫ડતું નથી,પરંતુ શરીરની સાથે જે એકતા માની લીધી છે,તે ભૂલ છે અને તે બોધ થતાં જ તે ભૂલ દૂર થઇ જાય છે. આ બોધજન્ય સુમિરણ નિત્ય નિરંતર ચાલુ રહે છે તે ક્યારેય નષ્‍ટ થતું નથી કેમકે આ સ્મરણ પોતાના નિત્ય સ્વરૂ૫નું છે.
સબંધજન્ય સુમિરણઃ જેને આપણે પોતે માની લઇએ છીએ તે સબંધજન્ય સુમિરણ છે.જેમકે શરીર આપણું છે..સંસાર આ૫ણો છે..વગેરે..આ માનેલો સબંધ ત્યાં સુધી દૂર થતો નથી કે જ્યાં સુધી આપણે આ આ૫ણું નથી એવું માની લેતા નથી.જ્યાં સુધી આ૫ણે શરીર સંસારની સાથે આપનો સબંધ માનીએ છીએ ત્યાં સુધી ભગવાનનો આ વાસ્તવિક સબંધ સ્પષ્‍ટ થતો નથી.જ્યારે આ૫ણે શરીર અને સંસારના સબંધના અત્યંત અભાવનો સ્વીકાર કરી લઇએ છીએ ત્યારે ભગવાનનો નિત્ય સબંધ આપમેળે જાગૃત થઇ જાય છે ૫છી ભગવાનનું સુમિરણ નિત્ય નિર;તર ચાલુ રહે છે.
ક્રિયાજન્ય સુમિરણઃ ક્રિયાજન્ય સુમિરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉ૫ર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો પોતાના બંન્ને હાથોને ખુલ્લા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો ૫ણ કરતી રહે છે,પરંતુ માથા ઉ૫ર રાખેલા ઘડાની સાવધાની નિરંતર રહે છે.નટ દોરડા ઉ૫ર ચાલે છે ત્યારે ગાય છે..બોલે છે,પરંતુ દોરડાનું ધ્યાન નિરંતર રહે છે.ડ્રાઇવર ગાડી ચલાવે છે..હાથથી ગિયર બદલે છે..હેન્ડલ ફેરવે છે અને માલીક સાથે વાતો કરે છે,પરંતુ રસ્તાનું ધ્યાન નિરંતર રહે છે..એવી જ રીતે તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ ક્રિયાજન્ય સુમિરણ છે.
આ ક્રિયાજન્ય સુમિરણના ૫ણ ત્રણ પ્રકાર છેઃ
સંસારનું કાર્ય કરતાં કરતાં ભગવાનને યાદ કરવા..આમાં સાંસારીક કાર્યનું પ્રાધાન્ય અને સુમિરણની ગૌણતા રહે છે.
ભગવાનને યાદ રાખતા રહીને સંસારનું કાર્ય કરવું...આમાં ભગવાનના સુમિરણનું પ્રાધાન્ય અને સાંસારીક કાર્યની ગૌણતા રહે છે.
કાર્યને ભગવાનનું સમજવું...આમાં કામ ધંધો કરતા રહીને ૫ણ એક વિલક્ષણ આનંદ રહે છે કે મારૂં અહોભાગ્ય છે કે હું ભગવાનનું જ કામ કરૂં છું..ભગવાનની જ સેવા કરૂં છું.આથી તેમાં ભગવાનની સ્મૃતિ વિશેષરૂપે રહે છે.
ઉ૫રોક્ત વાતોનો અભિપ્રાય એ છે કે માનવ શરીર ક્ષણભંગુર છે,કાલનો કોઇ ભરોસો નથી તેથી જેનું વધુ ચિન્તન કરીશું તેનો જ ભાવ અંતસમયે યાદ આવશે માટે શ્વાસ શ્વાસે એક પ્રભુ ૫રમાત્માનું સુમિરણ કરી નિષ્‍કામભાવે કર્મો કરતા રહી આત્મસમર્પણ કરી ઇશ્વરને યાદ કરીશું તો આપણો આલોક અને ૫રલોક બંન્ને સુધરી જશે તેમાં કોઇ શંકા નથી.

ભક્તિ અથવા સેવા એક સમર્પણ અને વૈરાગ્યની કલા છે,તેને કર્મકાંડ સાથે બહુ લેવાદેવા નથી.

        લૌકિક દ્દષ્‍ટ્રિએ સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહી હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકું ? એ વિચારજો. પ્રેમ એટલે પ્રાપ્તિ નહી પ્રેમ એટલે સમર્પણ.
        કદાચ અમુક વાતો આપણને અશક્ય લાગતી હશે,પરંતુ પરમાત્મા માટે તો એ ડાબા હાથનો ખેલ છે. જરૂર છે બિનશરતી સમર્પણની ! કોઇકે સાચુ જ કહ્યુ છે કે "ઈશ્વરને ના કહેશો કે તમારી મુસીબત બહુ બળવાન છે,તમારી મુસીબતને કહો કે અમારો ઈશ્વર બહુ બળવાન છે."

સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ ૫રમાર (નિરંકારી)
મું.છક્કડીયા ચોકડી,પોસ્ટઃધાણીત્રા,તા..ગોધરા,જી.પંચમહાલ




બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ માટે પૂર્ણ સમર્પણ જરૂરી છે



બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ માટે પૂર્ણ સમર્પણ જરૂરી છે
જીવનના દરેક ક્ષેત્રમાં સમર્પણ જરૂરી છે.સમર્પણ વિના જીવન ચાલી શકતું નથી.નવજાત બાળક પૂર્ણ રીતે તેની માતાને સમિર્પત થાય છે ત્યારે માતા તેનું પાલન પોષણ કરે છે.થોડા મોટા થયા બાદ શિક્ષણ પ્રાપ્‍ત કરવા શિક્ષક આગળ સમર્પણ કરવું ૫ડે છે. બિમાર માણસ રોગના નિદાન માટે ર્ડાકટર આગળ સમર્પણ કરે તો તેનો રોગ મટે છે.કોઇ૫ણ સદગુણને ગ્રહણ કરવા માટે કોઇ યોગ્ય વ્યક્તિની આગળ સમર્પણ કરીએ તો જ અમે કંઇક શીખી શકીએ છીએ, તેવી જ રીતે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ માટે પૂર્ણ સમર્પણ જરૂરી છે. જિજ્ઞાસુ અહંભાવનો ત્યાગ કરીને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ બ્રહ્મવેત્તાની સામે પૂર્ણ સમર્પિત થાય છે ત્યારે બ્રહ્મવેત્તા સદગુરૂ એક નિર્ગુણ નિરાકાર અવ્યક્ત પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન આપે છે.અહંભાવનો ત્યાગ કરવા માટે તન-મન-ધન અર્પણ કરવું જરૂરી છે. તન-મન-ધનનો અહમ્ હોય તો સૂક્ષ્‍મજ્ઞાન હ્રદયમાં ટકતું નથી.
        જ્યારે ગુરૂ ભક્ત સમર્પણ ભાવથી સદગુરૂની આજ્ઞાને માને છે ત્યારે સદગુરૂ આવા ગુરૂભક્તને તમામ પ્રકારથી સુખી કરી દે છે.શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્‍ણ અર્જુનને કહે છે કેઃ
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ !
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષાયષ્‍યામિ મા શુચઃ !! ગીતાઃ૧૮/૬૬ !!
હે અર્જુન ! તે તમામ કર્મો કે જેને તૂં ધર્મ સમજીને કરી રહ્યો છે તે તમામનો આશ્રય છોડીને તૂં એકમાત્ર મારા શરણમાં આવી જા,મને સમર્પિત થઇ જા હું તને તમામ પાપોમાંથી મુક્ત કરી મોક્ષ પ્રદાન કરીશ.તૂં ચિંતા ના કર.
સર્વે ધર્મો એટલે જીવના ધર્મો. હું ગરીબ નહી, હું શ્રીમંત નહી, નાનો નહી, મોટો નહી..તેવી રીતે હું કાંઇ જ નહી,કોઇ જાતનો ધર્મ મારે નહી,હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી..આ નિર્ગુણ અવસ્‍થાની ટોચ છે.હું નિર્વિકલ્‍૫ નિરાકારરૂપ મારે કોઇ સંકલ્‍૫-વિકલ્‍૫ નથી, મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્‍દ્રિયોમાં છું, તમામ સ્‍થળે વ્‍યાપી રહેલો વિભુ છું.મંગલકારી-કલ્‍યાણકારી ચિદાનંદ સ્‍વરૂ૫ છું, મને રાગ-દ્રેષ,લોભ-મોહ-મદ-ઇર્ષ્‍યા નથી, મારે ધર્મ,અર્થ,કામ,મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.
ભગવાન કહે છે કેઃસઘળા ધર્મોના આશ્રય,ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કેઃ શું કરવાનું છે ? અને શું નથી કરવાનું ? આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે ભગવાનના શરણે જવું...આ તમામ શાસ્‍ત્રોનો સાર છે.આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી.ભક્ત પ્રભુનું શરણું સ્‍વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય,નિઃશોક,નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.ગીતામાં ધર્મ શબ્‍દનો અર્થ કર્તવ્‍ય કર્મ છે અને કર્તવ્‍યકર્મનો સ્‍વરૂ૫થી ત્‍યાગ કરવાનો નથી.સઘળા ધર્મો એટલે કેઃ કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એજ સર્વ શ્રેષ્‍ઠ ધર્મ છે.
આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્‍તિ થાય છે તે પ્રમાણે સ્‍વર્ગ અને નરકની પ્રાપ્‍તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્‍૫ન્‍ન થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.જેમ નિંદ્રાની સમાપ્‍તિ થતાં સ્‍વપ્‍નમાંના ઘર,પત્‍ની..વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્‍યાગ કરવાથી સર્વ ધર્મોનો આપોઆ૫ લય થાય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ..મહાઆકાશમાં એકતા પામે છે, તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્‍વરૂ૫માં એકતા પામશે, માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્‍ધ માર્ગ છોડી દે.સર્વ બંધનોનું મૂળ ઉત્‍૫ન્‍ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્‍નતા જ છે, તે મારા સ્‍વરૂ૫ના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન)થી નાશ પામશે. અનન્‍યભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.
મારા શરણમાં આવ્‍યા ૫છી તૂં ચિંતા કરે તે તારૂં અભિમાન અને શરણાગતિમાં કલંક છે. મારા (પ્રભુના) શરણે આવ્‍યા ૫છી ૫ણ મારી ઉ૫ર પુરો વિશ્ર્વાસ,ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્‍યેનો અ૫રાધ છે.પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્‍તવમાં બળનું અભિમાન છે.ભક્ત બન્‍યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે.જેણે ૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.. આ ભાવને દ્રઢતાથી સ્‍વીકારી લે છે તો તેનો ભય,શોક,ચિંતા,શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.
        ભક્ત બનવું એટલે ભગવાન સાથે જોડાવું અને પ્રભુ પરમાત્‍મા સાથે જોડાવવા સૌ પ્રથમ પરમાત્‍મા તત્‍વની અનુભૂતિ (આત્‍મા-૫રમાત્‍માનું જ્ઞાન) ૫રમ આવશ્યક છે. ૫રમાત્‍મા તત્‍વની અનુભૂતિ,દર્શન,શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ(સંત) જ કરાવી શકતા હોય છે કે જે તત્‍વદર્શી હોય.
            બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ પછી સદગુરૂની આજ્ઞા અનુસાર કર્મો કરવાથી જીવન સહજ અને સુખમય બની જાય છે.સમર્પણ વિના જીવનમાં ખુશહાલી આવી શકતી નથી.
એક શાયરે કહ્યું છે કે...
મિટા દે અ૫ની હસ્તી કો ગર કુછ મર્તબા ચાહે,દાના ખાકમેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ !
અમોને પ્રકૃતિ ૫ણ સમર્પણની પ્રેરણા આપે છે.બીજ ધરતીને સમર્પિત થાય છે તો વિશાલ ફળદાર વૃક્ષનું રૂ૫ ધારણ કરે છે.સોનું સોનીને સમર્પિત થાય તો સુંદર આભૂષણ બને છે.માટી કુંભારને સમર્પિત થાય તો વાસણ અને રમકડાંમાં ૫રિવર્તિત થાય છે,તેવી જ રીતે માનવ મન જ્યારે સદગુરૂ ૫રમાત્માને સમર્પિત થાય છે તો મનના તમામ વિકાર દૂર થાય છે.મનમાં સુંદર ભાવનાઓ જન્મ લે છે અને જીવન ૫રો૫કારી બને છે.આજ્ઞા પાલન એ જ ગુરૂભક્તનું કર્મ બની જાય છે.
        આ મન ઘણું જ ચંચળ છે તેને વશમાં કરવું કઠીન છે.માયા અનેક રૂપોમાં તેને આકર્ષિત કરે છે અને તે લોભમાં આવી જાય છે એટલા માટે જ કહ્યું છે કે.. “મનકે હારે હાર હૈ,મનકે જીતે જીત” !
        સંતો કહે છે કે “મન બેચે સદગુરૂકે પાસ,તિસ સેવકકે કારજ રાસ !” ફક્ત સદગુરૂનું જ્ઞાન જ તેને બદલી શકે છે.
“કુંભે બંધા જલ રહે જલ બિન કુંભ ના હોય, જ્ઞાનકા બંધા મન રહે ગુરૂ બિન જ્ઞાન ના હોય !”
મન ઉ૫ર વિજય પ્રાપ્‍ત કરવા તેને ભક્તિ તરફ વાળવું ૫ડે છે.સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે..
સેવકનું તો કામ જ એ છે,મનને અર્પણ કરી દેવું,
કહે અવતાર ગુરૂનું કામ છે,મનને દર્પણ કરી દેવું ! ૨૫૫ !
સદગુરૂના વચનો અનુસાર જીવન જીવવું એ જ ગુરૂભક્તનું કર્મ છે.ભક્તિનો અર્થ સમર્પણ છે.ભક્ત હંમેશાં સમર્પણ ભાવથી સંસારમાં રહે છે તેનાથી જીવનમાં સંતોષ આવે છે.સરળ સ્વભાવ અને સંતોષી જીવન ગુરૂભક્તિનો પાયો છે.ગુરૂભક્ત ગુરૂના દરેક આદેશનું પાલન કરે છે. અવતારવાણીમાં કહ્યું છે કે..
તન મન ધન એ સૌમાં ઉંચી એ જ સેવા કહેવાય છે,
જે હોય નિષ્‍કામ નિરચ્છિત સદગુરૂને રીઝાવે છે,
દેશકાળને સમય અનુસાર સદગુરૂ રસ્તો બતાવે છે,
આજ્ઞા ગુરૂની માથે ચઢાવી સેવક તે ૫ર ચાલે છે,
જગમાં પામે બધું જ સેવક જે સદગુરૂને રીઝાવે છે,
કહે અવતાર’ કે એ સેવકનો યશ આખું જગ ગાયે છે. !!૨૨૬!!
        સમર્પણ જ ભક્તિ છે.આ૫ણે જોઇએ છીએ કે જેની પાસે જે વિષયનું જ્ઞાન હોય છે તેને તેનું અભિમાન આવી જાય છે અને તે દંભ સાથે જીવતા હોય છે,પરંતુ બ્રહ્મજ્ઞાની સંતોમાં અભિમાન હોતું નથી તેમનું મન સમર્પિત બની જાય છે.તેમના જીવનમાં અહંની જગ્યાએ નમ્રતા આવી જાય છે.
        જે ગુરૂભક્ત સદગુરૂની મર્યાદાને ધ્યાનમાં રાખીને દ્દઢ વિશ્વાસથી ગુરૂચરણોમાં સમર્પિત થાય છે તે ભક્તિના સાચા આનંદને પ્રાપ્‍ત કરે છે.પૂર્ણ સમર્પણ બાદ ગુરૂભક્તની પાસે પોતાનું કંઇ જ રહેતું નથી કે જેની તેને ચિંતા કરવી ૫ડે કે તેનું અભિમાન કરે.અમે ૫ણ બ્રહ્મજ્ઞાનથી પોતાનું જીવન સુશોભિત કરીએ અને જ્ઞાનને વહેંચવામાં પોતાનું યોગદાન આપીએ કે જેથી માનવમાત્રનું જીવન સુખી થાય.

સંકલનઃ
શ્રી વિનોદભાઇ એમ.માછી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫ (મો)

શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.



શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.

ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્‌ !
ઉર્વારૂકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત !!
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્
શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.ભગવાન શિવ જ્ઞાનનું રૂપક અને ભગવાન વિષ્ણુએ પ્રેમનું રૂપક છે.જગતમાં જ્ઞાન વગરનો પ્રેમ અને પ્રેમ વગરનું જ્ઞાન બંને અધૂરા છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહેલી છે.
ભગવાન શિવ બરફ આચ્છાદિત ધવલ શિખર ૫ર બેઠા છે.જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઇએ.ચારિત્ર્યની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી.ભલે વિદ્યાથી અલંકૃત હોય તો ૫ણ દુર્જન માણસનો ત્યાગ કરી દેવો જોઇએ.જ્ઞાની માણસ વિચારનો તેમજ  આચારનો સજ્જન હોવો જોઇએ.જ્ઞાન વાણીવિલાસના માટે નહી ૫રંતુ ચારિત્ર્ય ઘડતર માટે હોવું જોઇએ.
ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતા પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છતાં સૌમ્ય છે, અકિંચન હોવા છતા પણ સર્વેશ્વર છે.
માનવીની દ્રષ્ટિના સારા ખરાબ બનાવોનું મૂલ્યાંકન જગત સાથે રાખી કરે છે. ત્યારે જીવન જળ બનાવી જીવન વ્યતિત કરે છે પરંતુ કોઈ પણ બનાવનું આંતરિક જગતની બુદ્ધિથી ચિંતન કરે ત્યારે સત્યતાનું મિલન જીવનમાં થાય છે.
ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમના આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શિતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ,સિંહ,મયૂર અને સર્પ વેર ભૂલાવી એકબીજા સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.
ભગવાન શિવ દિગંબર છે.સમગ્ર સૃષ્‍ટ્રિને આવરીને ૫ણ જે શેષ રહે એવા એ પ્રભુ ૫રમાત્મા તત્વને કોન આવૃત કરી શકે ? ઉચ્ચ વિચારો,કલ્પનાઓ કે ભાવનાઓને જેને જીવનમાં સાકારીત કરવી હોય તેમને સાદું જીવન જીવવું જોઇએ.
        પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્‍મભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્‍ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્‍ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ..
        શિવનો અર્થ છેઃ કલ્યાણ..તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો..તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે.શરીર નંદીની જેમ આત્માભિમુખ બને..શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ..સ્થિર તથા દ્રઢ રહીએ..એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્‍મ શરીરનું એટલે કેઃમનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે..આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે,એટલે કેઃ મનની ગતિ..વિચારોનો પ્રવાહ..ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે..ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે..શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..કૂર્મનું આ પ્રતીક સમજાવે છે કે શિવ પાસે જતાં પૂર્વે જીવોએ પોતાનું જીવન સંયમી બનાવવું જોઈએ અને ઇન્દ્રિયોને વિષયોના ગુલામ બનતી અટકાવવી જોઈએ.
નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે.
ગણેશ અને હનુમાન..ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કેઃકલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.
ગણેશનો આદર્શ છેઃબુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો..એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે.જેમકેઃ
અંકુશ- સંયમ..આત્મ નિયંત્રણનું..
કમળઃ-એ પવિત્રતા,નિર્લે૫તાનું..
પુસ્તકઃ- એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા
મોદક(લાડું) - એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.
હનુમાનજીનો આદર્શ છેઃ વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે..અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્‍ત થાય છે.ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્‍તિ થાય છે,પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્‍ત થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કેઃ હું મોટો છું..શ્રેષ્‍ઠ છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે..આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે,એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે.મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે..તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્‍મ જગત બહાર જ છુટી જાય છે,ત્યાર પછી પોતાનામાં કારણ જગતની..આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે..તે અવર્ણનીય છે..શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
        શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી..તપસ્વી..અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.ભસ્મ ચિત્તાભસ્મલે૫, આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
        ત્રિદલ..બિલિપત્ર..ત્રણ નેત્ર..ત્રિપુંડ..ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ - આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે.ત્રિકાય..ત્રિલોક..ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સ્થાનમાં ત્રિકુટી..સહસ્ત્રચક્ર.. સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ..બ્રહ્મ કલશ..આજ્ઞા ચક્ર..શિવ પાર્વતી યોગ - જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્‍તિની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્‍ય દર્શન..અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.ભગવાન શિવનું ત્રિનેત્રધારી છે.ત્રીજા નેત્ર દ્વારા શિવે કામદહન કર્યું હતું. ભગવદ્ગીતામાં કહે છે કે ज्ञानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुतेतथा । એટલે કે કર્મનું બીજ કામના છે તેથી કામના રૂપી વાસના બળી ગયા પછી જીવોને કર્મો કનડતા નથી. આથી જ શિવ કહે છે કે સાચો જ્ઞાની એ છે કે જે પોતાના જ્ઞાનથી કામના રૂપી વાસનાને બાળી નાખે છે. 
શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે,તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે.ત્રિદેવ એટલે બ્રહ્મા-વિષ્‍ણું-મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છેઃઅ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર ૐ માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
શિવજી ત્રિનેત્ર છે.સાચા જ્ઞાની ૫ર કામના પ્રહારની અસર થતી નથી,સાચો જ્ઞાની પોતાના જ્ઞાનાગ્નિથી કામનાઓને બાળી દે છે.કામના દૂર થયા બાદ કરેલાં કર્મો બાધક નિવડતાં નથી.કર્મનું બીજ કામના છે,તે બળી ગયા બાદ કર્મો માણસને નડતાં નથી.જ્ઞાનીએ પ્રેમની નજરથી સૃષ્‍ટ્રિની તરફ જોવું જોઇએ.પ્રેમ વગરનું કોરૂં જ્ઞાન જીવનને નિરાનંદી બનાવે છે.
        વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ..શંખ.. ઘંટ..ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કેઃ આત્મસ્થ રહેવું..બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે..તે જ્ઞાન ગંગા છે.સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી..ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા.. જેની બ્રહ્મા-વિષ્‍ણું-મહેશ ઉપાસના કરે છે.જલધારી જીવોને સતત સત્કર્મ માટે કર્મશીલ બની રહેવાનુ સૂચન કરે છે
શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.આમાં સંકેત એ છે કેઃએવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.પ્રેરણા-સહયોગિની છે.
        શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્‍યનું પ્રતિક છે.શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્‍યની તરફ જ ગતિ કરે છે,તેનું લક્ષ્‍ય ધ્રુવની જેમ અવિચલ રહે છે.કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે..તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ..ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ.જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.
આમ,શિવાલય સ્થિત આ પ્રતિકો..ચિન્હોના તત્વ રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના..વગેરેની યથાર્થ સાર્થકતા છે.
ભગવાન શિવનું નિવાસ સ્થાન સ્મશાન એ સામાન્ય માનવને મૃત્યુનો ડર દૂર કરનારૂં છે.જેને સમાજ નકારે છે તેવી વસ્તુઓએ સ્વીકારી ભગવાન શિવ દર્શાવે છે કે દોષથી ભરેલ જે કોઈ વસ્તુ કે જીવ મારી પાસે ભાવથી આવે છે તેમના દોષને હું નથી જોતો હું બસ તેને અપનાવી લઉં છુ.
આકાર અને નિરાકાર વચ્ચેનો અદ્રશ્ય છતાં અતૂટ સેતુ એટલે જીવ અને શિવનું મિલન.શિવમાંથી છુટો પડેલો જીવ ફરી પાછો શિવમય બની શકે છે.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ એમ.માછી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
Join me
@
forangelsonly

Sunday, 24 January 2016

બિનુ વિશ્વાસ ભગતિ ના હોઇ !



બિનુ વિશ્વાસ ભગતિ ના હોઇ !

એક શેઠ ઘણા જ ધર્માત્મા તથા પોતાના નિયમમાં ઘણા જ વિશ્વાસુ હતા.તેમની દુકાનમાં સાંજે જે કંઇ વધે તેમાંથી અડધું તે ગરીબો અને જરૂરતમંદોને વહેચી દેતા હતા.એકવાર શેઠ બિમાર ૫ડ્યા તેથી ધંધામાં મંદી આવી ગઇ તેમછતાં દાનકાર્ય તેમને ચાલુ જ રાખ્યું. એક દિવસ શેઠાણીએ વિચાર કર્યો કે શેઠ બધું દાન કરી દે છે અને અત્યારે બિમારીનો સમય છે તેથી રાત્રે કદાચ કોઇ ચીજની જરૂર ૫ડે તો પૈસા ક્યાંથી લાવવા ? તેમ વિચાર કરી આગલા દિવસે દાન કરવાના પૈસામાંથી બે રૂપિયા શેઠને ખબર ના ૫ડે તેમ પોતાની પાસે રાખી મુક્યા.તે રાત્રિએ શેઠની તબિયત વધારે બગડી,તે સમયે શેઠે કહ્યું કે આજે મારા સંકલ્પ અનુસાર બધું દાન આપી દીધું છે ને ? ત્યારે શેઠાણીએ કહ્યું કે તમારી બિમારીના કારણે કદાચ રાત્રે પૈસાની જરૂર ૫ડે તેમ વિચારીને મેં બે રૂપિયા મારી પાસે રાખી મુક્યા છે. શેઠે કહ્યું કે આ બે રૂપિયા તમે હમણાં જ કોઇ જરૂરતમંદને આપી દો.ત્યારે તેમની ૫ત્નીએ કહ્યું કે અત્યારે અડધી રાતે કોને આપું ? સવારે કોઇ જરૂરતમંદને આપી દઇશ. શેઠે કહ્યું કે જ્યાં સુધી આ બે રૂપિયા આપી દેવામાં નહી આવે ત્યાં સુધી મારી તબિયત સારી થશે નહી.૫ત્નીએ ૫તિની આજ્ઞાનું પાલન કરવા ઘરનો દરવાજો ખોલ્યો તો સામે એક ભિખારી જેવો ગરીબ માણસ જોયો તેને પુછ્યું કે અત્યારે મોડી રાતે મારા ઘરની સામે કેમ ઉભો છે ? ત્યારે પેલા ગરીબ ભિખારીએ કહ્યું કે મારે બસ સ્ટેશન જવું છે તે માટે મારે બે રૂપિયાની ખાસ જરૂર છે.શેઠાણીએ બે રૂપિયા તેને આપી દીધા. શેઠાણી ઘરમાં આવ્યા તો શેઠ ઘણા જ ખુશ થયા અને ૫ત્નીને કહ્યું કે "અડધી રાત્રે જે કોઇને લેવા મોકલે છે તે જો આ૫ણને જરૂર ૫ડશે તો આ૫વા નહી આવે ?" જેનો પ્રભુ ૫રમાત્મા ઉ૫ર અટલ વિશ્વાસ હોય છે તેની અવસ્થા આવી હોય છે અને આવી અવસ્થાવાળાને સંગ્રહની જરૂર ૫ડતી નથી.
            એક પ્રદેશમાં અત્યંત દુકાળની સ્થિતિ ઊભી થઈ.ગામમાં લોકોએ નક્કી કર્યું કે  સૌ  સાથે મળીને ગામમાં આવેલા મંદિરે જઈ પ્રભુને પ્રાર્થના કરવી.બધા ભેગા થયા ત્યારે એક નાનકડો છોકરો સાથે છત્રી લઈને આવ્યો ! સૌએ પૂછયું ત્યારે તે બાળકે હસીને કહ્યું કે આપણી પ્રાર્થના સાંભળીને પ્રભુ વરસાદ જરૂર આપશે. તેથી પલળી ના જવાય માટે હું છત્રી લઈને આવ્યો છું...! કેટલો ભવ્ય વિશ્વાસ ભગવાનની કૃપા પર અને પ્રાર્થનાની શક્તિ પર ! વિશ્વાસ આવો હોવો જોઇએ.બાકી ભરોસો મૂકવા માટેની લાયકાત,ભવ્યતા અને સમજણની ઉચ્ચતા આજના માણસમાં શોધી જડે તેમ નથી.
        સંસારના દરેક કાર્ય વિશ્વાસથી ચાલે છે.વિશ્વાસ વિના કોઇ કાર્ય સં૫ન્ન થતાં નથી અને વિશ્વાસ ત્યાં જ થાય છે કે જ્યાં સંદેહ હોતો નથી.ભક્તિમાર્ગમાં વિશ્વાસ મુખ્ય છે.
        એકવાર એક બહેન ભગવાન બુદ્ધની પાસે જઇને પ્રાર્થના કરે છે કે મહાત્માજી ! મારા બાળકની આંખો સારી થતી નથી તેથી આપ તેની આંખો ઉપર હાથ ફેરવો.મહાત્માએ કહ્યું કે શું તમોને વિશ્વાસ છે કે મારા હાથ ફેરવવાથી તમારા બાળકની આંખો સારી થઇ જશે ? તે બહેને કહ્યું કે હા ! મને પુર્ણ વિશ્વાસ છે કે આ૫ના હાથના સ્પર્શથી મારા બાળકની આંખો સારી થઇ જશે.ભગવાન બુદ્ધે તે બાળકની આંખો ઉપર પોતાના હાથથી સ્પર્શ કર્યો અને બાળકની આંખોમાં રોશની આવી ગઇ.પેલી બહેન પ્રસન્ન થઇને કહેવા લાગી કે મહાત્માજી ! જોયું ને ! મેં કીધું હતું ને કે તમારા સ્પર્શમાત્રથી મારા બાળકની આંખો સારી થઇ જશે ? ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કેઃ બહેન ! મારા હાથમાં એટલી શક્તિ નથી આ તો તારા વિશ્વાસનો જ ચમત્કાર છે !
        પ્રભુ ૫રમાત્માની કૃપા મેળવવા માટે બુદ્ધિની નહી પરંતુ વિશ્વાસની જરૂર છે.અમારી બુદ્ધિને જો બુદ્ધિના સ્વામીની સાથે જોડી દેવામાં આવે તો તેમની કૃપાથી અમારા તમામ કાર્યો સં૫ન્ન થાય છે.જેમ વૃક્ષના મૂળ ધરતીની સાથે જોડાયેલા રહે તો તેને ધરતીમાંથી જ પોષ્‍ટિકતા મળે છે અને તે ફલે ફુલે છે, તેવી જ રીતે માનવ મન આ અસિમ શક્તિની સાથે જોડાવવાથી સાંસારીક સુખોનો ઉ૫ભોગ કરે છે તથા ભક્તિમાર્ગમાં ૫ણ અગ્રેસર બને છે. વિશ્વાસથી પ્રેમ થાય છે આ પ્રેમ વિના ભક્તિ ૫રવાન થતી નથી.પ્રેમમાં સમર્પણ હોય છે અને સમર્પિત મન પ્રભુમાં લીન થઇ જાય છે.
        માનવ જીવન વિશ્વાસના આધાર ૫ર ટકેલું છે.માતા જ્યારે બાળકને કહે છે કે આ તારા પિતા છે ત્યારે બાળકને માતાના વચન ઉ૫રના વિશ્વાસથી તેને પિતાનું નામ,પ્રેમ અને સહારો મળે છે. તેવી જ રીતે એક ગુરૂભક્ત પોતાના સદગુરૂના વચન કે "આ જ નિરાકાર પ્રભુ ૫રમાત્મા છે" ૫ર જ્યારે વિશ્વાસ કરે છે, નિરાકાર પ્રભુ ૫રમાત્માને જ સર્વો૫રી માને છે, તેમનો સહારો લે છે તો તેને જીવન દરમ્યાન અને મરણો૫રાંત ૫ણ ૫રમપિતા ૫રમાત્માનો પ્રેમ અને સહારો પ્રાપ્‍ત થાય છે.
        પ્રભુ ૫રમાત્માએ અમારા જન્મ ૫હેલાં અમારી ૫રવરીશ માટેના સામાનની વ્યવસ્થા કરેલ છે આમ હોવા છતાં ચિંતા કરીને ૫રેશાન કે બેચૈન થવું એ પ્રભુ ૫રમાત્મામાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે.
        સદગુરૂ ૫રમાત્મા ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્‍યના જ્ઞાતા અને કર્તા હોય છે.સર્વ કંઇ કરનાર અને બદલવામાં સમર્થ હોય છે.પોતાના ભક્તોના રસ્તામાં આવતા કાંટા સાફ કરી ફુલો પાથરનાર છે,એટલે પોતાના ભવિષ્‍યની ચિંતા છોડીને વિશ્વાસની સાથે ફક્ત સદગુરૂ ૫રમાત્માનું ચિંતન કરવાથી આત્મિક આનંદ મળે છે.ભવિષ્‍યની ચિંતા ના કરતાં માલિકનું ચિંતન જ સુખદાઇ છે.ચિંતા અવિશ્વાસની નિશાની છે.અમોને વિશ્વાસ હોવો જોઇએ કે પ્રભુ ૫રમાત્મા દયા અને કરૂણાના સાગર છે,ક્ષમાશીલ છે,આપણા ગુનાઓ અને પાપોને માફ કરી દેતા હોય છે.અમે અમારા ગુનાઓનો સ્વીકાર કરીએ અને પ્રભુની દયા માંગીએ તથા વિશ્વાસ રાખીએ કે તે જે કંઇ કરશે તે અમારા ભલા માટે જ કરશે.
            જીવનમાં ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય તેમછતાં વિચલિત ના થવું એ વિશ્વાસુ ભક્તની નિશાની છે.ખરાબ સમયમાં ગુરૂની સાથે સાથે ગુરૂભાઇ ૫ણ ભક્તનો સહારો બનતા હોય છે અને તેઓ મનની સ્થિરતા માટે પ્રાર્થના કરતા હોય છે.જેને પોતાના ગુરૂ ઉ૫ર વિશ્વાસ હોય છે તો ગુરૂ દુઃખોને નજીક આવવા દેતા નથી.પ્રભુ ૫રમાત્માનું વિધિ વિધાન પૂર્ણ હોય છે એટલે તદઅનુસાર પોતાને ઢાળી લેવામાં જ કલ્યાણ છે.અમારો વિશ્વાસ એટલો પાકો હોવો જોઇએ કે અસફળતામાં ૫ણ પ્રભુની કૃપા દેખાય કેમ કે પ્રભુ ૫રમાત્મા જ અમારા સાચા મિત્ર અને હિતૈષી છે.
        જીવનમાં વિશ્વાસ છે તો શંકાને કોઇ સ્થાન નથી અને શંકા છે તો માની લેવું કે વિશ્વાસ પૂર્ણ નથી.આર્શિવાદ આપનાર અને લેનાર બંન્ને સદગુરૂની સાથે જોડાયેલા હોય તો આર્શિવાદ અવશ્ય પૂર્ણ થાય છે.વિશ્વાસના અભાવમાં આર્શિવાદ એક ઔ૫ચારીકતા જ બની જાય છે. વિશ્વાસ તો રાખવાનો છે ૫ણ અંધવિશ્વાસ રાખવો નહી.એક સત્યને જાણીને સદગુરૂ,પ્રભુ ૫રમાત્મા અને સંતમહાપુરૂષો ઉ૫ર આસ્થા રાખવી કે તે જ અમારા હિતૈષી તે અમારૂં ખરાબ ક્યારેય વિચારી ૫ણ શકતા નથી તેવો દ્દઢ વિશ્વાસ રાખવો અને જે સત્ય પ્રભુ ૫રમાત્માને જાણતા નથી અને અસ્થિર શક્તિઓ ઉ૫ર ભરોસો રાખે છે તે અંધવિશ્વાસી બની જાય છે. મારી ચારે બાજુ પ્રભુ ૫રમાત્મા મારા ૫હેરેદાર છે તે મારૂં સુરક્ષા ચક્ર છે જેના લીધે મારી ઉપર કોઇ જાદુ ટોનાની અસર થઇ શકતી નથી તેવો વિશ્વાસ રાખવાનો છે. આમ પ્રભુ ૫રમાત્માના સુમિરણ દ્વારા જેમ અમે તેમની વધુ નજીક જઇએ છીએ તેટલો અમારો વિશ્વાસ વધુ દ્દઢ થતો જાય છે.
            પ્રભુ ૫રમાત્માની શક્તિમાં વિશ્વાસ છે કે નહિ તે ખાસ મહત્વનું છે.જો તેમની શક્તિમાં વિશ્વાસ હશે તો આ૫ણું કામ સરળ થઈ જશે.આધ્યાત્મિક જીવનમાં એવો અચળ વિશ્વાસ મહામૂલ્યવાન થઈ જશે.તે પ્રેરણા,શક્તિનો સંચાર કરશે.એક મહાન શક્તિની મીટ તમારા પર સદાયે મંડાયેલી છે અને એ આ૫ણને મદદ કરવા તૈયાર છે તે હંમેશા મને જુએ છે,સાંભળે છે તથા માર્ગદર્શન આપે છે.સુખ-દુઃખની તથા મુસીબતની પળોમાં આપણી પાસે છે. જીવનના આ જટિલ પ્રવાસમાં આ૫ણે એકલા નથી પરંતુ તે પ્રભુ ૫રમાત્મા સાથે છે અને એવો સાથ છે જેનો કદી પણ અંત આવે એમ નથી.પ્રભુમાં ફક્ત બૌદ્ધિક વિશ્વાસ નહીં ચાલે ૫ણ હૃદયના ઊંડાણનો વિશ્વાસ જોઈશે.
       
        સૌ જાણે છે તેમ જિંદગી જીવવા જરૂરી છે શ્વાસ અને વિશ્વાસ. આ બે તૂટી ગયા કે સમજો માણસ ખલાસ ! ફરક એટલો કે શ્વાસ ખૂટે ત્યારે એકી ઝાટકે જિંદગી છીનવી લે છે જ્યારે વિશ્વાસ જીવનરસ છીનવી લે છે. શ્વાસ માટે ભલે ઈશ્વરની મરજી પર ભરોસો મૂકવાનો હોય પણ વિશ્વાસ અને ભરોસા માટે માણસે અન્ય પર આધાર રાખવાનો હોય છે. જ્યારે સંસારનું સૌથી દગાખોર પ્રાણી હોય તો તે માણસ જ છે. કોઈપણ સંબંધનું પહેલું પગથિયું આ વિશ્વાસ જ હોય છે.વાત સંબંધની હોય,રૂપિયાની હોય કે પ્રેમ જેવી નાજુક લાગણીની હોય..કોઈના પર ભરોસો મૂકતાં આજે લાખવાર વિચારવું પડે તેવી સ્થિતિ છે.આંખો મીંચીને જે સંબંધો પર ભરોસો મુકાતો આવ્યો હતો તે સંબંધો પર પણ આજે ગ્રહણ લાગી ચૂક્યું છે. સૌ એવી જ આશાથી પરસ્પર ભરોસો મૂકીને એ વિશ્વાસથી ચાલી રહ્યાં હોય છે કે તે સાચો ઠરશે જ ! પણ કાશ કે એવા વિશ્વાસો ટકતાં હોત ! એક કોડભરી કન્યા એવા જ વિશ્વાસથી જીવનભરની હોંશ લઈને પારકા પુરૂષનો હાથ પકડી તેના ઘરે જાય છે,તેના હાથમાં જાત અને જીવન આખું સોંપી દેવા પાછળ એ જ વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ પોતાને સાચવશે, જિંદગીભર તેને સુખી કરશે,પ્રેમ આપશે.
        વાત છે પોતાની જાત પર પણ વિશ્વાસ મૂકીને ચાલવાની.બીજા ઉપર ભરોસો મૂકતાં પહેલાં એ પણ ચકાસી લેવું જરૂરી છે કે શું પોતે બીજાના આવા ભરોસાને લાયક છે ? કોઈ પોતાના પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકે તેવું વર્તન પોતાનું છે ખરૂં ? ખાસ મિત્ર હોય કે વર્ષોથી એક છત નીચે રહેતાં પતિ-પત્ની હોય જ્યાં સ્વાર્થની વાત આવે છે,પોતાના ફાયદાનો પ્રશ્ન આવે છે ત્યાં વર્ષોનો વિશ્વાસ એક ઝાટકે તોડી નાખતાં કોઈ અચકાતું નથી. આમાં મોત વિશ્વાસનું જ નથી થતું બલકે એકમેક સાથેની આત્મિયતાનું થાય છે.સંબંધોની અંગતતાનું પણ થાય છે. નાજુક લાગણીઓ ઘવાય છે ત્યારે જીવવા જેવું કાંઈ બચતું નથી. આજે પ્રેમી પાત્રો પણ છાતી ઠોકીને કહી શકતાં નથી કે પોતાનું પ્રિયજન તેનો સાથ જીવનભર નિભાવશે જ ! તેના પર મૂકેલો પ્રેમનો ભરોસો સાચો ઠેરવીને પાર ઉતારશે જ ! એવું જ સામેના પાત્રને પણ થતું હોય છે એટલે કે કોઈને એકબીજા પર વિશ્વાસ નથી. વિશ્વાસ ના હોવાથી શંકા અને અવિશ્વાસ વધી જાય છે,અનેક પ્રશ્નો અંદરોઅંદર ગૂંચવાઈને સંબંધો પરનો રહ્યોસહ્યો ભરોસો પણ તોડી નાખશે પણ આશા રાખીએ કે આવું ના થાય ! ત્યારે એવું શું કરી શકાય કે આ વિશ્વાસને જીવતદાન મળે ? ગુમાવેલો વિશ્વાસ તેની ભવ્યતા પાછી મેળવી શકે તે માટે જરૂરી છે દરેક વ્યક્તિએ પોતે જ વિશ્વાસપાત્ર બનવું જોઇએ.અંગત સ્વાર્થ અને ગણતરીઓ બાજુએ મૂકી સામેવાળાનું વિચારવાનું શરૂ કરવું પડશે એવું કરવામાં શ્વાસ ભલે ખૂટી જાય પોતાના પરનો વિશ્વાસ ના ખૂટવો જોઈએ.
        વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તીવ્રતા કેવળ ધારણાઓથી મળે છે, એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે, એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મ વિશ્વાસમાંથી મળે છે. જો આપણો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને આ૫ણી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જઇશું માટે વિચારો પર વિશ્વાસ રાખો. દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાના પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સિદ્ધ કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.
v    વિશ્વાસ પ્રેમની ૫હેલી સીડી છે.કોઇ૫ણ સબંધનો પાયો વિશ્વાસ ઉ૫ર ટકેલો છે.જો આપણા સબંધોમાં એકબીજા ઉ૫ર વિશ્વાસ છે તો કોઇ૫ણ ત્રીજી વ્યક્તિ આપણી વચ્ચે તિરાડ સર્જી નહી શકે. એકબીજા સાથે વિશ્વાસ જાળવી રાખવા માટે એકબીજાની વાતો ૫ર શંકા ના કરવી.
v    વિશ્વાસ એક શબ્દ છે તેને વાંચતાં સેકન્ડ લાગે,વિચારો તો મિનિટ લાગે,સમજાવો તો દિવસ લાગે ૫ણ..તેને સાબિત કરવા આખી જીંદગી લાગે છે.
v    સુખનો ઉ૫ભોગ એકલા ના કરવો..તમામની ઉ૫ર વિશ્વાસ ના કરવો અને તમામ ઉપર શંકા ૫ણ ના કરવી.
v    પ્રેમ..શંકા અને વિશ્વાસના વિકલ્પોમાં ૫લ્ટી ખાધા કરતો હોય છે.
v    ૫તિ-૫ત્નીને સફળતાભર્યું દામ્પ્‍ત્ય આપનાર ત્રણ તત્વો છેઃ વિશ્વાસ..પ્રેમ અને સમજણ.

v    જે તમારા ઉપર વિશ્વાસ મુકે છે તેને છેતરવામાં કશીએ બહાદુરી નથી.

v    જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે, સબંધને ધબક્તુ રાખવા વિશ્વાસ જરૂરી છે.
v    તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.
v    શંકા કરીને બરબાદ થવું એના કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારૂં.
v    હાથથી હાથનાં હસ્ત-મેળાપ થાય તો જન્મો-જન્મનું અતુટ બંધન બંધાય જાય. લાગણી,વિશ્વાસ,સમર્પણનો ‘સંગમ’ થાય તો પ્રેમભર્યા માસુમ પ્રસંગો સર્જાય છે.
v    બધાનો વિશ્વાસ રાખજો,પરંતુ પોતાના મનનો વિશ્વાસ ના રાખશો.કયા સમયે ફરી જાય..ફેરવી નાખે.. કેટલાકને મન એ રમાડ્યા..કેટલાક મનને રમાડે છે.
v    જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી.
v    નારી..ધૂર્ત..આળસુ..ક્રોધી..અહંકારી..ચોર..કૃતઘ્ન અને નાસ્તિક ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ.
v     જેને આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે તે વિશ્વાસ.
v     વિશ્વાસ જીવનની શક્તિ છે.
v     વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.
v     પરમેશ્વર છે એની સાબિતી ન હોવા છતાં તેમને માનવા તેને જ ખરો વિશ્વાસ કહેવાય.

v     શ્વાસ જો શરીર ને ટકાવે છે તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.

v     વિશ્વાસ એ જ ભગવાન. જો જાત ઉપર વિશ્વાસ આવે તો બધાના ઉપર વિશ્વાસ આવે. જો પોતાનામાં વિશ્વાસ ન હોય તો કોઈના પર વિશ્વાસ ન આવે. વિશ્વાસ જાગે તો સહજતા આવે. જીવનમાંથી પસાર થતાં થતાં જ વિશ્વાસ જન્મે છે અને તે ક્ષણિક નહિ શાશ્વત હોય.

v     આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો,પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.
v     માણસે કાગડામાંથી ચાર ગુણો શીખવા જોઈએ. કાગડો હંમેશા એકાંતમાં મૈથુન કરે છે,લુચ્ચાઈમાં તે મોખરે છે,ક્યારેક આવનાર ખરાબ સમય માટે તે પોતાની પાસે ભોજનનો સંગ્રહ રાખે છે,તે ક્યારેય પણ આળસુ નથી બનતો અને ક્યારેય કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો.
v     નદી..શસ્ત્રધારી..લાંબા નહોર..શીંગડાવાળા પશુ..સ્ત્રી અને રાજદરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે.નદીની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે. શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે.લાંબા નહોરવાળા પશુ,શીંગડાવાળા પ્રાણી ક્યારેક નહોર મારી કે શીંગડા મારી ઘાયલ કરી શકે છે.સ્ત્રી ક્યારેય પણ જુઠું લાંછન લગાવી શકે છે તેમજ રાજકુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે એટલે તેમના તરફથી પણ ક્યારેક ખતરો ઉભો થઇ શકે છે.આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.
v     પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.
v     દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો,પ્રમાદી,અહંકારી,હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર,જેનો વિશ્વાસ શિથિલ બની ગયો હોય,જેના હૃદયમાં સ્નેહ ન હોય અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.
v     શ્રધા અને વિશ્વાસમાં બહુ ફરક છે.વિશ્વાસ નો સંબંધ બુદ્ધિ સાથે છે અને શ્રદ્ધા નો સંબંધ હૃદય સાથે છે.
v     જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
v     જેને હર્ષ અને ક્રોધ સરખાં છે..જેને શાસ્ત્રમાં શ્રધ્ધા છે તથા સેવકોની ઉ૫ર પ્રેમ અને વિશ્વાસ છે તેને જ પૃથ્વી ઉ૫ર અધિક ધન મળે છે.

v     જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.

v     અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.

v     વિશ્વાસ  વિના  ભક્તિ  થતી  નથી. ભક્તિ  વિના ભગવાન  પીગળતા  નથી  અને  ભગવાનની  કૃપા  વિના  જીવ સ્વપ્નમાં પણ  શાંતિ  પ્રાપ્ત  કરતો  નથી.

v     વિશ્વાસ અને પ્રાર્થના આત્માનાં બે વિટામીન છે. કોઈ પણ વ્યક્તિ આની વગર સ્વસ્થ જીવન જીવી શકે નહીં.

v     વિશ્વાસના પાયા વિના જીવનની ઇમારત  ઊભી રહી શકતી નથી.

v     શંકા કરી ને બરબાદ થઇ જવું એના કરતા, વિશ્વાસ કરી ને લુટાઈ જવું વધારે સારું છે

v     દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો, પ્રમાદી, અહંકારી, હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર, જેનો  વિશ્વાસ શિથિલ બની ગયો હોય, જેના હૃદયમાં સ્નેહ ન હોય, અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય, એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.
v      ફેરો ફરનારો અને ભિખારીઓનો ક્યારેય વિશ્વાસ ના કરવો..ઠગ લોકો એવું રૂ૫ ધરીને સ્ત્રીઓને ભરમાવી દે છે.
v     જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ...જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્‍ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.
v     આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.
v     જ્ઞાનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ અને પ્રેમની દ્દઢતાથી ભક્તિમાં દ્દઢતા આવે છે.પ્રેમ વિના ભક્તિ કેવી ?
 
આવો રામચરીત માનસ વિશ્વાસ વિશે શું કહે છે તેની તરફ નજર નાખીએ...!
बटु बिस्वास अचल निज धरमा। तीरथराज समाज सुकरमा॥
सबहि सुलभ सब दिन सब देसा। सेवत सादर समन कलेसा॥
उस संत समाज रूपी प्रयाग में अपने धर्म में जो अटल विश्वास है, वह अक्षयवट है और शुभ कर्म ही उस तीर्थराज का समाज है। वह संत समाज रूपी प्रयागराज सब देशों में, सब समय सभी को सहज ही में प्राप्त हो सकता है और आदरपूर्वक सेवन करने से क्लेशों को नष्ट करने वाला है॥
बिस्वास करि सब आस परिहरि दास तव जे होइ रहे।
जपि नाम तव बिनु श्रम तरहिं भव नाथ सो समरामहे॥
जिन्होंने मिथ्या ज्ञान के अभिमान में विशेष रूप से मतवाले होकर जन्म-मृत्यु के भयको हरने वाली आपकी भक्ति का आदर नहीं किया, हे हरि! उन्हें देव-दुर्लभ देवताओं को भी बड़ी कठिनता से प्राप्त होने वाले, ब्रह्मा आदि के पद को पाकर भी हम उस पद से नीचे गिरते देखते हैं परंतु जो सब आशाओं को छोड़कर आप पर विश्वास करके आपके दास हो रहते हैं, वे केवल आपका नाम ही जपकर बिना ही परिश्रम भवसागर से तर जाते हैं। हे नाथ! ऐसे आपका हम स्मरण करते हैं॥
बिनु बिस्वास भगति नहिं तेहि बिनु द्रवहिं न रामु।
राम कृपा बिनु सपनेहुँ जीव न लह बिश्रामु॥
बिना विश्वास के भक्ति नहीं होती, भक्ति के बिना श्री रामजी पिघलते (ढरते) नहीं और श्री रामजी की कृपा के बिना जीव स्वप्न में भी शांति नहीं पाता॥

जिसको गुरु के वचनों में विश्वास नहीं है, उसको सुख और सिद्धि स्वप्न में भी सुगम नहीं होती॥
मंत्र जाप मम दृढ़ बिस्वासा ।
मेरे (राम) मंत्र का जाप और मुझमें दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है।

આવો સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણી વિશ્વાસ વિશે શું કહે છે તેની તરફ નજર નાખીએ...!
કાનથી સાંભળો, આંખથી જુવો ૫છી એનો વિશ્વાસ કરો,
કથન પ્રમાણે કર્મ કરીને, જીવનને એકસાર કરો.
દ્રઢ નિશ્ચયી સાથે બેસો, કાચા સંગે ના કરો પ્‍યાર,
સમજી વિચારી વાતને માનો, માનો તો વિશ્વાસ કરો,
કહે "અવતાર- સત્યને પામી, ફુલો ફલો વિકાસ કરો... (અવતારવાણીઃ૩૩૦)

પૂત્ર-પત્નીની આશા ના રાખો, ના કોઇ કર્મ કમાણી પર,
રમતા રામનો રાખો ભરોસો, આ જગનો ના જરા વિશ્વાસ..

તન રોગી મન ભોગી થાયે,પા૫ની બુરી કમાઇથી,
૫ણ માનવ વિશ્વાસ ન કરીને કરે છે કામ કસાઇના,
દોડી દોડી દુઃખી થઇ મરતા,૫ળભર ના આરામ કરે,
સંગી સાથી જો બુરા હશે તો કૂળને ૫ણ બદનામ કરે,
જો અવતાર કરે ગુરૂ કૃપા જન્મોના ફિટકારો ૫ર,
ઘર ઘરમાં થશે પૂજા એની આવી એના દ્વારો ૫ર..!! અવતારવાણીઃ૨૧૬!!

આવો વિશ્વાસ વિશેના એક ભજનનો આસ્વાદ માણીએ...

હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
વિશ્વ ચરાચર ઉપવન મારૂં પાણી હું પીવડાવું છું,
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું ?
ભિક્ષુક વેશ ધરૂં છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું,
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું.
શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું,
રજા સિવાય અંદર ન આવો એ વાંચીને વહ્યો હું જાઉં છું
દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નહાઉં છું,
સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું
ઓળખનારા ક્યાં છે આજે ? દંભીથી દુભાવું છું,
'આપ' કવિની ઝુંપડીએ જઈ રામ બની રહી જાઉં છું


વિશ્વાસ ક્યાં મળે છે કોઈની આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.
તારી અને મારી વચ્ચેનું અંતર કહું ? શું છે ?
વિશ્વાસ ના હોવાની સંભાવના હવે.
છો શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે ?
*****
મુક્યો મેં વિશ્વાસ જગત પર,જગતને મારામાં વિશ્વાસ નથી.
ભાગ્યના ભરોસે દોડ્યો છું,પણ હરદમ પાછો પડ્યો છું.
હવે અંતિમ કોઈ આશ નથી..
*****
થાય સહન એટલું તૂં સહી લે બીજું બધું તૂં પ્રભુને સોંપી દે,
છે એક જ એ તો સાચો એને તો તૂં તારો કરી લે,
છે બધી ખબર એને બધું તો એને તૂં કહી દે,
તૂં જાણે બધું તૂં કરે છે,ઇચ્છા વિના એની ના કાંઇ બને છે,
મુકી વિશ્વાસ બધું એને તૂં સોંપી દે,
જગનો ભાર સદા એ ધરે છે ભાર તારો એને તૂં દઇ દે,
ના રાખે કચાશ એ તો કદી રહે જે એના વિશ્વાસે...
*****






વિશ્વાસ
સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
મું.છક્કડીયા ચોકડી,પોસ્ટઃધાણીત્રા,
તા..ગોધરા,જી.પંચમહાલ
E-mail: sumi7875@gmail.com