શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકદેવજીની જન્મજયંતી
એકેશ્વરવાદ-માનવતા-સમાનતા-સદાચાર અને નિઃસ્વાર્થ સેવાનો દિવ્ય સંદેશ
ભારતની
પવિત્ર ધરતી સંતો,મહાત્માઓ,ઋષિમુનિઓ અને
મહાપુરૂષોની જન્મભૂમિ રહી છે.આ ધરતી પર સમયાંતરે એવા દિવ્ય આત્માઓએ જન્મ લીધો છે
જેમણે પોતાના જ્ઞાન,ભક્તિ,ત્યાગ,તપસ્યા અને માનવતાભર્યા જીવન દ્વારા સમાજને નવી દિશા આપી છે.આવા મહાન
સંતોમાં શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરૂ શ્રી ગુરૂ નાનકદેવજીનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ
છે.
કારતક સુદ પૂર્ણિમાનો
પવિત્ર દિવસ ગુરૂ નાનકદેવજીની જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે.આ પર્વને ગુરૂપર્વ,ગુરૂ
નાનક પ્રકાશ પર્વ કે પ્રકાશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુરૂ નાનકદેવજીનો જન્મ
ઇ.સ.૧૪૬૯માં પંજાબના તલવંડી ગામમાં થયો હતો,જે આજે
પાકિસ્તાનમાં આવેલા નનકાના સાહિબ તરીકે ઓળખાય છે.
ગુરૂ નાનકદેવજીની
જન્મજયંતી માત્ર કોઈ મહાપુરૂષના જન્મની ઉજવણી નથી પરંતુ તેમના દ્વારા આપવામાં
આવેલા આધ્યાત્મિક જ્ઞાન,એકેશ્વરવાદ,માનવસેવા,ભાઈચારો,સમાનતા અને સત્યના માર્ગને જીવનમાં ઉતારવાનો
પવિત્ર સંકલ્પ કરવાનો દિવસ છે.
ગુરૂ
નાનકદેવજીનો જન્મ અને બાળપણ..
ગુરૂ
નાનકદેવજીનો જન્મ કારતક સુદ પૂર્ણિમાના દિવસે સંવત ૧૫૨૬માં તલવંડી ગામમાં થયો હતો,તેમના
પિતાનું નામ મહેતા કલ્યાણદાસ ખત્રી અને માતાનું નામ માતા તૃપ્તાદેવી હતું, તેમની મોટી બહેનનું નામ નાનકી હતું. બાળપણથી જ નાનકદેવજીનું વ્યક્તિત્વ
અસાધારણ હતું, તેમનું મન સંસારની ભૌતિક પ્રવૃત્તિઓ કરતાં
ઈશ્વરચિંતન,ધ્યાન,પરોપકાર અને
આધ્યાત્મિક જ્ઞાન તરફ વધુ આકર્ષાતું હતું. બાળપણમાં જ તેમણે અનેક પ્રસંગો દ્વારા
પોતાની દિવ્ય વિચારધારા પ્રગટ કરી હતી. જ્યારે તેમને જનોઈ ધારણ કરાવવાની વિધિ
કરવામાં આવી ત્યારે તેમણે પંડિતજી સમક્ષ એવો પ્રશ્ન રજૂ કર્યો કે જે જનોઈ મેલી થાય
છે,તૂટી જાય છે અને નષ્ટ થઈ જાય છે તે આત્માના કલ્યાણમાં
કેવી રીતે સહાયક બની શકે? તેમણે દયારૂપી કપાસ,સંતોષરૂપી સૂતર, સંયમરૂપી ગાંઠ અને સત્યરૂપી વળથી
બનેલી એવી આંતરિક જનોઈની વાત કરી જે ક્યારેય મેલી ન થાય કે તૂટી ન જાય.
આ પ્રસંગનો
આધ્યાત્મિક સંદેશ એ છે કે માણસની સાચી પવિત્રતા બાહ્ય
વેશભૂષા કે ધાર્મિક ચિહ્નોમાં નહીં પરંતુ તેના શુદ્ધ વિચારો,સદાચરણ,દયા,સત્ય અને નિર્મળ
જીવનમાં રહેલી છે.
સચ્ચા
સૌદા..માનવસેવા એ જ સાચો વેપાર..
ગુરૂ
નાનકદેવજીના જીવનનો એક પ્રસિદ્ધ પ્રસંગ 'સચ્ચા સૌદા' તરીકે ઓળખાય છે, તેમના પિતાએ તેમને વેપાર માટે વીસ
રૂપિયા આપ્યા અને નફાકારક સોદો કરીને આવવા કહ્યું. રસ્તામાં નાનકદેવજીને કેટલાક
ભૂખ્યા સાધુઓ મળ્યા,તેમણે વિચાર્યું કે ભૂખ્યા લોકોને ભોજન
કરાવવા કરતાં મોટો કોઈ લાભદાયક વેપાર હોઈ શકે નહીં, તેમણે
પોતાના પિતાએ આપેલા પૈસાથી ભોજનની સામગ્રી ખરીદી અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું,
તેમના મતે જરૂરિયાતમંદની સેવા કરવી એ જ સાચો સોદો હતો. આ પ્રસંગ
આપણને સમજાવે છે કે ધનનો સાચો ઉપયોગ માત્ર પોતાના
સુખ-સગવડ માટે નથી પરંતુ બીજાના દુઃખ દૂર કરવા અને માનવકલ્યાણ માટે પણ થવો જોઈએ.
ગુરૂ
નાનકદેવજીનો આધ્યાત્મિક સંદેશ..એક ઓંકાર..
ગુરૂ
નાનકદેવજીના સમગ્ર દર્શનનો આધાર એક પરમાત્માની સર્વવ્યાપક સત્તા છે, તેમણે
'એક ઓંકાર'નો મહાન સંદેશ આપ્યો,
તેનો અર્થ છે કે પરમાત્મા એક છે,તે નિરાકાર છે,સર્વવ્યાપક છે અને સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે.શ્રી ગુરૂગ્રંથ સાહિબજીના
આરંભમાં જ આ મહાન આધ્યાત્મિક સિદ્ધાંત રજૂ થયો છે.
પરમાત્મા એક
છે,તેનું નામ સત્ય છે,તે સર્જનહાર છે,તે નિર્ભય છે અને કોઈની સાથે વેરભાવ રાખતો નથી.
આ વાણી આપણને
સમજાવે છે કે ઈશ્વર કોઈ એક જાતિ,ધર્મ,સંપ્રદાય કે પ્રદેશ
પૂરતો મર્યાદિત નથી,તે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક છે.જ્યારે
માણસ આ એક પરમાત્માની સર્વવ્યાપકતાને સમજે છે ત્યારે તેના મનમાંથી ભેદભાવ,દ્વેષ,ઈર્ષ્યા અને અહંકાર દૂર થવા લાગે છે.ગુરૂ
નાનકદેવજીએ હિંદુ અને મુસ્લિમ બંને સમાજમાં વ્યાપેલા બાહ્ય આડંબર,અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો હતો, તેમનો હેતુ કોઈ ધર્મનું ખંડન કરવાનો નહોતો પરંતુ દરેક મનુષ્યને ધર્મના સાચા
તત્વ સુધી પહોંચાડવાનો હતો.
ગુરૂ
નાનકદેવજીના જીવનના ત્રણ મહાન સિદ્ધાંતો..
ગુરૂ
નાનકદેવજીએ માનવજીવનને આધ્યાત્મિક અને નૈતિક રીતે શ્રેષ્ઠ બનાવવા માટે ત્રણ મહાન
સિદ્ધાંતો આપ્યા છે.
(૧)
નામ જપના..પરમાત્માનું સ્મરણ.
પરમાત્માના
નામનું સ્મરણ કરવું,તેના ગુણોનું ચિંતન કરવું અને દરેક પરિસ્થિતિમાં
તેની હાજરીનો અનુભવ કરવો એ નામ જપનાનો ભાવ છે. મનુષ્યનું મન અનેક પ્રકારના વિચારો,ઇચ્છાઓ,વાસનાઓ અને ચિંતાઓથી ઘેરાયેલું રહે
છે.પરમાત્માનું સ્મરણ મનને શાંતિ,એકાગ્રતા અને આંતરિક બળ આપે
છે.સાચી ભક્તિ માત્ર વાણીથી નામ લેવાની નથી પરંતુ જીવનના દરેક વ્યવહારમાં ઈશ્વરીય
ગુણો ઉતારવાની છે.
(૨)
કિરત કરની..પ્રામાણિકતાથી મહેનત કરવી..
ગુરૂ
નાનકદેવજીએ ઈમાનદારી અને પરિશ્રમથી આજીવિકા મેળવવાનો ઉપદેશ આપ્યો હતો. કોઈનું શોષણ
કરીને, અન્યાય કરીને કે છેતરપિંડીથી મેળવેલું ધન જીવનમાં સાચી
શાંતિ આપી શકતું નથી.માણસે પોતાના પરિશ્રમથી કમાવું જોઈએ અને પોતાના કર્મમાં
પ્રામાણિકતા જાળવવી જોઈએ.આ સિદ્ધાંત આપણને કર્મયોગ,સદાચાર
અને નીતિપૂર્ણ જીવનની પ્રેરણા આપે છે.
(૩)
વંડ છકના..વહેંચીને ખાવું અને સેવા કરવી..
પોતાની
મહેનતથી મેળવેલી કમાણીમાંથી જરૂરિયાતમંદોને સહાય કરવી, ભૂખ્યાંને
ભોજન આપવું અને સમાજના કલ્યાણમાં ભાગીદાર બનવું એ વંડ છકનાનો મુખ્ય ભાવ છે. આ
સિદ્ધાંતમાં દાન,કરૂણા, પરોપકાર અને
સામાજિક સમાનતાનો સુંદર સમન્વય છે. શીખ પરંપરામાં દસવંધ દ્વારા પોતાની આવકનો દસમો
ભાગ સેવાકાર્યો અને માનવકલ્યાણ માટે અર્પણ કરવાની ભાવના પણ જોડાયેલી છે.
આ ત્રણેય
સિદ્ધાંતોનું પાલન કરનાર વ્યક્તિનું જીવન ભક્તિ-કર્મ અને સેવાનો સુંદર સંગમ બની
શકે છે.
સંગત
અને પંગત..સમાનતાનું જીવંત ઉદાહરણ
ગુરૂ
નાનકદેવજીએ સમાજમાંથી ઊંચ-નીચ,જાતિભેદ,ધર્મભેદ અને
આર્થિક અસમાનતા દૂર કરવાનો સંદેશ આપ્યો હતો,તેમના ઉપદેશોમાં સંગત
અને પંગતની ભાવના વિશેષ મહત્વ ધરાવે છે. સંગત એટલે સૌએ સાથે બેસીને સત્સંગ કરવો
અને પંગત એટલે કોઈ ભેદભાવ રાખ્યા વિના એક જ હરોળમાં બેસીને ભોજન કરવું.આ પરંપરામાં
ધનવાન-ગરીબ,ઊંચી-નીચી જાતિ કે કોઈ વિશેષ સામાજિક દરજ્જાનો
ભેદ રહેતો નથી,સૌ એક જ પરમાત્માની સંતાન છે અને સૌને સમાન
સન્માન મળવું જોઈએ.આ જ ભાવનામાંથી શીખ ધર્મની લંગર પરંપરાનો વિકાસ થયો. ગુરૂદ્વારાઓમાં
આજે પણ નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે. લંગર માત્ર ભોજનની વ્યવસ્થા નથી પરંતુ
માનવસમાનતા,સહકાર,સેવા અને ભાઈચારાનું
જીવંત પ્રતીક છે.
ગુરૂ
નાનકદેવજીની ઉદાસીઓ અને વિશ્વભરમાં આધ્યાત્મિક સંદેશ..
ગુરૂ
નાનકદેવજીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક લાંબી આધ્યાત્મિક યાત્રાઓ કરી જેને ઉદાસીઓ
તરીકે ઓળખવામાં આવે છે.આ યાત્રાઓમાં તેમના સાથી ભાઈ મરદાના અને ભાઈ બાલાનો ઉલ્લેખ
મળે છે,તેમણે ભારતના અનેક પ્રદેશો ઉપરાંત તત્કાલીન ધાર્મિક અને
સાંસ્કૃતિક કેન્દ્રોની મુલાકાત લીધી હતી,તેમની યાત્રાઓનો
મુખ્ય હેતુ કોઈ પ્રદેશ પર વિજય મેળવવાનો નહોતો પરંતુ લોકોને એક પરમાત્મા, સત્ય, દયા, સમાનતા અને
માનવતાનો સંદેશ આપવાનો હતો.
મક્કાની
યાત્રા સાથે જોડાયેલો પ્રસંગ તેમની સર્વવ્યાપક પરમાત્માની વિચારધારાને દર્શાવે છે.
લોકપ્રચલિત કથા અનુસાર જ્યારે તેમને કાબા તરફ પગ રાખીને સૂવા બદલ ટોકવામાં આવ્યા
ત્યારે તેમણે કહ્યું કે જ્યાં પરમાત્માનું ઘર ન હોય તે દિશામાં મારા પગ ફેરવી દો-આ
પ્રસંગનો ભાવ એ છે કે પરમાત્મા કોઈ એક દિશા કે સ્થળમાં સીમિત નથી, તે
સર્વત્ર વ્યાપક છે.
હરિદ્વારમાં
પિતૃઓને જળ અર્પણ કરતા લોકોને તેમણે બાહ્ય ક્રિયા કરતાં જીવતા માતા-પિતા અને
જરૂરિયાતમંદોની સેવા વધુ મહત્વપૂર્ણ હોવાનું સમજાવ્યું હતું, તેમણે
પોતાના જીવન દ્વારા સાબિત કર્યું કે સાચો ધર્મ માનવકલ્યાણ અને સદાચારથી જ જીવંત
બને છે.
ગુરૂ
નાનકદેવજી સાથે જોડાયેલાં ચાર મહત્વપૂર્ણ ગુરૂદ્વારા..
ગુરૂ
નાનકદેવજીના જીવન સાથે જોડાયેલાં અનેક પવિત્ર સ્થળો શીખ સમુદાય માટે વિશેષ
આસ્થાનું કેન્દ્ર છે.
(૧) ગુરૂદ્વારા
જન્મસ્થાન,નનકાના સાહિબ-પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં
આવેલું નનકાના સાહિબ ગુરૂ નાનકદેવજીનું જન્મસ્થળ છે.આ સ્થાન શીખ ધર્મનાં સૌથી
પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે.
(૨) ગુરૂદ્વારા
બેર સાહિબ-સુલતાનપુર લોધી..અહીં ગુરૂ નાનકદેવજીએ પોતાના જીવનનો મહત્વપૂર્ણ સમય
વિતાવ્યો હતો. વેઈન નદી સાથે જોડાયેલા તેમના આધ્યાત્મિક જીવનના અનેક પ્રસંગો આ
સ્થળની મહત્તા દર્શાવે છે.
(૩) ગુરૂદ્વારા
દરબાર સાહિબ-કરતારપુર..પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલું આ સ્થાન ગુરૂ
નાનકદેવજીના જીવનનાં અંતિમ વર્ષો સાથે જોડાયેલું છે,અહીં
તેમણે ખેતી,શ્રમ,સત્સંગ અને લંગરની
પરંપરા દ્વારા આદર્શ ગૃહસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો. ઇ.સ.૧૫૩૯માં અહીં જ તેઓ
જ્યોતિ જોત સમાયા હતા.
(૪) ગુરૂદ્વારા
ગૌઘાટ-લુધિયાણા..આ સ્થળ ગુરૂ નાનકદેવજીની યાત્રા અને ઉપદેશો સાથે જોડાયેલું છે.
સ્થાનિક ધાર્મિક પરંપરામાં આ સ્થાનનું વિશેષ મહત્વ છે.
ગુરૂ
ગ્રંથ સાહિબ-શાશ્વત આધ્યાત્મિક માર્ગદર્શક..
ગુરૂ
નાનકદેવજીની વાણી અને તેમના આધ્યાત્મિક વિચારોને શીખ પરંપરાના અનુગામી ગુરૂઓએ આગળ
વધાર્યા.શીખ ધર્મમાં દસ માનવીય ગુરૂઓની પરંપરા રહી છે.દસમા ગુરૂ, ગુરૂ
ગોવિંદસિંહજીએ શ્રી ગુરૂ ગ્રંથ સાહિબજીને શાશ્વત ગુરૂનું સ્થાન આપ્યું.આ પવિત્ર
ગ્રંથમાં માત્ર શીખ ગુરૂઓની જ નહીં પરંતુ સંત કબીરજી,સંત
રવિદાસજી,શેખ ફરીદજી સહિત અનેક ભક્તો અને સંતોની વાણીનો પણ
સમાવેશ થાય છે. આથી શ્રી ગુરૂ ગ્રંથ સાહિબજી માનવતાવાદી-ભક્તિમય અને આધ્યાત્મિક
વિચારોનો અમૂલ્ય ખજાનો છે.
ગુરૂ
નાનકદેવજીના અમૂલ્ય ઉપદેશો..
અહંકાર,ઈર્ષ્યા,લોભ અને દ્વેષથી દૂર રહીને વિનમ્ર જીવન જીવવું,
પ્રામાણિકતાથી
મહેનત કરીને આજીવિકા મેળવવી,
પોતાની
કમાણીમાંથી જરૂરિયાતમંદોને મદદ કરવી,
પરમાત્માનું
નામ સ્મરણ કરીને મનને નિર્મળ બનાવવું,
તમામ
મનુષ્યોને સમાન સમજવા અને કોઈની સાથે ભેદભાવ ન રાખવો,
સત્ય-ન્યાય
અને નીતિના માર્ગે ચાલવું,
પૈસાને
જીવનનું સાધન માનવું, જીવનનું અંતિમ લક્ષ્ય નહીં,
ભૂખ્યાંને
ભોજન,તરસ્યાને પાણી અને દુઃખીઓને આશ્રય આપવો,
ધાર્મિક
આડંબર કરતાં સદાચાર અને માનવસેવાને મહત્વ આપવું,
દરેક જીવમાં
પરમાત્માની જ્યોતિનો અનુભવ કરીને સૌની સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું..
ગુરૂ
નાનકદેવજીના દર્શનમાં સાચો ધર્મ અને માનવતા..
ગુરૂ
નાનકદેવજીનું સમગ્ર જીવન આપણને સમજાવે છે કે ધર્મનો સાચો હેતુ માણસને માણસ સાથે
જોડવાનો છે,અલગ પાડવાનો નહીં. મંદિરો,મસ્જિદો,ગુરૂદ્વારાઓ અને અન્ય ધાર્મિક સ્થળોએ જવું સારી વાત છે પરંતુ ત્યાંથી
પ્રાપ્ત થતી પ્રેરણાને પોતાના જીવનમાં ઉતારવી એ વધુ મહત્વપૂર્ણ છે.જો માણસના
હૃદયમાં દયા ન હોય, વ્યવહારમાં સત્ય ન હોય, કમાણીમાં પ્રામાણિકતા ન હોય અને બીજા પ્રત્યે પ્રેમ ન હોય તો માત્ર બાહ્ય
ધાર્મિક દેખાવથી આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી.
જ્ઞાનના
પ્રકાશથી માનવતાનું કલ્યાણ..
ગુરૂ
નાનકદેવજીનું જીવન માત્ર શીખ ધર્મના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય નથી પરંતુ
સમગ્ર માનવજાત માટે આધ્યાત્મિક પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે,તેમણે
પોતાના જીવન દ્વારા બતાવ્યું કે પરમાત્માની સાચી ભક્તિ માત્ર પૂજા-પાઠમાં નહીં પરંતુ
પ્રામાણિક કર્મ,નિઃસ્વાર્થ સેવા,પરોપકાર,દયા,પ્રેમ અને માનવતામાં રહેલી છે. આજના સમયમાં
જ્યારે માનવી ધન,પ્રતિષ્ઠા,સત્તા અને
ભૌતિક સુખસુવિધાઓ મેળવવાની દોડમાં પોતાના આંતરિક સુખ અને માનવીય મૂલ્યો ભૂલી રહ્યો
છે ત્યારે ગુરૂ નાનકદેવજીના ઉપદેશો વિશેષ પ્રાસંગિક બની જાય છે. તેમનો 'નામ જપના, કિરત કરની અને વંડ છકના'નો સંદેશ દરેક વ્યક્તિ માટે જીવન જીવવાની ઉત્તમ દિશા છે.જો આપણે
પરમાત્માનું સ્મરણ કરીએ,પ્રામાણિકતાથી કર્મ કરીએ અને બીજાના
સુખ-દુઃખમાં સહભાગી બનીએ તો આપણું જીવન પણ સાચા અર્થમાં આધ્યાત્મિક બની શકે છે.
કારતક સુદ
પૂર્ણિમાના આ પવિત્ર ગુરૂ પર્વ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે ગુરૂ નાનકદેવજીના
ઉપદેશોને માત્ર વાંચીશું કે સાંભળીશું જ નહીં પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ
ઉતારીશું.એક પરમાત્મા, એક માનવજાત,એક પરિવાર અને
સૌના કલ્યાણની ભાવના જ ગુરૂ નાનકદેવજીના જીવનનો સાચો સંદેશ છે.અહંકાર અને ભેદભાવના
અંધકારને દૂર કરીને જ્ઞાન,પ્રેમ,સેવા
અને સમાનતાનો પ્રકાશ આપણા જીવનમાં પ્રગટાવીએ.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment