Tuesday, 3 November 2026

દીપાવલી..જ્યોતિ અને પ્રકાશનું પર્વ

 

દીપાવલી..જ્યોતિ અને પ્રકાશનું પર્વ

 

દીપાવલી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ,અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને અસત્યમાંથી સત્ય તરફ લઈ જતું પવિત્ર પર્વ.વૈદિક કાળથી લઈને વર્તમાન સમય સુધી ભારતીય સંસ્કૃતિમાં પ્રજ્વલિત દીવાઓના દિવ્ય પ્રકાશ વચ્ચે વિવિધ ઉત્સવો અને પર્વોની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે.દીપક ભારતીય સંસ્કૃતિમાં માત્ર પ્રકાશનું સાધન નથી પરંતુ તે જ્ઞાન,શ્રદ્ધા,પવિત્રતા,આશા,મંગલભાવના અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે.આપણા રાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસથી લઈને આધુનિક સમય સુધી દીપોત્સવ સાથે જોડાયેલા અનેક પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગોની એક લાંબી પરંપરા જોવા મળે છે. આ બધા પ્રસંગો પાછળ કોઈ ને કોઈ આધ્યાત્મિક સંદેશ અને લોકકલ્યાણની ભાવના રહેલી છે.

 

દીપાવલી પર્વ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રસંગો અને તેના આધ્યાત્મિક મહત્વ પર એક દ્રષ્ટિપાત કરીએ.દીપાવલી સાથે જોડાયેલા પ્રાચીન અને અર્વાચીન પ્રસંગો જોઇએ..

 

રાજા બલિ અને દીપદાનની પરંપરા..

પદ્મપુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતાર અને દાનવીર રાજા બલિનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. ભગવાને વામન સ્વરૂપે રાજા બલિ પાસે ત્રણ પગલાં જેટલી ભૂમિનું દાન માગ્યું હતું ત્યારબાદ વિરાટ સ્વરૂપ ધારણ કરીને બે પગલાંમાં સમગ્ર પૃથ્વી અને સ્વર્ગલોક માપી લીધાં અને ત્રીજું પગલું મૂકવા માટે બલિએ પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું. ભગવાને રાજા બલિને પાતાળલોકમાં સ્થાન આપ્યું હતું. લોકપરંપરામાં એવી કથા પ્રચલિત છે કે રાજા બલિએ ભગવાનને વિનંતી કરી કે કારતક વદ તેરસથી અમાસ સુધી જે મનુષ્ય યમરાજ અને માતા મહાલક્ષ્મીના નામે દીપદાન કરશે તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે અને તેને યમયાતનાનો ભય ન રહે. આ પ્રસંગ સાથે ધનતેરસ,યમદીપદાન અને દીપાવલી ની પરંપરાને જોડવામાં આવે છે.

 

યમરાજ અને નચિકેતાનો બ્રહ્મવિદ્યાનો સંવાદ..

કઠોપનિષદમાં યમરાજ અને જિજ્ઞાસુ બાલક નચિકેતાનો અત્યંત જ્ઞાનપ્રદ સંવાદ વર્ણવવામાં આવ્યો છે.નચિકેતાએ યમરાજને આત્મતત્વ, મૃત્યુનું રહસ્ય અને મૃત્યુ પછીના જીવન વિશે પ્રશ્નો પૂછ્યા હતા.યમરાજે નચિકેતાની જિજ્ઞાસા-શ્રદ્ધા અને વૈરાગ્યથી પ્રસન્ન થઈને તેને આત્મવિદ્યાનું ગહન જ્ઞાન આપ્યું હતું.કઠોપનિષદનો આ પ્રસંગ આપણને સમજાવે છે કે મનુષ્યજીવનનું સાચું લક્ષ્ય માત્ર ભૌતિક સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવાનું નથી પરંતુ પોતાના વાસ્તવિક સ્વરૂપ એવા આત્મતત્વને જાણવાનું છે.દીપાવલીના પર્વ સાથે આ પ્રસંગને જોડીને આપણે એવો આધ્યાત્મિક સંદેશ મેળવી શકીએ કે બહારના દીવા પ્રગટાવવાની સાથે અંતરમાં પણ આત્મજ્ઞાનનો દીપ પ્રગટાવવો જોઈએ.

 

માતા કાળી અને આસુરી શક્તિઓનો સંહાર..

શાક્ત પરંપરામાં માતા મહાકાળીનું સ્વરૂપ શક્તિ,સાહસ અને દુષ્ટતાના વિનાશનું પ્રતીક માનવામાં આવે છે.દેવી મહાત્મ્ય અને માર્કંડેય પુરાણમાં દેવી દ્વારા વિવિધ આસુરી શક્તિઓના સંહારનું વર્ણન મળે છે.રક્તબીજ નામના અસુરનો વધ કરવા માટે માતા મહાકાળીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. રક્તબીજના લોહીનું એક ટીપું ધરતી પર પડતાં તેમાંથી બીજો અસુર ઉત્પન્ન થતો હતો ત્યારે માતા કાળીએ તેનું લોહી ધરતી પર પડવા દીધા વિના તેનું સંહારકાર્ય પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગ સાથે માતા મહાકાળીની આરાધનાની પરંપરા જોડાયેલી છે.ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કારતક અમાસના દિવસે કાળીપૂજાનું વિશેષ મહત્ત્વ છે.આ પ્રસંગનો આધ્યાત્મિક ભાવ એ છે કે માનવીએ પોતાના અંતરમાં રહેલા ક્રોધ,લોભ,મોહ,અહંકાર અને ઈર્ષ્યા જેવા આસુરી સ્વભાવનો નાશ કરીને સદગુણોનો વિકાસ કરવો જોઈએ.

 

ભગવાન શ્રીરામનું અયોધ્યા આગમન..

રામાયણના પ્રસિદ્ધ પ્રસંગ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને ધર્મ અને ન્યાયની સ્થાપના કરી હતી.ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ્યારે ભગવાન શ્રીરામ,માતા સીતા અને લક્ષ્મણજી અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યાવાસીઓએ આનંદ અને ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું હતું.ભગવાન શ્રીરામના આગમનના આનંદમાં અયોધ્યાના નગરજનો દ્વારા ઘેરઘેર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા,આ પરંપરાને દીપાવલીના પર્વ સાથે જોડવામાં આવે છે.આ પ્રસંગ આપણને શીખવે છે કે અંતે વિજય સત્યનો જ થાય છે,અધર્મ ગમે તેટલો શક્તિશાળી હોય તો પણ તેનો નાશ નિશ્ચિત છે.

 

પાંડવોનું વનવાસ પૂર્ણ કરીને પરત ફરવું..

મહાભારતના પ્રસંગ અનુસાર પાંડવોએ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ તેઓ સુરક્ષિત રીતે પરત ફર્યા ત્યારે તેમના આગમનના આનંદમાં નગરજનો દ્વારા દીપોત્સવ કરવામાં આવ્યો હોવાની લોકમાન્યતા પ્રચલિત છે.આ પ્રસંગ આપણને સમજાવે છે કે જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ આવે પરંતુ ધૈર્ય-સત્ય અને ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિએ નિરાશ થવું જોઈએ નહીં.સમય બદલાતાં સુખ અને આનંદનો પ્રકાશ પણ અવશ્ય પ્રગટે છે.

 

ભગવાન મહાવીરનું નિર્વાણ..

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરને કારતક અમાસના દિવસે બિહારના પાવાપુરી ખાતે નિર્વાણ પ્રાપ્ત થયું હતું. જૈન ધર્મમાં આ દિવસનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે.ભગવાન મહાવીરના નિર્વાણ બાદ તેમના અનુયાયીઓએ જ્ઞાનના પ્રકાશનું પ્રતીક માનીને દીવા પ્રગટાવ્યા હતા તેથી જૈન સમાજ દીપાવલીને ભગવાન મહાવીરના નિર્વાણદિવસ તરીકે ઉજવે છે.આ પ્રસંગનો સંદેશ એ છે કે આત્મજ્ઞાન,અહિંસા,અપરિગ્રહ અને સંયમ દ્વારા મનુષ્ય પોતાના જીવનને પવિત્ર બનાવી શકે છે.

 

શ્રી હરિમંદિર સાહિબનો શિલાન્યાસ..

શીખ ઇતિહાસમાં પણ દીપાવલીનું વિશેષ મહત્વ છે.પરંપરાગત ઐતિહાસિક માન્યતા અનુસાર ઈ.સ.૧૫૭૭માં દીપાવલીના દિવસે અમૃતસરના પવિત્ર હરિમંદિર સાહિબનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પવિત્ર સ્થાન શીખ ધર્મની શ્રદ્ધા,સમાનતા,સેવા અને આધ્યાત્મિક એકતાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

 

બંધીછોડ દિવસ..ગુરુ હરગોવિંદ સાહેબજીની મુક્તિ..

શીખ ધર્મના છઠ્ઠા ગુરૂ શ્રી ગુરૂ હરગોવિંદ સાહેબજીને મુઘલ બાદશાહ જહાંગીરે ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા.ઐતિહાસિક પરંપરા અનુસાર ગુરુજીની મુક્તિ વખતે તેમની સાથે કેદ કરવામાં આવેલા બાવન રાજાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગને યાદ કરીને શીખ સમાજ દીપાવલી ના દિવસે 'બંધીછોડ દિવસ' તરીકે ઉજવણી કરે છે.આ પ્રસંગ આપણને અન્યાય અને બંધનમાંથી મુક્તિ અપાવવાની ભાવના-પરોપકાર અને માનવતાની પ્રેરણા આપે છે.

 

સ્વામી રામતીર્થનો જન્મ અને મહાપ્રયાણ..

ભારતના મહાન વેદાંતવેત્તા અને આધ્યાત્મિક સંત સ્વામી રામતીર્થનો જન્મ અને મહાપ્રયાણ બંને દીપાવલીના પવિત્ર દિવસે થયાં હતાં એવી પરંપરાગત માન્યતા છે.સ્વામી રામતીર્થે પોતાના આધ્યાત્મિક વિચારો અને વેદાંતના ઉપદેશ દ્વારા વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનો સંદેશ ફેલાવ્યો હતો. પશ્ચિમના દેશોમાં પણ તેમના વિચારોને વિશેષ માન મળ્યું હતું, તેમણે મનુષ્યને પોતાના દિવ્ય સ્વરૂપને ઓળખવા અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી હતી.

 

મહર્ષિ દયાનંદ સરસ્વતીનું નિર્વાણ..

આર્યસમાજના સ્થાપક અને મહાન સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું નિર્વાણ પણ આસો વદ અમાસ એટલે કે દીપાવલીના દિવસે થયું હતું, તેમણે ભારતીય સમાજમાં ફેલાયેલી અનેક કુરિવાજો-અંધશ્રદ્ધાઓ અને સામાજિક અસમાનતાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો, તેમણે 'વેદો તરફ પાછા વળો'નો સંદેશ આપીને વૈદિક જ્ઞાન,સત્ય,નૈતિકતા અને માનવકલ્યાણનો માર્ગ બતાવ્યો હતો.તેમનું જીવન આપણને જ્ઞાન,સત્યનિષ્ઠા અને સમાજસુધારણાની પ્રેરણા આપે છે.

 

દીપાવલીનું વૈજ્ઞાનિક અને સ્વચ્છતાલક્ષી મહત્વ..

દીપાવલી પર્વની ઉજવણી પાછળ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વની સાથે સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ પણ એક સુંદર પરંપરા રહેલી છે.વર્ષાઋતુના ચાર મહિના દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે.ઘરોમાં,આસપાસના વિસ્તારોમાં અને ગંદકીવાળી જગ્યાઓ પર મચ્છરો, જીવજંતુઓ તથા અન્ય રોગકારક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થવાની શક્યતા વધી જાય છે.આથી આપણા પૂર્વજોએ દીપાવલીના આગમન પહેલાં ઘરની સાફસફાઈ, લિપાઈ-પુતાઈ અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાની પરંપરા વિકસાવી હતી.આ રીતે ધાર્મિક પર્વના માધ્યમથી સ્વચ્છતા,આરોગ્ય અને સુવ્યવસ્થિત જીવનનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.દીવા પ્રગટાવવાની પરંપરા પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે. જોકે દીવા પ્રગટાવવાથી હવામાં રહેલા તમામ પ્રદૂષકો કે રોગકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે એવું વૈજ્ઞાનિક રીતે નિશ્ચિત કહી શકાય નહીં તેમ છતાં દીપાવલીના અવસરે સ્વચ્છતા જાળવવી,પર્યાવરણનું રક્ષણ કરવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ આપણી સામાજિક જવાબદારી છે.આપણે ઘરમાં દીવા પ્રગટાવીએ પરંતુ તેની સાથે ધ્વનિ અને વાયુપ્રદૂષણ ન થાય તેનું પણ ધ્યાન રાખીએ.પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના સાદગી અને પવિત્રતાથી દીપોત્સવની ઉજવણી કરીએ.

 

દીપાવલીનો સાચો આધ્યાત્મિક સંદેશ..

દીપાવલી માત્ર ઘરની બહાર દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ અંતરના અંધકારને દૂર કરવાનો આધ્યાત્મિક અવસર છે.ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આસક્તિનો ત્યાગ કરીને પોતાનાં કર્મો પરમાત્માને અર્પણ કરે છે તે કમળના પાનની જેમ સંસારમાં રહીને પણ સંસારના દોષોથી અલિપ્ત રહે છે.આપણા શાસ્ત્રોમાં પણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રાર્થના કરવામાં આવી છે.

 

असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय

 

હે પરમાત્મા ! અમને અસત્યમાંથી સત્ય તરફ,અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુના બંધનમાંથી અમૃતત્વ તરફ લઈ જાઓ. આ ઉપનિષદીય પ્રાર્થના દીપાવલીના પર્વનો સાચો આધ્યાત્મિક ભાવ વ્યક્ત કરે છે.દીપક પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે તે આપણને પણ શીખવે છે કે જીવનમાં ત્યાગ,સેવા,પ્રેમ, દયા,કરૂણા અને પરોપકાર જેવા ગુણો કેળવવા જોઈએ. બીજાના જીવનમાં આનંદનો પ્રકાશ ફેલાવવો એ જ માનવજીવનની સાચી સાર્થકતા છે.આપણે દીપાવલીના દિવસે ઘરની સાથે મન અને અંતરાત્માની પણ સફાઈ કરીએ. મનમાં રહેલા દ્વેષ,ઈર્ષ્યા,અહંકાર,ક્રોધ અને લોભ જેવા અંધકારને દૂર કરીને પ્રેમ,નમ્રતા, સંતોષ અને માનવતાના દીવા પ્રગટાવીએ.

 

દીપાવલી અનેક પૌરાણિક,ઐતિહાસિક,ધાર્મિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી સમૃદ્ધ એવું ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ છે.આ પર્વ સમગ્ર સમાજમાં એકતા,ભાઈચારો,આનંદ,ઉત્સાહ અને સદભાવનાનો સંદેશ ફેલાવે છે.

 

દીપાવલી પર્વ નિમિત્તે મંગલ અભિલાષા..

મિટે અંધકાર અંતરમનનો,સાથી એવો દીપ પ્રગટાવો,

બળી જાય કલુષિત ભાવો સૌના,સદ્વિચારોનાં ગીત સંભળાવો.

પ્રેમ, દયા ને માનવતાનો,સમગ્ર જગતને પાઠ ભણાવો,

આલોકિત થઈ જાય જનમાનસ,એવા જ્ઞાનના દીપ પ્રગટાવો.

દ્વેષ અને અહંકાર ભૂલીને,સૌના હૈયે પ્રેમ જગાવો,

સેવા, સમર્પણ અને સદભાવનાથી,જીવનને સુંદર બનાવો.

 

આપ સૌના જીવનમાં જ્ઞાન,ભક્તિ,પ્રેમ,શાંતિ અને સમૃદ્ધિનો દિવ્ય પ્રકાશ પથરાય તથા દરેકના જીવનમાં સુખ-આનંદ અને મંગલમયતાનો વાસ થાય એવી હાર્દિક મંગલકામનાઓ.

સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ !

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

No comments:

Post a Comment