દેવદિવાળીનો મહિમા..ધર્મ-ભક્તિ-દીપદાન અને આધ્યાત્મિક જાગૃતિનું
પર્વ
ભારતીય
સંસ્કૃતિમાં દરેક તહેવારનું પોતાનું આગવું ધાર્મિક,આધ્યાત્મિક
અને સાંસ્કૃતિક મહત્વ રહેલું છે.આવો જ એક પવિત્ર અને મહિમાવંત પર્વ એટલે
દેવદિવાળી.કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવદિવાળીનો ઉત્સવ ખૂબ જ શ્રદ્ધા અને
ભક્તિભાવથી ઊજવવામાં આવે છે.આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા, કારતક
પૂર્ણિમા અને દેવદીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પર્વ સાથે અનેક પૌરાણિક કથાઓ,ધાર્મિક માન્યતાઓ અને આધ્યાત્મિક પરંપરાઓ જોડાયેલી છે.
દેવદિવાળી
નામ પાછળની પૌરાણિક માન્યતા..
ચાતુર્માસ
દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોઢેલા રહે છે એવી ધાર્મિક માન્યતા છે. દેવઉઠી
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારબાદ કારતક સુદ
પૂર્ણિમાના દિવસે દેવતાઓ આનંદ અને ઉત્સાહ સાથે દીપ પ્રગટાવી ઉત્સવ ઊજવે છે. દેવતાઓ
દ્વારા ઊજવવામાં આવતી આ દિવાળીને દેવદિવાળી કહેવામાં આવે છે.
બીજી એક મહત્વપૂર્ણ
પૌરાણિક માન્યતા ભગવાન શિવ સાથે જોડાયેલી છે.તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ-કમલાક્ષ
અને વિદ્યુન્માલી દ્વારા ત્રણ વિશાળ નગરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, આ
ત્રણ નગરો સોના-ચાંદી અને લોખંડનાં બનેલાં હતાં,તેઓ ત્રિપુર
તરીકે ઓળખાતાં હતાં. આ અસુરોના અત્યાચારથી દેવતાઓ અને ઋષિમુનિઓ ત્રસ્ત થઈ ગયા હતા.
દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવે કારતક પૂર્ણિમાના દિવસે એક જ બાણથી ત્રણેય પુરોનો
નાશ કર્યો, આથી ભગવાન શિવને ત્રિપુરારી કે ત્રિપુરાંતક
કહેવામાં આવ્યા. દેવતાઓએ આ વિજયની ખુશીમાં દીપ પ્રગટાવી ઉત્સવ મનાવ્યો. આ પ્રસંગની
સ્મૃતિમાં કારતક પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવદિવાળી તરીકે ઊજવવામાં આવે
છે.
ભગવાન
વિષ્ણુ અને કારતક પૂર્ણિમાનું મહત્વ..
પુરાણોમાં
ભગવાન વિષ્ણુના મત્સ્યાવતારની કથા આવે છે.સૃષ્ટિ પર પ્રલયનું સંકટ આવ્યું ત્યારે
ભગવાન વિષ્ણુએ મત્સ્યરૂપ ધારણ કરીને વૈવસ્વત મનુની નૌકાનું રક્ષણ કર્યું હતું તથા
પ્રલયના જળમાંથી સૃષ્ટિના બીજ અને જ્ઞાનપરંપરાની રક્ષા કરી હતી. આ અવતાર સૃષ્ટિના
સંરક્ષણ અને ધર્મની સ્થાપનાનું પ્રતીક છે.
વામન
અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસેથી ત્રણ પગલાં ભૂમિ માગી હતી.બે પગલાંમાં
સમગ્ર પૃથ્વી અને સ્વર્ગને માપી લીધાં અને ત્રીજું પગલું બલિના મસ્તક પર મૂકીને
તેમને પાતાળલોકમાં સ્થાન આપ્યું, આ કથા ભગવાનની લીલા-ધર્મની સ્થાપના અને
અહંકારના વિસર્જનનો સંદેશ આપે છે.
ગંગાસ્નાન
અને દીપદાનનું મહાત્મ્ય..
કારતક
પૂર્ણિમાના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ
કરીને કાશીના ગંગાઘાટો પર હજારો દીવડાઓ પ્રગટાવી ગંગામાતાની આરતી કરવામાં આવે છે. આ
દિવ્ય દૃશ્ય દેવદિવાળીની વિશેષ ઓળખ બની ગયું છે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે
ગંગાસ્નાન,દીપદાન, જપ,તપ,હવન,યજ્ઞ અને દાન કરવાથી
વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.અન્નદાન,વસ્ત્રદાન અને
જરૂરિયાતમંદો ને સહાય કરવાનું પણ વિશેષ મહત્વ છે.શાસ્ત્રોમાં દાનને માત્ર
સંપત્તિનું વિતરણ નહીં પરંતુ પરોપકાર-કરૂણા અને ત્યાગની ભાવના તરીકે સમજાવવામાં
આવ્યું છે.કારતક પૂર્ણિમાના દિવસે પુષ્કર,પ્રયાગરાજ, હરિદ્વાર,કાશી,અયોધ્યા,ગંગા,યમુના,નર્મદા અને ગોદાવરી
જેવા પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન અને પૂજન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં
એકત્રિત થાય છે.
તુલસીવિવાહ
અને વૃંદાની પવિત્ર કથા..
દેવદિવાળી
સાથે તુલસી અને શાલિગ્રામજીના વિવાહની પરંપરા પણ જોડાયેલી છે.જોકે તુલસીવિવાહ
સામાન્ય રીતે દેવઉઠી એકાદશીથી કારતક પૂર્ણિમા સુધીના દિવસોમાં કરવામાં આવે છે. તુલસીને
હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જલંધર નામનો એક
શક્તિશાળી અસુર હતો,તેની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા અને
ધર્મનિષ્ઠા ધરાવતી સ્ત્રી હતી,તેના સતીત્વના પ્રભાવથી જલંધર
અજેય બન્યો હતો,જલંધરના અત્યાચારોથી દેવતાઓ ત્રસ્ત થઈ ગયા
ત્યારે ભગવાન વિષ્ણુએ વૃંદાના સતીત્વની કસોટી કરી, ભગવાને
જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કર્યો પરિણામે જલંધરની શક્તિ
નષ્ટ થઈ અને ભગવાન શિવના હાથે તેનો વધ થયો.
આ ઘટનાની જાણ
થતાં વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેમણે પણ મનુષ્ય અવતારમાં પત્નીના
વિયોગનું દુઃખ સહન કરવું પડશે, આ શ્રાપને રામાયણમાં ભગવાન શ્રીરામના
જીવનપ્રસંગ સાથે જોડવામાં આવે છે,જ્યારે માતા સીતાનું રાવણ
દ્વારા હરણ કરવામાં આવ્યું હતું. વૃંદાની ભક્તિ અને પવિત્રતાથી પ્રસન્ન થઈ ભગવાન
વિષ્ણુએ તેને તુલસીરૂપે પૂજનીય બનવાનું વરદાન આપ્યું અને પોતે શાલિગ્રામ સ્વરૂપે
તુલસી સાથે સદાય જોડાયેલા રહેવાનું સ્વીકાર્યું. આથી તુલસીવિવાહની પરંપરા શરૂ થઈ
હોવાનું માનવામાં આવે છે. આ કથા આપણને સમજાવે છે કે જીવનમાં પવિત્રતા-નિષ્ઠા અને
સદાચારનું વિશેષ મહત્વ છે,સાથે જ એ પણ સમજવું જોઈએ કે સાચો
ધર્મ માત્ર વ્યક્તિગત આચરણ પૂરતો સીમિત નથી,અન્યાય અને અધર્મ
સામે યોગ્ય રીતે ઊભા રહેવું પણ ધર્મનું જ અંગ છે.
ગુરૂ
નાનક જયંતિનું મહત્વ..
કારતક પૂર્ણિમાના
દિવસે શીખ ધર્મના પ્રથમ ગુરૂ શ્રી ગુરૂ નાનક દેવજીની જન્મજયંતિ પણ ઊજવવામાં આવે છે,તેઓએ
સમગ્ર માનવજાતને એક ઈશ્વર,માનવસમાનતા, સત્ય,
સેવા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો,તેમનો
ઉપદેશ હતો કે ઈશ્વર એક છે અને તમામ માનવીઓ સમાન છે. 'નામ જપો,
કિરત કરો અને વંડ છકો' એટલે કે ઈશ્વરનું સ્મરણ
કરો, પ્રામાણિકતાથી મહેનત કરો અને મળેલું અન્ય સાથે વહેંચો-આ
સંદેશ આજના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે.
દેવદિવાળીનો
આધ્યાત્મિક સંદેશ..
દેવદિવાળી
માત્ર ઘરો-મંદિરો કે નદીકિનારે દીવડાઓ પ્રગટાવવાનો ઉત્સવ નથી પરંતુ આપણા અંતરમાં
રહેલા અજ્ઞાન, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ અને દુર્ગુણોના અંધકારને દૂર કરવાનો પવિત્ર અવસર છે. આજના સમયમાં
માનવી ભૌતિક સુખસુવિધાઓ મેળવવાની દોડમાં આધ્યાત્મિક જીવનથી દૂર થતો જાય છે પરિણામે
પરિવારોમાં મતભેદ,સમાજમાં અશાંતિ અને માનવીના મનમાં અસંતોષ
વધતો જાય છે,આવા સમયે ધર્મભાવના, સદાચાર,
સંયમ અને માનવતાના ગુણો જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે.
દીપ
પ્રગટાવવાનો સાચો અર્થ એ છે કે આપણા વિચારોમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, વાણીમાં
મધુરતા આવે, વ્યવહારમાં નમ્રતા રહે અને હૃદયમાં બીજાઓ
પ્રત્યે પ્રેમ તથા કરૂણા જાગે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સત્ય, ન્યાય, પ્રામાણિકતા અને પરોપકારને સ્થાન આપે તો
પરિવાર અને સમાજ બંનેમાં સુખ-શાંતિ સ્થાપિત થઈ શકે.
દેવદિવાળી
આપણને દેવત્વ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.ભગવાન શિવનો ત્રિપુરાસુર વિજય આપણને
દુર્ગુણોનો નાશ કરવાનો સંદેશ આપે છે, તુલસીવિવાહ પ્રેમ-પવિત્રતા અને સમર્પણનું મહત્વ
સમજાવે છે, ગુરૂ નાનક દેવજીના ઉપદેશો માનવસેવા અને સમાનતાની
ભાવના જગાડે છે.આથી આ પવિત્ર પર્વે માત્ર દીવડાઓ પ્રગટાવીને સંતોષ માનવાને બદલે
આપણા અંતરમાં જ્ઞાન, ભક્તિ, પ્રેમ અને
માનવતાનો દીપ પ્રગટાવીએ. બીજાના જીવનમાં પણ સુખ, શાંતિ અને
આશાનો પ્રકાશ ફેલાવીએ કારણ કે સાચી દેવદિવાળી ત્યારે જ ઉજવાય છે જ્યારે માનવીનું
મન અંધકારમાંથી પ્રકાશ તરફ અને સ્વાર્થમાંથી પરમાર્થ તરફ પ્રયાણ કરે છે.સર્વેના
જીવનમાં જ્ઞાન-ભક્તિ અને માનવતાનો દિવ્ય પ્રકાશ પ્રગટે એવી પ્રાર્થના..!
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment