Tuesday, 3 November 2026

અન્નકૂટ અને ગોવર્ધનપૂજા

 

અન્નકૂટ અને ગોવર્ધનપૂજા

ધર્મ-ભક્તિ-અન્નદાન અને પ્રકૃતિના સંરક્ષણનો શાસ્ત્રોક્ત મહિમા

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર આનંદ-ઉલ્લાસ મનાવવાના પ્રસંગો નથી પરંતુ માનવજીવનને ધર્મ,કર્તવ્ય,સદાચાર,ભક્તિ,કૃતજ્ઞતા અને માનવતાના માર્ગે દોરનારા આધ્યાત્મિક પર્વો છે. દરેક તહેવારની પાછળ કોઈ ને કોઈ પૌરાણિક પ્રસંગ, ધાર્મિક પરંપરા અને જીવનોપયોગી સંદેશ રહેલો છે.દીપાવલીના પાવન પર્વમાં આસો વદ અમાસ-ગોવર્ધનપૂજા અને અન્નકૂટનું વિશિષ્ટ મહત્વ છે. આસો વદ અમાસના દિવસે દીપોત્સવ અને લક્ષ્મીપૂજન કરવામાં આવે છે જ્યારે ત્યારબાદ કારતક સુદ એકમના દિવસે અનેક વૈષ્ણવ પરંપરાઓમાં ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે.આ ત્રણેય પ્રસંગો આપણને અંતરની શુદ્ધિ,પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા,અન્નની પવિત્રતા અને પરોપકારની ભાવનાનો બોધ આપે છે.

અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા..

આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસને આસો વદ અમાસ કહેવામાં આવે છે. આ તિથિ દીપાવલીના મુખ્ય પર્વ સાથે સંકળાયેલી છે. આ દિવસે ઘરો-મંદિરો અને વ્યવસાયનાં સ્થળોએ દીવાઓ પ્રગટાવવામાં આવે છે.માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનું પૂજન કરી સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ દીપાવલીનો સાચો મહિમા માત્ર બહાર દીવા પ્રગટાવવામાં નથી પરંતુ અંતરમાં જ્ઞાન અને સદ્વિચારનો પ્રકાશ પ્રગટાવવામાં છે. માનવજીવનમાં અજ્ઞાન,અહંકાર,લોભ,મોહ,ઈર્ષ્યા અને દ્વેષ જેવા અનેક પ્રકારના અંધકાર રહેલા છે.આ અંધકાર દૂર કરવા માટે આત્મજ્ઞાન અને વિવેકનો દીપ પ્રગટાવવો જરૂરી છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાર્થના કરવામાં આવી છે કે..

असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय

હે પ્રભુ ! અમને અસત્યમાંથી સત્ય તરફ,અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુની મર્યાદામાંથી અમૃતતત્વની અનુભૂતિ તરફ દોરી જાઓ.

આ મંત્ર દીપાવલીના આધ્યાત્મિક ભાવને સુંદર રીતે વ્યક્ત કરે છે. અહીં પ્રકાશનો અર્થ આત્મજ્ઞાન, સત્ય, વિવેક અને આધ્યાત્મિક જાગૃતિ છે.દીપાવલીના દિવસે આપણે ઘરની સફાઈ કરીએ છીએ તેવી જ રીતે મનમાં રહેલા દ્વેષ,કડવાશ,અહંકાર અને ગેરસમજની પણ સફાઈ કરવી જોઈએ. જ્યારે વિચારો શુદ્ધ બને,વાણી મધુર બને અને વ્યવહારમાં પ્રેમ તથા પ્રામાણિકતા આવે ત્યારે જીવનમાં સાચા અર્થમાં દીપાવલી ઉજવાય છે.

લક્ષ્મીપૂજનનો સાચો ભાવ..

લક્ષ્મીનો સંબંધ ધન-ઐશ્વર્ય અને સમૃદ્ધિ સાથે છે પરંતુ ધન નીતિ-પરિશ્રમ અને પ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલું હોવું જોઈએ.અનીતિથી મેળવેલું ધન માનવીને સાચી શાંતિ આપી શકતું નથી.ધનનો ઉપયોગ પરિવારના કલ્યાણ,શિક્ષણ,સમાજસેવા અને જરૂરિયાતમંદોની સહાય માટે થાય ત્યારે તેની સાચી સાર્થકતા છે.આથી દીપાવલી આપણને ધનની સાથે ધર્મ,સમૃદ્ધિની સાથે સંયમ અને આનંદની સાથે પરોપકારની ભાવના જાળવવાની પ્રેરણા આપે છે.

ગોવર્ધનપૂજા..ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલા..

ગોવર્ધનપૂજા ભારતીય વૈષ્ણવ પરંપરાનો મહત્વપૂર્ણ ઉત્સવ છે,તેનું વિસ્તૃત પૌરાણિક વર્ણન શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના ૨૪મા અધ્યાયથી આગળના અધ્યાયોમાં મળે છે. પૌરાણિક કથા અનુસાર વ્રજમાં નંદબાબા અને ગોપો દર વર્ષે વરસાદના દેવતા ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે પૂજા અને યજ્ઞ કરતા હતા,તેમની માન્યતા હતી કે ઇન્દ્રના વરસાદથી ઘાસચારો ઊગે છે અને ગાયોનું પાલન થાય છે.

એક વખત બાળ શ્રીકૃષ્ણે નંદબાબાને ઇન્દ્રપૂજાનું કારણ પૂછ્યું. સમગ્ર વાત જાણ્યા પછી શ્રીકૃષ્ણે સમજાવ્યું કે વ્રજવાસીઓનું જીવન ગાયો, ગોવર્ધન પર્વત, જંગલો, ઘાસચારો અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે.ગોવર્ધન પર્વત તેમને પાણી,વનસ્પતિ,ફળો અને પશુઓ માટે જરૂરી ઘાસચારો આપે છે તેથી આ જીવનદાયી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.શ્રીકૃષ્ણની પ્રેરણાથી વ્રજવાસીઓએ ગોવર્ધનપૂજા કરી.વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કર્યાં,ગાયોને શણગારી અને ગોવર્ધન પર્વતની આરાધના કરી.

દેવરાજ ઇન્દ્રનો અહંકાર અને ગોવર્ધનધારણ..

વ્રજવાસીઓએ ઇન્દ્રપૂજા ન કરતાં ગોવર્ધનપૂજા કરી તેથી દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થયા,પોતાના પદ અને શક્તિના અભિમાનમાં તેમણે વ્રજમાં ભારે વરસાદ અને વાવાઝોડું સર્જવા માટે મેઘોને આજ્ઞા આપી. ભારે વરસાદથી વ્રજવાસીઓ અને ગાયો મુશ્કેલીમાં મુકાયાં ત્યારે સૌએ ભગવાન શ્રીકૃષ્ણનું શરણ લીધું. ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની નાની ટચલી  આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને તેની નીચે વ્રજવાસીઓ તથા ગાયો સહિત સૌને આશ્રય આપ્યો.સાત દિવસ સુધી વરસાદ વરસતો રહ્યો પરંતુ ભગવાનની કૃપાથી સૌ સુરક્ષિત રહ્યા,અંતે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ,તેમનો અહંકાર ઓગળી ગયો અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ નમ્રતાથી પ્રાર્થના કરી.આ પ્રસંગનું વર્ણન શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના ૨૫મા અને ૨૬મા અધ્યાયમાં મળે છે.

ગોવર્ધનલીલાનો આધ્યાત્મિક સંદેશ..

આ લીલા આપણને અનેક જીવનોપયોગી શિક્ષાઓ આપે છે.

અહંકારનો ત્યાગ..પદ-પ્રતિષ્ઠા-ધન અને શક્તિનો અહંકાર માનવીને વિવેકથી દૂર લઈ જાય છે. સાચી મહાનતા નમ્રતા અને સેવાભાવમાં રહેલી છે.

પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા..મુશ્કેલીના સમયે નિરાશ થવાને બદલે શ્રદ્ધા-ધૈર્ય અને વિવેક જાળવી રાખવાં જોઈએ.

પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા..પર્વતો,નદીઓ,જંગલો,જમીન અને વરસાદ માનવજીવનના આધાર છે,તેમનું સંરક્ષણ કરવું આપણી જવાબદારી છે.

સામૂહિક એકતા..ગોવર્ધન પર્વતની નીચે સૌએ એકસાથે આશ્રય લીધો હતો.આ પ્રસંગ એકતા, સહકાર અને પરસ્પર સહાયનો સંદેશ આપે છે.

ભક્તવત્સલતા..ભગવાન શ્રીકૃષ્ણે ભક્તોની રક્ષા કરીને દર્શાવ્યું કે સાચી ભક્તિ માનવીમાં નિર્ભયતા અને શ્રદ્ધા જગાડે છે.

ગોવર્ધનપૂજા..પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ

ગોવર્ધનપૂજાનું આધુનિક જીવનમાં પણ વિશેષ મહત્વ છે.આજે વિકાસના નામે જંગલોનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો અને કુદરતી સંસાધનોનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે. પ્રકૃતિ આપણને પાણી, હવા, અન્ન, ઔષધિઓ અને જીવન માટે જરૂરી અનેક વસ્તુઓ આપે છે તેમ છતાં માનવી ઘણીવાર પ્રકૃતિનું શોષણ કરે છે.

ગોવર્ધનપૂજા આપણને સમજાવે છે કે પ્રકૃતિનો ઉપયોગ કરવો અને તેનું શોષણ કરવું એ બંને વચ્ચે મોટો તફાવત છે.વૃક્ષારોપણ, જળસંચય, જંગલોનું સંરક્ષણ, પશુઓ પ્રત્યે કરૂણા અને પર્યાવરણની સ્વચ્છતા જાળવવી એ ગોવર્ધનપૂજાની ભાવનાને જીવનમાં ઉતારવાના ઉત્તમ માર્ગો છે.માત્ર એક દિવસ પ્રકૃતિનું પૂજન કરીને બાકીના દિવસોમાં તેને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. સાચી આરાધના ત્યારે છે જ્યારે આપણે પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદારીપૂર્વક વર્તીએ.

અન્નકૂટ..અન્નની પવિત્રતા અને સમર્પણનો મહોત્સવ..

'અન્નકૂટ' શબ્દ 'અન્ન' અને 'કૂટ' એમ બે શબ્દોથી બનેલો છે.અહીં કૂટનો અર્થ ઢગલો કે વિશાળ સમૂહ થાય છે એટલે કે વિવિધ પ્રકારનાં અન્ન અને વાનગીઓનો પર્વત જેવો સમૂહ એટલે અન્નકૂટ.ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓ અર્પણ કરવાની પરંપરા છે. મંદિરોમાં શાક, દાળ, ભાત, રોટલી, પૂરી, મીઠાઈ, ફળો અને દૂધની બનાવટો સહિત અનેક વાનગીઓ ધરવામાં આવે છે ત્યારબાદ ભગવાનને ભોગ ધરાવીને તે પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના ૨૪મા અધ્યાયમાં ગોવર્ધનપૂજા માટે વિવિધ ભોજન તૈયાર કરવાની પરંપરાનું વર્ણન છે.નારદ પુરાણમાં પણ કારતક સુદ પ્રતિપદાના દિવસે ગોવર્ધનપૂજા અને અન્નકૂટના મહિમાનો ઉલ્લેખ મળે છે.અન્નકૂટ માત્ર ભોજનનો ઢગલો નથી પરંતુ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું અને પોતાની મહેનતથી પ્રાપ્ત થયેલા અન્નને સમર્પિત કરવાનું પ્રતીક છે.

અન્નનું મહત્વ..

માનવજીવનમાં અન્નનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે.અન્ન શરીરને પોષણ આપે છે અને જીવનશક્તિ જાળવે છે.એક દાણો આપણી થાળી સુધી પહોંચે તેની પાછળ ખેડૂતનો પરિશ્રમ,જમીન,પાણી,સૂર્યપ્રકાશ અને અનેક લોકોનો સહયોગ રહેલો હોય છે.

તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે..अन्नं न निन्द्यात्  तद् व्रतम्  અન્નની નિંદા ન કરવી,અન્ન પ્રત્યે આદર જાળવવો એ એક વ્રત છે.આ શિક્ષા આપણને અન્નનો અનાદર ન કરવાની પ્રેરણા આપે છે. થાળીમાં જેટલું જોઈએ તેટલું જ લેવું,અન્નનો બગાડ ન કરવો,ખેડૂતોના પરિશ્રમનું સન્માન કરવું અને ભૂખ્યા લોકોને ભોજન આપવું એ અન્ન પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે.

અન્નકૂટનો સાચો ભાવ..ભોગથી પ્રસાદ સુધી..

ભગવાનને અન્ન અર્પણ કરવું એ ભક્તિનું પ્રતીક છે.ભક્ત પોતાની મહેનતથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ પરમાત્માને સમર્પિત કરે છે અને પછી તેને પ્રસાદરૂપે સ્વીકારે છે..આ ભાવના આપણને સમજાવે છે કે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તેમાં માત્ર આપણો જ ફાળો નથી.પ્રકૃતિ,સમાજ,પરિવાર અને પરમાત્માની કૃપાથી જીવનની અનેક જરૂરિયાતો પૂર્ણ થાય છે.અન્નકૂટનો પ્રસાદ સૌમાં સમાન ભાવથી વહેંચવામાં આવે તો તે સામાજિક સમાનતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપે છે.સાચો અન્નકૂટ ત્યારે સાર્થક બને છે જ્યારે ભગવાનને ભોગ ધરાવવાની સાથે કોઈ ભૂખ્યું ન રહે તેની પણ ચિંતા કરવામાં આવે.

અન્નદાન..પરોપકાર અને માનવસેવાનો માર્ગ..

ભારતીય ધર્મપરંપરામાં અન્નદાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.ભૂખ્યા માનવીને ભોજન આપવું એ માત્ર દાન નથી પરંતુ માનવતાની ઉત્તમ અભિવ્યક્તિ છે.ભગવદ્ ગીતા અધ્યાયઃ૩/૧૩માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે..

यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः

भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्

યજ્ઞમાં અર્પણ કર્યા પછી જે અવશેષરૂપ અન્ન ગ્રહણ કરે છે તે સજ્જનો પાપોથી મુક્ત થાય છે, જ્યારે માત્ર પોતાના માટે જ અન્ન તૈયાર કરનારાઓ પાપનું ભોજન કરે છે.આ શ્લોકનો ભાવ એ છે કે જીવનમાં માત્ર પોતાના સુખનો વિચાર ન કરવો જોઈએ.પોતાની કમાણી અને ઉપલબ્ધ સાધનોમાંથી બીજાઓના કલ્યાણ માટે પણ ભાગ ફાળવવો જોઈએ.અન્નકૂટના દિવસે આપણે સંકલ્પ કરીએ કે અન્નનો બગાડ નહીં કરીએ,જરૂરિયાતમંદોને ભોજન આપીશું અને શક્ય હોય ત્યાં સુધી કોઈ ભૂખ્યું ન રહે તેવા પ્રયત્નો કરીશું.

ગોવર્ધનપૂજા અને ગૌસેવા

ગોવર્ધનલીલામાં ગાયોનું વિશેષ સ્થાન છે.વ્રજવાસીઓનું જીવન ગોપાલન-ખેતી અને પ્રકૃતિની પરસ્પર સહાય પર આધારિત હતું તેથી ગોવર્ધનપૂજાની પરંપરામાં ગૌપૂજન અને ગૌસેવાને પણ સ્થાન મળ્યું છે પરંતુ ગૌભક્તિનો અર્થ માત્ર ગાયની આરતી ઉતારવી કે તેને શણગારવી એટલો જ નથી. ગાય અને અન્ય પશુઓને પૂરતો ખોરાક, સ્વચ્છ પાણી, યોગ્ય આશ્રય અને બીમારીના સમયે સારવાર મળે તેની કાળજી રાખવી એ સાચી સેવા છે.વૃદ્ધ,બીમાર અને નિરાધાર પશુઓની સંભાળ રાખવી તથા તેમની સાથે ક્રૂર વર્તન ન કરવું એ ધાર્મિક ભાવનાનું વ્યવહારિક સ્વરૂપ છે.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટની પરંપરાગત વિધિ..

ગોવર્ધનપૂજા અને અન્નકૂટની વિધિ પ્રદેશ તથા સંપ્રદાય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે નીચેની પરંપરાઓ જોવા મળે છે..વહેલી સવારે સ્નાન કરીને ઘર અને પૂજાસ્થળની સ્વચ્છતા કરવી, ગાયના છાણ-અનાજ કે અન્ય સામગ્રીથી ગોવર્ધન પર્વતનું પ્રતીકાત્મક સ્વરૂપ તૈયાર કરવું, ફૂલ,દીપ,ધૂપ અને જળ અર્પણ કરીને ગોવર્ધનપૂજન કરવું, ગાય અને વાછરડાંની સેવા તથા પૂજન કરવું, વિવિધ પ્રકારની સાત્વિક વાનગીઓ તૈયાર કરીને ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવવો, આરતી અને પ્રાર્થના કરીને પરિવાર તથા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણની ભાવના રાખવી, પ્રસાદ સૌમાં વહેંચવો અને જરૂરિયાતમંદોને ભોજન આપવું. આ વિધિઓનો હેતુ માત્ર ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરવાનો નથી પરંતુ ભક્તિ, નમ્રતા, કૃતજ્ઞતા અને સેવાભાવને જીવનમાં ઉતારવાનો છે.

આજના જીવનમાં આ પર્વોની પ્રાસંગિકતા..

આસો વદ અમાસ-ગોવર્ધનપૂજા અને અન્નકૂટના સંદેશ આજના સમયમાં પણ એટલા જ ઉપયોગી છે.

દીપાવલીનો સંદેશ..ઘરની સાથે મનની પણ સફાઈ કરવી,દ્વેષ અને ગેરસમજ દૂર કરીને સત્ય-સદાચાર અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો.

ગોવર્ધનપૂજાનો સંદેશ..પ્રકૃતિનું સંરક્ષણ કરવું, પાણીનો બગાડ અટકાવવો, વૃક્ષોનું જતન કરવું અને પશુઓ પ્રત્યે કરૂણા રાખવી.

અન્નકૂટનો સંદેશ..અન્નનો આદર કરવો, ભોજનનો બગાડ ટાળવો, ખેડૂતોના પરિશ્રમનું સન્માન કરવું અને ભૂખ્યા લોકોને ભોજન આપવું.

ધાર્મિક ઉત્સવોમાં ભક્તિની સાથે વિવેક અને સામાજિક જવાબદારી પણ જળવાઈ રહેવી જોઈએ. અન્નકૂટમાં અનેક વાનગીઓ બનાવીને તેનો બગાડ કરવો યોગ્ય નથી,તેવી જ રીતે ગોવર્ધનપૂજામાં પ્રકૃતિનું પૂજન કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવું પણ ઉત્સવના મૂળ ભાવથી વિરૂદ્ધ છે.

તહેવારની સાચી સાર્થકતા જીવનપરિવર્તનમાં છે..

આસો વદ અમાસ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. ગોવર્ધનપૂજા ભગવાન શ્રીકૃષ્ણની ભક્તવત્સલતા-પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને અહંકારના ત્યાગનો બોધ આપે છે. અન્નકૂટ અન્નની પવિત્રતા, સમર્પણ અને વહેંચીને ખાવાની ભાવનાને મજબૂત બનાવે છે.

આપણે દીપાવલીના દીવા પ્રગટાવીએ ત્યારે અંતરમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવાનો સંકલ્પ કરીએ. ગોવર્ધનપૂજા કરીએ ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવાની જવાબદારી સ્વીકારીએ અને અન્નકૂટ ધરાવીએ ત્યારે કોઈ ભૂખ્યું ન રહે તે માટે યથાશક્તિ પ્રયત્ન કરીએ.

ભગવાનને ભોગ ધરાવવો એ ભક્તિ છે પરંતુ ભૂખ્યા માનવીને ભોજન આપવું એ પણ ઉત્તમ સેવા છે.ગોવર્ધનનું પૂજન કરવું એ શ્રદ્ધા છે પરંતુ પર્વતો,જંગલો,નદીઓ અને પશુઓનું સંરક્ષણ કરવું એ શ્રદ્ધાની વ્યવહારિક અભિવ્યક્તિ છે.આ પવિત્ર પર્વો નિમિત્તે સંકલ્પ કરીએ કે અન્નનો અનાદર નહીં કરીએ, પ્રકૃતિને નુકસાન નહીં પહોંચાડીએ, અહંકારને જીવનમાં સ્થાન નહીં આપીએ અને શક્ય હોય ત્યાં સુધી બીજાના જીવનમાં સુખનો દીપ પ્રગટાવીશું કારણ કે તહેવારની સાચી સાર્થકતા માત્ર પૂજા કરવામાં નથી પરંતુ પૂજામાંથી મળેલી પ્રેરણાને જીવનમાં ઉતારવામાં છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment