દિવાળી : દીપોત્સવથી
આત્મપ્રકાશ સુધીની આધ્યાત્મિક યાત્રા
દિવાળી એટલે પાંચ પર્વોનું સ્નેહસંમેલન,સદ્ગુણોની સાધના અને માનવતાના મંગલ
સંકલ્પનો મહોત્સવ છે.દિવાળી એટલે આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતા અને પ્રકાશનો ઉત્સવ. દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા, આધ્યાત્મિક
ચેતના અને પારિવારિક સ્નેહનું અનોખું સંમેલન છે. વાઘબારસથી શરૂ થઈને ધનતેરસ,
કાળીચૌદશ, દીપાવલી, નૂતન
વર્ષ અને ભાઈબીજ સુધી વિસ્તરતો આ ઉત્સવ આપણને જીવન જીવવાની સુંદર દિશા આપે છે. દરેક
પર્વની પોતાની આગવી વિચારધારા છે જે માનવીને ધર્મ, કર્તવ્ય,
સદાચાર,પરોપકાર અને પ્રેમનો સંદેશ આપે
છે.દિવાળીનો સાચો અર્થ માત્ર ઘરની બહાર દીવા પ્રગટાવવા પૂરતો સીમિત નથી. આપણા
અંતરમાં રહેલા અજ્ઞાન,અહંકાર,ઈર્ષ્યા,દ્વેષ અને સ્વાર્થના અંધકારને દૂર કરીને જ્ઞાન,પ્રેમ,કરૂણા અને માનવતાનો પ્રકાશ પ્રગટાવવો એ જ દિવાળીનો સાચો સંદેશ છે.
વાઘબારસ-જીવદયા અને કૃતજ્ઞતાનું પર્વ..
દિવાળીના પર્વસમૂહની શરૂઆત વાઘબારસથી થાય છે,આ દિવસને ગોવત્સ દ્વાદશી, વસુબારસ કે નંદિનીવ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે,આ
દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન
માન આપીને તેની સેવા-સંભાળ અને રક્ષણનો સંદેશ આપવામાં આવ્યો છે.આ પર્વ આપણને શીખવે
છે કે માનવજીવન માત્ર પોતાના સુખ માટે નથી. પશુ-પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિ પ્રત્યે
પ્રેમ-દયા અને કૃતજ્ઞતાની ભાવના કેળવવી પણ આપણી નૈતિક જવાબદારી છે. જીવમાત્રમાં
ઈશ્વરની સૃષ્ટિનું દર્શન કરીને તેમની સાથે કરૂણાપૂર્ણ વ્યવહાર કરવો એ જ સાચી
સંસ્કૃતિ છે.
ધનતેરસ-ધન સાથે ધર્મ અને આરોગ્યની ઉપાસના..
ધનતેરસ એટલે ધન-આરોગ્ય અને સમૃદ્ધિ માટે શુભ સંકલ્પ
કરવાનો દિવસ. પુરાણોમાં વર્ણવેલી સમુદ્રમંથનની કથા અનુસાર ભગવાન ધન્વંતરિ અમૃતકળશ
સાથે પ્રગટ થયા હતા તેથી આ દિવસને ધન્વંતરી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે.આ
પ્રસંગ આરોગ્યના મહત્વની યાદ અપાવે છે. સાચી સમૃદ્ધિ માત્ર સંપત્તિમાં નહીં પરંતુ
તંદુરસ્ત શરીર, સ્વસ્થ મન
અને સદાચારી જીવનમાં રહેલી છે.ધનતેરસ આપણને લક્ષ્મીપૂજનની પ્રેરણા આપે છે. ધન
જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવશ્યક છે પરંતુ ધન મેળવવા માટે અનીતિ, છેતરપિંડી કે અન્યાયનો માર્ગ અપનાવવો યોગ્ય નથી. અપ્રમાણિકતાથી મેળવેલી
સંપત્તિ સુખને બદલે દુઃખ અને અશાંતિનું કારણ બની શકે છે.
લક્ષ્મી ચંચળ નથી પરંતુ લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ
ચંચળ બની શકે છે. સંપત્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના આધારે તે કલ્યાણકારી કે
વિનાશકારી બને છે. સ્વાર્થ અને ભોગવિલાસ માટે વપરાતું ધન બંધન બને છે.પરોપકાર માટે
વપરાતું ધન લક્ષ્મીનું સાચું સ્વરૂપ ધારણ કરે છે અને પ્રભુકાર્ય તથા લોકકલ્યાણ
માટે સમર્પિત સંપત્તિ મહાલક્ષ્મીની ભાવનાને વ્યક્ત કરે છે.
દાન,સેવા,શિક્ષણ,આરોગ્ય અને
જરૂરિયાતમંદોની સહાય માટે સંપત્તિનો સદુપયોગ કરવો એ જ સાચું લક્ષ્મીપૂજન છે.પવિત્ર
મન-શુદ્ધ આચરણ અને નીતિપૂર્ણ વ્યવહાર હોય ત્યાં જ સમૃદ્ધિ સાર્થક બને છે.
કાળીચૌદશ-દુર્ગુણોના નાશ અને આત્મશુદ્ધિનું
પર્વ..
કાળીચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે
છે.શ્રીમદ્ ભાગવત સહિતની પુરાણ પરંપરામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નરકાસુરના વધની
કથા મળે છે.નરકાસુરના અત્યાચારથી પીડિત લોકોને મુક્તિ મળી અને અન્યાય સામે ધર્મના
વિજયનો સંદેશ પ્રસર્યો. આ કથાનું આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો નરકાસુર માત્ર કોઈ
પૌરાણિક પાત્ર નથી,તે માનવીના
અંતરમાં રહેલા અહંકાર,ક્રોધ,લોભ,વાસના અને અત્યાચાર જેવી આસુરી વૃત્તિઓનું પ્રતીક પણ છે. જ્યારે આપણે આ
દુર્ગુણોને દૂર કરીએ છીએ ત્યારે જીવનમાં સુખ-શાંતિ અને સદાચારનો ઉદય થાય
છે.કાળીચૌદશ આપણને પૂછે છે કે શું આપણે આપણા અંતરમાં રહેલા અંધકારને ઓળખ્યો છે?
શું આપણે કોઈને દુઃખ પહોંચાડ્યું છે? શું આપણા
વ્યવહારમાં અહંકાર કે સ્વાર્થ છે? આ પ્રશ્નોના પ્રામાણિક
જવાબ શોધીને જીવનને સુધારવાનો સંકલ્પ કરીએ તો આ પર્વની ઉજવણી સાચા અર્થમાં સફળ બને
છે.આ દિવસે મહાકાળી માતાની ઉપાસના કરવામાં આવે છે. માતાના ઉગ્ર સ્વરૂપનો
આધ્યાત્મિક સંદેશ એ છે કે દુષ્ટતાનો નાશ કરીને સદ્ગુણોનું રક્ષણ કરવું જોઈએ.
જીવનમાં આળસ,પ્રમાદ,અસ્વચ્છતા અને
નકારાત્મકતાને દૂર કરીને શિસ્ત-સ્વચ્છતા અને સકારાત્મકતા અપનાવવી એ પણ કાળીચૌદશની
સાધના છે.
દીપાવલી-બાહ્ય પ્રકાશથી આંતરિક જાગૃતિ સુધી..
દીપાવલીનો અર્થ દીવડાઓની હારમાળા થાય છે.આ દિવસે ઘરો-મંદિરો
અને આંગણામાં દીવા પ્રગટાવવામાં આવે છે.માતા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જ્યારે સરસ્વતી અને કાળીની ઉપાસના જ્ઞાન-વિવેક
અને શક્તિના મહત્વને પણ ઉજાગર કરે છે.ભારતીય સંસ્કૃતિમાં દીવો જ્ઞાન અને આશાનું
પ્રતીક છે.એક નાનકડો દીવો પણ ઘેરા અંધકારને દૂર કરી શકે છે તેવી જ રીતે જીવનમાં
જ્ઞાનનું એક કિરણ પણ અજ્ઞાન-ભ્રમ અને નિરાશાને દૂર કરવાની શક્તિ ધરાવે છે.
ઉપનિષદોમાં પ્રાર્થના આવે છે કે.“તમસો મા જ્યોતિર્ગમય” હે પ્રભુ ! અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ.આ પ્રાર્થના દિવાળીના
આધ્યાત્મિક ભાવને સુંદર રીતે વ્યક્ત કરે છે.બહાર દીવા પ્રગટાવવાની સાથે અંતરમાં પણ
જ્ઞાન,પ્રેમ,સત્ય અને કરૂણાનો દીવો
પ્રગટાવવો જોઈએ.જો મનમાં દ્વેષ અને ઈર્ષ્યાનો અંધકાર હોય તો હજારો દીવા પ્રગટાવવા
છતાં જીવનમાં સાચો પ્રકાશ આવતો નથી.
દિવાળી આત્મચિંતનનો પણ અવસર છે.આખા વર્ષ દરમિયાન આપણે
શું મેળવ્યું? શું
ગુમાવ્યું? કોને મદદ કરી? અને કોને
દુઃખ પહોંચાડ્યું? તેનું સરવૈયું કાઢવું જોઈએ. રાગ-દ્વેષ,વેરઝેર,ઈર્ષ્યા અને કડવાશને દૂર કરીને સંબંધોમાં
પ્રેમ અને વિશ્વાસ વધારવાનો સંકલ્પ કરવો જોઈએ.
ભારતીય પરંપરામાં દીપાવલી સાથે ભગવાન શ્રીરામના ચૌદ
વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાની કથા જોડાયેલી છે.અયોધ્યાવાસીઓએ દીવા
પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું એવી લોકપ્રચલિત માન્યતા છે, આ પ્રસંગ ધર્મ-સત્ય અને ન્યાયના વિજયનું
પ્રતીક છે,અન્ય પરંપરાઓમાં પણ આ દિવસને વિવિધ ધાર્મિક અને
ઐતિહાસિક સ્મૃતિઓ સાથે જોડવામાં આવે છે.
જૈન પરંપરામાં ભગવાન મહાવીરના નિર્વાણની સ્મૃતિ દીપાવલી
સાથે સંકળાયેલી છે.શીખ પરંપરામાં બંદીછોડ દિવસનું વિશેષ મહત્વ છે.આ વિવિધ પરંપરાઓ
દર્શાવે છે કે પ્રકાશ, મુક્તિ,
સત્ય અને કલ્યાણની ભાવના અનેક માર્ગોથી માનવજીવનને પ્રેરણા આપે છે.
નૂતન વર્ષ..નવી શરૂઆત અને સારા સંકલ્પો..
દીપાવલી પછી આવતું કારતક સુદ એકમનું પર્વ ગુજરાતમાં
બેસતા વર્ષ કે નૂતન વર્ષ તરીકે ઉજવાય છે.આ દિવસથી ગુજરાતી પરંપરા અનુસાર નવા
વર્ષની શરૂઆત થાય છે. લોકો પરસ્પર શુભેચ્છા પાઠવે છે,વડીલોના આશીર્વાદ લે છે અને નવા સંકલ્પો
કરે છે.નૂતન વર્ષ માત્ર કૅલેન્ડર બદલવાનો દિવસ નથી,તે
જીવનમાં નવી દિશા અપનાવવાનો અવસર છે.જૂનું વેરઝેર ભૂલીને સંબંધોમાં મીઠાશ લાવવી,
ભૂલો સ્વીકારીને સુધરવું અને અધૂરાં રહેલાં કાર્યો પૂર્ણ કરવા
પ્રયત્ન કરવો એ નવા વર્ષની સાચી ઉજવણી છે.
આજે માનવજાતે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં નોંધપાત્ર
પ્રગતિ કરી છે છતાં માનવી અને માનવી વચ્ચેનું અંતર ઘણીવાર વધી રહ્યું છે.ભૌતિક
સુખસગવડો વધે છે પરંતુ મનની શાંતિ અને સંબંધોની ઉષ્મા ઘટે તો સમૃદ્ધિ અધૂરી રહે છે
તેથી નવા વર્ષે સંકલ્પ કરીએ કે આપણે માત્ર સંપત્તિમાં નહીં પરંતુ સંસ્કાર, સહાનુભૂતિ,નૈતિકતા
અને માનવતામાં પણ સમૃદ્ધ બનીશું.
ભગવદ્ ગીતામાં મનને મિત્ર અને શત્રુ બંને બનવાની શક્તિ
ધરાવતું ગણાવવામાં આવ્યું છે તેથી મનને સારા વિચારો-સંયમ અને સદાચાર તરફ વાળવું
જરૂરી છે.ખરાબ આદતો છોડવી,સમયનો સદુપયોગ કરવો અને સમાજના હિત માટે યથાશક્તિ યોગદાન આપવું એ નવા
વર્ષની શ્રેષ્ઠ ભેટ છે.
ભાઈબીજ..ભાઈ-બહેનના સ્નેહનું પવિત્ર બંધન..
ભાઈબીજ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પર્વ છે. પરંપરાગત
કથાઓમાં યમરાજ અને તેમની બહેન યમુનાની કથા આ દિવસ સાથે જોડાયેલી છે. બહેન ભાઈના
સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ
બહેનના સન્માન તથા રક્ષણની જવાબદારી નિભવવાનો સંકલ્પ કરે છે.
આ પર્વનો સંદેશ માત્ર પોતાના ભાઈ-બહેન પૂરતો મર્યાદિત
નથી. સમાજની દરેક સ્ત્રી પ્રત્યે સન્માનપૂર્ણ દૃષ્ટિ રાખવી, તેની સ્વતંત્રતા અને ગૌરવનું રક્ષણ
કરવું અને સંબંધોમાં પવિત્રતા જાળવવી એ પણ આ પર્વની ભાવના છે.
પરંપરાગત કથાઓમાં રાજા બલિ અને બલિ પ્રતિપદા સાથે
જોડાયેલી માન્યતાઓ પણ મળે છે. બલિરાજાની દાનશીલતા અને ઉદારતાને યાદ કરીને આપણે
શીખી શકીએ કે વ્યક્તિના સારા ગુણોને સ્વીકારવા જોઈએ. મતભેદો હોવા છતાં બીજામાં
રહેલી સારી બાબતોને ઓળખવી અને તેમાંથી પ્રેરણા લેવી એ જીવનની મહત્વપૂર્ણ કળા છે.
દિવાળીનો સાચો સંદેશ : મનુષ્યતાનો દીવો
પ્રગટાવીએ
દિવાળીનાં તમામ પર્વો આપણને જીવનનાં જુદાં જુદાં મૂલ્યો
શીખવે છે.વાઘબારસ જીવદયાની, ધનતેરસ નીતિપૂર્ણ સમૃદ્ધિની, કાળીચૌદશ આત્મશુદ્ધિની,
દીપાવલી જ્ઞાન અને પ્રકાશની, નૂતન વર્ષ નવી
શરૂઆતની અને ભાઈબીજ સ્નેહ તથા સન્માનની પ્રેરણા આપે છે.આપણે ઘરને શણગારીએ,દીવા પ્રગટાવીએ,મીઠાઈ વહેંચીએ અને સ્નેહમિલન કરીએ પરંતુ
સાથે સાથે કોઈ ગરીબના ઘરમાં આશાનો દીવો પ્રગટાવીએ,કોઈ નિરાશ
વ્યક્તિને હિંમત આપીએ,કોઈ ભૂખ્યા માણસને ભોજન આપીએ અને કોઈ
એકલવાયા વ્યક્તિને પ્રેમભર્યો સાથ આપીએ તો દિવાળીનું પર્વ વધુ અર્થપૂર્ણ બની શકે
છે.
સાચી દિવાળી ત્યારે છે જ્યારે આપણા વિચારોમાં પવિત્રતા,વાણીમાં મધુરતા,વર્તનમાં
નમ્રતા અને હૃદયમાં સર્વજીવ પ્રત્યે પ્રેમ હોય. ધનનો અહંકાર નહીં પરંતુ સેવાનો
આનંદ હોય,શક્તિનો દુરૂપયોગ નહીં પરંતુ નબળાનું રક્ષણ હોય અને
જ્ઞાનનો દેખાડો નહીં પરંતુ અજ્ઞાન દૂર કરવાની ભાવના હોય.
આવો આ દિવાળીએ આપણા અંતરમાં સદ્ગુણોનો દીવો પ્રગટાવીએ, જૂની કડવાશ ભૂલીને પ્રેમનું નવું પ્રકરણ
શરૂ કરીએ.ધનને ધર્મ સાથે, સમૃદ્ધિને સેવા સાથે અને ભક્તિને
માનવતા સાથે જોડીએ.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ” સૌ સુખી રહે, સૌ
નિરોગી રહે અને સૌનું કલ્યાણ થાય. પ્રભુને પ્રાર્થના કરીએ કે નૂતન વર્ષના નવલા
પ્રભાતે સૌના જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ,સદ્બુદ્ધિ અને સ્નેહનો પ્રકાશ પથરાય,દરેક ઘર આનંદથી
ખીલે,દરેક હૃદયમાં માનવતા જાગે અને સમગ્ર વિશ્વમાં પ્રેમ-ભાઈચારો
તથા પરસ્પર સદ્ભાવના વધે.
સર્વેનું શુભ થાઓ,સર્વેનું મંગલ થાઓ-આપ સૌને પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન
વર્ષની હાર્દિક શુભકામનાઓ !
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment