બોધકથા..સાચી શ્રદ્ધા
અને અતૂટ વિશ્વાસ
ગંગાસ્નાનથી
આત્મશુદ્ધિ સુધીની આધ્યાત્મિક યાત્રા
બાહ્ય પવિત્રતા કરતાં અંતરની પવિત્રતા મહત્વની
છે.શ્રદ્ધા માત્ર શબ્દોમાં નહીં પરંતુ વિશ્વાસ,કરૂણા, નિર્ભયતા
અને નિઃસ્વાર્થ સેવામાં પ્રગટ થવી જોઈએ.ભારતીય સંસ્કૃતિમાં તીર્થસ્નાન, પૂજા-પાઠ, જપ-તપ, વ્રત-ઉપવાસ
અને ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ છે. આ ધાર્મિક પરંપરાઓ માનવીના જીવનમાં
શ્રદ્ધા, ભક્તિ, સંયમ અને પવિત્રતાની
ભાવના જાગૃત કરવાનું માધ્યમ છે. ગંગાસ્નાનને પાપનાશક અને પુણ્યપ્રદ માનવામાં આવે
છે. ગંગાજી માત્ર એક નદી નથી પરંતુ ભારતીય જનમાનસમાં આસ્થા-પવિત્રતા અને
મોક્ષદાયિની ભાવનાનું પવિત્ર પ્રતીક છે પરંતુ એક મહત્વનો પ્રશ્ન વિચારવા જેવો છે
કે શું માત્ર બાહ્ય ધાર્મિક ક્રિયાઓ કરવાથી માનવીનું અંતર શુદ્ધ થઈ જાય છે?
શું ગંગામાં ડૂબકી લગાવવાથી મનમાં રહેલા કામ, ક્રોધ,
લોભ, મોહ, અહંકાર,
ઈર્ષ્યા અને દ્વેષ જેવા વિકારોનો નાશ થઈ જાય છે? શું મોઢેથી ભગવાનનું નામ લેવાથી જ જીવનમાં ભગવાનના ગુણો ઉતરી આવે છે?
આ પ્રશ્નોના સુંદર ઉત્તરરૂપે એક બોધકથા આપણને સાચી
શ્રદ્ધા, અતૂટ
વિશ્વાસ, આત્મશુદ્ધિ અને નિઃસ્વાર્થ સેવાનો ગહન સંદેશ આપે
છે.
એક સમયે ભગવાન શિવ માતા પાર્વતીજી સાથે હરિદ્વારમાં
વિચરણ કરી રહ્યા હતા,ત્યાં
તેમણે જોયું કે હજારો લોકો ગંગામાં સ્નાન કરીને ‘હર-હર ગંગે’ના જયઘોષ સાથે બહાર આવી રહ્યા છે, આ દ્રશ્ય જોઈ માતા
પાર્વતીજીના મનમાં એક પ્રશ્ન ઊઠ્યો, તેમણે ભગવાન શિવજીને
પૂછ્યું કે આટલા બધા લોકો ગંગામાં સ્નાન કરે છે છતાં તેમના જીવનમાં દુઃખો અને
પાપકર્મો કેમ જોવા મળે છે? શું ગંગાજીની પાપનાશક શક્તિ ઓછી
થઈ ગઈ છે?
ભગવાન શિવજીએ સમજાવ્યું કે ગંગાજીની પવિત્રતા અને
પાપનાશક શક્તિ આજે પણ એટલી જ છે પરંતુ આ લોકોએ માત્ર જળમાં ડૂબકી લગાવી છે, સાચા અર્થમાં ગંગાસ્નાન કર્યું નથી કારણ
કે સાચા ગંગાસ્નાનનો અર્થ માત્ર શરીરને પવિત્ર કરવો નથી પરંતુ મન અને અંતઃકરણને પણ
નિર્મળ બનાવવું છે.
બીજા દિવસે ભગવાન શિવજીએ પોતાની લીલા દ્વારા એક વૃદ્ધ
અને અશક્ત વ્યક્તિનું રૂપ ધારણ કર્યું. ભારે વરસાદને કારણે રસ્તા પર કાદવ અને કીચડ
થઈ ગયો હતો. એક ઊંડા ખાડામાં ભગવાન શિવજી વૃદ્ધના રૂપમાં પડી ગયા. માતા
પાર્વતીજીને ખાડાની બાજુમાં બેસાડીને કહ્યું કે આવતાં-જતાં લોકોને મદદ માટે વિનંતી
કરજો, સાથે જ એવી શરત
મૂકજો કે આ વૃદ્ધ સંપૂર્ણ નિષ્પાપ છે અને તેમને માત્ર નિષ્પાપ વ્યક્તિ જ સ્પર્શ
કરી શકે છે. જો કોઈ પાપી વ્યક્તિ તેમને સ્પર્શ કરશે તો તે ભસ્મ થઈ જશે. થોડી જ
વારમાં ગંગાસ્નાન કરીને પાછા ફરતા લોકોનાં ટોળાં ત્યાંથી પસાર થવા લાગ્યાં. માતા
પાર્વતીજીએ સૌને વૃદ્ધને બચાવવા વિનંતી કરી. કેટલાક લોકો દયાવશ મદદ કરવા તૈયાર થયા
પરંતુ જ્યારે તેમને નિષ્પાપ હોવાની શરત જણાવવામાં આવી ત્યારે તેઓ ડરી ગયા. કોઈને
પોતાના પાપ યાદ આવ્યા, કોઈને ભસ્મ થઈ જવાનો ભય લાગ્યો તો
કોઈએ પોતાનો રસ્તો પકડી લીધો.
સેંકડો લોકો ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા પરંતુ કોઈ
વૃદ્ધને બચાવવાની હિંમત કરી શક્યું નહીં. એવામાં એક યુવાન હાથમાં લોટો લઈને ‘હર-હર ગંગે’નો
જયઘોષ કરતો ત્યાંથી પસાર થયો, માતા પાર્વતીએ તેને પણ વૃદ્ધને
બચાવવા વિનંતી કરી અને નિષ્પાપ હોવાની શરત જણાવી. યુવાને દ્રઢ વિશ્વાસ સાથે જવાબ
આપ્યો કે માતા ! હું હમણાં જ ગંગામાં સ્નાન કરીને આવ્યો છું. ગંગામાં સ્નાન કર્યા
પછી પણ જો પાપ બાકી રહેતાં હોય તો પછી ગંગાસ્નાનનો અર્થ જ શું? મને ગંગાજીની પવિત્રતા પર પૂર્ણ વિશ્વાસ છે, હું
અવશ્ય તમારા પતિને બચાવીશ, આટલું કહીને તેણે કોઈ સંકોચ કે ભય
રાખ્યા વિના ખાડામાં ઊતરી વૃદ્ધને બહાર કાઢી લીધા.
યુવાનની શ્રદ્ધા-અતૂટ વિશ્વાસ અને નિઃસ્વાર્થ સેવાભાવ
જોઈને ભગવાન શિવજી અને માતા પાર્વતીએ પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને તેને
દર્શન આપ્યાં. ભગવાન શિવજીએ માતા પાર્વતીજીને કહ્યું કે આટલા બધા લોકો ગંગામાં
સ્નાન કરીને આવ્યા હતા પરંતુ સાચા અર્થમાં ગંગાસ્નાન તો આ એક જ યુવાને કર્યું છે.
આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે સાચી શ્રદ્ધા માત્ર માન્યતામાં
નહીં પરંતુ જીવનના વ્યવહારમાં પ્રગટ થવી જોઈએ.
ભગવાન શિવ..કલ્યાણ-જ્ઞાન અને આત્મબોધનું
પ્રતીક છે.
‘શિવ’ શબ્દનો અર્થ જ
કલ્યાણકારી થાય છે.ભગવાન શિવજી જ્ઞાન,વૈરાગ્ય,શાંતિ અને કલ્યાણના પ્રતીક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ શિવતત્વ આપણને
અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે છે.બોધકથામાં
ભગવાન શિવજી દ્વારા વૃદ્ધનું સ્વરૂપ ધારણ કરવું એ પણ એક સુંદર સંકેત છે કે જીવનમાં
પરમાત્માની લીલા અને પરીક્ષાઓ હંમેશાં આપણા ધાર્યા સ્વરૂપમાં આવતી નથી. કોઈ
જરૂરિયાતમંદ વ્યક્તિના રૂપમાં, કોઈ દુઃખી જીવના રૂપમાં કે
કોઈ મુશ્કેલ પરિસ્થિતિના રૂપમાં આપણી શ્રદ્ધા અને માનવતાની કસોટી થતી રહે છે. આથી
દરેક જીવ પ્રત્યે પ્રેમ-સન્માન અને કરૂણાનો ભાવ રાખવો એ જ સાચી આધ્યાત્મિકતાની ઓળખ
છે.
માતા પાર્વતી..શ્રદ્ધા-શક્તિ અને જિજ્ઞાસાનું
પ્રતીક છે.
માતા પાર્વતીજી શ્રદ્ધા,શક્તિ,સમર્પણ અને
જિજ્ઞાસાનાં પ્રતીક છે,તેઓ ભગવાન શિવજીને પ્રશ્ન પૂછે છે કે
ગંગાસ્નાન કરવા છતાં લોકોનાં પાપો અને દુઃખો કેમ દૂર થતાં નથી? આ પ્રશ્ન આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે,આપણે
ધાર્મિક સ્થળોએ જઈએ છીએ, પૂજા-પાઠ કરીએ છીએ, સત્સંગમાં જોડાઈએ છીએ છતાં આપણા વિચારો અને વ્યવહારમાં પરિવર્તન કેમ આવતું
નથી? આધ્યાત્મિક માર્ગમાં જિજ્ઞાસાનું વિશેષ મહત્વ છે. કોઈપણ
ધાર્મિક પરંપરાને માત્ર અનુસરવાને બદલે તેના પાછળ રહેલા જીવનમૂલ્યોને સમજવા જોઈએ.
શ્રદ્ધા જ્યારે સમજણ સાથે જોડાય છે ત્યારે તે જીવનને યોગ્ય દિશા આપે છે.
ગંગા..જ્ઞાન અને પવિત્રતાની પાવન ધારા
ગંગા નદી ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતા-નિર્મળતા અને
આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે, જેમ ગંગાનું જળ શરીરની બાહ્ય સ્વચ્છતા માટે ઉપયોગી છે તેમ સત્સંગ-સદ્વિચાર
અને આત્મજ્ઞાન મનની મલિનતા દૂર કરવામાં સહાયક બને છે. માનવીના અંતરમાં કામ,
ક્રોધ, લોભ, મોહ,
અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષ જેવા અનેક વિકારો
રહેલા છે, આ વિકારો જ માનવીના જીવનમાં અશાંતિ અને દુઃખનું
કારણ બને છે. જ્યારે માનવીને પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે અને તે
જ્ઞાનને જીવનમાં ઉતારે છે ત્યારે તેના વિચારો-વાણી અને વ્યવહારમાં પવિત્રતા આવવા
લાગે છે. આથી ગંગાની પવિત્ર ધારામાં સ્નાન કરવાની સાથે જ્ઞાનની પવિત્ર ધારામાં પણ
ડૂબકી લગાવવી જરૂરી છે.
સાચું ગંગાસ્નાન એટલે અંતરની શુદ્ધિ..
કથાનો સૌથી મહત્વનો સંદેશ એ છે કે ગંગામાં ડૂબકી લગાવવી
અને અંતરના વિકારોને ધોવા એ બે અલગ બાબતો છે.હજારો લોકોએ ગંગામાં સ્નાન કર્યું પરંતુ
એક વૃદ્ધની મદદ કરવા કોઈ આગળ આવ્યું નહીં, તેમના શરીર ભીનાં હતાં પરંતુ હૃદયમાં રહેલો સ્વાર્થ-ભય અને
સંકોચ દૂર થયો નહોતો. આપણે પણ ક્યારેક ધાર્મિક ક્રિયાઓમાં ખૂબ સમય આપીએ છીએ પરંતુ
આપણા વ્યવહારમાં નમ્રતા, દયા, ક્ષમા
અને સહનશીલતાનો અભાવ જોવા મળે છે. સાચું ગંગાસ્નાન એટલે મનમાં રહેલા દ્વેષને ધોવો,
વાણીમાંથી કડવાશ દૂર કરો, વ્યવહારમાં નમ્રતા
રાખો અને કર્મોમાં પવિત્રતા જાળવો.જળમાં ડૂબકી શરીરને ભીનું કરે છે જ્યારે
જ્ઞાનમાં ડૂબકી અંતઃકરણને નિર્મળ કરે છે.
કાદવ અને ખાડો..મોહમાયા અને અજ્ઞાનનું પ્રતીક
છે.
કથામાં રસ્તા પરનો કાદવ અને ઊંડો ખાડો પણ આધ્યાત્મિક
અર્થ ધરાવે છે. કાદવને સંસારની મોહમાયા, આસક્તિ, લોભ અને વિષયવાસનાનું પ્રતીક
માની શકાય, જ્યારે ખાડો અજ્ઞાન-અહંકાર અને કર્મબંધનનું
પ્રતીક છે. માનવી જીવનના માર્ગે ચાલતાં ક્યારેક મોહ-સ્વાર્થ-લાલચ અને અહંકારના
ખાડામાં પડી જાય છે, ઘણી વખત તેને પોતાની ભૂલનો ખ્યાલ પણ
આવતો નથી અને ખ્યાલ આવે ત્યારે પણ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. આવા સમયે
સત્સંગ,સદગુરૂનું માર્ગદર્શન, સુમિરણ
અને આત્મજ્ઞાન માનવીને અજ્ઞાનના ખાડામાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે પરંતુ સાથે
સાથે આપણે પણ બીજાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તૈયાર રહેવું જોઈએ.
વૃદ્ધ વ્યક્તિ..માનવસેવાની એક પવિત્ર તક
ખાડામાં પડેલા વૃદ્ધ વ્યક્તિ સમાજના દુઃખી, પીડિત, નિરાધાર
અને લાચાર લોકોનું પ્રતીક છે. આપણી આસપાસ અનેક લોકો એવા હોય છે જેમને આર્થિક,
શારીરિક, માનસિક કે સામાજિક સહાયની જરૂર હોય
છે. કોઈ વૃદ્ધ એકલતા અનુભવે છે, કોઈ બીમાર વ્યક્તિ સારવાર
માટે તડપે છે, કોઈ ગરીબ પરિવાર ભોજન માટે સંઘર્ષ કરે છે તો
કોઈ નિરાશ વ્યક્તિને માત્ર પ્રેમભર્યા બે શબ્દોની જરૂર હોય છે. આવા સમયે તેમની મદદ
કરવી એ જ સાચી માનવતા છે.
સંત નિરંકારી મિશનનો આધ્યાત્મિક સંદેશ પણ માનવતાને વિશેષ
મહત્વ આપે છે.સત્સંગ-સુમિરણ અને સેવા દ્વારા જીવનને સાર્થક બનાવવાની પ્રેરણા મળે
છે.પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ત્યારે જ સાચા અર્થમાં પ્રગટ થાય છે જ્યારે આપણા
હૃદયમાં સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમ-દયા અને કરૂણાની ભાવના હોય.
નિષ્પાપ હોવાની શરત..આત્મપરીક્ષણનો સંદેશ
માતા પાર્વતીજીની શરત કે માત્ર નિષ્પાપ વ્યક્તિ જ
વૃદ્ધને સ્પર્શ કરી શકે છે, તે આપણને આત્મપરીક્ષણ કરવાની પ્રેરણા આપે છે. બીજાની ભૂલો શોધવી સહેલી છે પરંતુ
પોતાની અંદર રહેલા દોષોને ઓળખવા મુશ્કેલ છે. આપણે બીજાને ઉપદેશ આપીએ છીએ પરંતુ
પોતાના જીવનમાં એ ઉપદેશ કેટલો ઉતારીએ છીએ તેનો વિચાર કરતા નથી. આપણે દરરોજ પોતાના
મનને પ્રશ્ન કરવો જોઈએ કે શું મારા વિચારો નિર્મળ છે? શું
મારી વાણીથી કોઈને દુઃખ પહોંચે છે? શું મારા વ્યવહારમાં
નિઃસ્વાર્થતા છે? શું હું કોઈની મુશ્કેલીમાં મદદ કરવા તૈયાર
છું? શું મારા મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ છે?
આવા આત્મચિંતનથી જ માનવી પોતાની ખામીઓને ઓળખીને જીવનમાં સુધારો કરી
શકે છે.
યુવાન..અતૂટ શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાનું
પ્રતીક છે.
કથામાં અંતે આવતો યુવાન સાચી શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે,તે ગંગાજીની પવિત્રતા પર પૂર્ણ વિશ્વાસ
રાખે છે તેથી ભસ્મ થઈ જવાના ભયથી ડર્યા વગર વૃદ્ધને બચાવવા આગળ વધે છે, તેની મહાનતા માત્ર તેના વિશ્વાસમાં જ નથી પરંતુ તેના કરૂણાભર્યા હૃદયમાં
પણ છે, તે કોઈ દલીલ કરતો નથી, કોઈ
બહાનું બનાવતો નથી અને પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર સેવા કરવા તૈયાર થાય છે-આ
જ સાચી ભક્તિનું લક્ષણ છે. શ્રદ્ધા એટલે મનમાં વિશ્વાસ-હૃદયમાં કરૂણા અને કર્મમાં
નિઃસ્વાર્થતા. જે વ્યક્તિ પરમાત્મા પર વિશ્વાસ રાખે છે તે જીવનની મુશ્કેલીઓમાં પણ
માનવતાનો માર્ગ છોડતી નથી.
હર-હરનો જયઘોષ..નામસ્મરણ સાથે ગુણઆચરણ જરૂરી
છે.
બોધકથામાં અનેક લોકો ‘હર-હર ગંગે’નો
જયઘોષ કરતા પસાર થાય છે. ભગવાનનું નામ લેવું, ભજન કરવું અને
સુમિરણ કરવું એ ભક્તિનો મહત્વનો ભાગ છે પરંતુ નામસ્મરણનો સાચો હેતુ જીવનમાં
ઈશ્વરીય ગુણો ઉતારવાનો છે.જો મોઢેથી ભગવાનનું નામ લેવાય પરંતુ હૃદયમાં દ્વેષ હોય
તો નામસ્મરણનો ભાવ અધૂરો રહી જાય છે.જો વાણીમાં ભગવાનનો મહિમા હોય પરંતુ
વ્યવહારમાં અહંકાર હોય તો ભક્તિનું સાચું સૌંદર્ય પ્રગટ થતું નથી. નામસ્મરણ સાથે
ગુણસ્મરણ અને ગુણસ્મરણ સાથે ગુણઆચરણ પણ જરૂરી છે.ભગવાનનું નામ લેતાં લેતાં આપણામાં
પ્રેમ, દયા, ક્ષમા, સહનશીલતા અને નિઃસ્વાર્થ સેવાના ગુણો વિકસે ત્યારે જ ભક્તિ જીવનને પવિત્ર
બનાવે છે.
નિષ્કામ કર્મયોગ અને ભગવદ્ ગીતાનો સંદેશ..
આ બોધકથાનો સંદેશ ભગવદ્ ગીતાના કર્મયોગ સાથે પણ સુંદર
રીતે જોડાયેલો છે.ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના અધ્યાયઃ૩/૧૯માં કહે છે કે..
तस्मादसक्तः सततं कार्यं कर्म
समाचर
આસક્તિનો ત્યાગ કરીને હંમેશાં કર્તવ્યકર્મ કરવું જોઈએ. યુવાને
પણ કોઈ પુરસ્કાર-પ્રસિદ્ધિ કે લાભની અપેક્ષા રાખ્યા વગર વૃદ્ધને ખાડામાંથી બહાર
કાઢ્યા, તેણે માત્ર
પોતાની માનવતા અને કર્તવ્યભાવને મહત્વ આપ્યું. આ જ નિષ્કામ કર્મયોગ છે.જ્યારે માનવી
કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે ત્યારે તેનું કર્મ જ
તેની ભક્તિ બની જાય છે.
સેવા-સુમિરણ અને સત્સંગ..જીવનની સાચી સાધના
છે.
આ બોધકથાનો સાર સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક સિદ્ધાંત
‘સેવા-સુમિરણ અને સત્સંગ’ સાથે પણ સુંદર રીતે જોડાય છે.સત્સંગ
આપણને સત્યનું જ્ઞાન આપે છે અને જીવનને યોગ્ય દિશા આપે છે. સત્સંગ દ્વારા માનવી
પોતાના જીવનના હેતુને સમજે છે અને સદગુણો અપનાવવાની પ્રેરણા મેળવે છે. સુમિરણ આપણને
નિરાકાર પરમાત્માની યાદ સાથે જોડે છે, નિરંકાર પરમાત્માનું
સ્મરણ મનને શાંતિ-સ્થિરતા અને આત્મિક આનંદ આપે છે. સેવા આપણામાં નમ્રતા, પ્રેમ, કરૂણા અને નિઃસ્વાર્થતાનો ભાવ વિકસાવે છે. સેવા
દ્વારા માનવી પોતાના સ્વાર્થ અને અહંકારને ભૂલીને બીજાના કલ્યાણ માટે કાર્ય
કરવાનું શીખે છે.સત્સંગથી જ્ઞાન મળે, સુમિરણથી અંતર નિર્મળ
બને અને સેવાથી એ જ્ઞાન વ્યવહારમાં પ્રગટ થાય. આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે જ
આધ્યાત્મિક જીવન સાચી પૂર્ણતા તરફ આગળ વધે છે.
જીવનને જ તીર્થ બનાવી દઈએ..
આ બોધકથા આપણને એક મહત્વપૂર્ણ જીવનસંદેશ આપે છે કે
ધાર્મિક ક્રિયાઓનું સાચું મહત્વ ત્યારે જ છે જ્યારે તે આપણા જીવનમાં સદગુણોનું
સિંચન કરે. ગંગામાં સ્નાન કરવું પવિત્ર પરંપરા છે પરંતુ મનમાં રહેલા અહંકાર, દ્વેષ, ઈર્ષ્યા,
લોભ અને સ્વાર્થને ધોવા એ સાચી આધ્યાત્મિક સાધના છે. મંદિરમાં દીવો
પ્રગટાવવો એ શ્રદ્ધા છે પરંતુ કોઈના અંધકારમય જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો એ સાચી
માનવતા છે. મોઢેથી ભગવાનનું નામ લેવું એ ભક્તિ છે પરંતુ ભગવાનના ગુણોને પોતાના
જીવનમાં ઉતારવા એ સાચી ઉપાસના છે.તીર્થયાત્રા કરવી એ પુણ્યપ્રદ છે પરંતુ કોઈ દુઃખી
વ્યક્તિના જીવનમાં સુખ અને આશાનો સંચાર કરવો એ પણ એક મહાન તીર્થસેવા છે.
આપણે સૌએ જીવનમાં એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણી ભક્તિ
માત્ર હોઠો સુધી સીમિત ન રહે પરંતુ આપણા વિચારો-વાણી અને વર્તનમાં પણ પ્રગટ થાય.
આપણી શ્રદ્ધા માત્ર માન્યતા ન રહે પરંતુ નિર્ભયતા, કરૂણા, પ્રેમ અને
નિઃસ્વાર્થ સેવાનું સ્વરૂપ ધારણ કરે. સાચો ભક્ત એ નથી જે માત્ર તીર્થમાં જઈને
પવિત્ર બને છે પરંતુ સાચો ભક્ત એ છે જે પોતાના શુદ્ધ વિચારો-પવિત્ર કર્મો અને
નિઃસ્વાર્થ સેવાથી સમગ્ર જીવનને જ તીર્થ બનાવી દે છે.ગંગામાં ડૂબકી લગાવવી સહેલી
છે પરંતુ મનના વિકારોને ધોવા એ સાચી સાધના છે. ભગવાનનું નામ લેવું સહેલું છે પરંતુ
ભગવાનના ગુણોને જીવનમાં ઉતારવા એ સાચી ભક્તિ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment