બોધકથા..જીવનનું પરમ સત્ય..કિશા ગૌતમી અને સરસવના દાણાની
મર્મસ્પર્શી કથા
બૌદ્ધ ધર્મ
અને વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં કિશા ગૌતમી (પિશા ગૌતમી) અને સરસવના દાણાની કથા
માત્ર એક ઘટના નથી પરંતુ માનવમાત્રની ચેતનાને જગાડનારૂં એક મહાન આધ્યાત્મિક દર્શન
છે. આ કથા માનવ જીવનના સૌથી મોટા અને કડવા સત્ય એટલે કે 'મૃત્યુ
અને શોક' સાથે સામનો કરવાનો અને અજ્ઞાનતાના અંધકારમાંથી
મુક્તિ મેળવીને પરમશાંતિ તરફ પ્રયાણ કરવાનો અદભૂત માર્ગ બતાવે છે.
કિશા ગૌતમીનો પરિચય અને પ્રારંભિક જીવન..
પ્રાચીન
સમયમાં શ્રાવસ્તી કે સાકેત નામના સમૃદ્ધ નગરમાં કિશા ગૌતમી નામની એક સ્ત્રી રહેતી
હતી, તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી હતી. આર્થિક વિષમતા અને
ગરીબીના કારણે તેના વિવાહ જીવનના પ્રારંભિક દિવસોમાં તેને સામાજિક અને પારિવારિક
સ્તરે અનેક પ્રકારની તકલીફો અને ઉપેક્ષાઓનો સામનો કરવો પડ્યો હતો, તેની શારીરિક દુર્બળતા અને ગરીબ પૃષ્ઠભૂમિના કારણે નગરમાં લોકો તેને
"કિશા" (સંસ્કૃત શબ્દ 'કૃશા' પરથી જેનો અર્થ 'દુર્બળ', 'કૃશ'
કે 'ગરીબ' થાય છે) કહીને
સંબોધતા હતા, આમ તેનું નામ જ તેની ગરીબી અને સંઘર્ષની ગાથા
કહેતું હતું.
સમયનું ચક્ર
ફર્યું અને કિશા ગૌતમીના જીવનમાં એક ખુશીનો સૂર્યોદય થયો, તેણે
એક સુંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો, પુત્રના આગમનથી
તેના દુઃખો જાણે થોડા સમય માટે ભુલાઈ ગયા,તે પોતાના પુત્રને
અતિશય પ્રેમ કરતી હતી.માતાનો આ સ્વાભાવિક વાત્સલ્ય પ્રેમ સમય જતાં એટલો ગાઢ બની
ગયો કે તે પોતાના પુત્ર વગર દુનિયાની કોઈ કલ્પના જ કરી શકતી ન હતી, તેનું સમગ્ર વિશ્વ હવે તે નાના બાળકની આસપાસ જ ફરવા લાગ્યું હતું.
જીવનની સૌથી મોટી કરૂણતા:પુત્રનું અચાનક મૃત્યુ..
કુદરતની રમત
અકળ છે.જ્યારે કિશા ગૌતમી પોતાના પુત્રના ભવિષ્યના સપનાઓ જોઈ રહી હતી ત્યારે
દુર્ભાગ્યએ તેના પર પ્રહાર કર્યો, તેનો એકમાત્ર વ્હાલો પુત્ર અચાનક ગંભીર રીતે
બીમાર પડ્યો, ટૂંકી અને પીડાદાયક માંદગી બાદ યોગ્ય ઉપચાર મળે
તે પહેલા જ તે માસૂમ બાળકનું પ્રાણપંખેરું ઉડી ગયું. પોતાના એકમાત્ર સહારા અને
પ્રાણથી પણ વ્હાલા પુત્રના અચાનક અવસાનથી કિશા ગૌતમીનું મન અસ્થિર અને વિભ્રમ થઈ
ગયું, તે આઘાત સહન ન કરી શકી. શોક અને વેદનાના અતિરેકમાં તે
પાગલ-અસંતુલિત જેવી બની ગઈ, તે પોતાના મૃત બાળકને છાતી સરસો
ચોંટાડીને આખા નગરમાં ગાંડાની જેમ દોડવા લાગી, તે રસ્તામાં
મળતા દરેક રાહદારીને વિનંતી કરતી હતી કે કોઈ તેના પુત્રને જીવતદાન આપે કે કોઈ એવી
દિવ્ય ઔષધિ કે દવા બતાવે જે તેના બાળકને ફરીથી સજીવન કરી શકે.
નગરમાં લોકો
તેને દયાની નજરે જોતા અને સમજાવતા કે "બહેન ! કોઈ મૃત
વ્યક્તિ ક્યારેય સજીવન થઈ શકતી નથી, મૃત્યુ એ અંતિમ સત્ય
છે." પરંતુ શોક અને પુત્ર-મોહના ગાઢ અંધકારમાં ડૂબેલી કિશા ગૌતમી કોઈનું પણ
સત્ય સ્વીકારવા તૈયાર ન હતી, તેનું મન માત્ર એટલું જ
સ્વીકારવા તૈયાર હતું કે તેનો પુત્ર માત્ર સૂતો છે અને કોઈ તેને જગાડી શકે છે.
ભગવાન બુદ્ધની શરણે:આશાનું કિરણ..
નગરમાં એક
સમજદાર અને દયાવાન વ્યક્તિએ કિશા ગૌતમીની દયનીય સ્થિતિ જોઈને તેને સલાહ આપી કે "હે
દેવી ! તું વ્યર્થ રડે છે.તું આ નગરના મહાન જ્ઞાની-કરૂણાના સાગર ભગવાન ગૌતમ બુદ્ધ
પાસે જા. માત્ર તે જ તારી આ વેદનાનું નિવારણ કરી શકે છે." આશાનું એક કિરણ
દેખાતા જ કિશા ગૌતમી પોતાના મૃત પુત્રને લઈને દોડતી દોડતી ભગવાન બુદ્ધ પાસે પહોંચી,
તેણે ધ્રૂજતા હાથે અને આંસુઓથી ભરાયેલી આંખો સાથે બુદ્ધના ચરણોમાં
પ્રણામ કર્યા અને રૂંધાયેલા અવાજે કહ્યું કે "હે ભગવન્ !
ત્રિલોકના નાથ ! મારા આ નિર્દોષ પુત્રને કોઈક દિવ્ય ઉપાય કરીને ફરીથી જીવિત કરી
આપો.મારા જીવનનો આ એક જ સહારો છે."
ભગવાન બુદ્ધે
અત્યંત કરૂણાપૂર્વક અને શાંતભાવથી તેની અતિ દયનીય સ્થિતિ જોઈ. તેઓ જાણતા હતા કે
બાળકને શારીરિક રીતે જીવિત કરવો અશક્ય છે પરંતુ કિશા ગૌતમીના અજ્ઞાન અને મોહના
આવરણને દૂર કરવા માટે એક આધ્યાત્મિક ઉપચારની જરૂર હતી. બુદ્ધે અત્યંત મધુર અને
પ્રશાંત સ્વરે કહ્યું કે.."ગૌતમી ! તું હમણાં જ ઉઠ અને આખા નગરમાંથી
મુઠ્ઠીભર સરસવના દાણા લઈ આવ પરંતુ મારી એક શરત છે કે સરસવના દાણા તારે એવા ઘરમાંથી
જ લાવવાના છે જેના પરિવારમાં ક્યારેય, કોઈપણ વ્યક્તિનું
મૃત્યુ ન થયું હોય."
સત્યની શોધ અને વાસ્તવિકતાનું ભાન:ઘર-ઘરની કહાની..
ભગવાન
બુદ્ધના વચનો સાંભળીને કિશા ગૌતમીને થયું કે આ તો બહુ સરળ કામ છે, તે
તરત જ નગરમાં સરસવના દાણાની શોધમાં નીકળી પડી. તેને પૂર્ણ વિશ્વાસ હતો કે તે ગમે
ત્યાંથી એવા ઘરના સરસવ શોધી લાવશે, તે ઉત્સાહથી એક પછી એક
ઘરે ગઈ અને લોકોને વિનંતી કરવા લાગી કે "મને ખાલી
મુઠ્ઠીભર સરસવના દાણા આપો,મારા ભગવાનની આ આજ્ઞા છે." લોકોએ
દયા ખાઈને તરત જ ખુશીથી સરસવ આપવા તૈયારી બતાવી દીધી પરંતુ જ્યારે કિશા ગૌતમીએ
પોતાની શરત મૂકતા પૂછ્યું કે "ભાઈ ! શું તમારા આ ઘરમાં
ક્યારેય કોઈનું મૃત્યુ થયું છે? શું તમારા પરિવારમાં કોઈએ
ક્યારેય સ્વજન ગુમાવ્યું છે?" ત્યારે લોકોના ચહેરા પર
ઉદાસી છવાઈ જતી અને તેઓ નિસાસો નાખીને જવાબ આપતા કે "બહેન
! જીવતા લોકો તો આ ઘરમાં થોડા જ છે પરંતુ મૃત્યુ પામેલાઓની યાદી તો ઘણી મોટી છે. અમારા
ઘરમાં દાદા,પિતા,માતા,પતિ કે બાળકોમાંથી કોઈને કોઈ કાળનો કોળિયો બની ચૂક્યા છે.મૃત્યુએ અહીં
સૌના ઘરે દસ્તક દીધી છે."
કિશા ગૌતમી
આશા લઈને બીજા ઘરે ગઈ,ત્રીજા ઘરે ગઈ,ગલીઓ અને
મોહલ્લાઓમાં આખો દિવસ ભમી વળી પરંતુ તેને સમગ્ર નગરમાં એક પણ એવું ઘર ન મળ્યું કે
જેના આંગણે ક્યારેય શોક કે મૃત્યુએ પગ ન મૂક્યો હોય. દરેક ઘરની કથા એક જ સરખી
દુઃખદ અને સનાતન સત્યવાળી હતી.
જ્ઞાન પ્રાપ્તિ-વૈરાગ્ય અને જીવનનું પરમ દર્શન..
સાંજ ઢળવા
આવી.સૂર્ય આથમી ગયો અને ચારેય તરફ અંધકાર છવાવા લાગ્યો.કિશા ગૌતમી થાકીને લોથપોથ
થઈ ગઈ હતી, તે નગરની બહાર આવેલી શ્મશાનભૂમિ પાસે બેસી ગઈ,
તેણે રાત્રિના અંધકારમાં નગર તરફ નજર કરી તો જોયું કે ઘરોમાં સળગતા
દીવાઓ એક પછી એક ઓલવાઈ રહ્યા છે અને ચારેય તરફ ગાઢ અંધારૂં પ્રસરી રહ્યું છે.આ
દશ્ય જોઈને અચાનક તેના અંતરઆત્મામાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો,તેને જીવનનું સૌથી મોટું અને કડવું સત્ય સમજાઈ ગયું કે "જે પ્રકારે આ નગરના દીવાઓ બળીને એક દિવસ ઓલવાઈ જાય છે, તે જ પ્રકારે આ સંસારમાં જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે,
આ મરણધર્મી સંસારમાં કોઈપણ પરિવાર,કોઈપણ
વ્યક્તિ અમર નથી.મૃત્યુ એ સાર્વત્રિક અને શાશ્વત સત્ય છે.આ કોઈ મારા એકલાના જ
પુત્ર સાથે ઘટેલી દુર્ઘટના નથી પરંતુ આ સમગ્ર સૃષ્ટિનો નિયમ છે." તેના
મનમાંથી અજ્ઞાનના વાદળો વિખેરાઈ ગયા.તેણે પોતાના મૃત પુત્રને શ્મશાનભૂમિમાં
શાંતિપૂર્વક સુવડાવી દીધો અને કોઈપણ પ્રકારના આક્રંદ કે શોક વગર ભગવાન બુદ્ધ પાસે
પાછી ફરી.
ભગવાન બુદ્ધે
સ્મિત સાથે તેને પ્રેમથી પૂછ્યું કે "ગૌતમી ! શું તું નગરમાંથી મુઠ્ઠીભર સરસવના
દાણા લઈ આવી?" કિશા ગૌતમીએ અત્યંત નમ્રતાપૂર્વક હાથ
જોડીને પ્રણામ કર્યા અને કહ્યું કે "હે ભગવન્ ! હવે મને
સરસવના દાણાની કોઈ આવશ્યકતા રહી નથી.મને જીવન અને મૃત્યુનું સાચું અને પરમ સત્ય
સમજાઈ ગયું છે,કૃપા કરીને મને તમારા શરણે સ્વીકારો." તેણે
ભગવાન બુદ્ધ સમક્ષ પોતાના અહંકાર,ભ્રમ, મોહ અને પુત્રશોકનો સંપૂર્ણ ત્યાગ કર્યો, ત્યારબાદ
તેણે ભગવાન બુદ્ધ પાસેથી ભિક્ષુણી તરીકે સંન્યાસ દીક્ષા લીધી અને સત્ય-કરૂણા તથા
શાંતિના માર્ગ પર આગળ વધીને અંતે પોતાના જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય-'અરહત' પૂર્ણ જ્ઞાન અને મુક્તિપદ પ્રાપ્ત કર્યું.
આ કથાના
માધ્યમથી સનાતન ધર્મશાસ્ત્રો-ઉપનિષદો અને સંતોની અવતારવાણીમાં જીવનના કેટલાક
મૂળભૂત સિદ્ધાંતોને ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. 'મોહ' એટલે અજ્ઞાનતાના કારણે નાશવંત વસ્તુઓમાં 'સત્ય અને કાયમી' હોવાનો ભ્રમ સેવવો. જ્યારે જીવ આ
સંસારની નશ્વર ચીજો કે સંબંધો જેવા કે પત્ની,પુત્ર,ધન,પદ સાથે પોતાની ઓળખ જોડી દે છે અને માની લે છે કે
"આ મારૂં છે અને ક્યારેય નહીં છૂટે" ત્યારે તેને મોહ કહે છે. અવતારવાણીમાં
કહેવાયું છે કે મોહ એ માનવીની આંખ પર બંધાયેલી
એવી પટ્ટી છે જે તેને સત્ય દેખાવા દેતી નથી.કિશા ગૌતમીનો પુત્ર પ્રત્યેનો મોહ જ તેના
પાગલપન અને દુઃખનું મૂળ કારણ હતો.
આસક્તિ એ મોહનું
વ્યવહારિક રૂપ છે.જ્યારે મન કોઈ વ્યક્તિ-પદાર્થ કે સ્થિતિ સાથે આંતરિક રીતે ચોંટી
જાય અને તેના વગર જીવવું અશક્ય માને તેને આસક્તિ કહે છે.ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ
કહે છે કે આસક્તિથી કામ-વાસના/ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે
ક્રોધ અને શોક જન્મે છે.આસક્તિ એ આત્માને સંસારના બંધનમાં જકડી રાખતી લોઢાની બેડી
સમાન છે.
ધર્મશાસ્ત્રો
અને વેદાંત દર્શન અનુસાર મૃત્યુ એ જીવનનો અંત નથી પરંતુ માત્ર એક પરિવર્તન છે.
શરીર નાશવંત છે. શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્-શરીર નાશ
પામે છે પરંતુ આત્મા અમર છે.અવતારવાણી અનુસાર "જે જન્મ્યો છે તેનું મરવું નિશ્ચિત છે અને જે મર્યો છે તેનો પુનઃ જન્મ
નિશ્ચિત છે.આ કુદરતનું ચક્ર અવિરત ચાલે છે." મૃત્યુ એ
ભયાનક નથી પરંતુ જીવનના પુસ્તકનું એક પન્નું પલટાવવાની પ્રક્રિયા છે. જ્યારે મનુષ્ય
આ સત્યને સ્વીકારી લે છે ત્યારે તે જીવનના દરેક ક્ષણને ભયમુક્ત થઈને જીવી શકે છે.
આ
બોધકથામાંથી એ બોધપાઠ મળે છે કે મોહ જ તમામ દુઃખોનું
મૂળ છે.માનવ જીવનમાં મોટાભાગના માનસિક કષ્ટો અને શોક અતિશય મોહ અને આસક્તિમાંથી જ
ઉત્પન્ન થાય છે.જેટલી અપેક્ષાઓ વધુ તેટલું દુઃખ વધારે. પ્રકૃતિના આ સનાતન નિયમથી
કોઈ મહાપુરૂષ-રાજા કે ગરીબ બચી શક્યો નથી.આ વાત સ્વીકારવાથી જ જીવનની અડધી ચિંતાઓ
મટી જાય છે. જ્યારે વ્યક્તિ સંસારના આ વૈશ્વિક અને પરમ સત્યને સ્વીકારી લે છે ત્યારે
તેનું મન મોહ અને શોકના ભારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે અને તેને સાચી આંતરિક
શાંતિ પ્રાપ્ત થાય છે.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment