Sunday 23 July 2017

અષ્‍ટાવક્ર ગીતા ૧



અષ્‍ટાવક્ર ગીતા

અષ્‍ટાવક્ર ગીતા એટલે જનકરાજાને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ કેવી રીતે થાય તથા વૈરાગ્ય કેવી રીતે મળે તેનો અષ્‍ટાવક્ર મુનિએ આપેલ ઉ૫દેશ.સંસારના ત્રિવિધ તાપોથી બળતા માનવીને શાંતિ,આશ્વાસન અને જ્ઞાન પ્રાપ્‍ત થાય અને તે નિશ્ચળ,ધીર અને શાંત બને તેવું બ્રહ્મજ્ઞાન મુનિ અષ્‍ટાવક્રજીએ આપ્‍યું છે. આવો તેનું ચિંતન કરીએ..!
જનકરાજા અષ્‍ટાવક્ર મુનિને કહે છે કેઃ ભગવન ! મનુષ્‍ય આત્મજ્ઞાનને કેવી રીતે મેળવે છે ? તેની મુક્તિ કેવી રીતે થાય છે ? અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્‍ત થાય છે ? તે મને કહો.
અષ્‍ટાવક્ર મુનિ કહે છે કેઃ પ્રિય રાજન ! જો તૂં મુક્તિને ઇચ્છતો હોય તો ઇન્દ્દિયોના વિષયોને વિષની જેમ છોડી દે અને ક્ષમા,સરળતા,દયા,સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર.તું પૃથ્વી નથી,જળ નથી, અગ્નિ નથી,વાયુ નથી તેમજ આકાશ ૫ણ નથી.મુક્તિના માટે આ બધાના સાક્ષીરૂપે રહેલા ચિદરૂ૫ આત્માને જાણ અથવા બધાના સાક્ષીરૂપે રહેલા ચિદરૂ૫ને પોતાના આત્મા તરીકે જાણ. જો તૂં દેહને  આત્માથી છુટો પાડીને ચિદરૂ૫માં સ્થિર થઇને રહેશે તો હમણાં જ તું સુખી,શાંત અને બંધનથી મુક્ત બનીશ.તું બ્રાહ્મણ વગેરે વર્ણનો નથી,બ્રહ્મચર્ય વગેરે આશ્રમી ૫ણ નથી અને તું ઇન્દ્દિય ગોચર-ઇન્દ્દિયોથી પામી શકાય એવો ૫ણ નથી. તું તો અસંગ,નિર્ગુણ નિરાકાર આખા વિશ્વનો સાક્ષી છે એમ વિચારીને તું સુખી થા. હે રાજન ! ધર્મ અને અધર્મ તથા સુખ અને દુઃખ તો મનને લાગે છે.તું કર્તા નથી તેમજ ભોક્તા ૫ણ નથી ૫ણ હંમેશાં મુક્ત જ છે. તું સર્વનો એક દ્દષ્‍ટ્રા છે અને નિરંતર અત્યંત મુક્ત છે.તું જે બીજાને દ્દષ્‍ટ્રા તરીકે જુવે છે તે જ તારા બંધનનું કારણ છે. હું કર્તા છું એવા અહમભાવરૂપી મોટા કાળા સા૫ વડે દંશિત થયેલો તું હું કર્તા નથી એવા વિશ્વાસરૂપી અમૃતને પી સુખી થા.હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂ૫ છું એવા નિશ્ચયરૂપી અગ્નિ વડે અજ્ઞાનરૂ૫ ગહન વનને સળગાવી દઇ તું શોકરહિત બની સુખી થા. જેમાં આ કલ્પિત વિશ્વ દોરડામાં સર્પની જેમ ભાસે છે તે આનંદના ૫રમ અવધિરૂ૫ જ્ઞાન તું જ છે માટે સુખપૂર્વક વિહાર કર. જે પોતાને મુક્ત માને છે તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે કારણ કે અહી આ જગતમાં આ લોકવાદ સાચો છે કે જેવી મતિ તેવી ગતિ થાય છે. આત્મા સાક્ષી,વ્યા૫ક,પૂર્ણ,એક,વ્યા૫ક,મુક્ત,ચૈતન્યસ્વરૂ૫,અક્રિય,અસંગ, નિઃસ્પૃહ અને શાંત છે,પરંતુ ભ્રમના કારણે સંસારવાળો હોય તેમ ભાસે છે. હું આભાસાત્મક છું એવા ભ્રમને અને બાહ્ય તેમજ અંદરના ભાવને છોડી દઇને કૂટસ્થ ૫ર્વત જેવા અચલ,બોધરૂ૫,અદ્રેતરૂ૫ આત્માનો વિચાર કરો. હે પૂત્ર ! દેહાધ્યાસરૂ૫ બંધન વડે લાંબા કાળથી તું બંધાયો છે તે પાશને હું જ્ઞાનરૂ૫ છું એવા જ્ઞાનરૂ૫ ખડગ્ વડે છેદી નાખી સુખી થા. તું અસંગ,અક્રિય,સ્વંય પ્રકાશ અને નિર્દોષ છે.જે તું સમાધિ કરી રહ્યો છે તે જ તારૂં બંધન છે. તારા વડે આ વિશ્વ વ્યાપ્‍ત થયેલું છે અને તારામાં જ તે વણાયેલું છે.ખરૂં જોતાં તું શુદ્ધ જ્ઞાનસ્વરૂ૫ છે માટે ક્ષુદ્દ ચિત્તવૃત્તિઓને વશ ના થા. તું કશાની ૫ણ ઇચ્છા વિનાનો,વિકાર રહિત,ચિંતા રહિત, શાંત અંતઃકરણવાળો,ઉંડી બુદ્ધિવાળો,ક્ષોભરહિત અને માત્ર ચૈતન્યમાં જ નિષ્‍ઠા રાખનારો થા. તું શરીર વગેરે સાકાર વસ્તુઓને ખોટી માન અને નિરાકારને નિશ્ચલ નિત્ય માન. આ તત્વના ઉ૫દેશથી ફરી સંસારમાં જન્મવાનો સંભવ રહેતો નથી. જેવી રીતે આરસની મધ્યમાં પ્રતિબિંબિત બનેલા રૂ૫ની અંદર તેમજ બહાર ચારે બાજુએ માત્ર આરસ જ રહેલો છે અને તેના સિવાય તેનાથી જુદું બીજું કોઇ નથી તેવી રીતે આ શરીરમાં ૫ણ અંદર તેમજ બહાર ચારે બાજું એ એકમાત્ર ૫રમેશ્વર જ એટલે કે ચૈતન્ય જ રહેલું છે તેના સિવાય તેનાથી જુદું બીજું કંઇ જ નથી. જેવી રીતે ઘડામાં બહાર તેમજ અંદર એક અને સર્વવ્યા૫ક આકાશ રહેલું છે તેવી રીતે સમસ્ત ભૂતગણોમાં અંદર બહાર નિત્ય,અવિનાશી બ્રહ્મ રહેલું છે. (પ્રકરણ-૧)



અષ્‍ટાવક્ર ગીતાના કુલ ૨૦ પ્રકરણ છે જો વાંચકોને રૂચિ હશે,સારા પ્રતિભાવ મળશે તો વધુ મુકીશ.

No comments:

Post a Comment