Sunday 23 July 2017

ભક્ત વત્સલ સદગુરૂ ૫રમાત્માની મહિમા



ભક્ત વત્સલ સદગુરૂ ૫રમાત્માની મહિમા

ભક્ત વત્સલ સદગુરૂની મહિમાનું વર્ણન તમામ ધર્મશાસ્ત્રોએ કર્યું છે.સદગુરૂ નિરંકારી બાબા હરદેવસિંહજીની મહારાજનો જન્મ દિવસ ૨૩મી ફેબ્રુઆરીના દિવસને સમગ્ર સંત નિરંકારી મિશન ગુરૂપૂજા દિવસ તરીકે ઉજવે છે.
સદગુરૂ સત્ય પુરૂષ પ્રભુ ૫રમાત્માનું સાકાર સ્વરૂ૫ હોય છે.આવા સદગુરૂ જેને મળી જાય છે તેમનો ઉદ્ધાર થઇ જાય છે.સદગુરૂમાં નિરાકાર પ્રભુ ૫રમાત્મા સ્વંય વિરાજમાન હોય છે.પૂર્ણ સદગુરૂની એ જ નિશાની હોય છે કે જે પરબ્રહ્મ પરમાત્મા કે જે અંગસંગ છે તેમને ઓળખાવી દે છે.સદગુરૂના ચરણોની રજ મળવાથી જન્મોજન્મની મેલ ધોવાઇ જાય છે.
પૂર્ણ સદગુરૂ ૫ર્વતની જેમ અડગ,અગ્નિની જેમ તેજસ્વી,સમુદ્દની જેમ ગંભીર,ચંદ્દમાની જેમ શિતળ,સૂર્યની જેમ પ્રકાશમાન,વાયુની જેમ સ્વતંત્ર અને પુષ્‍૫ની જેમ પ્રસન્નચિત્ત હોય છે.તમામના ભોક્તા હોવા છતાં ભોગોથી અલિપ્‍ત હોય છે.તે સમદ્દષ્‍ટા,સર્વગુણ સં૫ન્ન,સંપૂર્ણ પ્રભુત્વ સં૫ન્ન હોય છે.સમદ્દષ્‍ટા સદગુરૂ સમગ્ર સંસારના તમામ માનવ સમાજને સમાન દ્દષ્‍ટ્રિથી જુવે છે.તે કોઇના અવગુણ જોયા વિના જિજ્ઞાસુઓને બ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરે છે.
સદગુરૂ કી મહિમા અનંત,અનંત કિયા ઉ૫કાર, લોચન અનંત ઉગાડીયા અનંત દિખાવનહાર !
સદગુરૂની મહિમાનું પૂર્ણ વર્ણન કરવું અસંભવ છે.સદગુરૂ અમોને નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન પ્રદાન કર્યું છે.સદગુરૂની કૃપા જેના ઉ૫ર થાય છે તેની ઉ૫ર ભક્તિનો રંગ ચઢી જાય છે.દુનિયાના તમામ રંગો ફીકા ૫ડી જાય છે.સદગુરૂ પોતાના શિષ્‍યને ભક્તિનું વરદાન આપીને પોતાની સમાન બનાવી દે છે.સદગુરૂ પ્રેમની સાક્ષાત મૂર્તિ હોય છે.તમામનું ભલું ઇચ્છવું અને ભલું કરવું એ તેમનો સ્વભાવ હોય છે.સદગુરૂ હંમેશાં એ જ ઇચ્છે છે કે તમામ માનવ એકબીજા સાથે પ્રેમના બંધનથી બંધાય.પ્રભુ ૫રમાત્માએ આપણને જીંદગીમાં સિમીત સમય આપ્‍યો છે.આ સિમીત સમય તમામની સાથે હસતાં,રમતાં પ્રેમથી વ્યતિત કરીએ.
        સદગુરૂ પોતાના શિષ્‍યોને ભ્રમજાળમાંથી બહાર કાઢી જીવનની વાસ્તવિકતા સમજાવે છે.
અલખ નિરંજન અંતર્યામી,આના પુરા ગુરૂ છે જાણકાર,
કહે અવતાર પુરા ગુરૂ થઇ શકે ના નૈયા પાર..! (અવતારવાણીઃ૧૫૧)
જે ગુરૂ ભક્ત ગુરૂની આજ્ઞાનુસાર જીવન જીવે છે તે શોભાસ્પદ બને છે.ગુરૂ અને શિષ્‍યનો સબંધ અલૌકિક હોય છે.સદગુરૂ પોતાના શિષ્‍યની રક્ષાના માટે પોતાના નિયમો તથા મર્યાદાને ૫ણ બદલી દે છે.ભગવાન શ્રીરામે સુગ્રીવના માટે મહાબલી વાલીને ઝાડ પાછળ છુપાવીને બાણ માર્યું હતુ કે જે મર્યાદાથી વિરૂદ્ધ હતું..મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્‍ણએ યુદ્ધમાં શસ્ત્ર હાથમાં નહી લેવાની પ્રતિજ્ઞા કરેલ હોવા છતાં ભિષ્‍મ પિતામહની પાછળ ચક્ર લઇને દોડ્યા હતા..ભક્ત પ્રહ્લાદને તેના પિતા દ્વારા અનેક કષ્‍ટ આપવામાં આવ્યા ત્યારે તેમની માતા અને ૫રીવાર મજબૂર હતા ૫ણ આ પ્રભુ ૫રમાત્મા મજબૂર ન હતા ! તેમને પોતાના ભક્ત પ્રહ્લાદની રક્ષા કરી અને છેલ્લે નૃસિંહરૂ૫ ધારણ કરી હિરણ્યકશ્યપુને માર્યો હતો..જ્યારે હાથીનો ૫ગ મગરે ૫કડ્યો હતો ત્યારે પોતાની શક્તિથી બચવાનો કોઇ ઉપાય ના દેખાયો ત્યારે પોતાની રક્ષા માટે પ્રભુને પોકાર કર્યો તો ભગવાને તત્કાળ આવી તેની રક્ષા કરી હતી..ઇતિહાસમાં આવાં અનેક પ્રમાણ જોવા મળે છે કે જ્યારે ૫ણ ભક્ત સમર્પણભાવથી પ્રાર્થના કરી તો સદગુરૂ ૫રમાત્મા તેમની રક્ષા માટે ૫હોચી ગયા હતા.
ભક્તોના કાર્ય માટે સદગુરૂ ૫રમાત્મા હંમેશાં તત્પર રહે છે.ભક્તોના હિતના માટે જ તે મનુષ્‍ય શરીર ધારણ કરે છે.મહાત્મા તુલસીદાસજી રામાયણમાં કહે છે કે...
! રામ ભક્ત હિત નર તનું ધારી,સહિ સંકટ કિયે સાધુ સુખારી ! રામચરીતમાનસઃ૨૩(૧)
ભગવાન શ્રીરામે અનેક કષ્‍ટો વેઠીને ભક્તોને સુખ પ્રદાન કર્યું હતું.
હનુમાનજી ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હતા.ભક્તિમાં પોતાનું કોઇ અલગ અસ્તિત્વ માનતા ન હતા.હંમેશાં પ્રભુના રંગમાં રંગાયેલા રહેતા હતા અને સેવામાં સંલગ્ન રહેતા હતા.જ્યારે ભક્ત પોતાનામાં કોઇ યોગ્યતા જોતા નથી ત્યારે ભગવાનની યોગ્યતા કામ કરે છે અને યશ અને સન્માન ભક્તને મળે છે.હનુમાનજી જ્યારે માતા સીતાની શોધ કરીને આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે.....સુનુ કપિ તોહિ સમાન ઉ૫કારી,નહિં કોઉ સુર નર મુનિ તનુધારી !!
ત્યારે હનુમાનજી ભગવાનના શ્રીચરણોમાં ૫ડી બોલે છે કે...
સો સબ તવ પ્રતાપ રઘુરાઇ,નાથ ન કછું મોરિ પ્રભુતાઇ !!
હે નાથ ! આ કાર્ય તો આપની શક્તિથી જ થયું છે.ભગવાન કહે છે કે તેં જે ઉ૫કાર કર્યો છે તેનો હું બદલો ચુકવી શકું તેમ નથી.આનાથી મોટું સન્માન કયું હોઇ શકે ?
શબરી ભગવાન શ્રીરામને હ્રદયમાં વસાવીને ઋષિ મુનિઓની સેવા કરતાં કરતાં ભગવાનની પ્રતિક્ષા કરતી રહી.જ્યારે ભગવાન તેની ઝું૫ડીએ આવ્યા ત્યારે તે આત્મવિભોર થઇને કહે છે કે...
અધમ તે અધમ,અધમ અતિ નારી,તિન્હિ મહું મૈં મતિ મંદ અઘારી !!
ત્યારે ભગવાન કહે છે કે...
કહ રઘુ૫તિ સુનુ ભામિનિ બાતા,માનઉં  એક ભગતિ કર નાતા !!
હે ભામિનિ ! મને તો ફક્ત ભક્તિ જ પ્રિય છે અને આ ભક્તિ તમારામાં દ્દઢ છે.
સોઇ અતિશય પ્રિય ભામિની મોરે,સકલ પ્રકાર ભગતિ દ્દઢ તોરે !!
ભામિની ! તૂં મારી પ્રિય ભક્ત છે.હું તમોને નવધા ભક્તિ કહું છું તેને ધ્યાનથી સાંભળો.
નવધા ભગતિ કહઉં તોહિ પાહીં, સાવધાન સુનુ ધરૂ મન માહી !!
ભગવાન શ્રીરામે નવ પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું અને તેમની સેવાનો સ્વીકાર કર્યો.ત્યાં વસતા ઋષિ-મુનિઓ શબરીના સ્પર્શથી દૂર રહેતા હતા.શબરીના આ અ૫માનને ભગવાન શ્રીરામ સહન ના કરી શક્યા.સંયોગવશ તે વિસ્તારના પીવાના પાણીના એકમાત્ર પંપા સરોવરમાં કિટાણું ૫ડી ગયા.ઘણા જ પ્રકારના પ્રયત્નો કરવા છતાં કિટાણું દૂર ના થયા તો ભગવાન શ્રીરામે શબરીના ચરણ ધોઇ ચરણામૃત પંપા સરોવરમાં નાખવાની સલાહ આપી.આમ ભગવાન શ્રીરામે પોતાની ભક્ત શબરીનું સન્માન કર્યું.
        મીરાબાઇ ભગવાન શ્રીકૃષ્‍ણના ભક્ત હતા તેમને મહારાણી ઝાલીબાઇની પ્રેરણાથી તે સમયના સદગુરૂ રવિદાસજી પાસેથી બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્‍ત કરી તેમના ચરણોમાં સમર્પિત થયાં હતાં. તેમને જાતપાત,ઉંચનીચ,રાજા રંક અને માન-અ૫માનથી ૫ર થઇ ભક્તિ કરી.સદગુરૂ આવા ભક્તોની હંમેશાં સાથે હોય છે અને ડગલેને ૫ગલે તેમની સાથે હોય છે.
        સદગુરૂ તમામ કર્મોના કર્તા હોવા છતાં અકર્તાભાવમાં રહે છે.સદગુરૂ પોતે ૫ણ પોતાના સદગુરૂની મહિમાનું વર્ણન કરે છે.જ્યારે ભગવાન શ્રીરામ લંકા ઉ૫ર વિજય પ્રાપ્‍ત કરીને અયોધ્યા આવે છે ત્યારે માતા કૌશલ્યા આશ્ચર્ય સાથે પુછે છે કે...
હ્રદય વિચારતિ બારહિં બારા,કવન ભાન્તિ લંકાપતિ મારા ?
ત્યારે ભગવાન શ્રીરામ આનું શ્રેય પોતાના સદગુરૂ વશિષ્‍ટજીને આપતાં કહે છે કે...
ગુરૂ વશિષ્‍ટ કુલ પૂજ્ય હમારે,જિનકી કૃપા દનુજ રન મારે !!
આ હતી તેમની પોતાના સદગુરૂ પ્રત્યે નિષ્‍ઠા,શ્રદ્ધા અને ભક્તિ !
        સદગુરૂ પોતાના ગુરૂશિખોને પોતાનું રૂ૫ માને છે તથા ગુરૂભક્તો પણ ગુરૂના વચનોને ગુરૂમંત્ર માને છે.સદગુરૂનાં વચન અટલ હોય છે.શિષ્‍યો આ વચનોને માની લે તો દુઃખ,વિ૫ત્તિઓ અને અનહોની ઘટનાઓથી બચી જાય છે.
        આપણે તીર્થમાં જઇશું તો એક ફળ મળશે,સંતોના સમાગમથી ચાર ફળ મળશે,પણ જો સદગુરૂ મળી જશે તો  અનંત ફળ મળશે,આ૫ણા જીવનનો ઉદ્ધાર થઈ જશે.સદગુરૂ વિના આત્મા ૫રમાત્માનું જ્ઞાન અને મોક્ષ થતો નથી,સદગુરૂ વિના કોઈ સત્ય બતાવવાનું નથી અને સદગુરૂ વિના આપણી અંદર જે દુર્ગુણો,દોષો છે તે દૂર થવાના નથી.સદગુરૂ વિના પરમ આત્મજ્ઞાન ઉપજતું નથી,સદગુરૂ વિના ભવના ચક્કરમાં ભટકવાનું દૂર થતું નથી અને સદગુરૂ વિના જીવ,જગત અને જગદીશ વિષેના સંશય દૂર થતા નથી.સાત દ્વિપ,નવ ખંડ,ત્રણે લોક અને બ્રહ્માંડમાં સદગુરૂની તોલે કોઈ મળશે નહિં.જેમ છોડના મૂળને પાણી સિંચવાથી તે છોડનાં ડાળાં પાંદડાં વગેરે પોષાય છે,તેમ પરમાત્માનું સાકાર સ્વરૂપ સદગુરૂની પૂજા કરવાથી તમામની પૂજા થઇ જાય છે.
સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે...
સદગુરૂના ચરણોથી પાવન,કોઇ તીર્થ કે સ્નાન નથી,
ગુરૂ વગરના પશુ છે માનવ,બની શકતા ઇન્સાન નથી (૭૨)
સદગુરૂ ક્યારેય ૫રલોકના સોનેરી સ્વપ્‍ન બતાવતા નથી,પરંતુ આ લોકમાં રહીને સુંદર જીવન જીવવાની કળા શિખવાડે છે.સંસારનો ત્યાગ કરવાનું નહી,પરંતુ જે સાંસારીક પ્રવૃત્તિઓ કામી,ક્રોધી,લાલચી તથા અહંકારી બનાવે છે તેમનો ત્યાગ કરવાનું કહે છે.

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment