જલારામ જયંતી નિમિત્તે વિશેષ લેખ..
સંત શ્રી જલારામ
બાપા..ભક્તિ-અન્નદાન અને માનવસેવાના મૂર્તિમંત પ્રતીક
ભારતની પવિત્ર ભૂમિ સંતો-મહાત્માઓ અને ભક્તોની તપોભૂમિ
રહી છે. આ ધરતી પર અનેક એવા મહાપુરૂષો થઈ ગયા છે જેમણે પોતાનું સમગ્ર જીવન ઈશ્વરની
ભક્તિ,પરોપકાર,દયા,કરૂણા અને માનવસેવામાં સમર્પિત કરી દીધું છે.આવા
મહાન સંતોમાં સંત શ્રી જલારામ બાપાનું નામ અત્યંત શ્રદ્ધા અને આદરપૂર્વક લેવામાં
આવે છે.
સંત શ્રી જલારામ બાપા માત્ર ભગવાન શ્રીરામના પરમ ભક્ત જ
નહોતા પરંતુ તેઓ દીનદુઃખીઓના સહાયક, ભૂખ્યાઓના અન્નદાતા અને નિઃસ્વાર્થ માનવસેવાના જીવંત પ્રતીક હતા, તેમણે પોતાના જીવન દ્વારા સમજાવ્યું કે સાચી ભક્તિ માત્ર પૂજા-પાઠ,
જપ-તપ કે ધાર્મિક ક્રિયાઓમાં જ નથી પરંતુ ઈશ્વરની રચનામાં રહેલા
દરેક જીવની સેવા કરવામાં પણ રહેલી છે. કારતક સુદ સાતમના પવિત્ર દિવસે ઉજવાતી
જલારામ જયંતી આપણને તેમના જીવનમાંથી ભક્તિ,શ્રદ્ધા,ત્યાગ,અન્નદાન અને માનવતાના ગુણો અપનાવવાની પ્રેરણા
આપે છે.
જન્મ અને પારિવારિક જીવન
સંત શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક
સુદ સાતમના દિવસે ઈ.સ. ૧૭૯૯માં સૌરાષ્ટ્રના વિરપુર ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને
માતાનું નામ રાજબાઈ હતું, તેઓ લોહાણા સમાજના ઠક્કર કુટુંબમાં
જન્મ્યા હતા, તેમનાં માતા રાજબાઈ ધાર્મિક, પરોપકારી અને સંતસેવામાં અગ્રેસર હતાં, તેમના ઘરે
સાધુ-સંતોનું આગમન થતું રહેતું. માતા રાજબાઈ સંતોનું ભાવપૂર્વક સ્વાગત કરતાં અને
તેમને ભોજન કરાવી તેમની સેવા કરતાં. બાળપણથી જ જલારામ બાપાને માતાના સેવાભાવી
સંસ્કારોનો વારસો મળ્યો હતો.
જલારામ બાપા બાળપણથી જ શાંત, સરળ, દયાળુ અને
ધાર્મિક સ્વભાવના હતા, તેમનું મન ભગવાનના નામસ્મરણ અને
સાધુ-સંતોની સેવામાં લાગતું હતું, તેઓ સતત 'સીતા રામ, સીતા રામ'નું સ્મરણ
કરતા રહેતા હતા. ભગવાન શ્રીરામ પ્રત્યેની અખંડ શ્રદ્ધા તેમના જીવનનો આધાર બની ગઈ
હતી, તેમનાં લગ્ન અટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ
સાથે થયાં હતાં. વીરબાઈ માતા પણ ધાર્મિક અને સેવાભાવી સ્વભાવનાં હતાં, તેમણે પતિના આધ્યાત્મિક વિચારો અને સેવાકાર્યમાં જીવનભર સહયોગ આપ્યો.
જલારામ બાપાને વેપારધંધા કરતાં સાધુ-સંતોની સેવા અને
જરૂરિયાતમંદોને મદદ કરવામાં વધુ રસ હતો, તેઓ દુકાને આવતા ભૂખ્યા અને સાધુ-સંતોને ઉદારતાથી અનાજ તથા
અન્ય વસ્તુઓ આપી દેતા હતા, આ કારણે પરિવારના વ્યવસાયમાં
મતભેદો ઊભા થયા,ત્યારબાદ તેઓ પોતાના કાકા વાલજીભાઈના આશ્રયમાં
રહ્યા અને ભક્તિ તથા સેવાકાર્યમાં વધુ સમય આપવા લાગ્યા.
ગુરૂ ભોજલરામજીની કૃપા..
જલારામ બાપાના જીવનમાં ગુરૂનું સ્થાન વિશેષ મહત્વ ધરાવે
છે. આશરે અઢાર વર્ષની ઉંમરે તેઓ ફતેહપુરના સંત ભોજલરામજીના સંપર્કમાં આવ્યા અને
તેમને પોતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. ગુરૂ ભોજલરામજીએ તેમને રામનામનો મંત્ર
અને જપમાળા અર્પણ કરી હતી.ગુરૂના આશીર્વાદથી તેમની ભક્તિ વધુ દ્રઢ બની, તેમણે પોતાનું જીવન ભગવાન શ્રીરામની
ભક્તિ અને માનવસેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો,તેમના
જીવનમાંથી આપણને સમજવા મળે છે કે ગુરૂનું માર્ગદર્શન
માનવીના જીવનને સાચી દિશા આપે છે,ગુરૂની કૃપાથી ભક્તિમાં દ્રઢતા અને જીવનમાં સદાચાર-વિનમ્રતા તથા સેવાભાવનો
વિકાસ થાય છે.
સદાવ્રતની સ્થાપના..ભૂખ્યાને ભોજન એ જ સાચી
સેવા
જલારામ બાપાના જીવનની સૌથી મહાન અને લોકકલ્યાણકારી સેવા
એટલે વિરપુરમાં શરૂ કરેલું 'સદાવ્રત'. વિક્રમ સંવત ૧૮૭૬ના મહા મહિનામાં ઈ.સ.૧૮૨૦માં
તેમણે વિરપુર ખાતે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રતનો અર્થ એવો થાય છે કે કોઈપણ સમયે
કોઈ ભૂખ્યો કે જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તો તેને ભોજન મળી રહે.આ સેવા શરૂઆતમાં
સાધુ-સંતો અને યાત્રાળુઓને ભોજન કરાવવાથી શરૂ થઈ હતી પરંતુ ધીમે ધીમે તે દરેક
ભૂખ્યા અને જરૂરિયાતમંદ માટે ખુલ્લી બની. જલારામ બાપાનો ભાવ હતો કે ભૂખ્યા માણસને
ભોજન કરાવવું એ ભગવાનની સેવા કરવા સમાન છે. કોઈ વ્યક્તિ કયા ધર્મની છે, કઈ જ્ઞાતિની છે કે તેની આર્થિક સ્થિતિ કેવી છે, તેનો
કોઈ ભેદભાવ રાખ્યા વિના સૌને પ્રેમથી ભોજન કરાવવામાં આવતું હતું. તેમના માટે
અન્નદાન માત્ર દાન નહોતું પરંતુ માનવતાની ઉપાસના હતી, તેઓ
દરેક અતિથિમાં ભગવાનનાં દર્શન કરતા અને ભૂખ્યાને ભોજન કરાવીને પોતાની ભક્તિ વ્યક્ત
કરતા હતા. આજે પણ વિરપુરમાં જલારામ બાપાની સદાવ્રત પરંપરા તેમની સેવાભાવનાની જીવંત
સાક્ષી છે. લગભગ બે સદીઓથી ચાલતી આ અન્નસેવા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.
વીરબાઈ માતાનું અદ્વિતીય સમર્પણ..પતિની
ભક્તિમાં સહભાગી બની માનવસેવાનું અમર ઉદાહરણ
સંત શ્રી જલારામ બાપાના જીવનમાં વીરબાઈ માતાનું સ્થાન
અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી છે. જલારામ બાપા ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને
નિઃસ્વાર્થ સેવાભાવી સંત હતા તો વીરબાઈ માતા તેમના સેવાકાર્યમાં સમર્પિત
જીવનસંગિની હતાં, તેમણે
પતિના આધ્યાત્મિક માર્ગમાં માત્ર સાથ જ આપ્યો નહોતો પરંતુ પોતાનું સમગ્ર જીવન પણ
સેવા, ત્યાગ, શ્રદ્ધા અને સમર્પણમાં
અર્પણ કરી દીધું હતું.
જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરૂ કર્યું ત્યારે
વીરબાઈ માતાએ પણ તેમાં પૂરો સહયોગ આપ્યો હતો. ઘરમાં અનાજની વ્યવસ્થા કરવી, રસોઈ બનાવવી, સાધુ-સંતો
તથા ભૂખ્યા-તરસ્યા લોકોને પ્રેમથી ભોજન પીરસવું અને આવનાર દરેક અતિથિની સેવા કરવી
એ તેમનો નિત્યક્રમ બની ગયો હતો, તેમના માટે આ બધું માત્ર
ઘરકામ નહોતું પરંતુ ભગવાનની ભક્તિ અને માનવસેવાનું પવિત્ર કાર્ય હતું.
ભગવાને સાધુનું રૂપ ધારણ કરીને ભક્તિની કસોટી
કરી..
જલારામ બાપા અને વીરબાઈ માતાના જીવન સાથે એક અત્યંત
પ્રસિદ્ધ અને ભાવસભર લોકકથા જોડાયેલી છે.કહેવાય છે કે એક દિવસ એક વૃદ્ધ સાધુ
જલારામ બાપાના ઘરે પધાર્યા. જલારામ બાપાએ સાધુનું ભાવપૂર્વક સ્વાગત કર્યું,તેમને બેસવા માટે આસન આપ્યું અને
ભોજન-પાણીની વ્યવસ્થા કરી. જલારામ બાપા તો દરેક સાધુ-સંતમાં ભગવાનનાં દર્શન કરતા
હોવાથી તેમની સેવા કરવામાં કોઈ કસર રાખતા નહોતા.સાધુએ જલારામ બાપાની સેવાભાવનાથી
પ્રસન્ન થઈને તેમની સાથે વાતચીત શરૂ કરી. વાતચીત દરમિયાન સાધુએ કહ્યું કે "હે જલારામ ! તમે સાધુ-સંતોની ખૂબ સેવા કરો છો,તમારી
ભક્તિ અને સેવાભાવના વિશે ઘણું સાંભળ્યું છે,મારે તમારી પાસે
એક માગણી કરવી છે."
જલારામ બાપાએ અત્યંત વિનમ્રતાથી જવાબ આપ્યો કે "મહારાજ ! આ ઘર તમારૂં જ છે. અહીં જે
કંઈ છે તે પ્રભુની કૃપાથી છે. આપ નિઃસંકોચ તમારી ઇચ્છા જણાવો. મારી શક્તિ મુજબ
આપની ઇચ્છા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ." ત્યારે સાધુએ કહ્યું કે "મારે તમારી પત્ની વીરબાઈની સેવા જોઈએ છે,તેઓ મારી
સાથે આવે અને મારી સેવા કરે તેવી મારી ઇચ્છા છે." આ માગણી સાંભળીને સામાન્ય
માણસ માટે આશ્ચર્ય થવું સ્વાભાવિક હતું પરંતુ જલારામ બાપા તો દરેક પરિસ્થિતિમાં
પ્રભુની ઇચ્છા માનનારા અને સંતસેવાને સર્વોપરી ગણનારા ભક્ત હતા,તેમણે સાધુની વાતનો અનાદર કર્યો નહીં. જોકે આ નિર્ણયમાં વીરબાઈ માતાની
સંમતિ અને સમર્પણ પણ એટલાં જ મહત્વનાં હતાં.
વીરબાઈ માતાનો અદ્વિતીય ત્યાગ અને સમર્પણ..
જલારામ બાપાએ સાધુની માગણી વીરબાઈ માતાને જણાવી, તેમણે કહ્યું કે "આ સાધુ મહારાજ આપણી પાસે તમારી સેવા માગી રહ્યા છે,હવે
આપણે ધર્મ અને સેવાભાવને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ." વીરબાઈ
માતા પણ બાળપણથી જ ધાર્મિક સંસ્કારો ધરાવતાં હતાં, તેઓ
જાણતાં હતાં કે તેમના પતિનું સમગ્ર જીવન સાધુસેવા અને માનવકલ્યાણ માટે સમર્પિત છે,તેમણે પતિના સેવાભાવને પોતાની જીવનસાધના બનાવી લીધો હતો.વીરબાઈ માતાએ કોઈ
જાતના સ્વાર્થ કે મોહ રાખ્યા વિના સાધુની સેવા માટે પોતાની તૈયારી દર્શાવી,તેમણે વિચાર્યું કે જો કોઈ સંતની સેવા કરવાથી તેમના પતિના સેવાધર્મની
પૂર્તિ થતી હોય અને કોઈનું કલ્યાણ થતું હોય તો તેમાં સંકોચ રાખવાનો પ્રશ્ન જ નથી.
તેમણે પોતાના પતિને સહર્ષ કહ્યું કે "આપણે તો આપણું સમગ્ર જીવન પ્રભુની
સેવા અને સંતોની સેવામાં સમર્પિત કર્યું છે.જો મહારાજને મારી સેવા જરૂરી હોય તો
હું તેમની સાથે જવા તૈયાર છું. આ શરીર પણ પ્રભુની જ દેન છે અને તેનો ઉપયોગ
પ્રભુનાં કાર્યોમાં થાય તો એ મારા માટે સૌભાગ્યની વાત છે."વીરબાઈ માતાના આ
શબ્દોમાં તેમની અડગ શ્રદ્ધા,ત્યાગ,નિઃસ્વાર્થતા
અને સમર્પણની ભાવના સ્પષ્ટ દેખાય છે.
ઝોળી અને દંડની ભેટ..એક દિવ્ય પ્રસંગ..
લોકપ્રચલિત કથા પ્રમાણે વીરબાઈ માતા સાધુ સાથે જવા તૈયાર
થયાં ત્યારે સાધુએ તેમને પોતાની સાથે લઈ લીધાં,જતાં પહેલાં તેમણે જલારામ બાપાને આશ્વાસન
આપ્યું કે વીરબાઈ માતાની ચિંતા કરવાની જરૂર નથી.કહેવાય છે કે થોડો સમય પસાર થયા
પછી સાધુએ વીરબાઈ માતાને એક ઝોળી અને દંડ આપ્યાં અને તેમને પાછાં જલારામ બાપા પાસે
મોકલી દીધાં,સાથે એવો સંદેશ પણ આપ્યો કે આ ઝોળી અને દંડ
તેમની ભક્તિ-ત્યાગ અને સેવાભાવનાની સ્મૃતિરૂપે સાચવી રાખે.જ્યારે વીરબાઈ માતા ઝોળી
અને દંડ લઈને વિરપુર પરત ફર્યાં ત્યારે જલારામ બાપા ખૂબ પ્રસન્ન થયા,તેમણે આ પ્રસંગને પ્રભુની કૃપા અને ભક્તિની મહાનતાનું પ્રતીક
માન્યું.ભક્તોની લોકમાન્યતા મુજબ આ સાધુ સ્વયં ભગવાન હતા જેઓ જલારામ બાપા અને વીરબાઈ
માતાની ભક્તિ-ત્યાગ અને સમર્પણની કસોટી લેવા આવ્યા હતા. વિરપુરમાં આજે પણ જલારામ
બાપા સાથે જોડાયેલી ઝોળી અને દંડનાં દર્શનનું વિશેષ મહત્વ છે. ભક્તો આ પવિત્ર
સ્મૃતિચિહ્નોને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે.
ચમત્કારો અને અખંડ શ્રદ્ધા..
જલારામ બાપાના જીવન સાથે અનેક પરચાઓ અને ચમત્કારોની
લોકકથાઓ જોડાયેલી છે, તેમના
ભક્તો આ પ્રસંગોને ભગવાન શ્રીરામની કૃપા અને બાપાની અખંડ ભક્તિના પ્રતીક તરીકે
માને છે. લોકમાન્યતા પ્રમાણે તેમના સદાવ્રતમાં ગમે તેટલા અતિથિઓ આવે, સૌને ભોજન કરાવવામાં આવતું અને અનાજની ક્યારેય અછત પડતી નહોતી, તેમના ઘરમાં અન્નના ભંડાર અખૂટ રહેતા હોવાની અનેક કથાઓ પ્રચલિત છે. જલારામ
બાપાના જીવનમાં હિન્દુ-મુસ્લિમ સહિત વિવિધ ધર્મના લોકો આવતા હતા, તેઓ સૌને સમાન પ્રેમ અને આદર આપતા, તેમના માટે
માનવતા જ સર્વોપરી હતી. આવા પ્રસંગો આપણને સમજાવે છે કે સાચી શ્રદ્ધા અને નિઃસ્વાર્થ
સેવા કોઈ જાતિ-ધર્મ કે સંપ્રદાયની સીમામાં બંધાયેલી નથી,જ્યાં
પ્રેમ-કરૂણા અને પરોપકાર છે ત્યાં જ ઈશ્વરીય ભાવનાનો વાસ છે.
સમભાવ અને માનવતાની ઉપાસના..
જલારામ બાપાના જીવનનું વિશિષ્ટ પાસું તેમની સમાનતાની
ભાવના હતી, તેમના
માટે દરેક માનવી ઈશ્વરની રચના હતો, તેઓ કોઈને ઊંચો કે નીચો
માનતા નહોતા,તેમના સદાવ્રતમાં દરેક વ્યક્તિને ભોજન મળતું,
ધનિક-ગરીબ, ઊંચ-નીચ કે જાતિ-ધર્મનો કોઈ ભેદભાવ
નહોતો.
ભગવદ્ ગીતા અધ્યાયઃ૫/૧૮માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
विद्याविनयसम्पन्ने
ब्राह्मणे गवि हस्तिनि।
शुनि चैव श्वपाके च
पण्डिताः समदर्शिनः॥
સાચો જ્ઞાની બ્રાહ્મણ ગાય, હાથી, કૂતરો તથા
અન્ય જીવોમાં એક જ પરમાત્મતત્વનાં દર્શન કરે છે. જલારામ બાપાએ પોતાના જીવનમાં આ
સમભાવની ભાવનાને વ્યવહારમાં ઉતારી હતી, તેમની દ્રષ્ટિએ
માનવસેવા એ જ ઈશ્વરની આરાધનાનું એક સ્વરૂપ હતું.
સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચારો..
જલારામ બાપાનું જીવન અત્યંત સાદગીપૂર્ણ હતું, તેઓ ભૌતિક સુખ-સંપત્તિ કે માન-સન્માનની
પાછળ દોડ્યા નહોતા, તેમનું જીવન ભગવાન શ્રીરામના નામસ્મરણ
અને માનવસેવામાં જ પસાર થયું. તેમણે પોતાના જીવન દ્વારા અનેક સદ્ગુણોનો સંદેશ
આપ્યો હતો.રામનામમાં શ્રદ્ધા-દરેક કાર્યમાં ભગવાન શ્રીરામનું સ્મરણ કરવું, અન્નદાન-ભૂખ્યા અને જરૂરિયાતમંદને ભોજન કરાવવું, નિઃસ્વાર્થ
સેવા-સેવા કરીને બદલામાં કોઈ અપેક્ષા ન રાખવી, સમાનતા-દરેક
વ્યક્તિને સમાન પ્રેમ અને આદર આપવો, દયા અને કરૂણા-દુઃખી અને
નિરાધાર વ્યક્તિની મદદ કરવી, સંતોષ અને સાદગી-ઓછામાં ઓછાં
સાધનોમાં સંતોષ રાખીને પરોપકાર કરવો..આવા ગુણોને કારણે
જલારામ બાપા માત્ર વિરપુર પૂરતા મર્યાદિત ન રહ્યા પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં
પૂજનીય બન્યા.
અંતિમ સમય અને વિરપુરનું પવિત્ર ધામ..
સંત શ્રી જલારામ બાપાએ જીવનભર ભગવાન શ્રીરામની ભક્તિ અને
માનવસેવા કરી ઈ.સ. ૧૮૮૧માં વિક્રમ સંવત ૧૯૩૭ના ફાગણ મહિનામાં ૨૩ ફેબ્રુઆરીના રોજ
તેમણે દેહત્યાગ કર્યો હોવાનું જીવનચરિત્રોમાં નોંધાય છે. તેમના દેહત્યાગ પછી પણ
તેમની સેવાભાવના અને સદાવ્રતની પરંપરા ચાલુ રહી. વિરપુરમાં તેમનું નિવાસસ્થાન આજે
પવિત્ર દર્શનસ્થાન તરીકે ઓળખાય છે, અહીં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ સાથે જલારામ બાપાનાં દર્શન થાય છે.દર
વર્ષે કારતક સુદ સાતમના દિવસે હજારો ભક્તો વિરપુરમાં દર્શનાર્થે આવે છે.
ભજન-કીર્તન, રામધૂન, પૂજા-અર્ચના અને
અન્નદાન દ્વારા જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે.
વિરપુર આજે જલારામ બાપાની ભક્તિ અને અન્નસેવાનું પવિત્ર
તીર્થધામ બની ગયું છે. સદાવ્રતની પરંપરા દર્શાવે છે કે કોઈ સંતનું સાચું સ્મારક
માત્ર મંદિર કે મૂર્તિ નથી પરંતુ તેમણે સ્થાપેલા સદવિચારો અને સેવાકાર્યોને જીવંત
રાખવું એ જ તેમની સાચી સ્મૃતિ છે.
ભક્તિ સાથે માનવસેવા પણ જરૂરી છે..
કારતક સુદ સાતમનો પવિત્ર દિવસ આપણને જલારામ બાપાના
જીવનનું સ્મરણ કરાવે છે પરંતુ તેમની જયંતી ઉજવવાનો સાચો અર્થ માત્ર પૂજા-અર્ચના કે
દર્શન કરવા પૂરતો મર્યાદિત નથી, તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ સેવાભાવ-કરૂણા અને પરોપકારને આપણા
જીવનમાં સ્થાન આપીએ એ જ સાચી ઉજવણી છે.આજના સમયમાં માણસ ભૌતિક સુખ-સંપત્તિ
મેળવવાની દોડમાં ઘણીવાર માનવતાનાં મૂલ્યો ભૂલી જાય છે. સ્વાર્થ,ઈર્ષ્યા,અહંકાર અને ભેદભાવથી સમાજમાં અંતર વધતું જાય
છે. આવા સમયમાં જલારામ બાપાનું જીવન આપણને પ્રેમ,સહકાર,સમાનતા અને નિઃસ્વાર્થ સેવાનો માર્ગ બતાવે છે.
આપણે પણ આપણા જીવનમાં શક્ય હોય તે પ્રમાણે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિરાધારને
સહારો અને દુઃખીને આશ્વાસન આપવાનો સંકલ્પ કરીએ. સેવા કરવા માટે ધનવાન હોવું જરૂરી
નથી પરંતુ વિશાળ હૃદય અને નિઃસ્વાર્થ ભાવના હોવી જરૂરી છે.જલારામ બાપાએ આપણને
સમજાવ્યું કે ભગવાનની સાચી ભક્તિ માત્ર મંદિરોમાં જ નથી પરંતુ ભગવાનની રચનામાં
રહેલા દરેક જીવ પ્રત્યે પ્રેમ-દયા અને કરૂણા રાખવામાં પણ છે.
સંત શ્રી જલારામ બાપાનું જીવન આપણને શીખવે છે કે ભક્તિથી
હૃદય પવિત્ર બને છે, સેવાથી
જીવન સાર્થક બને છે અને પરોપકારથી માનવતા જીવંત રહે છે.ચાલો..જલારામ જયંતીના પાવન
અવસરે આપણે સૌ તેમના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કરીને જીવનમાં રામનામની ભક્તિ,
હૃદયમાં કરૂણા, હાથમાં સેવા અને વ્યવહારમાં
માનવતા જાળવવાનો સંકલ્પ કરીએ.રામનામની ભક્તિ, હૃદયમાં કરૂણા,
હાથમાં સેવા અને જીવનમાં પરોપકાર-એ જ સંત શ્રી જલારામ બાપાના જીવનનો
સાચો સંદેશ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment