Friday, 6 November 2026

ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ દિવસ..

 

 

ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ દિવસ..

 

અહિંસા-સત્ય-ત્યાગ અને આત્મજ્ઞાનનો દિવ્ય સંદેશ

 

આસો વદ અમાસ એટલે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણનું પાવન પર્વ. આ દિવસ આપણને અહિંસા-કરૂણા-ક્ષમા-સંયમ-અપરિગ્રહ અને આત્મશુદ્ધિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની પરંપરામાં અનેક મહાન સંતો-ઋષિઓ અને તીર્થંકરોએ પોતાના જીવન દ્વારા માનવજાતને સત્ય, પ્રેમ, શાંતિ અને સદાચારનો માર્ગ બતાવ્યો છે. આવા મહાન આધ્યાત્મિક મહાપુરૂષોમાં ભગવાન મહાવીર સ્વામીનું સ્થાન અત્યંત વિશિષ્ટ અને વંદનીય છે, તેમણે સમગ્ર માનવજાતને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા અમૂલ્ય જીવનમૂલ્યોનો ઉપદેશ આપ્યો છે.

 

આસો વદ અમાસનો દિવસ જૈન ધર્મમાં ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. જૈન પરંપરા અનુસાર આ પવિત્ર દિવસે બિહારના પાવાપુરી ખાતે તેમણે દેહનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તેથી આ દિવસ માત્ર સ્મરણનો દિવસ નથી પરંતુ આત્મજાગૃતિ અને મુક્તિના માર્ગને સમજવાનો પવિત્ર અવસર છે.

 

ભગવાન મહાવીર સ્વામીનું જન્મ અને બાળપણ..ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમા અને અંતિમ તીર્થંકર હતા. જૈન પરંપરાગત માન્યતા અનુસાર તેમનો જન્મ ઈસવીસન પૂર્વે ૫૯૯માં બિહારના વૈશાલી નજીક આવેલા કુંડગ્રામમાં થયો હતો, તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ અને માતાનું નામ રાણી ત્રિશલા હતું, તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. બાળપણથી જ તેઓ શાંત, સાહસિક, દયાળુ અને કરૂણાશીલ સ્વભાવના હતા.દરેક જીવ પ્રત્યે તેમના હૃદયમાં પ્રેમ અને સહાનુભૂતિની ભાવના હતી. રાજમહેલનું વૈભવ અને સુખસગવડો હોવા છતાં તેમનું મન ભૌતિક સુખોમાં આસક્ત નહોતું, તેઓ જીવનના સાચા હેતુ આત્માની શુદ્ધિ અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવવાના માર્ગ વિશે ચિંતન કરતા હતા.

 

રાજવૈભવનો ત્યાગ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ..ત્રીસ વર્ષની ઉંમરે ભગવાન મહાવીર સ્વામીએ રાજવૈભવ-પારિવારિક આસક્તિ અને સાંસારિક સુખોનો ત્યાગ કરીને સંન્યાસ ધારણ કર્યો હતો, તેમણે આત્મસાક્ષાત્કાર અને મોક્ષપ્રાપ્તિના ઉદ્દેશથી કઠોર તપશ્ચર્યા શરૂ કરી હતી. લગભગ બાર વર્ષ સુધી તેમણે તપ, ધ્યાન, મૌન, ઉપવાસ અને આત્મસંયમની સાધના કરી અનેક શારીરિક કષ્ટો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં તેમણે કોઈના પ્રત્યે દ્વેષ કે ક્રોધ રાખ્યો નહોતો, સુખ અને દુઃખ બંનેમાં સમભાવ જાળવી રાખ્યો. લાંબી તપશ્ચર્યા બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું જૈન ધર્મમાં માનવામાં આવે છે. કેવળજ્ઞાન એટલે આત્માનું સંપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન, ત્યારબાદ તેઓ 'જિન' તરીકે ઓળખાયા. જિન એટલે પોતાની ઇન્દ્રિયો,મન,વાસનાઓ અને આંતરિક શત્રુઓ પર વિજય મેળવનાર મહાપુરૂષ, આ રીતે વર્ધમાનમાંથી તેઓ ભગવાન મહાવીર બન્યા.

 

ભગવાન મહાવીર સ્વામીના પાંચ મહાન ઉપદેશ..ભગવાન મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો દ્વારા માનવજાતને નૈતિકતા-સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બતાવ્યો છે.

 

(૧) અહિંસા-દરેક જીવ પ્રત્યે કરૂણા અને પ્રેમ..અહિંસા તેમના સમગ્ર દર્શનનો મુખ્ય આધાર છે. અહિંસાનો અર્થ માત્ર કોઈ જીવની હત્યા ન કરવી એટલો જ નથી પરંતુ મન-વાણી અને કર્મથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવું તે સાચી અહિંસા છે. દરેક જીવને પોતાનું જીવન પ્રિય છે તેથી દરેક પ્રાણી પ્રત્યે દયા-કરૂણા અને સહાનુભૂતિ રાખવી જોઈએ. આજના સમયમાં ક્રોધ-ઈર્ષ્યા અને દ્વેષથી દૂર રહી પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો એ જ આ ઉપદેશની સાચી સાર્થકતા છે.

 

(૨) સત્ય-જીવનમાં પ્રામાણિકતા..સત્ય માનવજીવનનો મજબૂત પાયો છે. ભગવાન મહાવીરે સત્ય બોલવાની સાથે વિચારો-વાણી અને વ્યવહારમાં પણ પ્રામાણિકતા જાળવવાનો ઉપદેશ આપ્યો હતો. સ્વાર્થ અને વ્યક્તિગત લાભ માટે અસત્યનો આશરો લેવાથી ક્ષણિક લાભ મળી શકે પરંતુ સાચી શાંતિ અને વિશ્વાસ પ્રાપ્ત થતાં નથી.સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિનું જીવન નિર્ભય અને નિર્મળ બને છે.

 

(૩) અસ્તેય-બીજાના અધિકારનો આદર..અસ્તેય એટલે જે વસ્તુ આપણને આપવામાં આવી નથી કે જેના ઉપર આપણો અધિકાર નથી તેનો સ્વીકાર ન કરવો. બીજાની સંપત્તિ-વસ્તુ કે અધિકારનું અયોગ્ય રીતે અપહરણ ન કરવું અને કોઈના શ્રમનો ગેરલાભ ન લેવો એ આ સિદ્ધાંતનો મુખ્ય ભાવ છે, તે આપણને ન્યાય-પ્રામાણિકતા અને સંતોષનું જીવન જીવવાની પ્રેરણા આપે છે.

 

(૪) બ્રહ્મચર્ય-મન અને ઇન્દ્રિયો પર સંયમ..બ્રહ્મચર્યનો અર્થ મન,ઇન્દ્રિયો,વિચારો અને વાસનાઓ પર નિયંત્રણ રાખવું, અનિયંત્રિત ઇચ્છાઓ અને વિષયવાસનાઓ માનવીની અશાંતિનું કારણ બને છે.મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખવાથી જીવનમાં પવિત્રતા-સ્થિરતા અને આત્મબળનો વિકાસ થાય છે. ગૃહસ્થ જીવનમાં પણ પવિત્રતા-નિષ્ઠા અને મર્યાદાનું પાલન આ ઉપદેશનો વ્યવહારૂ ભાવ છે.

 

(૫) અપરિગ્રહ-મર્યાદિત જરૂરિયાતો અને સંતોષ..અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ ન કરવો અને સંપત્તિ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો. માનવીની ઇચ્છાઓનો કોઈ અંત નથી, જેટલું વધારે મળે એટલી વધુ મેળવવાની લાલસા વધે છે. ભગવાન મહાવીરે સમજાવ્યું કે સાચું સુખ સંપત્તિના ઢગલામાં નહીં પરંતુ મનની નિર્મળતા-સંતોષ અને ત્યાગની ભાવનામાં રહેલું છે.

 

અનેકાંતવાદ: સત્યને અનેક દ્રષ્ટિકોણથી સમજવાનો ઉપદેશ..ભગવાન મહાવીર સ્વામીના દર્શનમાં અનેકાંતવાદનું વિશેષ મહત્વ છે, તેનો અર્થ એ છે કે કોઈપણ વિષયને માત્ર એક જ દ્રષ્ટિકોણથી સંપૂર્ણ રીતે સમજી શકાય નહીં, સત્યનાં અનેક પાસાં હોઈ શકે છે. આ સિદ્ધાંત આપણને બીજાના વિચારો-માન્યતાઓ અને અભિપ્રાયોનો આદર કરતાં શીખવે છે.પોતાના વિચારને જ સંપૂર્ણ સત્ય માનીને બીજાના વિચારોને નકારી કાઢવાને બદલે સહિષ્ણુતા-સંવાદ અને પરસ્પર સમજણ કેળવવી જોઈએ. આજના વિવાદગ્રસ્ત સમયમાં આ ઉપદેશ માનવએકતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

 

કર્મસિદ્ધાંત અને આત્મકલ્યાણનો માર્ગ..ભગવાન મહાવીર સ્વામીએ કર્મસિદ્ધાંતનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે દરેક જીવ પોતાનાં કર્મોનો જવાબદાર છે. મનુષ્ય જેવાં કર્મો કરે છે તે પ્રમાણે તેને કર્મનાં ફળ ભોગવવાં પડે છે તેથી બીજાને દોષ આપવાને બદલે પોતાના વિચારો-વાણી અને કર્મોનું આત્મચિંતન કરવું જોઈએ. તેમણે મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક દર્શન-સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો માર્ગ બતાવ્યો હતો એટલે કે સાચી શ્રદ્ધા-સાચું જ્ઞાન અને સાચું આચરણ-આ ત્રણેયનો સમન્વય આત્માની આધ્યાત્મિક ઉન્નતિનો આધાર છે.

 

ક્ષમા અને સમભાવ: જીવનનાં મહાન આભૂષણો છે..ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં ક્ષમા અને સમભાવનું વિશેષ સ્થાન હતું, તેમણે શીખવ્યું કે ક્રોધથી ક્રોધનો અંત આવતો નથી અને દ્વેષથી દ્વેષનો નાશ થતો નથી. પ્રેમ-ક્ષમા અને કરૂણા દ્વારા જ અંતરમાં શાંતિ સ્થાપિત થઈ શકે છે. કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે કે પ્રતિકૂળ વર્તન કરે ત્યારે તેના પ્રત્યે દ્વેષ રાખવાને બદલે મનને શાંત રાખવું એ સાચી આધ્યાત્મિક સાધના છે. પોતાના અહંકારને ઓગાળીને બીજાને ક્ષમા કરવી એ આત્મબળ અને મહાનતાનું પ્રતીક છે.

 

ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ અને દીપાવલીનું મહત્વ..લાંબા સમય સુધી ધર્મપ્રચાર-તપશ્ચર્યા અને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યા પછી ભગવાન મહાવીર સ્વામીએ બિહારના પાવાપુરી ખાતે ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તેમના નિર્વાણ પછી જ્ઞાનના પ્રકાશના પ્રતીકરૂપે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા તેથી જૈન પરંપરામાં દીપાવલીનું પર્વ ભગવાન મહાવીરના નિર્વાણ સાથે વિશેષ રીતે જોડાયેલું છે. દીપાવલીનો આધ્યાત્મિક સંદેશ પણ એ જ છે કે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટાવવો.

 

આજના સમયમાં મહાવીર સ્વામીના ઉપદેશોની પ્રાસંગિકતા..આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી છે પરંતુ માનવીના જીવનમાં સ્વાર્થ, અસહિષ્ણુતા, હિંસા, લોભ અને અહંકાર જેવી વૃત્તિઓ પણ જોવા મળે છે, આવા સમયે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશો સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બની શકે છે.જો પરિવારમાં પ્રેમ અને અહિંસા હોય, સમાજમાં સત્ય અને પ્રામાણિકતા જળવાય, વ્યવહારમાં સંયમ અને ન્યાય હોય તથા જીવનમાં અપરિગ્રહ અને સંતોષની ભાવના વિકસે તો અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. મહાવીર સ્વામીનો સંદેશ કોઈ એક ધર્મ કે સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી. અહિંસા,સત્ય,ક્ષમા,કરૂણા અને આત્મસંયમ સમગ્ર માનવજાતના કલ્યાણ માટેનાં શાશ્વત જીવનમૂલ્યો છે,તેમણે સમજાવ્યું કે બીજાને જીતવા કરતાં પોતાના મનને જીતવું વધારે મહત્વનું છે.

 

ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ આપણને આત્મચિંતન અને આત્મશુદ્ધિની પ્રેરણા આપે છે, તેમનું જીવન ત્યાગ,તપ,સંયમ,કરૂણા અને આત્મવિજયનું જીવંત ઉદાહરણ છે.આ પવિત્ર દિવસે આપણે માત્ર દીપ પ્રગટાવીને કે ધાર્મિક વિધિઓ કરીને અટકી ન જઈએ પરંતુ અંતરમાં રહેલા ક્રોધ,અહંકાર,લોભ, મોહ,ઈર્ષ્યા અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરવાનો સંકલ્પ કરીએ. કોઈ જીવને મન-વાણી કે કર્મથી દુઃખ ન પહોંચે, બીજાના અધિકારનો આદર થાય, જરૂરિયાતમંદોની સેવા થાય અને દરેક પ્રત્યે કરૂણાની ભાવના જળવાય એ જ ભગવાન મહાવીર સ્વામીને સાચી શ્રદ્ધાંજલિ છે.

 

સાચો ધર્મ માત્ર ઉપદેશ સાંભળવામાં નથી પરંતુ તેને જીવનમાં ઉતારવામાં છે. સાચી ભક્તિ માત્ર પૂજાપાઠમાં નથી પરંતુ પોતાના વિચારો અને વ્યવહારમાં પવિત્રતા લાવવામાં છે. સાચો વિજય બીજાને હરાવવામાં નહીં પરંતુ પોતાના મનના વિકારો પર વિજય મેળવવામાં છે.

 

ચાલો..આ નિર્વાણ દિવસ નિમિત્તે અહિંસાને જીવનનો આધાર, સત્યને વ્યવહારનો પાયો, ક્ષમાને સ્વભાવનો શણગાર અને અપરિગ્રહને જીવનની સંસ્કૃતિ બનાવવાનો સંકલ્પ કરીએ.

 

મહાવીર સ્વામીનો શાશ્વત સંદેશ છે..“જીવો અને જીવવા દો.” પોતાના મનના વિકારો પર વિજય મેળવીને જ સાચા અર્થમાં વિજયી બની શકાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment