અમારા કર્મો જ
અમોને સારા કે ખરાબ બનાવે છે..
એક ચિત્રકાર અદભૂત ચિત્રો બનાવતો હતો,લોકો તેની ચિત્રકારીના વખાણ
કરતા હતા.એક દિવસ ભગવાન કૃષ્ણના મંદિરના ભક્તોએ તેને ભગવાન કૃષ્ણ અને કંસના ચિત્રો
બનાવવાની ઇચ્છા પ્રગટ કરી. ભગવાનનું કાર્ય હતું એટલે ચિત્રકાર તૈયાર થઇ ગયો પરંતુ
તેને કેટલીક શરતો રાખી કે ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવવા એક નટખટ બાળક તથા કંસના
ચિત્ર બનાવવા માટે એક ક્રૂર સ્વભાવવાળા વ્યક્તિને લાવીને મારી સામે બેસાડવો પડશે
જેથી હું સરળતાથી ચિત્ર બનાવી શકું.ભક્તો એક સુંદર નટખટ બાળકને લાવીને તેની સામે
બેસાડી દીધો.ચિત્રકારે એક સુંદર બાળકૃષ્ણનું ચિત્ર બનાવી દીધું.
હવે કંસનું ચિત્ર બનાવવાનું હતું
પણ ક્રૂર સ્વભાવવાળા વ્યક્તિને શોધવા છતાં આવો ક્રૂર વ્યક્તિ મળતો નથી.આમને આમ
વર્ષો પસાર થઇ ગયા.એક દિવસ જેલમાંથી આજીવન કારાવાસની સજા ભોગવી રહેલ અપરાધીને
ચિત્રકારની સામે લાવવામાં આવે છે અને કંસનું ચિત્ર બનાવવામાં આવે છે અને વર્ષો પછી
ભગવાન કૃષ્ણ અને કંસના ચિત્ર બનાવવામાં આવે છે.કૃષ્ણ ભક્તો તસ્વીર જોઇએ મંત્રમુગ્ધ
બન્યા.
જે અપરાધીને લાવવામાં આવ્યો હતો તેને બંન્ને
તસ્વીર જોવાની ઇચ્છા વ્યક્ત કરી.જ્યારે તેને તસ્વીર બતાવવામાં આવી તો તે ખુબ જ રડે
છે.તમામ ભક્તોને નવાઇ લાગે છે. ચિત્રકારે રડવાનું કારણ પુછ્યું તો અપરાધી કહે છે
કે આપે મને ઓળખ્યો નથી. હું જ એ નટખટ બાળક છું કે જેને તમે બાળકૃષ્ણનું ચિત્ર
બનાવવા પસંદ કર્યો હતો.મારા કુકર્મોના કારણે આજે હું કંસ બની ગયો છું.આ તસ્વીરમાં
હું જ કૃષ્ણ છું અને કંસ પણ હું જ છું.
અમારા કર્મો જ અમોને સારો કે ખરાબ
માણસ બનાવે છે.ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્ધાંતને
સ્વીવકારે છે.શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો(ઇંડજ પિંડજ સ્વે્દજ અને ઉદભિજ)નું
વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્ય જન્મની પ્રાપ્તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ
કહેવામાં આવ્યું છે. સૃષ્ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ
જીવોમાં મોટો કહેવાય છે કારણ કે તેની પાસે બુધ્ધિ, વિવેક, મૂલ્યાંકન કરવાની તથા વાસ્તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે. આ
શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્યના વિશે વિચારી શકે છે તથા જીવનના રહસ્યની શોધ
કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ
મનુષ્ય જીવનની સાર્થકતા છે.
પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્થાન
પ્રાપ્ત કરી સાંસારિક ભોગો, સુખો, આકર્ષણો-
વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાનો અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો
વાસ્તવિક માર્ગ શોધી લે છે. ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્ત કરી
અલૌકિક આનંદ પ્રાપ્ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો
કરી નવેસરથી સદવિચારી, સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન
વિતાવવું..એ જ વાસ્તવમાં મનુષ્ય જીવનનું લક્ષ્યં છે ૫રંતુ આ ક્યારે શક્ય બને?
સંસારમાં જન્મ લેતાં જ મનુષ્ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે
કે આધ્યાત્મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો
નથી.દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્ધાંત પ્રસિધ્ધ
છે એટલે જ્ઞાનરૂપી દિ૫કને સદગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે એટલે
સર્વપ્રથમ મનુષ્યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્ત કરવા,જન્મ-મરણના
ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની શોધ કરવી જોઇએ.
જે મનુષ્ય મનથી ઇન્દ્દિયો ઉ૫ર નિયંત્રણ રાખીને
આસક્તિ રહીત થઇને નિષ્કાામ ભાવથી તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે
જ શ્રેષ્ઠ છે.અર્જુન જ્યારે કર્મ છોડીને
ભાગવાની વાત કરવા લાગ્યો તો ભગવાન શ્રી કૃષ્ણેજીએ સમજાવ્યું કે ગૃહસ્થનું
કર્મક્ષેત્ર (કુરૂક્ષેત્ર) તો તારે જીતવું જ ૫ડશે અને ૫રમતત્વને જાણીને
જીવન્મુક્તિ પ્રાપ્ત કરવી એ ૫ણ તારૂં
કર્તવ્ય છે.ગૃહસ્થાશ્રમમાં રહીને જ ભગવાને અર્જુનને નિરાકાર બ્રહ્મનું જ્ઞાન આપીને
મુક્તિ અને સંસારથી અનાસક્ત કરી દીધો હતો.મનુષ્ય યોનિ કર્મયોનિ છે, ભક્તિ કરી નરમાંથી નારાયણ
બનવાની ક્ષમતા એકમાત્ર મનુષ્યમાં જ છે તેથી દેવતા ૫ણ મનુષ્ય જન્મ ઇચ્છે છે.
દશે દિશામાં પ્રભુને જોવો એથી
ઉત્તમ ધર્મ નથી અને સંતજનોની સેવા કરવી એથી ઉંચુ કોઇ કર્મ નથી.મનની શુદ્ધિ કરવા
માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા 'ભક્તિ' (કર્મ)ની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા 'જ્ઞાન'ની જરૂર છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ
પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.
કર્મણ્યેવાધિકારસ્તે ર્માં ફલેષુ
કદાચન,
મા કર્મફલહેતુર્ભૂર્મા તે
સઙ્ગોડ્સ્ત્વકર્મણિ..
આ શ્લોકનો અર્થ આપણે ખોટો કરીએ
છીએ.તું કર્મ કર ફળની આશા ન રાખ હવે ફળની આશા જ ન હોય તો મનુષ્ય કર્મ કરે ખરો? તું કર્મ કર
પરંતુ ફળ પર તારો અધિકાર નથી એટલે કે તું જેવા કર્મ કરીશ તેવું ફળ તને મળશે.તમામ
લોકોને કર્મનું ફળ ભોગવવું જ પડે છે એમાં સહેજ શંકા નથી.ભગવાન આપણને માફ કરી દે છે
પરંતુ કરેલા કર્મો ક્યારેય કોઈને માફ કરતાં નથી.સ્વયં ભગવાન રામના પિતા દશરથને પણ
જો પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું હોય તો આપણી શું વિસાત ! આપણે કોઈનું સારૂં ન
કરી શકીએ તો કાંઈ નહી પરંતુ કોઈનું ખરાબ તો ન જ કરવું.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment