Wednesday, 23 October 2024

ગીતામૃતમ્..જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય તે કેવો હોય છે?*

 

ગીતામૃતમ્..જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય તે કેવો હોય છે?*

 

 

બ્રહ્મસાક્ષાત્કાર થયો હોય તે કેવો હોય છે? તે બતાવતાં ભગવાન ગીતા(૧૮/૫૪)માં કહે છે કે

બ્રહ્મભૂત:પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ

સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિ લભતે પરામ..

 

બ્રહ્માનુભૂતિવાળો ભક્ત પ્રસન્નચિત્ત રહે છે,તે નથી તો શોક કરતો કે નથી અપેક્ષાઓ રાખતો,તે બધા જીવો પ્રત્યે સમભાવ રાખનારો મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે.

 

જ્યારે અંતઃકરણમાં વિનાશશીલ વસ્તુઓનું મહત્વ મટી જાય છે ત્યારે અંતઃકરણની અહંકાર ઘમંડ વગેરે વૃત્તિઓ શાંત થઇ જાય છે ત્યારે તેઓમાં મમતા રહેતી નથી.મમતા ના રહેવાથી સુખ અને ભોગબુદ્ધિથી વસ્તુઓનો સંગ્રહ થતો નથી ત્યારે અંતઃકરણમાં આપોઆપ સ્વાભાવિક શાંતિ આવી જાય છે. બ્રહ્મભૂત એટલે બ્રહ્મની અનુભૂતિ કરનારો.અનુભૂતિ એટલે તેના અસ્તિત્વની ખાતરી/સાબિતી પ્રાપ્ત કરનારો. પરમેશ્વરની સિદ્ધિ શ્રદ્ધા-બુદ્ધિ અને અનુભૂતિથી થાય છે.ગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.

 

૫રમાત્મા અનેક ગુણોના સ્વામી છે.તેમાંનો એક ગુણ નિર્મલ પાવન છે.મનને નિર્મલ બનાવવા દરેકે ૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.બધામાં સર્વશ્રેષ્‍ઠ ૫રમગુરૂ (સદગુરૂ) હોય છે જે પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે એટલે કે બ્રહ્મની ૫રોક્ષ અનુભૂતિ કરાવે છે તથા જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ હોય છે.આવા ૫રમગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

 

જે ઇન્દ્રિયાતીત છે તેની સિદ્ધિ ઇન્દ્રિયોથી થતી નથી.જગતમાં ઘણું અતીન્દ્રિય છે.અતિન્દ્રિયની બે કક્ષાઓ છેઃપ્રયોગશાળાગમ્ય અને પ્રયોગશાળાથી પર.જ્યારે પ્રયોગશાળા ન હતી ત્યારે પણ બેક્ટેરિયા અને કિરણો હતાં પણ કોઈને અનુભૂતિ થતી ન હતી.પ્રયોગશાળાઓ આવ્યા પછી ઘણું ગુપ્ત જગત પ્રગટ થવા લાગ્યું છે પણ જેમ ઇન્દ્રિયોની સીમા છે તેમ પ્રયોગશાળાની પણ સીમા છે તે પરમેશ્વર સુધી પહોંચી શકતી નથી.પરમેશ્વર ભૌતિક સીમાઓથી પર છે તેથી તે શ્રદ્ધાનો વિષય છે.આજે પણ પ્રયોગશાળાને માનનારા વર્ગ કરતાં શ્રદ્ધાથી માનનારો વર્ગ ઘણો મોટો છે.શ્રદ્ધાનું ક્ષેત્ર અમાપ છે.બધી જ શ્રદ્ધા અંધશ્રદ્ધા હોતી નથી. થોડીક બનાવટી કરન્સીઓથી બધી કરન્સીઓ બનાવટી થઈ જતી નથી.જે સત્ય હોય તેની જ બનાવટ હોય છે.સત્ય હોય જ નહિ તો બનાવટ પણ ન હોય.શ્રદ્ધાનું અસ્તિત્વ રહ્યું છે અને રહેવાનું છે.ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે જે દ્રઢ અને મજબૂત છે.

 

પંડિતોનો ઈશ્વર બૌદ્ધિક હોય છે.પંડિતોની પાસે દલીલોની મહાશક્તિ હોય છે તેથી તે દલીલોનો જવાબ દલીલોથી આપી શકે છે પણ ઈશ્વર વિશેની પ્રચંડ દલીલો કરનારા પોતે દ્રઢ હોતા નથી.પંડિતો દલીલો સામે તો ટકી શકતા હોય છે પણ લોભ-લાલચ કે ભયની સામે ટકી શકતા નથી.સામૂહિક જીવનમાં દલીલોની જરૂર હોય છે પણ બહુ દલીલબાજો હૃદયથી કમજોર હોય છે કારણ કે તેમની પાસે શ્રદ્ધાનું બળ હોતું નથી.આવો બ્રહ્મભૂત સાક્ષાત્કારી ભક્ત પ્રસન્નાત્મા હોય છે.પ્રસન્નતા એટલે હર્ષ કે આનંદ કે સુખ નહિ.આ ત્રણે તત્વો સકારણ હોય છે.પ્રસન્નતા નિષ્કારણ સ્વભાવથી થતી હોય છે.જેમ કેટલાકનો સ્વભાવ કાયમ રોતી-સૂરત જેવો હોય છે,તે કાયમ માટે રોદણાં રડ્યા જ કરતા હોય છે તેમ કેટલાકનો સ્વભાવ પ્રસન્નાત્મક હોય છે તે દુ:ખ અને વિપત્તિમાં પણ પ્રસન્નતા રાખી શકે છે.બધું પરમેશ્વરની લીલા છે તેમ સમજીને બ્રહ્મભૂત પ્રસન્ન રહી શકે છે.

 

ન શોચતિ એટલે તેને શોક થતો નથી અથવા તે શોકને સહન કરી લે છે,પચાવી જાણે છે.શોક થાય જ નહિ તેવું કહેવું વધારે પડતું કહેવાય,શોક તો થોડો ઘણો થાય છે જ પણ તે તેને પચાવી જાણે,શોકના આઘાતમાં ગાંડો થઈ જાય છે.જીવન આઘાતો વિનાનું હોતું નથી.સૌને નાના-મોટા આઘાતો લાગતા હોય છે. જે બહુ જ લાગણીશીલ હોય છે તેને આઘાતની અસર વધુ થતી હોય છે.જે લાગણીહીન હોય છે. તેને આઘાતની અસર થતી નથી અથવા ઓછી થતી હોય છે પણ આવા લોકોને જીવનની અસર પણ ઓછી જ થતી હોય છે.લાગણી જ જીવન છે પણ લાગણીની સાથે જ્યારે સમજણ ભળે છે એટલે કે સમ્યકજ્ઞાન હોય છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે,આવો ભક્ત જીવનના આઘાતોને પચાવી શકતો હોય છે.

 

ન કાંક્ષતિ..કાંક્ષા એટલે ઇચ્છા-અપેક્ષા.અપેક્ષાઓ અપૂર્ણને હોય છે,જે નથી અને જેની જરૂર છે તેની અપેક્ષા હોય પણ જેને બધું જ પ્રાપ્ત થાય છે અથવા જેટલું પ્રાપ્ત છે તે બધું તેના માટે પૂર્ણ છે,કશી અપૂર્ણતા નથી તેને આકાંક્ષા ન હોય.ભક્ત ભિખારી ન હોય અને ભિખારી કદી ભક્ત ન હોય.અપેક્ષાઓ પંચમુખી હોય છે.ભૌતિક અપેક્ષાઓ,સામાજિક અપેક્ષાઓ,રાજકીય અપેક્ષાઓ,ધાર્મિક અપેક્ષાઓ અને આધ્યાત્મિક અપેક્ષાઓ.

 

ભૌતિક અપેક્ષાઓ એટલે સુખ-સગવડો મેળવવાની અપેક્ષાઓ.આ સુખ-સગવડોનાં સાધનો,ઉપકરણો, ધન વગેરે પ્રાપ્ત કરવાની અપેક્ષાઓ ભૌતિક અપેક્ષાઓ છે.સામાજિક અપેક્ષાઓ એટલે પોતાના સમાજમાં માન-સન્માન,ઊંચાં પદ વગેરેની અપેક્ષાઓ સામાજિક અપેક્ષાઓ હોય છે. રાજકીય અપેક્ષાઓ એટલે નાનાં-મોટાં પદો પ્રાપ્ત કરવાં,ચૂંટણી જીતવી,સત્તા મેળવવી વગેરે રાજકીય અપેક્ષાઓ હોય છે.આ ત્રણે અપેક્ષાઓ બ્રહ્મભૂતને નથી હોતી.તેને યથાલાભ સંતુષ્ટ જેવી સ્થિતિ હોય છે.ભૌતિક સુખ-સગવડો સામે ચાલીને આવે તો વાહ-વાહ,નહિ તો કાંઈ નહિ,મોટા ભાગે બ્રહ્મભૂત સમાજમુક્ત હોય છે.બહ્મભૂતોનો સમાજ નથી હોતો કારણ કે તે તો હજારોમાં એક હોય છે,તેનાં ટોળાં ન હોય તેથી તેને કોઈ સામાજિક અપેક્ષાઓ હોતી નથી. તેને રાજકીય અપેક્ષા પણ હોતી નથી તેને ચૂંટણી ન હોય.ચૂંટણી સંઘર્ષ વિનાની ન હોય,હા..કોઈ સામે ચાલીને સર્વાનુમતે પદ આવતું હોય તો આવે તેની એલર્જી પણ તેને હોતી નથી.

 

હવે બાકીની બે અપેક્ષાઓ રહી.ધાર્મિક અપેક્ષા: આ અપેક્ષા કલ્યાણકારી થઈ શકે છે.ધાર્મિક અપેક્ષા એટલે પોતે ધર્મનું બરાબર પાલન કરે.ધર્મવિરૂદ્ધ જીવન ન જીવવું,પોતાને સાચા ધાર્મિક પુરૂષો મળે અને તેમનાથી જ્ઞાનલાભ થાય વગેરે..આવી અપેક્ષાઓ કલ્યાણકારી કહેવાય છે અને તે થવી જોઈએ. આધ્યાત્મિક અપેક્ષાઓ:ધર્મથી થોડી ઉપરની આ અપેક્ષા છે.પોતે સાચી સાધના કરે,સત્સંગ મળે, ભજન કીર્તન થાય વગેરે..આવી અપેક્ષાઓ એ આધ્યાત્મિક અપેક્ષા છે જે કલ્યાણકારી છે.પ્રથમની ત્રણ અપેક્ષાઓને આકાંક્ષા કહેવાય છે અને પછીની બે અપેક્ષાઓને આકાંક્ષા નહિ શુભવૃત્તિ કહેવાય છે જે કલ્યાણકારી થઈ શકે છે.આવો બ્રહ્મભૂત પુરૂષ બધાં પ્રાણીઓમાં સમભાવ રાખે છે.તે દયાળુ અને માયાળુ હોય છે,સૌના ઉપર તેની કૃપા વરસતી રહે છે.

 

હવે અતિ મહત્વની વાત ગીતા કહે છે કે આવો બ્રહ્મભૂત પુરૂષ અંતે મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. અહીં પરાભક્તિ ચરમલક્ષ્ય થયું છે તેને ભક્ત આપોઆપ પ્રાપ્ત કરે છે.કેટલાક શુષ્કજ્ઞાનીઓ એવું માને છે કે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જ ભક્તિની જરૂર રહે છે,જ્ઞાન થયા પછી ભક્તિ આપોઆપ છૂટી જતી હોય છે.જેમ સામા કિનારે પહોંચ્યા પછી આપોઆપ નાવ છૂટી જતી હોય છે તેમ ગીતા આ વાતમાં સંમત નથી.ભક્તિ ક્યારેય છૂટવી ન જોઈએ,તે તો દિન-પ્રતિદિન વધવી જ જોઈએ.બ્રહ્મભૂત પુરૂષને ભક્તિમાંથી પરાભક્તિની પ્રાપ્તિ થતી હોય છે.પરને પમાડે તે પરાભક્તિ.આવી ભક્તિથી બ્રહ્મભૂત ધન્ય-ધન્ય થઈ જતો હોય છે.

 

જ્યાંસુધી સહેજપણ હર્ષ-શોક,રાગ-દ્વેષ વગેરે દ્રંન્દ્રો રહે છે ત્યાંસુધી તે સર્વત્ર વ્યાપક પરમાત્માની સાથે અભિન્નતાનો અનુભવ કરી શકતો નથી.અભિન્નતાનો અનુભવ ના થાય ત્યાં સુધી તમામ પ્રાણીઓમાં સમભાવ રાખી શકતો નથી.જ્યારે સમરૂપ પરમાત્માની સાથે અભિન્નતા થવાથી સાધકનો સર્વત્ર સમભાવ થઇ જાય છે ત્યારે તેનું પરમાત્મામાં પ્રતિક્ષણે એક વિલક્ષણ આકર્ષણ,ખેંચાણ અને અનુરાગ થઇ જાય છે તેને જ પરાભક્તિ કહે છે..બ્રહ્મભૂત થયા પછી જીવનો બ્રહ્મ સાથે તાત્વિક સબંધ થઇ જાય છે અને તાત્વિક સબંધ થવો એ જ મુક્તિ છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment