Wednesday, 23 October 2024

બોધકથા..સેવા ધર્મ જ અસલ ભક્તિ છે..

 બોધકથા..સેવા ધર્મ જ અસલ ભક્તિ છે..

 

એક શહેરમાં અમીર શેઠ રહેતા હતા.તે ઘણી ફેકટરીઓના માલિક હતા.એક રાત્રિએ તેમને અચાનક બેચૈની થવા લાગી.ર્ડાકટરને બોલાવવામાં આવ્યા અને તમામ પ્રકારની તપાસ કરવામાં આવી આમ હોવાછતાં કોઇ બિમારી ના નીકળી અને રાત્રે તેમની બેચૈની વધતી ગઇ.તેમને સમજમાં આવતું ન હતું કે આમ કેમ થાય છે? ઉંઘની ગોળીઓ ખાધી છતાં ઉંઘ આવતી નથી અને બેચૈની વધતી ગઇ.

 

મોડી રાત્રે ત્રણ વાગે તેઓ ઘરના બગીચામાં ફરવા લાગ્યા.ફરતાં ફરતાં તેમને લાગ્યું કે બહારનું વાતાવરણ ખુશનુમા છે તો રોડ ઉપર ચાલવા માટે નીકળી પડ્યા.ચાલતાં ચાલતાં હજારો વિચારો મનમાં ચાલતા હતા.હવે તે ઘરથી ઘણા દૂર નીકળી ગયા હતા અને થાક લાગતાં તે એક ચબૂતરા ઉપર બેસી ગયા.ચબૂતરા ઉપર બેસતાં તેમને થોડી શાંતિ મળી તેથી ત્યાં જ આરામથી બેસી ગયા.એટલામાં એક કૂતરો આવ્યો અને તેમની ચપ્પલ લઇને ભાગ્યો.શેઠ બીજો ચપ્પલ હાથમાં લઇને કૂતરાની પાછળ ભાગ્યા.

 

કૂતરો નજીકમાં આવેલી એક ઝુંપડપટ્ટીમાં પેસી ગયો.શેઠ કૂતરાની પાછળ પાછળ જાય છે.શેઠને આવતા જોઇને ચપ્પલ ત્યાં જ છોડીને ચાલ્યો જાય છે.શેઠે રાહતનો શ્વાસ લીધો અને પોતાની ચપ્પલ પહેરી લીધી,એટલામાં તેમને કોઇના રડવાની અવાજ સાંભળી.નજીક ગયા તો ઝુંપડીમાંથી રડવાની અવાજ આવી રહી હતી.

 

શેઠે ઝુંપડીની તૂટેલી દિવાલના કાણામાંથી જોયું તો ત્યાં એક સ્ત્રી કે જેના કપડા ફાટેલા છે અને મેલી ચાદર ઓઢેલી છે તે દિવાલ સાથે માથું મુકીને રડી રહી હતી.રડતાં રડતાં તે બોલી રહી હતી કે હે ભગવાન ! મને મદદ કરો.શેઠ વિચાર કરે છે કે અહીથી ચાલ્યો જાઉં કારણ કે કોઇ મારા વિશે ખરાબ ના વિચારે.ત્યાં જ તેમના દિલમાં વિચાર આવ્યો કે આ સ્ત્રી કેમ રડી રહી હશે? તેને શું તકલીફ હશે? અને તેમને પોતાના દિલની વાત સાંભળી નજીક જઇ દરવાજો ખટખટાવ્યો.તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને બહાર શેઠને જોઇને તે ગભરાઇ જાય છે.ત્યારે શેઠે હાથ જોડીને કહ્યું કે તમે ગભરાશો નહી.મારે તો એટલું જ જાણવું છે કે આપ કેમ રડી રહ્યા છો?

 

સ્ત્રીની આંખોમાંથી આંસૂ ટપકી રહ્યા હતા અને તેને પોતાની પાસેની ગોદડીમાં લપેટેલી સાત-આઠ વર્ષની બાળકીની તરફ ઇશારો કર્યો અને રડતાં રડતાં કહ્યું કે મારી બેબી ઘણી જ બિમાર છે અને તેના ઇલાજ માટે ઘણો ખર્ચ થશે.હું તો લોકોના ઘરોમાં કચરા-પોતા કરીને અમારૂં ગુજરાન ચલાવીએ છીએ.હું આ બાળકીનો ઉપચાર કેવી રીતે કરી શકું?

 

શેઠે કહ્યું કે તો કોઇની પાસેથી પૈસા માંગો.ત્યારે તે સ્ત્રી કહે છે કે હું જે ઘરોમાં કામ કરૂં છું તે તમામ પાસે માંગી જોયું પરંતુ કોઇ મદદ કરવા તૈયાર નથી.ત્યારે શેઠ કહે છે કે શું રડવાથી પૈસા મળી જશે? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે ગઇકાલે એક સંત અહીથી જઇ રહ્યા હતા તેમને મેં મારી સમસ્યા બતાવી તો તેમને કહ્યું કે બેટા..તમે સવારે ચાર વાગે ઉઠીને ઇશ્વર પ્રભુ પરમાત્મા પાસે માંગજો.કોથળો પાથરીને બેસી જાઓ અને રડીને ગદગદ કંઠે તેમની પાસે મદદ માંગો,તે બધાની પ્રાર્થના સાંભળે છે તે તમારી પ્રાર્થના પણ સાંભળશે.

 

મારી પાસે આના સિવાય કોઇ ઉપાય નથી એટલે હું પ્રભુ પરમાત્મા પાસે માંગી રહી છું તેમ કહીને તે ઘણા જ જોરજોરથી રડવા લાગી.તેના કરૂણ રૂદનથી શેઠનું દિલ પિગળી જાય છે અને તેમને તરત જ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી અને તે બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી.ર્ડાકટરે દોઢ લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ આપ્યો તો શેઠે થનાર તમામ ખર્ચની જવાબદારી સ્વીકારી અને બાળકીનો ઇલાજ કરાવ્યો.દિકરીના સારા થઇ ગયા પછી શેઠે તે સ્ત્રીને પોતાને ત્યાં નોકરીમાં રાખી લીધી અને સર્વન્ટ કર્વાટરમાં રહેવાની તથા દિકરીના ભણવાની જવાબદારી લીધી.

 

શેઠ કર્મપ્રધાન તો હતા પરંતુ નાસ્તિક હતા.હવે તેમના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા.દિકરીને હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ બોલાવી તે જ સમયે તેમની બેચૈની દૂર થઇ ગઇ હતી.શેઠ વિચાર કરી રહ્યા હતા કે એવી કંઇ શક્તિ છે કે જે મને અહી સુધી ખેંચી લાવી હતી? શું આ જ ઇશ્વર તત્વ છે? અને જો આ જ ઇશ્વર હોય તો સમગ્ર સંસાર અંદરોઅંદર ધર્મ,નાત-જાતના ઝઘડા કરી રહ્યો છે કારણ કે મેં તે સ્ત્રીની નાત-જાત પુછી જ નથી અને ઇશ્વરની પણ જાત-પાત જોઇ નથી.

 

બસ..ઇશ્વરે આ સ્ત્રીનું દર્દ જોયું અને મને આટલો ઘુમાવી ફેરાવીને તેના સુધી પહોંચાડી દીધો. હવે શેઠ સમજી ચુક્યા હતા કે કર્મની સાથે સેવા પણ કેટલી જરૂરી છે કારણ કે આટલી શાંતિ તેમને ક્યારેય મળી નહોતી જેટલી શાંતિ દિકરીના ઉપચાર અને મા-દિકરીના પાલન પોષણની જવાબદારી લીધા બાદ મને મળી છે.માનવ અને પ્રાણી માત્રની સેવાનો ધર્મ એ જ અસલી ભક્તિ છે.જો ઇશ્વરની કૃપા મેળવવા ઇચ્છતા હો તો માનવતાને અપનાવીએ અને સમય-સમય ઉપર તેમની મદદ કરવી જોઇએ જે લાચાર છે,બેબસ છે કારણ કે ઇશ્વર પ્રભુ પરમાત્મા તેમની આસપાસ જ રહે છે.

 

 

જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..? ૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન-રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે..? જ્યારે અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.

 

પ્રાણીઓની ઉ૫ર જન્મજ-જન્માંત્તરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્કર્મો કરવાની ચેષ્ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે, આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે, દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે.સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ.

 

આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ.તન,મન અને ધનથી પરમાત્માની સેવા કરો.તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે.ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે.મોહ ઓછો થાય છે.મનથી સેવા કરશો તો પાપ બળશે.મન પવિત્ર થશે,હૃદય પીગળશે અને મનને શાંતિ મળશે.ભગવાન કહે છે કે તમે એક કામ કરો તો હું તમારૂં રક્ષણ કરીશ.રોજ તમે એક કલાક નિયમપૂર્વક મારાં સેવા-સુમિરણ-સત્સંગ કરશો તો પછી બાકીના ત્રેવીસ કલાક હું તમારૂં ધ્યાન રાખીશ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment