*મૃત્યુનો સમય નજીક છે તે કેવી રીતે જાણી શકાય?*
મૃત્યુ સૂચક
ચિન્હો પૈકી સૌથી ૫હેલું લક્ષણ વૃદ્ધાવસ્થા છે પરંતુ નવાઇની વાત તો એ છે કે
વૃદ્ધાવસ્થા આવવા છતાં આપણને મૃત્યુનો ભય હોતો નથી.આ અવસ્થામાં મનુષ્યના ભાઇ-બંધુઓ
અને પૂત્ર પણ તેની આજ્ઞા માનતાં નથી અને પત્ની પણ પ્રેમ કરવાનું છોડી દે
છે.વૃદ્ધાવસ્થા આવે અને ઇન્દ્રિયો શિથિલ ત્યાર પહેલાં બુદ્ધિમાન પુરૂષે તમામ તુચ્છ
પ્રપંચોનો ત્યાગ કરીને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત સદગુરૂની શરણાગતિ
સ્વીકારી પ્રભુ પરમાત્માને જાણીને,માનીને તેમાં મન
લગાવવું જોઇએ.
મૃત્યુ પહેલાં
ચાર સંકેત આપવામાં આવે છે.પ્રથમ કાળા વાળ સફેદ થાય છે
અને સૂચિત કરવામાં આવે છે કે નામ-મોટાઇ અને ધનસંગ્રહની ઝંઝટ છોડીને પ્રભુ ભજનમાં
લાગી જાઓ પરંતુ મનુષ્ય બનાવટી રંગ લગાવીને સફેદ વાળને કાળા કરીને યુવાન બનવાના
સ્વપ્ન જુવે છે.
બીજો સંકેત
છે આંખોની રોશની ઓછી થવા લાગે છે તેમછતાં ચશ્મા
પહેરીને જગતને જોવાનો પ્રયાસ કરે છે પરંતુ આંખો બંધ કરીને સંસારમાંથી દ્રષ્ટિ
હટાવી પ્રભુના ધ્યાનમાં સૂરતા લગાવતો નથી. ત્રીજો સંકેત દાંત
પડવા લાગે છે પરંતુ માનવ નકલી દાંત લગાવીને ભૌતિક પદાર્થોનો સ્વાદ લેવાનું
ભુલતો નથી અને છેલ્લો સંકેત ભગવાને રોગ-ક્લેશ અને પીડાઓ
મોકલી પરંતુ અહંકારવશ મનુષ્ય તેના તરફ પણ ધ્યાન આપતો નથી.
મનુષ્ય કાળના
મોકલેલ સંકેતને ગણકારતો નથી અને અંત સમય નજીક આવે છે ત્યારે રડે છે. મૃત્યુ
જીવનનું અંતિમ સત્ય છે.અમે જીવનમાં ગમે તેટલી ભૌતિક સંપત્તિ ભેગી કરીએ,પદ
અને પ્રતિષ્ઠા મેળવીએ,ગમે તેટલા સારા સંતાનો હોય તેમછતાં એક
દિવસ બધું છોડીને જવું પડે છે.આપણો જન્મ થયો તે સમયે જ અમારૂં મૃત્યુ ક્યારે ક્યાં
અને કેવી રીતે થશે તે નક્કી થયું હોય છે માટે અમારે પ્રતિક્ષણ તેની તૈયારી કરવાની
છે.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ કરવાનું છે કેમકે ખબર નથી કે ગયેલો શ્વાસ પાછો આવશે
કે કેમ?
જેને પ્રાણ
તત્વને જાણી લીધું તેને વેદને જાણ્યો છે.શરીરમાં રહેલ આત્મા સર્વવ્યાપક
પરમાત્માનું જ સ્વરૂપ છે.માયારહિત જીવ એ બ્રહ્મનું સ્વરૂપ છે,બ્રહ્મ
જ છે.બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે.આ વાત અનુભવથી સમજવા સ્વરોદય
જ્ઞાન સાધન છે.પ્રાણનો સબંધ મન સાથે છે,મનનો બુદ્ધિ
સાથે,બુદ્ધિનો આત્મા સાથે અને આત્માનો પરમાત્મા સાથે સબંધ
છે.મૃત્યુનો સમય નજીક આવે ત્યારે આપણા શરીરમાં જે ફેરફારો થાય છે તેના ઉપરથી ખબર
પડે છે કે આપણું મૃત્યુ ક્યારે થશે.
ગૃહસ્થોએ
સૂર્યોદયના એક કલાક પહેલાં પથારી છોડી સ્વર પરીક્ષા
કરવી જોઇએ.સૂર્યોદય થવા છતાં જે ઉંઘી રહે છે તેવા માનવોની લક્ષ્મી-યશ
અને શાંતિનો નાશ થાય છે,રોગી થાય છે.કવિએ કહ્યું છે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર,બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર..
આપણે નાક
દ્વારા જે શ્વાસ લઇએ છીએ તે પૈકી જમણી નાસિકામાં ચોવીસ કલાક સુધી સતત અખંડ રૂપથી
શ્વાસ ચાલુ રહે તો તેનું આયુષ્ય હવે ત્રણ વર્ષ
બાકી છે,ડાબી નાસિકામાં ચોવીસ કલાક સુધી સતત અખંડ રૂપથી શ્વાસ ચાલુ
રહે તો તેની આયુષ્ય હવે બે વર્ષ બાકી છે એમ
સમજવું અને જેનો ડાબી બાજુનો સ્વર લગાતાર બે કે ત્રણ દિવસ સુધી સતત ચાલે તો તેની
આયુષ્ય એક વર્ષ બાકી રહ્યું છે તેમ સમજવું.
જે મનુષ્યનો
રાત્રે ચંદ્ર સ્વર અને દિવસે સૂર્ય સ્વર નિરંતર ચાલુ રહે તેનું છ માસમાં મૃત્યુ થાય છે. જેને સૂર્ય અને ચંદ્રના
પ્રતિબિંબ ના દેખાય તેનું અગિયાર માસમાં મરણ થાય
છે.જેનો સૂર્ય સ્વર સતત સોળ દિવસ સુધી ચાલે તેનું પંદર
દિવસમાં મૃત્યુ થાય છે.જેને સ્વપ્નમાં મળ-મૂત્ર અને સોનું ચાંદી દેખાય તે દશ માસથી વધુ જીવતો નથી.જેની વચલી ત્રણ આંગળીઓ મરડાય ના, રોગ
વગર જ કંઠ સૂકાઇ જાય તે છ માસમાં મરણ પામે છે.જેના
સ્તનનું ચામડું બહેરૂં થઇ જાય તે પાંચ માસમાં
દુનિયામાંથી વિદાઇ લે છે.જેના દાંત અને અંડકોષ દબાવવાથી દર્દ ના થાય તો તે ત્રણ માસમાં મરણ પામે છે.
ભૃકૃટી ના
દેખાય તો નવ દિવસમાં,તારા
ના દેખાય તો પાંચ દિવસમાં,નાક
ના દેખાય તો ત્રણ દિવસમાં અને જીભ ના દેખાય તો બે દિવસમાં મૃત્યુ થાય છે.બંન્ને નાસિકાઓના છિદ્ર દશ
દિવસ સુધી નિરંતર ઉર્ધ્વ શ્વાસ ચાલે તો તેનું ત્રણ દિવસમાં મૃત્યુ થાય છે.જો શ્વાસ
નાસિકાના બે છિદ્રો સિવાય મુખ દ્વારા લેવામાં આવે તો સમજવું કે બે દિવસમાં તે યમલોક માટે પ્રસ્થાન કરવાનો છે.જેના
મળ-મૂત્ર અને વિર્ય અથવા મળ-મૂત્ર અને છીંક એક સાથે આવે તેનું આયુષ્ય હવે એક કલાક જ બાકી છે તેમ સમજવું.
જેને
ઇન્દ્રનીલમણીના જેવા રંગવાળા નાગોનું ઝુંડ આકાશમાં અહીં તહીં ફેલાયેલું દેખાય તો
સમજો તેનું છ મહિનામાં મૃત્યુ થવાનું છે.જેનું
મૃત્યુ નજીક આવ્યું છે તેને અરૂંધતી(જીભનો અગ્રભાગ) અને
ધૃવ(નાસિકાનો અગ્રભાગ)નો તારો દેખાતો નથી.વિર્ય-નખ અને આંખોના ખુણા કાળા
પડી જાય તેનું છ માસમાં મૃત્યુ થાય છે.જેને પાણી-ઘી
અને દર્પણમાં પોતાનું મસ્તક દેખાતું નથી તે એક માસ
જ જીવે છે. બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય,વાણી સ્પષ્ટ ના નીકળે,રાત્રે
ઇન્દ્રધનુષ દેખાય,બે ચંદ્રમા અને બે સૂર્ય દેખાય..આ બધા
મૃત્યુના ચિન્હ દેખાય તેનું મૃત્યુ એક માસમાં થાય
છે.
હાથથી કાન
બંધ કરો અને કોઇપણ પ્રકારનો અવાજ ના સંભળાય તથા મોટું શરીર થોડા જ દિવસમાં
દુબળું-પાતળુ અને દુબળું-પાતળુ શરીર મોટું થઇ જાય તો એક
માસમાં મૃત્યુ થાય છે.જેને સ્વપ્નમાં ભૂત પ્રેત પિશાચ અસુર કાગડા કૂતરા ગીધ
શિયાળ અને સુઅર તેને ખેંચાખેંચ કરે અને ખાય છે તે વર્ષના અંતે પ્રાણ ત્યાગ કરીને
યમરાજાનાં દર્શન કરે છે.સ્વપ્નમાં કાળા રંગની કુવારી કન્યા જે પુરૂષને આલિંગનમાં
લે તે એક મહિનામાં યમપુરીનું દર્શન કરે છે.જે
મનુષ્ય સ્વપ્નમાં વાનરની સવારી કરી પૂર્વ દિશામાં જાય છે તે પાંચ દિવસમાં યમપુરી જાય છે.જો કંજૂસ મનુષ્ય ઉદાર બની
જાય કે ઉદાર મનુષ્ય કંજૂસ બની જાય તો તે જલ્દીથી મૃત્યુ પામે છે.
ઉપરોક્ત
મૃત્યુ સૂચક ચિન્હો જણાય ત્યારે સંસારની માયામાંથી મનને હટાવીને પ્રભુ નામ સ્મરણ
અને ભજનમાં જોડી દેવું જેથી ખરાબ ગતિ ના થાય અને આવતો ભવ સુધરે.અસાર સંસારની માયા ધન-સંપત્તિ, વિષય-વૈભવ,
સ્ત્રી-પૂત્ર પરીવારની ચિંતા છોડી ભગવાનની ભક્તિ કરવી જોઇએ કારણ કે
મૃત્યુ સમયે તેમાંનું કોઇ સાથે આવવાનું નથી,ફક્ત સત્કર્મ અને
ધર્મ જ સાથે આવે છે.મૃત્યુ સમયે જેનું ધ્યાન કરતાં કરતાં શરીર છોડે છે તે ભાવને
અનુરૂપ ફરીથી બીજો જન્મ મળે છે.અંતકાળના ચિંતન અનુસાર બીજું શરીર મળે છે.
ભગવાને
કહ્યું છે કે ’’જે માણસ અંતકાળમાં મારૂં સ્મરણ કરતાં કરતાં
શરીર છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે એમાં સહેજપણ સંશય
નથી.(ગીતાઃ૮/૫)’’ જ્યારે
અંતકાળના સુમિરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે
મનુષ્યે શું કરવું જોઇએ? તેનો ઉપાય બતાવતાં ભગવાન કહે છે
કે "તૂં સર્વ કાળે નિરંતર મારૂં સ્મરણ કર અને યુધ્ધ
(કર્તવ્ય કર્મ) ૫ણ કર,આ પ્રમાણે મારામાં
અર્પેલા મન બુધ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ."
ભગવાનની યાદ
આવવાથી હું શરીર છું અને શરીર મારૂં છે તેની યાદ રહેતી નથી એટલે તેને ભગવાનની
પ્રાપ્તિ થાય છે.જેનું મૃત્યુ નજીક છે તેને ગીતામાં રૂચિ હોય તો ગીતાનો આઠમો
અધ્યાય સંભળાવવો જોઇએ કેમકે આ અધ્યાયમાં જીવની સદગતિનું વર્ણન છે તેને સાંભળવાથી
ભગવાનની સ્મૃતિ થાય છે.વાસ્તવમાં જીવ પરમાત્માનો સનાતન અંશ હોવાથી તેનો પરમાત્માની
સાથે સબંધ છે.અંત સમયે નિશ્ચળ મનથી અને યોગબળથી બે ભ્રમરોની વચમાં પ્રાણોને સારી
રીતે પ્રવિષ્ટ કરીને શરીર છોડવાથી તે પરમ દિવ્ય પુરૂષને પ્રાપ્ત થાય છે.અચલ થવું
એટલે સગુણ નિરાકાર સ્વરૂપમાં આદરપૂર્વક દ્રઢ થવું. પ્રાણાયામ દ્વારા પ્રાણોને
રોકવા તેનું નામ યોગબળ છે.
ભગવાન કહે છે
કે તમામ ઇન્દ્રિયોના દ્વારોને રોકીને મનને હ્રદયપ્રદેશમાં સ્થિર કરીને પોતાના
પ્રાણોને મસ્તકમાં સ્થાપીને જે ઓમ એ એક અક્ષરબ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં
ચિંતન કરતાં શરીર છોડીને જાય છે તે પરમગતિ પ્રાપ્ત કરે છે.
નારદપુરાણમાં
તો સંત-મહાપુરૂષોના પ્રભાવની વિચિત્ર વાતો આવે છે કે જો સંત-મહાપુરૂષ જેનો અંત સમય
નજીક છે તે વ્યક્તિને,તેના મૃત શરીરને,તેની
ચિત્તાના ધુમાડાને કે તેની ચિત્તાની રાખને જોઇ લે તો પણ તે જીવનું કલ્યાણ થાય છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment