કૃષ્ણં વંદે
જગતગુરૂ
પંચભૌતિક
સ્વરૂપમાં સદગુરૂ મળે તો ઉત્તમ છે પણ જો કદાચ પ્રત્યક્ષ સદગુરૂ ના મળે તો ભૂતકાળમાં
થઇ ગયેલા કોઈ મહાપુરૂષમાં સદગુરૂની ભાવના રાખો. આવા સંતોનું આધિભૌતિક શરીર ભલે ના
હોય પણ તેઓનું આધ્યાત્મિક શરીર હજુ છે તેઓ આપણા માટે હજુ છે અને છેવટે કોઈ નહી તો
કૃષ્ણં વંદે જગદગુરૂમ્. પરમાત્મા શ્રીકૃષ્ણ જગતગુરૂ છે.સદગુરૂ માટે ફાંફાં મારવા
કરતાં પોતાની જાતને પહેલાં તૈયાર કરીએ તો સદગુરૂ સામેથી આવી મળશે.
જગતમાં
ગુરૂ સુલભ છે પણ સદગુરૂ મળવા દુર્લભ છે.સત્ય પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરાવે,સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરૂ. માત્ર શબ્દોથી ઉપદેશ આપે તેને ગુરૂ
કહેવાય.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરૂ ઠેર ઠેર જોવા મળે છે) જેનો પ્રત્યેક
વ્યવહાર જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યથી ભરેલો છે અને એક પળ પણ પ્રભુ પરમાત્માના દર્શન
વગર રહી શકતા નથી તે મહાત્મા સદગુરૂ છે.અધિકારી શિષ્યને સદગુરૂ અવશ્ય મળે છે.પરીક્ષિત
અધિકારી હતો એટલે સદગુરૂ સામેથી આવી મળ્યા.પાંચ પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં હતી.માતૃશુદ્ધિ
પિતૃશુદ્ધિ દ્રવ્યશુદ્ધિ અન્નશુદ્ધિ આત્મશુદ્ધિ.વર્તમાન સમયમાં શુદ્ધતા જોવા મળતી
નથી.જગતમાં નકલી માલ બહુ વધી ગયો છે.સાચા ગુરૂ કોણ છે? તેની
સમજ પડતી નથી માટે વિચારીને ગુરૂ કરજો કે જે પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરાવે..
ભગવાન
શ્રીકૃષ્ણએ જે લીલાઓ કરી છે તે આપણને જીવન કેવી રીતે જીવવું,
કર્તવ્યો કેવી રીતે બજાવવા તેની પ્રેરણા આપે છે.શ્રીકૃષ્ણ ભક્તિમાર્ગના આચાર્ય છે
તે સર્વ ઉપર પ્રેમ કરે છે.અમારે પણ તેમની જેમ સર્વ સાથે પ્રેમ કરવાનો છે.કોઈ પણ
સ્વાર્થ વગર,કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ કરવાનો છે.
પરમાત્માને
જાણ્યા પછી કાંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી.પરમાત્માને ત્યારે જ જાણી શકાય છે
જયારે પરમાત્મા કૃપા કરે છે અને પરમાત્મા ત્યારે જ કૃપા કરે છે જયારે કોઈ પણ સાધન
કરતો મનુષ્ય સાધનનું અભિમાન છોડી દીન થઈને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની શરણાગતિ
સ્વીકારે કે જેઓ વર્તમાન સમયમાં ભગવાનનું જ પ્રગટ બ્રહ્મસ્વરૂપ હોય છે.
શ્રીકૃષ્ણ એક
આદર્શ ગૃહસ્થાશ્રમી હતા.તેમના જેવો ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ.શ્રીકૃષ્ણ પાસે એકવાર દુર્યોધન
અને અર્જુન બંન્ને મદદ લેવા આવ્યા.દુર્યોધને તો અગાઉ તેમનું અપમાન કર્યું હતું
છતાં નફ્ફટ થઇને આવ્યો.સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહિ પણ આંગણે આવેલ
દુર્યોધનને મદદ આપવા ભગવાન તૈયાર થયા છે.દુર્યોધન અને અર્જુન બંનેમાં સમભાવ રાખે
છે તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી પણ આદર્શ સન્યાસી છે.
ભગવાન
કૃષ્ણે કહ્યું છે કે કોઈપણ રીતે,કોઈ પણ ભાવથી,જીવ મારી સાથે તન્મય બને તો મારા સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરૂં છું.કોઈ પણ
ભાવથી ઈશ્વરમાં તન્મયતા જરૂરી છે તેથી દરેક મનુષ્યે કોઈ પણ ઉપાયથી સંપૂર્ણપણે
પોતાનું મન પ્રભુમાં જોડવું જોઈએ.શિશુપાલ સાધારણ નહોતો તે ભગવાન વિષ્ણુનો પાર્ષદ
હતો.વેર કરનારને પણ શ્રીકૃષ્ણ સદગતિ આપે છે.વેર કરનાર સાથે પણ પ્રભુ પ્રેમ કરે છે તો
પછી જે ભક્ત પરમાત્મા સાથે પ્રેમ કરે તેણે ભગવાન મુક્તિ આપે એમાં શું આશ્ચર્ય?
ભગવાન રામની
લીલા સરળ છે જયારે ભગવાન શ્રીકૃષ્ણની લીલા ગહન છે,અટપટી
છે.રામજીની મર્યાદા સમજવી સહેલી છે પણ તેનું આચરણ કરવું અઘરૂં છે અને શ્રીકૃષ્ણની
લીલાનું રહસ્ય સમજવું અઘરૂં છે.રામજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે જ્યારે શ્રીકૃષ્ણ
સરળ સાથે સરળ અને કુટિલ જોડે કુટિલ વ્યવહાર રાખે છે.રામ મર્યાદા પુરુષોત્તમ છે
જયારે કૃષ્ણ એ પૂર્ણ પુરૂષોત્તમ છે.
ભગવાન
શ્રીકૃષ્ણ મોક્ષના સબંધમાં ગીતા(૧૮/૬૫)માં કહે છે કે તૂં મારો
ભક્ત થઇ જા,મારામાં મનવાળો બની જા,મારૂં પૂજન કરનાર બની જા અને મને નમસ્કાર કર.આમ કરવાથી તું મને જ પામીશ. ભગવાન
શ્રીકૃષ્ણએ ત્યાગ અને ભોગનો સમન્વય પોતાના અવતારકાળમાં કરી બતાવ્યો છે.ફક્ત ભોગ
અધઃપતનના માર્ગે લઇ જાય છે અને ફક્ત વિરક્તના વિચારો માનવીને શુષ્ક બનાવે છે.
પ્રભુ ૫રમાત્મા જયારે પોતાની અહૈતુકી કલ્યાણમયી દિવ્યલીલામાં સંલગ્ન
થાય છે ત્યારે તે ઘરતી, બ્રહ્મજ્ઞાની સાઘુસંતો ભકતો અને દેવતાઓના હિતાર્થે
લૌકિક નરરૂ૫માં સમય સમય ૫ર અવતાર ઘારણ કરે છે.ભગવાન ગીતામાં કહે છે કે જ્યારે જ્યારે
ધર્મની હાની થાય છે અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સાકારરૂપે
પ્રગટ કરૂં છું.સાધુ પુરૂષોની,ભક્તોની રક્ષા કરવા માટે,પાપ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું
યુગે યુગે પ્રગટ થાઉં છું.
ભગવાન
શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે જયાં મારૂં ૫રમઘામ છે તેને સૂર્ય ચંદ્ર કે અગ્નિ ૫ણ
પ્રકાશિત કરી શકતાં નથી અને જેને પ્રાપ્ત થઇને
જીવ ફરીથી સંસારમાં આવતો નથી તે જ મારૂં પરમધામ છે.
ગીતાનો
સાર એક જ શ્લોક(૧૮/૬૬)માં સમજાવતાં ભગવાન કહે છે કે તમામ ધર્મો એટલે કે
તમામ કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી તૂં ફક્ત એક મારા સર્વશક્તિમાન પરમેશ્વરના શરણમાં
આવી જા, હું તને તમામ પાપોમાંથી મુક્ત કરી દઇશ,તૂં શોક ના કરીશ.ગીતામાં ક્યાંય શ્રી કૃષ્ણ ઉવાચ
શબ્દ નથી પરંતુ શ્રી ભગવાન ઉવાચ શબ્દ છે એટલે તેનો અર્થ એ છે કોઇ ક્ષોત્રિય
બ્રહ્મનિષ્ડ તત્વવેત્તા આત્મજ્ઞાની સંતની શરણાગતિ સ્વીકારવાથી એક પ્રભુ પરમાત્માની
પ્રત્યક્ષ અનુભૂતિ કરી લઇશું તો જ ગીતાના વાસ્તવિક તત્વને સમજી શકીશું.
તમામ
ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર
ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી
મુક્ત કરી દે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment